અંતિમ વળાંક - 4 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ વળાંક - 4

અંતિમ વળાંક

પ્રકરણ ૪

મૌલિકની દર્દભરી કહાની સાંભળીને ઇશાનની ઉંઘ ઉડી ગઈ હતી. મૌલિકે તો તેના ખુદના અનુભવના આધારે જજમેન્ટ આપી દીધું હતું કે ઈશ્ક,મોહબ્બત, પ્યાર એ બધું ફિલ્મોમાં જ હોય છે. વાસ્તવિક જીવનમાં તો આ બધાથી દૂર રહેવું જ સારું. મૌલિક પ્રથમ પ્રેમમાં જ દગાનો ભોગ બન્યો હતો. કહેવાય છે કે દગો કોઈનો સગો નહિ. દગો આપનાર વ્યક્તિ જેટલી દિલની નજીક હોય તેટલી પીડા વધારે. મૌલિકે કેટલી ઉત્કટતાથી નેન્સીને ચાહી હશે? કદાચ તેથી જ તે બોલ્યો હતો કે ગમે તેમ તો પણ નેન્સી મારી પત્ની છે. ભરી કોર્ટમાં હું તેને બદચલન કઈ રીતે સાબિત કરી શકું?

જોગાનુજોગ છેલ્લા અડતાલીસ કલાકમાં જ ઇશાન ઉર્વશીને દિલ દઈ બેઠો હતો. તેમાં ઇશાનનો વાંક પણ ક્યાં હતો ? ઉર્વશી હતી જ તેના નામ પ્રમાણે બિલકુલ ઇન્દ્રના દરબાર ની અપ્સરા જેવી. વળી ઉર્વશીએ પણ ઇશાન પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હતો. ઉર્વશી સુંદર હતી તો ઇશાન પણ ક્યાં ઓછો હેન્ડસમ હતો? બંનેના લગ્ન થાય તો જોડી ખરેખર જામે તેવી જ હતી ને ? ધીમે ધીમે ઇશાનના દિલ અને દિમાગનો કબજો ઉર્વશીના વિચારોએ લઇ લીધો હતો. ઈશાને બાજુમાં પડેલું એક એક્ષ્ટ્રા ઓશીકું છાતી સરસું ચાંપ્યું અને બીજું બે પગની વચ્ચે દબાવ્યું. જાણેકે તેના બાહુપાશમાં ઉર્વશી જ હોય તેવી ફેન્ટસીમાં ઇશાન સરી પડયો. થોડી વાર બાદ તેના મનના બેલગામ ઘોડાના તીવ્ર આવેગો શમવા લાગ્યા. ઇશાનની ઉતેજના પણ ક્રમશઃ શાંત પડતી ગઈ. ઇશાન ફરીથી વિચારે ચડયો.. શું ઉર્વશીની પ્રાપ્તિ જ તેના જીવનનું ધ્યેય છે? અંદરથી જવાબ આવ્યો... હરગીઝ નહી. સમજણો થયો ત્યારથી જીવનનો એક માત્ર ગોલ છે કે ગમે તેમ કરીને ફોટોગ્રાફીની દુનિયામાં એવું નામ કમાવું છે કે દુનિયાભરમાં લોકો તેને અને તેની કલાને સલામ કરે. ઇશાનને પપ્પા સાથેનો તે દિવસનો સંવાદ યાદ આવી ગયો.

“ઇશાન,તું સ્નાતક તો થઇ ગયો હવે માસ્ટર ડીગ્રી કરી લે”. સુમનરાયે ઇશાનનું રીઝલ્ટ આવ્યું તે જ દિવસે કહ્યું હતું. ઇશાનની મમ્મીને દસ વર્ષ પહેલાં કેન્સર ભરખી ગયું હતું. તે સમયે ઇશાનની ઉમર માત્ર દસ વર્ષ જ હતી. મોટાભાઈ ઇશાન કરતાં અગિયાર વર્ષ મોટા હતા. સગા સબંધીઓએ સુમનરાયને બીજા લગ્ન કરવા માટે ખૂબ સમજાવ્યા હતા. સૌ કોઈ એક જ વાત કરતા હતા કે સ્ત્રી વગરનું ઘર સ્મશાન જેવું કહેવાય. આખરે ઘરમાં સ્ત્રીનું આગમન થાય તે હેતુથી સુમનરાયે પોતે લગ્ન કરવાને બદલે મોટા દીકરા આદિત્યને વહેલો પરણાવી દીધો હતો. પ્રાયવેટ કંપનીમાં એકાઉન્ટ્સ લખતા આદિત્યનો પગાર ખૂબ ઓછો હતો. સુમનરાય ખાધે પીધે સુખી હતા. બેંકમાં મેનેજર હતા. “આદિત્ય, આર્થિક ખેંચની ચિંતા ન કરતો. હું બેઠો છું”. સુમનરાયે મોટા દીકરાને સધિયારો આપ્યો હતો. સદનસીબે સુમનરાયનાં ઘરમાં પુત્રવધૂનું આગમન ખરેખર લક્ષ્મીના સ્વરૂપે જ થયું હતું. જોગાનુજોગ આદિત્યની પત્નીનું નામ પણ લક્ષ્મી જ હતું. કહેવાય છે કે ભાભી મા સમાન હોય છે. ઇશાનનાં કિસ્સામાં તે કહેવત બિલકુલ સાચી પડી હતી. દસ વર્ષના ઇશાનને લક્ષ્મી ભાભીએ પુત્ર માનીને જ મોટો કર્યો હતો. વળી છેલ્લા દસકામાં ત્રણ સંતાનોની માતા બનવા છતાં ભાભીના ઇશાન તરફના પ્રેમમાં બિલકુલ ઓટ આવી નહોતી. જયારે પપ્પાએ ઇશાનને માસ્ટર ડીગ્રી માટે કહ્યું ત્યારે જવાબમાં ઈશાને કહ્યું હતું “ પપ્પા, મારે મુંબઈ જઈને ફોટોગ્રાફીનો ડીપ્લોમા કોર્સ કરવો છે”.

