અંતિમ વળાંક - 10 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ વળાંક - 10

અંતિમ વળાંક

પ્રકરણ ૧૦

અખબારમાં મિતના અપહરણના સમાચાર વાંચીને આદિત્યભાઈ પર સગા સબંધીઓના ફોન આવવાના ચાલુ થઇ ગયા હતા. ઇશાન છેલ્લી દસ મિનિટથી સેલફોન પર મૌલિક સાથે વાત કરી રહ્યો હતો. “ના.. મૌલિક તારે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. કાંઇક સમાચાર મળશે એટલે તને તરત જાણ કરીશ”. સામે છેડેથી મૌલિક બોલી રહ્યો હતો “ઇશાન, મારે કાકા સાથે હમણા જ વાત થઇ છે. અમદાવાદની બોર્ડરના તમામ રસ્તાઓ પર ગઈકાલે સાંજથી પોલીસનું સધન ચેકિંગ ચાલુ થઇ ગયું છે. નવાઈ લાગે તેવી વાત તો એ છે કે આપણા મિતને કિડનેપ કરવાનું તે લોકોનું પ્રયોજન સમજાતું નથી”. “હા યાર, મારે તો અહીં કોઈની સાથે તસુભાર પણ દુશ્મનાવટ જેવું નથી. વળી જો પૈસા માટે મિતને કિડનેપ કર્યો હોય તો આટલા સમયમાં તો ઉઘરાણી માટે ફોન કે યેન કેન પ્રકારેણ એકાદ મેસેજ તો આવી જ ગયો હોય”.

ત્યાં જ ડોરબેલ રણકી. સોહમે દરવાજો ખોલ્યો. ઘરમાં આવેલા પોલીસના સ્ટાફ ને જોઇને ઈશાને ફોનમાં મૌલિક સાથે વાત ટૂંકાવીને ફોન કટ કર્યો. પોલીસના માણસો ખાસ તો સોહમનું નિવેદન લેવા માટે જ આવ્યા હતા. સોહમે બનાવનું આબેહૂબ વર્ણન કર્યું. પોલીસના માણસો નિવેદન લઈને પોલીસ સ્ટેશને રાઠોડ સાહેબ પાસે પહોંચ્યા ત્યારે જોગાનુજોગ રાઠોડ સાહેબ વસ્ત્રાપુર ગાર્ડન પાસેના સી. સી. ટીવી કેમેરાનું હમણાં જ આવી પહોંચેલું કવરેજ ચેક કરી રહ્યા હતા. તેમણે તરત સોહમના નિવેદન પર નજર નાખી. બનાવની વિગત બરોબર ટેલી થતી હતી. સોહમે કરેલું વર્ણન પરફેક્ટ હતું. ફૂટેજમાં બંને અપરાધીઓએ હેલ્મેટ પહેરી હોવાથી તેમના ચહેરા દેખાતા નહોતા. પોલીસ કમિશ્નર દવે સાહેબની સૂચના મુજબ બનાવના સ્થળ પાસેના લારી ગલ્લા વાળાના નિવેદન પણ લેવાઈ ગયા હતા. મિતના અપહરણના સમાચાર લગભગ દરેક ટીવી ચેનલ પર પ્રસારિત થઇ રહ્યા હતા. નિર્દોષ મિતના અપહરણનો કેસ ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો હતો.

Ooooooooo

મારુતિવાનમાં બે હેલ્મેટધારી યુવાનોએ નાનકડા મિતને ખેંચીને જેવો બેસાડયો કે તરત મિતે ભેંકડો તાણ્યો હતો. બીજા યુવાને મિતને જોરદાર થપ્પડ લગાવી દીધી હતી. ડ્રાયવરે મારુતિ વાન પુર ઝડપે એસ. જી. હાઈ વે તરફ ભગાવી હતી. મિત ગભરાટનો માર્યો ચૂપ થઇ ગયો હતો પણ તેના ડૂસકાં બંધ થવાનું નામ લેતા નહોતા. થોડી વાર બાદ મિતની આંખે સફેદ પાટો બાંધી દેવામાં આવ્યો હતો. એકાદ કલાક બાદ અડાલજની પાછળના ભાગમાં એક કાચા રસ્તે થઇને વાન એક અવાવરુ મકાન પાસે ઉભી રહી હતી. ડ્રાયવર અને પાછળ બેઠેલા બને હેલ્મેટધારી યુવાનો આંખે પાટો બાંધેલ મિતને લઈને બહાર આવ્યા હતા. અવાવરૂ મકાનમાંથી પઠાણી શૂટ પહેરેલો એક પડછંદ માણસ બહાર આવ્યો હતો. છ ફૂટ હાઈટ અને પહેલવાન જેવું શરીર તથા હાથમાં સિગારેટ સાથે જાણે કે એ ક્યારનો આ લોકો ની રાહ જ જોઈ રહ્યો હતો. ”સલીમ,ફિરોઝ... સાલ્લો તુમ લોગોને તો બહોત દેર કર દી”. “સરદાર, પુરા દેઢ ઘંટા વહાં વેઇટ કિયા તબ યે લડકા બગીચેમેં સે બહાર આયા.. યે તો અચ્છા હુઆ કી ઇસ કે સાથ જો બડા લડકા થા વોહ ઉસકો અકેલા છોડ કે સામને કી દુકાન મેં આઈસ્ક્રીમ લેને ગયા ઔર મૌકા દેખ કે હમને યે લાલ ટીશર્ટ વાલે શિકાર કો હડપ લિયા”.

સલીમની વાત સાંભળીને સરદાર ચમક્યો. જે છીકરાને કિડનેપ કરવાનો પ્લાન હતો તેની સાથે તો કોઈ બાઈ રોજ બગીચામાં આવે છે તેવી માહિતી હતી. “બચ્ચે કી આંખ પર સે પટ્ટી નિકાલો” સરદારે આદેશ કર્યો. ફિરોઝે મિતની આંખો પર બાંધેલો સફેદ મોટો રૂમાલ ખોલીને સરદારનાં હુકમનું તરત પાલન કર્યું. મિત આંખો ખોલીને તદ્દન અજાણી જગ્યાને જોવા લાગ્યો. મિતનો ચહેરો જોઇને સરદાર ભડક્યો. ”કમીનો યે વોહ લડકા નહી હૈ... યે કોઈ દુસરા લડકા ઉઠાકે લે આયે હો. મૈને ચિરાગ કો ઉઠાને કા બોલા થા વોહ સોની કા લડકા જિસકી સી જી રોડ પે જ્વેલરી કી દુકાન હૈ. ”

“સરદાર, જૈસા આપને બતાયા થા વૈસે હી ઉસને લાલ ટી શર્ટ પહના હૈ.. ગોરા ગોરા હૈ.. લંબે બાલ ભી હૈ.. દિખને મેં ભી છે સાત સાલ કા હી દિખતા હૈ”

“અબે કમીને,તેરે મોબાઈલમેં ફોટુ તો ભેજા થા”. સરદારે ત્રાડ પાડી.

સલીમે શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફોટો ઝૂમ કરીને ધ્યાનપૂર્વક જોયો. જોગાનુજોગ ફોટો પણ બિલકુલ મિતને જ મળતો આવતો હતો. ફોટામાં છોકરાના હોઠ નીચે તલનું નિશાન દેખાયું. સલીમે નીચે નમીને મિતની હડપચી પકડી. મિત રડવા લાગ્યો. સલીમને મીતના હોઠ નીચે તલનું નિશાન ન દેખાયું. સલીમ સમજી ગયો કે ગંભીર ભૂલ થઇ ગઈ છે. તેણે ગભરાયેલા ચહેરે સરદાર સામે જોયું. “માલિક બહોત બડી ગલતી હો ગઈ હમસે.. અબ ઇસકો છોડ આયે ક્યા?”.

“અબે ગધ્ધે, ઇસ કો છોડ દેંગે તો હમ પકડે નહિ જાયેંગે?” સરદાર તાડૂક્યો.

શિયાળો હોવાથી સુર્યાસ્ત વહેલો થઇ ગયો હતો. મિત ભયનો માર્યો ધ્રુજતો હતો. ”ફિલહાલ તો બચ્ચે કો અંદર બાંધ દો”. સરદારે થોડી વાર વિચાર્યા બાદ હુકમ કર્યો.

સલીમ અને ફિરોઝ મકાનની અંદર મિતને ખેંચીને લઇ ગયા અને એક થાંભલા સાથે દોરડા વડે બાંધી દીધો. ડર ના માર્યા મિતને તાવ ચડી ગયો હતો. તેનું શરીર તપતું હતું.

Ooooooo

રાતના અગિયાર વાગ્યા હતા. ઇન્સ્પેકટર રાઠોડ હજૂ પોલીસ સ્ટેશનમાં જ બેઠા હતા. અચાનક બુરખો પહેરેલી એક સ્ત્રી આવી પહોંચી. સાવ એકલી સ્ત્રીને જોઇને ઇન્સ્પેકટર રાઠોડને નવાઈ લાગી. “ઇન્સ્પેકટર સાહેબ, મારે કાંઇક કહેવું છે”. આવનાર સ્ત્રીએ આજુ બાજુમાં જોઇને ધીમેથી કહ્યું. “ફરિયાદ લખવાવાની છે ? તો બાજુની કેબીનમાં ચૌહાણ પાસે પહોંચી જાવ ”ઇન્સ્પેકટર રાઠોડ ના ચહેરા પર સખત થાક વર્તાતો હતો.

“સાહેબ, બાતમી આપવાની છે”.

“બોલો” ઈન્સ્પેકટરે સામે રાખેલી ખુરશી તરફ આંખથી જ ઈશારો કરીને બેસવાનું કહ્યું.

પેલી સ્ત્રી શરૂઆત ક્યાંથી કરવી તે બાબતે અવઢવમાં હોવાથી મનમાં ને મનમાં શબ્દો ગોઠવવા લાગી. ઈન્સ્પેકટરે ટેબલ પર પડેલી પાણીની બોટલ અને ગ્લાસ આગળ ધર્યા.

ઇન્સ્પેકટર સાહેબ, મેરા નામ શકીલા હૈ. આજ હમારે ઈલાકેમે કિસી બચ્ચા ગુમ હુઆ હૈ? ઇન્સ્પેકટર રાઠોડ ચમક્યા. “તુમ્હે કૈસે પતા લગા?” થોડીવાર સુધી આવનાર સ્ત્રી બોલતી ગઈ અને ઇન્સ્પેકટર રાઠોડ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા.

Oooooo

મોડી રાત્રે હાઈ વે પર ના ધાબા પર જમીને સરદારની સાથે સલીમ અને ફિરોઝ પરત આવ્યા. સલીમ ચોર પગલે ચાલીને લાકડાનું તૂટેલું બારણું ખસેડીને અવાવરું મકાનની અંદર પેઠો. સોહમણો મિત બંધાયેલી હાલતમાં જ ઊંઘી ગયો હતો. બારીમાંથી ચાંદનીનો સીધો પ્રકાશ મિતના ચહેરા પર જ પડતો હતો. સલીમને મોબાઈલની બેટરીનો ઉપયોગ પણ ન કરવો પડયો. વિખરાયેલા લાંબા સોનેરી વાળ વાળો મિતનો નિર્દોષ ચહેરો જોઇને સલીમને દયા આવી ગઈ. બહાર રાખેલા સિંદરી વાળા ખાટલામાં સરદાર બેઠો હતો. બાજુના ઓટલા પર બેઠો બેઠો ફિરોઝ બંને હાથ વડે તમાકુ મસળી રહ્યો હતો.

”સરદાર વૈસે દેખા જાયે તો યે લડકે કા કોઈ કસૂર નહિ હૈ ઇસકે મા બાપ કો હમ જાનતે તક નહિ”.

“તુમ કહેના ક્યા ચાહતે હો ?સાફ સાફ બોલો” સરદાર ચિલ્લાયો.

“હમ ઇસકો યહી જ છોડ કર એક દો તીન હો જાવે તો ?” સલીમે હતી તેટલી હિમ્મત ભેગી કરી ને કહ્યું.

“અબે સુવ્વર કી ઔલાદ મૈને પહેલે હી જ બતાયા ના કી ઇસકો ઝીંદા છોડ દેંગે તો પુલીસ હમ તક આસાનીસે પહોંચ જાયેગી.

“સલીમ, સરદાર કી બાત સહી હૈ” ફિરોઝે સરદારની વાતમાં સૂર પુરાવ્યો. બોલતી વખતે ફિરોઝના તમાકુવાળા પીળા દાંત અંધારામાં પણ ચમકી રહ્યા હતા.

અચાનક સરદારે ક્રૂર હાસ્ય કર્યું. પગના મોજામાંથી તેણે લાંબી પટ્ટી જેવું કાંઇક કાઢયું . લેધર ની પટ્ટીમાંથી ધીમે ધીમે લાંબો છરો કાઢયો. સરદારના હાથમાં રહેલો છરો અને તેની ધાર ચમકી રહી હતી. સરદાર હાથમાં છરા સાથે તૂટેલું બારણું ખસેડીને મકાનમાં પ્રવેશ્યો જ્યાં મિતને બાંધીને રાખવામાં આવ્યો હતો. મિતને અને મોતને હવે એકાદ વ્હેંત જેટલું જ છેટું હતું.

ક્રમશઃ