પર્યાયિક Bakul Dekate દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પર્યાયિક

મને પેલી બેહદ પસંદ છે અને આ લગીરેક નહિ.

બાલ્યાવસ્થામાં રમણલાલ દેસાઈની વાર્તા 'મહાન લેખક' વાચેલી. ત્યારથી જ લેખનનું ભૂત મને વળગેલું. એ જ અરસામાં ડૉ. જયંત ખત્રીની 'ડેડ એન્ડ' વાચેલી. ત્યારથી જ લલનાઓના અંગ-ઉપાંગો અને એમની જીવનીમાં રસ પડવા લાગેલો. આ બે લેખકોના કારણે લેખનનો કેફ સંભોગના કેફથીય ચડિયાતો લાગ્યો મને. મનમાં પડઘાતી મૌન ચીસો અને ઝંઝાવાતી વિચારોને શબ્દદેહ આપ્યા વિના મને ક્યારેય ચેન નથી પડ્યું. આજેય કાગળ પર હું શબ્દચતુરાઈ વાપરવા થનગની રહ્યો હતો ત્યારે જ મને પેલી સ્મરી આવી. મને પેલી બેહદ પસંદ છે અને આ લગીરેક નહિ. તરુણાઈમાં આની સાથે લગ્ન થયેલા.  જ્યારે  પુખ્તાઈમાં પેલીના પ્રેમમાં પડેલો. વય અને જરૂરિયાત પ્રમાણે પસંદગી બદલાતી જ રહે છે, એમાં નવાઈ શી!

પેલી લાવણ્યવતી, પ્રતિષ્ઠાસંપન્ન અને સુશિક્ષિત લેખિકા છે. જ્યારે આ શ્યામવર્ણી, દેહે જાડી અને સાહિત્ય વિશે ઠોઠ ગૃહિણી છે. કોઈ સરખામણી કે સમાનતા જ નથી બંને વચ્ચે. સિવાય કે બંને મારી જોડે સ્નેહતંતુએ બંધાયેલી છે.

અનુભવે તારવેલા ઉપરોક્ત કથનની ખરાઈ માટે મારી પાસે બે ઉદાહરણ છે. મારી એક વિજેતા વાર્તા માટે પેલીએ આપેલો પ્રતિભાવ જુઓ: પુરુષજન્ય જીદ, જોહુકમી અને ઈજારાશાહી સ્વતંત્ર સ્ત્રીઓની સુશીલતા અને સ્વત્વને ગોઠતી નથી. એટલે જ સ્ત્રી-સ્વતંત્રતા દબાવવા માંગતા આવા પુરુષને મનાવવાને બદલે પત્ની/પ્રેમિકા આડાઈ અપનાવી, જવાબ આપવાને બદલે એકલતા સ્વીકારી લેતા ખચકાટ નથી અનુભવતી. એવો સંદેશ પીરસતી આ વાર્તા દરેક સ્ત્રીએ સમજીને અપનાવવી જ રહી.

જ્યારે મેં આ જ વાર્તા વાચન પ્રત્યે અણગમો ધરાવતી આને વાચવા કહ્યું ત્યારે પેલીના પ્રતિભાવને શીર્ષાસન આપતો આનો ઉત્તર જુઓ: કેવી બકવાસ વાર્તા છે. પ્રેમને સાચવવા બધું જ કરવું પડે. સામે ચાલીને પતિ/પ્રેમીને મનાવવો પડે, જરૂર પડ્યે ઝુકવું પડે, જાતને છેતરવી પણ પડે. સંસારમાં આવું બધું ચાલ્યા કરે.

"કાગળ-પેન જોડેની કુસ્તી પતી હોય તો દરવાજો ખોલશો? ક્યારનો કોઈ ડોર બેલ વગાડે છે!" રસોડામાં ખખડતાં વાસણોમાંથી ચળાઈને આવતો આનો અવાજ ડોર બેલ કરતાં વધુ કર્કશ ભાસ્યો. આનો મોટાભાગનો સમય રસોડા અને ચોકડીમાં જ પસાર થતો. જે સંબંધ આનો વાસણો સાથે હતો. એ જ સંબંધ પેલીનો કાગળ-પેન સાથે હતો.

"સંભળાય છે મને. જાઉં છું. પાંચ મિનિટ પણ લખવા નથી દેતી." લખાણ અધૂરું મૂકી ટેબલ પર પેનનો ઘા કરી હું ઊભો થયો અને પગ પછાડીને દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખોલવા હું ઉઠ્યો છતાં એનો કકળાટ ચાલુ જ હતો.

"દર ફેરી મને લખતા રોકે આ." મેં છણકો કર્યો,"દર ફેરી મને લખવા પ્રેરે પેલી." સ્વગત બબડીને મેં રોષભેર દરવાજો ઉઘાડ્યો. સામે પ્રસ્વેદબિંદુઓ લૂછતો કુરિયર બોય હાથમાં એક પેકેટ પકડીને ઊભો હતો. મારા નામે કુરિયર આવેલું. એ પેકેટ લઈને મેં પેલાને રવાના કર્યો.

પેલાએ જતાં-જતાં કહ્યું,"બહુ જૂનું ઘર લાગે છે. રંગરોગાનનો સમય થઈ ગયો છે." મેં ફિક્કા સ્મિત સાથે દરવાજો બંધ કર્યો. તેના સૂચનથી મને અચાનક વિચાર સ્ફુર્યો કે આ માણસનું ઘર પણ મારા જેવું જ હશે. અથવા મારાથી બહેતર હશે.

મારું ઘર નાનું હતું. કારણ કે હું ઓછો જાણીતો લેખક હતો. વિવિધ ઓનલાઇન તેમજ ઓફલાઇન સ્પર્ધાઓ કે જેમાં અંદરનાને જીતાડવાનો ધારો પ્રચલિત છે, એમાં હું ભાગ લઉં તો થોડાક પૈસા મળી રહે એમ હતું, ખરું! પણ એ માટે મારે જે-તે એપ્લિકેશન અને બની બેઠેલા એડિટરના ખોટા વખાણ કરવા પડે. ચાપલૂસી કરવી પડે. સાવ ચવાયેલી છતાં વધુ વાચક મેળવનાર વાહિયાત વાર્તાના ખોટા વખાણ કરવા પડે. આવો વાટકી-વ્યવહાર પણ મને નથી ફાવ્યો. એટલે જ પ્રમાણમાં હું ઓછો જાણીતો. જોકે, પેલીને આ બધું બહુ ફાવે. એટલે પેલી વધુ જાણીતી. પણ મને ગર્વ એ વાતનો કે હું જાતને છેતરતો નથી. ગર્વ એ વાતનો કે હું કુરિયર બોયની જેમ દરવાજે દરવાજે ભટકતો નથી.

ચરરર ચરરર કરી રહેલા સ્ટડી-ટેબલના પાયા પાસે પહોંચીને મેં પેકેટ ફાડ્યું. એમાં "પર્યાયિક" શીર્ષકવાળા વાર્તસંગ્રહનું પુસ્તક હતું. મારી ખાલી આંખો શીર્ષકની નીચે લખેલા લેખિકાના નામથી ભરાઈ ગઈ. તેની લેખિકા પેલી હતી. પેલી એટલે યામિની શાહ. પુસ્તકના પૃષ્ઠ પર હાથ ફેરવતી વેળાએ મને લાગ્યું કે હું તેણીના ચહેરાને પસવારી રહ્યો છું. મેં પુસ્તક ખોલ્યું અને અંદરના પાને પ્રસ્તાવનાની નીચે લખેલું મારુ નામ જોઈ રોમેરોમમાં રોમાંચ ફરી વળ્યો. મને એક બીજી વાતનો ગર્વ થયો કે શહેરની સૌથી મોટી ઇન્ટરનેશનલ કંપનીની મેનેજર મારાથી વધુ કમાતા કુરિયર બોયને પ્રેમ ન કરી શકે. પણ મારા જેવા ગરીબ લેખકને કરી શકે. અરે, કરે છે. મને અને યામિનીને જ જોઈ લો. બંને પરણેલા છતાં એકમેકના ગળાડૂબ પ્રેમમાં!

અમારું નામ એકસાથે જોઈ મને ફરી યામિની સ્મરી આવી. એની યાદે મારી જાણ બહાર મારો હાથ ખિસ્સામાં નખાવ્યો. સૂતેલા મોબાઈલને જગાડ્યો. મારી રુક્ષ આંગળીઓને નોકિયાના કી-પેડ પર નચાવી અને જૂજ સેકન્ડ બાદ એક સંદેશો પેલીના આઈફોનમાં પહોંચી ગયો,"અભિનંદન દિલબર. હવે નથી રહેવાતું. જલદી મને બોલાવી લે તારી પાસે. તારા શૃંગારિક શબ્દો હમેશા મને કામેચ્છા સુધી ઢસડીને તરસતો મૂકી ગયા છે. પણ હવે નહિ. હવે તારા શબ્દોને નહિ, તને માણવી છે. ભોગવવી છે."

હવે મારે રાહ જોવાની હતી. આખી કંપનીને મેનેજ કરનારી પેલી નવરી થોડી હોય. છતાં એક વર્ષના પ્રેમસંબંધે મને એટલું સમજાઈ ગયેલું કે તેણી મારા માટે સમય કાઢી જ લે. મને ખબર હતી કે થોડાક સમયમાં જ એનો જવાબ આવી જશે. એટલે જ મેં મોબાઈલ ખિસ્સામાં નાખી પાના ફેરવવા માંડ્યાં. પ્રત્યેક પાને પોઢેલા શબ્દોમાં મને હાથ ઊંચા કરીને પોઢેલી યામિનીના દર્શન થયા. જાણે શબ્દોના સ્વરૂપે પેલી મને આલિંગવાને અધીરી બની હતી.

એ અધીરાઈને મહેસૂસ કરવા મેં પુસ્તકને છાતી સરસી ચાંપી જ હતી ત્યારે જ આનો મોબાઈલ રણક્યો. આ હમણાં બહાર આવીને મને આમ જોશે તો વહેમાશે. એવા ડરને કારણે મેં ગભરાઈને પુસ્તકને સ્ટડી-ટેબલ પર મૂકી દીધું. આ એટલે મારી પત્ની તુલસી. એક નંબરની વહેમેલી. હું કોઈ દેખાવડો જવાંમર્દ નહોતો. છતાં તુલસીને લાગતું કે આખી દુનિયાની સ્ત્રીઓ મારી દીવાની છે અને તેઓ મને ભરમાવીને તેની પાસેથી આંચકી લેશે! તેણીના આવા વર્તનને કારણે જ હું મારો મોબાઈલ હમેશા ખિસ્સામાં જ રાખતો.

"આ ફોન ઉપાડીશ?" તુલસીનો ફોન ઉચકીને મેં રીસ સાથે ચીસ પાડી.

"આવી. આવી." સાડલાના છેડા વડે હાથ લૂછતી તુલસી બહાર આવી. મેં ત્રાંસી નજરે જોયું કે તુલસી ઉતાવળે પગલે રસોડામાંથી બહાર આવી અને ફોન ઝૂંટવીને ઓરડામાં પુરાઈ ગઈ. તેણીનો ભીનો, ફાટેલો સાડલાનો એક છેડો કમરમાં ખોસેલો હોવાથી તેના ઘૂંટણ સુધીના કાળા પગ બેશરમી સાથે બહાર ડોકાઈ રહ્યા હતા. તે કાળાટ જોઈ મને રીતસરનો ઊબકો આવ્યો.

"આમ દોડીને તુલસી રૂમમાં કેમ પુરાઈ ગઈ? શું આનો પણ કોઈ પ્રેમી હશે?" અવશપણે મારા મનમાં વહેમ જાગ્યો. ક્યારેય નહિ ને આજે જ જાગ્યો. હું બંધ ઓરડા તરફ દોડીને ગયો. મેં બારણે કાન ધર્યા. મને અંદરથી દબાયેલા ડૂમાં સંભળાયા. અસ્પષ્ટ બબડાટ સંભળાયો. થોડીવારે બારણાં તરફ આવતો પગરવ સંભળાયો. એટલે હું દોડીને પાછો સ્ટડી-ટેબલ પાસે આવીને પૂર્વવત્ ઊભો રહી ગયો. એકદમ અજાણ બનીને.

"કોનો ફોન-" મારો પ્રશ્ન પૂર્ણતાને પામે એ પૂર્વે જ તુલસીએ રડમસ અવાજે ઉત્તર વાળ્યો,"મારી બહેનની હાલત ગંભીર છે. મારે જવું પડશે." આટલું કહીને મારી અનુમતિની પરવાહ કર્યા વિના તેણી અધ્ધર જીવે બહાર દોડી ગઈ.

"પણ આટલી રાતે તું એકલી કેમની જઈશ?" ૯ અને ૧૦ની વચ્ચે સરકતો કલાક કાંટો જોઈ ક્ષણભર માટે નફરતને નેપથ્યમાં ધકેલી દઈ મેં ચિંતા વ્યક્ત કરી. મારી ચિંતા તરફ દુર્લક્ષ સેવી તુલસી સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.

હું તેની અળાઈયુક્ત પીઠ તાકી રહ્યો હતો ત્યારે જ મારા ફોનમાં યામિનીનો મેસેજ આવ્યો,"છેલ્લા એક વર્ષથી ના તે મને જોયો છે. ના મેં તને. હવે તો મારાથી પણ નથી રહેવાતું. મારુ પહેલું પુસ્તક તો તને અર્પણ કર્યું છે. હવે આ કામગુણી શરીર પણ તને અર્પિત કરવું છે. તું તો જાણે જ છે મારો પતિ કેવો નીરસ અને સાધુ માણસ છે. એક વર્ષથી એ મને અડક્યો સુધ્ધાં નથી. મારી કામેચ્છા મરણેચ્છા બને એ પહેલાં મને મળ. આજે, અત્યારે જ મળ. આ તૃષાતુર શરીર હવે તારો 'સ્પર્શ' ઝંખે છે." મારું તખલ્લુસ જોઈ મારા શિશ્નમાં ઠંડી દાહ ઉપડી. તખલ્લુસ નીચે એક સરનામું પણ લખેલું.

એનો કામનાપૂર્ણ હાથ જ્યારે મને સ્પર્શ કરશે ત્યારે મારી શી હાલત થશે એ વિચારે હું પાણી પાણી થઈ રહ્યો હતો. આ જ ફરક હતો યામિની અને તુલસીમાં. પેલી મારું નામ એવી રીતે લેતી કે હું ખીલી જતો. અને આ ચિડિયલ એવી રીતે મને બોલાવતી કે હું મુરઝાઈ જતો. પણ હવે મેં મનમાં નિર્ધાર કર્યો સદાયને માટે ખીલવાનો. હવે મારે મુરઝાવું નહોતું.

ખીલેલા પુષ્પ પાસે જવા માટે મુરઝાયેલા પુષ્પને કચડવા જ પડે. એટલે જ મેં વર્ષોથી જે કરવાને ધારેલું એ કર્યું. મેં એક વિદાયચિઠ્ઠી લખી તુલસીના નામે. જે ખરેખરમાં તો એક કબૂલાતનામું હતું. જેમાં મેં મારી અંદરના લેખકને ગૂંગળાવતી તુલસી અને મારા લેખકત્વને ઉજાળતી યામિની વિશેના મારા સ્પષ્ટ વિચારો લખ્યા. અંતમાં, ક્યારેય પાછા ન ફરવાની સ્પષ્ટતા સાથે અલવિદા કહ્યું.

વિદાયચિઠ્ઠીને સ્ટડી-ટેબલ પર મૂકતી વેળાએ મને બસ સરનામું જ દેખાઈ રહ્યું હતું. હું ઘરની બહાર નીકળ્યો ત્યારે મને ફક્ત સ્ટડી-ટેબલની જ યાદ આવી. તુલસી કે એની બહેનની નહિ!

**

સરનામું એક હોટલનું હતું.

ક્વચિત, પકડાઈ જવાની બીકે પેલીએ મને ઘરને બદલે હોટલ પર બોલાવ્યો હશે, એવું મેં ધારી લીધું. પત્રમાં પેલીએ રૂમ નંબર ને એવી બધી વિગતો નહોતી લખી. એટલે થોડો સમય મેં પોર્ચમાં આંટાફેરા કર્યા. છતાં તેની હાજરી પરખાઈ નહિ. હોટલના સ્ટાફ પાસેથી યામિની વિશે માહિતી કઢાવવી મને અનુચિત લાગ્યું. એટલે કંટાળીને મેં પેલીને ફોન જોડ્યો. પણ તેણીએ ફોન ન ઉપાડ્યો. બીજી વાર, ત્રીજી વાર એમ કેટલાક વધુ પ્રયત્નો કરી જોયા. પણ પેલી ફોન ઉપાડતી જ નહોતી. પરિણામે હું વધારે છંછેડાયો અને સતત ફોન કરવા લાગ્યો.

થોડીવારે તેણીએ ફોન ઉપાડ્યો. પણ સામેથી આવતો અવાજ પુરુષનો હતો,"શું કામ છે ભાઈ? કેમ મારી પત્નીને પરેશાન કરે છે? યામિનીની નામરજી છતાં શું કામ એની પાછળ પડ્યો છે? તે મોકલેલા કામાંધ મેસેજીસ પણ મેં જોયા છે. યામિનીને પજવવા તું અહીંયા સુધી પહોંચી ગયો છું એની મને જાણ છે. ઊભો રહે તું. હું અબઘડી આવ્યો."

"યામિનીએ ફસાવ્યો મને. તું લેખિકા નહિ ગુણકા છું." કશું જ કહ્યા વિના મેં ફોન કટ કર્યો અને બેબાકળી ઉતાવળે હોટલમાંથી બહાર નીકળી ગયો. ડરના કારણે અથવા તો દોડને કારણે મારું હૃદય ચાર ગણી ગતિએ ધબકી રહ્યું હતું. દોડતી વખતે પાછળ ફરીને જોવાની મારી હિંમત જ ન ચાલી. રઘવાયાં કૂતરાની જેમ મેં આંધળીદોટ મૂકી.

**

હાંફતી છાતીએ મેં સ્ટડી-ટેબલને ચૂમી ભરી. મારી પેન, કાગળ ત્યાં જ હતા. પણ વિદાયચિઠ્ઠી નહોતી. મેં ઉપરનીચે, આસપાસ બધે તપાસ કરી. ઘરમાં ન તો ચિઠ્ઠી હતી, ન તુલસી. વાસણોની ધમધમાટ વિનાનું ઘર મને પહેલીવાર કબ્રસ્તાન જેવું લાગ્યું.

"તુલસીએ પત્ર વાચી લીધો હશે તો? એ મને છોડી જશે તો?" એ વિચારે હું જમીન પર ફસડાઈ પડ્યો. મારી ખાલી આંખ ફરી ભરાઈ આવી. જોકે, આ વખતે પેલીના કારણે નહિ, આના કારણે. બેઠા-બેઠા જ મેં રસોડા અને ચોકડી તરફ નજર કરી. વાસણો પણ જાણે મારી જેમ રડી રહ્યા હતા.

મારું માથું પેલીના પુસ્તક પર ઢળેલું હતું. આંખના ખૂણેથી ઢળતા પછતાવાના આંસુ પેલીના પુસ્તકને ભીંજવી રહ્યા હતા. એટલે મને ભીનાશ વર્તાઈ. મારે બે જાંઘ વચ્ચેની ભીનાશ જોઈતી હતી. બે આંખોમાંથી વહેતી ભીનાશની તો મેં કલ્પના પણ નહોતી કરી. આ ભીનાશ છેતરામણી હતી.

છેતરાયાનો ભાવ ખૂબ પીડાદાયક હોય છે. મેં પણ તુલસીને છેતરી છે. મને પહેલીવાર તુલસી સ્મરી આવી,"તુલસીની શી હાલત થઈ હશે?"

પેલી ગુણકાની યાદ અપાવતું ભીંજાયેલું પુસ્તક ઉપાડીને એનો ઘા બહારની તરફ કર્યો. પુસ્તક કદાચ કોઈને વાગ્યું હોય એવું બહારથી આવેલી ચીસને કારણે મને લાગ્યું. મેં એ તરફ દુર્લક્ષ સેવ્યું. જેને વાગ્યું હશે એ અંદર આવીને ઝગડી જશે, એવુ વિચારી હું બેઠો રહ્યો.

"અરે, સવારે આવેલું પુસ્તક રાતે બહાર કેમ ફેંક્યું?" તુલસીનો પરિચિત અવાજ મારા કાનમાં રેડાયો. મેં ડોક ફેરવી તો હાથમાં પર્યાયિક નામક પુસ્તક લઈને તુલસી પ્રવેશી રહી હતી.

"અને આ કાગળ-" પુસ્તકના પાનામાં અટકી ગયેલી વિદાયચિઠ્ઠી એના હાથમાં હતી. મેં એ ચિઠ્ઠી ખેંચી લીધી. હૈયે હૈયું દળાય એટલી ચુસ્તતાથી મેં તુલસીને આશ્લેષમાં જકડીને કહ્યું,"ક્યું કી સુબહ કા ભુલા રાત કો ઘર આયે તો ઉસે ભુલા નહિ કહતે."

એ રાતની ઘટનાએ મને જડમૂળથી બદલી નાખ્યો. હવે મને આ બેહદ પસંદ છે. પેલી લગીરેક નહિ. પર્યાયિક કોને કહેવાય એ મને આણે શીખવ્યું. પેલીએ નહિ. અનુભવ પ્રમાણે પસંદગી બદલાતી રહે છે. એમાં નવાઈ શી!

*****

લેખક - બકુલ ડેકાટે.

Email - dekatebakul@gmail.com

Mob - 7096375307