અંતિમ વળાંક - 13 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ વળાંક - 13

અંતિમ વળાંક

પ્રકરણ ૧૩

એરપોર્ટ પર મૌલિક ઇશાનને મૂકવા આવ્યો ત્યારે ઇશાનના ખભા પર હાથ રાખીને બોલ્યો હતો.. ”ઇશાન, બીજા લગ્ન કરવા માટે ચાલીસ વર્ષ કાંઈ વધારે ઉમર ન કહેવાય”.

ઇશાનને યાદ આવ્યું માત્ર ચાલીસ વર્ષની ઉમરે તેના કપાળ પર વિધુરનું લેબલ લાગી ગયું છે. “ઇશાન, તારું દર્દ સમજી શકું છું. તારું દર્દ ઓછું થાય તે માટે જ કહું છું .. ઇન્ડિયામાં કોઈ સારી છોકરી મળે તો લગ્ન કરીને જ આવજે”.

ઈશાને સજળનેત્રે મૌલિકની આંખમાં જોયું હતું. નેન્સીને ગુમાવ્યા બાદ આજીવન કુંવારા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા લેનાર તેનો જીગરી યાર મૌલિક તેને બીજા લગ્ન માટે સલાહ આપી રહ્યો હતો.

“ઇશાન, તારા મનમાં રમતી વાત હું સમજી શકું છું. મારા અને તારા સંજોગો અલગ છે. તારે હવે મિતનો પણ વિચાર કરવાનો છે. તેને પણ મા નો પ્રેમ મળી જશે”.

મિતને આજે સ્કૂલમાં પરીક્ષા હોવાથી તે એરપોર્ટ આવ્યો નહોતો. મિતની યાદ આવતાં જ ઇશાનની આંખો છલકાઈ ઉઠી હતી. છૂટા પડતી વખતે ઇશાન નાના બાળકની જેમ મૌલિક ને ભેટી પડયો હતો. મૌલિકે ઇશાનના કાનમાં ધીમેથી કહ્યું હતું.. ”દોસ્ત. મારી સલાહ ધ્યાનમાં રાખજે”. વાતાવરણ હળવું કરવા મૌલિક આગળ બોલ્યો હતો “ઇશાન, ગીતાના અઢારમાં અધ્યાયના ત્રેસઠમાં શ્લોકમાં શ્રી કૃષ્ણએ અર્જૂનને કહ્યું હતું.. ”હે પાર્થ, મેં તો તને સમજાવ્યું પણ એ મુજબ વર્તન કરવું કે નહિ એ તારી ઈચ્છા પર આધારિત છે”.

ઇશાન મૌલિકનો મિત્રપ્રેમ સારી રીતે સમજતો હતો. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે માણસની મતિ મૂંઝાઈ જતી હોય છે અને તેની દશા અર્જૂન જેવી જ થઇ જતી હોય છે. ઇશાનના જીવનમાં પણ અત્યારે વિષાદયોગ જ ચાલી રહ્યો હતો.

એકાએક એરક્રાફ્ટે વાદળાઓની વચ્ચે વળાંક લીધો. પાયલોટનો ધીર ગંભીર અવાજ માઈક્રો ફોનમાંથી રેલાઈ રહ્યો હતો. “યોર એટેન્શન પ્લીઝ... લેડીઝ એન્ડ જેન્ટલમેન. ધીસ ઈઝ કેપ્ટન વર્ગીસ અગેઇન. નેક્સ્ટ વી વીલ રીચ એહમદાબાદ શોર્ટલી. વેધર એટ એહમદાબાદ ઈઝ રીપોર્ટેડ મોસ્ટલી ક્લીઅર સ્કાય વીથ ટેમ્પરેચર એટ ૩૦ સેલ્સિયસ. હોપ યુ હેડ અ પ્લેઝન્ટ ફ્લાઈટ વીથ અસ ટુડે એન્ડ વિલ ગીવ અસ ઓપરચ્યુનીટી ટુ સર્વ યુ અગેઇન વ્હાઈલ ચૂઝીંગ એની એમિરેટ્સ ફ્લાઈટ્સ ઇન ફ્યુચર. વી વિશ યુ પ્લેઝન્ટ સ્ટે ઇન એહમદાબાદ એન્ડ વેરી પ્લેઝન્ટ જર્ની ઓન વર્ડસ.. થેન્ક યુ”.

ઇશાનને રીસીવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર મોટાભાઈ, ભાભી અને બાળકો આવ્યા હતા. ઇશાન મોટાભાઈને સજળ નેત્રે ભેટી પડયો હતો. ભાભી અને બાળકો રામ લક્ષ્મણ જેવા બંને ભાઈઓના મિલનના સાક્ષી બની રહ્યા.

રાત્રે જમીને બધા નિરાંતે બેઠા ત્યારે મોટાભાઈ એ જ વાત કાઢી હતી. “ઇશાન, ચાલીસ વર્ષ વધારે ઉમર ન કહેવાય”. ઇશાન સમજી ગયો કે મોટાભાઈ તેને બીજા લગ્ન માટે કહી રહ્યા છે. “મોટાભાઈ, ઉર્વશીને હું ક્યારેય નહિ ભૂલી શકું”. બોલતાં બોલતાં ઇશાનની આંખના ખૂણા ભીના થયા. “ઇશાન, ભૂલવાનું કોણ કહે છે? મરણ પછી જે વ્યક્તિ પોતાનું સ્મરણ મૂકી જાય તે જ સાચું જીવન જીવી ગઈ કહેવાય. ઉર્વશી પણ કાયમ માટે આપણા બધાના દિલમાં સ્મરણ મૂકતી ગઈ છે. હું તો એટલું જ કહેવા માંગુ છું કે હજૂ ઘણી જિંદગી બાકી છે... રસ્તો ઘણો લાંબો છે કોઈક સાથીની જરૂર તો તારે પડશે જ. આમ પણ સહારાની જરૂર ઘડપણમાં જ વધારે પડતી હોય છે”. બોલતાં બોલતાં મોટાભાઈએ પત્ની લક્ષ્મી સામે જોયું.

લક્ષ્મીભાભીએ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું “ઇશાન, તારે મિતનો પણ વિચાર કરવાનો છે”.

“ભાભી, હવે તો મિત જ મારો એક માત્ર સહારો છે. મારા જીવનમાં ઉર્વશીનું સ્થાન બીજી કોઈ સ્ત્રી કયારેય લઇ શકશે નહી”.

“ઇશાન, મિત હજૂ ઘણો નાનો છે. સાત વર્ષની ઉમરે બાળકને સૌથી વધારે જરૂર તેની મા ની હોય છે” ભાભીએ કહ્યું હતું.

“ભાભી, પપ્પાએ ક્યાં બીજા લગ્ન કર્યા હતા? મારી માતાની ખોટ તમે જ પૂરી કરી હતી ને?”

“ઇશાન, મમ્મીના અવસાન સમયે પપ્પાની ઉમર સુડતાલીસ એટલેકે તારા કરતાં સાત વર્ષ વધારે હતી. વળી તેમની પાસે ઘરમાં સ્ત્રી લાવવાનો વિકલ્પ પણ હતો જે તેમણે પસંદ કર્યો હતો... તને યાદ છે ને કે મને માત્ર એકવીસ વર્ષની ઉમરે પરણાવી દેવામાં આવ્યો હતો. ” ઇશાનને યાદ આવ્યું કે મમ્મીના અવસાન વખતે મોટા ભાઈ એકવીસ વર્ષના હતા. જયારે તેના ખુદના કિસ્સામાં તો મિત પણ માત્ર સાત વર્ષનો જ છે.

“મોટાભાઈ, કાલે તો હું અસ્થિવિસર્જન માટે હરિદ્વાર માટે રવાના થઈશ. દસેક દિવસ તો મારે ત્યાંના શાંત અને પવિત્ર વાતાવરણમાં જ રહેવાની ઈચ્છા છે”.

“ઇશાન, અમે પણ તારી સાથે આવીશું.. એકલા જવાની જરૂર નથી”. મોટાભાઈએ લાગણીસભર અવાજે કહ્યું.

“મોટાભાઈ,હું એકલો નથી” ઇશાનની વાત સાંભળીને મોટાભાઈ અને ભાભી ચમક્યા.

ઈશાને બેગમાંથી અસ્થિકુંભ કાઢીને કહ્યું “ઉર્વશી મારી સાથે જ છે”

મોટાભાઈ અને ભાભી બંને ઢીલા પડી ગયા. ઇશાનને ખબર નહોતી કે ત્રણ દિવસ પહેલાં જ મોટાભાઈએ મૌલિક સાથે વાત કરી હતી અને મૌલિકને પણ વાત વાતમાં ઈશારો આપ્યો હતો “ઇશાન ઇન્ડિયા આવે એટલે તેને બીજા લગ્ન માટે રાજી કરી જ દેવો છે”. સામે છેડેથી મૌલિકે ઇશાનની મનોદશાનો ચિતાર આપ્યો હતો. છેલ્લા એક વર્ષથી ઈશાને ઓફીસ કામ સિવાય કેમેરાને હાથ પણ નહોતો લગાડયો તે વાત પણ તેણે મોટાભાઈને કરી હતી. ઇશાન જયારે બેગ પેક કરી રહ્યો હતો ત્યારે મૌલિકે પરાણે કેમેરો બેગમાં મૂકાવ્યો હતો અને સમજાવ્યું હતું... ”ઇશાન આપણે જે વ્યક્તિને દિલોજાનથી ચાહી હોય... તેના ગયા પછી તેના આત્માને દુઃખ થાય તેવું વર્તન ક્યારેય ન કરવું જોઈએ. ઇન્ડિયા જઈને ફોટા ન પાડવાની તારી બાધાને પણ ગંગાજીમાં પધરાવી આવજે”

“હા પપ્પા, અંકલની વાત સાચી છે”. મિત પણ બોલી ઊઠયો હતો.

ઈશાને અસ્થિકુંભ પરત મૂકવા માટે બેગ ફરીથી ખોલી ત્યારે તેમાં કેમેરો દેખાયો. મોટાભાઈ તરત સમજી ગયા કે કેમેરો પણ પરાણે જ મૌલિકે સાથે આપ્યો હશે.

બીજે દિવસે બપોરે દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ઈશાને હરિદ્વાર જવા માટે ટેક્ષી પકડી લીધી હતી. હોટેલમાં રાત વિતાવીને સવારે ઇશાન સફેદ લેંઘો ઝભ્ભો પહેરીને ખભે કેમેરો લટકાવીને હાથમાં ઉર્વશીના અસ્થિકુંભ સાથે ગંગાજીના કિનારે પહોંચી ગયો હતો. ચંપલ કાઢીને તે ગોઠણ સુધી પાણીમાં ધીમે ધીમે આગળ વધ્યો હતો. અસ્થીને સાચવીને ઈશાને ગંગાજીના વહેતાં પાણીમાં પધરાવ્યા ત્યારે તેની આંખ ભીની થઇ ગઈ હતી. ઉર્વશી જાણે કે આસપાસમાં જ હોય તેવો તેને ભાસ થયો. ઇશાન અશ્રુભીની આંખે પાણીમાં વહેતાં કુંભને બંને હાથ જોડીને નિહાળી રહ્યો. પગ પાસે પાણીના ફરતાં ગોળ વલયોમાં ઇશાનને ઉર્વશીનો હસતો ચહેરો દેખાયો... ઉર્વશી જાણે કે કહી રહી હતી... ઇશાન,હવે છેલ્લે છેલ્લે મારો ફોટો તો પાડ યાર... ઈશાને તરત ખભે લટકાવેલ કેમેરો હાથમાં લઈને પાણીમાં વહી રહેલા અસ્થિકુંભનો ફોટો પાડી લીધો. ઈશાને અનાયાસે જ આકાશ સામે જોયું. ઉર્વશીએ એક વાર કહ્યું હતું “ઇશાન, મારો પ્રેમ વરસાદના ઝાપટાં જેવો નથી કે આવે ને જાય... મારો પ્રેમ તો આકાશ જેવો છે, તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે આવશે”. ઇશાન ની આંખો ફરીથી ઝીલમિલાઈ. પાણીમાંથી બહાર આવીને ઈશાને ચંપલ પહેરીને ધીમે ધીમે હોટેલ તરફ ચાલવાનું શરુ કર્યું. રસ્તામાં એક આશ્રમ પાસે અચાનક ઇશાનના પગ થંભી ગયા. વિશાળ ખુલ્લા દરવાજામાંથી ઈશાને અંદર નજર કરી તો થોડે દૂર વ્યાસપીઠ પર બેઠેલા મહારાજનો મધુર અવાજ માઈક પરથી રેલાઈ રહ્યો હતો. સીતેર એંસી જેટલાં શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને કથા શ્રવણ કરી રહ્યા હતા. મહારાજ જે શબ્દો બોલી રહ્યા હતા તે સાંભળીને ઇશાન કાંઇક યાદ કરવાની કોશિશ કરવા લાગ્યો. અરે.. આ શબ્દો તો બાળપણમાં ક્યાંક સાંભળ્યા હતા. તેણે તેની સ્મૃતિને ઢંઢોળી. ઇશાનને યાદ આવી ગયું. તેની આંખમાં એક અજીબ પ્રકારની ચમક આવી ગઈ. ઈશાને આશ્રમની અંદર જવા માટે ઝડપથી પગ ઉપાડયા.

ક્રમશઃ