Antim Vadaank - 11 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 11

અંતિમ વળાંક

પ્રકરણ ૧૧

સરદારના હાથમાં લાંબો અને ધારદાર છરો જોઇને મિતે ચીસ પાડી. સરદાર હજૂ કાંઈ પણ કરે તે પહેલાં બહાર જીપનો અવાજ આવ્યો. સરદારે ઊંચા થઈને બારીમાંથી બહાર જોયું તો ચારે બાજૂથી પોલીસવાનનો કાફલો મકાનને ધીમે ધીમે ઘેરી રહ્યો હતો. પોલીસથી બચવા માટે છોકરાનો ઉપયોગ ઢાલ તરીકે કરવાનો સરદારે મનોમન નિર્ણય કરી લીધો. અચાનક ગભરાયેલી હાલતમાં સલીમ અને ફિરોઝ તૂટેલો દરવાજો ખોલીને અંદર આવી ભરાયા. “સલીમ તુ બહાર જાકે ગાડી ચાલુ કર”. સરદારે હુકમ કર્યો. સલીમ અને ફિરોઝ છુપાતા છુપાતા થોડે દૂર ઝાડની ડાળીઓ અને પાંદડાઓ વચ્ચ્ચે સંતાડેલી મારુતિવાનમાં બેસી ગયા. જેવી વાન સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો કે તરત સરદારે એક હાથે મિતને ઊંચકીને મારુતિવાન તરફ દોટ લગાવી. મિતે ચીસાચીસ કરી મૂકી. ઇન્સ્પેકટર રાઠોડને બાળકના ચીસના અવાજ પરથી ખ્યાલ આવી ગયો કે બાતમીદારે પરફેક્ટ માહિતી આપી છે. તેણે હવામાં ગોળીબાર કર્યો. સરદારે પોલીસની ટૂકડીને નજીક આવતી જોઇને ત્રાડ પાડી.. ”ખબરદાર ,અગર કોઈ એક ભી કદમ આગે બઢેગા તો યે બચ્ચે કો જાનસે હાથ ધોના પડેગા”. સરદારના હાથમાં બકરો કાપવાનો મોટો છરો અંધારામાં પણ ચમકી રહ્યો હતો. સરદારે બીજા હાથમાં ઊંચકેલા મિતના ગળા પાસે છરો રાખી દીધો હતો. વીસ કદમ જ દૂર ઉભેલા ઇન્સ્પેકટર રાઠોડના કપાળે પરસેવો વળી ગયો. તેમણે પોલીસ કુમકને પાછળ હટવાનો હુકમ કર્યો. જેવા પોલીસવાળા ચાર છ કદમ પાછળ હટયા કે તરત જ સરદાર દોડીને મિતની સાથે મારુતિવાનની પાછળની સીટમાં છલાંગ લગાવીને ચડી ગયો. ફિરોઝે અગાઉથી દરવાજો ખોલીને તૈયાર જ રાખ્યો હતો. સલીમે ચાલુ રાખેલી ગાડીને તરત જ ભગાવી. ઇન્સ્પેકટર રાઠોડે બરોબર નિશાન તાકીને મારુતિવાનનાં પાછળના ટાયરમાં ગોળી મારી. મારુતિવાન થોડે આગળ જઈને ઝાટકા સાથે ખેતરના જ એક ઝાડ સાથે ભટકાઈ. વાનનો આગલો કાચ તૂટી ગયો. સલીમના ચહેરા પર કાચની થોડી કરચો વાગી પણ ખરી.. પોલીસના માણસોએ ચારે તરફથી વાનને ઘેરી લીધી. ઇન્સ્પેકટર રાઠોડે ચિતાની જેમ ડ્રાયવરની સીટ પર બેઠેલા સલીમ પર હુમલો કર્યો. ઘાયલ થઇ ગયેલો સલીમ તરત શરણે થઇ ગયો. ઇન્સ્પેકટર રાઠોડે પાછળ રિવોલ્વર તાકીને કહ્યું “હરામખોરો, જો છોકરાનો વાળ પણ વાંકો થયો છે તો તમને બંનેને હું જીવતા નહિ છોડું”. બધું એટલું ઝડપથી બની ગયું કે સરદાર હેબતાઈને થોડો ગભરાઈ પણ ગયો. તે સમજી ગયો હતો કે હવે પોલીસના શરણે થઇ ગયા સિવાય છૂટકો જ નથી તેણે તરત હાથમાં રાખેલો છરો નીચે ફેંકી દીધો. મિત રડતો રડતો દોડીને પોલીસવાન પાસે પંહોચી ગયો. ગભરાયેલો મિત ધૂળથી ખરડાયેલો હતો તેના બંને પગ છોલાયેલા હતા. લાંબા વાળ વિખરાયેલા હતા. પોલીસે ત્રણેય ગુનેગારોને ઝડપી લીધા.

મોડી રાત્રે જયારે ઇન્સ્પેકટર રાઠોડ સમગ્ર ટીમ સાથે ગુનેગારોને લઈને પોલીસ સ્ટેશને પરત આવ્યા ત્યારે કમિશ્નર દવે સાહેબ પણ ત્યાં હાજર હતા. ”વેલ ડન.. રાઠોડ , આઈ એમ પ્રાઉડ ઓફ યુ” પોલીસ કમિશ્નરે ઇન્સ્પેક્ટર રાઠોડનો ખભો થાબડયો. ત્રણેય ગુનેગારોને લોક અપમાં પૂરીને પોલીસે ત્વરિત ગતિએ કાયદેસર કાર્યવાહી શરુ કરી દીધી. થોડે દૂર ખુરશી પર જ બેઠેલી કાળા બુરખાવાળી સ્ત્રીની ઓળખાણ કરાવતાં ઇન્સ્પેક્ટર રાઠોડે કહ્યું “સર, આ આયેશા બેગમ છે. સલીમની પત્ની. મને તેની પાસેથી સલીમનો મોબાઈલ નંબર મળી ગયો જેના આધારે જ સલીમનું લોકેશન હું પકડી શક્યો.

“આયેશા,તુમને ઐસા કયો કિયા ? અપને પતિ કે ખિલાફ જાને કા કોઈ તો વજૂદ હોગા”. પોલીસ કમિશ્નરે આયેશા સામે ઝીણી આંખ કરીને ધારદાર અવાજે પૂછયું.

“સાહેબ, મેરા ખાવિંદ દારુ કા ધંધા કરતા થા તબ ભી મૈ નારાઝ તો થી હી લેકિન જબ આજ સુબહ વોહ કિસી બચ્ચે કો વસ્ત્રાપુર ગાર્ડન સે ઉઠાને કી ફોન પે બાત કર રહા થા તબ મૈને સબ સુન લિયા થા. વોહ લોગ બચ્ચે કે વાલીદસે બડી રકમ માંગને વાલે થે. સુબહ સુબહમેં મેરા ઉનસે ઝઘડા ભી હુઆ થા. ઉસને મુઝે થપ્પડ માર કે ચૂપ કર દી થી... લેકિન મૈ ભી ચૂપ રહેને વાલોમેંસે નહિ હું”. “શાબાશ.. હર એક બીબીકો તુમ જૈસા હોના ચાહિયે” પોલીસ કમિશ્નરે આયેશાને બિરદાવતા કહ્યું હતું.

પોલીસ કમિશ્નર દવે સાહેબે જેવો ઇશારો કર્યો કે તરત જાણેકે રાહ જ જોઈ રહ્યા હોય તેમ પોલીસનાં માણસો ત્રણેય ગુનેગારો પર થર્ડ ડીગ્રી અજમાવવા તૂટી પડયા. પોલીસનો માર ખાઈને અધમૂવા થઇ ગયેલા સરદારે આખરે કબૂલી લીધું કે હકીકતમાં તેમનો પ્લાન એક જ્વેલરી શો રૂમના માલિક રાજેશ સોનીના છોકરા ચિરાગનું અપહરણ કરવાનો હતો. દરરોજ આયા સાથે ચિરાગ વસ્ત્રાપુર ગાર્ડનમાં સાંજે એક કલાક આવતો હતો. સરદારે છ દિવસ સુધી બરોબર રેકી કરીને ચિરાગ પર વોચ રાખી હતી. ચિરાગ કરોડપતિ સોની પરિવારનું એક માત્ર પૂત્ર હતો. સ્વાભાવિક રીતે જ ચિરાગના બદલામાં મોટી રકમ મેળવી શકાય તેમ હતું. દારુ અને જુગારના ધંધામાં પોલીસના કડક વલણને કારણે હવે પહેલાં જેવી કમાણી રહી નહોતી. સરદારે સલીમ અને ફિરોઝને બે દિવસ પહેલાં જ પૈસાની લાલચ આપીને આ કાવતરામાં સામેલ કર્યા હતા. જોગાનુજોગ તે જ દિવસે ચિરાગને લઈને આયા બગીચામાં આવી નહોતી. ફિરોઝ અને સલીમે ચિરાગની બદલે તેના જેવા જ દેખાતા મિતનું અપહરણ કરી લીધું હતું. બાળકના અપહરણ કરવાનો સરદારનો પણ આ પહેલો જ અનુભવ હતો. એક જ ધડાકે કરોડપતિ બની જવાનો ઉધામો બિનઅનુભવી સરદારને ભારે પડી ગયો હતો.

