તૂટેલા પિતા...
આમ તો અમે બે ભાઇઓ. નાનો ભાઈ રાજ અને હું દીપ. મારા પપ્પા ન હતા. મારા મમ્મી ગામ માં ઘરે ઘરે જઈ કચરા - પોતા, વાસણ વગેરે કામ કરવા જતાં અને હું એક નાની હોટેલ માં વેઇટર તરીકે કામ કરતો. અને જે કંઈ થોડા ઘણા પૈસા આવતા તેનાથી પેટ ભરતાં અને નાના ભાઈ ને ભણાવતા.
એક દિવસ હોટેલ માં એક કોઈ ધનાઢ્ય વ્યક્તિ આવ્યા. તેણે ઓર્ડર કર્યો, 2 કપ કોફી. હું 5 મિનિટ માં કોફી લઈ ને તેના ઓર્ડર મુજબ આપી ને આવ્યો. થોડી વાર માં જ બહાર થી ચીસ સંભળાઈ " આ શું છે તમારી કોફી માં માખી છે." અને તેની સાથે રહેલા તેના મિત્ર એ કહ્યું "અને આનો સ્વાદ પણ ખૂબ ફિક્કો છે". આમ કહી એ બન્ને લોકો એ મને સંભળાવવાનું શરૂ કર્યું. હું ચૂપ ચાપ બધું જ સાંભળતો રહ્યો , હું કશું જ ના બોલ્યો.
એટલા માં જ બાજુના ટેબલ પર થી અવાજ આવ્યો " સર, તમે શાંત થાઓ અને ભૂલ એ વેઈટર ની નથી. તમે જ મોબાઇલ માં ધ્યાન રાખ્યું ત્યારે તમારી કોફી માં માખી પડી". આ બાજુના ટેબલ પર બેઠેલો વ્યક્તિ એક વૃદ્ધ હતા. અને તેના કપડા પરથી દેખાઈ આવતું હતું તે પણ એક ખૂબ જ ગરીબ કુટુંબ માંથી હશે. ધનાઢય વ્યક્તિ તેને પણ કહેવા લાગ્યો અમારા બન્ને વચ્ચે ના પડીશ. અને આમ કહી તેણે તે કોફી મારા મોઢા પર ફેંકી અને જતા રહ્યા.
ત્યારે આ વૃદ્ધ એ પોતાના તૂટેલા ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને મારું મોઢું સાફ કરી ને મને કહ્યું, આ વ્યક્તિ તમને એટલી બધી ખરી ખોટી કહેતા છતાં તમે કેમ કશું જ ના બોલ્યાં? ત્યારે મેં જવાબ આપ્યો " એ લોકો માટે માત્ર પૈસા જ સર્વસ્વ છે, તેને લોકો સાથે કેવું વર્તન કરવું તેની ખબર પડતી નથી તો આપણે શાં માટે ખોટું એના મોઢે લાગી ને વાત વધારવી."
તે વૃદ્ધ પછી થોડી વાર વિચારમાં પડ્યો. મેં પૂછ્યું દાદા તમે શું વિચારો છો? તો તેણે કહ્યું કઈ નહિ બેટા ! પછી મેં પણ કંઈ ના પૂછ્યું તે દાદા ને ચા પીવડાવી અને તેના પૈસા મે માલિક ને મારા પગારમાંથી કાપી લેવા કહ્યું. તે વૃદ્ધ પણ કંઈ જ ન બોલ્યાં કે બેટા હું પૈસા આપી દઈશ. તે ઉપરથી મને સમજાય ગયું કે કદાચ એ દાદા આગળ પૈસા નહિ હોય.
પછી તો તે વૃદ્ધ વ્યક્તિ દરરોજ ત્યાં આવવા લાગ્યા. ક્યારેક તેની આગળ પૈસા હોય તો આપી ને જતાં અને ક્યારેક હું મારા જ પગાર માંથી કપાવતો. તેની સાથે મારી ખુબ જ સારી લાગણી બંધાઈ. ક્યારેક તો તેની સાથે વાત કરી ને મારું મન હળવુંફૂલ થઇ જતું. મેં એક વાર પૂછ્યું "દાદા તમારા પરિવાર માં કોણ કોણ છે?" તેણે કહ્યું "બેટા હું એક જ છું, અને હા, મારો એક દીકરો છે. તેને મે ભણાવી ગણાવી ને ઉછેર્યો છે, તેની માં તો તેના નાનપણ માં જ સ્વર્ગવાસ પામી છે. તેને મે માં ની કમી પણ ક્યારેય રહેવા નથી દીધી. પણ એ મને મૂકી ને તેની પત્ની સાથે અમેરિકા ચાલ્યો ગયો છે." ( એટલું બોલી તે રડી પડ્યા.)
મેં આશ્વાસન આપતા કહ્યું "દાદા તમે રડો નહિ. હવે તમે મને દીકરો કહી ને બોલાવી શકો છો.". પછી તો તે દાદા પણ મને દીકરા ની જેમ રાખતા ક્યારેક મારે જરૂર પડતી ત્યારે તે દાદા મારી સાથે જ ઊભા હોય. તેણે મારા માથા પર હાથ રાખી ને કહ્યું જા બેટા તું ખૂબ આગળ વધે મારી દુઆ તારી સાથે છે.
