ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 3
વિજય શાહ
સંવેદન ૫. દીકરીનાં રુઆબ
અરિહંત ટૂલ્સમાં જ્વલંત તો ખુબ જ કમાતો થયો. ફીયાટ ગાડી લીધી અને ધંધો રાતે ન વધે તેટલો દિવસે વધે. સુમતિબા કહે સંતાન નું પગલું સારું છે. જનાર્દન રાયને ત્યાં થી વાત આવીકે તેમની નાણાકીય સ્થિતિ નબળી પડી. હીનાનું પગલું ગયું અને તેમને ત્યાં અન્ન અને દાંતને વેર થઈ ગયું સુમતિબા કહે હીનાને તો પહેલી સુવાવડ પીયરમાં જ કરાવવી રહી.વહેવારે તો શહેરમાં જ કરાવવી જોઇએ પણ જનાર્દન રાય કહે ગામડા ગામમાં સુવાવડ ના કરાવો. સાંજે માંદે દોડ ધામ થઈ જાય.તેને બદલે સુવાવડ શ હેરમાં જ કરાવો અને બધો ખર્ચો અમે આપી દઈશું.
હીના સમજતી હતી છતા તેણે જ સાતમાં મહીને ફીયાટમાં પિયર ની રાહ પકડી. જનાર્દન રાયને હીનાએ સમજાવી દીધા હતા કે રીવાજ ને સાચવો હું મને સાચવી લઈશ. મા ફફડ્તી હતી પણ દીકરીની સુવાવડ મા જેવી સાચવે તે સાસરીમાં ના સચવાય..અને આ જિંદગીમાં એકજ વખત સાચવવાનું હતુંને? જમાઈ સધ્ધર હતા દર અઠવાડીયે જે હીના મંગાવતી તે બધું આવી જતુ હતુ જમાઈ ખાલી હાથે તો ન જ આવેને? હીના ને ભાવતું બધું જ શહેરમાં થી આવતું. દીકરીનાં રુઆબને જોતા મા અને બાપ રાજી હતા..અને જમાઈની દીકરી પ્રત્યેનો લગાવ જોતા અને મલકાતા.,
સફરજન હીનાને બહું ભાવે અને દર અઠવાડીયે અધમણ સફરજન નો ટોપલો આવે, સાથે ગામડા ગામમાં ના મળતા ફળો જેવા કે શેતુર સ્ટ્રોબેરી અને લીચી પણ સાથે આવે, રુહ અફઝા નું ગુલાબ શરબત અને ખસનું શરબત પણ હોય જ. હીના દુધની દરેક મિઠાઇઓ અને આઇસ્ક્રીમ બહું જ ખાય .પુરા નવ મહિને હીના ની પ્રતિકૃતિ જેવી જ દીકરી જન્મી હતી. ઘરમાં સૌ ખુશ હતા. હીના બહુ જ પીડાઇ પણ પ્રસુતિ સુખરુપ થઇ તેનો આનંદ હતો. સાસરવાસનાં અગીયાર મહીના નો આ સુખરુપ પ્રવાસ હતો અને માતૃત્વનો આનંદ હતો. જ્વલંત ગાડી ભરીને મિત્રોને લઈને આવવાનો હતો.
દિવસે ઉંઘતી અને રાત્રે જાગતી દીકરીનાં રુદનને માણતી હીના તેને “ઢબુડી“ કહેતી.જવલંત તો કહેતો તેના આવવાથી મારું ઘર રોશન થયું છે મને બાપાનું રુડું સ્થાન મળ્યુ છે.તેથી તે મારી રોશની છે.ફોન ઉપર તેનું ઉવાં ઉવાં સાંભળી ને સૌ કોઇ રાજી રાજી હતા. એક નવું પ્રકરણ શરુ થયું હતું. બાપ બન્યો હતો તેનો હરખ અને ઘરમાં માંડવો આવ્યો તેમ એક ચિંતા પણ હતી. જિંદગી હવે અર્થપૂર્ણ બની હતી.
જ્વલંત કહે “ હીના હવે મારા સંતાન ની મા હતી. જિંદગીની વાડી હવે ભરી ભરી હતી…દીકરી મારા ઘરની પહેલી લક્ષ્મી હતી. મા બાપ બનવાનો સહિયારો આનંદ તેમના હાસ્યોમાં સ્ફુટી રહ્યો હતો. રોશની સ્વભાવે જ્વલંત જેવી અને સદાય હસતી રહેતી. જાણે તેને રડતા આવડતું જ નહીં.
કલકત્તાથી આવેલ મિત્ર અને વડોદરા થી આવેલ મિત્ર સાથે વાતોનાં તડાકા મારતા મારતા જ્વલંતે કહ્યું કે ચણોઠી ની ખાસિયત એ છે કે જિંદગીમાં આવતા સુખ અને દુઃખનું તે પ્રતિનિધિત્વ કરે છે.લાલ રંગ સુખ દર્શાવે છે જ્યારે કાળો રંગ દુઃખ સુચવે છે, અહીં એક વાત સમજવા જેવી છે કે ચણોઠીનું વજન દરેક તબક્કે નિશ્ચિંત રહેતુ હોય છે અને તે રતિ ભાર. આમ જ આપણી જિંદગીમાં આવતા સુખ દુઃખની માત્રા પણ નિશ્ચિંત રહેતી હોય છે અનિશ્ચિંત છે તેનો સમય. ક્યારે આવશે અને ક્યારે જશે તે અનિશ્ચિંત હોય છે.એનો અર્થ એ થયોને કે સુખ ની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવેજ છે.તેથી તો સુખમાં રત ન થવુ અને દુઃખમાં દીન ન થવું.
“એક વાતની તને ખબર છે? “જ્વલંતને સંબોધતા કલકતાનાં મિત્રે કહ્યું “ આ ઝેરી રાતા ફળનો ઉપયોગ જંગલમાં ભીલ લોકો તેમના તીર માં કરે છે જે શિકાર દરમ્યાન રાતી ચણોઠી પાયેલા તીર થી શિકારને મારવા કરે છે.
એક કીલો બરફી લઈને આવેલા જ્વલંતે કહ્યું” દીકરી આવી છે એટલે બરફી વહેંચી છે..ગુલાબી અને પોપટીયા લીલા રંગની.. જ્વલંતને આમેય પ્રસંગો પાત મિત્રોમાં મિઠાઇ વહેંચવાનું બહાનુ જોઇએ.”
એક નવું પ્રકરણ શરુ થયું હતું. બાપ બન્યો હતો તેનો હરખ અને ઘરમાં માંડવો આવશે તેમ એક ચિંતા પણ હતી. જિંદગી હવે અર્થપુર્ણ બની હતી. મા બાપ બનવાનો સહિયારો આનંદ જ્વલંત અને હીનાનાં હાસ્યોમાં સ્ફુટી રહ્યો હતો.
સંવેદન ૬ .રાખડી બાંધવા માટે ભાઇ
છઠને દિવસે ઢબુડીનું નામ તેની વસુધા ફોઇએ રોશની પાડ્યુ અને જ્વલંત અને હીના નું ઘર રોશન થઈ ગયું.તે બહુજ હસતી સુમતિ બા કહેતા જ્વલંત પણ આવું જ હસતો. સાચેજ સંતાનો આપણ ને આપણા ભૂતકાળમાં પાછા લઇ જતા હોય છે. જો કે હીના કાયમ એમ જ કહેતી હોય છે કે જ્વલંતનું હાસ્ય છીનવાઈ ગયું છે. મારી સાથે લગ્ન કર્યા પછી કોણ જાણે શું થયુ પણ તેનો તે ચહેરો રોશની એ લઈ લીધો છે.જ્વલંત કહે તેવું કંઈ નથી પણ ધંધો વિકસ્યો છે તે જાળ્વવા મથુ છું. પહેલી વખત ૬ આંકડાની આવક થઈ છે તેને સાચવવા માટે મથવું તો પડેને?
ઘરમાં ૨૫ વર્ષે રોશની આવી હતી તેથી સૌ તેને રમાડવા અને જમાડવામાં વ્યસ્ત હતા. હીનાને બીજું સંતાન જોઇતું હતું, જ્વલંત પણ તેના જામી ગયેલા કામ કાજ માં વ્યસ્ત હતો પણ હીના કહે અમે બે અને અમારા બેનું કામ થઈ જાય તો હું પાછી વ્યસ્ત થઈ જાઉંને? મને હવે એક નાનો જ્વલંત જોઇએ છે .જ્વલંત કહે સંસાર તો અસાર છે અને બીજુ સંતાન બાબો જ હશે તેવું કોઇ વિજ્ઞાન નથી. હીના કહે “જે હશે તે પણ રોશની ને રાખડી બાંધવા માટે ભાઇ તો જોઇએને?” સુમતિ બા પણ કહે “આ ધંધો જમાવે છે તે સાચવવા પણ દીકરો તો જોઇએજ ને?
*****