“ઇશાન, તેમાં કમાણી કેટલી થશે?” પપ્પાએ મુદ્દાનો સવાલ પૂછયો હતો. ઇશાન સમજતો હતો કે પપ્પાનો સવાલ બીલકુલ અસ્થાને નહોતો. મોટાભાઈના પરિવારનો આર્થિક ભાર મહદ અંશે પપ્પાની આવક પર જ નિર્ભર હતો.

“પપ્પા,કમાણી કેટલી થશે તેની તો મને ખબર નથી પણ એટલી જરૂર ખબર છે કે આ લાઈનમાં પૈસા બાયપ્રોડક્ટ છે. ફોટોગ્રાફીની લાઈનમાં હું સફળ જ થઈશ તેનો મને વિશ્વાસ છે”.

“ઇશાન, કદાચ નિષ્ફળતા મળે તો ?” પપ્પાએ ધારદાર પ્રશ્ન પૂછયો હતો. ઇશાનની વહારે મોટાભાઈ આવ્યા હતા. ”પપ્પા તમે તો જાણો જ છો કે ઇશાન બાળપણથી રમકડાંની બદલે કેમેરા સાથે જ રમ્યો છે. તેની આંખમાં ઘણા સપના છે”.

“આદિત્ય, એ તો જાણું જ છું. પણ જીવનમાં દરેક સપના પુરા થાય જ તે જરૂરી નથી હોતું”.

“પપ્પા,કદાચ એકાદ સ્વપ્ન તૂટશે તો એ ખંડિત થયેલા સ્વપ્નના ટુકડાને છાતી સાથે વળગાડીને બેસી રહેવાવાળો આ તમારો દીકરો ઇશાન નથી. હું તમને ખાતરી આપું છું કે હું ચોક્કસ સફળ જ થઈશ. માર્ગમાં ગમે તેટલા પ્રલોભનો આવશે તો તેના તાબે પણ હું નહિ જ થાઉં”. ઈશાનના અવાજમાં આત્મવિશ્વાસનો રણકાર હતો.

“શાબાશ બેટા, હું તારી પાસેથી આ જ જવાબ સાંભળવા માંગતો હતો”. પપ્પા વીસ વર્ષના ઇશાનને સજળનેત્રે ભેટી પડયા હતા. બાજુમાં ઉભેલાં મોટાભાઈ અને ભાભી પણ ભીની આંખે તે દ્રશ્યના સાક્ષી બની રહ્યા હતા.

બીજે દિવસે મુંબઈની ટ્રેનમાં બેસતી વખતે ઇશાને ચરણ સ્પર્શ કરીને પપ્પા, મોટાભાઈ અને ભાભીના આશીર્વાદ લીધા હતા. ટ્રેન ઉપડી એટલે ઈશાને જીન્સના પોકેટમાંથી વોલેટ કાઢીને મમ્મીના ફોટાને પણ વંદન કર્યા હતા. મુંબઈમાં ઇશાનનો અભ્યાસ જેવો પૂરો થયો કે તરત જ એક પછી એક એડ. ફિલ્મના શૂટિંગના કોન્ટ્રેક્ટ મળવા લાગ્યા હતા. ઇશાનને તેના કામને કારણે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો સાથે પણ પરિચય થવા લાગ્યો હતો. યુવાન ઇશાનને તેના હેન્ડસમ લૂકને કારણે મોડેલીંગની ઓફરો પણ મળવા લાગી હતી. જોકે ઇશાન તેના ગોલને વળગી રહ્યો હતો. મોડેલીંગથી તે દૂર જ રહ્યો હતો. ઢગલાબંધ એડ ફિલ્મો કરવાને કારણે ઇશાનની આવક પણ વધવા લાગી હતી. ઇશાન ખુદના ખર્ચ પૂરતી રકમ રાખીને બાકીની રકમ અમદાવાદ પપ્પાને મોકલી દેતો હતો. લંડનમાં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફીના એક્ઝીબીશનમાં ઇશાનના કેટલાક ફોટાને સ્થાન મળ્યું તે તેની સૌથી મોટી સફળતા હતી.

