Nafratni aag ma prem nu khilyu gulaab - 28 - last part books and stories free download online pdf in Gujarati

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ - ૨૮ (અંતિમ ભાગ)

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૮ (અંતિમ ભાગ)
ઉમેશભાઈ સિવાય બધાંને પોતાની ભૂલ સ્વીકાર્ય હતી. બધાંએ પોતપોતાની ભૂલની માફી પણ માંગી લીધી હતી. મોહનભાઈની ઘરે એકસાથે ભોજન અને વાતો કર્યા બાદ બધાં ખુશ હતાં.
પાંચ વર્ષ પછી....
"અરે, સંધ્યા, ઉઠ ને હવે!!"

"સૂવા દે ને, મીરુ."

"આજે આપણાં લગ્ન છે..ભૂલી ગઈ તું??"

"ઓહ...અરે યાર...એ કેમ કરી ભૂલાય!!"

સંધ્યા ફટાક દઈને ઉભી થઈ...સામે મીરાં ઘેરાં લાલ રંગનાં લહેંગામા સજ્જ, જાતજાતનાં ઘરેણાં અને કલીરે લટકાવેલ લાલ ચટાકેદાર બંગડીઓ પહેરીને ઉભી હતી.

"હાયે, આજ તો કાર્તિક ઘાયલ જ થઈ જવાનો!!"

"પહેલાં તું તૈયાર થા..પછી ખબર પડશે...કોણ?? કોને?? ઘાયલ કરે છે!! જો તારે પહેરવાની બધી વસ્તુઓ તૈયાર કરીને રાખી છે..આજે તને હું મારાં હાથે તૈયાર કરીશ."

સંધ્યા ઉઠીને, નાહીને, મીરાં જેવો જ લહેંગો પહેરવાં લાગી. મીરાં તેનાં માટે બધાં ઘરેણાં અને બંગડીઓ તૈયાર કરવાં લાગી.. ગળામાં નવલખો હાર, હાથમાં બંગડીઓ, બંગડીના છેડે સુરજે આપેલાં સોનાનાં એક એક કંગન, નાકે નથણી, માથે સિંદૂર પટ, પગમાં પાગલ, લાલ મોટી બિંદી અને બધાં ઘરેણાં જેની સામે ફીક્કા લાગે એવી સંધ્યાની મુસ્કાન સાથે સંધ્યા દુલ્હનના પહેરવેશમાં સજ્જ થઈ ગઈ. એમાંય જ્યારે એક દુલ્હનને તેની બેસ્ટીએ તૈયાર કરી હોય.. ત્યારે તો તેનું રૂપ કંઈક ઔર જ નીખરી ઉઠે.

"અરે, તમે બંને તૈયાર થઈ કે નહીં??" બોલતાં બોલતાં રુકમણીબેન અને ચાંદનીબેન સંધ્યાના રૂમમાં આવી પહોંચ્યાં.
બંનેને દુલ્હનના પહેરવેશમાં જોઈને બંનેની માતાઓની આંખનો ખૂણો ભીનો થઈ ગયો.

કન્યાદાનથી મોટું કોઈ દાન નહીં ને એનાંથી મોટું કોઈ દુઃખ નહીં. એક મા-બાપ જેણે પોતાની દીકરીઓને લાડકોડથી ઉછેરી હોય..ને અચાનક તેને વિદાય આપવાનો સમય આવે... ત્યારે દુનિયાનાં દરેક મા-બાપને દુઃખ થાય જ છે. આજે એવો જ એક અવસર રૂકમણીબેન-મોહનભાઈ અને ચાંદનીબેન-અખિલભાઈના નસીબમાં આવ્યો હતો. જેની ખુશી અને દુઃખ બંને તેમની આંખોમાં નજર આવતું હતું.

"અરે, તમે બંને આ લોકોને અહીં લેવાં આવ્યાં હતાં કે વાતો કરવા??" મોહનભાઈ અને અખિલભાઈએ આવીને કહ્યું.

રુકમણીબેન અને ચાંદનીબેનની જેમ મોહનભાઈ અને અખિલભાઈ પણ પોતાની રાજકુમારી જેવી દીકરીઓને જોવાં લાગ્યાં.

"અરે, પપ્પા, અંકલ, જેમ તમે અમને જોઈને મૌન થઈ ગયાં. એમ જ મમ્મી અને આન્ટી પણ અમને કેટલાં સમયથી આમ જ મૌન બનીને ટગર ટગર જોવે છે."

"બેટા, તમે બંને લાગો છો જ એટલી સુંદર કે નજર હટતી જ નથી. કહેવા માટે શબ્દો જ નથી. તો મૌન જ રહેવું પડે ને!!" રુકમણીબેન અને ચાંદનીબેન સંધ્યા અને મીરાંના કાન પાછળ કાજળનું કાળું ટપકું કરતાં કરતાં બોલ્યાં.

"ચાલો હવે, બધાં નીચે રાહ જોવે છે." અખિલભાઈ દોડતાં દોડતાં આવ્યાં. ચારેય જણાં મીરાં અને સંધ્યાને લઈને નીચે ગયાં.

બંને બહેનપણીઓના લગ્નનું આયોજન મોહનભાઈની ઘરે કરવામાં આવ્યું હતું. ઘર આખું મહેમાનોથી ભરાઈ ગયું હતું. બધાં લગ્નનાં કપડામાં સજ્જ હતાં. નાની એવી એંજલ પણ ચણિયાચોળી પહેરીને આમથી તેમ દોડી રહી હતી.

"દીદી...દીદી...તમે બંને બહું સુંદર લાગી રહ્યાં છો."

"ઓહો..તે કહી દીધું..એટલે ખરેખર અમે સુંદર લાગીએ છીએ..એ વાત સાચી જ છે." સંધ્યા એંજલના ગાલ ખેંચીને બોલી.

"પણ, સુંદર તો તું પણ બોવ લાગે છે હો!!" મીરાં એંજલના બંને હાથ પકડીને ઘુંટણ વાળીને તેની સામે બેસીને બોલી.

"અરે, મીરાં આ શું કરી રહી છે?? હવે તું ઉભી કેવી રીતે થઈશ?? એક તો આ લહેંગાનો વજન ઉપર જાતાં આ ભારેભરખમ ઘરેણાં!!" સંધ્યા થોડી પરેશાન થઈને બોલી.

મીરાં હજું કાંઈ કહે એ પહેલાં જ કાર્તિક ત્યાં આવ્યો. તેણે મીરાંના બંને હાથ પકડીને તેને ઉભાં થવામાં મદદ કરી. મીરાંના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઈ.

"લ્યો, કાર્તિકે આજથી જ મીરાંની મદદ કરવાનું ચાલું કરી દીધું."

"મીરાં આજથી મારી અર્ધાંગિની બનવાની છે, તો તેને તેનાં દરેક કામમાં મદદરૂપ થવું, એ મારી ફરજ છે."

સંધ્યા હજું કાર્તિકની વાતનો કોઈ જવાબ આપે, એ પહેલાં જ આખાં ઘરમાં અંધારું છવાઈ ગયું. અંધારું થતાં જ કાર્તિક મીરાંને ખેંચીને સંધ્યાથી થોડે દૂર લઈ ગયો. એંજલે મોહનભાઈ-રુકમણીબેન, અખિલભાઈ-ચાંદનીબેનને સંધ્યાથી દૂર કરી દીધાં. બધાનાં દૂર થતાં જ સંધ્યા પર સફેદ રોશનીનો આછો પ્રકાશ પડ્યો. સંધ્યાથી થોડે દૂર દરવાજાની બરાબર વચ્ચે બીજો એવો પ્રકાશ પથરાયો. સામે સુરજ ઉભો હતો. સંધ્યાના ચહેરા પર તેને જોઈને સ્મિત આવી ગયું. જેમ-જેમ સુરજ ચાલતો હતો..એમ એમ એ પ્રકાશ સંધ્યાની નજીક આવતો હતો. સુરજ સંધ્યાની સાવ નજીક પહોંચ્યો. ત્યારે બંને પ્રકાશપુંજ એક થઈ ગયાં. એમની સાથે સંધ્યા અને સુરજ પણ એક થઈ ગયાં.

"આ અગ્નિ ગોળા જેવાં સુરજને,
તું સંધ્યાનો કેસરી પ્રકાશ આપીશ??
મારી અંદર રહેલાં અપાર ગુસ્સાને,
તું તારાં નટખટ અંદાજથી શાંત કરીશ??"

સુરજના એ શબ્દો સાંભળી સંધ્યાની આંખમાં આંસું આવી ગયાં. કોલેજની પહેલી મુલાકાતથી માંડીને અત્યાર સુધીનાં બધાં દ્રશ્યો તેની આંખ સામે તરવરવા લાગ્યાં.

"અરે, મેં તને રડાવા માટે આ બધું થોડી કર્યું છે. પ્લીઝ રડ નહીં."

સુરજના કહેવાથી સંધ્યાએ પોતાની આંખના આંસુ સાફ કર્યા. સુરજે તરત જ સંધ્યાને પોતે લાવેલી ડબલ એસ લખેલાં આલ્ફાબેટવાળી અંગૂઠી પહેરાવી.

"આખરે પાંચ વર્ષ પછી આ સાહેબ મારી બેસ્ટીને તેનાં લગ્નનાં દિવસે પ્રપોઝ કરી રહ્યાં છે. મારી બેસ્ટી આંખમાં આંસું અને દિલમાં ખુશીની લાગણી સાથે શું જવાબ આપે છે?? એ ચાલો જોઈએ.. મારાં અંકલ અને આંટીના ઘરે!!"

"ઓય, બસ હો!! તું કાંઈ ન્યૂઝ ચેનલમા નથી.. તો આવું બોલવાનું રહેવા દે." સંધ્યાએ મીરાંનો કાન મરોડીને કહ્યું.

બધાંનાં ચહેરા પર મીરાંની વાતો સાંભળી હાસ્ય આવી ગયું હતું. સુરજ અને સંધ્યા પણ હસતાં હતાં.

"શું હું અંદર આવી શકું??" આ બધી ખુશીઓ વચ્ચે એક જાણીતા અવાજે બધાનાં ચહેરા પર ગંભીરતા લાવી દીધી. દરવાજે ઉમેશભાઈ હાથમાં લાલ કપડું ઢાંકેલી થાળી લઈને ઉભાં હતાં. મીરાં અને ચાંદનીબેન ઉમેશભાઈને ત્યાં જોઈને ખુશ થયાં.

"હાં, પણ જો તમે મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ખુશી ખુશી જોડાઈને તેને આશીર્વાદ આપવા માંગતા હોય. તો જ અંદર આવી શકશો." સંધ્યા મીરાંનો હાથ પકડીને બોલી.

ઉમેશભાઈ સંધ્યાની વાત સાંભળીને તરત જ અંદર આવ્યાં. તેમણે પોતાનાં હાથમાં રહેલી થાળી પરનું લાલ કપડું પોતાનાં હાથ વડે દૂર કર્યું. થાળીમાં ભગવત ગીતા હતી. એ તેમણે આશીર્વાદ સ્વરૂપે મીરાંના હાથમા મૂકી. મીરાં અને કાર્તિકે તેમનાં આશીર્વાદ લીધાં. 'દેર આયે દુરસ્ત આયે' પંક્તિની જેમ આખરે ઉમેશભાઈ પણ મીરાંના લગ્ન સમયે મામાની ફરજ નિભાવવા આવી પહોંચ્યાં.

બધાં મહેમાનો અને પરિવારની હાજરીમાં લગ્નની વિધિ ચાલું થઈ. ચારેય મિત્રોનાં એક જ દિવસે એક જ જગ્યાએ લગ્ન થયાં. દરેકનાં હ્દયમાં આજે પ્રેમનાં ગુલાબ ખીલ્યાં હતાં. બધી નફરત ભૂલીને બધાં જ પ્રેમનાં રંગે રંગાયા હતાં. ચાંદ તારાની સાક્ષીએ સુરજ અને કાર્તિકે સંધ્યા અને મીરાંની સેંથીમાં સિંદુર પૂરીને પોતાની અર્ધાંગિની બનાવી લીધી.

બધી વિધિ પૂરી થતાં આખરે વિદાયની વસમી વેળા આવી. બધાંની આંખમાં આંસું હતાં. એક જ ઘરમાંથી બબ્બે દીકરીઓની વિદાય થવાની હતી. પોતાનાં મા-બાપના ઘરની રાજકુમારીઓ આજે કાર્તિક અને સુરજના દિલ અને ઘરની રાણી બની ગઈ હતી. સંધ્યા અને મીરાંના મમ્મી-પપ્પાએ ભારે હૃદયે બંને દીકરીઓને વિદાય આપી. નાની એવી એંજલ પણ ખૂબ જ રડી રહી હતી.

બંને દીકરીઓને વિદાય આપી ધનસુખભાઈ એંજલ સાથે પોતાની ઘરે ગયાં. એક પછી એક બધાં મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. થોડીવાર પહેલાં મહેમાનોની રોનકથી ગુંજી રહેલું ઘર વેરાન થઈ ગયું.
સંધ્યાનું હિતેશભાઈએ ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. સુરજ પણ તેનાં પપ્પાની ખુશી જોઈને ખુશ હતો. આ તરફ સંધ્યા તો બીજી તરફ મનિષભાઈની અને હેતલબેનની ઘરે મીરાનું સ્વાગત થઈ રહ્યું હતું. બંને બહેનપણીઓ મુંબઈની માયાવી નગરીમાં અલગ-અલગ ઘરોમાં કંકુ પગલાં પાડીને ઘરની લક્ષ્મી બની ગઈ.

આખરે અંતે અગ્નિ ગોળા જેવો સુરજ ને ઢળતી સાંજ જેવી સંધ્યા બંનેએ 'સુરસંધ્યા' બનીને નવાં જીવનનો આરંભ કરી દીધો.

નફરતથી ભરેલાં કેટલાંય સંબંધોમાં જાણે પ્રેમનાં ગુલાબ ખીલી ગયાં.
સમાપ્તઆ મારી સૌથી પહેલી નવલકથા હતી. જેમાં મને ઘણાં વાંચકોનો સહકાર અને પ્રેમ મળ્યો. ઘણી વખત મારાં વાંચક મિત્રો મેસેજ કરીને નવો ભાગ ક્યારે આવશે?? એમ પૂછતાં ત્યારે તેમની તાલાવેલી જાણીને ઘણી ખુશી થતી. આખરે ઘણાં સમય પહેલાં શરૂ કરેલી આ નવલકથા આજે પૂરી કરું છું. તો આ અંતિમ ભાગ વાંચીને તે અંગે આપનાં અમૂલ્ય પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી. 🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED