ક થી જ્ઞ સુધી... એ તો ચાલી નીકળ્યા nirav kruplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક થી જ્ઞ સુધી... એ તો ચાલી નીકળ્યા

કૂચ કરીને એ ચાલી નીકળ્યા
ખટારામાં બેસીને ચાલી નીકળ્યા
ગ્રુપ બનાવીને ચાલી નીકળ્યા
ઘર છોડીને ચાલી નીકળ્યા
ચાલી નીકળ્યા એ ચીંથરેહાલ જીવો..
છેતરાયા બહુ, પણ એ ચાલી નીકળ્યા..
જમવાનું છોડીને ચાલી પડ્યા,જીર્ણશીર્ણ પણ ચાલી નીકળ્યા.
ઝેર પીને પણ ચાલી નીકળ્યા,નીલકંઠો તો ચાલી નીકળ્યા..
ટટળી ઉઠ્યું પેટ, ભૂખે કરાવી વેઠ, પણ એ તો ચાલી નીકળ્યા.
ઠેઠ લગી ચાલી નીકળ્યા,ઠાલા વચન ને ખાલી ભાષણ - સાંભળીને ય એ ચાલી નીકળ્યા..
ડગ્યો નહીં જરાય વિશ્વાસ, માતા ને પુત્રો તો ચાલી નીકળ્યા..
ઢીંક વાગી કાળની, લોહી લથબથ થયા તો ય ચાલી નીકળ્યા.
આણ માની અમલદારની, હાથ જોડી જોડીને ચાલી નીકળ્યા.
તેજ તપે સૂર્ય માથે, પગમાં છાલા,તો ય એ તો ચાલી નીકળ્યા.
*થાય થવું હોય તે થાય, ઉદ્યોગપતિઓની છોને લાગે હાય, એ - તો મદમસ્ત ચાલી નીકળ્યા.. (કટાક્ષ છે પંક્તિમાં)
દક્ષ કારીગરો ય ચાલી નીકળ્યા, અદક્ષ ભી તો ચાલી નીકળ્યા.
ધન માયા મોહ ત્યાગી, વતન ભણી ચાલી નીકળ્યા.
નગર નગરથી ચાલી નીકળ્યા, ડગર ડગરથી ચાલી નીકળ્યા..
પહેલા પ્રહરથી ચાલી નીકળ્યા જાણે પાતાળલોકથી* ભી - ચાલી નીકળ્યા..
ફેલાતા ગયા રેલવે ટ્રેક પર, રેલતા ગયા રોડ રસ્તા પર, અશ્રુ - સ્વેદ,રક્તથી મઢેલ એ રાજપુત્રો તો ચાલી નીકળ્યા..
*બારસો કિમી સાયકલ પર પિતા પુત્રી પણ ચાલી નીકળ્યા..
ભર ઉનાળે નીંભર તંત્રની દયા હેઠળ એ તો ચાલી નીકળ્યા..
મણ મણના એ નિસાસા હશે? ક્યાં કોઈએ સુણ્યા હશે??
યાતનાઓ વેઠીને પણ યાત્રાળુઓ તો ચાલી નીકળ્યા..
રાજ્ય રાજ્યની વાત હતી, પણ આ રાજકારણીઓની જાત - હતી,ભાડાના વગાડ્યા ભૂંગળ,તોએ પગપાળા ચાલી નીકળ્યા.
*લાલ માટે ચાલી નીકળ્યા,તો કોઈ *લાલો લઈ ચાલી નીકળ્યા
વનવગડે ભી ચાલી નીકળ્યા, વહેણ વોંકળે ય ચાલી નીકળ્યા.
શહેરોથી કૂચ કરી, ગામડા ભણી ચાલી નીકળ્યા..
સસ્તા જીવો ચાલી નીકળ્યા..
*શ્રમિક જીવો ચાલી નીકળ્યા..
હૈયે હૈયું દળાઈ ગયું,પણ હારબદ્ધ એ ચાલી નીકળ્યા...
*આળ ચડાવી દેશની માથે, ભાળ વગરના ચાલી નીકળ્યા...
ક્ષેમ કુશળની પરવા વગર,ક્ષિતિજ ભણી રાખી નજર - કર્મયોગીઓ ચાલી નીકળ્યા..
જ્ઞાનમયી શું અહીં વાત કરું? લાધ્યા જ્ઞાનની જ રજૂઆત - કરું..એક વાક્યમાં જો કહેવું હોય તો.. -
પોતાના જ દેશમાં પરપ્રાંતિયો બનીને એ ચાલી નીકળ્યા...


નોંધ - અહીં લોકડાઉનના કારણે ખૂબ જ વેઠી ચૂકેલા અને સૌથી વધુ ભોગવી ચૂકેલા દેશના મુખ્ય કર્મયોગીઓ એવા શ્રમિક કામદારોની પીડાને ક થી જ્ઞ એમ કડીબદ્ધ કરી વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે...
*ધરાવતા ચિહ્નોનું વિશ્લેષણ અહીં આપું છું. કવિતામાં ઉપરથી નીચેના ક્રમે જતાં
1*થાય થવું- વાળી પંક્તિમાં ઉદ્યોગપતિઓની હાય કટાક્ષ છે.
2.*પાતાળ લોક નામે આવેલી સીરિઝમાં જે જંતુઓની વ્યાખ્યા કરી છે..એ રીતે કટાક્ષ કર્યો છે..
3.*1200 km સાયકલ માટે બિહારની 13 વર્ષીય જ્યોતિ નામની દીકરીનો એના બીમાર પિતાને પાછળ બેસાડીને ચાલવાની વાત હતી..અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઇવાંકાએ પણ ટવીટર પર એની પ્રશંસા કરેલી...એ પરથી
4*લાલ એટલે ગામડે ઉછરતાં પુત્રો માટે માતા પિતા ચાલી નીકળ્યા, ને ઘણા લાલો એટલે નાના સંતાનોને લઈને પણ ચાલી નીકળ્યા
5*ષ ષટકોણનો વાપરી શકું એવું કંઈ મળ્યું નહીં એટલે
શ્રમિકના શ્ર ની છૂટછાટ લીધી છે..
6*ળ થી ચાલુ થાય એવો શબ્દ મળવો અત્યંત કઠિન હતો..એટલે આળ એમ લખ્યું છે..ને દેશ કે તંત્રની વ્યવસ્થા પર એમને ન સાચવવાનું આળ લાગે છે એમ કટાક્ષ કર્યો છે..
7 એક અગત્યની નોંધ - ઘણી જગ્યાએ તમને અક્ષરોની શ્રેણી જળવાતી નહીં લાગે...પણ એ આગલા વાક્યનો અડધો ભાગ હોઈ શકે છે..એ સમજવા માટે ત્યાં - ની નિશાની પણ કરી છે...મારી રીતે મારા પૂર્ણ પ્રયત્નો કર્યા જ છે...પણ માનવ માત્ર અંતે તો ભૂલને પાત્ર...જો કોઈ અન્ય ખામી કે સૂચન આપવું હોય તો પ્લીઝ..આપનું હૃદયથી વેલકમ રહેશે...ક્ષતિ રહી ગઈ હોય તો અગાઉથી જ ક્ષમાપ્રાર્થી છું... આપણે કૃતિ પસંદ આવે એ જ આશા અને ઈશ્વરથી અભ્યર્થના છે..

આભાર સહ અસ્તુ!!!