Drashtikon books and stories free download online pdf in Gujarati

દ્રષ્ટિકોણ

આજે મારા પ્રેમવિવાહ એક તદ્દન અજાણી યુવતી સાથે મતદાન મથકની નજીક આવેલા પોલીસ સ્ટેશનમાં થઈ રહયા છે. જી હા, તમે બરાબર વાંચ્યું. પોલીસ સ્ટેશનમાં થઈ રહયા છે. નોર્મલી પોલીસ સ્ટેશનમાં ફક્ત વિવાદ થાય છે. પણ આજે વિવાહ થઈ રહ્યા છે. શુ તમે જાણવા માંગશો મારા રોચક વિવાહ પાછળની કથા. અલબત્ત વાર્તા શરૂ કરતા પહેલાં મારે વાચકોને કહી દેવું છે કે તેઓએ તેમના દ્રષ્ટિકોણને બદલી ને વાર્તા વાંચવી પડશે. કારણકે એક જ પ્રસંગ એક દ્રષ્ટિકોણથી અશ્લીલ લાગી શકે છે તો બીજા દ્રષ્ટિકોણથી નિર્દોષ પણ લાગી શકે છે. ઉપરાંત જનહિતમાં એક ચેતવણી આપવી હતી કે જુનવાણી, ઘરેડમય, લાગણીવેડા, રોતલુ, ગામડાની પશ્ચાદ્દભૂમિ વાળી અને પૌરાણિક કથાઓમાંથી ચવાઈ ગયેલા સંદેશા રજૂ કરતી વાર્તા ના ચાહકને અહીં નિરાશા સાંપડશે. આવા વાચકોએ સ્પર્ધામાં ૧ થી ૧૦ નંબર માં આવતી વાર્તાઓ વાંચવી. અત્રે વાંચકનો ઊંચો બુધ્ધિઆંક જરૂરી છે. તો ચાલો માણીએ મારા વિવાહની રોચક કથા.

**********
મારું નામ પ્રશાંત છે અને હું બાળપણથી અનાથ છું. મોટાભાગના લેખકો જેમ અનાથ બાળકોની દશા વર્ણવે છે તેવી દુઃખદાયી હાલત મેં ક્યારેય અનુભવી જ નથી. ૧૦વર્ષનો થયો ત્યાં સુધી ભીખ માંગીને મસ્તીમાં જીવન વ્યતિત કર્યું. ફૂટપાથ પરના અન્ય ભિખારી મિત્રો સાથે મસ્તીમજાક માં મારા દિવસો અને મહિનાઓ પસાર થઈ રહ્યા હતા. પણ એક દિવસે એક સુખદ પ્રસંગ બન્યો અને મારો અકસ્માત એક કાર સાથે થઈ ગયો. કારના માલિક અને તેમના ધર્મપત્ની અત્યંત પ્રેમાળ અને દયાળુ હતા. તેઓ મારી સારવાર માટે મને હોસ્પિટલ લઇ ગયા અને જ્યારે મેં સ્વસ્થતા કેળવી લીધી ત્યારે મને દત્તક લઈ લીધો. તો હવે સમજાયુ કારના અકસ્માત ને મેં સુખદ પ્રસંગ તરીકે કેમ વર્ણવ્યો હતો. કારના માલિક દંપતી સંતાનવિહીન હતા અને હું અનાથ હતો. તેમણે મને પોલીસની બીકને કારણે દત્તક નહોતો લીધો. પરંતુ હૃદયપૂર્વક પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. એકરીતે અમે એકમેકની જરૂરિયાત સંતોષી હતી. છતાં આ સંબંધમાં પ્રેમ, હૂંફ અને સમજણ ની માત્રા વધુ હતી અને જરૂરિયાત નું પ્રમાણ નહિવત.

દેવતા સમાન મારા માતાપિતા નું નામ હું નહીં આપું. કારણકે મારા પિતાને હું bro તરીકે અને માતાને સ્વીટ- હાર્ટ તરીકે સંબોધુ છું. આથી તમે પણ તેમ જ કરશો. હજી ત્રણ મહિના પૂર્વ તો હું ૧૮વર્ષનો થયો. એટલે કે મતદાન કરવાને લાયક થયો. જોકે મારા bro અને sweetheart માટે હું લગ્ન ને લાયક થઈ ગયો હતો. એકરીતે જોતા તેમની વાત સાચી પણ લાગતી હતી. કારણકે પુખ્ત વયના થવાની સાથે શરીરમાં જાતીય આવેગોને ઉત્તેજિત કરનારા હોર્મોન્સમાં ફેરફાર થવા લાગ્યા હતા. કોઈક નવીન લાગણી તનબદનમાં ગલીપચી કરતી હોય તેમ વારંવાર અનુભવાતું. આ નવીન લાગણીને કારણે ચેહરા પર પીમ્પલ અને પેન્ટ ટેન્ટ ઉભા થવાના કિસ્સા વધી રહ્યા હતા. મારામાં આવેલા આ ફેરફારોની જાણ સૌથી પહેલા મારા sweetheart એટલે કે મારી મમ્મીને થઈ. આથી યુવાનીમાં મારાથી કોઈ ગંભીર ભૂલ ન થઈ જાય તે માટે sweetheart એ મારા bro ને મને જાતીય શિક્ષણ આપવા માટે મનાવી લીધા.

અને મારા bro પણ એકદમ પત્નીઘેલા હો કે. પત્નીનો હુકમ તેમને માટે સુપ્રીમ કોર્ટ નો હુકમ હતો. જેમ થાનોસ ને પકડવા એવેન્જર્સ ની ટીમ એકજુટ થઈ હતી તેમ મારા bro અને sweetheart મને જાતીય શિક્ષણ આપવા માટે એકજુટ થઈ ગયા. જેવો મને એકાંત મળતો કે મારા bro આવી જતા મને bore કરવા. અંગઉપાંગો ની સ્વચ્છતા સાથે મન ઉપર સંયમ રાખવાની વાતો કરતા. વધુમાં જાતીય આવેગો અને પ્રેમ સંબંધમાં આવતી સમસ્યાઓ પર સઘન વાર્તાલાપ કરવા બેસી જતા. એકવાર તો ચર્ચાનો તંતુ કંડોમ નો ઉપયોગ કેવીરીતે કરવો ત્યાં સુધી પહોંચ્યો. તે વખતે હું શરમજનક સ્થિતિ માં મુકાઈ ગયો હતો. પણ મારે માનવું પડશે કે bro પાસેથી મને કંડોમ ની જાણકારી મળી હતી.

મારું બાળપણ ભિખારીઓ ની વચ્ચે પસાર થયું હતું. આથી મારી ભાષા અભદ્ર થઈ ગઈ હતી. મારી ભાષા અને વ્યવહારને સીધો કરવા માટે bro અને sweetheart એ ઘણા ઉપાય અજમાવ્યા હતા. જે પૈકી એક ઉપાય તેમને અક્સીર જણાયો. જેનું નામકરણ મેં મારી સમજશક્તિ પ્રમાણે પાડ્યું છે 'થપ્પડ ઉપાય' અથવા 'લાફા નમાય'. જેવો મારા મુખમાંથી અપશબ્દ ઝરતો કે તરત મારા ગાલ પર થપ્પડ પડતો. જો હું મારી દિનચર્યા વિશે લખવા બેસું તો તેમાં ૧૦૦ વાર તો થપ્પડ નો ઉલ્લેખ આવી જ જાય. મને સુધારવાની આ પ્રોસેસ ૧૦માં વર્ષે ચાલુ થઈ હતી. જે આજે મારા ૧૮માં વર્ષે પણ ચાલુ જ છે. જોકે તેમના થપ્પડો માં મારા માટે છુપાયેલો અમાપ પ્રેમ હું જોઈ શકતો હતો. તેથી જ સ્તો
૧૮વર્ષ નો થયો હોવા છતાં હું પ્રેમપૂર્વક મંદિરના પ્રસાદની જેમ તે થપ્પડ આરોગી લેતો. મારા માતાપિતાને મને થપ્પડ મારવાની આદત હતી અને મને ખાવાની. આફ્ટર ઓલ ધેય આર માય પેરેન્ટ્સ.

મારા યુવાન થવાની સાથે મારા bro ફિલોસોફર થઈ ગયા. યુવાનીના ઉંબરે પગ મુકતા જ મારા bro ની વિજાતીય સાથી અંગેના સમજાવટના ક્ષેત્રનું એટલી હદે વિસ્તરણ થયું હતું કે તેઓ મોઢું પણ ખોલતા તો મને તેમાં દ્વિઅર્થી સંવાદો નો સંકેત મળી જતો. ઉદાહરણ તરીકે આજ સવાર ની જ વાતને લઈ શકાય. શૌચક્રિયા, સ્નાન આદિ ક્રિયાઓ પતાવીને છાપું વાંચવા માટે સોફામાં બેઠો. તેટલામાં નારદ મુનિની જેમ હવામાંથી મારા bro પ્રગટ થયા અને મારા હાથમાંથી છાપું ઝૂંટવી લીધું. મેં એક નિસાસો નાખ્યો અને ગુસ્સાથી તેમની તરફ જોયું. બદલામાં તેમણે મારા ગાલ પર એક તમાચો જડી દીધો અને બોલ્યા ,"જગ્યા કર અને બેસવા દે મને."

હું : પણ એમાં લાફો મારવાની ક્યાં જરૂર હતી bro.
bro : એમ તો હવે લાફો મારવા માટે પણ
કારણ જોઈએ. છાની રહે છાની. ૧૮ ની થઈ છું.
૮૦ ની નઈ.
હું. : અરે યાર હું છોકરો છું. છોકરી નઈ.
bro : ખબર છે ચાંપલી. બાપને ના શીખવ. અને
ધ્યાનથી મારી વાત સાંભળ. આજે તું કરવા
જવાનો છું ને તો ધ્યાનથી કરજે. ઉતાવળ ન
કરતો અને સાવચેતી વાપરજે.

bro ની વાત સાંભળી હું ચમક્યો. અને એકદમ ભોળાભાવે પૂછ્યું," શું વાત કરી રહ્યા છો તમેં? હું કશું નથી કરવાનો."
bro : શું નથી કરવાનો. તારે કરવું જ પડશે. બધા કરે
જ છે. બધાએ કરવું જ જોઈએ. એમાં
શરમાવાનું અને ડરવાનું ના હોય. ડર લાગે તો તું
મારી સાથે મુક્ત મને ચર્ચા કરી શકે છે. પણ
સાંભળ. કરતા પહેલા બરાબર દબાવજે.
દબાવવાનું કાર્ય જ મુખ્ય છે.
હું. : અરે bro.... બસ... બહુ થયું હવે. તમે સીમા
ઓળંગી રહ્યા છો.
bro. : અરે બેટા. એમાં કશું ખોટું નથી. બસ દબાવતા
પહેલા બરોબર જોઈ લેજે.
હવે મારા બરદાસ્ત બહાર વાત જઇ રહી હતી. મને bro ઉપર ઘણો ગુસ્સો આવી રહ્યો હતો. ક્રોધિત સ્વરે મેં કહ્યું," bro બસ. હવે આ વાર્તાલાપ નો અહીજ અંત લાવી દેવો જોઈએ. તમારા ભીતરની અશ્લીલતા બહાર ડોકાઈ રહી છે." ઇન્સ્ટન્ટ રિએક્શન રૂપે સણસણતો બીજો તમાચો મારા ગાલે પડ્યો. કદાચ અમને બંને ને કોઈ ગેરસમજણ થઈ હતી. bro ને મારી વાત માં ગતાગમ ના પડતા એમણે કુતૂહલવશ મને પૂછ્યું," ડોબા તું શું કરવાની વાત કરી રહ્યો છે? હું મતદાન કરવાની વાત કરી રહ્યો હતો. મત આપતા પહેલા યોગ્ય ઉમેદવારનું નામ જોઈને જ EVM મશીન નું બટન દબાવજો. એમ સમજાવી રહ્યો હતો તને. એમાં અશ્લીલતા ક્યાંથી આવી ટણપા. તું સાચેસાચુ બોલ. તું શું સમજ્યો હતો? મારી વાતનો અવળો મતલબ નિકાળ્યો ને તે"

માતાપિતા દ્વારા પૂછાયેલા આવા પ્રશ્નો સર્વધારી તલવાર જેવા હોય છે. તેઓ તેને જેમ ઈચ્છે તેમ વાપરી શકે છે. આવા સંજોગોમાં પુત્ર અથવા પુત્રીએ મનમોહન સિંઘ અવસ્થા પ્રાપ્ત કરવી વધુ અકસીર જણાઈ છે. જોકે મારા માટે મિલખાસિંઘ વધુ યોગ્ય ઉમેદવાર હતા. આથી ઉત્તર આપીને બદનામી વહોરી લેવા કરતા ત્યાંથી ભાગી જવામાં મને શાણપણ દેખાયું. અને હું ભાગ્યો સીધો ઘરની બહાર. bro સતત પાછળથી બુમો પાડીને મને બોલાવી રહ્યા હતા. પણ મેં તેમની તરફ ધ્યાન ન આપ્યું અને ઘરની બહાર નીકળી ગયો.

ઘરની બહાર નીકળીને જોયું તો કાર ગાયબ હતી. મેં sweetheart ને બૂમ પાડી બહાર બોલાવી. sweetheart હાથમાં દહીંની વાટકી લઈને બહાર આવી. તેમને જોઈને મને એક પૌરાણિક કથા યાદ આવી ગઈ. જેમાં સ્વર્ગની અપ્સરાના હાથમાં જીવનરસ ની પ્યાલી હતી. તે કથામાં તે અપ્સરા સંત ને તે પ્યાલી આપતા કહે છે કે તમે આ પીણું પીઓ અને કહો કે આ પેય કેવું છે. મને લાગ્યું કે મારી મમ્મી પણ મને એવુંજ કૈક કહેશે. ત્યાંજ મારી sweetheart મારા ઉપર બરાડી," શું થઈ ગયું નાલાયક?"

નાલાયક શબ્દ કાને પડતા જ અપ્સરાની દેવી ગાયબ થઈ ગઈ અને દુર્ગા માં સાક્ષાત પ્રગટ થયા. મેં પૂછ્યું," sweetheart કાર ક્યાં ગઈ?"

sweetheart : તારા bro એ સર્વિસ માટે કાર ગેરેજ માં
મોકલી છે.
હું : તો હવે મારે મતદાન મથક સુધી
કેવીરીતે જવું.
sweetheart : બસ માં જા ચાંપલી. અમે પણ બસ માં
જ ગયા હતા. પણ પહેલા શુકન માટે
આ દહીં પી લે.
હું : sweetheart મતદાન માટે જાઉં છું.
પરીક્ષા આપવા નહીં.
મારી વાત સાંભળતા જ sweetheart ની તમામ શક્તિ તેમના હાથમાં કેન્દ્રિત થઈ. અને રેલવે ફાટક ની જેમ તેમનો જમણો હાથ હવામાં ઉચકાયો અને લેન્ડ થયો મારા ગાલ પર. તમાચો ઝીંકી દીધા પછી દહીં ની ચમચી મારા મોઢામાં ઘુસાડી દીધી અને ત્યારબાદ sweetheart બોલ્યા," મતદાન એ પરીક્ષા જ છે. યોગ્ય ઉમેદવારને ચૂંટનાર ઉત્તીર્ણ થાય છે અને અફવાથી દોરવાઈને કે લાલચમાં આવીને કોઈને પણ મતદાન કરનાર અનુતીર્ણ થાય છે. આ પરીક્ષા માં તારે પાસ થવાનું છે. એટલે જ શુકન માટે દહીં લાવી છુ. સમજી ચાંપલી."
મેં કહ્યું," યાર હું છોકરો છું. છોકરી નહીં." મારી વાત સાંભળી sweetheart બોલ્યા," ખબર છે ચાંપલી. પણ દહીં પીધા વગર તો તને નહીં જ જાવા દઉં." sweetheart ના વિચિત્ર વર્તનથી આજે મને શીખવા મળ્યું કે મતદાન દરેક નાગરિકનો ધર્મ છે, કર્તવ્ય છે, ફરજ છે. sweetheart ના અંતરમાં રહેલી દેશ માટેની ભાવના જોતા કોઈપણ જાતની દલીલ કર્યા વિના હું દહીં પીવા લાગ્યો.
દહીં ગ્રહણ કરતા કરતા મને વિચાર આવ્યો કે ઉપરોક્ત બંને પ્રસંગોમાં ત્રણ વ્યક્તિઓની ભિન્ન ભિન્ન પ્રકૃતિનો પરિચય મળી રહ્યો હતો. પ્રથમ, જેમાં મને bro અશ્લીલ લાગ્યા. દ્વિતીય જેમાં મને મમ્મી અભણ લાગ્યા. પણ અંતમાં તો હું (અને તમે) અશ્લીલ અને અભણ સિદ્ધ થયો. આ બંને પ્રસંગોથી મને પદાર્થપાઠ મળ્યો કે જેમના મનમાં દૂષિત વિચારોનું મેલ હોય છે તેમને દરેક ઘટના અને સંવાદમાં અશ્લીલતા દેખાવાની જ. મને પૂર્ણ વિશ્વાસ છે કે ૧૦૦% વાચકો એ પ્રથમ પ્રસંગ વાંચીને 'છી છી' જેવો ઉદગાર કાઢ્યો જ હશે. પણ વાસ્તવમાં વાર્તા અશ્લીલ નથી. વાંચનાર ના વિચાર અશ્લીલ છે. જલ્દી થી નિષ્કર્ષ પર આવી જવાની તેમની ભૂલ નું આ પરિણામ છે. પ્રથમ ઘટના અશ્લીલ હતી જ નહીં. પણ વાંચનારનો દ્રષ્ટિકોણ અશ્લીલ હતો.

અને બીજા પ્રસંગથી મને શીખવા મળ્યું કે ચૂંટણી ને પરીક્ષા તરીકે જોનાર મારા sweetheart નહીં પણ હું(અને તમે) અભણ હતો. એ દરેક નાગરિક જે ચૂંટણીને સામાન્ય ગણે છે તે અભણ છે. ચૂંટણી તો લોકશાહીનો મહોત્સવ છે. દેશના નાગરિક તરીકે આપવી પડતી ફરજીયાત પરીક્ષા છે.

**********
અપડાઉન કરનારા મુસાફરોની ભીડથી બસ સ્ટેશન ખીચોખીચ ભરેલો હતો. પહેલીવાર એવું લાગ્યું કે આલતું ફાલતુ મુદ્દાઓ માટે હડતાળ કરનારા રાષ્ટ્રવિરોધી તત્વોએ એકવાર રાષ્ટ્ર ના હિત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની મંદ કામગીરી માટે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવી જોઈએ. અડધા કલાક સુધી બસ ની રાહ જોઈ. છતાં બસ ના આવી. મને એવું લાગ્યું કે હું બસની રાહ જોતો યાત્રી નહિ પણ બસ સ્ટેશન ની ચોકી કરતો પેહરેદાર છું.

પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર હું વિગતવાર નિબંધ લખી નાખું તેની પહેલા જ મારી બસ આવી ગઈ. 'મારી' એટલે મારી માલિકી ની નહિ, પણ મારે જે સ્થળે જવું છે તે સ્થળે જનારી બસ. બસને આવતી જોઈ દરેક યાત્રીમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો દોડવીર ફરીથી જાણે સક્રીય થયો. ગીતાસાર છે કે," હું પ્રથમ આવું તેનું નામ સ્પર્ધા. પણ મારો હરીફ પાછળ રહી જાય તેનું નામ ઈર્ષ્યા." પણ જો તમે ગીતા થી ત્રણ ચાર પાયરી નીચે ઉતરો તો આમવર્ગના લોકો દ્વારા થતી બસ સવારીના વર્ણનો વાંચવા મળશે. જેમાં સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું છે કે "બસમાં ચડનારો હું પ્રથમ યાત્રી બનું. તેના માટે જે કરવું પડે તે હું કરીશ. અને આમ કરતા મારો હરીફ પાછળ રહી જાય તો ભલે રહી જતો. આને તમારે જે નામ આપવું હોય તે આપો. આઈ ડોન્ટ ગીવ એ ડેમ"

બસ સ્ટેશને ઉભા રહીને તડકામાં તપી રહેલા યાત્રીઓ ને જોઈએ બસ ની સીટ, ના કે ત્યાગપરાયણતાની સૂફીયાણી સલાહોની ખીટપીટ. જેવી બસ અમારા સ્ટોપ પર આવી કે તરત વાતાવરણમાં ગીતાસારને બદલે સ્પર્ધાનો ભાવ જાગ્રત થયો. ધક્કામુક્કી નું પ્રમાણ વધ્યું. કપડાંની ખેંચતાણ શરૂ થઇ ગઈ. બુમાબુમ મચી ગઇ. કેટલાક યાત્રીઓએ કંડકટર ને ખૂણામાં ધકેલી દીધો. તકનો લાભ લઈને કેટલાક વિદ્યાર્થીઓએ કંડકટર ઉપર ટપલીદાવ શરૂ દીધો. આવા દ્રષ્યના સૌંદર્ય ને જોવા માટે તો સુદામા બનવું પડે. આમાં કૃષ્ણને કાઈ ગતાગમ ના પડે.

જેમ કૃષ્ણને બાળપણથી માખણ ચોરવામાં માસ્ટરી હતી, તેમ મને બાળપણથી ચાલુ બસમાં ચડવાની કળા હસ્તગત હતી. મને યાદ છે અશોક દવે એ મારો ઇન્ટરવ્યૂ લઈને 'બસમાં ચડવાની કુશળ કળા' ઉપર 'બુધવારની બપોર' માં આખો લેખ લખ્યો હતો. તો જરાક વિચારો, મારા જેવા બસયાત્રીને બસમાં ચડવામાં કોઈ તકલીફ થવાની? અફકોર્સ જવાબ છે ના. ત્રણ ચાર જણાને ધક્કો મારીને સૌથી પહેલા હું બસ માં ચડી ગયો. ભગવદ્દગોમંડળ માં બસમાં પ્રથમ ચડનાર યાત્રી માટે નો શબ્દ શોધ્યો. પણ જડ્યો નહિ.

ખેર, બસમાં ચડ્યા બાદ પહેલું કામ મેં ખાલી વિન્ડો સીટ શોધવાનું કર્યું. બીજું કામ સુંદર યુવતીની આસપાસની સીટ ખાલી છે કે નહીં તે શોધવાનું કર્યું. સંપૂર્ણ બસ નું સ્કેનિંગ કરી લીધા બાદ એવી એક સીટ દેખાઈ. ડ્રાઈવર કેબિનની પાછળની સીટ ખાલી હતી અને તે ખાલી સિટની સામેની બેઠકમાં એક વડીલ એક સુંદર યુવતી વિરાજમાન હતા. કોઈ અન્ય યાત્રી તે સીટ પર વિદ્યમાન થઈ જાય તે પહેલાં હું તે સીટ પર બેસી ગયો.

સીટ પર બેસતાની સાથે કોઈ તત્વચિંતક ની જેમ મને વિચાર આવ્યો કે જેમ કોઈ વિચારક તમામ પ્રકારની સંસ્કૃતિના વિચારોને પોતાનામાં સમાવી લે છે, તેવી જ રીતે કોલાહલ થી ભરપૂર ભીડને બસ પોતાનામાં સમાવી લે છે અને બધા પ્રકારના મુસાફરોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. ખખડધજ બસને ગુટખા ખાઈને બારીની બહાર રસ્તા પર થૂંકનાર કે ગાળાગાળી કરનાર અસામાજિક તત્વોથી કોઈ ફરિયાદ નથી. ગોસિપ કરનારી મહિલાઓ કે યુવતીઓના સૌંદર્યનું નજરોથી મધુપાન કરનાર યુવકોથી કોઈ પરેશાની નથી. બસ તો ફક્ત મૂક સાક્ષી બની સતત ગતિશીલ રહે છે. સાલું, એવો જ ગુણધર્મ તો સમય નો પણ છે ને.

બારીની બહાર જોવાને કારણે આ પ્રકારના મર્મભેદી વિચારો આવી રહ્યા હોવાનું ધારીને બારીની બહાર ની ચલાયમાન સૃષ્ટિ પર મંડાયેલી મારી દ્રષ્ટિને પુનઃ બસની અંદર સંકેલી લીધી. અને મારી સામે બેઠેલી સુંદર યુવતીના મુખારવિંદ પર દ્રષ્ટિને કેન્દ્રિત કરી. કોઈપણ અજાણી યુવતી ને તાકીતાકીને જોવું એ તો દુર્જન માણસો ની નિશાની છે, એવું મારા bro એ મને શીખવ્યું હતું. આથી બસની તમામ ગતિવિધિઓ ને અવલોકતો હોઉં તેમ ચારેકોર ડાફોળીયા મારવા લાગ્યો. ડાફોળીયા મારતા મારતા વચમાં એકાદ સેકન્ડ માટે તે યુવતીને આંખના ખૂણામાંથી જોઈ લેતો. સાચું ખોટું તો રામ જાણે પણ મને એમ લાગ્યું કે તે યુવતી કોઈપણ પ્રકારની શરમ વિના એકીટશે મને જોઈ રહી છે. હું એમ નથી કહેતો કે આવું જ છે, પણ મને એવો ભાસ થઈ રહ્યો હતો. જોકે સત્ય શુ છે તે જાણવા માટે મારે પણ તે યુવતીને શરમ વિના એકીટશે જોવી પડે. પણ એમાં ખતરો રહેલો છે. ખતરો એટલા માટે કે આપણા સમાજ માં પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને જોતા પકડાય, તો બેઉ સંજોગોમાં માર ખાવાનો વારો પુરુષજાતનો આવતો હોય છે. એટલે સંસ્કૃતિના રક્ષકોના હાથે મેથીપાક ના ચાખવો હોય તો યુવતીઓ ને ડાયરેકટ ના જોવી. વચમાં વિઘ્ન ની વ્યવસ્થા રાખવી અથવા ત્રાંસુ જોતા શીખી લેવું. આ તો એક વાત છે.

દેખનાર ને એવું લાગે કે હું બારીની બહાર જોઈ રહ્યો છું, પણ વાસ્તવમાં ત્રાંસી નજરે મારા નયન તે યુવતીના ચેહરા ને નીરખી રહ્યા હતા. મને ફરીથી એવું લાગ્યું કે તે યુવતીની દ્રષ્ટિ મારા ચેહરા પર સ્થિર થઈ છે. રૂપરૂપના અંબાર સમી તે યુવતી મારામાં રસ દાખવી રહી હતી તે વિચાર માત્રથી મારુ હૃદય ખુશીથી ઝૂમી ઉઠ્યું. જોકે હજી પણ ખાતરીપૂર્વક કશું કહી શકાય તેમ નહોતું.

મારી તદ્દન સામે બેઠેલી રૂપસુંદરી શું કરી રહી છે તે જાણવા વ્યાકુળ થયેલા મનને શાંત કરવા વધુ એક વખત તેની તરફ નજર ફેરવી. આ વખતે, જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ દ્વારા છોડાયેલા તીર જેમ હવામાં એકમેકની સાથે ટકરાય છે, તે રીતે મારી અને તે યુવતીની નજર ટકરાઈ. મારા તનબદનમાં રોમાંચની લાગણી ફરી વળી. છતાં મન અને હૃદય પર શક્ય તેટલો કાબુ રાખ્યો અને માપસરનું સ્મિત તે યુવતીને આપ્યું. બદલામાં તે યુવતીએ રિટર્ન સ્માઈલ આપી. અલબત્ત જેમ રોટલો જોઈને કૂતરાની લાળ ટપકે છે, તે જ રીતે મારી ટપકતી લાળ તે યુવતીને ના દેખાય તેની મેં કાળજી રાખી. સ્મિતની આપ-લે કર્યા બાદ તરત , હું બારીની બહાર જોવાનો ડોળ કરવા લાગ્યો.
મેં પિંક મૂવી માં જોયું હતું કે છોકરી સ્માઈલ કરે તો તેનો મતલબ એવો નથી કે તે ચરિત્રહીન છે અને સહશયન માટે તૈયાર છે. બચ્ચન ની જેમ મારા bro એ મને શીખવ્યું હતું કે No means No. આથી યુવતીએ સ્માઈલ આપી હોવા છતાં મેં મનમાં કોઈ ગંદા વિચારો નહોતા આવવા દીધા. છતાં તેને જોવાની લાલસા વધુ ને વધુ તીવ્ર થઈ રહી હતી.

કંડકટર ને બોલાવવાના બહાને વધુ એકવાર મેં મારી દ્રષ્ટિ સાથે તે સોહામણી યુવતીની દ્રષ્ટિનો મેળ બેસાડી દીધો. આ વખતે પણ તે યુવતી વિસ્ફારિત નેત્રે મને જ તાકી રહી હતી. તેણે સામેથી સ્મિતની ભેટ આપી. સ્માઈલ ઉપરાંત મેં જોયું કે તે યુવતીએ મને જોઈને તેના ઉર્ધ્વહોઠ પર જીભ ફેરવી. તે યુવતીની આવી અશ્લીલ હરકતથી મારે મૂંઝાવું કે હરખાવું તે સમજાતું નહોતું. હું ભારે અસમંજસમાં હતો કારણકે આવા પ્રલોભનો આગળ તો વિશ્વામિત્રે પણ ઝૂકવું પડ્યું છે તો મારી શી ઔકાત?

મારી અંદર રહેલા 'ટ્રુ જેન્ટલમેન' ના પરીક્ષણ માટે યુવતીએ કદાચ આવી અશ્લીલ હરકત કરી હશે તેવો અનુમાન લગાવી અવળી રાહે ચડેલા મારા મન અને ઇન્દ્રિય ને મેં શાંત પાડ્યા. જોકે હવે તે યુવતી સામે જોવાની હિંમત મારામાં આવી ગઈ હતી. અતિ વિવેકપૂર્વક અને સજ્જન માણસ ને શોભે તે રીતે મેં તે અજાણી યુવતી ના મુખ સામે જોયું. તેના હોઠ ગુલાબની પાંદડી જેવા હતા અને આંખોમાં ગજબનો જાદુ હતો. તેની બોલકી આંખો મૂંગી રહીને ઘણું બધું કહી રહી હતી. તેની શરીરરચના ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે તેવી હતી. જોકે મને તો તે યુવતીની આંખો અત્યંત નશીલી અને કામણગારી લાગી. હું તેની બોલકી આંખોના પ્રેમ માં પડી ગયો હતો. હું તેની બોલકી આંખો માં ડૂબી ગયો હતો. અમે બંને એકમેકની આંખોમાં ડૂબી ગયા હતા. મારા માટે પ્રેમનો આ પ્રથમ અનુભવ હતો.

મને તે અજાણી યુવતીમાં મારી ભવિષ્યની થનારી પ્રેમિકા દેખાઈ રહી હતી. મારા ભવિષ્યની થનારી પ્રેમિકાની આંખોમાં આવેલી નસોની ગણતરી પૂર્ણ કરું તે પહેલાં બસમાં શોરબકોર થવા લાગ્યો. ઉત્કંઠાવશ ઉઠીને હું તે કોલાહલ તરફ ગયો. પૃચ્છા કરતા જાણવા મળ્યું કે એક ચોર મહાશયે એક જણનો પર્સ મારી લીધો હતો. આથી ટોળામાં ભેગા થયેલા લોકો ચોરને મેથીપાક ચખાડી રહ્યા હતા. ચોરને ટપલીદાવ આપવા કરતા પ્રેયશીની આંખમાં બાકી રહેલી નસો ની ગણતરી મને વધુ રોચક લાગી. આથી તે ભાંજગડ ને છોડીને હું પાછો મારી સીટ પર આવી ગયો.

પાછો આવ્યો તો મેં જોયું કે મારી સીટ ઉપર બે વડીલ બેઠા હતા. અને મારી સામે ની સીટ ખાલી હતી. ત્યાં ન તો મને નશીલી આંખોથી ઘાયલ કરનારી યુવતી હતી ન તો તેની સાથેના વડીલ. ત્યારે મને થયું કે શું કામ ઝગડો જોવા હું ઉભો થયો? પણ હવે મોડું થઈ ગયું હતું. ત્યારે જ મેં નક્કી કરી લીધું કે ભવિષ્યમાં ક્યારેય પારકી પંચાતમાં માથું નહિ મારૂ.

મેં બારીની બહાર ડોકિયું કર્યું ત્યારે મને ભાન થયું કે મારે પણ આજ સ્ટોપ પર ઉતરવાનું છે. તેથી પગની ઝડપ વધારીને ચાલુ બસમાંથી હું ઉતરી ગયો. બસમાંથી ઉતરીને શૂન્યમનસ્ક ભાવે મતદાનમથક તરફ જવા લાગ્યો. આજે મારા જીવનમાં અઢળક અણધારી ઘટનાઓ ઘટી રહી હતી. પણ મને સ્વપ્નેય અંદાજો નહોતો ક આ રીતે બસમાં એક અજાણી યુવતી સાથે મારો પ્રેમ પ્રકરણ શરૂ થશે. અને પ્રેમ થયા પછી આટલી જલ્દી તેનો અંત આવી જશે તેવું તો મેં વિચાર્યું પણ નહોતું. મનમાં રહીરહીને એક પ્રશ્ન ઉત્તપન્ન થઈ રહ્યો હતો કે તે સોહામણી યુવતી હાલ ક્યાં હશે? શું કરતી હશે? પણ જેમ મનમાં પ્રશ્ન ઉત્તપન્ન થાય છે તેમ તેના ઉત્તર પેદા થતા નથી. ભગવાને મન બનાવતી વખતે આ બાબતનો વિચાર કરવા જેવો હતો.

**********

ભારતના અને તેમાંય ગુજરાતના મતવિસ્તાર તેમના રમણીય સૌંદર્ય માટે જગવિખ્યાત નથી હોતા. ગુજરાતના મતવિસ્તાર તો ગ્રામ્ય વિસ્તારની કોઈ પ્રાથમિક શાળાને શરમાવે તેવા હોય છે. મતદાન માટે હું પણ આવીજ એક ખંડેર જેવી સરકારી પ્રાથમિક શાળામાં આવ્યો હતો. શાળાના પ્રાંગણમાં કબૂતરોની ચરક ચારેકોર હતી. શાળાના સંચાલકોએ કબુતરો પાસેથી ઉત્તમ કક્ષાનું ચિત્રકામ કરાવ્યું હતું. મને ભય હતો કે સંચાલકો આ ચિત્રકામ માટે સરકાર પાસેથી ફંડ ના માંગી લે. ભલું પૂછવું સરકારી કામકાજનું.

ભગ્નહૃદય સાથે હું શાળા તરફ વધી રહ્યો હતો. તેવાંમાં કેટલાક રખડુ કુતરાઓ મારી પાછળ પડ્યા. કદાચ તેમને વધુ એક દેવદાસ નહોતી જોવી. કારણ જે હોય તે પણ જેવા કુતરાઓ મારી પાછળ પડ્યા ક તરત ભગ્નતા, ઉદાસીનતા, નિરાશા વગેરે એક જ સેકન્ડ માં ગાયબ થઈ ગયા અને જીવ બચાવવા માટે હું ઉસૈન બોલ્ટ કરતા વધુ ઝડપથી ભાગ્યો. આ તો ભલું થાય એક કારનું, જે મારી અને કુતરાઓ ની વચ્ચેથી પસાર થઈ અને કુતરાઓનું ટાર્ગેટ મારા પરથી કાર પર શિફ્ટ થયું. છતાં કૂતરાઓને બીજો ચાન્સ નહોતો આપવો. આથી બનતી ત્વરાથી હું શાળાના પ્રાંગણમાં આવી ગયો. શાળાના પ્રાંગણમાં આવતા જ ફરીથી ઉદાસીનતા મને ઘેરી વળી. તે યુવતીનો ચહેરો હૃદયમાં છપાઈ ચુક્યો હતો. તેને કેમે કરીને ભૂસવો?

મેં જોયું કે ખખડધજ ઇમારતની બહાર લાંબી લાઇન લાગી હતી. લાઇન L shape માં હતી. હું પણ તે લાઈનમાં લાગી ગયો. ભારતની આ વિશિષ્ટતા છે કે અહીં ATM થી લઈને મુતરડી સુધી, બધી જગ્યાએ લાઇન લગાવવી પડે છે.

L ડિઝાઇન માં લાઇન હોવાથી મારી આગળના લોકોના ચેહરા દેખાતા નહોતા. પણ વળાંકદાર લાઈનમાં ઉભેલા લોકોના ચેહરા મને દેખાઈ રહ્યા હતા. લાઇન જ્યાં વળાંક લેતી હતી ત્યાં મને પ્રથમ પ્રેમનો અનુભવ કરાવનારી કમળનયની યુવતી ફરીથી દેખાઈ. અણધારી રીતે ફરીથી તે યુવતીનો પત્તો લાગતા મારુ મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. તે અપરિચિત છતાં દિલથી પરિચિત યુવતી મારા કરતાં ૫ નંબર આગળ હશે. શાળામાં મતદાન માટે આવેલા લોકોની ભીડ હોવાથી મેં નક્કી કર્યું કે મતદાન કર્યા બાદ તે યુવતીનો રસ્તો રોકીને મારા દિલની વાત કહી દઈશ.

**********

મતદાન નું કામ આટોપી લીધા બાદ તે યુવતીને શોધવા માટે મેં જમીન આસમાન એક કરી દીધા. પણ તે રહસ્યમયી યુવતી ન મળી. રહસ્યમયી એટલા માટે કારણકે આંખના પલકારામાં તે ગાયબ થઈ જતી. Mr. India ની જેમ આ યુવતી માટે Miss India ફિલ્મ બનવી જોઈએ.

કંટાળીને અને હિંમત હારીને હું એક બાંકડે બેઠો . બાંકડે બેઠા બેઠા કબૂતરોની ચરકને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેવામાં એક યુવતીના ઝાંઝરના ઝણકાર જેવા મધુર સ્વર કાનમાં રેલાયા.
યુવતી : એક્સક્યુઝમી, તમે મારી મદદ કરશો?
યુવતીને જોયા વિના જ મેં ઉત્તર આપ્યો,"હા કરી શકું છું. પણ મારી મદદ કોણ કરશે?"
યુવતી : શું કહ્યું તમે?
હું : કશું નહીં. કહો શું મદદ કરું તમારી?
યુવતી : મારા પપ્પા મારી સાથે મતદાન મથકે આવ્યા
હતા. તેઓ અંધ છે અને હું પણ અંધ છું. તેઓ
મારાથી અલગ થઈ ગયા છે. આ તેમનો ફોટો
છે. શું તમે તેમને શોધવામાં મારી મદદ
કરશો?

અંધત્વની વાત સાંભળી મને દયા આવી અને તે યુવતીને જોવા માટે મેં નજર ઉંચી કરી. તે યુવતીને જોતા જ હું અચંબિત થઈ ગયો. કારણકે આ બસવાળી યુવતી જ હતી. જે બાંકડે હું બેઠો હતો તેનાથી થોડે દુર તે યુવતી ઉભી હતી અને હવામાં જોઈને વાત કરી રહી હતી. તે અંધ છે તે જાણીને મને ઘણો અફસોસ થયો. હું(અને તમે) જેને અશ્લીલ ચેનચાળા સમજી રહ્યો હતો, તે એક અંધ યુવતીના સાહજિક હાવભાવ હતા. તેથી જ મેં કહ્યું હતું કે અશ્લીલ વાર્તા નથી હોતી. વાંચનાર નો દ્રષ્ટિકોણ અશ્લીલ હોય છે. મારા કિસ્સામાં મારો દ્રષ્ટિકોણ અશ્લીલ હતો. તે યુવતી ના હાવભાવ નહિ.

તે અજાણ યુવતીનો હાથ પકડીને મેં તેને બાંકડે બેસાડી અને કહ્યું," મને ફોટો આપો." તે યુવતીએ મને ફોટો આપ્યો. ફોટો જોયા બાદ મેં ચોતરફ નજર દોડાવી. ટૂંક સમયમાં જ મને તેના પિતા મળી ગયા. તેઓ આગળના બાંકડે જ બેઠા હતા. મારે યુવતી સાથે વાત કરવી હતી. આથી મેં જુઠાણું ચલાવ્યું કે તેઓ મતદાન માટેની લાઈનમાં ઉભા છે. વાત નો દોર ઉપાડતા મેં તે યુવતીને પૂછ્યું,"તમે અંધ હોવા છતાં આટલી દૂર મતદાન માટે આવ્યા છો?

યુવતી : વાસ્તવમાં જે મતદાન નથી કરતા તેઓ અંધ છે.
હું : વાત તો તમારી સાચી છે. તમને એક પ્રશ્ન પૂછી
શકું?
યુવતી : હા પૂછો ને.
હું : તમે કોને મત આપ્યો?
યુવતી : મતપેટીને. એટલે કે EVM ને.
હું : ઘણા મજાકિયા છો તમે. મારા કહેવાનો
મતલબ છે કે કઈ પાર્ટીને તમે મત આપ્યો?
યુવતી : હું ગુજરાતી છું. ગુજરી જાઉં. પણ મત કોને
આપ્યો તે ના કહું.
હું : એમ. પાક્કા ગુજરાતી તમે તો. હું પણ
ગુજરાતી છું અને મને તેનો ગર્વ છે.
યુવતી : મને પણ ગુજરાતી હોવાનો ગર્વ છે. બાય ધ વે,
શું લાગે છે તમને કોણ લઇ જશે બધા મત.
હું :મત તો મતાધિકારી જ લઇ જશે ને. બાય ધ
વે, આઇ એમ ઓલ્સો ગુજરાતી.
અને અમે બંને ખડખડાટ હસી પડ્યા.
યુવતી : શું તમે જાણો છો ભારતમાં કુલ ૨૦૭૫ પક્ષો
અસ્તિત્વ ધરાવે છે.
હું : ઓહ માય ગોડ. મારા માટે આ તદ્દન નવીન
જાણકારી હતી.
યુવતી : ૨૦૭૫ પક્ષમાંથી મને કોઈનું કામ પસંદ નથી.
જનતાના હીત માટે નહીં પણ પોતાના ખિસ્સા
ભરવા માટે આ પક્ષો ચૂંટણી લડતા હોય છે.
તમેં જાણવા માંગતા હતા ને કે મેં કોને મત
આપ્યો છે? મેં નાટો ને મત આપ્યો છે.
હું : સરસ. મેં પણ. બધા નેતાઓ લોકોનું ખૂન
જ ચૂસે છે. બસ પદ્ધતિઓ વેગળી હોય છે.
નાટો ના માધ્યમ થી તેમને પણ સમજાશે કે
લોકોનો ભરોસો તમામ પક્ષોમાંથી ઉઠી ગયો છે.
પણ એક મિનિટ ... એક મિનિટ.... તમે તો
મતદાન વિશે ગુપ્તતા જાળવવાના હતા ને. તો
અચાનક આમ રહસ્યોદઘાટન કેમ કર્યું?
યુવતી : ઘણી લાંબી કથા છે. અને તે મારી પર્સનલ
મેટર છે.
હું : ભલે ને પર્સનલ મેટર રહી. પણ મારે તે કથા
સાંભળવી છે.
યુવતી : જાણીને શું કરશો? કોઈ કશું નથી કરી શકવાના. એટલું બોલીને તે યુવતી રડવા લાગી. તે યુવતીના આસું લૂછવાની ઈચ્છા તો ઘણી થઈ. પણ મેં હાજી એટલી આત્મીયતા નહોતી કેળવી કે તેના આસું લૂછી શકું. આથી તેના હાથમાં રૂમાલ આપીને મેં કહ્યું," તમને રડવા માટે મજબૂર કરનાર કથા મારે સાંભળવી જ છે. હું શું કરી શકું છું અને શું નથી કરી શકતો તે આપણે પછી નક્કી કરીશું"
યુવતી : મને તમારી કોઈ મદદ નથી જોઈતી. પણ તમે
સજ્જન વ્યક્તિ લાગો છો. એટલે તમારી
સમક્ષ મારા દિલનો ભાર હળવો કરું છું.
હું : હમમ...
યુવતી : મારા દાદાની એક જુનવાણી હવેલી છે. જે ૧
એકર માં ફેલાયેલી છે. જેમાં અમારી સાથે
ઘરબાર વિનાના બીજા ૧૦વૃદ્ધ લોકો રહે છે.
છેલ્લા કેટલાક મહીનાઓથી એક બિલ્ડરની
નજર અમારી હવેલી પર મંડાઈ છે. હવેલીને
તોડીને તે લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ ઉભી કરવા
માંગે છે. અમને ધમકાવવા માટે તે અવારનવાર
ગુંડાઓને મોકલે છે. ગુંડાઓ આવીને ઘરનો
સામાન તોડી નાખે છે અને મારી સાથે
અણછાજતો વર્તન કરે છે. ઘણીવાર જાહેરમાં
મારી છેડતી કરે છે. જો તે હવેલીને તોડી પાડશે
તો અમે લોકો ક્યાં જઈશું?
હું : તો તમે પોલીસ માં ફરિયાદ કેમ નથી કરતા?
યુવતી : કારણકે શહેરનો મેયર અને બિલ્ડર પાક્કા
મિત્રો છે. બિલ્ડરે મેયરને સારા એવા પૈસા
ખવડાવીને ખરીદી લીધો છે. આથી પોલીસ
અમારી ફરિયાદ લખતી નથી. છતાં અમે હાર્યા
નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી અમે
લડીશું. બસ આ છે અમારી કથા. આમ તમે શું
ઉખાડી લેવાના હતા?

યુવતીના પ્રશ્ન સામે મારી બોલતી બંધ થઈ ગઈ. પણ કલ્પનામાં તો સ્ટાઈલિશ સાઉથ ઇન્ડિયન હીરોની માફક બાફ ગુંડાઓને મેં એકલપંડે ધીબેડી નાખ્યા. અને બિલ્ડરને તો જીવતો જ દાટી દીધો. જોકે તેની કથા સાંભળી મને તે યુવતી પર વધુ પ્રેમ આવવા લાગ્યો. આજે તદ્દન બે અપરિચિત લોકો માટે મારા હૃદયમાં બે ભિન્ન લાગણીઓ જન્મી હતી. અંધ યુવતી માટે અનહદ પ્રેમની અને વિલન બિલ્ડર માટે તિરસ્કારની. ઘૃણા ની.

હું : ઓ.કે. તો મને એ કહો કે હવેલી કોના નામે છે.
યુવતી : મારા નામે.
હું : ઓ.કે. તો શું તમે મારી સાથે લગ્ન કરશો? હું
જાણું છું મારો પ્રશ્ન પ્રસંગોચિત નથી. પણ મારી
પાસે આ એક જ ઉપાય છે. જેના થકી હું તમારી
મદદ કરી શકું છું.
યુવતી : આ તમે શું બોલ્યા? હું તો તમને ઓળખતી
પણ નથી.
હું : હું તમારી વાત સાથે સહમત છું. પણ જો તમે
મારી સાથે લગ્ન કરશો તો હું તમારો પતિ બની
જઈશ. જેથી વહેલામોડા તે હવેલી મારા નામે
થશે. પછી તે ગુંડાઓને અને બિલ્ડરને હું જોઈ
લઈશ. રહી વાત મેયરની. તો એની ચિંતા છોડી
દો. મારા bro એટલે પપ્પા ચીફ મિનિસ્ટર ને
પર્સનલી ઓળખે છે. તેઓ મેયરને સાંભળી
લેશે. તમે બસ હા પાડો.
યુવતી : પણ...આટલી જલ્દી...પહેલી
મુલાકાતમાં...અપરિચિત વ્યક્તિ સાથે
લગ્ન...
હું : જો હૃદયપૂર્વકની મંજૂરી હોય તો, આટલી
જલ્દી નહીં, પણ હમણાં જ લગ્ન કરવા છે.
કોઈ સહાનુભૂતિ દર્શાવવા કે મદદ કરવા માટે મેં
લગ્નનો પ્રસ્તાવ નથી મુક્યો. તમને પ્રેમ કરું
છું. એટલે પ્રસ્તાવ મુક્યો છે. હું તમને ખુશ
રાખીશ એટલી મારી ગેરંટી છે.
યુવતી : જો તમે મને પ્રેમ કરો છો તો લગ્ન માટે મારી
પણ હા છે. પણ આજે ચૂંટણી હોવાથી જાહેર
રજા છે. તો વિવાહ થશે ક્યાં?
હું : મારી પાસે તેનો પણ રસ્તો છે. યુ જસ્ટ ડોન્ટ
વરી.
હું, તે અંધ યુવતી અને તેના પિતા એક પ્રાઈવેટ રિક્ષામાં બેસી ગયા. રીક્ષા ડ્રાઈવર ને મેં પોલીસ સ્ટેશન જવાની સૂચના આપી. રસ્તામાં યુવતીએ તેના પિતાને તમામ બીના કહી સંભળાવી. અંધ પુત્રીને દેખાતો વર મળ્યો છે, તે જાણીને તેના પિતા ખુશ થયા. વિરોધ કરવાને બદલે તેઓ મારો આભાર માની રહ્યા હતા. આભારવિધિ પતાવ્યા બાદ મેં bro ને ફોન લગાવ્યો અને આખી ઘટના વિગતવાર કહી સંભળાવી. મેં તેમને ઘણીવાર કહ્યું કે હું તે યુવતીને અનહદ પ્રેમ કરું છું. મારા bro એ મને બસ એટલું જ કહ્યું કે પોલીસ સ્ટેશન માં વિવાહ કરવાનો આઈડિયા જોરદાર છે. તેમણે મને મતદાન મથક ની નજીક આવેલા પોલીસ સ્ટેશને પહોંચવા કહ્યું.

**********

પોલીસ સ્ટેશનમાં અમારી પહેલા bro અને sweetheart પહોંચી ગયા હતા. Bro ની સાથે સ્વયં ચીફ મિનિસ્ટર ઉપસ્થિત હતા. અમે જેવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ક તરત અમારી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી. પોલીસ સ્ટેશનની બરાબર મધ્યમાં હવનકુંડ હતો. તેની બાજુ માં એક બ્રાહ્મણ અને એક વકીલ બેઠા હતા. Bro ની CM સાથેની દોસ્તી ખરા સમયે કામ આવી હતી.

બ્રાહ્મણે ઝટપટ સપ્તફેરા અને મંગલસૂત્રની વિધિ પતાવી દીધી. બીજી બાજુ વકીલે બધા કાગળિયા તૈયાર જ રાખ્યા હતા. અમારે ફક્ત સહી જ કરવાની હતી. અમારી સહી લીધા બાદ વકીલે તાત્કાલિક ધોરણે અમને મેરેજ સર્ટિફિકેટ આપી દીધા. CM ની હાજરીનો આ જાદુ હતો. વિવાહ સંપન્ન થયા બાદ અમે bro અને sweetheart ના ચરણસ્પર્શ કર્યા. ત્યારબાદ યુવતીના પિતાના પગે લાગ્યા. અંતમાં CM ના પગે લાગવા અમે ઝુક્યા તો તેમણે દીવાલ પર ટીંગાળેલા મહાત્મા ગાંધી, ડો. બાબાસાહેબ આંબેડકર અને રવીન્દ્રનાથ ટાગોર ના ફોટા બતાવીને કહ્યું કે, આ લોકો ભગવાન કરતા પણ વધુ મહાન છે. લાગવું જ હોય તો એમના પગે લાગો. તેમના સિદ્ધાંતો તમારું યોગ્ય માર્ગદર્શન કરશે.

એટલું કહીને ચીફ મિનિસ્ટરે પોલીસ સ્ટાફ ને કહ્યું કે તમે આ નવયુગલના વિવાહમાં જાનૈયા થયા છો. ગવાહ બન્યા છો. આ નવયુગલને બિલ્ડર કે અન્ય કોઈ પણ અસામાજિક તત્વો તરફથી કોઈ કનડગત ના થાય તેની કાળજી તમારે રાખવાની છે. અને જો તેમ કરવામાં તમે નિષ્ફળ થયા તો તમારી નોકરી આંચકી લેતા મને વાર નહિ લાગે. બીજું કે મારી પાસે તે બિલ્ડરે આચરેલા કેટલાક કાળા ધંધાઓના પુરાવા છે. તમે હાલ તે બિલ્ડર વિરુદ્ધ મારા વતી F. I. R લખો.

રાજકીય નેતા ભાષણ આપ્યા વિના ના રહી શકે, તે આજે મેં પ્રત્યક્ષ જોઈ લીધું. જોકે પહેલીવાર કોઈ નેતાનું ભાષણ મને શાતાજનક અને સુખરૂપ લાગ્યું. એક તરફ ચીફ મિનિસ્ટર ના ભાષણ નો અંત આવ્યો અને બીજી તરફ તે અજાણી યુવતી સાથેના મારા લગ્નજીવન નો પ્રારંભ થયો. તો આ હતી મારા વિવાહની વાર્તા. ઘણા નિર્ણાયકોને કૉમેડી વાર્તા પસંદ નથી આવતી. બટ હુ કેરસ્. મને મારો સોલમેટ મળી ગયો. આઈ ગોટ ધ પ્રાઈઝ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED