મૃત્યુ પછીનું જીવન—૨૮
આપણે પહેલાં જોયું કે રાઘવ કેશુભાના દગાથી ખુબ વ્યથિત છે. એને એ વાત સમજાતી નથી કે, જે માણસને મેં આટલું ઊંચું સ્થાન આપ્યું, આટલું માન આપ્યું, દરેક ધંધામાં પાર્ટનરશીપ આપીને આટલી કમાણી કરવી, તેને આવી ઓછી હરકત કરવાની જરૂર શું પડી? અને હવે કેશુભા પુરેપુરા રાઘવના શકના ઘેરામાં આવી ચુક્યા છે, જેની કેશુભાને જરા પણ જાણ નથી. એમને તો એ પણ ખબર નથી, કે રાઘવ એની જ ગાડીમાં , એની જ બાજુમાં બેસી એનો પીછો કરી રહ્યો છે. આ તરફ રાઘવને જાણવું છે , કે કેશુભાના અનેક ચહેરાઓમાંથી સાચો ચહેરો કયો છે ? એક સમયે મારા સમીરને મારા ફેમિલીને આટલી મદદ કરનાર માણસ એકદમ અમારો દુશ્મન ક્યાંથી બની ગયો? સત્ય શું છે? અને કેશુભાની ગાડી જ્યાં આવીને અટકે છે , રાઘવને ચક્કર આવી જાય છે ...હવે આગળ વાંચો...
વાહ રે ...માય ડીયર ડેસ્ટીની, .....ફરી તેં બતાવી જ દીધું, હું તારે માટે કેટલો ખાસ છું....! ...તારી રોલર કોસ્ટર રાઇડ ખરેખર જોરદાર છે... એકદમ ઉપર આસમાનમાં લઇ જઈને ધડામથી નીચે પછાડે...૫ મિનિટ પહેલાં એવો અહેસાસ થતો હતો, કે મારા ઘરને બચાવીને હું ટોપ ઓફ ધી વર્લ્ડ ફીલ કરતો તો..અને હવે...? એવું લાગે છે કે જે નાની અમથી ગેઈમમાં હું પોતાને વિનર સમજતો હતો, એ તો ગ્રેટ બીગ ગેઈમનો નાનો અમથો પાર્ટ હતો. મને એમ થયું કે મેં મારું ઘર બચાવી લીધું. પણ હવે સમજાય છે કે શું શું ગુમાવ્યું, એનો તો હિસાબ જ મંડાય એવું નથી...! હવે જે હાથમાં છે, એ બચાવી લેવાનું છે.
જીંદગી આખરે ગોળ ફરીને ત્યાં જ આવીને ઊભી રહી, જ્યાંથી શરું થઇ હતી.
વિશાળ બંગલામાં પ્રવેશતાં પહેલાં પોર્ચ એરિયામાં ડ્રાઈવરે કેશુભાને ઉતાર્યા અને ગાડી સીધી નીચે અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગમાં લઇ ગયો, જ્યાં ૨૦ જેટલી એક એકથી ચઢિયાતી બ્રાન્ડની કાર પાર્ક થયેલી હતી. અહી એવી વ્યવસ્થા દેખાતી હતી કે અંદર ગમે એટલાં માણસો આવ્યાં હોય, ઉપર કોઈને ખબર પણ ન પડે. કેશુભા ગાડીમાંથી નીચે ઉતર્યા અને બંગલામાં દાખલ થયાં , સાથે સાથે રાઘવ પણ કેશુભાની પાછળ પાછળ બંગલામાં દાખલ થયો.
બંગલો વૈભવી કરતાં વધારે રહસ્યમય જણાતો હતો. ડબલ હાઈટની સીલીંગ અને સીલીન્ગની વચ્ચે ખુબ જ વિશાળ ઝુમર.... ઓ સેઈપનાં હોલમાં ચારે તરફ ખુલ્લી બારીઓ અને બારીમાંથી ધસી આવતાં પવન સાથે ઝૂમતા અને રણકતા વિન્ડ ચાઈમ્સ...નીચે ફ્લોર ટુ ફ્લોર ઈરાની અર્ડાબીલ કાર્પેટ બિછાવેલી હતી. હોલમાંથી બેધડક પસાર થઇ કેશુભા અંદરનાં રૂમમાં ગયાં, જ્યાં ચારે તરફ વિવિધ પેઈન્ટીન્ગસ લગાવેલાં હતાં, જેમાં વેન ગોગનાં ફેમસ પેઈન્ટીન્ગ “સ્ટારી નાઈટ” પાસે જઈને કેશુભા ઉભા રહ્યાં, બેઘડી વેન ગોગની અદભુત કલાને નિહારી રહ્યાં...અને પછી રૂમનો બહારનો દરવાજો બંધ કરી, જલ્દીથી ફેનની સ્વીચ ઓન કરવાં ગયાં. ફેનની સાથે એની બાજુની સ્વીચ પણ ઓન કરી અને ....કેશુભા જોઈ રહ્યાં ,આખે- આખી ભીંતને સરકતા...અને અંદર એક માયાવી દુનિયા દેખાઈ રહી...કેશુભાને માટે આ રોજીંદો અનુભવ લાગ્યો..પણ છતાયે કેશુભાને આ ફ્લોર પર પગ મુકતા જ ખુબ રોમાંચ થતો, જ્યાં પગ નીચેથી માછલીઓ વહેતી હોય એવો અહેસાસ થતો.... જ્યાં દેખાતું તું વહેતું જળ અને નીચેથી વહેતી માછલીઓ , પણ હતી એ જમીન ....બહાર હોલ જેટલી જ જગ્યા અંદર હતી ,અને આખી ફ્લોર આ રીતે ડીઝાઇન કરી તી ...જ્યાં તમને આભાસી લેક લાગે . અને ત્યાં જ ચાર લાઉન્જર ગોઠવ્યા હતાં અને ૪ -૫ ચેર...વળી ચારે તરફ વોલ સાઈઝના મીરર,જેથી આ જગ્યા વધુ આભાસી લાગતી તી.
કેશુભા સીધાં જ છેલ્લાં લાઉન્જર પર સુતેલાં એક ૬ ફૂટની હાઈટ વાળા, દાઢીવાળા, પડછંદ માણસ પાસે ગયાં અને એક ચેર લઈને બેઠાં.
“બોલો કેશુભા, ક્યાં હાલ હૈ...રાઘવ કે ઘરે પર રાજ કર રહે હો...”
કેશુભા મર્માળુ હસીને ,
“ હા, શેઠ, લગતા હૈ, અબ મેરા ટાઇમ આયા હૈ..”
“ફિર ભી તુમ મોર્ગેજ કા કામ સમ્ભલ કે કરના, શક તુમ પર આ શકતા હૈ ..”
“અરે નહીં, કાગજ ચેન્જ કરતે વક્ત મૈને કેમરા ભી ઓફ કિયે થે. ઓર સમીર તો મુજે પૂછે બિના પાની તક નહીં પીતા..”
“લેકિન અંશ ઉસકે બાપ પર ગયા હૈ...તુમ ઓવર કોન્ફીડન્ટ હો રહે હો, કેશુભા.. ઐસા કરો , તુમ મહિના ગાંવ હો આઓ...ઉતનેમે યહાં સબ ઠીક કર દુંગા..! ”
કેશુભાનો ચહેરો થોડો તંગ થઈ ગયો. , મનમાં બબડ્વા માંડયા.
‘હાં, ઉતનેમેં યહાં સબ ઠીક કર દોગે...પતા હૈ મુજે, જૈસે તુમને રાઘવકો ઠીકાને કર દીયા, અબ મુજે ભી ઠીકાને કરને કી સોચ રહે હો..’
થોડું હસ્યો , ‘ પણ હું કેશુભા છું, રાઘવ નહીં...’
કેશુભાની આ સ્ટાઇલ હતી, એને ગુસ્સો આવે , ત્યારે વધારે મીઠા બની જાય...
“શેઠ, શું વાત કરો છો, યાર ? હું અહીં થી દૂર જઈશ, તો બધાં જ મારા પર શક કરશે,હમણાં મારું અહી રહેવું જરૂરી છે ...”
પેલો દાઢીવાળો માણસ ગુસ્સામાં ઊભો થઇ ગયો.
“તો તુમ્હે ગાંવ નહીં જાના, તુમ્હે યાદ હૈ ના, ગાંવમેં તુ કેસે ગોબર કે જૈસે પડા થા? તુમ્હે વહાંસે ઉઠાકે રાઘવકી દુકાન પર મૈને બિઠાયા, રાઘવકે સારે ધંધેમેં ઘુસના, મૈને શિખાયા. ઓર અબ તુમ મુજે શિખા રહે હો , ક્યાં કરના હૈ, ક્યા નહીં ?..કયા બાત, કેશુભા...કમાલ હૈ...! ”
‘કમાલ છે આ દુનિયા , આ ડેસ્ટીની...’રાઘવ વિચારતો રહ્યો, ‘ જો વિશ્વાસ નામનાં શબ્દનો કોઈ મતલબ જ નથી, તો વિશ્વાસ નામનાં અહેસાસને માણસોમાં મુકવાનો મતલબ શું ?
કેશુભા, તને પણ બીજું કોઈ નહીં મળ્યું, મારી પીઠ પાછળ છુરો ભોંકવા માટેનો સાથીદાર? જેને તમે આંગળી પકડીને ચાલતાં શીખવો અને અને જેની આંગળી પકડી તમે ચાલતાં શીખ્યાં ... એ બંને ભેગા થઈને તમને જ ધક્કો મારે તો ...? ખબર નહીં કેમ , પણ સદીઓથી આ એન્ટની અને બ્રુટ્સ આપણી સૌથી નજીક રહેનાર જ નીકળે છે ...!
શું સત્ય અને શું મિથ્યા , એ જાણવા માટે અહીં મરવું પડે છે? અને જો જીવન જ સત્ય નથી, તો પછી કોઈ સત્ય જાણ્યું તો પણ શું અને ન જાણ્યું , તો પણ શું? એનાં કરતાં તો આ સત્ય હું જાણતે જ નહીં, તો જ સારું હતું... શું કહું આને ?
મારી જીંદગીનું સૌથી મોટું જુઠ કે મારી જીંદગીનું સૌથી મોટું સત્ય ....!
રાઘવ હસવા લાગ્યો ખુબ જોર જોર થી...જેનાં વાઈબ્રેશન્સ ચારે તરફ ગુંજી ઉઠ્યા..
બંને વાતો કરતાં તા, ત્યાં જ બહારથી એક નવો જ માણસ ભાગતો ભાગતો આવ્યો,જે પાનવાળા ભૈયા જેવા વેશમાં હતો ,પણ ખબરી હતો . હાંફતાં હાંફતાં બોલ્યો,
“રાશીદ શેઠ, આજ વો પુરાને શેડ્સ પર પુલીસ છાપા મારને વાલી હૈ, જલ્દીસે માલ હટા દો...
–અમીષા રાવલ
ALL RIGHTS RESERVED OF THIS BOOK
@UNDER TRADE MARK .
THOSE WHO WILL COPY THIS,
WOULD BE UNDER LEGAL ACTIONS.