સાત દિવસના લંડનના રોકાણ દરમ્યાન ઇશાન અને ઉર્વશી અત્યંત નજીક આવી ગયા હતા. બંને વચ્ચેનો પ્રેમ હવે લગ્ન સુધી પહોંચવા માટે અધીરો બન્યો હતો. આખરે ઈશાને મૌલિકને તેના ઉર્વશી સાથેના પ્રણયની વાત કરી હતી. “ઇશાન, તારી જિંદગી છે. તારે જ જીવવાની છે. તેમ છતાં એક વાર ઉર્વશી સાથે મારી મુલાકાત તો કરાવ”

“શ્યોર, મૌલિક તું હા પાડીશ પછી જ હું આગળ વધીશ કારણકે તું જ મારો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છો. ” ઇશાન બોલી ઉઠયો હતો. “ સાલા મજાક કરે છે? જાણે હું ના પાડું તો તું ખરેખર ઉર્વશીને રીજેક્ટ કરી દેવાનો હોય તેવી વાત કરે છે. ” મૌલિકે ઇશાનનો કાન આમળ્યો હતો. ઇશાનનો ગોરો ચહેરો શરમથી લાલ થઇ ગયો હતો. મૌલિક જયારે ઉર્વશીને પહેલી વાર મળ્યો ત્યારે તેણે પણ ઉર્વશીની આંખમાં ઇશાન પ્રત્યેનો અતૂટ સ્નેહ ભાળ્યો હતો. “દોસ્ત , મારા કિસ્સામાં જે બન્યું તે તારા કિસ્સામાં નહિ બને તું ખરેખર નસીબદાર છે”. મૌલિકે ઘરે આવીને ઇશાનને કહ્યું હતું. ઇશાન મૌલિકને ભેટી પડયો હતો. ખાસ્સી વાર સુધી ઈશાન મૌલિકથી અળગો ન થયો ત્યારે ઈશાને મજાકના સૂરમાં કહ્યું હતું “ઈશાનિયા, બહુ થયું. મને છોડ હવે. હું તારી ઉર્વશી નથી. બંને મિત્રો હસી પડયા હતા. બંનેની આંખમાં આંસુ ઉભરાયા હતા. ઇશાનની આંખમાં માત્ર હર્ષના આંસુ હતા જયારે મૌલિકની આંખમાં હર્ષની સાથે નેન્સીને ગુમાવ્યાનો વિષાદ પણ ભળ્યો હતો.

માત્ર એક મહિના બાદ અમદાવાદમાં જ ઇશાન અને ઉર્વશીના લગ્ન ધામેધૂમે થયા હતા. રજાની સમસ્યાને કારણે મૌલિક ઇન્ડિયા આવી શક્યો નહોતો. ઇશાનના વરઘોડામાં આદિત્ય અને લક્ષ્મીભાભી ત્રણેય બાળકો સાથે નાચ્યા હતા. સુમનરાયની આંખમાં પત્નીની યાદમાં થીજી ગયેલા આંસુ ઉભરાયા હતા.

સમયનું ચક્ર ફરતું ગયું હતું. દિવસો મહિનાઓમાં અને મહિના વર્ષોમાં તબદીલ થઇ ચૂક્યા હતા. ઇશાનનું ઉર્વશી સાથેના લગ્નજીવનનું આયુષ્ય માત્ર ચૌદ વર્ષનું જ રહ્યું હતું. લગ્નના જે આલ્બમમાંથી ઉર્વશીએ ઇશાનના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો તે જ ઘરમાંથી ઉર્વશી છેલ્લા એક વર્ષથી આલ્બમનો ફોટો બનીને રહી ગઈ હતી. હા.. આજે ઉર્વશીના અવસાનને એક વર્ષ પૂરું થઈ ગયું હતું. ચાલીસ વર્ષનો ઇશાન દિલમાં ઉર્વશીની યાદ અને બેગમાં તેના અસ્થિને લઈને લંડનથી અમદાવાદની ફ્લાઈટમાં ઉડી રહ્યો હતો.

ક્રમશઃ