chattani chehro books and stories free download online pdf in Gujarati

ચટ્ટાની ચહેરો

લેખક : બકુલ ડેકાટે


લગભગ ૪ મહિના અગાઉ સાહસિકોની એક ટુકડી કેનેડાના પશ્વિમ ભાગમાં આવેલા 'બેડલેન્ડ'ની મુલાકાતે અગર તો જોખમપૂર્ણ અભિયાન નો અનુભવ લેવા ગયા હતા. મજબૂરીવશ ટુકડીએ બેડલેન્ડ ના બરોબર મધ્યભાગમાં આવેલા એક સ્થળે રાતવાસો કરવો પડ્યો. તે રાત્રે તેઓ એક અજાયબભરી કુદરતી ઘટનાના સાક્ષી બન્યાં. 'નિર્જન' એવું ઉપનામ મેળવવા માટે તદ્દન યોગ્ય ઉમેદવાર બનેલા બેડલેન્ડ પર રોકાયેલી તે સદ્ભાગી ટુકડીએ જોયું કે મોડી સાંજે ત્યાંની નાની મોટી ટેકરીઓ અને મધ્યમ કદના પહાડો પાછળથી , સૂર્યાસ્ત સમયે જોવા મળતી હલકી નારંગી ઝાંય ને બદલે વાદળી રંગ ની ઝાંય બનતી હતી. અત્યંત ચમત્કારિક રીતે ટેકરીઓ વાદળી રંગના પ્રકાશે ચમકી રહી હતી. તે લોકોના અવલોકનો પ્રમાણે ક્ષિતિજ પર જ્યાં ધરતી અને આકાશ ભેટી રહ્યા હતા ત્યાં વાદળી રંગનો સ્પષ્ટ અને અચરજ પમાડતો પટ્ટો બનતો હતો. ઉત્સુકતાવશ તે સાહસિકોએ પહાડો અને ટેકરીઓની પાછળથી ઉત્તપન્ન થઈ રહેલી ભેદી વાદળી રંગની ઝાંય દેખાય તેવા કેટલાક ફોટોગ્રાફસ્ લીધા અને વિશ્વને તે નવીન ઘટનાથી માહિતગાર કરવાના આશય સાથે સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધા.


મારી આંખોના નેત્રપટલના નેત્રકોષો હાલ તે તસવીરો પર મંડાયેલા હતા. રોમ-રોમમાં જુગુપ્સા જગાવનાર તે તસવીરોને જોઈને, વૈજ્ઞાનિક તરીકે મારા દિમાગમાં કૌતુકતા ની ખણ ઉપડી. નાની મોટી ટેકરીઓની પાછળથી ડોકાતો વાદળી રંગની ઝાંય ધરાવતો પ્રકાશ અવિશ્વસનીય અને અવર્ણનીય હતો. ટેકરીઓના પછવાડે ના વાતાવરણ સાથે ઓતપ્રોત થઈ જનાર વાદળી રંગની ઝાંયવાળું નૈસર્ગિક દ્રશ્ય સ્થિર હતું. અર્થાત ઝબકારા નહોતું મારતું. આથી તેના ફોટોગ્રાફ લેવાનું કાર્ય સરળ હતું. આમ છતાં તે સાહસપ્રિય સાહસટુકડી નો આભાર તો માનવો જ રહ્યો. બેડલેન્ડ માનવો દ્વારા ત્યજી દેવાયેલું વિરાન, ઉજ્જડ અને યાતનાપૂર્ણ સ્થળ છે. કશુંક નવું શીખવાના ઉદ્યમ સાથે સિતમભરી અનુભૂતિ અનુભવવા બેડલેન્ડ ગયેલી ટુકડીની ખોજ કરવાની રીત પ્રણાલિકાગત હતી, પણ ત્યાનું ભૂગોળ તદ્દન પ્રણાલિકાગત નહોતું. જીવન જરૂરીયાતની વસ્તુઓ અને ખાધખોરાકી વિના બેડલેન્ડના સિતમભર્યા વાતાવરણમાં એક દિવસ જીવવું પણ દોઝખ સમાન છે. તેથી જ આટલા દુર્ગમ સ્થળે જઈને હાડમારી વેઠીને વિજ્ઞાનજગતને મદદરૂપ થઇ શકે તેવી નવી માહિતી પીરસી શકે તેવા ફોટોઝ આપવા માટે તો તેમનો આભાર માનવો જ રહ્યો.

આભાર માનતો અને તેમના કાર્યને બિરદાવતો સંદેશો તસવીરો નીચેના મેસેજ બોક્સમાં પાઠવી, મેં તેમનો સંપર્ક નંબર માંગ્યો. સોશ્યલ મીડિયા ઉપર સદૈવ એક્ટિવ રહેતી ટુકડીના સભ્યોએ જ્યારે જાણ્યું કે હું એક ખ્યાતનામ વૈજ્ઞાનિક છું ત્યારે વિલંબ કર્યા વિના તેમણે નંબર મોકલી દીધો. નંબર મળતા જ ટેલિફોનિક વાર્તા દ્વારા તે સ્થળની પૂર્ણ વિગત માંગી. જવાબમાં મને અંક્ષાશ અને રેખાંશ ની જે વિગત મળી તે આ પ્રમાણે હતી : 50°00'37.0"N(ઉત્તર અંક્ષાશ) અને 110°06'50.1"W (પશ્વિમ રેખાંશ)

વાદળોની આડશમાં લપાતા-છુપાતા અને ક્યારેક બહાર ડોકાતા સૂર્યાસ્ત સમયના સૂર્યના નારંગી કિરણોને વાદળી ઝાંયમાં પરિવર્તીત કરનાર વૈજ્ઞાનિક પરિબળની શોધ માટે બેડલેન્ડ જવાનું મેં મન બનાવી લીધું. પરંતુ આવી અવાવરું જગ્યામાં એકલપંડે પ્રવાસ ખેડવો નરી મૂર્ખામી ગણાય. આથી મેં સમયનો બગાડ ના કરતા ત્વરિતપણે 'ધ ન્યુયોર્ક ટાઈમ્સ' માટે વૈજ્ઞાનિક કોલમ લખતા મારા મિત્ર રસ્કિન ટાઇગરવુડ ને ફોન જોડ્યો. અડધી રાત્રે કરાયેલા ફોન ને કારણે તેની નિંદરમાં વિક્ષેપ પડ્યો હતો, એવું મને લાગ્યું કારણકે શરૂઆતમાં કરાયેલા મારા દરેક પ્રશ્નનો તેણે ટૂંકો અને બરછટ ઉત્તર આપ્યો હતો. પરંતુ જ્યારે મેં ટેકરીઓમાં થી નીકળતા વાદળી રંગને દર્શાવતા ફોટોઝ ની વાત કરી ત્યારે તેના કાન સરવા થઈ ગયા અને તંદ્રા ભાંગી ગઈ. ઉદાસીનો છેદ ઉડી ગયો અને ઉત્સાહનો સંચાર થયો. મારી વાતને તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. કારણકે રસ્કિન પોતે વૈજ્ઞાનિક અભિગમનો પુરસ્કર્તા હતો.

લગભગ અડધા કલાકની ટેલિફોનિક વાર્તાલાપને અંતે નક્કી થયું કે અમારી જુગલજોડીએ એક સાથે ભૂમિમાર્ગે આગલા બે દિવસમાં વિચિત્ર , વિશિષ્ટ અને રહસ્યમયી નૈસર્ગિક દ્રશ્યના કેનવાસ બનેલા સ્થળ બેડલેન્ડ પર કોઈ પણ સંજોગોમાં પહોંચી જવું. રસ્તો લાંબો હતો.કેનેડાથી બેડલેન્ડનો પ્રવાસ લગભગ ૮ કલાક નો હતો.ઉપરાંત સ્થળ ટેકરીઓ વાળો અને દુર્ગમ હતો. ત્યાં પહોંચવા માટે ફક્ત કાર જ કામે લાગે તેમ હતી. ઉપરાંત કારમાં અમે સંશોધનને લાગતા સાધનો સાથે લઈ જઈ શકતા હતા. આથી અમે ભૂમિમાર્ગે કાર દ્વારા જવાનું ઠરાવ્યું. નિર્ણય પર સહમતી સધાતા 'શુભરાત્રી' શબ્દોના ઉચ્ચારણ સાથે અમારી વાર્તાલાપનો અંત આવ્યો.

*****
પરસ્પરની સમજૂતી થી બન્ને મિત્રો વારાફરતી ડ્રાઈવરની ભૂમિકા ભજવી રહ્યા હતા. લગભગ ૭ કલાકની મુસાફરી બાદ બેડલેન્ડનું કેન્દ્રબિંદુ કહી શકાય તેવા સ્થળે અમે આવી પહોંચ્યા. જોકે મારા મનમાં શંકા હતી કે અમે યોગ્ય સ્થળે પહોંચ્યા કે નહિ. આથી શંકાના શમન માટે મેં રસ્કિનને GPS ડિવાઇઝ ચેક કરવા કહ્યું. રસ્કિને GPS ઓન કર્યું. ડિવાઇઝ માં દર્શાવામાં આવેલા આંકડા આ પ્રમાણેના હતા, 50°00'37.0"N 110°06'50.1"W . અને આ જ તો અમારી મંઝિલ હતી.

મેં ચોતરફ નજર ફેરવી. ચારે બાજુ આરોહ અવરોહ ધરાવતી ટેકરીઓ અને નાના મેદાનો જેવી ખુલ્લી જગ્યા. ક્યાંય જીવનના કોઈ સંકેત નહિ. ફક્ત તીડ, તમરા ના કર્કશ અવાજ કાનના પડદાને ધ્રુજાવી રહ્યા હતા. અંધારું થવાની તૈયારી હતી. સમય મોડી સાંજનો હતો. એટલેકે સૂર્યાસ્તનો સમય હતો. ઊંચી ઇમારતોની ગેરહાજરી અને ઊંચા વૃક્ષોની નહિવત હાજરીને કારણે ક્ષિતિજે ઢળતા સૂરજને જોઈ શકાતો હતો. ગોકળગાય ની ગતિથી સૂરજ ક્ષિતિજરેખા ની નીચે ધસી રહ્યો હતો. અમે બન્ને કારમાંથી નીચે ઉતરી ગયા અને નજીકની ટેકરી ઉપર બેસીને નવીન પ્રકારના સૂર્યાસ્તનો અદભુત સૌંદર્ય નિહાળવા તૈયાર થઈ ગયા. રસ્કિન તેના કેમેરા સાથે તૈયાર હતો. ફોટોગ્રાફ લેવા માટે જ સ્તો વળી.

સૂર્ય નામનો અગનગોળો તેના અસ્તિત્વને અસ્ત કરી દેતી સૂર્યાસ્ત નામની ઘટના ના અંતિમ ચરણમાં હતો ત્યારે ખડકાળ ટેકરીઓ અને પહાડીઓમાંથી વાદળી ઝાંય ધરાવતા પ્રકાશકિરણો ઉત્સર્જિત થવા લાગ્યા. જેમ મનુષ્યને પોતાનો 'ઓરા' હોય છે તેમ ટેકરીઓનો જાણે વાદળી રંગનો ઓરા હતો. આ રહસ્યમય અને અકળ દ્રશ્ય જોઈને અમે દિગ્મૂઢ થઈ ગયા. અદભુત એવું દ્રશ્ય જોઈને અમને સમજાયું કે ક્ષિતિજ પર દેખાતી વાદળી ઝાંય વાસ્તવમાં સૂર્યના કિરણોની નહિ પણ ટેકરીઓમાંથી ઉત્સર્જિત થતા કોઈ ભેદી પ્રકાશ કિરણોની હતી. નરી આંખે દેખાતું જીવંત દ્રશ્ય ૩D પરિમાણનું હોવાથી સ્પષ્ટ દેખાઈ આવતું કે ટેકરીઓ વાદળી રંગ પોતાનામાંથી બહાર ફેંકી રહી છે. જ્યારે ફોટોગ્રાફી ૨D વિઝ્યુલ આપતું હોવાથી ટેકરીઓનો 'ઓરારૂપી પ્રકાશ' ક્ષિતિજના પ્રકાશમાં ભળી જઈ, સૂર્યના કિરણો વાદળી હોય તેવો દ્રષ્ટિભ્રમ પેદા કરી રહ્યા હતા. આમ છતાં ટેકરીઓ ઓરારૂપી વાદળી ઝાંય કેવીરીતે ઉત્તપન્ન કરતી હશે , તે અમારા માટે અટકળોનો અને સંશોધનનો વિષય હતો. ટૂંકમાં અમારી સાહસ યાત્રા એળે નહોતી જવાની.

ખાધાખોરાકી નો અને પહેરવા ઓઢવાનો તમામ જરૂરી સામાન સાથે લઇને નીકળ્યા હોવાથી અમને કોઈ પ્રકારની ચિંતા નહોતી. ફોટોઝ પોસ્ટ કરનારી તે સાહસિક ટુકડીની પેઠે અમારા નસીબે પણ અહીંયા જ રાતવાસો કરવાનો વારો આવ્યો. નિર્જન સ્થળે રાતવાસો કરવાનું કારણ ફક્ત એટલું જ કે બેડલેન્ડના જે સ્થળે અમે હતા ત્યાંથી સૌથી નજીકનું સ્થળ 'મેડિસન હેટ' ૭૮૦ કિમી ના અંતરે હતું. એટલે જ અમે રાત કારમાં વિતાવવાનું નક્કી કર્યું.

કારમાં બેઠા બાદ અમેં લેપટોપ ઓન કર્યા અને વાદળી રંગનો ઓરા ધરાવતી ટેકરીઓ વિશે માહિતી એકત્રિત કરવા અમે ઓનલાઈન પ્રાપ્ત માહિતીઓ ફેંદવા લાગ્યાં. તાર્કિક અને બુદ્ધિગમ્ય થિયરીઓને અમે અલગ તારવતા અને જરૂરી તમામ નોંધો અમારી જર્નલ માં ટપકાવી લેતા. આમ ને આમ ૨ કલાક વીતી ગયા. સંશોધનકાર્યથી થાકી ગયા હોવાથી ભોજન લઈને અમે કારમાં જ સુઈ ગયા.

*****

વહેલી પ્રભાતે અંધકારના સામ્રાજ્ય સામે માથું ઉંચકતો હોય તેમ ક્ષિતિજે સૂર્ય અડધોપડઘો બહાર ડોકાયો અને ભડભાખળું થયું. ચાંદી જેવા શ્વેત વાદળોમાંથી ચળાઈને આવતા સૂર્યપ્રકાશના કિરણો કારની કાચની બારી માંથી પસાર થઈને અમારા ચેહરાને સ્પર્શવા લાગ્યા. સંવેદનશીલ નેત્રકોષો ઋજુ પ્રકાશ સામે ઉત્તેજિત થઈ ગયા. જેના કારણે અમારી ઊંઘ માં વિક્ષેપ પડ્યો. આળસ મરડીને આંખો ચોળતા ચોળતા અમે જાગ્રત અવસ્થામાં આવી ગયા.

ઉજ્જડ પ્રદેશમાં મજબૂરીવશ ખુલ્લામાં હાજતે જવું પડ્યું. બ્રશ વગેરે કરી લીધા બાદ શુદ્ધ અને તાજી હવામાં બેસીને અમે જર્નલમાં નોંધેલી વિગતો ઉપર એક નજર ફેરવી લીઘી. તાજી ઓક્સિજન સભર હવામાં અમે લટાર મારવા નીકળ્યા ત્યારે કારથી લગભગ ૩૦૦મીટર ના અંતરે અમને એક ગેસનો કૂવો જડી આવ્યો. કૂવાના મુખને કોન્ક્રીટ વડે બંધ કરી દેવામાં આવ્યું હતું. આમ છતાં કૂવામાંથી ચૂવાક પામી રહેલા ગેસની તીવ્ર અને વિચિત્ર ગંધ મારી રહી હતી.

રસ્કિન,"આવા નિર્જન સ્થળે ગેસનો કૂવો કોણે બાંધ્યો હશે , બકુલ? "

બકુલ,"મારા મનમાં પણ આ જ પ્રશ્ન સળવળી રહ્યો છે. મને લાગે છે ભૂતકાળમાં આ સ્થળેથી કુદરતી ગેસનો વિપુલ જથ્થો ધરાવતા ભૂગર્ભિય સ્ત્રોત મળી આવ્યા હશે. જેનો વિવેકપૂર્વક અને જરૂર પડ્યે ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થાના હેતુસર કોઈ કંપની અથવા સરકારે આ કૂવો બનાવડાવ્યો હોવો જોઈએ. મને આની પાછળ સરકારની કોઈ ગુપ્ત યોજનાની ગંધ આવી રહી છે

રસ્કિન," તારી વાત સાચી છે મિત્ર. અન્યથા અતિ દુર્ગમ સ્થળે ગેસનો કૂવો બનાવે કોણ? ૧૦ પેની મેળવવા ૧૦ ડૉલર ખર્ચે કોણ? આવા કારસ્તાનો અથવા કહો કે ધડમાથા વગરના પ્રયોગો ફક્ત સરકારને જ પાલવે.

બકુલ,"રસ્કિન એક કામ કર. GPS ઓન કર અને આ સ્થળની સેટેલાઇટ દ્વારા મળતી એરિયલ તસવીરો ચેક કર. ઊંચાઈથી જોવાથી કદાચ અજાણ્યા સ્થળની ભૂગોળની અજાણી બાબતો ઉજાગર થાય. કદાચ આસપાસમાં આવા બીજા કૂવા મળી આવે અથવા કૂવાને કોઈ ઇમારત સાથે સાંકળતી પાઇપલાઇન મળી આવે!

GPS ડીવાઇઝ ઓન કરતા કરતા રસ્કિન બોલ્યો,"સાચી વાત છે તારી. આ રહસ્યનું કોકડું તો ઉકેલવુ જ રહ્યું. શુ ખબર આકસ્મિકપણે આપણા હાથે કોઈ નવી વૈજ્ઞાનિક શોધ થઈ જાય. ચાલ જોઈએ GPS થી પ્રાપ્ત આ સ્થળનો હવાઈ નઝારો."

૪૮૦ કિમી ઉપરની ભ્રમણકક્ષામાં પૃથ્વી ફરતે ચક્કર લગાવી રહેલા સેટેલાઇટ દ્વારા મળતો મેપ રૂપી ડેટા તસવીરરૂપે GPS ની સ્ક્રીન પર આકાર લેવા લાગ્યો. ક્ષણભરમાં બેડલેન્ડનો એરિયલ વ્યુ સ્ક્રિન પર રચાઈ ગયો. તે મેપને અંગુઠા અને આંગળીની મદદથી zoom કરીને , સ્વાઈપ કરીને ગેસના કૂવાનું પગેરું શોધવા લાગ્યા. સ્વાઈપ કરતા કરતા અમને ગેસનો કૂવો દેખાયો. પણ તેની સાથે અચરજ પમાડતી એક અલૌકિક આકૃતિ પણ દેખાઈ.ગેસના કૂવાની ફરતે નાની મોટી ટેકરીઓના આરોહ અવરોહને કારણે એક આકાર ઉપસી આવ્યો હતો. આ આકાર એટલે માનવ ના ચહેરાનો આકાર. માનવ મુખનો સાઈડ ફેસ. ટેકરીઓના ચઢાણ અને ઉતરાણને કારણે સ્પષ્ટરૂપે દેખી શકાય તેવી એક માનવ મુખાકૃતિ નિર્માણ પામી હતી. મુખની આકૃતિ બનાવવા માટે ટેકરીઓ સચોટ જગ્યાએ ગોઠવાઈ હતી. જેના કારણે ટેકરીઓથી નિર્મિત આકૃતિમાં માનવ મુખના કપાળ, આંખો, નાક, હોઠ અને દાઢીનો ભાગ વગેરે જોઈ શકાતા હતા. માનો કે બેડલેન્ડની ખડકાળ ભોમકાનો કેનવાસ તરીકે ઉપયોગ કરીને કોઈક વિશાળ અગોચર જીવે ટેકરીઓનું કોતરણીકામ કરીને માનવ મુખનો આકાર આપ્યો હતો. ટેકરીઓ નિર્મિત મુખ માં કાન ની જગ્યાએ ગેસનો કૂવો હતો. બરોબર ત્યાંજ ઉભા રહીને અમે ૪૮૦ કિમી ઉપરથી લેવાયેલી ચટ્ટાની ચેહરા ની આકૃતિ વિસ્ફારીત નેત્રોથી જોઈ રહ્યા હતા.

બકુલ,"અરે રસ્કિન, આ આકાર માનવ મુખનો લાગે છે."રસ્કિન," હા યાર. બસ આ મુખ હાડમાંસ ને બદલે ઊંચીનીચી ખડકાળ ટેકરીઓનો બનેલો છે."
બકુલ," એક કામ કર. આ જગ્યાના અંક્ષાશ અને રેખાંશ નોંધી લે અને GPS માં દેખાઈ રહેલી રહસ્યમયી તસવીરોના સ્નેપશોટ્સ લઈ લે.

રસ્કિને તુરંત બકુલના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું.
સ્નેપશોટ્સનું નિરીક્ષણ કરી રહેલા રસ્કિને માથું ખંજવાળતાં ખંજવાળતા બકુલને પ્રશ્ન કર્યો," પક્ષીઓ અને કીટકોની પણ જ્યાં નહિવત હાજરી છે તેવા બેડલેન્ડમાં માનવો દ્વારા ત્યજી દેવાયેલી ખડકાળ અને ઘાસિયા ભૂમિમાં ઉત્કૃષ્ટ કલાકૃતિના નમૂના સમાન માનવ મુખાકૃતિ કોણે કંડારી હશે?"

બકુલ," કુદરતે પોતાનો કરિશ્મા દર્શાવતી આવી અનેક દિલધડક રચનાઓ જગતમાં છુટ્ટા હાથે વિખેરી જ છે. પણ માનવ મુખને આબેહૂબ મળતી ટેકરીઓથી નિર્મિત રચના કુદરતથી અકસ્માતવશ બની હોય તે સંભવી શકે નહિ. આ પ્રકારનું કોતરણીકામ ફક્ત મનુષ્ય જ કરી શકે છે.

રસ્કિન," તે ઉઠાવેલો મુદ્દો તથ્યતા ને વરેલો છે પણ સિક્કાની બીજી બાજુ તપાસીએ તો એક થિયરી પ્રમાણે કરોડો વર્ષો સુધી ભૂસ્તરીય પોપડાઓ, પર્વતો, ખડકો, ટેકરીઓ અનેક પ્રકારે ઘસાતા રહ્યા છે. આ ક્રિયાને વૈજ્ઞાનિક પરિભાષામાં Erosion કહે છે. નદી, ધોધ વગેરે જેવા સ્રોતને કારણે પર્વતો, ખીણો અને કોતરો ઘસાતા રહ્યા છે, તે સર્વવિદિત અને સર્વસ્વીકૃત છે. ઉપરાંત જવાળામુખી ના ધગધગતા લાવાને કારણે ભૂસપાટીનો પોપડો ઉપસી આવ્યાનો અથવા ભૂગર્ભમાં ધસી ગયા હોય એવા અનેક દાખલાઓ જગતે જોયા અને જાણ્યા છે. વધુમાં , કેટલીકવાર પહાડો અને ખીણના ખાંચમાંથી વહેતા સતત અને એકધારા પવનને કારણે ખડકો અંદરથી ઘસાઈ જાય છે અને તેને કારણે પ્રવાહિત જળ જેવી રેખાઓ ઉપસી આવે છે. Erosion એટલે કે ઘસારાની આવી અનેક રીતોને કારણે ઢોળાવ ધરાવતા પહાડો અને ટેકરીઓ અસ્તિત્વમાં આવી. પરંતુ આડીઅવળી જગ્યાઓએ ઉપસી આવેલી ટેકરીઓને કારણે માનવ મુખની આકૃતિ બની હોય તેવો આ પ્રથમ કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો છે.

બકુલ,"હેરત પમાડનારી આ ચટ્ટાની ચેહરાની આકૃતિ માટે Erosion જવાબદાર હોઇ શકે છે. પણ આની પાછળનું બીજું કારણ ઉત્ક્રાંતિ પામેલા માનવમગજમાં ઉદ્દભવેલ પાયાગત ખામી છે. હજારો વર્ષ લાંબી ચાલેલી ઉત્ક્રાંતિની પ્રક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલ માનવમગજ દરેક વસ્તુમાં ચહેરો જોવા મથે છે. પાષાણયુગ નો આદિમાનવ ખોરાક મેળવવા માટે શિકાર કરતો. પણ ક્યારેક આદિમાનવ પોતે શિકાર થઈ જતો. આવી ભયાવહ પરિસ્થિતિ વચ્ચે વિકસેલા માનવમગજે ચહેરાઓને ઓળખવાનું ચાલુ કર્યું. જંગલી જાનવરો અને પરિવારના સભ્યોના ચેહરાને તે પિછાણતો થયો. ક્રમશઃ વિકાસ પામી રહેલ મગજ જરૂરી હોય કે ના હોય, તેવી દરેક જગ્યામાં, દરેક વસ્તુમાં ચેહરાને જોવા લાગ્યું. વર્તમાન સમયમાં મનુષ્યોને ચહેરા ઓળખવા સિવાય અન્ય ઘણા એડવાન્સ કાર્ય કરવાના હોય છે. આનાથી વિપરીત આદિમાનવે શિકાર કરવો અથવા શિકાર થવું, એમ બે જ કાર્ય કરવાના રહેતા. આથી મગજનું પાષાણયુગમાં થયેલું વાયરિંગ હાલના સમય પ્રમાણે બદલાવું જોઈએ. પણ તેવું થયું નહિ. લાંબા સમયથી ચહેરા ઓળખવાની ક્રિયામાં અભ્યસ્ત થઈ ચૂકેલ મગજ તેથી જ દરેક વસ્તુમાં ચેહરો શોધી કાઢે છે. દા.ત. રેતી પર ઢોળાયેલ પાણીમાં, વાદળોમાં, સ્માઇલીમાં, રેડીઓના બટનમાં, ભંગારવાડાની વસ્તુઓમાં, ફૂગ લાગેલી બ્રેડમાં, દીવાલ પરના ભેજમાં, બળેલી રોટલીના ડાઘમાં વેગેરેમાં મગજને અજાણતાં જ વિના પ્રયત્ને ચેહરો દેખાઈ આવે છે. જે વાસ્તવમાં ચહેરો હોતો જ નથી. સ્વબચાવ ના કીમિયારૂપે કુદરતે માનવને આ શીખવ્યું છે. અત્રે મેપમાં દેખાઈ રહેલ ટેકરીઓની ગોઠવણ ને કારણે દેખાતો ચહેરો માનવમગજ ની પાયાગત ખામીનું જ પરિણામ હોઈ શકે છે. તેવું મારુ માનવું છે.

રસ્કિન," અસ્તિત્વમાં ના હોય તેવી વસ્તુઓમાં પણ ચહેરો શોધવાની માનવમગજ ની ખામીને વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ મળી છે. જેના કારણે ચટ્ટાની ચહેરા માટે આ થિયરી પણ બંધબેસતી લાગે છે. પણ સેટેલાઇટ દ્વારા જે તસવીર GPS ડીવાઇઝ માં મળી છે તેમાં માનવ મુખમાં હોય તેવા કપાળ, આંખ, નાક, હોઠ અને દાઢી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તેથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે અહીં મગજને કોઈ દ્રષ્ટિભ્રમ નથી થઈ રહ્યો.

બકુલ," ઉચાઈએથી કોઈ પ્રકારના ટેક્નિકલ માર્ગદર્શન વિના, ફક્ત જમીન પર રહીને આટલી વિશાળ મુખાકૃતિ કંડારવી લગભગ અશક્ય છે. વળી આ ટેકરીઓ હજારો વર્ષ પૂર્વેની હોવી જોઈએ. તો આદિમાનવ જેવા અલ્પ વિકસિત મગજવાળા લોકોએ કોઈ જ પ્રકારની ટેકનોલોજી વિના આવી મૂર્તિ કેમની બનાવી હશે?

રસ્કિન," અરે બકુલ તે તો કમાલની વાત કરી. મુખાકૃતિ નું કદ વિશાળ તો છે, પણ કેટલી વિશાળ છે તે આપણે જાણતા નથી. મને લાગે છે આપણે મુખાકૃતિ નું માપ લેવું જોઈએ.

બકુલ," તારું સૂચન બુદ્ધિગમ્ય છે. પણ માપ લેવા માટે આપણે પશ્વિમ દિશા તરફ જવું પડશે. કારણકે તસવીરમાં દેખાય છે તેમ કપાળ, આંખ, નાક, મોઢું અને દાઢી પશ્વિમ દિશામાં આવેલા છે અને કાન પૂર્વ દિશામાં. આથી પહેલા પશ્વિમ દિશાએ જઈ કપાળ થી દાઢી સુધીનું માપ લઈશું. ત્યારબાદ નાક થી કાન સુધીનું અંતર માપી લઈશું.

કારમાંથી માપણી કરવા માટેના કેટલાક સાધનો લઈને અમે પશ્વિમ તરફ રવાના થયા. માપણી બાદ અમને આશ્ચર્યજનક આંકડા મળ્યા. મુખાકૃતિ ધારણાં કરતા મોટી નીકળી. કપાળથી દાઢી સુધીનું માપ ૬૫૦ મીટર હતું અને નાક થી કાન એટલેકે ગેસના કૂવાનું અંતર ૪૫૦ મીટર હતું. મને ઘણું આશ્ચર્ય થયું કે આટલી ચોક્સાઇપૂર્વક ના માપ લઈ હોરિઝોન્ટલ એટલે કે સુતેલી મુખાકૃતિ બનાવવા માટે તો અદ્યતન ટેક્નોલોજી જોઈએ. પાષાણયુગના માનવીએ આવી ટેકનોલોજી કેવીરીતે હસ્તગત કરી હશે?
બકુલ," રસ્કિન, માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ વિશે તો તું જાણે છે ને?

રસ્કિન," હા જાણું છું ને. દરેક અમેરિકન જાણે છે. સાઉથ ડાકોટા ની બ્લેક હિલ્સ તરીકે ઓળખાતી પર્વતશ્રેણીને કોતરીને બનાવેલા ચાર અમેરિકન પ્રેસિડેન્ટ ના ચેહરા એટલે માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ. આ ચાર પ્રેસિડેન્ટ એટલે જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિઓડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકન.બકુલ," એકદમ સાચું. ઊંચા પહાડોનું અદ્યતન શસ્ત્રો વડે કોતરણીકામ કરીને ચાર પ્રેસિડેન્ટ ના વર્ટિકલ એટલે કે ઉભા ચહેરા બનાવવા માટે ઘણા વર્ષો અને કરોડો ડોલર લાગ્યા હતા. જ્યારે બેડલેન્ડનો આ ચહેરો તો હોરિઝોન્ટલ અવસ્થામાં છે અને માઉન્ટ રશમોર ના દરેક ચહેરા કરતા લગભગ ૩૦ ગણો મોટો પણ છે. મને સમજાતું જ નથી કે આ કેવીરીતે સંભવી શકે?
રસ્કિન," આપણે એક કામ કરીએ. ઘરથી દૂર હોવાને કારણે મિત્ર વૈજ્ઞાનિકો પાસેથી સૂચનો મળી શકવાના નથી. તેથી આપણે એકત્રિત કરેલી માહિતી અને ફોટોઝ સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરી દઈએ. યોગ્ય # સાથે. લાગતાવળગતાં તજજ્ઞો અને વિશેષજ્ઞો જરૂરથી અચરજ પમાડનાર ફોટોઝ જોઈને યોગ્ય માર્ગદર્શન આપશે જ.

મને રસ્કિનની વાત તર્કસંગત લાગી. છતાં સાવચેતી માટે અમે કેટલાક કલાક પથ્થરિયા ચેહરા વિશે માહિતી મેળવવા માટે ઓનલાઈન ખાંખાખોળા કર્યા. પરંતુ કોઈ ઉપયોગી માહિતી હાથ ના લાગી. આથી અમે જે ટેકરીથી નાક બનતું હતું તેના ઉપર બેસી ગયા અને તમામ વિગતો સાથે ફોટોઝ અપલોડ કરી દીધા. હવે અમારી પાસે રાહ જોવા સિવાય અન્ય કોઈ વિકલ્પ શેષ નહોતો. જોકે કામમાં પરોવાયેલા હોવાથી સૂર્યાસ્તનો સમય થઈ ગયો હતો, તે અમે જાણી જ ન શક્યા. આથી રાહ જોવા સિવાય અમે સૂર્યાસ્ત સમયે ચાલુ થતો ટેકરીઓનો ઓરા રૂપી વાદળી રંગના પ્રકાશનો જાદુ જોઈ શકતા હતા. અમે ટેકરી પર પીઠ ટેકવી સૂઇ ગયા અને અલૌકિક વાદળી રંગનો લાઈટ શો જોવા લાગ્યા.

*****

હું વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક અને મારો મિત્ર વર્તમાન સમયનો વિજ્ઞાનપ્રવાહનો શ્રેષ્ઠ કટારલેખક. આથી ગણતરીના કલાકોમાં પોસ્ટ કરેલા ફોટોઝ વાઇરલ થઈ ગયા. તસવીરો નીચે લાખોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ્સ આવવા લાગી. જે પૈકી ઘણી કૉમેન્ટ્સ કામ લાગે એવી હતી.

દા. ત. કેટલાક ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રીઓએ કરોડો વર્ષ લાંબી ચાલેલી Erosion એટલે કે ભૌગોલિક સ્થાનોની ઘસારા ની રીત સમજાવીને, કેવા સંજોગોમાં પર્વતો અને ખીણો અસ્તિત્વમાં આવી હતી તેની જાણકારી આપી. તેમના મતાનુસાર ભૂસપાટી ઉપર ઉપસી આવેલી મુખાકૃતિ નો 'રચનાકાર' અનેક કુદરતી પરિબળો હતા.

આનાથી વિપરીત ન્યુરોલોજીસ્ટ નો મોટો વર્ગ એમ માનતો હતો કે ચટ્ટાની ચેહરો મગજની નરી કલ્પના છે. જેના મૂળમાં દરેક વસ્તુમાં ચેહરો શોધવાની મગજની વર્ષો પુરાણી ભૂલભરેલી આદત કારણભૂત છે.

કેટલાક નિષ્ણાંતોના મતે માઉન્ટ રશમોર કરતા મોટી મૂર્તિઓનું કોતરણી કરવાંનું કાર્ય ફક્ત પરગ્રહવાસીઓ જ કરી શકે છે. એલિયન શાસ્ત્રના આ વિશેષજ્ઞો નું માનવું હતું કે એલિયન અહીં વારંવાર આવનજાવન કરતા હશે. એલિયન લોકોએ તેમની કોઈ ટેક્નોલોજી અહીં છુપાવી હશે. ગોપિત ટેકનોલોજી વાળી જગ્યા અવકાશમાંથી સરળતાથી દેખાઈ શકે, તેવા હેતુસર તેમણે આટલી વિશાળ મુખાકૃતિ બનાવી હશે. વધુમાં એલિયન શાસ્ત્રના જાણકાર માનતા કે એલિયન લોકોની અવરજવર અને ગોપિત ટેકનોલોજી ની અસર ને કારણે જ અહીંયા જીવોની હાજરી નહિવત છે.

કૉમેન્ટ્સ કરનાર તમામ પક્ષોમાંથી એક પક્ષ ઇતિહાસકાર મિત્રોનો હતો. ઇતિહાસકારો એ જણાવ્યું કે જેમ સુતેલી અવસ્થાની મૂર્તિએ માથા પર સાફો પહેર્યો છે તેવો જ સાફો મૂળ અમેરિકન રેડ ઈન્ડિયન અથવા બ્લેક ફૂટ જાતિના લોકો પણ પહેરતા. આ સાફા માં ગરુડના પીંછા લગાવવામાં આવતા. અત્રે મજાની વાત એ હતી કે અમને તે મૂર્તિમાં ગરુડના પીંછાથી બનાવેલો માથાના તાજ જેવો સાફો અથવા મુગટ દેખાયો જ નહિ. ઇતિહાસકારો એ અમારું તે તરફ ધ્યાન દોર્યું.

ઇતિહાસકારો એ કેટલાક પુરાવાઓ ટાંકીને સાબિત કરી બતાવ્યું કે બેડલેન્ડનો કેન્દ્રવર્તી વિસ્તાર હજારો વર્ષોથી મૂળ અમેરિકન આદિવાસી બ્લેક ફૂટ જાતિના લોકો માટે પવિત્ર સ્થાન હતું. ધાર્મિક વિધિઓ માટે અને શિકાર માટે બ્લેક ફૂટ જાતિના લોકો અહીંયા આવીને આશીર્વાદ મેળવતા. એક સમયનું જીવંત સ્થળ કેટલીક અજ્ઞાત પ્રતિકુળતાઓ ને કારણે નિર્જન અને ઉજ્જડ બની ગયું. બદતર વાતાવરણ અને ભૌગોલિક વિષમતાઓ ને કારણે બ્લેક ફૂટ જાતિના લોકો સ્થળાંતર કરતા કરતા હાલ ના મેડિસન હેટ સુધી પહોંચી ગયા અને ત્યાં જ ઠરીઠામ થયા. પરિણામે તના રીતરિવાજો અને જીવનશૈલી માં પરિવર્તનો આવતા ગયા અને તેઓ સુધરેલી આવૃત્તિના બની ગયા. ક્વચિત તેઓ તેમના સંસ્કાર અને રિવાજોને વિસરી ગયા હોય પણ બેડલેન્ડ માં આવેલી તે મુખાકૃતિ વિશે કોઈને જાણકારી હોય તો તે બ્લેક ફૂટ જાતિના પુરોહિત અને વૈદ્ય જ હોઈ શકે છે. આ પુરોહિતો અને વૈદ્યો પેઢી દર પેઢી તેમના વારસાગત જ્ઞાનને યુવાનો સુધી પહોંચાડતા હોય છે.

ભૂસ્તરશાસ્ત્ર, ન્યુરોલોજીસ્ટ, એલિયન શાસ્ત્ર અને ઇતિહાસ આ ચાર ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી મળેલી માહિતીનું પૃથક્કરણ કરતા અમને ઇતિહાસકારોની ની થિયરી વધુ બુદ્ધિગમ્ય અને તર્કસંગત લાગી. આથી ઇતિહાસકારો ના જણાવ્યા પ્રમાણે અમે મેડિસન હેટ જવાનું નક્કી કર્યું. રસ્કિનના કહેવાથી અમે અમે નક્કી કર્યું કે રાત અહીં જ વિતાવીને વહેલી સવારે કારને મેડિસન હેટ સુધી હંકારી જવી.

*****

GPS પ્રમાણે બેડલેન્ડ થી મેડિસન હેટ નો પ્રવાસ ૮ કલાક નો હતો. આથી પરોઢિયે ૫વાગ્યે અમે પ્રવાસનો આરંભ કરી દીધો. શાંત વાતાવરણ ને ચીરતો મોટરકારનો અવાજ કર્કશ લાગી રહ્યો હતો. નાનીમોટી ટેકરીઓ વટાવીને કાર આગળ વધતી રહી. જેમજેમ બેડલેન્ડ પાછળ છૂટવા લાગ્યો તેમતેમ પક્ષીઓ અને પ્રાણીઓની અવનવી જાતિઓ દેખાવા લાગી. તકનો લાભ લેતા, રસ્કિન પ્રાણીસૃષ્ટિ ને કેમેરાના લેન્સમાં કેદ કરવા લાગ્યો.

લગભગ ૯ વાગ્યા સુધી એકધારી ડ્રાઇવિંગના કારણે હું થાક્યો હતો. હવે ગાડી ચલાવવાનો વારો રસ્કિનનો હતો. તેથી સ્ટિયરિંગનો કબજો રસ્કિને લીધો. ડ્રાઇવિંગ કરી રહેલા રસ્કિને મારા ખભા ઉપર હાથ મૂકીને કહ્યું," દોસ્ત આટલી બધી માહિતી એકત્રિત કર્યા બાદ તને શુ લાગે છે, ટેકરીઓ માંથી પ્રગટ થતો વાદળી રંગ કઇ વૈજ્ઞાનિક ઘટનાને આભારી હશે? આપણે તૈયાર કરેલી જર્નલમાં આ રહસ્યમયી ઘટનાને સમજાવવા પૂરતી માહિતી છે ખરી?

જર્નલ વાંચતા વાંચતા જ મેં ઉત્તર આપ્યો," જર્નલ માં નોંધેલી વિગતો પરથી હું એક નિષ્કર્ષ પર આવ્યો છું."

રસ્કિન," આપણે ઘણો લાંબો પ્રવાસ ખેડવાનો છે. તેથી આપણી પાસે સમય પણ ઘણો છે. તો તું આરામથી તારા નિષ્કર્ષ અંગે જણાવ."

બકુલ," જણાવું છું મિત્ર. પણ પહેલા મને એક પ્રશ્નનો ઉત્તર આપ. શું તે બેડલેન્ડની ટેકરીઓ ઉપર ઊગી નીકળેલી જંગલી ઘાસનું નિરીક્ષણ કર્યું હતું."

રસ્કિન," ના. પણ આવો પ્રશ્ન કેમ કર્યો તે?

બકુલ," ત્યાનું ઘાસ ઘેરા લીલા રંગનું હતું. મતલબ કે ત્યાંના ઘાસમાં હરિતદ્રવ્ય નું પ્રમાણ ઘણું વધારે છે. તું તો જાણે જ છે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ નો એક રેણુ શોષવા અને ઓક્સિજન નો એક રેણુ સર્જવા વૃક્ષ, છોડ, ઘાસ અને વેલાએ સૂર્યપ્રકાશ ના લગભગ ૧૦ફોટોન કણો ગ્રહણ કરવા પડે છે. આમ છતાં મોટાભાગ ની વનસ્પતિઓ ભરતડકે ૨% કરતા વધુ સૂર્યપ્રકાશ વાપરી શકતી નથી. કેટલીક સ્પીસિસ જોકે 3% જેટલો પ્રકાશ વાપરે છે. પણ બેડલેન્ડનું ઘાસ ૫% જેટલું વધુ પ્રકાશ શોષી લે છે, તેવું મને લાગે છે. આથી જ ત્યાનું ઘાસ ઘટ્ટ લીલા રંગનું છે અને હરિતદ્રવ્ય નું પ્રમાણ પણ વધી ગયું હશે. પ્રકાશ શોષવાની કાર્યક્ષમતાને આધારે પ્રકાશસંશ્લેષણ ની પદ્ધતિને વૈજ્ઞાનિકોએ બે પ્રકારમાં વર્ગીકૃત કર્યું છે. ૧) C૩ અને ૨) C4.

C3 પદ્ધતિને અનુસરતા ઘઉં,જુવાર જેવા છોડ પ્રત્યેક ચોરસ મીટરે દૈનિક ૪૫.૯ ગ્રામ ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે C4 પદ્ધતિને અનુસરતી વનસ્પતિઓ પ્રત્યેક ચોરસ મીટરે ૫૭.૬ ગ્રામ ઓક્સિજન મુક્ત કરે છે. પણ મને લાગે છે,આ બધાથી વિપરીત બેડલેન્ડનું ઘાસ દર ચોરસ મીટરે ફક્ત ૩૦ ગ્રામ ઓક્સિજન મુક્ત કરતું હશે અને બાકીના ઓક્સિજન નો સંગ્રહ કરતું હશે. તમામ વનસ્પતિઓ કરતા વેગળી રીતભાત અપનાવીને વૃદ્ધિ પામતું ઘાસનું હરિતદ્રવ્ય તેથી જ સૂર્યાસ્ત સમયના પ્રકાશકિરણો થી ઉત્તેજિત થઈ જતું હશે અને કોઈક વાયુ હવામાં છોડતું હશે. જે વાતાવરણના ઓઝોન સાથે પ્રતિક્રિયા કરી સૂક્ષ્મ કણો રચતા હશે. જે દ્રશ્ય રંગપટલ ના ફક્ત વાદળી રંગને જ ઉત્તેજિત કરતા હોઈ, વાદળી રંગ ઉત્તપન્ન થાય છે. જેને દૂરથી જોતા જાણે ટેકરી વાદળી રંગ પેદા કરતી હોય તેવો ભ્રમ થાય છે.

રસ્કિન," આ થિયરી ઉપરાંત મેં એક અન્ય થિયરી વાંચેલી. જે વધતેઓછે અંશે તારી વાતનું જ સમર્થન કરે છે. આ થિયરી પ્રમાણે કેટલીક વનસ્પતિ મહત્તમ પ્રકાશ ઝીલવા તેના ક્લોરોફિલ કણોનું સ્થાન અને સ્થિતિ બદલી જાણે છે. રાત્રીના સમયે આવી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં હોરિઝોન્ટલ એટલેકે આડી લીટીમાં ક્લોરોફિલ કણોને ગોઠવે છે. જ્યારે ભરતડકે ક્લોરોફિલ કણો વર્ટિકલ એટલે કે ઉભી લીટીમાં ગોઠવાય છે. જેથી વધુ પ્રકાશ શોષી શકાય.

પણ બેડલેન્ડનું ઘાસ સૂર્યાસ્તના ઓછા પ્રકાશ વખતે મહત્તમ પ્રકાશ શોષી શકાય તે માટે ક્લોરોફિલ કણોને આડી અને ઉભી એમ બેય લીટીમાં ગોઠવી જાણતા હોવા જોઈએ. પરિણામ સ્વરૂપે સાંજના સમયે પર્વતીય ઘાસ જે બાફ કાઢે તેના રાસાયણિક દ્રવ્યો હવાના ઓઝોન સાથે કેમિકલ પ્રતિક્રિયા કરી અત્યંત સૂક્ષ્મ કણો રચે છે, જેમનું કદ સૂર્યના ભૂરાં કિરણોને વિખેરવા માટે અનુરૂપ હોય છે. જેના કારણે રંગપટલના બાકીના કિરણો સીધી લીટીમાં ઓઝોન સોંસરવા નીકળી જાય છે. આથી માત્ર ભૂરો રંગ નજરે પડે છે.

વાદવિવાદમાં અને જ્ઞાનવિજ્ઞાનની વાતોમાં ક્યારે ૨ વાગી ગયા, તેની જાણ જ ન રહી. લગભગ ૨ વાગ્યાની આસપાસ અમે બેડલેન્ડની સીમારેખા વટાવી , મેડિસન હેટના બોર્ડર વિસ્તારમાં પ્રવેશ્યા.

બોર્ડર એરિયામાં પ્રવેશતાની સાથે જ દૂરથી માટી અને વાંસના બનેલા ઝૂંપડાઓ દેખાવા લાગ્યા. અમે કાર તે તરફ લઈ લીધી. ત્યાં પહોંચ્યા પછી અમે જોયું કે અહીંના નિવાસીઓની વેશભૂષા અને કેશભૂષા આદિવાસીઓ જેવી હતી. પુરુષોએ ઉપરના ભાગમાં વાઘના નહોર ની બનેલી માળા પહેરી હતી અને નીચેના ભાગે સ્કર્ટ જેવું વસ્ત્ર પહેર્યું હતું. સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રોમાં સમાનતા હતી. જોકે સ્ત્રીઓનો છાતીનો ભાગ ઢાંકેલો હતો. સ્ત્રીઓએ કાનમાં પહેરેલા લણકણ પ્રમાણમાં મોટી કહી શકાય તેવી બંગડીઓ જેવા હતા. બધી સ્ત્રીઓ ઉભડક પગે વર્તુળાકારમાં બેઠી હતી અને કૂતરા જેવા કોઈ પ્રાણીના મૃત શરીરને આગમાં શેકી રહી હતી. થોડે દુર પુરુષ મંડળી શરીરે કાદવ ચોપડી રહી હતી.

ખોરાક પકવી રહેલી સ્ત્રીઓના ટોળા પાસે અમે કાર થોભાવી. થોડે દૂર નાના બાળકો ભાગાદોડી કરી રહ્યા હતા. બાળકોએ ગુપ્તાંગ ફરતે વૃક્ષોના પાંદડા બાંધી રાખ્યા હતા. કારને જોતા જ તમામ બાળકો રમતને અધવચ્ચે છોડીને કાર પાસે દોડી આવ્યા અને કારને સ્પર્શીને હરખની બુમો પાડવા લાગ્યા.

કારમાંથી ઉતરીને અમે બાળકોને નામ અને સ્થળ વિશે પૃચ્છા કરી. પણ તેમને અંગ્રેજી નહોતી આવડતી. આથી તેઓ ડરીને ભાગી ગયા અને પોતપોતાની માતાની ગોદમાં લપાઈ ગયા. આથી અમે માંસ રાંધી રહેલી સ્ત્રીઓ પાસે ગયા અને તેમની પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સ્ત્રીઓના હાવભાવથી હું સમજી ગયો કે તેમને પણ અંગ્રેજી ભાષા નથી આવડતી. અમે ફક્ત એટલું જાણવા માંગતા હતા કે આ લોકો બ્લેક ફૂટ કે રેડ ઈન્ડિયન જાતિના લોકો છે કે નહિ? અમને ખાતરી હતી કે બ્લેક ફૂટ જાતિના લોકો ચટ્ટાની ચહેરા વિશે જરૂરથી જાણતા હશે. પરંતુ અહીંના લોકો અંગ્રેજી ભાષા વિશે અભણ હોવાથી અમને જરૂરી જાણકારી મળી નહિ. તેથી અમે નિરાશ થયા.

અંતિમ પ્રયાસ તરીકે અમે પુરુષો તરફ વળ્યા. શરીરે કાદવ ચોપડીને પુરુષો મલ્લયુદ્ધ કરી રહ્યા હતા. ૧૦ જેટલી જોડી એકમેક સાથે બાથ ભીડી રહી હતી અને પ્રતિદ્વંદ્વી ને પછાડવાના પ્રયત્નો કરી રહી હતી. થોડોક સમય બાદ કુસ્તીનું પરિણામ આવ્યું. ૧૦જોડીમાંથી ૫વિજેતા મળ્યા. વિજેતા જાહેર થતા જ ઢોલનાદ અને શંખનાદ ગુંજવા લાગ્યો. દર્શક સ્ત્રીઓ અને પુરૂષો ગળામાંથી વિચિત્ર અને કર્કશ અવાજ કાઢવા લાગ્યા. કેટલાક લોકો બેઢંગપણે નાચી રહ્યા હતા. મને લાગ્યું વિજેતાને સમ્માન આપવા માટેની આદિવાસીઓની આ એક પ્રણાલિકાગત રીત હશે.

રસ્કિન તમામ ઘટનાના ફોટોઝ ક્લિક કરવામાં વ્યસ્ત હતો. એક પત્રકાર હોવાથી દસ્તાવેજીકરણ માટે થઈ શકે તેટલા પુરાવા તે લેવા માંગતો હતો.

નિરસ નૃત્ય અને ચિચિયારીઓથી કંટાળીને, મેં હિંમત કરીને ૫વિજેતામાંથી એકને ચટ્ટાની ચેહરાની તસવીર બતાવી અને તે અથવા તેનો કબીલો તે ભેદી મુખાકૃતિ વિશે શું જાણે છે તે વિશે પૂછતાછ કરી. જોકે વિજેતા પુરુષને પણ મારી ભાષા સમજાઈ નહિ. પણ તસવીર જોઈને તે હેરત પામ્યો અને ભાગીને પોતાના અન્ય પુરુષ મિત્રો પાસે પહોંચી ગયો. થોડી ગુસપુસ બાદ પુરૂષોનું ટોળું અમારી તરફ ધસી આવ્યું અને વિસફારિત નેત્રો સાથે ટેકરીઓ થી બનેલી મુખાકૃતિ જોવા લાગ્યા અને આદરપૂર્વક માથું ઝુકાવવા લાગ્યા. જમા થયેલા પુરુષોને જોઈને સ્ત્રીઓ પણ પાસે આવી ગઈ અને તે ફોટો જોવા પડાપડી કરવા લાગી.

લોકોની ધક્કામુક્કી શાંત થયા પછી કેટલાક આગેવાન પુરુષો અમને એક ઝૂંપડી સુધી દોરી ગયા અને આંગળીઓ દ્વારા અંદર જવાનો ઈશારો કર્યો. ઝૂંપડી માં દાખલ થઈને અમે જોયું કે ખખડધજ હાલતની એક વાંસની ખુરશી ઉપર એક પ્રૌઢ પુરુષ બેઠો હતો. અમને અહીં સુધી દોરી લાવનાર આગેવાન લોકો વારાફરતી તે આધેડના ચરણસ્પર્શ કરવા લાગ્યા. આથી અમે પણ તેમનું અનુકરણ કર્યું અને તે વડીલ પુરુષના પગે લાગ્યા. ત્યારબાદ અમે અમારો પરિચય આપ્યો અને ચટ્ટાની ચહેરાવાળી તસવીર બતાવી. તે પ્રૌઢ પુરુષ અંગ્રેજી ભાષા જાણતો હતો. તે જાણી અમને રાહત થઈ.

આસન ઉપર બિરાજમાન પ્રૌઢ પુરુષે અમે બેસવાનો ઈશારો કર્યો અને પોતાની વાત અમારી સમક્ષ રજૂ કરી. તેણે કહ્યું," અમે અમેરિકાના મૂળ વતની એવા બ્લેક ફૂટ જાતિના આદિવાસીઓ છીએ. હું આ કબીલાનો પુરોહિત અને વૈદ્ય છું. અમે મૂળ બેડલેન્ડના નિવાસી હતા. પણ ધીરે ધીરે અમે લોકો સ્થળાંતર કરીને મેડિસન હેટ સુધી પહોંચી ગયા. અહીંયા શહેરીકરણ અને આધુનિકરણ ના સંપર્કમાં આવતા અમારી સંસ્કૃતિ અને રીતરિવાજો નાશ પામવાની અણીએ છે. ટેકરીઓમાંથી બનાવેલો આ ચહેરો અમારા કુળમાં જન્મેલા પ્રથમ પુરોહિતની છે.અમારી જાતિના ઘણાખરા યુવાનો આ ચટ્ટાની ચહેરા વિશે અજાણ છે, તો તમારા જેવા શહેરી લોકો આ તસવીર વિશે કઈ રીતે જાણો છો?"

મેં આખી ઘટના વિસ્તારપૂર્વક પુરોહિતને કહી સંભળાવી.

આખી વાત શાંતચિત્તે સાંભળી લીધા બાદ પુરોહિત બોલ્યા," તમે સંશોધનકર્તા છો. તેથી મારી વાત પચાવી નહિ શકો. છતાં અમારા ગુપ્ત રીતરિવાજ વિશે તમને વિગતે જણાવું છું. વિશ્વ આખું અમારા રીતરિવાજો અને સંસ્કૃતિને જાણી શકે તે માટે તમે આ તમામ વાતો તમારા રિપોર્ટમાં લખજો. બ્લેક ફૂટ જાતિના પ્રથમ પુરોહિતે જણાવ્યું હતું કે બેડલેન્ડનો મધ્ય વિસ્તાર અતિ પવિત્ર છે. તેમની આજ્ઞા હતી કે તેમની અને તેમના દરેક અનુગામી પુરોહિતના મૃત શરીરને આ સ્થળે જ દફનાવવા. તેમના મતે આમ કરવાથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે અને જાતિ ઉપર આવનાર સંકટ ટળી જાય છે. આથી અમે દરેક પુરોહિતના શબને બેડલેન્ડના ચટ્ટાની ચહેરા વાળા સ્થળે જ દફનાવતા.

પુરોહિતે દર્શાવેલી ઘાસિયા મેદાનવાળી જગ્યાએથી વાદળી રંગનો પ્રકાશ ઝરતો હતો. દરેક પુરોહિત અને તેમના સહાયકોના શબને અહી દફનાવવાની વણથંભી પરંપરા ચાલતી રહી. પરિણામે અગાઉ અસ્તિત્વમાં નહોતી તેવી ટેકરીઓ અસ્તિત્વમાં આવી અને અકસ્માતવશ ચટ્ટાની ચહેરો રચાઈ ગયો. કબરમાંથી બનેલી ટેકરીઓનો ઘાસ પણ વાદળી રંગ ઉત્તપન્ન કરતો હતો. જેનું કારણ અમે જાણી શક્યા નથી. પણ મારા પૂર્વજો અને હું તે ચટ્ટાની ચહેરાથી વિદિત હતા."

પુરોહિત જ્યારે ઇતિહાસ વિશે જણાવી રહ્યા હતા ત્યારે રસ્કિન તેમના ફોટો ક્લિક કરી રહ્યો હતો અને હું રેકોર્ડરમાં રેકોર્ડિંગ કરી રહ્યો હતો. વાદળી રંગનો ઓરા ધરાવતી ટેકરીઓ અને તે જ ટેકરીઓથી રચાયેલા ચટ્ટાની ચહેરા પાછળનું વિજ્ઞાન, ઇતિહાસ અને બ્લેક ફૂટ જાતિના આદિવાસીઓની રીતરિવાજો ને લાગતા કેટલાક મજબૂત પુરાવા અમારી પાસે હતા. આથી પુરોહિત અને આગેવાન પુરુષોનો આભાર માની અમે વિદાય લીધી. અમારી કાર પુરપાટવેગે ધૂળ ઉડાડતી ઉડાડતી કેનેડાના શહેરી વિસ્તાર તરફ ઉપડી. કાર અદ્રશ્ય થતા જ પુરુષો ફરીથી મલ્લયુદ્ધમાં મગ્ન થયા. સ્ત્રીઓ માંસ પકવવા લાગી અને ભૂલકાંઓ પકડદાવ રમવા લાગ્યા.

*****

રસ્કિન," મૃત્યુની અંતિમવિધિ માટે જેટલા માથા તેટલી રીતો છે."
બકુલ," હમ્મ...."
રસ્કિન," પોતાની સંસ્કૃતિ વિસરી ચૂકેલા બ્લેક ફૂટ જાતિના લોકો શું તેમના પુરોહિતને ચટ્ટાની ચહેરાવાળા સ્થળે દફનાવશે?

મેં કશો જવાબ ન આપ્યો. બસ શૂન્યમનસ્કપણે ડ્રાઇવ કરતો રહ્યો.

【Discovery scince ના એક શો what on earth માં ટેકરીઓનો કારણે રચાયેલા માનવ મુખાકૃતિની વાત હતી. અને સફારી મેગેઝીનમાં ટેકરીઓમાંથી ઉત્તપન્ન થતા વાદળી રંગની વાત વાંચેલી. બે તદ્દન ભિન્ન સત્ય ઘટનાઓ ને સાંકળીને કેટલાક કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ ઉમેરીને આ વાર્તા લખી છે.】

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED