dariyana petma angar - 1 books and stories free download online pdf in Gujarati

દરિયાના પેટમાં અંગાર - 1

       દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનું આંદોલન ચાલુ કરી દીધું હતું. અડવાણી જેવા કદાવર નેતાઓ શહેર શહેર ફરી આંદોલનને વ્યાપક બનાવી રહ્યા હતા. હિન્દુત્વ પર રાજનીતિ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે હું માતાના ઉદરમાં હતો. તારીખ 6 અને 7 વચ્ચેની રત્ન બે વાગે મારો જન્મ થયો હતો. સાલ 1992ની હતી અને દેશમાં નાજુક દોર ચાલતો હતો. 
 
                મારો પરિવાર સંઘ સાથે સંબંધ ધરાવતો હોવાના કારણે પોતાના ધર્મ તરફનો ઝુકાવ વધુ રહ્યો. પુરા ઘરમાં સંતાનોમાં હું સૌથી મોટો રહ્યો છું. મારા જન્મ પછી થોડા મહિનાઓ બાદ મારા કાકાના છોકરાનો જન્મ થયેલો. પણ મારામાં રાજનીતિ અને રાષ્ટ્રીય જાગરણના પરિબળો હતા. જ્યારે મારા કાકાના છોકરાને ભણવામાં વધુ રસ હતો. 
 
              મારા જન્મના બરોબર છ મહિના પછી એટલે 6 ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યાથી ખબર આવ્યા કે બાબરી મસ્જિદનો ઢાંચો પાડી દેવામાં આવ્યો છે. લાખો હિંદુઓ ત્યાં એકઠા થયા છે. કલ્યાણસિંહ ત્યારે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી હતા. ત્યારે તો મને આવી કઈ ખબર હોય નહીં. બોલતા પણ નહોતું આવડતું. જ્યારે સમજદાર થયો અને કવિતા લખવા લાગ્યો ત્યારે મારા જન્મના સમયની સમજણ મારામાં આવી હતી. એ સમયે એટલે કે 1992 અને 1993માં ગામડામાં પણ ખૂબ જ તંગ વાતાવરણ હતું. એકબીજાના મગજમાં ધર્મનું ભૂત સવાર હતું અને લાખો લોકો એનો ભોગ બન્યા હતા. રક્તના ઉબાન વચ્ચે કોઈ બાળક મોટું થતું હોય તો એમાં આગ હોઈ જ છે. બસ મારુ પણ આવું જ રહ્યું.
 
          અમે કાકા બાપાના છ ભાઈ બહેન અને મોટો હું. 2000ની સાલ હતી. ગામના સ્વામિનારાયણ મંદિરમાં પારાયણ ચાલુ હતું. પૂરો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ માને એટલે મારા દાદા પણ કથા સાંભળવા જતા. મારા દાદાને બીડી ની ટેવ હતી એટલે એ બહાર બેસીને સાંભળતા. બીડીના ધુમાડા થી કોઈને તકલીફ ન થાય એ માટે. રોજ છએ ભાઈ બહેનને દાદા સવારમાં એક એક પીપર આપતા. તારીખ 23-2-2000ના દિવસે છ ભાઈ બહેનને એક એક રૂપિયો આપ્યો હતો. અને બોલ્યા હતા આ મારી છેલ્લી બીડી છે. એ પહેલીવાર કથા સાંભળવા માટે અંદર ગયા હતા. માત્ર 10 મિનિટ જેવું થયું હશે. અમે બહાર ગેટ પાસે રમતા હતા. ત્યાં બહાર થી કોઈ રેંકડી આવ્યું અને અંદર લઈ ગયા. એમાં મારા દાદાને સુવાડીને બહાર લઈ ગયા. અમારી એવી કોઈ સમજ ન હતી કે શું થયું. લોકો ટોળે વળી ગયા હતા. અમે રેંકડી પાછળ દોડવા લાગ્યા. કોઈ મારા દાદા ને રૂમાલથી પવન નાખતું હતું તો કોઈ પગના તળિયા ઘસતું હતું. મેં છેલ્લીવાર આઠ વર્ષની ઉંમરે મારા દાદાને જોયા. એ પછી દાદા એ વિદાય લઈ લીધી .
 
