દિક્ષાના નાકને ટેરવે યાદોનું સપ્તરંગી એક પતંગિયું રમતું'તું, આવી ને બેસી ગયું અને એની વાક્ધારા વહી નીકળી. એની ભૂતકાળની પળોજણમાં અમ્માય રેલાતી આંખે એની સાથે સાથે વહેતાં ગયાં.. સઘડી સંઘર્ષની....
ક્યારેક ક્યારેક કુદરતને પણ સંબંધોની આકરી કસોટી કરવામાં લિજ્જત આવતી હોય છે. અને પ્રસંગો જ એવા ઘટે કે પ્રભુ પરથી વિશ્વાસ ઉઠી જાય.
દિક્ષાના ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી અને અમ્મા આવન જાવન કરતી ભાવોની ભરતી અને ઓટમાં ઢસડાતા રહ્યાં.
"અમારી બાળકની ઈચ્છા ઈશ્વરે પૂર્ણ કરી દીધી હતી. 'હું મા બનવાની છું' જ્યારે એવા સમાચાર આપ્યા ત્યારે વિરુની ખુશીઓ આસમાન ચૂમવા થનથની રહી હતી. એ પછી તો બને એટલો પોતાનો ઘણો ખરો સમય મારી સાથે જ વિતાવા લાગ્યા હતા. મારી ખૂબ કાળજી પૂર્વક સાર સંભાળ રાખતા.
શરૂઆતની પ્રથમ પ્રેગ્નેન્સી હોવાથી, 'પૂરતી કાળજી લેવી અને બિલકુલ બેડ રેસ્ટ કરવું..' ડૉક્ટરનું સૂચન હતું. એવા સંજોગોમાં ઑફિસના અઢળક કામના બોજા હેઠળ, સાથે સાથે ધરની જવાબદારી પણ વિરુએ પોતાને માથે લઈ લીધી હતી. એ સઘળું બખુબી નિભાવતા હતા. વિરુ થાકીને લોથ થઈ જતા પણ ફરિયાદને કોઈ સ્થાન ન આપતા.. આમ બીજો મહિનો પૂરો થવા આવ્યો હતો અને ત્રીજો મહિનો પૂરો થવા આવે એટલે અમ્માને સમાચાર આપવા એવું નક્કી થયું. કેમકે તમને ચિંતા ન થાય..
બાળકના સપના જોવામાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ ગયા એ ખબર જ ન રહી અમને! બાળક આવવાની અમારી ખુશીઓ આકાશ ચૂમી રહી હતી, પણ એ અમારી ખુશીઓ નઠારી નીકળી.
ચોથા મહિનાની શરૂઆત પહેલાં રુટીન ચેક અપ કરાવવા ડૉક્ટર પાસે જવાનું જ હતું.. અને આગલી રાત્રે અચાનક જ બ્લીડિંગ શરૂ થઈ ગયું. રઘવાયો રઘવાયો ને ગભરાયેલો વિરુ દોડાદોડ કરીને ઉંચકીને મને હૉસ્પિટલમાં લઈ ગયા. પણ ડૉક્ટરના અઢળક પ્રયત્નો કામ ન લાગ્યાં..
વિરુની ખૂબ કાળજી રાખવા છતાંયે બાળકનો પ્રોગ્રેસ અટકી જવાને કારણે ત્રણ મહિનાનું બાળક પેટમાં સૉર થઈ ગયું હતું.."
આવી ક્ષણે અમ્માની વાચા હરાઈ ગઈ હતી. નિરવ શાંતિની પળોએ જમાવડો કરી દીધો હતો. વચ્ચે વચ્ચે દિક્ષાના ડુસ્કા સંભાળાઈ રહ્યાં હતાં. અમ્માના ધબકારા તેજ ગતિએ વધી રહ્યાં હતાં.
સાંજ આજે જલ્દી ઘેરી બનવા ઉતાવળી થઇ ગઈ હતી. સૂરજ વાદળો તળે સંતાઈને ભીની આંખો સંતાડવાની કોશિશ કરી રહ્યો હતો અને બે ચાર વાદળાં તો વેદનાથી પોક મૂકીને વરસી પડ્યા હતાં .
નિરવ શાંતિ માત્ર પવનના સુસવાટાના અવાજથી તૂટતી હતી . અને શાંતિની પળો લંબાતાં બારીએ બાજી પોતાના હાથમાં લેવાનું જાણે નક્કી કરીને ધડામ્ કરીને પછડાટ ખાધી.
