અંતિમ વળાંક - 12 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અંતિમ વળાંક - 12

અંતિમ વળાંક

પ્રકરણ ૧૨

દુબઈથી અમદાવાદ માટે એર ક્રાફ્ટે ટેઈક ઓફ કર્યું ત્યારે ચાલીસ વર્ષના ઇશાનની છાતીમાં એક હળવો થડકાર થયો હતો. રૂપાળી એરહોસ્ટેસને કોરીડોરમાં ટ્રોલી લઈને ફરતી જોઇને ઈશાનની આંખ ઉર્વશીની યાદમાં ભીની થઇ ગઈ હતી. ઇશાન વિચારી રહ્યો.. ઉર્વશીએ પણ તેની કરિયરમાં અઢળક પેસેન્જર્સને આવું ફોર્મલ સ્માઈલ આપ્યું જ હશે ને ? ઇશાન હવે ઉંઘી જવા માંગતો હતો પણ ઉર્વશીની અઢળક યાદો અને વિચારોનો વંટોળ મનમાં આંધી બનીને ઉડી રહ્યો હતો. જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે માણસને ખુદનો પડછાયો પણ ટૂકડાઓમાં દેખાવા લાગે છે. ઈશાનની પણ એ જ દશા હતી. તેના દિલનો ટૂકડો ઉર્વશી તેને કાયમ માટે છોડીને જતી રહી હતી. લગ્ન બાદ દરેક વખતે ઉર્વશી સાથે જ ઇન્ડિયા જવાનું થયું હતું. આ પહેલી વાર ઇશાન એકલો ઇન્ડિયા જઈ રહ્યો હતો અને તે પણ ઉર્વશીના અસ્થિ સાથે! સાત વર્ષના મિતને સ્કૂલ ચાલુ હતી તેથી તે મૌલિકના ઘરે જ રોકાયો હતો. ઉર્વશીના અવસાન પછીનું આ એક વર્ષ ઇશાન એકલતાનું આકાશ ઓઢીને જ જીવ્યો હતો. ઉર્વશી આમ તેને મધદરિયે એકલો છોડીને કાયમ માટે જતી રહેશે તેવી તો ઇશાનને કલ્પના પણ ક્યાં હતી? એરક્રેશમાં થયેલા ચમત્કારિક બચાવ બાદ જાણે કે ઉર્વશીને મૃત્યુનો સંકેત મળી ગયો હોય તેમ તેણે સામે ચાલીને જ મિતને દત્તક લેવડાવ્યો હતો. મિતને દત્તક લીધા બાદ તે એક વાર બોલી પણ ગઈ હતી કે “ઇશાન, ભવિષ્યમાં મારી હાજરી નહિ હોય ત્યારે પણ તારે મિતનો સહારો તો હશે જ”.

ઘરમાં મિતના આગમન બાદ ઉર્વશી અને ઇશાનના જીવનમાં જાણેકે વસંત ઋતુ બેવડાઈ હતી. વિક એન્ડમાં ત્રણેય સાથે જ આઉટીંગ માટે જતા. ઇશાન આજુબાજુના કુદરતી સૌંદર્યને તેના કેમેરામાં કેદ કરતો અને મા દીકરાને સરસ મજાની પીકનીક થઇ જતી.

એક વાર નાનકડા મિતે પૂછયું પણ હતું “પપ્પા,તમે માત્ર નેચરલ સીનસીનેરીના જ કેમ ફોટા પાડો છો ? મમ્મીના ફોટા કેમ નથી પાડતા? ઉર્વશીએ મજાક કરી હતી “ બેટા પપ્પાને મારા ફોટાને લીધે નહિ પણ નેચરલ ફોટાને લીધે જ એવોર્ડ મળશે” ઈશાને પોતાના દિલ પર હાથ રાખીને કહ્યું હતું “બેટા, તારી મમ્મીનો ફોટો તો તેને પહેલી વાર જોઈ ત્યારથી અહીં કેદ છે.. હ્રદયમાં રહેલા ફોટા ક્યારેય વિસરાતા નથી. ” ઇશાનની ફોટોગ્રાફી પ્રત્યેની પેશન તેને સફળતાના શિખરો તરફ લઇ જઈ રહી હતી. ઇશાનને ફોટોગ્રાફીની વર્લ્ડ લેવલે યોજાતી કોન્ફરન્સમાં હાજર રહેવા માટેના આમંત્રણ મળવા લાગ્યા હતા. આખરે ઇશાનના જીવનમાં એ દિવસ પણ આવી પહોંચ્યો હતો જેનું સ્વપ્ન ઇશાને હમેશા ખુલ્લી આંખે જોયું હતું. હા.. રોયલ આલ્બર્ટ હોલમાં માત્ર ઇશાનના જ ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશ વિદેશમાંથી કલાક્ષેત્રના જાણીતા લોકો લંડનમાં ઉતરી આવ્યા હતા. પત્રકારો ચેનલ પર ઇશાનનો લાઈવ ઇન્ટરવ્યુ પ્રસારિત કરી રહ્યા હતા. થોડી વાર બાદ ઇશાનને બેસ્ટ ફોટોગ્રાફરની ટ્રોફી આપીને તેનું સન્માન કરવાનો પ્રોગ્રામ હોલમાં જ ગોઠવવામાં આવ્યો હતો. લંડન ખાતેના ઇન્ડીયન એમ્બેસીના હાઈ પ્રોફાઈલ પ્રતિનિધિઓ પણ ઇશાન સાથે ફોટા પડાવવા પડાપડી કરી રહ્યા હતા. ઇશાનના જીવનમાં ગૌરવપ્રદ અને યાદગાર ક્ષણો ઉમેરાતી જતી હતી. ઇશાનની નજર હોલના મુખ્ય દરવાજા તરફ પથરાયેલી હતી. ઇશાન ઉર્વશી અને મિતની રાહ જોઈ રહ્યો હતો. મિત અને ઉર્વશી પ્રોગ્રામમાં હાજર રહેવા માટે ઘરેથી નીકળી ચૂક્યા હતા. જોકે નિયતિએ કાંઇક અલગ જ ખેલ ખેલવાનું નક્કી કરી લીધું હતું. ઇશાનને કલ્પના પણ નહોતી કે આજનો આ શુભ દિવસ જ ઉર્વશી માટે જીવલેણ બનવાનો છે. ગણતરીની ક્ષણોમાં જ પ્રોગ્રામ શરુ થઇ ગયો. મૌલિકની સાથે ઇશાન પણ યંત્રવત દોરવાયો. મૌલિક ઇશાનની મૂંઝવણથી વાકેફ હતો. તેણે ઇશાનના કાનમાં કહ્યું “મેં હમણા જ ઉર્વશી સાથે વાત કરી છે તેઓ દસેક મીનીટમાં જ પહોંચી જશે”. આખરે ઇશાનનું નામ ઘોષિત થયું ઇશાન નાછૂટકે ઉર્વશીની ગેરહાજરીમાં જ ટ્રોફી લેવા માટે સ્ટેજ પર પહોંચ્યો. સમગ્ર હોલ કેમેરાના ફ્લેશ અને તાળીઓના ગડગડાટથી છલકાઈ ગયો હતો. ઇશાનને માઈક આપવામાં આવ્યું ત્યારે તે ભીની આંખે અંગ્રેજીમાં એટલું જ બોલી શક્યો “આજે મારું અને મારી વાઈફ ઉર્વશીનું .. અમારી ચાર આંખે જોયેલું સ્વપ્ન સાકાર થયું છે”. ઇશાન હાથમાં ટ્રોફી સાથે સ્ટેજ પરથી નીચે આવ્યો કે તરત મૌલિક તેનો હાથ પકડીને લગભગ દોડવા લાગ્યો. ઇશાનને કાંઇક અજૂગતું થયાનો અણસાર આવી ગયો. બંને કારમાં બેઠા કે તરત મૌલિક બોલ્યો “ ઇશાન, હમણા જ મેસેજ આવ્યો છે ઉર્વશી અને મિતને નોર્થવીક પાર્ક હોસ્પિટલમાં એડમીટ કર્યા છે. તેમની કારને અકસ્માત થયો છે. હોસ્પિટલમાં કાર પાર્ક કરીને બંને મિત્રો દોડતાં દોડતાં એ વોર્ડમાં પહોંચ્યા જ્યાં મિત તેમની રાહ જોતો હતો. મિતને સાજોસમો જોઇને ઇશાનને થોડી રાહત થઇ.

ઈશાને મિતને તેડીને ચુંબનોથી નવડાવી દીધો. મિતે અશ્રુભીની આંખે ઓપરેશન થિએટર તરફ અંગૂલી નિર્દેશ કર્યો જ્યાં ડોકટરો ઉર્વશીને બચાવવાના મરણીયા પ્રયત્નો કરી રહ્યા હતા. ડોક્ટરને જયારે ખબર પડી કે આવનાર વ્યક્તિ પેશન્ટનો પતિ છે એટલે તેણે તરત ઇશાનને અંદર આવવા દીધો. ઉર્વશીને ગંભીર બ્રેઈન ઇન્જરી થઇ હતી તેના કાનમાંથી લોહી વહી ગયેલું દેખાતું હતું. ઉર્વશી કોમામાં સરી પડી હતી. ઇશાન રડતી આંખે ઉર્વશીને ઢંઢોળીને મોટેથી બોલ્યો ... “ઉર્વશી, જો તો ખરી, મારા હાથમાં શું છે ? આ ટ્રોફી મારા એકલાની નથી તેમાં તારો પણ હિસ્સો છે”. એકાએક ઉર્વશીએ આંખ ખોલી. ઉર્વશી સરળતાથી ભાનમાં આવે તેવી કોઈ જ શક્યતા ન જોઈ રહેલા ડોકટરો ચમક્યા. ડોકટરો અચરજથી ઉર્વશીને તાકી રહ્યા. કુદરત ક્યારેક ક્યારેક મેડીકલ સાયન્સને પણ હરાવી દેતું હોય છે. જોકે ઉર્વશીના તે અંતિમ શ્વાસ હતા. ઇશાનના જમણા હાથમાં ઉર્વશીનો ડાબો હાથ હતો. દિવો હોલવાય ત્યારે એકદમ વધારે પ્રકાશ આપે છે... ઉર્વશીએ પણ ઇશાનની ટ્રોફી સામે જોયું... ત્યાર બાદ સસ્મિત ચહેરે ઇશાનની આંખમાં જોયું અને દેહ છોડી દીધો. ઉર્વશીનો ઠંડો પડી ગયેલો હાથ હજૂ ઇશાનના હાથમાં જ હતો. ઈશાને ચીસ પાડી... “ઉર્વશી, એમ હું તને નહી જવા દઉં.. યાદ છે ને તને ? આપણે સાથે વૃદ્ધ થવાનું નક્કી કર્યું હતું... આપણો તો અમર પ્રેમ છે તેમ તું જ કાયમ કહેતી હતી.. યાદ છે ને? ઇશાનની ચીસો ના પડઘા હોસ્પીટલની બહેરી દીવાલોમાં અથડાતા રહ્યા. દરવાજો ખોલીને અંદર આવી ચૂકેલો મિત ઇશાનને વળગીને રડવા લાગ્યો. મૌલિકે ઇશાનને આશ્વસ્ત કરવાની ઘણી કોશિશ કરી પણ ઇશાન ભાંગી પડયો હતો. ઉર્વશીના જવાથી તેની દુનિયા ખરેખર લુંટાઈ ગઈ હતી. ઉર્વશી માત્ર ઇશાનની પત્ની જ નહોતી પણ તેનો પ્રથમ પ્રેમ પણ હતી... તેનું સર્વસ્વ હતી. ઉર્વશીના અંતિમ સંસ્કાર માટે દસ દિવસ પછીની તારીખ આપવામાં આવી હતી. અકસ્માતનો કેસ હતો તેથી શબનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને લંડનના કાયદા મુજબ શબને કોલ્ડ સ્ટોરેજમાં મોકલી દેવામાં આવ્યું. દસ દિવસમાં તો ઇશાનની ઉમર જાણેકે દસ વર્ષ વધી ગઈ હતી. મૌલિક રાત દિવસ જોયા વગર ઇશાન અને મિતની સાથે પડછાયાની જેમ ઉભો રહ્યો હતો.

અંતિમ સંસ્કાર બાદ બીજે દિવસે ..... હોલમાં ઉર્વશીની યાદમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્વશીના હાર ચડાવેલા ફોટાની એક બાજૂ ઇશાન અને બીજી બાજૂ મિત બેઠો હતો. ઈશાનના દુઃખમાં સહભાગી થવા માત્ર ગુજરાતીઓ જ નહિ બલકે ઈશાનના પરિચિત અસંખ્ય બ્રિટીશ માનવ મહેરામણ પણ ઉમટી પડયું હતું.

ઉર્વશીની અણધારી વિદાય બાદ આ એક વર્ષમાં ઇશાન તૂટી ગયો હતો. તેના જીવનમાં ઉર્વશી માત્ર અને માત્ર ખાલીપો મૂકતી ગઈ હતી. દરરોજ રાત્રે મિત ઊંઘી જાય પછી ઇશાન ઉર્વશીના ફોટાને ભીની આંખે તાકી રહેતો અને ક્યારેક ફોટા સાથે વાતો પણ કરતો. મૌલિકે ઇશાનને ડીપ્રેશનમાંથી બહાર લાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા પણ ઇશાન ઉર્વશીના અવસાનને સ્વીકારવા જ તૈયાર નહોતો. આખરે મૌલિકે કહ્યું હતું “જો દોસ્ત, એક વાર ભાભીના અસ્થિને ઇન્ડીયા જઈને ગંગાજીમાં પધરાવી આવ. તેમ કરવાથી તેમના આત્માને શાંતિ મળશે અને તને પણ રાહત લાગશે. આખરે આજે ઇશાન ઉર્વશીના અસ્થિવિસર્જન માટે લંડનથી ઇન્ડિયા જવા માટે ઉડી રહ્યો હતો.

ક્રમશઃ