            હું મારા બાપુ બે પૂછતો, " બાપા ક્યાં ગયા. બાપા ક્યારે આવશે?." બાપુ કઈ જવાબ ન આપતા. મારા બાપુ બધા ભાઈમાં મોટા એટલે વધુ જવાબદારી એમના પર આવી હતી. એક કાકા નવસારી હીરામાં કામ કરતા હતા. એક કાકા ઇલેક્ટ્રિકનું કામ કરતા. જમીન પણ વધુ હતી. દાદા ભોળા હતા એનો ફાયદો ઘણા કહેવાતા શાહુકારોએ ઉઠાવ્યો હતો. જમીનના દસ્તાવેજ પર અંગુઠો લગાવી લેતા. અમારી ઘણી બધી જમીન એમ જ ગઈ. ક્યારેક દાદા વિશે વિચારું ત્યારે એમ થાય કે આ દુનિયામાં સારું બનવું એક ગુન્હો છે. સારા માણસને સમાજ અને પોતાના લોકો જ ખૂબ ફોલી ફોલીને ખાઈ જાય છે. સમય જતો હતો. દાદાના ચાલ્યા જવાનું દુઃખ ત્યારે મને એટલું ન હતું. ત્યાં ધરતીકંપ આવી ગયો. મારુ કાચું નળીયાનું મકાન ધરસાય થઈ ગયું. તંબુ વાળીને અમે વાડામાં રહેતા હતા. પહેલીવાર અમે ખૂબ નજીકથી હેલિકોપ્ટર જોયું હતું. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કેશુબાપા હતા. સંઘના લોકો રાહત કામગીરી કરતા હતા. અનેક સામાજિક સેવકો પોતાનાથી બનતી મદદ જરૂરિયાત મંદોને કરતા હતા.
 
     એ સમય માનવતાનો હતો. એ સમય માણસને માણસ બનવાનો હતો. એ સમય એક બીજાને સાથ આપવાનો હતો. એ સમય એક બીજાને સમજવાનો હતો. એ સમય થોડામાં કઈ રીતે જીવી શકાય એ જાણવાનો હતો. એ સમય એક બીજાને સહકાર આપવાનો હતો. તમામ વિવાદ ભૂલીને એક બીજા અપનાવી લેવાનો હતો. એ સમયે હું 10 વર્ષ હતો. મારા ગામમાં એ ભૂકંપમાં બે વ્યક્તિના મોત થયા હતા. એક મોટી ઉંમરના માજી અને બીજી એક નાની છોકરીનું. એ છોકરીને મેં રમતી જોઈ હતી.
 
        સમય પસાર થતો ગયો. સરકાર પોતાની રીતે મકાન ઉભું કરવા માટે આર્થિક સહાય કરી રહી હતી. એ સમયે ગુજરાતના રાજકારણમાં ઘણા ફેરફાર થયા. ખબર ન હતી  એવું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સામે આવ્યું. નરેન્દ્ર મોદી. ત્યારે રાજકારણમાં કોઈ મને ગતાગમ ન હતી પણ જાણવાનો શોખ ખરો. ઘર માંડ ઉભું કર્યું હતું તો સમાચાર માટે ટીવી હોઈ એવી કોઈ વાત આવતી જ નથી. સાચું કહું તો અમે મોબાઈલ અને ટીવી વગર મોટા થયા છીએ. મારા કોલેજના પહેલા વર્ષમાં ઘરમાં પહેલીવાર ટીવી આવ્યું હતું.  સમય જતાં બધું ઠીક થવા આવ્યું હતું. ધરતીકંપના ઘાવ હજુ પૂર્ણ ભરાયા ન હતા અને ત્યાં ગોધરામાંથી સમાચાર આવ્યા કે કારસેવકોથી ભરેલ ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી છે.
ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED