ગુમનામ ટાપુ - 5 - છેલ્લો ભાગ BIMAL RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમનામ ટાપુ - 5 - છેલ્લો ભાગ

ગુમનામ ટાપુ

પ્રકરણ ૫- ખરાખરીનો જંગ

આ બાજુ ડોક્ટર સાકેત સાવરે વહેલા ઉઠી ગયા હોવાથી તેમની પેટી લઇ કોઈને ખલેલ ન પડે તે હેતુથી દૂર એક ખડકની પાછળ જઈ કઈં સંશોધન કરવાની મથામણ કરતા હતા અને તેજ કારણથી જયારે પેલા માણસો દેવ સાથે બધાને પકડી ગયા ત્યારે તે બચી ગયા. તે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો ત્યાં કોઈજ ન હતું, તે થોડા ગભરાઈ ગયા, પછી થોડી વાર આમ તેમ ફાંફાં મારીને કંટાળીને તેમણે જંગલમાં જઈ સાથીઓની શોધખોળ કરવાનું નક્કી કર્યું.

જંગલમાં લગભગ એકાદ કલાક આમતેમ ભટક્યા હશે ત્યાં તેમને થોડે દૂર કોઈ વાતો કરતુ હોય તેવો આભાસ થયો. તે અવાજની દિશામાં આગળ વધ્યા, પેટીમાં ખાસ્સું વજન હોવાથી ઝડપથી ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. થોડું ચાલ્યા અને હવે એમને અવાજ થોડો સ્પષ્ટ થતા તેમની આંખોમાં ચમક અને ચાલમાં ઝડપ આવી ગઈ, કારણ તે અવાજ રાજનો હતો . થોડે દૂર ચાલ્યા હશે ત્યાં સામેથી રાજ અને શીતલને આવતા જોયા.

ત્રણે જણ એક બીજાને હેમખેમ જોઈ ખુશ થયા અને ભેટી પડયા, રાજે ડોક્ટરને બાકીના સાથીઓ વિષે પૂછ્યું તો સાકેતે કહ્યું કે તે લોકો તેનાથી વિખુટા પડી ગયા છે. રાજને તેના સાથીઓ અને ખલાસીઓ માટે ચિંતા થવા લાગી કે તે લોકો જરૂર કોઈ મુસીબતમાં છે, ઈશ્વર કરે તે લોકો સહી સલામત હોય.

થોડી વાર ચર્ચા કર્યા પછી સાકેતે તેની પેટી ખોલી બધા યંત્રોને ગોઠવી પેલી નાની છત્રી જેવા એન્ટેના સાથે જોડી દીધા અને પછી કમ્પ્યુટર પર કઈં ટાઈપ કરવા લાગ્યો, અડધોએક કલાક મથ્યા પછી તેમણે રાજને કહ્યું કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં થી ઉત્તર દિશામાં થોડાજ દૂરના અંતરે કોઈ મોટી અવકાશ અને ઉપગ્રહોને લગતી પ્રોયોગશાળા હોય તેવું લાગે છે. ત્યાં ખુબજ શક્તિશાળી તરંગો ઉત્પન્ન કરવા માટેના અનધિકૃત સાધનો પણ બેસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે.

રાજને આશ્ચર્ય થયું કે આવા નિર્જન ટાપુ પર આવી મોટી પ્રયોગશાળા કોણે ઉભી કરી હશે? તેણે સાકેતની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

સાકેતે કહ્યું કે અમારા તકનીકી નિષ્ણાતોના રિપોર્ટમાં જે પ્રકારના શક્તિશાળી તરંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીંથી ઉત્પ્ન્ન થઇ રહ્યા છે. જે પણ વ્યક્તિ આ કરી રહ્યો છે તે ખુબજ ઊંચા દર્જાનો અવકાશ વૈજ્ઞાનિક હોવો જોઈએ .

તો પછી આપણે ઝટ ત્યાં પોહંચવું જોઈએ રાજ બોલ્યો.

શીતલે ચિંતિત સ્વરમાં કહ્યું, પણ સાહેબ આપણી ગન અને હથિયારો તો ત્યાં કિનારા પાસેજ રહી ગયા છે.

સાકેતે કહ્યું, દેવ કાજલ અને ખલાસીઓ સાથે સાથે આપણો સામાન પણ ત્યાં થી ગાયબ થઇ ગયો છે.

રાજે કહ્યું, કઈં વાંધો નહિ જે થશે તે જોયું જશે, આપણે આપણા મિશનની એકદમ નજીક છીએ આપણે વહેલી તકે તે જગ્યાએ પહોંચી જઈએ પછી જોઈએ. જો આપણા બાકીના સાથી દુશ્મનોના હાથ લાગ્યા હશે તો કદાચ એ પણ આપણને ત્યાંજ મળશે.

સાકેતના કોમ્પ્યુટરમાં બતાવ્યા પ્રમાણેની દિશામાં તેઓ આગળ વધ્યા. થોડું આમતેમ ભાક્યાં પછી લગભગ એકાદ કલાકના સમયમાં તેઓ તે જગ્યા પર પહોંચી ગયા. આ એજ જગ્યા હતી જ્યાં તેમના સાથીઓ કેદ હતા.

ટાવરો અને મોટા મોટા ડીશ એન્ટેના જોઈ સાકેતના મોઢામાંથી ઉદગાર નીકળી ગયા, ઓહ માઇ ગોડ, આતો મારી ધારણા કરતા વધુ મોટું અને ખતરનાક સેટઅપ છે. સાકેત આ બધું જોતો હતો ત્યારે રાજ બાજ નજરે તે જગ્યાનું અવલોકન કરી રહ્યો હતો, કેટલા હથિયારબંધ પહેરેદારો છે, ક્યાં દરવાજા છે, તેને ફરતે વાડ કેવી અને કેટલી ઊંચી છે.

બધું અવલોકન કર્યા પછી રાજે સાકેતને પૂછ્યું કે તમે અહીં તમારા કોમ્પ્યુટરની મદદથી એવું કઈંક કરી શકો કે ત્યાં કોઈ ખોટો અલાર્મ વાગે. સાથે સાથે એ પણ ચેક કરી લેજો કે તમારા બોસ દવેસાહેબનો સંપર્ક થાય છે કે નહિ, કારણ અત્યારે તેઓ રઘુવીર સાહેબ સાથે પોર્ટબ્લેરના ભારતીય નૌસેનાના વાયુ મથકની કચેરીમાં કમાન્ડોની ટુકડી અને હેલિકોપ્ટર સાથે તૈયારી કરીને બેઠા હશે , તો તેમને પણ સંદેશો આપી દઈએ કે આપડે તે લોકેશન સ્પોટ કરી લીધું છે.

સાકેતે કહ્યું હું ખોટા અલાર્મ માટેની કોશિશ કરી શકું છું, પણ જ્યાં સુધી આપણે પેલા સૌથી ઊંચા ટાવર અને તેની બાજુના ડીશ એન્ટેનાનો ફ્યુઝ કંડક્ટર નહિ કાઢી લઈએ ત્યાં સુધી અહીંથી બહાર કોઈ પણ માધ્યમથી સમ્પર્ક કરવો અશક્ય છે . આટલું બોલતા બોલતા સાકેતે ફરી પેટી ખોલીને તેના ઉપકરણો ગોઠવી દીધા અને કોમ્પ્યૂટરમાં કઈં કરવા લાગ્યો. થોડી ક્ષણો ગડમથલ કર્યા બાદ અચાનક સામેની ઇમારતમાં જોર જોરથી સાયરન વાગવા લાગી અને ત્યાં નાસભાગ મચી ગઈ. ઇમારતની અંદર પણ દોડધામ થવા લાગી.

સાકેતને ત્યાં જ રહેવા ઈશારો કરી રાજ, શીતલને લઇ ઇમારત તરફ આગળ વધ્યો.

પેલી તરફ ઇમારતની અંદર બધા બઘવાઈ ગયા હતા અને શા કારણથી અલાર્મ વાગી રહ્યો છે તે શોધવામાં વ્યસ્ત થઇ ગયા હતા. સાયરન સાંભળી દેવ સતેજ થઇ ગયો, તેણે કાજલને ઇશારાથી પાસે બોલાવી અને તેને હાથે બાંધેલા દોરડાને મોં વડે ખોલવા પ્રયત્ન કરવા લાગ્યો , થોડી જ ક્ષણોમાં તેને સફળતા મળી. કાજલના હાથ ખુલી જવાથી તેણે ફટાફટ દેવ અને બાકી ખલાસીઓના હાથ ખોલી નાખ્યા.

દેવ જોર જોરથી કક્ષનો દરવાજો ખખડાવા મંડ્યો. કક્ષની બહાર પહેરો ભરતો માણસ સાયરન વાગવાના હિસાબે થોડો બઘવાયેલો હતો ને તેમાં જોરજોરથી દરવાજો ઠોકવાનો અવાજ સાંભળી તે મુંજાઈ ગયો. કંટાળીને તેણે દરવાજો ખોલ્યો, જેવો તે બંદૂક લઇ અંદર પ્રવેશવા ગયો કે દેવે તેને દબોચી લીધો અને કાજલે તેને જોરથી એક લાત મારી જેના કારણે તે દીવાલ સાથે અફળાયો અને ત્યાં જ બેહોશ થઇ ઢળી પડ્યો.

કાજલ અને દેવ બંને લપાતા છુપાતા નિયંત્રણ કક્ષ બાજુ જવા લાગ્યા વચ્ચે વચ્ચે તેમનો સામનો અમુક પહેરેદારો સાથે થતો ગયો અને તે લોકો તેમને મારીને આગળ વધતા ગયા, હવે તેમની પાસે પહેરેદારોની બંદૂકો પણ આવી ગઈ હતી.

બીજી બાજુ ઇમારતની બહાર રાજ અને શીતલ ઇમારતની પાછળના ભાગમાં પહોંચી ગયા હતા. રાજે જોયું કે ઇમારતની ચારે તરફ વીજળીના તારની વાડ કરી હતી. અંદર જવું અશક્ય હતું, તેની નજર વાડના છેવાડે વીજળીના ટ્રાન્સફોર્મર પાસે એક નાના એવા ઝાંપા પર પડી જેની અંદરની બાજુએ એક પહેરેદાર બંદૂક લઈને ઉભો હતો રાજે શીતલને કહ્યું કે જોરથી બૂમ પાડી વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ જમીન પર પડી તરફડીયા મારી પછી જાણે બેભાન થઇ ગયા હોઈએ તેમ સુઈ રહેવાનું, જેથી પેલો પહેરેદાર ઝાંપો ખોલી આપણી પાસે આવશે.

બંને જણાએ નક્કી કર્યા મુજબ જોરથી બૂમ પાડી અને જમીન પર તરફડીયા મારી બેહોશ થવાનો ઢોંગ કરવા લાગ્યા, પહેરેદાર સાવધાન થઇ બંધુક તેમની તરફ તાકી ઉભો રહી ગયો. રાજ અને શીતલને એમ પડી રહેલા જોઈ, પેલો, રાજની ધારણા પ્રમાણે તે લોકોની તપાસ કરવા ઝાંપો ખોલી તેમની પાસે આવ્યો. જેવો તે તેમની નજીક આવ્યો કે રાજ ચિતા જેવી ઝડપથી તેના પર ઝપટ્યો અને તેને મોઢા પર એક મુક્કો મારી દીધો, હજી તેના મોઢામાંથી અવાજ નીકળે કે તે કઈં હરકત કરે તે પહેલા બીજો પ્રહાર તેની બોચી પર કરી તેને ત્યાંજ ઢાળી દીધો. તેની ગન લઇ બંને જણ પેલા ઝાંપામાંથી અંદર પ્રવેશી ગયા. ઇમારતના આગળના તરફના પહેરેદારો કઈં અજુગતું થયાની આશંકા જવાથી તેઓ તે બાજુ દોડયા અને રાજ અને શીતલને જોતા બંદૂક તેમના તરફ તાકી પણ રાજ તેમના કરતા વધુ સતેજ અને ચપળ હતો, ધાંય, ધાંય, બે ગોળીના અવાજ આવ્યા અને બીજીજ ક્ષણે પેલા બંને પહેરેદારો ધરતી પર ફસડાઈ પડયા.

ગોળીઓનો અવાજ સાંભળી બીજા પહેરેદારો તે લોકો તરફ દોડી આવ્યા જેનો એક પછી એક રાજ સફાયો કરી રહ્યો હતો, શીતલને બંદૂક ચલાવતા નોહ્તું ફાવતું પણ તેનો ફૌલાદી પંજો જેના પર પડતો હતો તેને પછી બંદૂકની ગોળીની જરૂર નોહતી રહેતી, તે પણ રાજને સાથ આપી રહ્યો હતો.

ઇમારતની અંદરના પહેરેદારોને કાજલ અને દેવ એક પછી એક ઢાળી રહયા હતા. નિયંત્રણ કક્ષના પ્રચાલકો લગભગ બધા વૈજ્ઞાનિકો હતા તેથી તે આ બધું જોઈ જીવ બચાવવા આમથી તેમ સંતાય રહયા હતા.

દેવ અને કાજલ ધીરે ધીરે કરીને પેલા સરદારના કક્ષમાં ઘુસી ગયા અને તેને બાનમાં લઇ લીધો.

આ બધી ધમાચકડી ચાલતી હતી તે દરમિયાન તકનો લાભ લઇ સાકેત ઇમારતના પરિસર માં દાખલ થઇ ગયો અને તેણે પેલા ટાવર અને ડીશ એન્ટેનાના ફ્યુઝ કંડકટર કાઢી લીધા, પછી પોતાના કમ્પ્યુટર પાસે પહોંચી ગયો. હવે તેનો સંપર્ક તેના બોસ સાથે થઇ રહ્યો હતો, તેણે તાત્કાલિક દવે સાહેબને તે જગ્યાનું ચોક્કસ લોકેશન મોકલી આપ્યું અને રઘુવીર સાહેબની કમાન્ડો ટુકડી માટે એર રૂટ પણ મોકલાવી દીધો.

રાજ અને શીતલ હવે ઇમારતની અંદર પહોંચી ગયા હતા અને તેમણે ઉપરના માળે જે પહેરેદારો હતા તેમને બધાને કાબુમાં કરી લીધા, તેમના મારફતે તે બંને નીચે ભોંયતળિયે નિયંત્રણ કક્ષમાં આવી ગયા, ત્યાં જઈને જોયું તો દેવ અને કાજલ એક વિદેશી અને અમુક બીજા વૈજ્ઞાનિકોને બંદી બનાવી પૂછપરછ કરી રહ્યા હતા.

તે લોકો એક બીજાને હેમખેમ જોઈ ખુશ થયા અને ખલાસીઓની મદદથી તે બધાને ત્યાં દોરડાથી બાંધી દીધા . સાકેત પણ હવે રસ્તો સાફ હોવાના કારણે તેમને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો.

કાજલે રાજને અને સાકેતને સંબોધતા કહ્યું આમ તો અહીં મોટા ભાગના પહેરેદારો શ્રીલંકાની સિંહાલી ભાષા બોલે છે. આ વૈજ્ઞાનિકો બધા વિદેશી છે, પેલો સફેદ દાઢીવાળો તેમનો સરદાર છે તે જર્મન છે, જર્મન સાંભળતાજ સાકેતે કહ્યું ડોક્ટટ વિલી? કાજલે કહ્યું હા એવુજ કઈંક નામ છે. સાકેત બોલ્યો અવકાશ વિજ્ઞાનના ભીષ્મ કહેવાય છે તેમને અને તેમની અમુક શોધો તો એવી છે કે તેના વગર તો અવકાશમાં કોમ્યુનિકેશન શક્યજ નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત જીવન જીવી રહ્યા છે તેવા સમાચાર હતા, પણ કોઈએ કલ્પના પણ નહિ કરી હોય કે તે આવા કાર્યમાં જોડાઈ ગયા હશે.

કાજલે કહ્યું આમાંના એક બેને અંગ્રેજી અને થોડું ઘણું હિન્દી આવડે છે. તેમના કહેવા મુજબ ડોક્ટર વિલીનો ઉદ્દેશ્ય દુનિયાના બધા દેશો વચ્ચે અવકાશી યુદ્ધ કરાવવાનો છે. આ કામ માટે અમુક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો તેની આર્થિક સહાયતા કરી રહ્યા છે.

સાકેતને ખુબજ દુઃખ થયું કે આટલા અનુભવી અને ઊંચા દર્જાના વૈજ્ઞાનિક આવી આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાઈ જાય. થોડું ઘણું હિન્દી અને અંગ્રેજી જાણતા વૈજ્ઞાનિકે કહ્યું કે તેમને અમેરિકાને તેમની એક શોધના અમુક તથ્યો મોકલ્યા હતા પણ અમેરિકનોએ તેમની હાંસી ઉડાવી તેમને વળતા જવાબ કહ્યું કે હવે તેમની ઉમર થઇ ગઈ હોય તેમનો સમય પૂરો થઇ ગયો છે, તેમણે નિવૃત્તિ લઇ આરામ કરવો જોઈએ. આ અપમાનનો બદલો લેવા તેમણે આ બધું કર્યું છે.

સાકેતે કહ્યું અફસોસ કે તે પોતાનો બદલો લેવા આખી માનવજાતને મુસીબતમાં મૂકી રહયા હતા.

રાજે સાકેતને પૂછ્યું કે ડોક્ટર તમારો સંપર્ક દવે સાહેબ સાથે થયો?

સાકેતે કહ્યું કે, હા તમારા કમાન્ડોની ફૌજ થોડાજ સમયમાં અહીં પહોંચી જશે.

તે લોકો આ વાતચિત કરતા હતા ત્યાં ખલાસીનું ધ્યાન ચૂકવી ડો વીલી પોતાના કક્ષ તરફ દોડયા અને દરવાજાની બાજુમાં આવેલું એક લાલ બટન દબાવી પોતાના કક્ષમાં જતા રહ્યા, ને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

બટન દબાવતાંની સાથેજ બધા વૈજ્ઞાનિકો ભાગો ભાગોની ચીસો પાડવા લાગ્યા. પાંચ મિનિટમાં આ ઇમારત ધરાશાયી થઇ જશે ડોક્ટર વિલીએ બધાજ ઉપકરણોને સેલ્ફ ડિસ્ટ્રકશન મોડે પર નાખી દીધા છે. પાંચ મિનિટમાં અહીં એક પછી એક વિસ્ફોટો સર્જાશે.

સાકેતે તે લોકોને પૂછ્યું પણ ડો વિલી નું શું?

પેલા અંગ્રેજી જાણતા વૈજ્ઞાનિકે કહ્યું કે તે સનકી મગજના છે કોઈના હાથે પકડાવા કરતા મોતને ભેટવાનું વધુ પસંદ કરશે, તેમની પાછળ સમય વ્યર્થ કરવો નકામો છે.

રાજે બધાને ઇશારાથી ઇમારતની બહાર નીકળવા ઈશારો કર્યો અને બધા દાદર મારફતે ઉપરની તરફ ગયા અને જેવા ઇમારતના પરિસરમાં પહોંચ્યા કે એક મોટો ધડાકો થયો, બધા મુખ્ય દરવાજા તરફ દોડયા અને પાછળ એક પછી વિસ્ફોટો થવા લાગ્યા તેમાં ક્યાંક ડો વિલીની ચીસ પણ સંભળાઈ.

મુખ્ય દરવાજાની બહાર નીકળી, જેવા બધા બંદી બનાવેલા પહેરેદારો અને બીજા કર્મચારીઓ ભાગવા ગયા કે રાજ, દેવ અને કાજલે પોઝિશન લઇ લીધી અને તેમના તરફ બંદુકો તાકી બધાને સાવધાન થઇ જવા કહ્યું.

આ બધું ચાલી રહ્યું હતું ત્યાં હેલીકૉપટરના અવાજ સંભળાયા અને ત્યાં થી થોડે દૂર સેનાના હેલીકોપટર ઉતર્યા. થોડીજ ક્ષણોમાં તે જગ્યાનો કબ્જો ભારતીય સેનાના કમાન્ડોએ લઇ લીધો અને ડોક્ટર દવે અને રધુવીરસિંહ, રાજ અને તેના ઝાંબાઝ સાથીઓ સાથે હસ્તધૂનન કરી તેમની સફળતા માટે તેમને અભિનંદન આપી રહ્યા હતા.

વિદેશી વૈજ્ઞાનિકો તથા પહેરેદારોને કમાન્ડોના જવાનોએ કબ્જો મેળવી લઇ બંદી બનાવી લીધા.

સેનાના મુખ્ય કમાન્ડો સાથે થોડી ઔપચારિકતાઓ પતાવી રાજ અને તેના સાથીઓએ શીતલ અને ખલાસીઓનો આભાર માન્યો. રઘુવીરસિંહે પણ શીતલને શાબાશી આપી, કમાન્ડોને કહ્યું કે તે લોકોને તેમની બોટ સુધી સલામતીથી પહોંચાડી દેજો.

રાજે હેલીકોપટરમાં બેસતા બધાને પૂછ્યું, તો સાથીઓ હવે આગળ શું પ્રોગ્રામ છે?

દેવે કાજલ સામે જોઈ કહ્યું મારા તરફથી તો પ્રોગ્રામ સેટ છે, બસ સામેથી પણ હા થઇ જાય એટલે નેક્સટ મિશન ઇઝ ઓન.

રાજે કહ્યું કે હા ભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લગ્ન કરવાનું વિચારે છે તે કોઈ મિશનથી કમ નથી, ઘણી ઝાંબાઝીનું કામ છે.

રાજની વાત સાંભળી કાજલ થોડી શરમાઈ ગઈ અને બધા જોરથી હસી પડયા.

સમાપ્ત