ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 5
વિજય શાહ
સંવેદન ૯ હાથ ઉંચા કરી કહે હવે તે ના થાય
જ્વલંતના બાપા અમુલખ રાય ખુશ હતા. હીનાએ વંશજ આપ્યો હતો. તેની ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી. તેઓ તો દીકરાને નહાઇ ધોઇને તૈયાર થઈને પથારીમાં બેઠેલો જુએ એટલે કહે બરોબર નગરશેઠ જેવો ઠાઠ છે અને બગલાની પાખ જેવો ધોળો ધબ વેશ છે. છ મહિના નો થયો અને બરોબર રમાડવા જેવો થયો ત્યારથી દાદાજી અને દીકરો સવાર અને સાંજ સાથે રમે. જાણે દાદજીની દરેક વાત સમજતો હોય તેમ હોંકારા પુરાવે અને ખીલ ખીલાટ હશે.રોશની નો ભાઈ એટલે દીપ એનું નામ.સુમતિબા એને હીંચકા નાખે અને હાલરડા સંભળાવે.પણ રોશની કરતા બધીજ રીતે જુદો. હીનાનૂં તો કશું જ નહીં જ્યારે રોશની તો હીનાની જ બીજી બીબાઢાળ નકલ.જ્યારે દીપ જનાર્દન રાયનાં જેવો પ્રભાવશાળી. હસે ત્યારે જ્વલંતની મમ્મી સુમતી બા જ લાગે. ધંધાનાં કામે બહાર જવાનું થાય ત્યારે રમકડા વાજીત્ર અને મોટરો આવે. રોશની રમે અને દીપને આપે. ત્રણ કલાકમાં દીપ કાર ખોલી ને સ્પેર છુટા કરી નાખે.
દાદા કહે ઇજનેર થવાનો છે.જ્વલંત તેને સમજાવે ધમકાવે પણ પાછી વહાલથી તેને કહે આ મોટર હતી તેવી કરી નાખ -ને ભાઇલા.. ભાઇલો હાથ ઉંચા કરી કહે હવે તે ના થાય,
સંવેદન ૧૦ ઘરની વહું છું કંઇ ગોલણ નથી
તે દિવસે જવલંતની ગેરહાજરીમાં સુમતિબાને અને બહેનો ને હીનાએ કહી દીધું “મેં બહું વેઠ્યુ છે હવે મને બધીજ સમજણ પડી ગઈ છે. ગામડાની છું પણ તમે મારો દુરુપયોગ નહીં કરી શકો. સુમતીબા હવે બે છોકરાઓને મારે સાચવવાનાં છે.બેઠાં બેઠાં ખાટલેથી પાટલે ના થાવ. જરા વહેવારે વડીલ થાવ..એકલી મને જ ના જોયા કરો.”
“એટલે?”
તપ ,જપ અને દેરાસર માટે હું સમજી શકું છું પણ મારે મારી પળોજણ પણ છે મંદીરનાં વટ વહેવાર અને દુનિયાની પળોજણ હાથમાં લેતા પહેલા મને પણ પુછો.છોકરાઓને સ્કુલે મોકલ્વાના તેમના નાસ્તા કરવાના અને રસોડું ચલાવવામાં મને પણ થાક લાગે છે. રોશની, દીપ, છાયા,શ્વેત અને શ્યામ બધાને તૈયાર કરવાના અને શાળાએ મોકલવાના. જ્વલંતનું ટીફીન મોકલ્વાનું જેવા કેટલાય કામોમાં સમય સાચવવાનોને?
સુમતિબા બોલ્યા “બેન તને પણ મગમાં થી પગ નીકળ્યા”
“ના બા.તમારો કોઇ ભાર નથી પણ આ તમારા વહેવારોથી થાક લાગે છે. જે કોઇ આવે છે તે મને જ જોયા કરે છે. ઘરની વહું છું એટલે કહું છું.ઘરની ગોલણ નથી.”
નિવૃત્ત અમુલખ રાય તો સ્તબ્ધ જ થઈ ગયા.
હીનાની વાત ખોટી નહોંતી. હવે કંઈક કરવુ પડશે, હવે આ તલમાંથી ઝાઝુ તેલ નીકળે તેમ નથી, નિવૃત્તિ વેતનમાં કામવાળી નો પગાર નાખવો પડશે તો જ રસોડે રાજ રહેશે, બાજુ વાળા રાધા બહેનને રસોઇ કામ માટે રાખી લીધા અને સુમતિ બા તપનાં માર્ગે ચઢી ગયા દીકરીઓ, પોતાના પિયરીયા અને મિત્રો હવે નિઃસંકોચ આવતા. હા શેરનાં નવા ઇસ્યુમાં ભરાતા પૈસા થોડા ઓછા થઈ ગયા નિવૃત્ત જીવનમાં ઘણું તેમને કરવું હતું પણ તેમનું અમલદારી મન હીનાનાં વર્તનને વિરોધ સમજી ને ખાટુ થઈ ગયું હતું.
સુમતિબા તેમને સમજાવે કે વહુ અને દીકરી વચ્ચે આ તફાવત છે.દીકરીને કહેવાય પણ વહુને ના કહેવાય. ચાલો સમેત શિખર જઈ આવીયે. દુબાઇ વાળો દીકરો પણ બોલાવે છે. નિવૃત થયા પછી તેના છોકરાઓને પણ રમાડી આવીયે. આવનારા વર્ષમાં દુબાઈ પણ જઈ આવ્યા અને સમેત શિખર પણ જઈ આવ્યા. પણ મન ઘરમાંજ લાગેલું તેથી છ મહિના પછી પાછા આવી ગયા.
આવતાની સાથે સુમતિબાએ કહ્યું માથે ઓઢ્વાનું જરુરી નથીં. અને વર્તન બાપાની જેમ રાખવુ જરુરી છે. સસરાની જેમ મર્યાદા રાખવાની જરુરી નથી. હીનાએ પહેલી વખત અનુભવ્યુ કે શહેર અને સુધરેલ વાતવરણ છે.શ્વેત અને શ્યામ ને જાળવવામાં સુમતિ બાની મદદ અમુલ્ય હતી જો કે હવે રોશની પણ ભઈલાને જાળવતી હતી. દુબાઇ થી આવેલું જોડીયા બાળકો માટેનું સાધન સ્ટ્રોલર પણ રાહત રુપ હતુ.
જવલંતની ટુલ્સની એજંસી સારી રીતે ચાલવા માંડી હતી.જબાને મધ અને ખુલ્લા ચોપડા અને ભાવમાં કોઇ જ ચોરી નહીં એટલે ઘરાકી વધવા માંડેલી. અમુલખ રાયને ઘરનાં માણસ તરીકે ગલ્લે બેસવા જ્વલંતે ઘણી વખત કહેલું કે જેથી સમયસર જમી શકે અને ડીલીવરી કરવા જાય ત્યારે દુકાન ખુલ્લી રહી શકે. અમુલખરાયની નામરજી જાણીને હીનાએ ટીફીન લઈને દુકાને જવાનું નક્કી કર્યુ ત્યારે સુમતિબા કહે હીના તું થાકી જઈશ… પણ હીના કહે બપોરે આમેય કંઇ કામ હોતુ નથી અને મને તેમને ગરમ ગરમ ખાવાનું મળે તે ગમે છે.
મારુતિ ફ્રંટી લઇને ડ્રાઇવર ટીફીન લેવા આવતો ત્યારે તેની સાથે હીના ટિફીન લઈને પહોંચી જતી. સ્વભાવે ચોક્કસ હોવાને કારણે મહીનામાં તો આખી ઓફીસનો વહીવટ સમજી ગઈ.ઓર્ડર ફ્લો અને તેના અમલીકરણ માં જ્વલંત ઇચ્છતો તેવી ઝડપ આવતી ન હતી.તેનું કારણ વચલી ઓફીસનો વિલંબ હતો. હીના આ વિલંબનું કારણ સમજી ગઇ હતી. તેણે ઓફીસની સ્ટોરેજ કેપેસીટી વધારી અને વધુ સ્ટોક ભરવા માંડ્યો.
જેનો ફાયદો એ થયો કે સેલ્સ કોટા વધવા માંડ્યો અને બે મહીને જ્વલંતને ઑકે ટુલ્સ ની એજંસી મળી. ઓર્ડર આવે અને તર્ત જ તેનું અમલીકરણ થતુ એટલે બજારમાં તેનુ નામ સારુ થવા માંડ્યુ. સ્ટાફ માં ભાભીનો વહીવટ વખણાવા માંડ્યો. ક્યારેક ઓર્ડર આવે અને તરત જ ડીલીવરી માટેનું પેકેજ તૈયાર હોય..સાથે સાથે ઉઘરાણી પણ પાક્કી થાય. સાંજે ભેગા થયેલા ચેકો પણ બેંકમાં જમા થઈ ગયા હોય.
તેવામાં નવું નવું કોંપ્યુટર આવ્યું. ડેટા પ્રોસેસીંગ તરત થઈ જાય એટલે હવે જ્વલંતનું કામ જેટ સ્પીડે થઈ જાય. રોજે રોજ સ્ટોક મળી જાય. ઉઘરાણી નીકળીજાય અને નફો નીકળી જાય. મહીનામાં બીજી એજંસી ની વાત આવી આ વખતે ટૂલ્સની સાથે સાથે બીજી ઘણી જરુરિયાતની વસ્તુઓ મુકાવા માંડી.ખીલ્લી સાથે સ્ક્રૂ અને સ્ક્રુ ડ્રાઇવર પણ મુકાવા માંડ્યા. કાનસો મુકાઈ અને પાના અને પક્કડ પણ મુકાયા. રોકાણ માટે બેંકે વધુ સવલતો આપી એટલે ટર્ન ઓવર પણ વધ્યું. નાના વેપારીઓને ખબર હતીકે હીના ભાભી હશે એટલે માલ ની ખોટ નહીં હોય. અને કહેલા સમયે માલ ડીલીવર પણ થઈ જતો.
હીનાની ખોટ દીપ અને રોશનીની ભણતર માં પડવા માંડી. એક મમ્મી કેટલે પહોંચે? શ્વેત અને શ્યામ બાળ મંદીરમાં, છાયા ત્રીજા ધોરણ માં ,દીપ પાંચમામાં અને રોશની સાતમામાં. હવે ટ્યુશનો રાખવા પડ્યા .જ્વલંત સમજતો હતો હીના વહેંચાતી જતી હતી. તેવામાં સુમતિબાને એટેક આવ્યો. અમુલખ રાયનો પગ ભાંગ્યો. ગામડે હીનાની બાને વરસી તપનાં પારણા માટે પાલીતાણા જવાનું થયું. ધંધામાંથી હવે બહાર નીકળવાનું અઘરુ થતું જતુ હતુ. સુમતિબાને હોસ્પિટલમાં રાખ્યા ત્યારે જ્વલંત મોટેભાગે તેમની સાથે રહેતો. એજંસી ઉપર હીનાને લી્ધે સચવાઇ જતું. અમુલખરાય નો પગ ખાડામાં પડી ગયો અને ફ્રેક્ચર થયુ ત્યારે હોસ્પીટલમાં બે ખાટલા..બધાને ચા નાસ્તો અને સમયસર ખાવાનું પહૉચાડવાનું થતું. પહેલી વખત અમુલખરાય દીકરીઓ પર ગુસ્સે થયા અને બોલ્યા “હીનાને લીધે અમે સમય સર સારી સારવાર પામ્યા છે. દીકરીઓ સાસર વાતી ખરી પણ સાંજે માંદે તો અપેક્ષા થાયને?”
******