Kavataru - 2 books and stories free download online pdf in Gujarati

કાવતરું - 2

કાવતરું

ભાગ – 2

લેખક – મેર મેહુલ

બીજા દિવસે સવારે રાઠોડ વિચારોમાં ડૂબ્યો હતો.આગળની કાર્યવાહી ક્યાંથી કરવી એ તેને સૂઝતું નહોતું.તેણે એક કોન્સ્ટેબલને અવાજ આપી બોલાવ્યો.

“સિવિલમાંથી પી.એમ.ના રિપોર્ટ લઈ આવ અને ચાવડાને મારી પાસે મોકલ”રાઠોડે હુકમ કર્યો.

થોડીવાર પછી પેન્ટ કમરેથી ઉપર ચડાવતો ચાવડા ચોકીમાં દાખલ થયો.રાઠોડને જોઈને થોડો ટટ્ટાર થયો અને પાસે આવી સલામી કરી.

“કેમ સાહેબ આજે વહેલાં?”ચાવડાએ પૂછ્યું.

“ખાસ કારણ નથી,વહેલા ઊંઘ ઊડી ગઈ તો વિચાર આવ્યો કે પેલાં કેસ વિશે વધુ જાણું એ માટે ચોકીએ આવીને બેઠો હતો”રાઠોડે કહ્યું.

“પેલા છોકરાં ઉપર નજર રાખવા કહ્યું હતું,તેનું શું થયું?”રાઠોડે પૂછ્યું.

“કામ થઈ ગયું છે.માધવ મૉલની નીચે ‘ચોઇસ’ નામની પાન-મસાલાની દુકાન છે.પૂરો દિવસ એ ત્યાં જ પડ્યો રહેતો.પણ…”કોન્સ્ટેબલ ચાવડા કેયુર તરફ મીટ માંડી અટક્યો.

“પણ શું ચાવડા?”

“એનાં પપ્પાના દેહાંત પછી એ ત્યાં આવ્યો જ નથી.દુકાનના માલિકને પૂછ્યું તો કહ્યું કે તેનાં દોસ્તના હાથે ઉધાર રકમ મોકલાવી હતી”ચાવડાએ નિસાસો નાખીને કહ્યું.

“મારો શક વધુ મજબૂત થતો જાય છે ચાવડા.તું એક કામ કર,આજે માત્ર દેવને જ ચોકીએ બોલાવજે.એકસાથે બધાને બોલાવીશું તો તેઓનું કામ પણ અટકશે અને બયાન ગોખીને આવ્યા હશે તો કોઈ જાણકારી પણ નહીં મળે”

“થોડીવારમાં જ તેને તમારી સામે હજાર કરું છું સાહેબ”ચાવડાએ કહ્યું.

અડધી કલાક પછી દેવ રાઠોડની સામે ઉભો હતો.રડવાને કારણે તેની આંખો સોજી ગઈ હતી,ચહેરો સાવ નીરસ જણાતો હતો.

“ચાવડા બે કપ ચા અને બે સિગરેટ મોકલાવ”દેવને બેસવાનો ઈશારો કરી રાઠોડે હુકમ કર્યો.

“રહેવા દો સાહેબ”સંકોચ સાથે દેવે કહ્યું અને રાઠોડની સામે ખુરશી પર બેઠો, “મેં સિગરેટ છોડી દીધી છે અને હું ચા નથી પીતો”

“ઓહ, એ તો સારી વાત કહેવાય”રાઠોડે ચા-સિગરેટ માટે ના પાડી કહ્યું.દેવે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.

“જો દેવ તારા મમ્મી-પપ્પાના અવસાનનું દુઃખ અમને પણ છે. છોકરાંઓના લગ્નની ઉંમરે આમ થોડાં દિવસોમાં માતા-પિતાનું અવસાન થાય તો હું સમજી શકું તારાં પર શું વિતતી હશે.પણ હવે તું ઘરનો મોટો સભ્ય છે.તારે હિંમતથી કામ લેવું પડશે અને તારાં મમ્મી પપ્પાના મ્રુત્યુનું કારણ શોધવામાં અમારી મદદ કરવી પડશે.”રાઠોડે શરૂઆતની ફોર્મલિટી કરતાં દેવને સાંત્વના આપી.દેવે કોઇ પ્રતિક્રિયા ન આપી.

“થોડાં દિવસથી તારાં ઘરનું વાતાવરણ કેવું હતું?,તને કોઈ એવું કારણ જણાય છે જેને કારણે તારાં મમ્મી-પપ્પાને સ્યુસાઈડનો વિચાર આવે”રાઠોડે પ્રાથમિક સવાલોથી શરૂઆત કરી.

“મને કંઈ ખબર નથી સાહેબ,હું ઘરે રહેતો જ નહિ.”દેવે એવી બેરુખીથી જવાબ આપ્યો જાણે તેને કોઈની પરવાહ જ ના હોય.દેવની વાત સાંભળી રાઠોડને આશ્ચર્ય થયું.

“ઘરે ના રહેતો મતલબ?,તું કોઈ હોસ્ટેલમાં રહે છે?”રાઠોડે પૂછ્યું.

“હું ઘરે જ રહું છું પણ ઘરમાં શું ચાલે છે એના વિશે મને કંઇ ખબર નથી હોતી અને મમ્મી-પપ્પાની હત્યા થઈ કે સ્યુસાઈડ કર્યું હતું એ વાત જાણવાની મને ઈચ્છા પણ નથી.તમે તમારી કાર્યવાહી કરો. બસ મને બક્ષી દો”દેવે ફરી એ જ ભાષામાં જવાબ આપ્યો.

“પણ તારી મદદ વિના એ શક્ય નથી”રાઠોડે કહ્યું.

“મને માફ કરો સાહેબ,ઘણાંબધાં આઘાત એક સાથે સહન કર્યા છે.હું હાલ જવાબ આપવાની હાલાતમાં નથી>”કહેતાં દેવ ખુરશી પરથી ઉભો થયો, “તમારી પૂછપરછ પુરી થઈ હોય તો હું જઈ શકું?”

“બેશક”રાઠોડે દરવાજા તરફ ઈશારો કર્યો. દેવ બહાર તરફ ચાલવા લાગ્યો.

“એક મિનિટ દેવ”રાઠોડ પણ ખુરશી પરથી ઉભો થયો.

“પંદર દિવસમાં બે વ્યક્તિઓનાં મ્રુત્યુ થયાં છે એટલે શંકાના દાયરામાં બધા છે અને પોલીસને કોઈની ઈચ્છાની નથી પડી હોતી એ તો પોતાની ફરજ બજાવે છે એટલું યાદ રાખજે”રાઠોડે કડક અવાજે કહ્યું.દેવ કોઈ પ્રતિક્રિયા આપ્યાં વિના બહાર નીકળી ગયો.

“શું લાગે છે સાહેબ,આ છોકરો ખૂન કરી શકે?”ચાવડાએ રાઠોડ પાસે જઈ પૂછ્યું.

“વાતો પરથી કશું ના કહી શકાય ચાવડા.છોકરો બતમીઝ લાગ્યો પણ આપણે સબુત વિના તેને કસૂરવાર ના ઠહેરાવી શકીએ”રાઠોડે કહ્યું.

એટલામાં પોસ્ટમોર્ટમનો રીપોર્ટ લેવા માટે ગયેલો કોન્સ્ટેબલ આવી પહોંચ્યો.તેની પાસેથી ફાઇલ લઈ રાઠોડ ટેબલ તરફ વળતો હતો ત્યાં જ ચાની લારીએ કામ કરતો અઢારેક વર્ષનો કાળુ ચા લઈ રાઠોડ પાસે જઈ ઉભો રહ્યો.

“સાહેબ ચા”તે છોકરાએ કહ્યું.

“પણ મેં ચા નથી મંગાવી કાળુ”રાઠોડ એ છોકરાને કાળુ કહીને બોલાવતો.જે હંમેશા ચા લઈને આવતો.

“તમારાં નામની ચિઠ્ઠી કોઈ લારીએ રાખી ગયું છે.મેં વિચાર્યું કામની હશે એટલે દેવા આવ્યો”ગજવામાંથી ચિઠ્ઠી રાઠોડ તરફ ધરી કાળુએ કહ્યું.

“એનો ચહેરો જોયો હતો તે?”ચિઠ્ઠી હાથમાં લેતાં રાઠોડે પૂછ્યું.

“કામમાં બધાના ચહેરા જોવા ક્યાં બેસવું સાહેબ,કપ લેતો હતો તો નીચે ચિઠ્ઠી પર તમારું નામ લખ્યું હતું”ભોળા કાળુએ નિર્દોષતાથી કહ્યું.

“ઠીક છે, હવે કોઈ એવો વ્યક્તિ આવે જેનાં પર તને શક જાય તો પહેલા મને જાણ કરજે” કાળુની પીઠ થબથબાવી રાઠોડે તેને રવાના કર્યો.રાઠોડે ખુરશી પર બેસી ચિઠ્ઠી ખોલી.

“તમારો શુભચિંતક સમજશો.તમે જે હત્યારાને શોધી રહ્યા છો તેની બાતમી મારી પાસે છે.જાણવાની ઈચ્છા હોય તો આજે રાત્રે સાડા દસ વાગ્યે માધવ મૉલની નીચે આવીને બે વાર મોબાઇલની ફ્લેશ ચાલુ-બંધ કરજો”

“શું લખ્યું છે સાહેબ?”ચાવડાએ આતુરતાથી પૂછ્યું.

રાઠોડે ચિઠ્ઠી વાળી પોકેટમાં રાખી અને કહ્યું, “શુભચિંતક હતું કોઇક.કાજલબેનની હત્યા થઇ છે એવું કહે છે અને હત્યારાની બાતમી મેળવવા માધવ મોલે બોલાવે છે.”

“ક્યારે જવું છે સાહેબ?”ચાવડાએ ઉત્સાહમાં આવી પૂછ્યું.ટ્રેનીંગ લીધા પછી ચાવડાનો આ પહેલો કેસ હતો એટલે એ જલ્દી આવેગમાં આવી જતો હતો.

રાઠોડે તેને જવાબ ના આપ્યો એટલે ચાવડા ભોંઠો પડીને નિચે નજર ઝુકાવી ઉભો રહ્યો.રાઠોડે ખુરશી પર બેસી પી.એમ.ના રિપોર્ટની ફાઇલ ખોલી.જેમ જેમ એ રિપોર્ટ વાંચતો ગયો તેમ તેમ તેની શંકાનું સમાધાન થતું ગયું.તેના ચહેરા પર સહેજ ગંભીરતા છવાઈ ગઈ.

“શું છે રિપોર્ટમાં સાહેબ?”ચાવડાએ ઉત્સુકતાં ભરી નજરે પૂછ્યું.

રાઠોડ ઉભો થયો.ચાવડાના ખભે હાથ રાખી બહાર તરફ ચાલતાં કહ્યું, “ચાવડા,આપણે અત્યાર સુધી દુવિધામાં હતાને કે આ સ્યુસાઈડનો કેસ છે કે મર્ડરનો.એનો જવાબ છે આ ફાઈલમાં”

“શું છે? મર્ડર કે સ્યુસાઈડ?”

“સ્યુસાઇડ”રાઠોડે શાંત સ્વરે કહ્યું.

“મેં તો તમને પહેલાં જ કહ્યું હતું,નાહકની આપણે બધા પર શંકા કરીએ છીએ”ઉતાવળિયા સ્વભાવને કારણે ચાવડાએ ગૌરવ ભર્યા અવાજમાં છાતી ફુલાવી.

“અરે ડફોળ પેલાં પુરી વાત તો સાંભળી લે,આ સ્યુસાઈડનો જ કેસ છે પણ લોકો માટે,અને ખાસ એનાં પરિવાર માટે”રાઠોડે મૂછમાં હસતાં હસતાં કહ્યું.

“મતલબ હું કંઈ સમજ્યો નહિ સાહેબ”ચાવડા માથું ખંજવાળવા લાગ્યો.

“મને એમ કહે કે જો તું સ્યુસાઈડ કરવાનું વિચારતો હોય તો તને એવો તો વિચાર નહિ આવેને કે પહેલાં નાહી લઉં પછી સ્યુસાઈડ કરીશ”

“ના જ આવેને સાહેબ,સ્યુસાઈડ કરવાનું પ્રેશર હોય તો પ્રેશર પણ ના આવે.નાહવાની વાત તો દૂર રહી”હળવું હસતાં ચાવડાએ કહ્યું.

“હું જ્યારે રૂમની તપાસ કરતો હતો ત્યારે મને બારીએ ભીંનો ટુવાલ મળ્યો,બાથરૂમનો ફર્શ ભીંનો હતો.મતલબ કાજલબેન હજી નાહીને બહાર આવ્યા હતા.કોઈએ પાછળથી તેનું ગળું દબાવીને મર્ડર કર્યું અને પછી પંખે લટકાવી દીધા.રિપોર્ટમાં પણ એ જ લખ્યું છે.ગળા પર દોરડાનાં બે નિશાન છે.”

“પણ એક વ્યક્તિ આમ કેમ કરી શકે?,એનાં માટે તો ઓછામાં ઓછા બે વ્યક્તિ તો જોઈએ જ અને ધોળા દિવસે બે વ્યક્તિ ઘરમાં પ્રવેશે તો કોઈની તો નજર તેનાં પર પડે જ ને”ચાવડાએ તર્ક કાઢ્યો.

“હોય શકે,અત્યારે તો બધું સંભવ લાગે છે. આગળ જતાં દુધનું દૂધ અને પાણીનું પાણી થશે”રાઠોડે કહ્યું, “હું અત્યારે પેટ્રોલીંગ પર જઉં છું તું બપોર પછી પેલી બે નાની છોકરીઓને બોલાવી લેજે.એ બંને ઘરે હતી એટલે કદાચ તેની પાસેથી કોઈ ક્લુ મળે”પોતાની કેપ વ્યવસ્થિત કરતાં રાઠોડે કહ્યું અને બે કોન્સ્ટેબલ સાથે ચોકીની બહાર નીકળી ગયો.

રાઠોડે તર્કના અધારે અને પી.એમ.ના રિપોર્ટ પરથી કાજલબેનની હત્યા થઇ છે એ શોધી લિધુ હતું પણ હત્યારાને શોધવામાં ક્યાં ક્યાં નેટવર્ક ફેલાવવું એનો પ્લાન તેનાં મગજમાં તૈયાર થવા લાગ્યો હતો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED