આખરે મોબાઇલ મચડી મચડીને એ કંટાળ્યો.એણે એનું ધ્યાન બીજે વાળવા માટે આસપાસ નજર ફેરવી.ઝાંખા બળતા હેલોજન બલ્બના આછા અજવાળામાં નજર ફેરવી તો ફરી એ જ દ્રશ્ય દેખાયું જે તે છેલ્લા 14 - 15 દિવસથી એકધારું જોઈ રહયો હતો ચોકોર ફેલાયેલા બોક્સેસ અને લાકડાની પટ્ટી વાળા કાર્ટન્સ..સાથે જ કંતાનની અને પ્લાસ્ટિકની ગુણીઓ તેમજ ઓફિશિયલ સીલ મારેલા જાત જાતના ને ભાત ભાતના પેકિંગ્સ. દરેક ઉપર સીલ સાથે લેબલ મારેલા હતા..જે જે લોકેશન પર તેને પહોંચાડવાના હતા તે દરેક સિટીના અથવા તેની નજીકમાં આવેલા રેલવે સ્ટેશનનું નામ , તેમના જંકશનની 3 અક્ષરની કોડ સાઈન અને જે તે જણસ જે તેમાં પેક કરેલી હતી તેની માહિતી વગેરે જેવી વિગતો વાળા સ્ટીકર અથવા લેબલ તે પેકિંગ્સ ઉપર ચીપકાવેલા હતા.દરેકની સાઈઝ અલગ અલગ હતી પણ મોટા ભાગના પેકિંગ્સ એ મોટી મોટી સાઈઝના જ હતા.શુ હતું એ બધું??અને આખરે આ કોની વાત અહીં આપણે કરી રહ્યા છીએ.ગભરાઓ નહીં મિત્રો આ હું પોતે જ છું અને મારી જ સાથે ઘટેલા ઘટના ક્રમની વાત અહીં કહી રહ્યો છું.
તો ચાલો માંડીને વાત કરું..હું રાકેશ દેસાઈ..ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલના પદ ઉપર તાજેતરમાં જ ભરતી થયેલો યુવાન છું..આની પહેલા મેં Bped અને Cped ના કોર્સ કરેલ હોવાથી મારા ગામ પાસેની એક શાળામાં PT એટલે કે શારીરિક શિક્ષણ વિષયના શિક્ષક તરીકે કાર્યરત હતો,નોકરી પ્રાઇવેટ હતી,અલબત્ત શાળા પોતે પાછી સરકાર તરફથી અનુદાનિત હતી,કેમ કે આ શાળા એ બીજી શાળાઓથી થોડી અલગ અને વિશિષ્ટ હતી,કારણકે તે કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ માટેની શાળા નહોતી.તે તો સરકાર દ્વારા ગ્રાન્ટેડ અને એક NGO દ્વારા પરિચાલિત મૂક બધિર છોકરા છોકરીઓ માટેની સ્કૂલ હતી..આવા વિદ્યાર્થીઓ સાથે સાદી ભાષામાં વાતચીત કરવી મુશ્કેલ બને માટે શિક્ષકો સહિત તમામ સ્ટાફ અને મેનેજમેન્ટને આ માટેની એક ખાસ સાઈન લેન્ગવેજ જે મૂક બધિર લોકો ખાસ વાપરતા હોય છે તે શીખવી ફરજીયાત હતી..બોલચાલ કરવાને માટે હાથ,આંખ અને મોઢાના અલગ અલગ ઈશારાઆઓ વડે બોલાતી તે ભાષા જ સંસ્થામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષા હતી અને ફરી પાછી બોર્ડિંગ સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓ સાથે સ્ટાફને પણ ત્યાંજ રહેવાના ક્વાર્ટરસ હોઈ અમે બધા તેમાં જ રહેતા હતા.અને ચોતરફ આ વાતાવરણ વડે ઘેરાયેલ હોવાથી મને પણ નાછૂટક પણે પણ આ.ભાષા આવડી ગઈ હતી..તમને નવાઈ લાગતી હશે કે અહીં આ વર્ણનમાં આ ભૂમિકા બાંધવાની જરૂર શું પડી?? પણ આ જ કડી મને આગળના ઘટનાક્રમ સાથે જોડી રાખતી મહત્વનો સેતુ બનવાની હતી.
હવે વધીએ એ ઘટના તરફ..વિશ્વભરમાં કહેર વરસાવનાર કોરોના મહામારી ભારતમાં પણ દસ્તક દઈ ચૂકી હતી.ભારતમાં ત્યારે આ વાયરસજન્ય બીમારીને નાથવા ને તેના પ્રસારને રોકવા માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવાયું હતું..લોકડાઉન એટલે દેશવ્યાપી ઘરબંધી ને બધા જ વ્યવસાયો, ઉધોગો વગેરે માટે તાળાબંધી.આ સમયગાળામાં દેશમાં અનાજ, કઠોળ, શાકભાજી વગેરે જેવી ખાદ્ય અને મેડિકલ, દવા કિટ જેવી અન્ય અને બીજી એવી રોજિંદી ઉપયોગમાં લેવાતી ચીજોની પુરવઠા લાઈન સતત ચાલુ રહે તે માટે સરકાર અને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.આ જ શ્રેણીમાં દેશના વિભિન્ન ભાગોમાં આ પુરવઠાને નિયમિત પણે પહોંચાડી શકાય તે માટે રેલવેની મદદ લેવામાં આવેલી.આ ટ્રેનો કન્યાકુમારીથી કાશ્મીર અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એમ દેશવ્યાપી સફર ખેડીને ખેડીને એ પુરવઠો પહોંચાડી રહી હતી..એક પ્રકારની દેશવ્યાપી ઇમર્જન્સીમાં આ ટ્રેનોએ ભારતની લાઈફલાઈન હતી. આ પુરવઠામાં કોઈ પ્રકારની તસ્કરી ન થાય તે માટે અમને દરેક ટ્રેનના એક ડબ્બા દીઠ એક પોલીસમેનને તૈનાત કરાયા હતા.મુંબઇથી ઉપડેલ ગુજરાત મેલમાં મારી ડ્યુટી હતી.
છેલ્લા લગભગ 15 દિવસ જેવી જ એ રાત હતી.કંઈ પણ અલગ નહીં, હું મોબાઈલ મચડીને થાકેલો સૂવાની તૈયારીમાં હતો.લગભગ 7.5 બાય 6.5 ફીટનો એ ડબ્બો હવે મારુ ઘર હતો. પોણા ભાગનો ડબ્બો માલસામાનથી પેક અને બાકી જગ્યા થોડી સૂવા માટેની, બંને સાઈડ લોખંડના સ્લાઈડર ધરાવતો ડબ્બો આગળના બે ડબ્બા સાથે એક એક દરવાજાથી જોડાયેલ હતો જેમાં મારા અન્ય સાથીદારો હતા અને સંડાસ બાથરૂમની ટેમ્પરરી વ્યવસ્થા હતી.ટ્રેનનો નેક્સ્ટ મુકામ હવે કલકત્તા હતું.લગભગ 2 દિવસની સફર, અને મારે 24 કલાકની ડ્યુટી પછી વચ્ચેના કોઈ સ્ટેશને ઉતરી જવાનું હતું ત્યાંથી બીજો પોલીસમેન ડ્યુટી સાંભળી લેવાનો હતો.કેન્દ્ર સરકાર પાસે વધુ પોલીસ ફોર્સ ન હોવાથી રાજ્યો પાસેથી મદદ લેવાયેલ આ ફરજના ભાગરૂપે હું અહીં હતો.
લગભગ રાત્રે 2ના સુમારે ગાઢ નિદ્રામાં પોઢેલો હું અચાનક કંઈક અવાજથી જાગી ગયો, બેઠો થઈને જોઉં તો કશું નહોતું, ફરી સૂઇ ગયો. થોડી વાર થઈને તો ફરી એવો જ કશુંક ચીરાવાનો અવાજ. ડબ્બાની અંદરની એક માત્ર લાઈટ ચાલુ તો હતી, પણ તેનો બલ્બ ઝાંખો ને પ્રકાશ છેક સુધી પહોંચતો નહતો. હું મારી લાકડી ઉઠાવી અવાજની દિશામાં આગળ વધ્યો, જઈને જોયું તો એક 10 થી 12 વર્ષનો બાળક એક બોક્સ પર ઢળી પડેલો હતો, આનન ફાનનમાં હું દરવાજા તરફ દોડ્યો અને મારા સાથીદારોને બોલાવવા માંગતો હતો.મેં અમારા ટ્રેનના જોડાયેલા ત્રણ ડબ્બાના એક બીજાને જોડતા દરવાજા તરફ દોટ મૂકી, જઈને દરવાજો ખોલ્યો અને છેક ત્રીજા ડબ્બાના લાસ્ટ દરવાજા સુધી ફરી વળ્યો.કોઈ સાથીદાર હાજર નહતું.મને અચાનક યાદ આવ્યું કે મારા બંને સાથીદારને બીજી ટ્રેનમાં શિફ્ટ કરાયા હતા. હાલ આ ડબ્બાઓમાં હું જ હતો ને મારા બીજા સાથીદારો બહુ આગળના ડબ્બામાં હતા જ્યાં હું જઇ શકું એમ નહોતો. મેં ફોન કરવાની ટ્રાય કરી પણ MP ના જંગલોમાંથી જતી ટ્રેનમાં મારા ફોનના સિગ્નલ રસ્તો કરી શક્યા નહતા.
હું ફરી એ છોકરા તરફ ગયો.જઈને એની નાડ તપાસી તો શ્વાસો ચાલતા હતા.તે જોઈ મારા જીવમાં જીવ આવ્યો.મારી પાસે રહેલી પાણીની બોટલથી મેં એના ચહેરા પર પાણીની છાલક મારી, પણ બહુ અસર ન થઈ, એટલે મને લાગ્યું કે એને બ્રિથિંગમાં પ્રોબ્લેમ થતો હશે, મેં ફટાફટ એને માઉથ ટુ માઉથ બ્રીથિંગ દીધું, ચેસ્ટ પર પંપિંગ કર્યું અને મારી પાસે રહેલી ફર્સ્ટ એડની કીટ જે સરકાર દ્વારા અપાતી એમાંથી અમુક વિટામિનની ટિકડીઓ તૈયાર કરી નાખી. તે છોકરો ભાનમાં આવ્યો.બાંયથી ફાટેલ શર્ટ ને ચડ્ડીમાં પણ પોલાણ ધરાવતા કપડાં જોઈને તેની સ્થિતિનો મને અંદાજ થઈ ગયેલો. આ દરમિયાન તેના ખિસ્સામાંથી કંઈક કાગળ નીચે પડેલું. તેને અને છોકરાને ઉઠાવી હું બલ્બ નીચે આવ્યો. જીર્ણશીર્ણ કાગળ અડધો ફાટેલા જેવો હતો. તેના પર કોઈ મુકબધીર અનાથાલયનું સરનામું હતું અને છોકરાનો ફોટો લાગેલો હતો.આથી મને ખબર પડી કે છોકરો મુકબધિર હતો.તે મારી બોલચાલની ભાષા નહીં સમજે, આ પહેલા
મારી પહેલી નોકરીમાં હું એક મુકબધિર શાળામાં PT શિક્ષક હતો તેથી મને એની સાથે વાતચીતમાં તકલીફ પડવાની ન હતી.પાણી પાયા પછી મારુ ટિફિન તેને આપ્યું. એણે મારી સામે જે નજરથી જોયું એ નજરોમાં રહેલો અકથ્ય ભાવ હું હાજી સમજી શક્યો નથી. તેની નજરોમાં લાચારી, સંઘર્ષ, ભૂખ અને પરાવશતાની લાગણી હતી, તે જ સમયે તે અચાનક બદલાઈને ખુશીની ચમકમાં પણ પલટાઈ ગઈ હતી, જાણે કે તે દિવસોથી જેના વિરહમાં હોય એવી કોઈ વસ્તુને તે પામી ગયો હોય.તેના ક્ષણે ક્ષણે પલટતા ભાવોમાં એક અનહદ ને અનર્ગળ વેદના હતી, સાથે જ આભાર કે ઉપકાર માનવાની જે પરવશતા દેખાઈ તેણે મારા અંતરમનનને જકજોરી નાખેલો.
તેની નજરો મારા પર સ્થિર થયેલી, મેં ફરીથી મારુ ટિફિન સરકાવીને તેને આપ્યું અને તે જમવા મંડ્યો.ઘણા દિવસે ખાવાનું જોયું હશે તેમ તૂટી પડ્યો પછી અચાનક તેને કશું યાડ આવ્યું તેણે મને તેની ભાષામાં પૂછ્યું તમે જમ્યા? મને આ મુકબધિર છોકરાની આ લાગણી અંદર સુધી સ્પર્શી ગઈ, મેં તેને તેની ભાષામાં જવાબ દીધો કે હા, તો તે વધુ ખુશ થયો, કેમકે હું એ ભાષા જાણતો હતો. થોડી વાર થઈને ફરીથી તેણે પૂછ્યું કે તમે જમ્યા તો ટિફિન તો સાવ કોરું કટ હતું, તો તમે શેમાંથી જમ્યા.હવે મને આ છોકરાની લાગણી અને સમજ પર બહુમાન થયું..પોતે કેટલાય દિવસથી ભૂખ્યા હોવા છતાંય તે મને ખાવાનું પૂછી રહ્યો હતો, મારા અનુત્તર રહેવાથી તે સમજી ગયો અને તેણે તે ટીફીનમાંથી થોડું બચાવ્યું અને મને પરાણે આગ્રહ કરીને જમવા કીધું.
જમી લીધા પછી મેં તેને થોડી વિટામિનની ટિકડીઓ આપી અને તેની ભાષામાં તેની સાથે ઘણી વાતો કરી.તેના વિશે તેણે જણાવ્યું કે તે મુંબઈના એક પરાંના મુકબધિર અનાથાલયમાં રહેતો હતો, છેલ્લા ઘણા દિવસોથી તેમનો સંચાલક ક્યાંક ફરવા ગયો હતો ને પાછો આવી શક્યો નહતો, તેના વગર આશ્રમના અનાજની રસોઇયાએ ચોરી કરી હતી, તેથી જમવાનું મળતું નહતું જેથી તે તેના મિત્રો સાથે રોડ પર જમવાનું લેવા ભીખ માંગવા નીકળી પડેલા, પણ રસ્તા પર બધું બંધ થઈ ગયેલું અને બજારો પણ બંધ હતા, જે ખુલ્લા હતા તે લોકો તેમને હડધૂત કરીને ગાળો દેતા હતા, કોઈ ભાગ કોરોના ભાગ એવું કહીને ભગવતા કોઈ જમવાનું આપતું નહતું.તે એક દિવસ રેલવે સ્ટેશન પર કંઈક મળી જશે તેમ માનીને ત્યાં આવેલા ત્યાં તેમણે મને મારા જેવા કપડાં વાળા લોકોને બપોરે મળતાં ફૂડપેકેટ જોયેલા, એ સિવાય અમુક બિસ્કિટ નાસ્તો વગેરે પેકેટ્સ અને અનાજ ફળો તેણે ટ્રેન ડબ્બામાં પેક થતાં જોયેલા, તેની સાથે તેના મિત્રો અને બહુ નાની એવી એક બહેન પણ હતી, તે તેની બહેનને તેના મિત્રો પાસે છોડી આવેલો હતો. તે અમુક ખાવાની વસ્તુ અને બને તો અમુક અનાજ એના મિત્રો સાથે આશ્રમ માટે ચોરી કરવા માંગતો હતો જેથી એના અને એના બીજા મિત્રોની ભૂખ ભાંગી શકાય.મેં તેને પૂછયું તો તેના મિત્રો કેમ ન આવ્યા તો તેણે કીધું કે તે રાત્રે અંધારામાં ટ્રેનની ટોઇલેટની બારીનો કાંચ તોડીને ઘૂસવાના હતા, પણ રાત્રે તે એકલો જ એમાં પ્રવેશી શક્યો ને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, અને તેના મિત્રો અને બહેન પાછળ છૂટી ગયા હતા, અંદર આવીને તે ડબ્બાનો દરવાજો ખોલીને અંદર લાવવા માંગતો હતો પણ તે ત્યારે હું જાગતો હોઈ તે આગળ વધ્યો નહીં, અને સંતાઈ ગયો, અને ખાસ્સી વાર પછી મને સૂતેલો જોઈને તે કંતાનની ગુણ ચીરવા બેઠેલો પણ એક મોટું બોક્સ તેના માથા પર પડ્યું ને તે બેભાન થઈ ગયેલો.
એની આંખોમાં બહુ આંસુ હતા કારણ કે તે તેની બહેન અને મિત્રોથી દૂર થઈ ગયો હતો, અને રડી રહ્યો હતો અને હીબકાં ભરી રહ્યો હતો, પણ મેં તેને છાનો રાખ્યો. તેણે મને પૂછ્યું કે તે તેની બહેન અને મિત્રોને માલી શકશે ? મેં કહ્યું હા, તેણે પૂછ્યું ક્યારે તો મેં તેને આખી મારી વાત સમજાવી કે 24 કલાકની મારી સફર પછી બીજા સ્ટેશનેથી મારી વળતી ડ્યુટીમાં હું તેને તેની બહેન અને મિત્રો સાથે મેળવી દઈશ. આ દરમિયાન એક સ્ટેશન આવ્યુ હતું અને મારા મોબાઈલમાં સિગ્નલ પકડાતા ત્યાં સ્ટેશન પર હાજર પોલીસ સાથીદારોને વાત કરી તેના મિત્રો અને બહેનની મેં વ્યવસ્થા કરાવી દીધી હતી, આ વાત તેને સમજાવીને મેં શાંત પાડ્યો અને ફરી ત્યાં પહોંચ્યા પછીથી તેના આશ્રમ માટેની અનાજ અને બીજી વ્યવસ્થા પણ કરાવી દીધી હતી. આમ તેમની ચિંતાઓ તો સોલ્વ થઈ ગઈ હતી પણ એક ભૂખ માણસ ને કેટલો પરવશ બનાવી નાખે એક બાળપણને કેમ જીવતા મારી ને ભસ્મ કરી નાખે?? એ એક ભૂખની આ યાદ હજી મારા સ્મરણપટલ પર તાજી છે..અને કદાચ હંમેશ માટે જ અંકિત થઈ ગઈ છે.