વહેલી સવારે સમાચાર મળતાં જ ઇશાન, ઉર્વશી, આદિત્યભાઈ અને ભાભી પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. ઉર્વશી અને ઇશાન મિતને વળગી પડયા હતાં. સૌ કોઈની આંખમાં આંસુ હતા નાનકડા મિતનો જીવ બચી ગયો તેનો સૌ કોઈને આનંદ પણ હતો.

સૌ કોઈએ સવારે આઠ વાગ્યા બાદ લોકલ ચેનલના સમાચાર મારફતે મિત હેમખેમ મળી ગયાના સમાચાર જાણ્યા હતા. બીજા દિવસના અખબારમાં મિતને બચવવા માટે પોલીસના ઓપરેશનના પણ ભારોભાર વખાણ છપાયા હતા. લંડનના અખબારમાં મૌલિકે પણ મિતના અપહરણ અને બચાવની સ્ટોરીને ખાસ્સું કવરેજ આપ્યું હતું.

આખરે ઇશાનનો લંડન જવાનો દિવસ આવી પહોંચ્યો હતો. ઉર્વશી અને મિતને લઈને ઇશાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેમને મૂકવા આવનાર આદિત્યભાઈ અને ભાભીના આંખમાં આંસુ હતા. ઇન્ડિયાની આ વખતની ટ્રીપ ઇશાન માટે અત્યંત આકરી થઇ પડી હતી. પપ્પાના અવસાનને કારણે પહેલેથી જ મન ખિન્ન તો હતું જ તેમાં પાછું મિતનું કીડનેપીંગ થયું હતું. એ ઘટનાએ તો સમગ્ર પરિવારને ખળભળાવી નાખ્યો હતો.

એરપોર્ટ પર સોહમ અને બંને બહેનો મિતને પ્રેમથી ભેટી રહ્યા હતા.

“ ઇશાન, હવે ક્યારે અમદાવાદ આવીશ ?” આદિત્યભાઈએ ઇશાનને એરપોર્ટ પર જ ભેટીને પૂછયું હતું.

“મોટાભાઈ, નજીકના ભવિષ્યમાં તો અહીં આવવાનું નહિ જ થાય કારણકે મિતનું પણ ભણવાનું હવે જ પુરજોશમાં ચાલુ થઇ જશે”. ઈશાને નિખાલસતાપૂર્વક કહ્યું હતું.

દેરાણી જેઠાણી બંને ભાઈઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. ભાભી લાગણીસભર અવાજે બોલી ઉઠયા હતા “ઉર્વશી, મિતને લાંબુ વેકેશન પડે ત્યારે આવજો... પણ વહેલાં વહેલાં આવજો ખરા”

“હા ભાભી, જેટલું વહેલું થાય તેટલું ઇન્ડિયા આવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું”.

ઉર્વશી ભાભીને રાજી રાખવા બોલી તો ગઈ પણ તેની નિયતિમાં હવે આયુષ્યના કેટલા દિવસ બાકી હતા તેની તો ઉર્વશીને પણ ક્યાં ખબર હતી ? જીવનમાં આવતાં સુક્ષ્મ વળાંકો ભલે જોઈ શકાતા નથી પણ તેનો અહેસાસ જરૂર થતો હોય છે. જેમ સુખદ વળાંકો માણસને ભાવ વિભોર કરી દે છે તેમ કેટલાક વળાંકો પીડાદાયક સાબિત થતા હોય છે. ઇશાનના જીવનમાં પણ ભારે પીડાદાયક વળાંક આવવાનો દિવસ હવે બહુ દૂર નહોતો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED