krishna ane krishnamayi krishnao books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ અને કૃષ્ણમયી કૃષ્ણાઓ

શ્રી કૃષ્ણ અને કૃષ્ણમયી કૃષ્ણાઓ

‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિભવતિ ભારત | અભ્યુત્થાન ધર્મસ્ય તદાડત્માનં સુજામ્હયમ ||’

(જયારે જયારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાએ અવતાર ધારણ કરું છું.)

દ્વાપર યુગમાં પૃથ્વી પર માનવીરૂપી રાક્ષસોનો ત્રાસ વધ્યો હતો. પૃથ્વી દુઃખી થઈને ભગવાન વિષ્ણુ પાસે ગઈ અને પોતાને બચાવવા કહ્યું. તે સમયે ભગવાન વિષ્ણુ એ કહ્યું, “હું પૃથ્વી પર જન્મ લઈને દુષ્ટોનું સર્વનાશ કરીશ.’ એ વચન પાળવા એ જ યુગમાં અધર્મનો નાશ કરવા ઉગ્રસેનના નાના ભાઈ દેવાકની પુત્રી દેવકી તથા યાદવકુળના વાસુદેવના આઠમા પુત્ર રૂપે મથુરાના કારાવાસમાં શ્રી કૃષ્ણ શ્રાવણ માસની વદ આઠમે રોહિણી નક્ષત્રમાં મધ્ય રાત્રીએ અવતર્યા. (મનુષ્યનો જન્મ થાય પણ ભગવાનનું અવતરણ થાય.)

શ્રી કૃષ્ણને એક યુગ પુરુષ રૂપે જોઈએ તો લોહીના સંબંધો ઉપરાંત અન્ય કેટલાક સંબંધોના તાણાવાણા જીવનમાં વણાયેલા રહ્યા હોય. જેમાં તેની સાથે જોડાયેલી સ્ત્રી પાત્રો વિષે જ માત્ર વાત કરીએ તો સૌ પ્રથમ દેવકી, જન્મદાત્રી મા. પોતાના અંશને જન્મ આપ્યા બાદ થોડી જ ક્ષણોમાં તેનો જીવ બચાવવા પૂર્વ આયોજન અનુસાર ગોકુળ મોકલી વિરહની વેદના વહોરી. સમય જતા શ્રી કૃષ્ણે માતાની ત્યાગ ભાવનાનું ઋણ ફેડવાના હેતુથી જ આગળના ૬ સંતાનોને પુન: જીવિત કર્યાં.

મધરાતે જ વાસુદેવ નવજાત કૃષ્ણને લઈને નંદ યશોદાને ઘેર ગોકુળ પહોંચે છે. સવાર પડતાં જ ગોકુલવાસીઓ નંદને ત્યાં પુત્ર જન્મ થયો એમ માની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી...

પોતાનો અંશ નથી એ જાણવા છતાં દેવકીની અમાનતને પોતીકો બનાવી યશોદાએ કાન્હા પ્રત્યેની ઉદાત્ત મમતા-સ્નેહના પૂર રેલાવતા ઉછેર કર્યો. વાત્સલ્યભાવે લાડ લડાવી કનૈયાની તોફાન મસ્તી માણે છે. ગોપીઓની ફરિયાદ સાંભળી - ન સાંભળી કરી નટખટ પર ક્યારેક ખોટો ગુસ્સો કરી ડરાવતી પણ ખરી. પાલક માતાને કૃષ્ણએ પોતે માટી ખાધી છે કે નહિ તે બતાવવાને બહાને મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવી યશોદા માને ધન્ય કર્યાં.

વૃંદાવનમાં બાળ કૃષ્ણ સૌના વ્હાલા. ‘કૃષ્ણ’ શબ્દનો એક અર્થ જોઈએ તો ‘કૃષ’ એટલે ખેંચવું અથવા ‘આકર્ષવું’ અને ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી અન્યને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે ‘કૃષ્ણ’. ગોકુળની ગોપીઓ પણ કૃષ્ણઘેલી હતી. તેઓનો પ્રેમ એ શારીરિક મોહ ન હતો. કોઈ પણ જાતના બદલાની અપેક્ષા-આશા વગરનો પ્રેમ હતો કે જેને સાચી ભક્તિ કહી શકાય. ગોપીઓએ પ્રેમને પોતાના જીવનમાં ઉતારીને જગતને પ્રેમનો બોધ કરાવ્યો છે. જયારે કૃષ્ણ વિષે વિચારતી ત્યારે પોતાની બધી વૃત્તિ-પ્રવૃત્તિઓ ભૂલી જતી. સમર્પણભાવે અને દાસ્યભાવે પ્રેમ કરનારી ગોપીઓને શ્રી કૃષ્ણે પોતાની સર્વશ્રેષ્ઠ ‘ગુરુ’ કહી છે. શ્રી કૃષ્ણ પણ તેઓની સાથે આનંદ આપવા અર્થે જ રાસ-લીલા અને મસ્તી કરતા.

શ્રી કૃષ્ણ મથુરા પહોચ્યાં બાદ ભાઈ બલરામ સાથે નગરયાત્રા કરવા રાજમાર્ગ પર નીકળ્યા તે સમયે તેમને વાંકા અંગોવાળી યુવતી પર નજર પડી. આ યુવતી તે મહારાજા કંસની પ્રિય દાસી કુબ્જા. મુખ સુંદર પણ શરીર વાંકુ વળી ગયેલું. તેથી તેનું નામ કુબ્જા પડેલું તેણીનું સાચું નામ ત્રિવક્રા હતું. તેણીએ બંને ભાઈઓને ચંદન અને અંગરાગ આપ્યાં. તેનો ઉપયોગ કર્યાં બાદ શ્રીકૃષ્ણ અને બલરામની શોભા અનેકગણી વધી ગઈ. શ્રી કૃષ્ણે તેના પર અદભૂત અનુગ્રહ કરવા માટે તેના પગને પોતાના પગથી દબાવીને એની હડપચીને હાથથી ઊંચી કરી એ જ સમયે શરીરથી વાંકી વળી ગયેલી કુબ્જા સીધી સર્વાંગી સુંદરી બની ગઈ.

‘કુબ્જા પર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી.’ આ રીતે કુબ્જાએ ભગવાનને પૂજીને નવયૌવનનું વરદાન લીધું. તેણીએ હર્ષમાં આવી શ્રી કૃષ્ણને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. શ્રી કૃષ્ણ કુબ્જાના રૂપથી મોહિત થઈને ત્યારે જ સત્વરે તેની સાથે ગયા નહિ તે બાબત તેમના સંપૂર્ણ, શુદ્ધ, સંયમી ચારિત્ર્યની વિશેષતા સૂચવે છે. ભવિષ્યમાં તેને ત્યાં જવાની બાયંધરી આપી. આ વચન અનુસાર એકવાર કુબ્જાને ત્યાં ઉદ્ધવ સાથે પહોંચે છે. કુબ્જા સમર્પિત થવાની કોશિષ કરે છે ત્યારે તેના મનમાંથી ‘વાસના ભાવ’ કાઢી ઉદ્ધાર કરવાનું કાર્ય પણ પૂર્ણ કરી બતાવ્યું.

આમ તો શ્રી કૃષ્ણનો દરેક સ્ત્રી પાત્ર સંબંધ સાથે અનન્ય જ હતો. પણ સર્વોપરી કહી શકાય તે રાધા, દ્રૌપદી અને રુક્ષ્મણી – પ્રેમિકા-સખી અને પત્ની.

રાધા- રાધિકા કે રાધારાની. બરસાનાના વિષ્ણુભાનુની પુત્રી સાક્ષાત લક્ષ્મીનો અવતાર, શ્યામા-કૃષ્ણપ્રિયા કે જેને કૃષ્ણએ જીવનપર્યંત પ્રેમ કર્યો. રાધા સુંદરતા અને બુદ્ધિમતાનો સમન્વય. કૃષ્ણ પર પોતાના પ્રેમ થકી આધિપત્ય ધરાવતી વ્યક્તિ. રાધા એ કૃષ્ણની શક્તિ. એકબીજાના બન્ને ભક્ત. કૃષ્ણના શ્વાસમાં ધબકતી એટલે જ તો કહેવાયું છે- ‘આત્મા તું રાધિકા તસ્ય’ રાધા, તું તેમનો (શ્રી કૃષ્ણનો) આત્મા છે’ બે આત્માનું મિલન હોય ત્યાં પવિત્ર પ્રેમ જ પ્રજ્જ્વળે. રાધાને ઈર્ષા થતી વાંસળીની જે હંમેશ શ્રી કૃષ્ણના હોંઠે રહેતી. એને નહોતું ગમ્યું જયારે શ્રી કૃષ્ણ પોતાનું કર્તવ્ય બજાવવા ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે. પરંતુ સાથે જતી નથી તેના દિવ્ય પ્રેમમાં માંગણી ન હતી. કૃષ્ણે પણ રાધા માટે જ વાંસળીના સૂર છેડ્યા પણ અને છોડ્યા પણ ! એકબીજાને ભૂલવાની તો શક્યતા જ નહિ. કૃષ્ણ રાધાને કહે છે, ‘રાધિકે, સ્મરણ એનું કરાય જે ભૂલાઈ ગયું હોય..... હું તને ભૂલી જાઉં તો શ્વાસ ક્યાં બળે લઈશ?’ રાધાનો દિવ્ય પ્રેમ સર્વોચ્ચ રહ્યો માટે જ તો ‘રાધા-કૃષ્ણ’ પૂજાય છે. એ બંને અલગ જ નથી. તેનો ઝુલનોત્સવ પણ થાય છે.

સ્વમાની, સત્વશીલ, સ્વરૂપવાન,ગુણવાન,વિદુષી, રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી- કૃષ્ણની સખી. પાંચાલી. પાંડવોની પત્ની. રાજા દ્રુપદે કૃષ્ણને પોતાની પુત્રીને અર્ધાગીની તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરેલ.પરંતુ શ્રી કૃષ્ણે પોતે તેના ‘સખા’ બની રહી તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. એકબીજાની સંવેદના સમજનાર, પૂર્ણ વિશ્વાસથી સિંચાયેલો આ સંબંધ રહ્યો. શિશુપાલને મારવા જતાં પોતાના જ સુદર્શન ચક્રથી ઘવાયેલી આંગળી પર દ્રૌપદીએ સાડીની ચીર બાંધી લોહી નિંગળતી આંગળીનો ઘા રુઝ્યો તો શ્રી કૃષ્ણે ભરી સભામાં દ્રૌપદીની ઈજ્જત બચાવવા નવસો નવ્વાણું ‘ચીર’ પૂરી તેના ઘવાયેલા સ્વમાનને રુઝ્યું. ૧૩ વર્ષના વનવાસ દરમિયાન પણ ક્યારેક અજ્ઞાતરૂપે તો ક્યારેક પ્રત્યક્ષ સાથે જ રહીને શ્રીકૃષ્ણએ દ્રૌપદીનું રક્ષણ કર્યું. આ બંનેનો સખાભાવ હતો.

વૈદર્ભના રાજા ભીષ્મકાની પુત્રી રુક્ષ્મણી. સુંદર, વિદુષી. શ્રી કૃષ્ણના રૂપ, ગુણ, ચારિત્ર્ય અને મહાનતાથી પ્રેરાઈને તેને પ્રેમ કરતી. પરંતુ તેનો ભાઈ રુક્મિણ પોતાના મિત્ર શિશુપાલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો ત્યારે રુક્ષ્મણીએ પત્ર લખી સુદેવ સાથે શ્રી કૃષ્ણને પોતાની સાથે લગ્ન કરવા આવવા કહ્યું અન્યથા પોતે આત્મહત્યા કરી લેશે. શિશુપાલનો વધ કરી શ્રીકૃષ્ણએ દ્વારકાની પટરાણી બનાવી. શ્રી કૃષ્ણ પોતાના કર્તવ્યને હંમેશ અગ્રીમ સ્થાન આપતા. તેઓ ખૂબ ઓછો સમય રુક્ષ્મણી સાથે ગાળતાં ત્યારે દ્વારિકાની પટરાણીનું પ્રતિક્ષા કરતા બેસી રહેવાનું જ જાણે ભાગ્ય બની ગયું. જયારે પણ વાત થાય ત્યારે રાજનીતિની, દુર્યોધન, હસ્તિનાપુરની જ. જાણે પોતે પત્ની નહિ પરંતુ મંત્રી હોય તેવું અનુભવતી. મનના ખૂણે છૂપી ઈર્ષા રહી કે કૃષ્ણપ્રિયા પોતે નહિ પણ રાધા અને સખી પણ પોતે નહિ પણ દ્રૌપદી ! કૃષ્ણનો સ્પર્શ પામી સુંદર બનતી કુબ્જા પણ પોતે તો નહિ જ. પોતે માત્ર નામની જ ધર્મચારીણી- દ્વારિકાની પટરાણીને આ વિચાર હંમેશ પીડતો રહ્યો.

યુગપુરુષ શ્રી કૃષ્ણ કોઈનો કા’નો તો કોઈનો શ્યામ તો ક્યાંક કોઈના સખા અને કોઈના નાથ રહ્યા. તેમની સાથે સંકળાયેલી (પ્રત્યક્ષ) મુખ્ય નારીઓ સાથેનો સંબંધ તદ્દન નિસ્વાર્થ રહ્યો. તેઓ ‘સ્ત્રીત્વ’ નું સન્માન કરનાર, શીલ અને સ્વમાનના રક્ષક રહ્યા છે. સંવેદના સમજી તેના ઉધ્ધારક બની રહ્યા. પોતાનું કર્તવ્ય નિભાવતા રહી ‘મધુરાપતિ’ બની રહ્યા. પૃથ્વીના રક્ષણ કાજે જન્મ લેનાર આ યુગ પુરુષનો સમર્પણભાવ તેમને “પુરુષોત્તમ”નું બિરુદ આપનારું મહત્વનું પરિબળ બની રહ્યું.

શ્રીકૃષ્ણના આશીર્વાદથી સૌની જિંદગીની હરપળ સુખમયી બની રહે તેવી શુભકામના.

પારુલ દેસાઈ

parujdesai@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED