Tamne khabar chhe baremegh khanga etle shu books and stories free download online pdf in Gujarati

તમને ખબર છે ? બારે મેઘ ખાંગાં એટલે શું ?

તમને ખબર છે? બારેમેઘ ખાંગા એટલે શું?

ઝરમર ઝરમર ધારે વરસે, વાયુના વીંઝણાએ વરસે,

આસમાનથી ત્રાંસો વરસે, સાંબેલાની ધારે વરસે.

અષાઢે આખેઆખો વરસે, શ્રાવણે ઝરમરિયો વરસે,

પારેવાની પાંખે વરસે, મોરલાને કંઠે વરસે, ભુલકાંની સંગાથે વરસે.........

આકાશમાં વાદળ છવાય, હવામાનમાં ઠંડક વર્તાય, પંખીના કલરવ ગૂંજે આ બધું વર્ષારાણીના આગમનની છડી પોકારે. સુંદરજી બેટાઈની કલમે ‘આજે કઈ વાદળ વ્યોમ છાયા, તારા અને ઇન્દુ બધા લપાયા’. જેવી સુંદર કવિતાની રચના થાય. માનવી મલ્હાર ગાઈને વર્ષાને વધાવવા આતુર બને. અહીં પણ વરસાદ આવે ચ્હે ત્યારે મને વરસતા વરસાદમાં માટીની મહેક સાથે કાવાની ચુસ્કી લેતા આ કવિતા યાદ આવી,એ માટી ની મહેક બીજા બધા જ સેન્ટ કરતા સુવાસિત હોય. ત્યાં જ ટીવી માં અનરાધાર વરસતા વરસાદના દ્રશ્યો સાથે વાક્ય સાંભળ્યું ‘એક કલાકમાં બારેમેઘ ખાંગા થયા.’ આમ તો આ બારેમેઘ શબ્દ પહેલીવાર નહોતો સાંભળ્યો પણ છઠ્ઠી ઇન્દ્રિય ને કંઇક નવું લાગ્યું હોય એમ સવાલ થયો કે કેમ બારેમેઘ? બસ, સાતમી ઇન્દ્રિયે શોધખોળ આદરી અને તેમાંથી જ મેહુલાના જુજવા બાર રૂપ નું વર્ણન નીતાર્યું.

આકાશનું ધરતી પ્રત્યેનું વ્હાલ તે વર્ષા. તૃષિત ધરા પણ વ્હાલ ઝીલી માટીમાં મહેક ફેલાવી પ્રેમનો એકરાર કરે. ધરતી પર પડેલા ચાસ પર પહેલી બુંદ પડતા જ માનવહૈયું ઉમંગથી નાચી ઉઠે. આહલાદક વાતવરણ ને માણો તો લાગે કે જાણે મેહુલાના લગ્ન. આભલે વાદળીઓ દોડમદોડ કરે ને ઢોલ ઢબૂકે. વીજળીના ચમકારે રોશની ઝળહળા કરતી જાનનું આગમન થાય ધરા પર. મેહુલો મન મૂકીને વરસે. અને ધરતી શણગાર સજી હરિયાળું રૂપ ધારણ કરે. આ વર્ષાને મેઘ પણ કહીએ છીએ. ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટાં તો ક્યાંક સાંબેલાધાર. વરસાદના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર માસ ગણાય.

આપણા ગુજરાતી સાહિત્યમાં એક શબ્દ સમૂહ છે બારેમેઘ ખાંગા. બાર મેઘ એ વરસાદના બાર પ્રકાર. ગ્રામ્યવાસીઓ આ શબ્દો થકી વરસાદનું વર્ણન સુપેરે કરે. સુકીભઠ્ઠ ધરતીમાં પડેલી તિરાડોમાં ઢેફાને ભાંગી પોચી કસાળ માટી બનાવી દે તેવા વરસાદને ‘ઢેફાભાંગ’ કહ્યો છે. વાવણી માટે આ ઉત્તમ બની રહે. ધરતીપુત્ર ખેડું હોંશે હોંશે વાવણી કરે. પછી તો ઝીણો ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી, આજ ઝૂમે ને ઝરે ચંદ્રની ચંદ્રિકા ભીંજે.... જેનાથી માત્ર હાથ-પગ ભીના થાય એવા સિતારના મધુર સુર રેલતા ઝરમરિયા વરસાદને ‘ફરફર’ કહેવાય. આ વરસાદ તો જાણે શરુ થતા જ અટકી જાય, ફુલો કહી ઉઠે ઉડતા વિહંગને કે ચાલ ને માણીએ આ પહેલી સુગંધને.આવો વરસાદ સામાન્ય રીતે અષાઢ માં આવે મનોજ ખંડેરિયાની પંક્તિ સાર્થક થતી જણાય.

એવા ભર્યા છે શું ભલા જંતર અષાઢમાં, ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે જે જે નિહાળો એ બધું સુંદર અષાઢમાં. અને ત્યારે જ મનોજ ખંડેરિયા આ વરસાદ નું સ્વાગત કરતા હોય એમ કહે છે. ખાઈ વાદળની ઠેસ ચોમાસું........

ફરફર થી મોટા ટીપાં ફૂલો પર પડી ટીપા મોતી બની રૂપેરી તડકામાં ચમકી ઉઠે. ક્યારેક વધુ મોટા મોટા ટીપા પડે જેને ‘ફોરાં’ કહે છે. ક્યારેક હવામાં ભેજ અને પવનને કારણે ફોરાનું તરત બરફમાં રૂપાંતર થઇ કાનુડાના કાંકરીચાળા જેવા ‘કરા’ પડે. ગોપી મહી-મટુકી બચાવે તેમ આપણે કરાથી બચવું પડે. અંગ પર ઓઢેલી પછેડીને માથે ઓઢી લેતા, તનને ભીંજાતું રોકી શકાય તેને ‘પછેડીવા’ કહે. શહેરના કોન્ક્રીટ પગથિયાં કે ગામડાના ઘરના છાપરા પરથી દડ દડ વહી જતા વરસાદને ‘નેવાધાર’ કહી નવાજાય. ‘નેવું’ એટલે છાપરું. આ નેવાધાર રમેશ પારેખની પંક્તિઓ ‘થર થર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે. કોના-કોને સાનભાન, વરસાદ ભીંજવે’ ની યાદ અપાવે.

પહેલા વરસાદે વાવેલા બીજમાંથી અંકુરણ ફૂટી ઉગેલા મોલને પોષણ મળે તેવા ‘મોલ-મેહ’ વરસે ત્યારે ખેડૂત ખુશખુશાલ બને. પણ આ જ વરસાદની રફતાર વધી જઈ એકધારો પડે કે જાણે એક છાંટો બીજા છાટા સાથે પકડદાવ રમતો હોય તેને ‘અનરાધાર’ નામ અપાયું છે. હૈયું હિલ્લોળ હિલ્લોળે ચડ્યું........ વ્રુક્ષો,મકાનો ધોવાઈ જઈ સમ્રગ વાતાવરણને સ્વચ્છ કરતા આ અનરાધારથી પણ વધુ તીવ્રતા હોય તેને ‘સાંબેલાધાર’. તો એનાથી પણ વધુ તીવ્ર ઝડપે પડતા વરસાદને ‘મુશળધાર’ કહેવાય. આ વર્ષા નદી-નાળા,સરોવર ને છલકાવી દે. તો ક્યારેક તે વિનાશ પણ સર્જે.

‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલા રેલી ચાલ્યા રૂપ કો ઝીલો જી.

તો ક્યારેક ખેતરો પાણીથી છલકાય,કુવાના તળ રસાતાળ થાય તેને ‘પાણમેહ’ નામ અપાયું છે. આ ઢેફાભાંગ, ફરફર, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, મોલમેહ, પાણમેહ,અનરાધાર, સાંબેલાધાર, મુશળધાર, આ અગિયાર પ્રકારના વરસાદ કોઈ ને કોઈ રીતે સતત અઠવાડિયું વરસે તેને ‘હેલી’ કહેવાય. આમ આ બારેમેઘ વરસતા જ રહે તેને બારેમેઘ ખાંગા એમ કહેવાય.

જીવનદાત્રી વર્ષાઋતુમાં સંધ્યા સમયે પૂર્વદિશામાં દેખાતા સપ્તરંગી મેઘધનુષ્ય જીવનમાં આત્મવિશ્વાસ,ઉમંગ,આશા,હિમત, વિશ્વાસના રંગો ભરે. સંધ્યાની ઘેરી લાલિમા દિવસભરની ભાગદોડથી થાકેલા તનમનને શાતા આપે. પણ ૨૧મી સદીના આધુનિકો તો વર્ષાને પણ ઈમેજિસ માં જ જકડીને રાખે છે ત્યારે what app ને facebook ભૂલીને વરસાદને કહી દો કે મન ભરી ને તે વરસે અને આપણે તેને તન પર ઝીલીએ અને એ ન થઇ શકે તો છેવટે હથેળીને રતુંબડી બનાવવાનો રોમાંચ તો માણીએ જ....અને આ વરસાદ જ શીખવે છે કે જિંદગીની અદભૂત પળો માત્ર માણવાની જ હોય છે. કવિ શ્રી દલપતરામને યાદ કરીએ તો,

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;

લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.

ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;

છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

પારુલ દેસાઈ

રાજકોટ

parujdesai@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED