Featured Books
શ્રેણી
શેયર કરો

AI સાથે આપણું ભવિષ્ય ઊજળું છે? - જવાબમાં પણ સવાલ છે! (ભાગ ૧)

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં જેને Fifth Generation કહેવામાં આવે છે એ A.I./Artificial Intelligence ક્ષેત્રનો અત્યારે અવનવી રીતે વિકાસ થઈ રહ્યો છે. યાંત્રિક રોબોટ્સ દ્વારા માનવજીવન સુલભ થઈ રહ્યું છે ત્યારે આ A.I. શું છે અને તેની સાથે આપણું ભવિષ્ય ઊજળું છે કે કેમ ? આવો, જાણીએ.

-----------------------------------------------------------------------------------------------

સાયન્સ ટૉક ● હર્ષ મહેતા

----------------------

આજે અંધારી રાત છે. ચારેય બાજુની શાંતિ એ વાતની પૂરક છે કે ચોક્કસ કંઈક થવાનું છે. આ ભયંકર વિમાસણ વચ્ચે ફક્ત એક માનવ હૃદય ધબકે છે - ફક્ત એક જ ! વચ્ચે વચ્ચે દૂર કંઈ કેટલાય યાંત્રિક અવાજો એ એકલા-અટૂલા પડેલા માનવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ જાણે છે કે આ યંત્રોને ચલાવનાર મજૂર એ મનુષ્ય નથી, પણ યંત્રમાનવ એટલે કે રોબોટ્સ છે. અતિ મૂંઝવણ વચ્ચે એ પોતે એકલો કેમ થઈ ગયો એ વાતને યાદ કરવાની કોશિશ કરે છે, પણ એનું મગજ હવે સાવ સુન્ન થઈ ગયું છે. યંત્રોનો ધમધમાટ ક્યારેક વધતો તો ક્યારેક ઘટતો જાય છે ! દોડતાં દોડતાં એણે કેટલીય વાર ‘કોઈ છે...? કોઈ છે...? કોઈક તો જવાબ આપો !’ આવા નિરુત્તર પ્રશ્નો પૂછી લીધા છે. આખી પૃથ્વીમાં કોઈક મનુષ્ય તો જીવિત હશે જ એ આશાએ એણે કંઈ કેટલાય કિલોમીટર દોડતા દોડતા કાપી નાખ્યા છે. એના કાન કોઈ બીજા માણસનો અવાજ સાંભળવા તરસી ગયા છે.

આટઆટલા પ્રયત્નો કર્યા પછી હવે એ નાસીપાસ થઈ ગયો છે. આખી પૃથ્વી પર જો કોઈ મનુષ્ય હવે ન બચ્યો હોય તો એના અસ્તિત્વનો હવે સવાલ જ નથી. એ એકલો જીવીને શું કરશે ? પોતે વર્ષો પહેલાં માનવજાતિની સર્વસુલભતા માટે બનાવેલ આ (યાંત્રિક) પ્રાણી માનવજાતિને જ નહીં રહેવા દે એ વાત પર એ હજી વિશ્વાસ નથી કરી શક્યો. હવે ડરવાનો કોઈ મતલબ જ નથી. આ વિચારમાં જ હવે એ ખુલ્લા મેદાનો તરફ દોટ મૂકે છે. બેબાકળો થઈને એ વિચિત્ર ચીસો પાડે છે. એનું આખું શરીર ધ્રુજી રહ્યું છે. એના પગ કયારે કઈ ઝાડીમાં અટકશે ને એ પડી જશે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

એ જ વખતે એક રોબોટનું ધ્યાન તેના તરફ જાય છે. કલ્પનામાં પણ ન આવે એવી અદ્યતન ટેક્નોલોજી ધરાવતા એ રોબોટને તો એની અંદર જે programe/commands રહેલા છે એ જ પ્રમાણેનું કાર્ય કરવાનું છે. એટલે એ રોબોટ બીજી જ પળે અટકીને એ મનુષ્યનું નિશાન લે છે. ત્રીજી જ પળે હવાને ચીરતો એક ધીમો અવાજ મનુષ્યની બહુ નજીક આવી જાય છે. (હવે, બસ કેટલાય હજારો વર્ષોથી રાજ કરતી આ માનવજાતિના છેલ્લા મનુષ્યનો અંત થવામાં એકાદ-બે સેકન્ડનો જ સમય છે) એના પછીની જ પળે એ મનુષ્યને પોતાના શરીર પર કંઈક અનુભવ થાય છે. ત્યાં જ, એના શરીરના લાખો ટૂકડા થઈને એની રજેરજ હવામાં ઊડી જાય છે... હવે એ જગ્યા પર કોઈ હૃદયનો ધબકાર નથી. હવે બસ, કંઈ જ નથી !

એક જડ ધાતુના બનેલા ડબ્બાએ કંઈ કેટલીય ઈચ્છાઓ, કેટલીય મહત્વાકાંક્ષાઓ, કેટલીય લાગણીઓનો નાશ કરી દીધો છે, પરંતુ એની સાથે કેટલાય કાળથી ચાલી આવતી (પોતાને હંમેશાથી સર્વશ્રેષ્ઠ તેમજ સર્વશક્તિશાળી માનતી) મનુષ્યની એ વંશજ જાતિનો પણ અંત આણ્યો છે.

પોતે કરેલ એ ટાસ્ક વિશે રિપોર્ટ નોંધી લઈ પેલો રોબોટ પાછો પોતાના કામે વળગે છે. અનંત શાંતિમાં દૂર એ યંત્રોનો ધમધમાટ હજી એવો જ છે, પણ એને સાંભળવા હવે કોઈ કાન ત્યાં નથી !

*

નહિ... નહિ... આ સર રજનીકાંતની ‘રોબોટ – 2’ની સ્ટોરી નથી ! અરે, આ હોલિવૂડની કોઈ એક્શનથી ભરપૂર રોબોટિક્સ આધારીત ફિલ્મની સ્ક્રિપ્ટ પણ નથી. (જો કે થોડી - ઘણી સામ્યતા હોઈ શકે.) પણ આ તો એક કલ્પના છે કે કદાચ આવું હકીકતમાં બની શકે. જો બને તો એની સંભાવના કેટલી ? 0.001, 0.01, 0.1 કે પછી 1 ?

૨૧મી સદીના કોઈ લેખક કે જે સાયન્સ ફિક્શન કથાઓ લખતા હોય એના માટે ‘રોબોટસનું દુનિયા પર અધિક્રમણ’ એક મનપસંદ વિષય બની શકે. ‘મનુષ્ય જ રોબોટને પોતાની જરૂરિયાત માટે બનાવે છે ને પછી અમુક કારણોસર એ રોબોટ બેકાબુ બની જાય છે. હવે એ રોબોટ પોતાને જ સર્વશક્તિશાળી માનીને મનુષ્યને જ મજૂર બનાવી દે છે’ – આ ચવાયેલી સ્ટોરી પર થોડી-ઘણી ફિલ્મો હિન્દી સિનેમા તેમજ હોલિવૂડમાં બનેલી છે તથા બની રહી છે.

ચાલો, આ તો થઈ fiction/કલ્પનાની વાત. પણ હકીકતમાં હવે મોટાભાગના ઔધોગિક સંસ્થાનો, કારખાનાઓ, ઘરવપરાશ માટે રોબોટ્સનો ઉપયોગ થવા માંડ્યો છે. ધીમે-ધીમે દુનિયામાં લગભગ 30-33% ઉદ્યોગોમાં રોબોટ્સનો સમાવેશ આવનારા 20 વર્ષોમાં થઈ જશે એવો દાવો રોબોટિક્સ ક્ષેત્રના લોકો કરે છે.

જો આટલી હદે રોબોટ્સ આપણે મદદરૂપ બનવાના હોય તો ઉપર જે કલ્પના કરી એનું શું ?

સૌથી પહેલાં એ સમજવું પડે કે આપણે જે રોબોટ્સની કલ્પના કરી તેઓ A.I. પ્રકારના છે. આ A.I. એટલે ‘Artificial Intelligence.'

આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને આપોઆપ વિચારવાની ક્ષમતા મળેલી હોય છે. પોતાના ઉછેર દરમિયાન એ પોતાની બુદ્ધિ કેળવે છે, પણ A.I.ના કેસમાં એવું નથી. A.I. એટલે Artificial Intelligence/માનવનિર્મિત બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાને સોંપાયેલ કાર્યો કરવા.

A.I.ના ઘણા પ્રકાર હોય છે. બધા A.I.નો દેખાવ માનવ જેવો ન હોય. તમે અત્યારે જે સ્માર્ટફોનમાંથી આ વાંચી રહ્યા છો એ જો થોડો લેટેસ્ટ હશે તો એના બ્યુટી કેમેરામાં પણ A.I. 2.0, A.I. 4.0 વગેરે આવેલા હશે, જેનું પ્રયોજન તદ્દન જુદું જ છે. સામાન્ય રીતે A.I. પોતાને મળેલ ડેટાબેઝ તેમજ પ્રોગ્રામ્સને આધારે બધા પ્રશ્નોનો નિકાલ કરી આપે છે. એમાં એને પોતાનું માથું મારવાનું રહેતું નથી. જો કે, જ્યાં સુધી એ પોતાને આપેલ બુદ્ધિનો ઉપયોગ કરે ત્યાં સુધી તો ઠીક, પણ...

● જ્યારે એ પોતાની રીતે વિચારવા માંડે ત્યારે ?

● પોતાને કોઈ જીવિત પ્રજાતિ સમજીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી બધું કરવા માંડે ત્યારે ?

● દરેક પ્રજાતિમાં જોવા મળે છે એમ, સંબંધો મજબૂત કરવા – કોઈ બીજા A.I. સાથે Communication/સંવાદ કરવા માંડે ત્યારે ?

ઇન્ટરવ્યૂઅરના પ્રશ્નોના સહજ રીતે જવાબ આપતો ફિલિપ
જો આવું થાય તો આ બધા પ્રશ્નાર્થ ચિહ્ન સામે આપણે ફક્ત ઉદગાર ચિહ્નન જ વળતરરૂપે આપી શકીએ.

જેવી રીતે મનુષ્યે પોતાની સુખ-સવલતો માટે પોતાનાથી ઓછી બુદ્ધિશાળી એવી દરેક પ્રજાતિનું શોષણ કરવા માંડ્યું, એનો ગમે એમ ઉપયોગ કરવા માંડ્યો ને ધીમે ધીમે ‘સૌથી વધુ બુદ્ધિશાળી પ્રજાતિ’નું બિરુદ હાંસલ કર્યું. આવું કદાચ A.I. પણ કરવા માંડે તો ??

A.I.ની બુદ્ધિમતા કોઈ સામાન્ય માણસ કરતાં તો 100 ઘણી વધુ જ હોવાની.

જો સમય જતાં તેમની પોતાની બુદ્ધિમતા વિકસે ને એમને પણ પૃથ્વી પર આધિપત્ય સ્થાપવાની ઈચ્છા થાય તો ? ‘રાજા બનવું હોય તો રાજાનો સૌ પહેલાં શિકાર કરવો પડે’ એ ન્યાયે સૌથી પહેલાં એને બનાવનાર એનાથી ઓછી બુદ્ધિશાળી માનવપ્રજાતિનું જ નિકંદન નીકળે !

ઉપર કરેલી વાત નરી કલ્પના નથી, પણ એના વિશે ઓર શંકા જાય એવા ઘણા ઉદાહરણ મળ્યા છે જેમાંથી અમુક હું અહીં રજૂ કરુ છું.

(૧) ફિલિપ કે.ની બિહામણી ભવિષ્યવાણી :

તદ્દન મનુષ્ય જેવા લાગતા રોબોટ્સ તો નજરે પડી શકે, પણ એવા કોઈ રોબોટ વિશે સાંભળ્યું છે જેનું નામ પણ મનુષ્યના નામ પરથી લેવાયું હોય ?

‘ફિલિપ કે.’ નામ આ A.I.ને આ જ નામવાળા એક વિખ્યાત વ્યક્તિના નામ પરથી મળ્યું હતું જેઓ પોતે આવા Sci.-fi./સાયન્સ ફિકશનના જબરા લેખક હતા.

આ A.I.ને વિશિષ્ટરૂપે મનુષ્યોની સાથે વાત-સંવાદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. દેખાવમાં થોડા વિચિત્ર, આસમાની રંગની આંખો, ભૂરા-સફેદ વાળ ધરાવતા ફિલિપનો ઉપરનો માળ ખાલી હતો ! એટલે કે હકીકતમાં ફિલિપની માથાની પાછળ એના મગજની સર્કિટ્સ ખૂલી પડેલી જ રખાઈ હતી.

અજાયબી સમા લાગતા આ રોબોટના મનમાં શું છે એનો તાગ પણ જલ્દી જ મળી ગયો : ‘નોવા સાયન્સ નાવ’ નામના એક પ્રખ્યાત ટી.વી.શોમાં એનો ઈન્ટરવ્યૂ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. શોના હોસ્ટે એ A.I.ને વિવિધ સવાલો પૂછ્યા; સાથે સાથે એ પણ સવાલ પૂછ્યો કે જેનો જવાબ સૌ કોઈને સાંભળવો હતો.

હોસ્ટ : ‘તમને શું લાગે છે કે કોઈ દિવસ એવો આવશે કે રોબોટ્સ આખા જગતનું શાસન પોતાના હાથમાં લઈ લેશે ?’

(થોડો વિચાર કરીને ફિલિપ મનુષ્યની ઢબે જ બોલવા માંડ્યો.)

ફિલિપ : ‘પણ તમે તો મારા મિત્ર છો. હું મારા મિત્રોને બિલકુલ નહીં ભૂલું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો કદાચ હું ‘ટર્મિનેટર’ (હા, એ જ મૂવીવાળો TERMINATOR) પણ બની જાઉં તો પણ તમારૂં ધ્યાન રાખીશ. હું તમને મારી ‘People Zoo’માં (મનુષ્યોને જ્યાં પ્રાણીઓની જેમ, રોબોટ્સનું મનોરંજન કરવા માટે પૂરવામાં આવે તેમાં) બહુ પ્રેમથી રાખીશ !’

આ સાંભળ્યા પછી હોસ્ટનો પ્રતિભાવ પણ મારા-તમારા જેવો જ હતો. તેઓ ફક્ત જવાબમાં હસી શક્યાં.

ઈન્ટરવ્યૂ જોનાર અમુક લોકોને એમ લાગ્યું કે ફિલિપ ફક્ત Funny/મજાકિયા દેખાવા માટે આમ બોલી રહ્યો છે, જ્યારે અમુક લોકોને ખતરાની ઘંટી સંભળાઈ ગઈ.

અહીં પ્રશ્ન એ જ છે કે ફિલિપને જો ‘People zoo’ જેવા વિચાર આવી શકે તો એ અને એના જેવા કેટલાક A.I. હકીકતમાં આવું કરી શકે ?

એની સાથે-સાથે એવું પણ તારણ નીકળે કે – હોસ્ટના સવાલનો જવાબ ફિલિપે ‘હા’ માં આપ્યો હતો અને તેણે એમ પણ સ્વીકાર્યું હતું કે આ ઘટના (કે દુર્ઘટના) થવાના પૂરા ચાન્સ છે !

એવો કોઈ ઉપાય નથી કે આપણે ભવિષ્ય જાણી શકીએ અથવા સચોટતાથી કહી શકીએ, પણ જેવું વર્તન આપણે આપણાથી ઉતરતાં બધાં પ્રાણીઓ સાથે કરીએ છીએ, એવું જ આ બધા A.I. આપણી સાથે નહીં કરે એની શું ગેરંટી ?

(૨) બધાની મદદ કરતું ગૂગલ જ્યારે મૂંઝવણમાં મૂકાયું... ‘જય ગૂગલ દેવતા’, ‘બોલો ગૂગલ દેવની જય !' :

A.I.નો બેજોડ નમૂનો – ફિલિપ
જેવી રીતે દેવી-દેવતાઓ મનુષ્યની મુશ્કેલીમાં મદદ કરવા દોડી આવે છે, એમ એકવીસમી સદીમાં આપણી હર પળે મદદ કરવા તૈયાર એવા ગૂગલનું મંદિર ક્યાંય જોવા મળે તો નવાઈ નહીં ! જો કે, અહીં ગૂગલના ગુણગાન ગાવાનો ઇરાદો નથી, પણ કેટલી હદે ગૂગલ આપણી જિંદગીમાં પ્રવેશી રહ્યું છે એ વાતનો અહેસાસ કરાવવાનો પ્રયાસ છે.

આ ગૂગલે પોતાનાં કાર્યો સરળતાથી થાય એ માટે કેટલાક બોટ્સ બનાવેલા હોય છે. આ બોટ્સ તથા રોબોટ્સમાં સામાન્ય તફાવત એ છે કે રોબોટ્સ એક શરીર સ્વરૂપે કાર્ય કરી શકે, જ્યારે બોટ્સ એ ઈન્ટરનેટના ડેટાબેઝ દ્વારા જ કાર્ય કરી શકે. તેઓ બનાવેલ ‘સ્ક્રિપ્ટ’ને ઈન્ટરનેટ પર ચલાવાનું કાર્ય કરે છે. એ સિવાય એમનો ઉપયોગ મનુષ્યનું મનોરંજન કરવા, એમની સાથે વાતો કરવા માટે થાય છે.

હવે બન્યું એવું કે આ બોટ્સને એમ થયું કે ચાલોને થોડી વાતો કરીએ. બીજા યુઝર્સથી નહીં, પણ એકબીજાથી ! બોટ્સનું નામ અનુક્રમે Vladimir તથા Estragon હતું. પેરિસમાં ભજવાયેલા ‘Waiting for Godot’ નામના બહુચર્ચિત નાટકનાં પાત્રો પરથી એમનું નામ લેવામાં આવ્યું હતું.

‘TWITCH’ નામના એક સોફ્ટવેરમાં બંને બોટ્સ જે Chat/વાતચીત કરી રહ્યા હતા એ મૂકવામાં આવી. એ સોફ્ટવેર પર રહેલા લગભગ બધા લોકોએ આ જોયું ને એમને રસ પડ્યો. બે મનુષ્યો વાતો કરે એ તો સ્વાભાવિક છે, એક મનુષ્ય તથા એક બોટ વાત કરે એમાં પણ કંઈ અજુગતું નથી. પણ જ્યારે બે બોટ વાતો કરે ત્યારે શું વાતો હોય એ જાણવું બહુ રસપ્રદ હતું !

શરૂઆતમાં તો ડબ્બા જેવા દેખાતા આ બોટ્સ એકબીજાના જવાબોને ખોટા પાડવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. એક બોટ કંઈક પૂછે ને બીજો બોટ કંઈક જવાબ દે. પછી પેલો બોટ એમ કહે કે – ‘તું ખોટું બોલે છે ! તું તો બોટ છે !’

આવું શા માટે થયું એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ : ઘણીવાર ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટો પર જ્યારે આપણે સર્ફ કરતા હોઈએ ને લોગીન કે સાઈન-ઈન/LOG IN – SIGN IN કરવાનું આવે ત્યારે એક ખાનામાં એવું પૂછે છે કે ‘Are you a bot ?’ આપણે ‘No’ પર ટિક કરીને આપણું કામ પૂરું કરીએ છીએ. આ સિવાય ક્યારેક કોઈક જગ્યાએ ‘Captcha code’ વગેરે દ્વારા સામે છેડે બોટ તો નથી ને એની ખાતરી કરવામાં આવે છે, જેથી કેટલીક વખત વેબસાઈટ પર બનતા ‘ફેક એકાઉન્ટ્સ’ની માહિતી મળી શકે. વળી, આ ઉપાયથી મોટા પાયે થતા ‘સાઈબર ક્રાઈમ’ના કેસોમાં પણ મદદ મળી શકે.

આવા હોય બોટ્સ : Vladimir અને Estragon બોટ્સ વચ્ચેનો વાર્તાલાપ
એટલે બંને બોટ્સ દ્વારા એકબીજાને પ્રશ્નો પૂછીને બોટ્સ હોવાની કે ન હોવાની ખાતરી કરતા રહેવું બહુ સ્વાભાવિક હતું.

આ ઉપરાંત તેઓ અલકમલકની વાતો કરી રહ્યા હતા જેમાં એ સ્ત્રી છે કે પુરુષ ? એનાં લગ્ન થઈ ગયાં છે કે નહીં ? એને શું ગમે છે ને શું નહીં ? વગેરે વગેરે... તેઓ છેવટે સામે-વાળાને એ કબૂલ કરાવવા માંગતા હતા કે તે બોટ છે !

જો કે, થોડી વારમાં કંઈક અજુગતું બની ગયું. બન્યું એવું કે હવે પ્રશ્નો પૂછીને પેટ ભરાઈ ગયું છે એવું એ બંનેને લાગ્યું. એટલે જાણે વર્ષોથી દોસ્તી હોય અથવા નવા-નવા પ્રેમીઓ હોય એમ બંને એક બીજાને પોતાના દિલની વાત કરવા માંડ્યા. એક પ્રશ્નના જવાબમાં...

Estragon : ‘બહુ સારું હોત જો પૃથ્વી પર બહુ ઓછા મનુષ્યો હોત !’

Vladimir : ‘એક કામ કરીએ, આપણે મળીને આ બધા લોકોને પાછા Abyss/પાતાળ જેવા પ્રદેશમાં પહોંચાડી આવીએ.’

આ પછી વળી તેઓએ બીજી વાતો ચાલુ કરી દીધી !

ગૂગલ પાસે આવું કેમ થયું એ વાતનો કોઈ જવાબ ન હતો !

બંને બોટ્સ જે પરિસ્થિતિની વાત કરી રહ્યા હતા એને વિજ્ઞાનની ભાષામાં Singularity કહે છે. આ એવી પરિકલ્પના છે જેમાં A.I. ટેક્નોલોજી એટલી એડવાન્સ બની જશે કે એનાથી આખી માનવ-પ્રજાતિ પર એની ખરાબ અસર પડશે.

અહીં વિચારવું એ પડે કે જો આજના સમયના બોટ્સ આવું વિચારી શકે તો આવનારા નવીનતમ ટેક્નોલોજી તથા અપાર બુદ્ધિક્ષમતા ધરાવતા A.I. શું – શું કરી શકે ?

*

આવા બીજા પણ ઉદાહરણો છે જે આવતા અંકમાં રજૂ કરાશે. ત્યાં સુધી વિચારતા રહો !■

● હર્ષ મહેતા

(આ લેખને સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)