દિક્ષા, અમ્મા તરફી પીઠ કરીને બારી પાસે જઈને બહાર વાતાવરણમાં આવેલા પલટાને જોતી આગળ વહી નીકળી.
"સમય તો વહેતો રહ્યો.. પ્રેમ, હૂંફ, હેત, લગાવ, લાગણી, માયા બધું જ યથાવત્ હતું, સાથે રહી ગઈ હતી અઘાતી ઘટનાની હાજરી, એ માત્ર ખટકતી હતી..
એ ત્રણ મહિનાની પ્રેગ્નન્સી દરમિયાન જોયેલા બાળકના સુંદર સપના જાણે ઘડીકમાં ચકનાચૂર થઈ ગયાં હતાં. આ ઘટનાથી વિરુ ને હું અત્યંત હચમચી ગયાં હતાં. સમય કાઢ્યાં સિવાય કોઈ છૂટકો નહોતો. ડૉક્ટરના કહેવા પ્રમાણે, અમારે હવે ઓછામાં ઓછું એક વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે એનું ધ્યાન રાખવાનું હતું..
અમારે હવે આ સમય કેમ પસાર કરવો એ મોટો વિષય હતો.. કોઈ આધાર વિના જીવવું હવે અમારા માટે અઘરું થઈ પડ્યું હતું.. એ કુણી કુણી ભીની કુંપળ ત્રણ મહિના સુધી મ્હારા મહીં મ્હોરી અને 'આવજો' કહીને આમ અચાનક એક ક્ષણમાં જ ચાલી જશે એ તો સ્વપ્નેય વિચાર્યુ નહોતું.. ડૂબતા હૈયે વિરુએ પણ આ હકીક્તને સ્વીકારવા સિવાય છૂટકો નહોતો.. દિવસો ભૂલવા અમારી જીવન નૈયા જ્યાં ત્યાં વહી રહી હતી..
આવાં વિષ વમળો ભર્યા સમયથી ઘેરાયેલા અમે સાંજોની સાંજો એકલા અટૂલા ગુજારી નાખતાં. મનને આઘાત આપતી નાજૂક શૂન્યતાની પળો અમે અનુભવી રહ્યાં હતાં.. આવા દિવસોમાં પુસ્તક હાથમાં પકડું તો અક્ષરો જાણે મારાથી છૂટવા છટકબારી શોધતાં.. પુસ્તકોમાંના અક્ષરો નાચતા હોય એવું ભાસતું. હું વાંકાચૂકા માર્ગે ભટકી પડતી. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રવેશ્યા પછી બીજી જ પળે મને તેમાંથી છટકી જવાનું મન થઈ આવતું..
મન હળવું કરવા અમારી પ્રિય રેસ્ટોરન્ટમાં જતાં તો તેની અંદર વહેતું સંગીત અમારા જ્ઞાનતંતુઓને અકળાવી નાખતાં.. ગાર્ડનમાં જઈએ તો ફૂલો અમને નિર્દય ભરી દ્રષ્ટિએ જોઈ રહેતાં. ફૂલોને જોઈને આકર્ષણ થતું.. મનમાં આનંદ રેલાતો અને મસ્તિષ્ક, એ સૂક્ષ્મ સૌંદર્યથી અંજાય એ પહેલાં સુન્ન ઊભું રહી જતું.. સાંજ પડતી તો કેસરી આકાશ સળગતું હોય એવું ભાસતું.. બસ અમે સ્તબ્ધ બની બેસી રહેતાં..
છતાંય મને શ્રદ્ધા હતી કે સમયમાં અનેક ઘા રુઝાવી નાખવાની તાકાત હોય છે.. છેવટે ડૉઢેક વર્ષ પછી એ સમય આવી ગયો હતો..
ફરી પ્રેગ્નન્સીની જાણ થતાં જ મેં મનોમન કેટલીયે બાધાઓ માની લીધી હતી.. કાન્હાજીનો આભાર માની લીધો.. અમ્મા તમારી સલાહ સૂચન મુજબ ખાવા પીવાથી માંડીને દરેક વસ્તુનું ડગલે ને પગલે સતત ધ્યાન રાખતાં હતાં અને અમે આગળ વધતાં ગયાં..
દિવસોના દિવસો હું મારો સમય ઘરમાં જ વિતાવતી.. વિરુ તો ડગલે ને પગલે સતત તમારું નામ વટાવી ખાતા હતા.. 'જો અમ્માએ આ વસ્તુ ખાવાની કહી છે અને આ તો બિલકુલ નથી ખાવાનું..' એમણે મારા માથાનો દુઃખાવો વધારી દીધો હતો.. મને મન થાય એ ખાવા જ ન દે.. પણ મને ગમતું! આમ એમનું વધારેને વધારે ધ્યાન મારામાં જ રહેતું.., હું પણ અત્યારે પહેલાંની દુઃખદ ઘટના ભૂલી પોતાનું બધું ધ્યાન આવનાર બાળક તરફ કેન્દ્રિત કરી એના સપનાં જોવા લાગી હતી..
એકવાર વિરાજ અને મારા વચ્ચે મીઠી રકઝક થઈ ગઈ.. ‘મેં કહ્યું બેબી બોય આવશે અને વિરાજ કહે ના બેબી ગર્લ આવશે.!!’ આખરે બંને વચ્ચે નક્કી થયું કે જો બેબી બોય આવે તો 'આયુષ' નામ રાખવું અને બેબી ગર્લ આવે તો 'યેશા' નામ રાખવું.. જોકે પાંચ મહિના પછી 'બેબી બોય છે!!' એવું ડૉક્ટરોએ પહેલેથી અમને જણાવી દીધું હતું..
પછી તો અમારા સુખદ્ દિવસો આનંદની છોળો ઉડાડતાં આવી પહોંચ્યા હતાં.. બરાબર નવ મહિના પૂરાં થયાં અને ઈશ્વરે મારા ખોળે એક સુંદર દીકરાને જન્મ આપ્યો.. પહેલેથી જ નક્કી થયા મુજબ દીકરો આવે તો 'આયુષ' નામ રાખવામાં આવ્યું. અમારા જીવનમાં હૂંફાળી લીલી એવી લાગણીની લહેરખી નોંધાઈ ગઈ હતી..
આયુષ દિવસે ન વધે એટલો રાત્રે વધતો હતો.. હું એના લાલન પાલનમાં રાત દિવસ લાગેલી રહેતી અને ઘર સંભાળતી. વિરાજનો પણ દિવસે દિવસે પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો.."
આયુષના આગમનની ખુશી વચ્ચે અમ્મા થોડા હળવાશ અનુભવી રહ્યાં. ઊભા થઈને દિક્ષાને માથે હાથ ફેરવી પાણી પાયું. એમણે થોડીઘણી સાંતા અનુભવી.
"આમ જ આયુષના બાળપણ સાથે અમે બાળક બની આનંદિત ક્ષણો લુંટતા.. વસંતની આંગળી પકડીને તો બાગ ખીલે છે... અમે એની સાથે સાથે ખીલખીલાટ ખીલીને મહેંકી ઊઠ્યાં હતાં
.. આમ ક્યાં સમય નીકળતો ગયો ખબર જ ન પડી.. એ દિવસે આયુષની પાંચમી વર્ષગાંઠ હતી
દર વર્ષે અમે આયુષની બર્થ-ડે પાર્ટી ઉજવતાં જ..અને યાદ રાખીને એ દિવસે તો તમને અચૂક ફોન કરીને તમારી સાથે ખુશીઓ વહેંચતા હતાં.. આયુષ આજે ચાર વર્ષ પૂરાં કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કરવાનો હતો અને એ દિવસે આયુષની બર્થ-ડે પાર્ટીમાં કેક કટિંગ કરીને વિરુને હું એક સરપ્રાઈઝ પણ આપવાની હતી..
બધાં મહેમાન મિત્રોને આમંત્રણ આપાઈ ગયું હતું. સાંજે સાત વાગ્યાથી શરૂ થવાની હતી એ પાર્ટીમાં વિરુની ઓફિસમાંથી એમના મિત્રો અને બે ત્રણ મારી સખીઓને આમંત્રિત કરવામાં આવી હતી.."
વિચારો અને લાગણીઓની રેખાઓ વચ્ચે અમ્મા કોઈ વાર ખૂબ ઊંચે ચડાઈ કરી આવતાં. તો કોઈ વાર ધડામ્ દઈને ખૂબ નીચે પણ પટકાઈ પડતાં હતાં. આવી પરિસ્થિતિમાં કોણ કોને આશ્વાસન આપે!! ©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 37 માં શું દિક્ષા આનાથી પણ કોઈ ભયંકર અઘટિત ઘટના કહેવા જ ઈ રહી છે..??