થોડા વર્ષો બાદ મે મહેનત કરી ને સારી એવી જગ્યા એ નોકરી મેળવી લીધી. કંપની માં મારા સારા કાર્ય ને કારણે મને ઊંચી પોસ્ટ પર રાખવામાં આવ્યો. અને મારે 3 મહિના માટે વિદેશ જવાનું થયું. હું તે દાદા ને મળવા ગયો મે આ બધી જ વાત દાદા ને કહી. દાદા રડી પડ્યા અને બોલ્યાં " એક દીકરો તો પેલા જ જતો રહ્યો, હવે બીજો પણ મૂકી ને જતો રહેશે." મે કહ્યુ "ના દાદા મારી પર વિશ્વાસ રાખો , હું પાછો જરૂર આવીશ." ( મે દાદા ને વચન આપ્યું. )
હું મારું વિદેશ નું કામ કરી ને પાછો ભારત આવ્યો. અને મારા મમ્મી અને મારા ભાઈ ને મળ્યા પહેલા જ હું તે વૃદ્ધ દાદા ને મળવા ગયો. દાદા મરણ પથારી એ પડ્યા હતા. મે કહ્યુ "હું તમને કઈ જ નહિ થવા દઈશ. તમારો ઈલાજ સારામાં સારી હોસ્પિટલ માં કરાવીશ. " પણ દાદા એ કહ્યું "ના બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મારો જવાનો સમય આવી ગયો છે, બસ તે મને આપેલું વચન પૂરું કર્યું એ જ મારા માટે ઘણું છે." બસ આટલું બોલતા ની સાથે જ દાદા નો જીવ ચાલ્યો ગયો. હું ખૂબ જ રડ્યો. મને એ વૃદ્ધ દાદા ની દુઆ એ એક સારું જીવન આપ્યું અને મને દીકરો માન્યો, તો પણ હું મારા જીવન નો હિસ્સો તેને ના બનાવી શક્યો. આ એક વાત મારા મન માં રહી ગઈ.
પછી સમય વીતવા લાગ્યો. મારે એક કામ થી બહાર જવાનું થયું. હું ગયો અને એક વાર બપોર ના સમયે હું ત્યાં કોઈ અજાણી હોટેલ માં જમવા ગયો. મે બહાર મારી ગાડી પાર્ક કરી ને ગાડી માંથી બહાર આવ્યો ત્યારે અચાનક જ એક વ્યક્તિ પાણી ફેંકવા ગયો ને મારા મોઢા પર આવ્યું. મે કહ્યુ કઈ જ વાંધો નહિ. મે સાફ કર્યું. અચાનક જ એ વેઇટર મારી બાજુમાં આવી ને ઉભો રહ્યો અને બોલ્યો સોરી સર. મે તેની સામે જોયું તો હું એને ઓળખી ગયો હતો. તે પેલો ધનાઢ્ય વ્યક્તિ જ હતો જેણે મારા મોઢા પર કોફી ફેંકી હતી. મે કહ્યુ ના આ તો તમારા થી અજાણ્યે ભૂલ થઈ ગઈ છે એમાં સોરી કહેવાની કઈ જરૂર નથી. તેણે કહ્યું ના સર આ માફી અત્યાર ની ભૂલ માટે નથી આ 8 વર્ષ પહેલાં ની ભૂલ માટે છે. મે કહ્યુ "કઈ જ વાંધો નહિ ભૂલ તો દરેક થી થાય જ છે. બસ ખાલી એ ભૂલ જાતે સ્વીકારે એ જ વ્યક્તિ જિંદગી સારી રીતે જીવી જાણે છે" મારા કઈ જ પૂછ્યા વગર એણે મને કહ્યું " બેટા, મારા દીકરા ના નામે મે મારી બધી જ મિલકત કરી નાખી અને થોડા જ સમય માં તેણે મને કાઢી મૂક્યો."(આટલું બોલતા જ તે વ્યક્તિ રડી પડ્યો.) ત્યારે મેં કહ્યું "જીવન માં સુખ દુઃખ તો આવ્યા જ કરે, બસ આપણે એમાંથી નીકળવાનો રસ્તો શોધવાનો હોય છે." એટલું કહી હું હોટેલ માં અંદર ગયો, અને ઓર્ડર કર્યો.
હું હોટેલ માંથી જમીને બહાર નીકળ્યો ત્યારે એ વ્યક્તિ મારી પાસે આવ્યા અને કહ્યું "બેટા આ મારો નંબર છે, જો તને કઈ વાંધો ના હોય તો ક્યારેક ક્યારેક મને ફોન કરજે. હું પણ માનીશ કે મારો દીકરો મારી સાથે વાત કરે છે."
પછી તો હું પણ ક્યારેક ક્યારેક ફોન કરતો અને એ જાણે તેના સગા દીકરા સાથે વાત કરતા હોય એવી રીતે તેઓ મારી સાથે બધી જ વાતો કરતા. તેને પણ મારી સાથે લાગણી બંધાઈ ગઈ. એક વાર તેમણે મને કહ્યું " બેટા પેલો વૃદ્ધ તને મળે તો મારે તેની માફી માંગવી છે." મે વૃદ્ધ દાદા ની બધી જ વાત કરી અને કહ્યું કે તેઓ હવે આ દુનિયા માં નથી રહ્યા. ત્યારે તેણે મને કહ્યું કે "બેટા તે બે તૂટેલા પિતા ને સંભાળ્યા છે, બેટા જ્યારે પોતાનો જ દીકરો ઠુકરાવી દે છે ત્યારે એક પિતા સાવ તૂટી જાય છે. તે આ તૂટેલા પિતા ને સાચવ્યા છે." આ વાત સાંભળી મને પણ ખુશી થતી.
~પ્રાપ્તિ આહીર.