સૂરજ અને શુલભા manisha rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂરજ અને શુલભા

સૂરજ અને શુલભા

ગંગોત્રીની પાવન ધારા.. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા બર્ફીલા પહાડો. ઝરણાનો કલકલ નાદ .. શીતલ પવનની લહેર.. કુદરતનું અનુપમ સૌંદર્ય, પ્રેમ અને કરુણા વરસાવતું આધ્યાત્મિક સ્થાન. ઉત્તરાખંડની વાત જ નિરાળી.

જીવનમાં એકવાર તો હિમાલય નજરોનજર નિહાળવો જ જોઈએ. આપણને એક ભારતીય હોવાનો અને ભારતમાં જન્મ મળ્યાનો ગૌરવ લેવાનું મન થાય.

સૂરજ જ્યારે હિમાલયની યાત્રાએ નિકળ્યો ત્યારે મનમાં જે કલ્પનાઓ કરી હતી તેનાથી કઈ ગણો ભવ્ય તેને હિમાલય જણાયો. ત્યાંની શાંતિ અને પવિત્ર વાતાવરણ ત્યાંજ રોકાઈ જવા આગ્રહ કરતું હતું. વહેલી સવારે દેખાતો સૂરજ તેને ખૂબ રોમાંચિત કરી જતો. પહાડોની વચ્ચેથી નીકળતા સોનેરી કિરણોની આભા સમગ્ર હિમાલયને કંચનવર્ણથી શુશોભિત કરતા.
સવારનો આ અમૂલ્ય અવસર માણવા સૂરજ ખૂબ જલ્દી ઉઠી જતો. પોતાના રૂમની બારીમાંથી સૂર્યોદય થવાની રાહ જોયા કરતો.

સ્વર્ગની કલ્પના કરો તો જાણે અહીજ સ્વર્ગ છે એવી અનુભૂતિ થતી. આસ્થા અને પ્રેમનું મિશ્રણ અહીંની આબોહવામાં હતું.

સૂરજ ઘરેથી વીસ દિવસની રજા લઈને હિમાલય દર્શને નીકળ્યો હતો. આ વખતે તેણે એકલા જ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો. કુદરતને ખૂબ નજીકથી જોવાની તેની ખેવના હતી. અને તે ગંગોત્રીમાં આવી પહોંચ્યો હતો. અહીંથી આગળ કેદારનાથના દર્શન કરી કૈલાસની યાત્રાનો તેનો સંકલ્પ હતો. પરંતુ યાત્રા એટલી સરળ નહોતી અને વળી તે સાવ એકલો હતો. પર્વતો નદી ઝરણાનું સૌંદર્ય માણતો માણતો અનેક તિર્થસ્થાનોમાં દર્શન કરી રહયો હતો.

ગંગોત્રીમાં માં ગંગાના દર્શન કરી હવે તેને કૈલાસ માનસરોવર તરફની યાત્રા આરંભ કરી દીધી હતી. કૈલાસ સુધી પહોંચવા તેને અનેક પહાડોમાં રાત્રી રોકાણ કરતા કરતા ઘણા દિવસોની કઠિન યાત્રા કરવી પડે એમ હતું. પરંતુ તેનો સંકલ્પ ખૂબ બળવાન હતો. તેને ક્યાંય ડગવા દે એમ નહોતો.

કૈલાસ ચઢવાની શરૂઆત કરી ત્યારે તેના મનમાં અદમ્ય ઉત્સાહ હતો. પરંતુ જેમ જેમ ઉંચાઈ વધતી ગઈ તેમ તેમ તેના શરીરમાં થાક વર્તાવા લાગ્યો. કૈલાસની તળેટીના નાના નાના ગામડા માં ભોળી પ્રજા યાત્રાળુઓને મદદ કરતી હતી.
સૂરજ પણ દિવસના અંતે ખૂબ થાકી ગયો હતો. વિસામો લેવા તે એક ઘરના દરવાજા પાસે આવી રાત્રી રોકાણની વિનંતી કરવા લાગ્યો.
ભલા મુસાફરને ત્યાંના રેહવાસીએ આશ્રય આપ્યો. પીવાનું ગરમ પાણી અને ભોજન પણ કરાવ્યું.

બીજા દિવસે રજા લઈને નીકળે છે ત્યારે એ ગરીબ પરિવારનો આભાર માની પૈસા આપવાની તૈયારી કરે છે ત્યાંજ ઘરના વડીલ તેનો હાથ રોકી દે છે. અને કહે છે," સાહેબ અમે કામ કરવાના પૈસા લઈએ છે કોઈની મદદ કરવાના નહી." ગરીબ પણ ખુમારીવાળી પ્રજા જોઈને સૂરજને તેઓના માટે ખૂબ માન થયું.
વધારે આગ્રહ કરીને સૂરજ તેઓનું મન દુભવવા નહોતો માંગતો. એટલે પ્રણામ કરી ત્યાથી આગળનો પ્રવાસ શરૂ કરે છે. અત્યાર સુધી તો ચાલતો ગયો પરંતુ હવે ચાલવાની હિંમત નહોતી. એટલે તે ઘોડાની સવારી કરવાનો નિર્ણય કરે છે.

આસપાસ જોતા તેને એક છોકરી ઘોડાને દોરી જતી દેખાઈ. સુરજને થોડું આશ્ચર્ય થયું કે આવા અઘરા ચઢાણ એક છોકરી ઘોડાને હાંકીને કરાવે છે. સૂરજ તેની પાસે જાય છે અને પૂછે છે," તમે ઘોડેસવારી કરાવશો?

"હા, કેમ નહિ." છોકરી જવાબ આપે છે.

અને સૂરજ ઘોડાની સવારી કરે છે. છોકરી ઘોડા ને દોરી રહી હતી. રસ્તો હજુ ઘણો દૂર હતો. કપરા ચઢાણ હતા. અને જેમ જેમ ઉપર જતા તેમ તેમ હવા પાતળી થતા શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. સૂરજ થોડો અસ્વસ્થ દેખાતા છોકરી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે.

"આપને કઈ તકલીફ થઈ રહી છે? આગળ થોડેદુર ચાની વ્યવસ્થા છે ત્યાં ઉભી રાખીશ થોડું પ્રવાહી લેશો એટલે સારું લાગશે." છોકરી બોલી.

"આપનું નામ શું છે? અને આપ અહીં કેટલા વખતથી આ કામ કરો છો?" સૂરજ છોકરીને પૂછી રહ્યો હતો.

"જી, મારુ નામ શુલભા. હું અહી છેલ્લા દસ વર્ષથી કામ કરૂં છું." શુલભા પોતાની શૈલીમાં ધીરેથી ઉત્તર આપી રહી હતી.

"પરંતુ તમે તો ખૂબ યુવાન છો અને છેલ્લા દસ વર્ષથી આ કામ કરો છો એટલે?..."

વાત અટકાવતા શુલભા બોલી," જી હું દસ વર્ષની હતી ત્યારથી આ કામ કરૂં છું."

આ સાંભળીને સૂરજને ઓર આશ્ચર્ય થયું.તેને શુલભાની આખી કહાની જાણવામાં રસ પડ્યો. પરંતુ કોઈને આમ આટલા બધા અંગત પ્રશ્નો પૂછવા એ યોગ્ય નહોતું લાગતું એટલે વિવેક ખાતર તેણે વાત ત્યાંજ અટકાવી.

લગભગ બે કિલોમીટરના અંતર કાપ્યા પછી એક જગ્યા પર શુલભા ઉભી રહી અને સુરજ ને કહ્યું," આપ ચા પી લો. હું ત્યાં સુધી રાહ જોઉં છું."

"તમે પણ ચા પીવો ને! આવો." સૂરજ શુલભાને વિનંતી કરી રહ્યો હતો.

"જી હું ચા નથી પીતી. આપ પી લો ત્યાં સુધી ઘોડાને થોડું પાણી પીવડાવી દઉં." શુલભા બોલી.

સૂરજ એક નાની સરખી પતરાની દુકાનમાં ચા પીવા માટે રોકાયો. ચા પીતા પીતા કઈક વિચારી રહ્યો હતો ત્યાં દુકાનવાળા ભાઈ બોલ્યા," સાહેબ, આજે શુલભાના ઘોડાની સવારી કરી છે ને! શુલભા તમને હેમખેમ પહોંચાડશે. તમે જરાય ચિંતા ના કરશો."

દુકાનવાળો શુલભાને સારી રીતે ઓળખતો હતો. સૂરજને શુલભા વિશે જાણવાની ઈચ્છા હતી.

"જી, આપ શુલભા વિશે થોડું જણાવશો? મેં અહીંયા કોઈ છોકરીને આ કામ કરતા નથી જોઈ. શુલભા પહેલી એવી છોકરી છે." સૂરજ પૂછી રહ્યો હતો.

"શુલભા એક ગરીબ અનાથ છોકરી છે, સાહેબ. બચપણમાં એને કોઈ મન્દિરની બહાર છોડીને ચાલ્યું ગયું હતું. પૂજારીને દયા આવી તો તેની જવાબદારી લીધી અને આ અનાથ છોકરીને મોટી કરી. પૂજારી પણ ખૂબ ગરીબ છે. એટલે શુલભા બચપણથી જ આ કામમાં લાગી ગઈ. જેથી પૂજારીને મદદરૂપ થઈ શકે. માં બાપનું તરછોડાયેલું સંતાન છે. પૂજારી સિવાય એનું દુનિયામાં બીજું કોઈ નથી. અને પૂજારી હવે ખૂબ ઘરડા થઈ ગયા છે. શુલભાની થોડીઘણી આવકમાં જ ઘર ચાલે છે." દુકાનવાડા ભાઈ વિસ્તારથી સમજાવી રહ્યા હતા.

સાંભળીને સૂરજને ખૂબ દુઃખ થયું. શુલભા માટે સહાનુભૂતિ થઈ. ચૂપચાપ રહેતી ગંભીર શુલભાનું દર્દ હવે સમજી શકતો હતો. વાતો વાતોમાં અડધો કલાક પસાર થઈ ગયો. શુલભા પાછી આવી અને ફરીથી તેઓની યાત્રા શરૂ થઈ.

રસ્તામાં સૂરજે શુલભા સાથે ઘણી વાતો કરી. વાતો વાતોમાં ઘણો રસ્તો કપાઈ ગયો. સાંજ ઢળવા આવી. હવે આગળની યાત્રા બીજા દિવસે કરવાની હતી. ગાત્રો થિજાવી નાખતી ઠંડી હતી. શુલભા તો આ વાતાવરણમાં ટેવાયેલી હતી પરંતુ સૂરજ માટે થોડું અસહ્ય હતું. ટેકરીની આસપાસની ઝૂંપડીમાં રાત પસાર કરવાની હતી.

"તમે આરામ કરો. હું કાલે સવારે આવી જઈશ, સાહેબ." શુલભા સૂરજની વિદાય લઈ ત્યાંથી નીકળી ગઈ.

સૂરજ આખી રાત શુલભા વિશે વિચારી રહ્યો હતો. દુનિયામાં લોકોને કેવાં કેવા દુઃખ હોય છે. શુલભાની તેને ખૂબ દયા આવતી હતી. પરંતુ શુલભા સ્વાવલંબી અને સ્વાભિમાની હતી.

માંડ માંડ ઠંડીમાં ઠુઠવાતા રાત્રી પસાર કરી. વહેલી સવારનો સૂરજ પહાડો વચ્ચેથી દર્શન આપી રહ્યો હતો. ઉગતા સૂર્યના દર્શન કરી સૂરજ બહાર આવ્યો ત્યાં તો શુલભા પોતાના ઘોડા સાથે તૈયાર થઈને ઉભી હતી.

"ઓહ! તમે આવી ગયા?"

"જી સાહેબ." શુલભા બોલી.

અને ફરીથી યાત્રા શરૂ થાય છે. અલકમલકની વાતો કરતા સૂરજ અને શુલભા સવાર સવારમાં ઘણું અંતર કાપી નાખે છે. શુલભા હવે સૂરજ સાથે આરામથી વાતો કરતી હતી. સૂરજ તેને એક ભલો છોકરો લાગતો હતો. શુલભાની કહાની જાણી હવે સૂરજને પણ સુલભા માટે ખૂબ સહાનુભુતિ હતી. અને બન્નેની ઉંમરમાં પણ ઝાઝો તફાવત નહોતો.

બીજા દિવસે પણ આમ જ સૂરજ અને સુલભા ઉંચાઈ પર આગળ વધતા ગયા. હવે તો બંને વચ્ચે હળવી મજાક પણ થતી. જાણે બંને મિત્રો બની ગયા હતા. સૂરજ થોડા થોડા અંતરે શુલભાને ઘોડા પર બેસાડી દેતો. શુલભા આનાકાની કરે તો પણ. વારાફરતી બંને ઘોડા પર બેસતા. બંનેની સફર ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી. જોતજોતામાં કેટલાય દિવસો પસાર થઈ ગયા. સુરજ શુલભા સાથે ઘણો ભળી ગયો હતો. હવે કૈલાસ પર્વત નજીક હતો. થોડા ચઢાણ પછી દૂરથી કૈલાસ દેખાવ લાગ્યો.

કૈલાસની ભવ્યતા જોઈ સૂરજ આભો બની ગયો. આવું સુંદર દ્શ્ય તેણે સ્વપ્નમાં પણ નહોતું જોયું. હજુ તો દૂરથી આટલો ભવ્ય દેખાતો પર્વત પાસેથી કેવો લાગતો હશે? સૂરજની તાલાવેલી વધી ગઈ.

પણ આ શુ? સૂરજ ધીરે ધીરે હોશ ગુમાવી રહ્યો હતો. શુલભા તેની હાલત જોઈ તેને ઘોડા પરથી નીચે ઉતારે છે. અને હવે સૂરજ લગભગ બેહોશ થઈ જાય છે. સૂરજની હાલત જોઈ શુલભા થોડી ઘભરાઈ ગઈ. આસપાસ બીજું કંઈજ હતું નહીં કે સહાયતા માંગી શકે. સૂરજને એકબાજુ સુવડાવી તેના હાથપગને ઘસીને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હતી. પરંતુ સૂરજને તેનાથી સહેજપણ ફર્ક નહોતો પડતો.

ત્યાંથી થોડેદુર એક મિલિટરી કેમ્પ હતો. ત્યાંથી સહાય મળી શકે એમ હતું. શુલભા બિચારી શુ કરે એ સમજાતું નથી. સૂરજને અહીં એકલા છોડીને કેવી રીતે જવું? પરંતુ સૂરજની હાલત જોતા તેને મિલિટરી કેમ્પની સહાયતા માંગવા તેને ત્યાંજ છોડીને જવાનો નિર્ણય કર્યો. ઘોડા પર બેસીને ઝડપથી ત્યાંથી પસાર થઈ જાય છે. મિલિટરી કેમ્પમાંથી સૈનીકો આવે છે અને સૂરજને કેમ્પમાં લઈ જાય છે.

સૂરજની હાલત થોડી ગંભીર હતી. ડોક્ટર ઈલાજ કરી રહ્યા હતા. આખરે ત્રણ કલાકના પ્રયાસ પછી સૂરજને હોંશ આવે છે. આંખ ખોલીને જુએ છે તો શુલભા તેની પાસે ઉભી હતી. સૂરજને હેમખેમ જોઈ તેના જીવમાં જીવ આવ્યો.

“આભાર માનો આ છોકરીનો કે જેણે તમારો જીવ બચાવ્યો. એ જો અહીં સમયસર ના લાવી હોત તો તમારું બચવું મુશ્કેલ હતું.” મિલીટરીવાડા ડોક્ટર બોલ્યા.
વાત જાણીને સૂરજને શુલભા માટે ખૂબ માન થયુ. સુલભાનો આભાર પ્રગટ કરી રાત્રી કેમ્પમાં જ પસાર કરે છે.

બીજા દિવસે કૈલાસના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શુલભા પણ સૂરજ સાથે કૈલાસના દર્શન કરે છે દૂરથી. અને હવે તેમની વળતી સફર શરૂ થાય છે. વળતા ખૂબ ઝડપથી રસ્તો કપાઈ જાય છે. તળેટીમાં કયારે પહોંચી ગયા ખબર પણ ન પડી. શુલભાને અલવિદા કરી અને સૂરજ હવે પોતાના વતનમાં પાછા જવાની તૈયારી કરે છે.

કૈલાસની ભવ્યતા, શુલભાની સાદગી, કૈલાસની સફરનો રોમાંચ આ બધા કાયમી સંભારણા લઈને સૂરજ ઘર તરફ પ્રયાણ કરે છે. હિમાલયથી શરૂ કરેલી યાત્રા કૈલાસમાં પુરી થઈ. વીસ દિવસની જગ્યાએ એક મહિનાનો પ્રવાસ થઈ ગયો. પરંતુ આ અનુભવ આ રોમાંચ તેના માટે ખૂબ મૂલ્યવાન હતો.

ઘરે આવીને થોડા દિવસ આરામ કરે છે અને પછી ફરીથી પોતાના નિયત કાર્યો કરવામાં વ્યસ્ત થઈ જાય છે.

કૈલાસની યાદો તેનાં માનસપટ પરથી ખસતી નહોતી. અને ખાસ કરીને શુલભા. શુલભા એ નવું જીવન આપ્યું હતું. જો એ ન હોતી અને ખરા સમયે તેની મદદ ન કરતી તો આજે એ ઘરે જ ન આવ્યો હોત.

શુલભાથી દૂર થયા પછી હવે તેના માટે મન તરસી રહ્યું હતું. કદાચ સૂરજને શુલભા માટે લાગણી થઈ ગઈ હતી. કૈલાસથી આવ્યા પછી એહસાસ થયો કે તે શુલભાના પ્રેમમાં હતો. પરંતુ સૂરજ અને શુલભાની વિષમતાઓ કોણ સ્વીકારશે. સૂરજ એક ભણેલો ગણેલો સારા ખાનદાનમાંથી આવતો. અને શુલભા કોનું સંતાન હતી એ પણ ખબર નહોતી.

પરંતુ પોતાની જાન બચાવનાર છોકરીની જાત શું પૂછવાની? એની સાદગી, શાલીનતા અને એની માનવતા જ એની પહેચાન હતી. ઘરમાં આ સંબંધ માટે ખૂબ વિરોધ થાય છે પરંતુ સૂરજ તેના નિર્ણયમાં મક્કમ હતો. એ તો હરહાલમાં શુલભા સાથે જ જીવન વ્યતિત કરવાનો નિર્ણય કરે છે. પરંતુ હવે શુલભાને મળવું કેવી રીતે? ના તો કોઈ સરનામું ના કોઈ ટેલિફોન નમ્બર. કેવી રીતે શોધવી શુલભાને?

ઘરમાં વિરોધ હોવા છતાં સૂરજ ફરીથી કૈલાસ સુધી આવે છે શુલભાને શોધવા. પરંતુ તે ક્યાંય દેખાતી નથી. ઘણી તપાસ કરી પરંતુ ક્યાંય શુલભાની ભાળ ન મળી. સૂરજને યાદ આવ્યું કે પેલા ચા વાળા ભાઈ શુલભાને ઓળખતા હતા. ત્યાં પણ પૂછ્યું પરંતુ ત્યાં પણ કોઈ સમાચાર નથી મળતા. હારી થાકીને સૂરજ પાછો નીચે આવે છે. અને એક નાનકડી ચાની દુકાનની બહાર બેઠો હોય છે.

"કોઈ તકલીફ છે સાહેબ? ખૂબ ચિંતામાં લાગો છો? શુ હું આપની કોઈ મદદ કરી શકું?" ચાની દુકાનવાળો બોલ્યો.

સૂરજ થોડીવાર સુધી કોઈજ જવાબ નથી આપતો. પણ પછી થયું લાવને વાત કરું કદાચ કોઈ ઉપાય મળે. અને સૂરજ તમામ ઘટના વર્ણવે છે.

અને થયું એવું કે દુકાનવાળો શુલભાને ઓળખતો હતો. તે બોલ્યો," અરે સાહેબ! શુલભા હવે અહીં નથી રહેતી. હું તેને સારી રીતે ઓળખું છું. છેલ્લા કેટલાય દિવસોથી તેણે ઘોડેસવારી લેવાનું બંધ કર્યું છે અને હવે એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. કાલે હું તમને તેની સાથે મળાવીશ." વાત સાંભળીને સૂરજ ખૂબ ખુશ થઈ જાય છે અને દુકાનવાળાનો આભાર માને છે.

બીજા દિવસે સૂરજ શુલભાને મળે છે. બંને એકબીજાને જોઈને ભાવુક થઈ જાય છે. શુલભાની આંખમાં પણ સૂરજ એ જ ભાવ જુએ છે જે એના મનમાં હતો. સૂરજ શુલભાને એના મનની વાત કરે છે. શુલભા પણ એકરાર કરે છે. એક અનાથ છોકરી પહાડોમાં મોટી થયેલી. દુઃખ અને ગરીબી સિવાય તેણે બીજું કાંઈ જ જોયું નથી. છતાંય એનું નસીબ એને સૂરજ જેવા જીવનસાથી સુધી લઈ ગયું. અને સૂરજ માટે પણ પોતાને જીવતદાન આપનાર છોકરી એની જીવસંગીની બને એમાં જ એનું ગૌરવ છુપાયેલું હતું.

કહેવાય છે કે જોડીઓ ઈશ્વર બનાવીને મોકલે છે. અને સમય આવ્યે સૂરજ અને શુલભાની જેમ મેળવી પણ દે છે.....

મનીષા