Fifty Percent books and stories free download online pdf in Gujarati

પચાસ ટકા

[29 April – સવારે 7.30 વાગ્યે]

“અરે સાંભળો છો ? હવે ક્યાં લગી રેડિયો કાને વળગાડેલો રાખશો ? હાલો જટ, ચા ઠરી જાહે”

“મંગુ, લાગે શે સરકાર માઈ-બાપ હવે કૈંક આ લોક-ડાઉનનું કરશે. હવે તો બધી હોપીશો ચાલુ થાય તો હારું, આપણી જેમ કેટલાયના ચુલા ટાઢા હઈશી”

“હોવે, હંધાય તમારા જેવા નો હોય. આ સરકાર ને પેલી સંસ્થાઉ વારા બધું દેવા આવે શે, તે એક વાર લઇ આવશો તો કંઈ નાના બાપના નહિ થઇ જાવ”

“હવે ક્યાં જાજા દી’ કાઢવાના શે ? આઈજ ઓગન્ત્રીસ તો થઇ, ત્રીસ, પેલી, બીજી અને ત્રીજી... તઈણ દી’ આડા શે”

“ભૈશાપ તમે વરી પાશો રકાબીમાં ચા લીધો...? ડોહું હાથ ધરુજે શે તો વાઈટકામાં ચા લેતા હોય તો !”

“ઈ તને નો ખબર પડે, હું નાનપણથી જ આમ અડારીમાં જ ચા પીવું શું, હવે મને તારા ઈ વાઈટકામાં નો ફાવે”

“હવે આ ફાવે ને ઓલું ફાવે ઈ મુકો ને લપ, ડોહું ૬૨મું જાય હે હવે તો”

“એ હેં મંગુ ! આશિષનો ફોન હવે તો એક વાર આવવો જોય, નહિ ?”

“હવે ભૂલી જાવ તમારા ઈ દીકરાને, પેટનો જઈણો જ પોતાના માવતર હામું નો જોવે તો પારકા પાહે તો શું આઇશા રાખવી ?”

“મંગુ તું ઢીલી નો થા, મારો દિનોનાથ હઉ હારાવાના કરશે, બિચારા આશિષની ય નોકરી જતી રહી હઈશી, નકર એક વાર તો ફોન કરે ને ?”

“આટલા વખતમાં એક વાર પણ તેને ભાળ લીધી કે મારા માં-બાપ કેવી રીતે દી’ કાઢે શે ? અરે જીવે શે કે નહિ ઈ પણ ફોન કરીને પુઈશું ? ઠેઠ ૪ વરહ મોર તમને ટાઈફોડ થ્યો’તો તે’દી ફોન આઈવો’તો, તે’દીની ઘડી ને આઈજનો દી’ હમ ખવાય ગગાએ એક ફોન નથી કઈરો”

“મંગુ, આ મોબાઈલમાં બેલેન્સ તો પૂરું નહિ થઇ ગ્યું હોય ને ?”

“હોવે, હમણાં કાઈલ જ તમારા ઈ પટેલ સાહેબનો ફોન આઈવો’તો. મજાના વાત કરતા’તા તમે તો. ભૂલી ગ્યા ?”

“મું હું કહું ? ઘરમાં હવે કેટલા દી’ હાલે એવું શે ?”

“બસ હવે થોડા દી’ હાલે એટલું શે, શાખ તો નામે ય નથી અને ચાની ભૂકી પણ થોડીક વઈધી શે”

“મારા દીનાનાથ રક્ષા કરજે... હઉની”

[1 May – સવારે 11 વાગ્યે]

નમસ્કાર ! આકાશવાણીનું આ વિવિધ ભારતી કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં કોરોના મહામારીને લીધે જનજીવન ઠપ થઇ જવા પામ્યું છે. કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તેની રસી શોધાવાના કોઇજ એંધાણ નથી. વિચારકોનું માનવું છે કે જો આવી જ પરિસ્થિતિ વધુ સમય રહી તો દેશની ઇકોનોમી પડી ભાંગશે અને અર્થતંત્રને સારું એવું નુકશાન થશે. સરકારશ્રીના આદેશ મુજબ તારીખ 3 મેં થી કેટલાક ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાનો તેમજ લઘુ ઉદ્યોગો શરુ થઇ શકશે. તેમ જ આઈ.ટી. જેવી કંપનીઓ અડધા સ્ટાફ સાથે શરુ થઇ શકશે. સાવચેતીમાં કોઈ જ બાંધછોડ નહિ થાય, માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને સોશીયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે...

“ભૈશાપ, તમે મારું માનો, આમ હરિશ્ચંદ્રના દીકરા થાવમાં ને થોડું અનાજ લઈ આવો, હંધાયને દીયે શે”

“મંગુ, આપણે ઓછું ખાઈશું, એમાં મરી થોડા જઈશું. થોડાક દી’ શે ને ? એક વાર મારી નોકરી ચાલુ થાય એટલે શેઠ પાહેથી ઉપાડ પણ મળી જશે”

“હા, હુંય એની જ રાહ જોઉં શું, પણ તમારી નોકરી ચાલુ કેદી’ થાઈશી ?

“જો આ રેડિયામાં ખબર આવે છે કે કાંઇક અરધી હોપીશો ચાલુ થઇ જાહે”

“એવું કેવું ? અરધી ચાલુ થાય ને અરધી નો થાય !?”

“અરે મંગુ, અરધી એટલે અરધા લોકોને આવવાનું અને બાકીનાને ઘેરે રહીને કામ કરવાનું એમ, બાકી હોપીશ તો આખી જ ચાલુ થશે”

“તો મું હું કહું ? તમારે ય તઈ ઘેરે રે’વાનું નહિ થાય ને ?”

“અરે ગાંડી, ઈ તો મોટા મોટા પગાર વાળા સાહેબોને ઘેરે રહીને કામ કરવાનું હોય, મારા જેવા પટાવાળાને તો જાવાનું જ હોય ને !?”

“હવે તો જટ તમારી નોકરી ચાલુ થાય ને કંઇક કાવડિયા આવે તો હારું”

“હઉ હારાવાના થાહે, તું બહુ ઉપાધી નો કઈર”

[1 May – સાંજે 5 વાગ્યે]

ઓમ જય જગદીશ હરે.... ભક્ત જનો કે સંકટ....

“મંગુ, મારો ફોન લાવજે તો”

“હા, લ્યો. કોનો આશિષનો છે ?”

“હાલો !”
“હં, જંતીભાઈ ?”

“હાં, બોલો સાહેબ”

“કેમ છો મજામાં ? તબિયત તો સારી છે ને ?”

“હા સાહેબ, આપની મહેરબાની”

“હવે આપણી ઓફીસ ત્રીજી તારીખથી શરુ થાય છે. આમ તો સ્ટાફ અડધો કરવાનો ઉપરથી સાહેબનો ઓર્ડર આવ્યો છે, પણ પટાવાળાની બેઉની જરૂર પડશે કે કેમ તે હું વિચારું છું ?”

“સાહેબ, એક વાત કહું ? થોડો ઉપાડ મળશે ? હમણાં બહુ ખેંચ છે ?”

“અરે જંતીભાઈ, નોકરી મળશે કે કેમ એ પૂછો ! ઉપાડની તો ક્યાં વાત કરો છો ?”

“કેમ સાહેબ આવું બોલો છો ?”

“હસતો વળી, સારું ચાલો હું તમને કાલે ફાઈનલ જણાવું, મારે હજુ પેલા પરમારને પણ ફોન કરવાનો છે”

“સાહેબ, પરમારને આવવાનું થશે, હોપીશે ?”

“જોઈએ હવે જો અડધો સ્ટાફ થશે તો તમે અથવા પરમાર બે માંથી એકે આવવાનું થશે. બેઉનું તો નહિ મેર પડે”

“સાહેબ, મહેરબાની કરજો મારી ઉપર. મારું થાય એવું કંઇક કરોને માલિક”

“સારું ચાલો જોઉં છું. હું તમને કાલે ફોન કરું. જય રામજી કી”

“જય રામજી કી”

“શું થયું ? તમારા સાહેબનો ફોન હતો ?”

“હા, હતો તો સાહેબનો ફોન પણ કહે છે કે સ્ટાફ અડધો થઇ ગયો છે એટલે કદાચ તમારા બેઉ પટાવાળામાંથી એકની જ જરૂર પડશે”

“તમે આમ ઢીલા ના થાવ, તમારી હોપીશ ચાલુ નો થાય તો બીજે ક્યાંક કામ મળી જાહે”

“અતાણે આ કોરોનાનો રોગ આઈવોશે એમાં કોણ કામે રાખે મને ?”

“ભગવાન સહુનું ભલું કરશે”

[2 May – સવારે 7.30 વાગ્યે]

“કેમ મંગુ આજે ચા નો બનાઈવો ?”

“ક્યાંથી બનવું ? નથી દૂધ કે નથી ચાની ભૂક્કી”

“સારું લે આ દસ રૂપિયા, છેલ્લા છે હો. થોડું દૂધ લઇ આવ. દૂધથી ચલાવી લેશું”

“આ દસ રૂપિયામાં દૂધ લાવું ? ચાની ભૂક્કી લાવું કે તેલ લાવું ? ઘરમાં તેલનું ટીપું ય નથી”

“મંગુ, જે છે તે આ છે. દલપતભાઈ ને કઈજે, જો બાકી રાખે તો થોડું કરિયાણું લઈ આવ”

“ઈ દપો તો એવું કયે શે કે, પેલા આગળનું બાકી શે ઈ ભરી જાવ”

“હં... શું કરીએ પણ ? એક હાંધતા તેર તૂટે એવું શે. હવે તો આશિષ જો કંઇક પૈશા મોકલે તો થાય”

“હજી તમને ઈ નપાવટની આઇશા શે ? હવે બંધ કરો એના નામના ગાણા ગાવાનું અને ભૂલી જાવ એને”

“મંગુ, ગમેતેમ તો ય આપણો દીકરો છે ને ? છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય ?”

[2 May – સાંજે 5 વાગ્યે]

ઓમ જય જગદીશ હરે.... ભક્ત જનો કે સંકટ....

“લ્યો તમારો ફોન ક્યારનો રોવે શે, હવે કાનેથી આઘો કરો ઈ રેડિયાને”

“હાલો !”

“હં, જંતીભાઈ”

“હા, બોલો સાહેબ”

“આપણી ઓફીસ કાલથી ખુલે છે. સ્ટાફ અડધો કરી નાખ્યો છે, પચાસ ટકા. કેટલાકને ઘેરેથી કામ કરવાનું આવ્યું છે અને કેટલાકને તો ફાયર કરી દેવામાં આવ્યા છે”

“એટલે ?”

“એટલે એમ કે નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે”

“આવું ના બોલો સહેબ, શુભ શુભ બોલો”

“અરે જંતીભાઈ તમને એ જણાવવા માટે તો ફોન કર્યો છે કે પરમાર પણ કહે છે કે મને કામ પર આવવા દો અને તમે પણ કહો છો. હવે પરમારને તો ઘેરે નાના છોકરા છે, બૈરી છે. અને તમરી ઉમર પાછી સીક્સ્ટી પ્લસ છે, એટલે ના છુટકે...”

“સાહેબ એવું ના બોલો, મારી નોકરી જતી રહેશે તો હું ક્યાંયનો નહિ રહું. મહેરબાની કરો સાહેબ”

“હા, એટલે તમે કંઇક વ્યવહારમાં સમજો તો પરમારને બદલે તમારું ગોઠવી દઉં”

“એટલે સાહેબ ? મને કંઈ સમજાયું નહિ”

“જો ડોસા, નોકરી બચાવવી હોય તો આ વ્યવહારમાં તો કંઇક સમજવું પડશે”

“સાહેબ, તમે કહેવા શું માંગો છો ?”

“પચાસ ટકા !”

“પચાસ ટકા ? સાહેબ જરા તો વિચાર કરો...? મારો પગાર જ 4000 રૂપિયા છે તેમાંથી પચાસ ટકા એટલે મારી વાહે શું વધે ?”

“ડોસા, ઈ બધું મારે નહિ જોવાનું. મારે તો મારી ઘેરે પણ બ્રેડ-બટર શેકાય કે નહિ તે જોવાનુંને ?”

“સાહેબ તમારા બ્રેડ-બટર માટે મારી ખીચડી પર કાં પાટું મારો છો...!”

“જો ડોસા, તું મને બહુ જ્ઞાન ના આલ. તારે કાલથી આવવું છે કે નહિ એ કહે ? નહીતર પરમાર તો રેડી જ છે”

“સાહેબ, જરા વિચાર તો કરો. 2000 રૂપિયામાં હું મારું ઘર કેવું રીતે ચાલવું... મારે પણ ઘેરે...”

“ટીટ.....ટીટ.....ટીટ”

“લ્યો આ પાણી પ્યો. ટાઢા પડો થોડા. બીપી વધી જાહે ડોહું”

“મંગુ, બધી મહેનત મારે કરવાની ને ઈ હરામના અડધા રૂપિયા લઇ જાય ઈ કેમનું પોહાય ?”

“હવે આ રોગચારાના ટેમમાં જીવતા રે’હુ તો હઉ થઇ રે’હે. ભૈશાપ તમને નોકરીએ રાઈખા શે ઈ જ બહુ શે”

“પણ એને માટે ગુલામી કરવાની ? આટ-આટલા પગારો લ્યે શે તો ય એક નાના માણસની રોજી રોટી પર તરાપ મારતા તેને વિચાર ય નહિ આવતો હોય ?”

“હંધાય તમારી જેમ હરિશ્ચંદ્રના અવતાર નો હોય ને ?”

[3 May – સવારે 7.30 વાગ્યે]

“લ્યો આ ડબ્બો, કાલનો ટાઢો રોટલો અને ગોળનો ગાંગડો મુઈકો શે”

“મંગુ, હું નોકરીએ નહિ જઈ જાઉં !”

“ભૈશાપ આવું નો કરો. નોકરીએ નહિ જાવ તો ખાઈશુ શું ? કોણ મફતનો રોટલો દેવા આવશે ?”

“જેમ તેમ કરીને દીવશો કાઢશું. આ લોકડાઉન ક્યારેક તો ખુલશે ને ? ક્યાંક બીજે કામ મળી રેહે. મારો દીનોનાથ રક્ષા કરશે”

“હે ભગવાન, નક્કી હવે મારે જ કોકના ઘરમાં કચરા પોતા કરવા જાઉં પડશે આ ઉમરે”

“ના, તારે ક્યાય નથ જવાનું. હઉ હારવાના થઇ જાહે”

[11 June – સવારે 7.30 વાગ્યે]

“મું હું કહું ? આપડે કોકના બીજાના ફોનથી આશિષને ફોન કરીએ તો ? તમને કહું છું, બેરા થઇ ગ્યા છો. સાંભળો છો ? હે ભગવાન...!! શું થયું તમને...!? આશિષ...! એય... ઉઠો ને.... આંખો તો ખોલો....!! હે ભગવા....ન.....!! આમ મને એકલીને મુકીને ક્યાં ચાલ્યા ગયા....!! આંખો તો ખોલો...!! હે ભગવા...ન..!”

[15 Aug – સવારે 7.30 વાગ્યે]

“નમસ્કાર માજી. અમે કોરોના મહામારી બાદ, વસ્તી ગણતરી કરવા નીકળ્યા છીએ. જરા જણાવશો, આપના ઘરમાં કેટલા લોકો રહે છે ? અને કોઈ કોરોના મહામારીમાં મૃત્યુ તો નથી પામ્યા ને ?”

“સાહેબ અમે બે જ હતા, અને હવે તો હું એકલી જ છું”

“ઓહ, સોરી માજી. સાહેબ લખો... “પચાસ ટકા”

સારે જહાં સે અચ્છા... હિન્દુસ્તા હમારા... હમારા.....

આઝાદી.... અમર રહો....! ભારત માતા કી..... જય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED