Gumnam Taapu - 4 books and stories free download online pdf in Gujarati

ગુમનામ ટાપુ - 4

ગુમનામ ટાપુ

પ્રકરણ ૪- ટાપુ પર પ્રવેશ

બોટ ટાપુ તરફ સડસડાટ જઈ રહી હતી. રાજ કાજલ અને દેવ હજી પણ હથિયાર લઇને સાવધાની પૂર્વક ચારે તરફ નજર રાખી રહ્યા હતા કારણ તેઓને હતું કે જે લોકો આટલો મોટો યાંત્રિક સમુદ્રી રાક્ષસ બનાવી શકતા હોય તે લોકોએ ટાપુ પર પહોંચતા પહેલા બીજા પણ એવા અવરોધો ઉભા કર્યા હોય શકે છે. પણ ઈશ્વરકૃપાથી તે લોકોને ટાપુ પાસે પહોંચવામાં બીજી ખાસ કોઈ મુશ્કેલી નડી નહિ તેથી રાજને થોડી શંકા ગઈ કે તે લોકોને અહીં સુધી કોઈ રુકાવટ નડી નથી તો કદાચ કિનારા પર પહોંચતાજ તે લોકો પર કોઈ પ્રકારનો હુમલો થઇ શકે છે. હજી તે આમ વિચારી રહ્યો હતો ત્યાં બોટની આસપાસ દરિયાના પાણીના મોજાઓ ઉછાળવા લાગ્યા તે લોકો કિનારાની સાવ નજીક પહોંચવામાં હતા પણ જાણે બોટની આજુબાજુમાં એક પ્રકારનું કૃત્રિમ દરિયાઈ તોફાન ઉત્પન્ન થઇ રહ્યું હતું. દરિયાનું પાણી જોર જોરથી ઉછળવા માંડ્યું બોટ આખી હાલક ડોલક થવા લાગી, અચાનક સહુએ જોયું કે એક મહાકાય મોજું બોટની પાછળના ભાગે થોડા અંતરની દુરીએ ઉત્પન્ન થયું અને ધસમસતું બોટ તરફ આગળ વધવા માંડ્યું જાણે બોટને હમણાં ગળી જશે.

શીતલ તે મોજાને જોઈ ચિંતિત થઇ ગયો કારણ જો તે મોજું બોટ સુધી પહોંચી ગયું તો બોટના ભુક્કા બોલાવી દેશે, એટલું શક્તિશાળી તે દેખાઈ રહ્યું હતું. શીતલે બોટને મહત્તમ ગતિ પર મૂકી દીધી અને પછી અચાનક બીજી દિશામાં વાળી મૂકી, આમ કરવાનું અત્યંત જોખમી હતું, કારણ જો શીતલે જરા પણ ચૂક કરી હોત તો બોટ ઉંધી વળી જાત અને અત્યારે બધા દરિયાના પાણીમાં હોત.

રાજે શીતલની પીઠ થાબડતા તેની સામે જોયું, તેણે કહ્યું સાહેબ મને ખબર છે કે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા પણ તે મહાકાય મોજાથી બચવાનો આ એકજ માર્ગ હતો. આમાં બચવાની સંભાવનાઓ હતી, પણ જો મોજું બોટ પર ફરી વળ્યું હોત તો ડૂબવાનું નિશ્ચિન્ત હતું વળી મને તમે સાકેત સાહેબને કહેલી વાત યાદ આવી ગઈ કે અમુક ગણતરી પૂર્વકના જોખમો તો લેવાજ પડશે, આટલું બોલી તે સ્મિત કરવા લાગ્યો.

સહુએ તાળીઓ પાડી શીતલની બહાદુરી અને સમયસૂચકતાને બિરદાવી.

હવે તેઓ ટાપુની સાવ નજીક પહોંચી ગયા હતા. રાજે શીતલને કહ્યું બોટ કિનારા પર લઇ જતા પહેલા ટાપુની ફરતે એક ચક્કર લગાવી જોઈ લે કે કોઈ જગ્યા એવી છે જ્યાંથી સીધે સીધું ટાપુ પર પ્રવેશી ન શકાતું હોય, એટલે કે ખડકો, નાની સરખી પહાડી જેવું કઈં હોય, તો આપણે તે તરફથી ટાપુ પર પ્રવેશ કરીશું.

સહુને રાજની વાતથી અચરજ થઇ. કાજલે પૂછ્યું પણ ખરું, કે જયારે સીધે સીધું જમીન પરથી પ્રવેશી શકાય એમ છે તો પછી શું કામ એવા દુર્ગમ માર્ગ અપનાવે છે.

રાજે કહ્યું, આપણે જે મુસીબતોનો સામનો કરીને અહીં પહોંચ્યા છીએ તેના પરથી હું અનુમાન બાંધું છું કે સીધા રસ્તે આપણું સ્વાગત આના કરતા પણ વધુ ભયંકર મુસીબતોથી થઇ શકે છે અને આપણે કોઈ જાળમાં ફસાઈ પડીએ. પ્રવેશનો જે રસ્તો થોડો કઠિનાઈઓ વાળો હશે ત્યાં રસ્તો ભલે થોડો મુશ્કેલ હશે પણ દુશ્મનોએ બહુ લક્ષ નહિ આપ્યું હોય કારણ કોઈ આગંતુક એ રસ્તે પ્રવેશવાનું વિચારેજ નહિ.

સવારનું કઈં ખાધું ન હોય અને ઉપરાંત આટલી બધી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ રાજનું મગજ આટલું સતેજ અને તીવ્રતાથી વિચારી રહ્યું છે, તે જોઈ બધાને તેના પર માન ઉપજી આવ્યું.

શીતલે ટાપુની અડધિ પ્રદક્ષિણા કરી હશે ત્યાં તેણે રાજને બૂમ પાડી, સાહેબ સામે ઊંચા ઊંચા ખડકો દેખાય છે ને સપાટ કિનારા જેવું કઈં નથી તમે જેવો રસ્તો કહી રહ્યા છો તેવોજ કિનારો છે. રાજે તે દિશામાં નજર દોડાવી કહ્યું પરફેક્ટ આપણે ત્યાંથી ટાપુ પર પ્રવેશીશુ, સાવધાની પૂર્વક બોટ તે કિનારા તરફ હંકાર.

ખડકાળ પ્રદેશ હોવાથી શીતલે મહામુસીબતે બોટને ટાપુના એ કિનારા તરફ લાંગરી બધા ધીરે ધીરે સાંચવીને નીચે ઉતારવા લાગ્યા. ખલાસીઓ સામાન ઉતારી ઉતારીન એક ઊંચા ખડક પર ગોઠવી રહ્યા હતા. સાંજ પાડવા આવી હોવાથી, રાજને અંધારું થતા પહેલા કોઈ સુરક્ષિત જગ્યા શોધવી હતી કે જ્યાં તે લોકો જમવાનું બનાવી શકે અને રાત્રે થોડો આરામ કરી શકે.

શીતલ અને દેવે ખડકોની પાછળ આવેલા ટાપુના જંગલમાં નજીકમાંજ એક સલામત સ્થળ શોધી કાઢ્યું અને પછી બધા માણસો અને સામાનને ત્યાં પહોંચતા કર્યા.

ખલાસીઓએ સરસ મજાનું જમવાનું તૈયાર કરી દીધું બધાએ તાપણા ફરતે બેસી મોજથી ખાધું.

જમીને બધા આરામ કરવા પોતપોતાને અનુકૂળ આવે તેવી જાગ્યા શોધીને લંબાવી રહ્યા હતા, ટાપુ પરનું જંગલ ઘણુંજ ઘનઘોર હોવાથી રાજને જંગલી જાનવરોની ચિંતા હતી. જંગલી જાનવરો વિષે વિચાર આવતા તેણે કાજલને પૂછ્યું દેવ ક્યાં? કાજલે કહ્યું ક્યારનો દેખાતો નથી, જમતી વખતે તો મારી સાથેજ બેઠો હતો. બધા આમ તેમ શોધખોળ કરવા મંડયા પણ દેવ ક્યાંય દેખાયો નહિ. સહુને દેવની ચિંતા થવા લાગી તે, બધા અલગ અલગ દિશા તરફ દેવના નામની બૂમો પાડવા લાગ્યા.

એકાદ કલાકની શોધખોળ અને બૂમાબૂમ પછી રાજે નક્કી કર્યું કે તે પોતે અને શીતલ જંગલમાં દેવને શોધવા જશે. સાકેત, કાજલ અને ખલાસીઓ ત્યાં જ રોકાશે. તેણે કાજલ અને સાકેતને કહ્યું દેવ જો તે લોકોના પાછા ફરતા પહેલા આવી જાય તો ઝાડની એક ઊંચી ડાળી પર મશાલ સળગાવીની બાંધી દેવી જેથી અમને દૂરથી તે દેખાશે ને અમે સમજી જઈશું કે દેવ આવી ગયો છે અને અમે પાછા વળી જઈશું.

નક્કી કર્યા પ્રમાણે રાજ અને શીતલ દેવને શોધવા નીકળી પડયા. અંધારું ઘણું હતું ટોર્ચના સહારે તેઓ જંગલમાં રસ્તો કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને જતા જતા રસ્તામાં કઈં ને કઈં નિશાની કરતા જતા હતા જેથી પાછા વળતી વખતે ભૂલા ન પડી જવાય.

ચાલતા ચાલતા બંને દેવના નામની બૂમો પાડી રહ્યા હતા, રાજે શીતલને કહ્યું કે ખબર નહિ આવા ઘનઘોર અંધારા જંગલમાં દેવ નો પત્તો ખાશે કે કેમ? વળી તેના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠ્યો કે ક્યાંક કોઈ ખૂંખાર જંગલી જાનવરે તો દેવને …… પણ તરતજ તેના ફૌઝી દિમાગે આ વિચારને ખાંખેરી નાખ્યો કારણ દેવ એક બાહોશ ફોરેસ્ટ રેન્જર છે , એકાદ બે જંગલી જાનવરને તો તે એકલો વગર હથિયારે પહોંચી વળે તેમ હતો. રાજ ધૂનમાં ને ધૂનમાં આગળ જઈ રહ્યો હતો ને અચાનક શીતલે બૂમ પાડી સાહેબ સંભાળીને આગળ રસ્તો નથી આટલું બોલી તેણે રાજનો હાથ પકડ્યો પણ ઘણું મોડું થઇ ગયું હતું રાજ સંતુલન ગુમાવી બેઠો ને તે એક ખીણ જેવું કઈંક હતું તેમાં ગબડ્યો, શીતલ પણ તેની સાથે ઢસડાયો બંને જણા ગબડી પડયા.

આ બાજુ, ખાસ્સી વાર થઇ પણ ન તો દેવનો પત્તો હતો કે ન તો રાજ અને શીતલ પાછા ફર્યા હતા એટલે કાજલ અને સાકેતની ચિંતા વધી રહી હતી. સાકેતે તેની પેટીમાંથી કઈં નાની એક બે ડીશ એન્ટેના જેવા સાધનો કાઢી કોમ્પ્યુટર સાથે જોડી કઈ કરવા પ્રયાસ કર્યો પણ કોઈ પણ પ્રકારના રેડિયો તરંગો કે બીજા કોઈ માધ્યમનો સંપર્ક ત્યાં શક્યજ ન હતો. કોઈ ખુબજ શક્તિશાળી અત્યાધુનિક અવકાશી તરંગોનું આવરણ બનાવી દેવામાં આવ્યું હતું જેના કારણે ટાપુ પર કોઈ સિગ્નલ પહોંચતાજ નહતા ને તેના વિષે કોઈ જાણકારી મેળવવી મુશ્કેલ હતી.

સાકેતને આ બધા ઉપકરણો સાથે મથામણ કરતો જોઈ કાજલ તેની પાસે આવી અને તેણે પૂછ્યું કે શું લાગે છે, સાકેતે કહ્યું કે પ્રથમ તો મારે કઈંક એવો જુગાડ કરવો પડશે કે હું આ અદ્રશ્ય આવરણ તોડી પાડું જેથી કરીને અહીં ખરેખર શું ચાલી રહ્યું છે તે ખબર પડે, મારા અંદાજ મુજબ કોઈ ભેજાબાજે ખુબજ આધુનિક ટેક્નોલાજીની મદદથી મોટું ષડયંત્ર રચ્યું છે, જે કદાચિત સંપૂર્ણ માનવજાત માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

કાજલને સાકેતની વાતમાં બહુ ગતાગમ ન પડી, પણ તેને એટલું સમજમાં આવી ગયું કે આગળ ઉપર તે લોકો કોઈ મોટા ખતરાનો સામનો કરવા જઈ રહ્યા છે. વળી આવા સમયે તેમની ટુકડી વિખુટી પડી ગઈ હતી તેની ચિંતા તો ઊભીજ હતી. હજી તે આગળ શું કરવું તે વિચારી રહી હતી, ત્યાં સામેથી ટોર્ચનો પ્રકાશ દેખાયો, કોઈ આવતું હોય તેવું લાગતા કાજલ એકદમ સાબદી થઇ ગઈ તેણે પોતાની રિવોલ્વર કાઢીને આવનાર વ્યક્તિ સામે તાકીને પોઝિશન લઇ લીધી, ટોર્ચના કારણે આંખો અંજાઈ જતા વ્યક્તિનો ચહેરો જોઈ શકાતો નહોતો. ટોર્ચનો પ્રકાશ સાવ નજીક આવી ગયો, કાજલ એકદમ જુસ્સાથી બોલી, ખબરદાર, ને પેલી વય્ક્તિ એકદમ જોરથી અટ્ટહાસ્ય કરવા લાગી, તે દેવ હતો. તેણે શાયરાના અંદાઝમાં કહ્યું “ હમે મારને કે લિયે આપકી નઝર હી કાફી હૈ એ હસીના”.

કાજલ દેવનો અવાજ સાંભળી રિલેક્સ થઇ ગઈ ને છણકો કરતા બોલી, શેટઅપ દેવ, તને મજાક સુજે છે અહીં બધાના જીવ અધ્ધર થઇ ગયા છે. તને શોધવા રાજ અને શીતલ ક્યારના જંગલમાં ગયા છે ખબર નહિ હજી કેમ પાછા નથી આવ્યા, ક્યાંક કોઈ મુસીબતમાં ન ફસાઈ ગયા હોય.

દેવ સમયની નજાકત પારખી ગયો, અને તેણે માફી માંગતા કહ્યું , સોરી હું તમને બધાને કહ્યા વગર પાછો બોટ પર બીયરના ટીન લેવા જતો રહ્યો હતો જેવો હું બોટ પર ગયો તો મેં જોયું કે ખડકો વાળો આ કિનારો પતે ત્યાં દૂર દૂર સપાટ કિનારા પર એક બે નાની મોટર બોટની લાઈટો દેખાતી હતી. વધુ તપાસ કરવાના આશયથી હું ખડકોની ઉપર ચડી તેની પેલી તરફ તે કિનારા ભણી થોડો આગળ ગયો તો મેં જોયું કે અમુક માણસો બોટમાંથી કઈં મોટી મોટી પેટીઓ ઉતારીને તે કિનારા તરફ લાવી રહ્યા હતા ને ત્રણ ચાર હથિયારધારી માણસો ત્યાં પહેરો દઈ રહ્યા હતા.

સદ્દનસીબે બોટ છોડતી વાખતે શીતલે આપણી બોટની બધી લાઈટો ઓલવી નાખી હતી નહીંતર જેમ મને તેમની બોટ દેખાઈ તેમ તે લોકોને આપણી બોટ પણ દેખાઈ જવાની શક્યતા હતી.

હું થોડું વધુ આગળ જવાનું વિચારતો હતો ત્યાં મને ખ્યાલ આવ્યો કે હું તમને લોકોને જાણ કર્યા વગર આવ્યો છું તો તમે બધા મારી ચિંતા કરતા હશો, એટલે હું ત્યાંથી પાછો ફરી ગયો.

સાકેતે કહ્યું ઓ કે ચાલો કઈં નહિ, તમે સહી સલામત પાછા આવી ગયા છો તે ઘણું છે. આપણે નક્કી કર્યા મુજબ ઝાડની એક ઊંચી ડાળી પર સળગતી મશાલ બાંધવાની છે, જેથી રાજને સંકેત મળે કે દેવ પાછો ફરી ગયો છે. એક જખલાસીની મદદથી તેમણે ઝાડની એક ઊંચી ડાળી પર મશાલ બાંધી તેને ચેતાવી દીધી.

કાજલે દેવને કહ્યું આપણામાંથી એક જણે રાત્રે જાગીને પહેરો દેવો પડશે, કારણ જંગલ ઘણું ઘનઘોર છે અને રખેને રાત્રે કોઈ જંગલી જાનવર હુમલો કરી દે તો.

દેવે કહ્યું પહેરો તો હું દઈશ, પણ તમે કોઈ જંગલી જાનવરની ચિંતા ન કરો, કારણ મારો અનુભવ એમ કહે છે કે આ જંગલમાં મીઠા પાણીની શક્યતા નહિવત છે, માટે કોઈ જંગલી જાનવર અહીં ભાગ્યેજ હોઈ, હા પણ સરીસૃપ પ્રાણીઓ અને જીવજંતુઓનું જોખમ નકારી શકાય નહિ. તમે લોકો નિશ્ચિંન્ત રહો હું એ બધું સંભાળી લઈશ બસ રાજ અને શીતલ હેમખેમ પાછા આવી જાય.

રાત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ બધા જોકે ચઢતા ગયા, દેવ ખભે રાઇફલ ભરાવી હાથમાં બિયરનું ટીન લઈને આમ તેમ આંટા મારતો રહ્યો. બેએક કલાક આંટા માર્યા પછી તે થોડો થાક્યો એટલે નજીકમાંજ એક ઝાડને અઢેલીને બેસી ગયો. તેણે ખિસ્સામાંથી સિગરેટ કાઢી ચેતાવી, લાંબો કશ ખેંચ્યો, તેને હવે ખરેખર રાજ અને શીતલની ફિકર થવા લાગી હતી.. વિચારોમાં ને વિચારોમાં થાકના કારણે દેવની આંખ લાગી ગઈ, સવારે માણસોનો કોલાહલ સાંભળી ને તે સફાળો જાગ્યો, ને તેણે જોયું તો તે બે અજાણ્યા માણસો તેની સામે બંદૂક તાકીને ઉભા હતા અને બીજા માણસોએ કાજલ અને ખલાસીઓને બંદી બનાવી લીધા હતા.

દેવ, કાજલ અને ખાલિસીઓના હાથ દોરડાથી બાંધી તે લોકો બધાને હડસેલા મારીને આગળ ચાલવા કહ્યું, લગભગ કલાક દોઢકલાક જંગલમાં ચાલ્યા પછી તે લોકો ગીચ જંગલમાં એક જગ્યાએ પહોંચ્યા જ્યાં ઘણા બધા મોટા મોટા ડીશ એન્ટેના અને લગભગ છ સાત ઊંચા ટાવરો લાગેલા હતા. ત્યાં એક મોટી બે મંજીલી ઇમારત હતી જેની બહાર હથિયારબંધ પહેરેદારો હતા. દેવ અને તેના સાથીઓને તે ઇમારતમાં લઇ ગયા પછી, લિફ્ટ મારફતે ભોંયતળિયે લઇ જવામાં આવ્યા. ત્યાં તેમણે જોયું કે એક મોટો નિયંત્રણ કક્ષ હતો જેમાં મોટા ટીવી લાગેલા હતા, જાતજાતના અલાર્મ વાગી રહ્યા હતા.ટીવી પર પર અવકાશ યાનો અને ઉપગ્રહો જેવું બધું દેખાઈ રહ્યું હતું . આ બધાનું સંચાલન કરનાર પાંચેક વિદેશી કર્મચારીઓ હતા જે વૈજ્ઞાનિકો જેવા લાગતા હતા, તે બધા દેવ અને તેના સાથીઓ સામે કૌતુક ભરી નજરે જોઈ રહ્યા હતા.

દેવને અને કાજલને કઈં સમજાતું ન હતું કે આ બધું શું છે, પણ બધું જોયું ત્યારે તેમને એટલો ખ્યાલ આવી ગયો કે તે જે મિશન માટે નીકળ્યા છે તે જગ્યાએ પહોંચી ગયા છે. આ એજ જગ્યા છે જ્યાંથી કૃત્રિમ ઉપગ્રહોની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. અચાનક દેવ અને કાજલને ડોક્ટર સાકેતની યાદ આવી, છેક અત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે લોકો પકડાયા ત્યારના ડોક્ટર સાકેત ગાયબ છે.

પેલા માણસો તે બધાને એક મોટા કક્ષમાં લઇ ગયા જ્યાં એક ઊંચી ખુરશીમાં મોટી ગૂંચળા જેવી સફેદ દાઢી, સફેદ ચમકતા વાંકડિયા વાળ વાળો કોઈ વિદેશી માણસ બેઠો હતો. તેણે દેવ અને તેના સાથીઓને જોઈને તેની ભૂરી આંખો જીણી કરી અને પછી તેના માણસો સામે પ્રશ્નાર્થ નજરે જોયું. પેલા માણસોમાંથી એકે કઈંક ભળતીજ ભાષામાં તેને કઈં કહ્યું . તે લોકોના હાવભાવ પરથી દેવને લાગ્યું કે તે વાંકડિયા વાળ વાળો આ બધાનો સરદાર છે. તેના માણસોએ અમને ક્યાંથી પકડયા તેના વિષે માહિતી આપી રહ્યો છે.સરદારે ફરી તેમની ભાષામાં કઈં કહ્યું અને પેલા માણસો દેવ અને તેના સાથીઓને એક બીજા કક્ષમાં લઇ ગયા અને તેમને ત્યાં કેદ કરી લેવામાં આવ્યા.

******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED