Kavataru - 3 books and stories free download online pdf in Gujarati

કાવતરું - 3

કાવતરું

ભાગ – 3

લેખક – મેર મેહુલ

રાઠોડ પાછો આવ્યો ત્યારે નેન્સી,રિયા સાથે દેવ પાટલી પર બેઠાં તેની રાહ જોતાં હતા.

“નેન્સીને અંદર લેતો આવ ચાવડા”રાઠોડે અંદર તરફ જતાં દેવ તરફ ત્રાંસી નજરે જોતાં કહ્યું.રાઠોડ પાછળ ચાવડા અને નેન્સી પણ અંદર ગયાં.

“નેન્સી તારાં મમ્મીનું મર્ડર થયું છે અને કદાચ પપ્પાનું પણ.જો તું અમને મદદ કરીશ તો તેઓના હત્યારાને પકડવામાં અમને મદદ થશે”રાઠોડે કહ્યું, “તારા કહેવા મુજબ તારાં મમ્મીની હત્યા થઈ તેની થોડીવાર પહેલાં ઉપરનાં રૂમમાં ગયાં હતાં.એ સમય દરમિયાન તને કોઈ ચહલપહલ જોવા મળી હતી?,કોઈ દરવાજો ખુલવાનો અવાજ અથવા કોઈની આહટ.”

“જ્યારે મમ્મી ઉપરનાં રૂમમાં ગઈ ત્યારે હું હોમવર્ક કરતી હતી સર.મને એવી કોઈ હરકત ધ્યાનમાં નથી આવી”નેન્સીએ કહ્યું.

“અચ્છા,મને એમ કહે કે તારાં મમ્મીના ઉપરના રૂમમાં ગયાં પછી તું કેટલાં સમય પછી ત્યાં ગઈ હતી?”

“લગભગ અડધી કલાક પછી”નેન્સીએ યાદ કરીને કહ્યું.

“આ ઘટના ક્યાં સમય દરમિયાન થઈ એ તું જણાવી શકીશ?”

“હા સર,મને ચોક્કસ યાદ છે.દસને પિસ્તાલિસે મમ્મી ઉપર ગયાં અને સવા અગિયાર આજુબાજુ હું ઉપરનાં રૂમમાં ગઈ હતી”

“તને આટલું ચોક્કસ કેવી રીતે યાદ છે?”

“મમ્મી જ્યારે ઉપરના રૂમમાં જતી હતી ત્યારે ભાઈ ઘરે આવ્યો હતો.તેણે મમ્મી પાસેથી થોડાં રૂપિયા લીધાં અને મને સમય પૂછ્યો.મેં ત્યારે તેને સમય કહ્યો હતો એટલે મને યાદ છે”

“ભાઈને કેટલાં રૂપિયા આપ્યાં હતાં અને શા માટે રૂપિયા આપ્યાં?તે તેઓની વાત સાંભળી હોય તો જણાવ મને”

“ભાઈએ પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા પણ મમ્મી પાસે ત્રણ હજાર રૂપિયા જ હતા એટલે તેઓએ એટલાં જ આપ્યાં હતાં અને મમ્મી હંમેશા ભાઈને કારણ પૂછ્યા વિના તેઓને રૂપિયા આપી દેતી.પપ્પા ગુસ્સે થતાં તો પણ.”

“તારાં પપ્પા અને ભાઈ વચ્ચે કેવાં સંબંધ હતાં?”

“બંને વચ્ચે કોઈ દિવસ બનતું જ નહોતું.પપ્પા હંમેશા નાની-નાની વાત પર ગુસ્સા કરતાં. મમ્મી પપ્પાને વારતી અને ભાઈ બહાર ચાલ્યો જતો”નેન્સીએ કહ્યું.

“તારા પપ્પાએ આપઘાત કર્યો એના થોડાં દિવસો પહેલાં તારાં ભાઈ અને પપ્પા વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો હતો?”

“એક મહિના પહેલાં બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો ત્યારે ભાઈ પપ્પા સામે બોલ્યો એટલે પપ્પાએ તેને લાફો મારી લીધો હતો પણ બીજાં દિવસે ભાઈએ પપ્પાની માફી માંગી લીધી હતી અને બધું બરોબર ચાલતું હતું”

“ઠીક છે, તું બહાર બેસ અને નાની બહેનને અંદર મોકલ”રાઠોડે કહ્યું.

નેન્સી ઉભી થઇ.બે ડગલાં આગળ ચાલી ઉભી રહી અને પાછળ ઘૂમી.

“સર મારાં ભાઈને તમે મારશો તો નહીને?”માસૂમ નેન્સીએ ડરતાં ડરતાં પૂછ્યું.રાઠોડ ખુરશી પરથી ઉભો થયો. તેણે જોયું, નેન્સી ધ્રુજતી હતી.રાઠોડ તેની પાસે ગયો અને માથાં પર હાથ રાખી કહ્યું, “પોલીસ એટલી પણ નિર્દયી નથી જેટલું લોકો સમજે છે.તારો ભાઈ ગુન્હેગાર નહિ હોય તો તેને કોઈ ટાપલી પણ નહીં મારી શકે”

નેન્સીએ સ્મિત કર્યું અને બહાર ચાલી ગઈ.થોડીવાર પછી નેન્સીની નાની બહેન રિયા અંદર પ્રવેશી.

“આવ બેટા, શું નામ છે તારું?”રિયાનો ડરેલો ચહેરો જોઈ રાઠોડે હળવાશથી કામ લેવાનું નક્કી કર્યું.

“રિયા સોલંકી”રિયાએ કહ્યું.

“કેટલામું ભણે છે રિયા તું?”

“સાતમું”રિયા હજુ ડરેલી હતી એટલે તેણે અચકાતાં અચકાતાં જવાબ આપ્યો.

“ચાવડા,છોકરી માટે બે મોટી ચોકલેટ લઈ આવ”રાઠોડે ચાવડા તરફ જોઈને કહ્યું.પછી રિયા સામે જોઈ પૂછ્યું, “ચોકલેટ ખાઈશને બેટા?”

“મમ્મીએ ચોકલેટ ખાવાની ના પાડી છે.દાંત પડી જાય”

“એક ચોકલેટ ખાવાથી કંઈ ના થાય.આપણે બંને ખાઈશું”રાઠોડે સહેજ હસીને કહ્યું.

“તારો ભાઈ મને કહેતો હતો કે તું ચોકલેટ ખાતી એટલે તારાં પપ્પા તને ખિજાતાં.એટલે જ તું અત્યારે ચોકલેટ ખાવાની ના પાડતી હતીને?”રાઠોડે જાણીજોઈને રિયાને ઉલટો સવાલ પૂછ્યો.

“ભાઈ ખોટું બોલે છે સાહેબ.પપ્પા જ ચોકલેટ લાવતાં. અને પપ્પા એને ખિજાતાં મને નહીં”ભોળી રિયાએ પોતાનો બચાવ કરતાં કહ્યું.

“ઓહ તો તારાં પપ્પા ભાઈને ખિજાતાં.એ તારી ચોકલેટ ખાઈ જતો એટલે ખિજાતાં?”રાઠોડ ચાલાકીથી મુદ્દાની વાત પર આવી ગયો.

“ના ના,ભાઈ કામ ના કરતો અને દોસ્તો સાથે રખડતો રહેતો.એટલે પપ્પા તેને દરરોજ સાંજે ખિજાતાં”રિયાએ કહ્યું.

“અચ્છા, કાલે સવારે જ્યારે તારો ભાઈ મમ્મી પાસે રૂપિયા લેવા આવ્યો ત્યારે તું શું કરતી હતી?”

“હું જ્યોતિ દી સાથે બેઠી હતી.મારે સ્કૂલે નહોતું જવું એ મને સ્કૂલે જવા મનાવતી હતી”

“ત્યારે જ્યોતિ ઘરે હતી?”રાઠોડને આ વાત સાંભળી આશ્ચર્ય થયું.

“હા,ભાઈના ગયાં પછી તેઓ કૉલેજ જવા નીકળ્યા હતા.”રિયાએ કહ્યું.

એટલામાં ચાવડા હાથમાં બે ચોકલેટ લઈ પ્રવેશ્યો.રાઠોડે ચોકલેટના બે ટુકડા કર્યા.એક ટુકડો રિયાના હાથમાં આપ્યો અને બીજો મોંમાં રાખ્યો.બીજી ચોકલેટ રિયાના હાથમાં આપી રાઠોડે કહ્યું, “આ નેન્સીદીદીને આપી દેજે.”

“ચાવડા દેવને અંદર લેતો આવ”રાઠોડે હુકમ કર્યો.

“જી સાહેબ”ચાવડાએ બહાર જતાં કહ્યું.

થોડીવાર પછી દેવ અંદર પ્રવેશ્યો.

“આવ બેસ દેવ”રાઠોડે કહ્યું, “તારાં મમ્મીની હત્યા થઈ એની પંદર મિનિટ પહેલાં તું તેઓની પાસે રૂપિયા લેવા ગયેલો?”રાઠોડે ત્રાંસી નજર કરી પૂછ્યું.દેવ હજી ખામોશ બેઠો હતો.

“બોલ દેવ કેમ આ વાત છુપાવી તે?,કાંઈક તે જ તારી મમ્મીની…..” રાઠોડ બરાડ્યો.

“ના ના સાહેબ,હું મારી મમ્મીની હત્યા કેવી રીતે કરી શકું?,હું તો તેઓને હદથી વધુ વહાલો હતો” સવારે અકડ બતાવતો દેવ અત્યારે સસલાની માફક ડરી ગયો હતો.

“તો કેમ તે આ વાત છુપાવી હતી?”ટેબલ પર હાથ પછાડી રાઠોડે ફરી ઊંચે અવાજે પૂછ્યું.દેવ સહેમી ઉઠ્યો.તેને જે વાતનો ડર હતો એ જ થઈ રહ્યું હતું.

“સાહેબ હું તમને બધું સાચું કહું છું બસ મને મારશો નહિ”ધ્રુજતાં શબ્દોએ દેવે રાઠોડ પાસે આજીજી કરી.

“બકવા મંડ જલ્દી”અચાનક રાઠોડનો મિજાજ બદલાઈ ગયો હતો.

“હા હું મમ્મી પાસે રૂપિયા લેવાં ગયો હતો.હું જ્યાં સિગરેટ પીતો ત્યાં પાંચ હજાર રૂપિયાનું નામું થઇ ગયું હતું.પપ્પાના મૃત્યુ પછી મારાં દોસ્ત પ્રદિપ પાસેથી પાંચ હજાર ઉછીનાં લઈ એ મેં ચૂકવી દીધુ હતું.પ્રદિપને કાલે પાંચ હજાર રૂપિયાની જરૂર હતી એટલે મેં મમ્મીને વાત કરી હતી અને તેઓએ મને ત્રણ હજાર રૂપિયા આપ્યાં હતાં.તમે કહો તો હું પ્રદિપ સાથે તમારી વાત કરાવી શકું છું.”

“ના એની કોઈ જરૂર નથી.તારે બસ આ વાત છુપાવવાની નહોતી”રાઠોડે શાંત પડતાં કહ્યું.

“મારી ખરાબ આદતોને કારણે તમે મારા પર શંકા કરો એ વાતનો મને ડર હતો સાહેબ”દેવ હજી ડરેલો હતો.

“આવી વાતો પાછળથી જાણવા મળે તો શંકા જાય.અને આદત સારી હોય કે ખરાબ,તેનાં આધારે પોલીસ કોઈને જજ નથી કરતી”રાઠોડે કહ્યું. રાઠોડે દેવના અંગત જીવનને સ્પર્શતી કોઈ મહત્વની વાત કરી હોય તેમ દેવ રાઠોડની સામે એકીટશે જોઈ રહ્યો.

“તો અમે જઈ શકીએ?”દેવે સ્વસ્થ થઈ પૂછ્યું.

“બેશક”રાઠોડે સવારની જેમ રૂઆબમાં કહ્યું એટલે દેવ ઉભો થઇ ચાલવા લાગ્યો.દેવના ગયાં પછી રાઠોડે કહ્યું, “કાં તો આ છોકરો બોવ જ શાતીર છે કાં તો સાવ બેવકૂફ”

*

રાત્રે દસ વાગ્યે રાઠોડ ફ્રી ડ્રેસમાં માધવ મૉલ નીચે પહોંચ્યો.માધવ મૉલ નીચે ચોઇસ નામે પાન-મસાલાની દુકાન હતી જ્યાં દેવ અવારનવાર આવતો.રાઠોડ એ એસીવાળી દુકાનમાં પ્રવેશ્યો અને એક સિગરેટ લીધી.સિગરેટ સળગાવી રાઠોડ બહાર સોફો હતો ત્યાં આવીને બેઠો.બાજુમાં થોડાક છોકરાઓ બેઠાં હતાં જે પોતાની ધૂનમાં મશગુલ હતા.ચોઇસની ડાબી બાજુએ ચાઈનીઝ વાનગીઓની દુકાન હતી ત્યાં પણ બહાર ટેબલ પર થોડાં લોકો બેસી જમતાં હતા.જમણી બાજુ ખેતલા આપાનો ટી-સ્ટોલ હતો જે ચોવીસ કલાક ખુલ્લો રહેતો.રાઠોડે ત્યાં પણ નજર ફેરવી લીધી.તેની નજરમાં એવી કોઈ સંધીગ્ધ ઘટના ના આવી જે તેને તપાસ કરવા પ્રેરે.

સાડા દસ થયાં એટલે રાઠોડે મોબાઈલ ઉંચો કર્યો અને બે વાર ફ્લેશ ઑન-ઑફ કરી.કોઈ તેની આ હરકતની રાહ જોઇને બેઠું હોય એવી રીતે ફ્લેશ ઓન-ઑફ થતાં રાઠોડનાં મોબાઈલમાં એક વોટ્સએપ મૅસેજ પૉપ-અપ થયો.રાઠોડે જોયું તો કોઈએ તેને વીડિયો મોકલ્યો હતો.

રાઠોડે એ પંદર સેકેન્ડનો વીડિયો જોયો.એ વીડિયોમાં કોઈ તિરાડમાંથી ઉતારેલ એક રૂમનું દ્રશ્ય હતું.એ રૂમ કયો છે એ ઓળખતાં રાઠોડને જરા પણ વાર ના લાગી.બે સેકન્ડ બાદ રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવે છે અને કોઈ બારણે ટકોરો મારવાનો અવાજ આવે છે.બીજીવાર દરવાજો ખુલવાનો અવાજ આવે છે અને સાથે કોઈ સ્ત્રીની હળવી ચીસ પણ સંભળાય છે.એટલામાં વીડિયો પૂરો થઈ જાય છે.રાઠોડ આગળ કંઈ વિચારે એ પહેલાં તેનાં મોબાઈલમાં વોટ્સએપના મેસેજનો વરસાદ થઈ જાય છે.જે કંઈક આ મુજબના હતા,

‘વીડિયો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે’

‘જે ઓરતની કાલે હત્યા થઈ હતી તેનો હત્યારો આ વીડિયોમાં કેદ છે.’

‘મારી પાસે પૂરો વિડીયો છે’

‘જોતો હોય તો પચાસ હજાર રૂપિયા થશે’

‘કાલે રાત્રે આ જ સમયે બાજુમાં રહેલી કચરાપેટીમાં રૂપિયાની થેલી રાખી જજે.પછીના દિવસે વીડિયો મળી જશે’

‘ચાલાકી નહિ કરતો નહીંતર વીડિયો પણ જશે અને હત્યારો પણ’

‘અને હા આ નંબર ફેક છે.પકડવાની કોશિશ ના કરતો’

રાઠોડે આજુબાજુ નજર કરી.બધી ગતિવિધિ સામાન્ય હતી.રાઠોડે જે નંબર પર મૅસેજ આવ્યો હતો તેમાં કૉલ કર્યો પણ નંબર બંધ આવતો હતો.આગળ કોઈ હરકત કરવી રાઠોડને મૂર્ખામી ભર્યું લાગ્યું એટલે એ ત્યાંથી નીકળી ગયો.

*

બીજા દિવસે સવારે રાઠોડે જ્યોતિને સ્ટેસ્ટમેન્ટ લેવાં માટે બોલાવી હતી.રાઠોડના મત મુજબ જ્યોતિ પણ સસ્પેક્ટ હતી.કાજલબેનની હત્યા થઈ તેનાં થોડાં સમય પહેલાં જ જ્યોતિ ઘરેથી નીકળી હતી એટલે એ પણ રાઠોડના શકના દાયરામાં હતી.સામાન્ય વાતચીત પછી રાઠોડ મુદ્દાની વાત પર આવ્યો.

“તને શું લાગે છે જ્યોતિ,તારાં મમ્મીની હત્યા કોણે કરી હશે?”રાઠોડે પહેલો સવાલ પૂછ્યો.

“સર મને ભાઈ પર પૂરો ડાઉટ છે.”જ્યોતિએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“કોઈ કારણ?”

“એક નહિ ઘણાબધાં છે.હું દરરોજ સવારે સાડા નવ વાગ્યે કોલેજે જવા નીકળતી.ભાઈ લગભગ તેનાં થોડાં સમય પહેલાં જ કોઈને મળવા જાય એવું કહીને નીકળી ગયો હતો.હું રિયાને સ્કૂલે જવા મનાવતી હતી એટલે મારે થોડું મોડું થઈ ગયું હતું.બરાબર એ જ સમયે ભાઈ આવી ચડ્યો.તેને એવું હશે કે હું કોલેજે જવા નીકળી ગઈ છું એટલે ઘરે બે નાની બહેનો જ હશે.હું ઘરે હતી એટલે ભાઈએ રૂપિયાનું બહાનું કાઢ્યું અને તરત પાછો ચાલ્યો ગયો અને બીજી વાત પપ્પાના મૃત્યુ પછી મમ્મી પાસે જે ઘરેણાં હતા એ ભાઈ વેચવાની વાત કરતો હતો.મમ્મી સાથે એ બાબતે બે-ત્રણ વાર બોલાબાલી પણ થયેલી.કાલે તમે તપાસ કરી ગયાં પછી હું અલમારીમાંથી મમ્મીના કપડાં બહાર કાઢતી હતી ત્યારે ઘરેણાં ગાયબ હતા.આમ પણ ભાઈ કોઈના કહ્યામાં નહોતો.મમ્મી-પપ્પાની હત્યા કરવી તેનાં માટે રસ્તાનો કાંટો દૂર કરવા જેવી વાત થઈ”

“મને દેવ પર પહેલેથી શંકા હતી જ.તે આ વાત કહી તેનાં પરથી એવું લાગી રહ્યું છે કે નક્કી દેવે જ….”

રાઠોડ હજી પોતાની વાત પૂરી કરે છે એ પહેલાં એક કોન્સ્ટેબલ ઝડપથી રાઠોડ પાસે આવ્યો અને તેનાં કાનમાં કંઈક કહ્યું.કોન્સ્ટેબલની વાત સાંભળી રાઠોડ સફાળો ખુરશી પરથી ઉભો થઇ ગયો.

“આગળની પૂછપરછ હું પછી કરીશ.મારે ઈમરજન્સી છે એટલે જવું પડશે”કહી રાઠોડ બહાર નીકળી ગયો.જતાં જતાં ચાવડા જ્યોતિ પર નજર રાખવા ચાવડાને ઈશારો કરતો ગયો.

રાઠોડ દોડીને ચાની લારી પાસે પહોંચ્યો.કાળુ તેની રાહ જોઇને ઉભો હતો.

“કોણ હતું એ કાળુ?”રાઠોડે પૂછ્યું.બન્યું એમ હતું કે કોઈએ કાળુની લારી પર ફરીવાર ચિઠ્ઠી રાખી હતી.

“સાહેબ કોઈક જાડી છોકરી હતી.તેણે ચહેરો સ્કાફથી ઢાંકેલો હતો.આ વખતે તેણે મને હાથમાં ચિઠ્ઠી પકડાવી,તમને આપવાનું કહી રિક્ષામાં નીકળી ગઈ”કાળુએ વેરા તરફ આંગળી ચીંધીને કહ્યું.

રાઠોડે કાળુના હાથમાંથી ચિઠ્ઠી લઈ વાંચી, “તમારી શુભચિંતક,હત્યારો રફુચક્કર થવાનાં ફિરાકમાં છે.રૂપિયાની વાત પછી કરી લેશું.આજે રાત્રે અગિયાર વાગ્યે સિટીએમનાં બ્રિજ નીચે રઘુવીર ટ્રાવેલ્સે પહોંચી જજો.બધું સમજાઈ જશે”

રાઠોડ વિચારે ચડ્યો.તેણે ચિઠ્ઠીનો કોઈ જવાબ પણ નહોતો આપ્યો અને સામે કોઈ એવી પ્રતિક્રિયા પણ નહોતી આપી જેને કારણે કોઈ સામેથી નમતું મૂકે.કંઈક તો અજુગતું બન્યું હતું જેને કારણે ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિએ રાઠોડનો સહારો લીધો હતો.જે થયું એ રાઠોડને હત્યારાને પકડવાની કડી મળી ગઈ હતી.

“ચાવડા, જીતું, વનરાજ તમે બધાં સાંજે વહેલાં ઘરે જઈ આવજો અને નવ વાગ્યે ચોકીએ આવી જજો.આજે સાંજે એક કામ પતાવવાનું છે”ચહેરા પર મુસ્કાન સાથે રાઠોડે કહ્યું અને પોતાનાં કામમાં પરોવાઈ ગયો.

ધીમે ધીમે રાઠોડ કેસમાં પ્રોગ્રેસ કરતો જતો હતો.હત્યારાને શિકંજામાં લેવા તેને એક ચિઠ્ઠી મળી હતી.કોણે લખી હસે એ ચિઠ્ઠી.હત્યારો કોણ હશે?

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED