Kavataru - 1 books and stories free download online pdf in Gujarati

કાવતરું - 1

કાવતરું

ભાગ –1

લેખક – મેર મેહુલ

“સ્યુસાઈડનો કેસ લાગે છે સાહેબ”કોન્સ્ટેબલ મોહિત ચાવડા નાકે રૂમાલ રાખી તર્ક કાઢતો હતો.તેની સામે પિસ્તાલિસેક વર્ષની સ્ત્રીનો દેહ પંખે લટકતો હતો.ચાવડા એ બેજાન શરીરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો.એ સ્ત્રીના હાથ લટકી ગયાં હતાં.જીભ બહાર આવી ગઈ હતી.

“તને શું લાગે છે જિતુ?”

“એક નજરે જોતા મને પણ એવું લાગે છે સાહેબ” કોન્સ્ટેબલ જિતુએ કહ્યું.

“મને પણ એવું જ લાગે છે”એક મહિના પહેલાં ટ્રાન્સફર દ્વારા પોસ્ટિંગ મેળવેલા બત્રિસેક વર્ષના અનુભવી ઇન્સ્પેક્ટર કેયુર રાઠોડે કહ્યું.

“અજીબ કહેવાય નહી સાહેબ!!!,પંદર દિવસ પહેલાં આ જ ઘરમાંથી એક સ્યુસાઇડનો કેસ નોંધાયો હતો.”કોન્સ્ટેબલ ચાવડાએ ચોખવટ પાડતાં કહ્યું.

“તો મર્ડર પણ હોય શકે,ત્યારે તેનાં ઘરનાં વ્યક્તિઓએ પી.એમ. કરાવવાની ના પાડી હતી અને વાત ત્યાં જ દબાય ગઈ હતી.તું જુનાં કેસની ફાઇલ ખોલાવ,એક એક વ્યક્તિને સ્ટેશને બોલાવ અને હા પેલી બાર વર્ષની છોકરીને જુદી રાખજે.એ આપણાં માટે મહત્વની છે”ઇન્સ્પેક્ટર રાઠોડ જુનાં કેસથી વાકેફ હતો એટલે તેની પાસે ઘરનાં બધાં સભ્યોની માહિતી હતી જ.તેથી તેણે સીધાં તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવા હુકમ કર્યો.

“જી સાહેબ”કહેતાં ચાવડાએ ડોકું ધુણાવ્યું અને રૂમમાં આજુબાજુ નજર ફેરવવા લાગ્યો,એકવીસ વર્ષનો નવો ભરતી થયેલો ચાવડા થોડો મંદબુદ્ધિ હતો.કારણ વિના તર્ક કાઢવા અને બિનજરૂરી વાતો કહેવી એ તેના સ્વભાવમાં હતું.પોલીસની જીપ આવી ત્યારથી રૂમને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો એટલે રૂમમાં માત્ર ત્રણ કોન્સ્ટેબલ અને રાઠોડ જ હાજર હતા.

“ચાવડા,તું જે લોકો હજાર છે તેઓનું સ્ટેટમેન્ટ લેવરાવી લે,હું રૂમની સ્થિતિ જોઈ લઉં અને સાહેબને કોલ કરીને જાણ કરી દે જે કે તેઓને આવવાની જરુર નથી.હું સંભાળી લઇશ” રાઠોડે હાથમાં ગ્લવ્ઝ પહેરતાં કહ્યું.ચાવડા સાથી કોન્સ્ટેબલ સાથે બહાર નીકળ્યો એટલે રાઠોડ ઘરની બધી વસ્તુઓ તપાસવા લાગ્યો.

રૂમ મોટો હતો.જેમાં ત્રણ દરવાજા પડતાં હતા.પહેલો દરવાજો બહારથી દાદરા ચડી આવવા માટે હતો,બીજો દરવાજો બાથરૂમનો હતો અને ત્રીજો દરવાજો બહાર અગાસી તરફ પડતો હતો જેની બાજુના ખૂણામાં મોટો ડ્રેસિંગ કાચ હતો,કાચને અડીને મોટો બેડ હતો.જેની ઉપરના પંખે હાલ એક પાર્થિવ દેહ લટકતો હતો.બેડની બાજુમાં ખૂણામાં અલમારી હતી.રાઠોડે અલમારી ખોલી.તેમાં રહેલાં થોડાં કપડાં અને કટલેરીનો સમાન ઉથલાવી રાઠોડે બહાર કાઢ્યો.અંદર તપાસ કર્યા બાદ બધી વસ્તુ પોતાનાં સ્થાને રાખી રાઠોડ આગળ વધ્યો.

અગાસીના દરવાજાની બરાબર સામે એક બારી હતી.જે હાલ અડધી ખુલ્લી હતી.તેનાં પર રૂમાલ લટકતો હતો. રાઠોડ એ બારી પાસે પહોંચ્યો.રાઠોડને રૂમાલ ભીંનો હોવાનો અહેસાસ થયો એટલે તેણે રૂમાલ પર હાથ ફેરવ્યો.તેનાં ગ્લવ્ઝ ભીનાં થઈ ગયાં હતાં.

કેયુર ત્યાંથી આગળ વધ્યો.ખૂણામાં ફર્નિચર કરેલો એક શેલ્ફ હતો.જેમાં થોડી તસ્વીરો રાખેલી હતી.કેયુરે એક તસ્વીર હાથમાં લીધી,જેમાં પરિવારના બધા જ સભ્યોનો ફોટો હતો.કેયુરે પોતાનાં મોબાઈલમાં એ તસ્વીરનો ફોટો પાડી લીધો.આગળ જતાં શેલ્ફ અને દાદરના દરવાજા વચ્ચે બાથરૂમનો દરવાજો હતો.રાઠોડ એ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો.એટલીવારમાં બહાર બુમોનો અવાજ રાઠોડના કાને પડ્યો.કોઈ જોરજોરથી રાડો પાડતું હતું.રાઠોડે ઉતાવળા પગે બહાર નિકળવાની કોશિશ કરી એ જ સમયે તેનો પગ ફર્શ પર લપસી ગયો.રાઠોડે બેલેન્સ બનાવવાની કોશિશ કરી છતાં તેનું માથું દીવાલ સાથે ટકરાઈ ગયું.

“કોણ આટલી જોરથી બરાડે છે?”કપાળે હાથ રાખી દાદર ઉતરતાં રાઠોડ બરાડયો.એક કોન્સ્ટેબલ રાઠોડ પાસે આવ્યો.

“સાહેબ,આ એ ઓરતનો છોકરો છે.એની માં હવે આ દુનિયામાં નથી એ સ્વીકારી નથી શકતો”કોન્સ્ટેબલે ધીમેથી કહ્યું.

“એને પાણી આપો અને શાંત કરો”રાઠોડે ગુસ્સામાં હુકમ કર્યો, “અને એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી?”

“બસ પહોંચવામાં જ છે સાહેબ”કોન્સ્ટેબલ કહ્યું.

થોડીવારમાં સાયરેન વગાડતી એમ્બ્યુલન્સ ગેટમાં પ્રવેશી.લાશને પી.એમ. માટે મોકલી આપવામાં આવી.રાઠોડ કોન્સ્ટેબલ સાથે ચોકી તરફ રવાના થયો.

*

અમદાવાદના ઠક્કરનગર પોલીસ સ્ટેશનમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.થોડીવાર પહેલાં રાઠોડ અને તેના સાથી કોન્સ્ટેબલો બદ્રીનારાયણ સોસાયટીમાંથી ચોકીએ આવ્યા હતા.

“સાહેબ ચા મંગાવું?”ચાવડાએ રાઠોડની ખુશામત કરતાં પૂછ્યું.

“મંગાવી લે અને પેલી ફાઇલ મારાં ટેબલ પર રખાવ.”પોતાની ખુરશી તરફ જતાં રાઠોડે કહ્યું.

થોડીવારમાં એક કોન્સ્ટેબલ ફાઇલ અને ચા રાઠોડના ટેબલ પર રાખી ગયો.ચાનો કપ હાથમાં રાઠોડે ફાઇલ ખોલી.

જીજ્ઞેશભાઈ સોલંકી નામના આધેડ વ્યક્તિએ પંદર દિવસ પહેલાં પંખે લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.સાથે તેણે તેનું કારણ એક ચિઠ્ઠીમાં લખ્યું હતું.આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી લેણીયાતના દબાણને લીધે તેણે માનસિક તણાવને કારણે આપઘાત કરી લીધો હતો.

ઘરમાં કુલ સાત વ્યક્તિ હતા અને કમાવવાવાળો વ્યક્તિ માત્ર એક જીજ્ઞેશ જ હતો એટલે ત્યારે તેની કેવી પરિસ્થિતિ રહી હશે એ રાઠોડ સમજી શકતો હતો.રાઠોડે ઘરના સભ્યોની વિગત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જીજ્ઞેશની પત્ની કાજલ જે હાલ આ દુનિયામાં નહોતી તે જીજ્ઞેશની બીજી પત્ની હતી.પહેલી પત્નીના અવસાન પછી પોતાની બે બાળકીઓને માંનો છાંયો મળી રહે એ માટે જીજ્ઞેશે કાજલ સાથે લગ્ન કર્યા હતા.સામેના પક્ષે કાજલના પતિના અવસાન પછી તેના એકના એક દીકરાને પિતાનો પ્રેમ મળી રહે એમ વિચારીને કાજલે પણ બીજા લગ્ન કરી લીધા હતા.બંનેના બીજા લગ્ન પછી કાજલના ખોળે બે બાળકીઓ જન્મી હતી.આમ આ દંપતીને ચાર છોકરી અને એક છોકરો હતો.

સૌથી મોટી દીકરી હાલ સાસરે હતી,તેનાંથી નાની એકવીસેક વર્ષની જ્યોતિ હાલ કૉલેજના ત્રીજા વર્ષમાં હતી.ત્રીજા નંબરનો એકમાત્ર વિસેક વર્ષનો દીકરો દેવ બાર ધોરણ સુધી ભણ્યો હતો અને ત્યારબાદ દોસ્તો સાથે ગેરમાર્ગે દોરાઈને સિગરેટ,દારૂ,જુગાર,સટ્ટા જેવી કુટેવોમાં સંડોવાઈ ગયો હતો.પંદર વર્ષની નેન્સી અને બાર વર્ષની રીયા સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી.

“ચાવડા,અહીંયા આવ તો”રાઠોડે રમુજી અંદાજમાં કહ્યું.રાઠોડ જાણતો હતો કે ચાવડા રાઠોડની નજીક રહેવાના બિનજરૂરી પ્રયાસો કરતો રહેતો.

“જી સાહેબ”રાઠોડના ટેબલ પાસે આવી સલામી આપતાં ચાવડાએ ગરદન ઝુકાવી.

“તું બદ્રીનારાયણ સોસાયટીની બાજુમાં જ રહે છે ને?”રાઠોડે પૂછ્યું.

“હા,વેરા પાસે”હકારમાં ડોકું ધુણાવી ચાવડાએ કહ્યું.

“મારું એક કામ કરીશ?”

“એ પણ પુછવા જેવી વાત છે સાહેબ”ચાવડાએ સહેજ હસીને કહ્યું.

“વાત આપણા બંને વચ્ચે રહેવી જોઈએ”પોતાનાં તરફ કાન ધરવાનો ઈશારો કરી રાઠોડે કહ્યું, “આજે પેલી ઓરતે સ્યુસાઇડ કર્યું છે ને તેનો છોકરાં પર નજર રાખવાની છે.એ છોકરો સિગરેટનો બંધાણી છે.જે ગલ્લા પર એ સિગરેટ પીવે છે તેના માલિકનો કોન્ટેક કર અને જો ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હોય તો આજે જ ફૂટેજ મંગાવી લે.મને તેના પર વધુ શંકા જાય છે”

“થઈ જશે સાહેબ”કહી ચાવડાએ ગજવામાંથી મોબાઈલ કાઢી જોડ્યો.તેના ખબરીને જાણકારી આપી દેવની બાતમી લેવા કહ્યું.

“મારા લાયક બીજું કંઈ કામ”ચાવડાએ સસ્મિત સાથે પૂછ્યું.

“આજે જે લોકોનું સ્ટેટમેન્ટ લીધું છે એ ફાઇલ લઈ આવ.જોઈએ કોણ ક્યાં હતું”

ચાવડાએ બીજા કોન્સ્ટેબલ પાસેથી ફાઇલ મંગાવી ટેબલ પર રખાવી.રાઠોડે ઉત્કટતાં સાથે ફાઈલને ખોલી.

જ્યોતિના કહેવા મુજબ, “હું કૉલેજે જતી હતી ત્યારે મમ્મીના સ્યુસાઇડના સમાચાર મળ્યા.પાપાના અવસાન પછી એસાઈમેન્ટ જમા કરાવવા આજે હું પહેલીવાર કોલેજ જતી હતી.સવારે જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે મમ્મીનું વર્તન બિલકુલ સામાન્ય હતું.આ કોઈ સ્યુસાઈડ નથી.મમ્મીનું મર્ડર થયું છે”

દેવના કહેવા મુજબ, “હું એક મિત્રને મળવા ગયો હતો.હું જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ઘરે ભીડ જોઈ.જ્યારે મમ્મીના સ્યુસાઈડના સમાચાર સાંભળ્યા ત્યારે મને આઘાત લાગ્યો.તેઓ સ્યુસાઇડ વિશે કોઈ દિવસ વિચારી જ ના શકે”

નેન્સીના કહેવા મુજબ, “અમે બંને બહેનો ઘરે જ હતા,મમ્મી પપ્પાની તસવીર જોઈને રડતી હતી.અમને બંનેને નીચે રૂમમાં બેસારી એ ઉપરના રૂમમાં ચાલી ગઈ.અડધી કલાક પછી પણ જ્યારે એ નીચે ના આવી ત્યારે હું ઉપરના રૂમમાં ગઈ.ત્યારે એ પંખે લટકતી હતી.મેં બૂમ પાડી એટલે આજુબાજુના લોકો ભેગા થયા અને કોઈકે પોલીસને ફોન કર્યો.”

“ચાવડા!!!” રાઠોડે જોરથી બૂમ મારી.

ચાવડા દોડતાં પગે રાઠોડના ટેબલ પાસે જઈ ઉભો રહ્યો.

“પેલી બાર વર્ષની છોકરીનું સ્ટેસ્ટમેન ક્યાં છે?”રાઠોડે ગુસ્સામાં પૂછ્યું.

“સાહેબ તમે જ તેને જુદી રાખવા કહ્યું હતું એટલે મેં હાલ તેનું સ્ટેસ્ટમેન ના લેવરાવ્યું.મને એમ હતું કે તમે તેની સાથે એકાંતમાં વાત કરવા ઇચ્છતાં હશો”

“ડફોળ,તને ખબર છે તે કેવી મોટી ભૂલ કરી છે.તેને જુદી રાખી સ્ટેટમેન્ટ લેવા કહ્યું હતું”રાઠોડ બરાડયો, “જે વાત જાણવાની હતી એ જ ના નોંધી.હવે એ લોકો જે વાત દબાવવા માંગતા હશે એ તેને સમજાવી-ફોસલાવીને છુપાવી દેશે.”

ચાવડા પગના અંગૂઠા પર નજર સ્થિર કરીને ઉભો હતો.સાહેબની ખુશમત કરવામાં તેણે જે બાફી માર્યું હતું તેને હવે સમજાય રહ્યું હતું.

“ભૂતની જેમ શું ઉભો છો?,પોસ્ટમોર્ટમ પત્યું કે નહીં એ પૂછી લે”

“જી સાહેબ”પગ પછાડી,સલામી ઠોકી ચાવડાએ પોબરા ગણી ચોકીની બહાર જવું જ મુનાસિફ સમજ્યું.

હાલ કોઇ જાણતું નહોતું કે કજલબેને સ્યુસાઇડ કર્યુ કે તેઓની હત્યા કરવામાં આવી હતી પણ આગળના થોડાં દિવસોમાં રઠોડ સહિત સૌને વિચારવા પર મજબૂર કરી દે એવી ઘટનાઓ ઘટવાની હતી.જેનાથી હજી પોલિસતંત્ર વાકેફ નહોતું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED