intazaar aaj bhi he.. books and stories free download online pdf in Gujarati

ઇંતજાર આજ ભી હે....

"શેફાલી દસ નમ્બરનાં પેશન્ટનું બીપી માપીને રિપોર્ટ કરો જલ્દી..."

“યસ સર....”


શેફાલી મમતા હોસ્ટપીટલમાં કામ કરતી એક નર્સ હતી... હમણાં જ અભ્યાસ પૂરો કરીને નવીનવી હોસ્પિટલમાં જોડાઈ હતી... કામનો જરાય અનુભવ નહોતો... છતાંય શીખવાની તત્પરતા ભરપૂર હતી... ખડે પગે નીરજસરની સાથે રહેતી અને દરેક કામ ઉત્તમ રીતે પાર પાડતી.... શેફાલી એક સામાન્ય પરિવારમાંથી આવતી હતી... ઘરમાં પપ્પા રીટાયર્ડ શિક્ષક હતા... વર્ષો સુધી સરકારી પ્રાથમિક શાળામાં સેવાઓ આપી હતી... શેફાલી ઘરમાં સૌથી મોટું સંતાન હતું... એના બીજા બે નાના ભાઈ બહેન હતા.. પપ્પાના નજીવા પેનશનમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું.... શેફાલી પોતાની આવક પૂરેપૂરી ઘરમાં આપતી... પોતાના મોજશોખતો એ કયાંય ભૂલી ગઈ હતી... મમતા હોસ્પિટલમાં નોકરી મળી એ તેના માટે ખૂબ મહત્વનું હતું...

"સર બીપી નોર્મલ છે... પેશન્ટ હવે ઘણું સ્ટેબલ છે... આ રહ્યા એના રિપોર્ટ્સ.... "
"વેરી ગુડ..." રિપોર્ટ્સ જોતા ડૉક્ટર નીરજ બોલ્યા...
"શેફાલી, જુઓ હું બે દિવસ મેડીકલ કોન્ફરન્સમાં મુંબઈ જાઉં છું... ડોક્ટર વિવેક સાથે મારી વાત થઈ ગઈ છે... તે સવાર સાંજ રાઉન્ડમાં આવીને પેશન્ટને તપાસી જશે... તમારે હોસ્પિટલનુ ધ્યાન રાખવાનું છે અને મને તમામ પેશન્ટની ડિટેલ્સ મોકલતા રહેજો... થોડું વધારે રોકાવું પડે તો એ પણ તૈયારી રાખજો...."
ઓકે સર...

શેફાલી પોતાના કામ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર હતી... કામચોરી કે આળસ તો એ જાણતી જ નહોતી... અને વળી એનો સ્વભાવ પણ એટલો ઋજુ હતો કે બધાં પેશન્ટ પણ શેફાલીની જ રાહ જોતા હોય...

ડો નીરજ એક સફળ ગાયનેકોલોજિસ્ટ હતા... શહેરમાં તેમની ખ્યાતિ હતી... પોતાની આવડત અને હોંશિયારીના કારણે ખૂબ જલ્દી તેઓએ નામના પ્રાપ્ત કરી હતી... તેઓ ખૂબ સમજદાર અને ઉદાર દિલના હતા... શરૂઆતના વર્ષોમાં હોસ્પિટલમાં કોઈ પ્રોફિટ ન મળતો છતાંય પૂરેપૂરા ખંત અને ઉત્સાહથી દર્દીઓની સેવા કરતા..આજ સુધીના તમામ કેસ સફળ રહ્યા... ક્યારેય કોઈ કમ્પ્લેન નહી...
ઘણા ગરીબ દર્દીઓને મફતમાં દવાઓ પુરી પાડતા.. ઘણા દર્દીઓના આશીર્વાદ તેઓને મળતા... મેડિકલના અભ્યાસ દરમિયાન માત્ર ભણવામાં જ ધ્યાન હતું... પૂરેપૂરી નિષ્ઠાથી ભણતા... અને તેમના મિત્ર વર્તુળમાં પણ તેમનું ખૂબ માન હતું...

મુંબઇની લાંબી મુસાફરી કરીને હજુંતો રેલવે સ્ટેશન ઉતરતા હતા ત્યાંજ સ્ટાફને જાણ કરી કે હું આવું છું...હોસ્પિટલમાં આવતાંવેંત જ તમામ દર્દીઓને તપાસી લીધા અને સ્ટાફને જરૂરી સૂચનો આપી ઘરે ગયા...

ડો નીરજ બચપણમાં જ પોતાના માબાપને ગુમાવી ચુક્યા હતા... ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક કાર એકસિડેન્ટમાં તેઓના માતાપિતાનું મૃત્યું થયું.... માતાપિતાનું એકનું એક સંતાન હતા...તેમના માતા અત્યંત પ્રેમાળ અને વાત્સલ્યતાની મૂર્તિ સમાન જાજરમાન સ્ત્રી હતા... સમાજ તેઓનું ખૂબ ઉચ્ચ સ્થાન હતું... બચપણથી જ તેઓએ નાનકડા નિરજમાં સહનશીલતા અને સંયમના ગુણો ખીલવ્યા હતા... પ્રેમાળ માતાના અકાળ મૃત્યુંથી નીરજના બાળમાનસમાં ભારે આઘાત લાગ્યો... એનું હાસ્ય છીનવાઈ ગયું.. હસતો ખેલતો નીરજ હવે સદાય ઉદાસ રહેવા લાગ્યો... ના તો રમવા જતો કે ન તો બીજા કોઈ વિષયમાં રુચિ લેતો...
નિરજના કાકાને તેના પ્રત્યે થોડી લાગણી હતી... પરંતુ ઘરના અન્ય સભ્યોને નીરજ એક બિનજરૂરી જવાબદારી લાગતો હતો... થોડા દિવસ તો જેમતેમ કરીને કાકાના ઘરે વિતાવ્યા પરંતુ એક દિવસ નીરજ આંગણામાં બેઠો હતો ત્યારે....કાકા નિરજની પાસે જઈને તેના ખભા પર હાથ રાખીને બોલ્યાં...

"જો બેટા!! તારા મમ્મી પપ્પા તો ભગવાન ઘરે ગયા છે... હવે પાછા નથી આવવાના... તું એકલો પણ આ ઘરમાં નહીં રહી શકે... એટલા માટે મેં તારા માટે એક સરસ ઘર શોધી કાઢ્યું છે જ્યાં તારા જેવા અનેક બાળકો હશે અને તને એકલતા નહીં લાગે... તો તારે ત્યાં જવું છે દીકરા????. "
હા કાકા..
નાનકડા નિરજને ક્યાં ખબર હતી એના કાકા અનાથાશ્રમની વાત કરી રહ્યા છે... એ તો બિચારો નિર્દોષ બાળક હતો..

બીજા દિવસે સવારે નીરજને તૈયાર કરી તેના કપડાં એક થેલામાં ભરી નિરજને લઈને બસમાં બેઠા... "કાકા આપણે ક્યાં જઈ રહ્યા છે??? "
જો બેટા!!! આપણે નડિયાદ જઈએ છીએ... ત્યાં હું તને તારા જેવા સરસ મજાના બાળકોની દોસ્તી કરાવીશ... અને તું ત્યાંજ રહેજે...
નિરજને વધારે કાઈ ખબર ન પડી પણ કાકાના સહારે નડિયાદના એક અનાથાશ્રમમાં આવ્યો...
એક બાળક માટે પોતાના માવતરને ગુમાવવાની પીડા તો હતી જ ઉપરથી એને ઘરથી પણ દૂર કરી દેવામાં આવ્યો... રહી સહી માતાની યાદો પણ એનાથી છીનવાઈ ગઈ...

ટ્રસ્ટી પાસે તમામ ઔપચારિકતા પતાવી કાકા નીરજને ત્યાંજ મૂકીને પાછાં જવા નીકળ્યા... જો નીરજ હવે આ જ તારું ઘર છે... હું જાઉં છું... તને મળવા હું અવારનવાર આવતો રહીશ...
"પણ કાકા હું અહી કોઈને નથી ઓળખતો... તમે મને મૂકીને ન જાઓ... " નાનકડો નીરજ ખૂબ રડવા લાગ્યો...માંડ માંડ હાથ છોડાવીને તેને રડતો મૂકીને કાકા ત્યાંથી નીકળી ગયા...

કદાચ નિરજની આજ નિયતી હશે...

નિરજને અનાથાશ્રમમાં અનેક બાળકો સાથે એક જ રૂમમાં રહેવાનું હતું...આશ્રમના નિયમોનું પાલન કરવાનું હતું... હવે કોઈ નહોતું જેની પાસે એ જીદ કરી શકે... લાડ કરી શકે...
એક અજાણી જગ્યાએ અનુકૂલન સાધવાનું હતું.... ધીમે ધીમે એ ઘટમાળમાં ગોઠવાઈ જાય છે... આશ્રમના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે... તેને ભણવાની ખૂબ લગન હોય છે... આશ્રમની આજુબાજુ આવેલી સામાન્ય સરકારી શાળામાં ભણતો હોય છે... ભણવામાં ખૂબ હોશિયાર હોવાના કારણે શિક્ષકોનો પણ ખૂબ પ્રિય હતો...
નિરજની ધગશ જોઈને આશ્રમના ટ્રસ્ટીગણ એના ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા કરે છે... લોકોના દાન અને સરકારી શિષ્યવૃત્તિના સહારે ખૂબ ભણે છે.. ખૂબ આગળ વધે છે... સૌનો આદર અને પ્રેમ જીતે છે...

વડોદરાના મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે... પોતાની તમામ ઉર્જા આવડત ભણવામાં લગાડી અંતે એક ગાયનેકોલોજિસ્ટ બને છે...અહીં સુધીની સફરમાં તેણે માત્ર સંઘર્ષ જ કર્યા છે... તદ્દન નજીવી જરૂરીયાત અને માત્ર બે જોડી કપડામાં આખું MBBS પૂરું કરે છે... સારા કપડાં કે બીજા કોઈ શોખ તો તે સ્વપ્નમાં પણ વિચારી શકતો નહોતો...

ગાયનેકોલોજિસ્ટ બન્યા બાદ એક સરકારી હોસ્પિટલમાં નોકરી મળી જાય છે... હવે સરકારી કવાટર્સ પણ મળે છે.... થોડા વર્ષો નોકરી કર્યા બાદ દરેક ડોક્ટરનું સપનું હોય છે કે પોતે પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરે.. પોતાનું હોસ્પિટલ હોય..નીરજ પણ એ સપનું સેવે છે અને સરકારી લૉન અને અન્ય બચત ભેગી કરી ભાડાનું એક મકાન રાખીને પોતાનું હોસ્પિટલ શરૂ કરે છે... એક સાદા સરળ અને હોશિયાર ડોક્ટર તરીકેની છાપ તો મેડીકલ ક્ષેત્રમાં હોય છે તેમ છતાં દર્દીઓને પણ નિરજમાં ભગવાનની છબી દેખાતી...

માતાના મૃત્યુ બાદ કોઈ સ્ત્રીનો પ્રેમ કે લાગણી નિરજને નહોતી મળી... એના હૃદય ને સમજી શકે અને એની કાળજી લઈ શકે એવી કોઈ સ્ત્રી એના જીવનમાં આજ સુધી પ્રવેશી નહોતી... નાની ઉંમરથી માત્ર દુઃખ, એકલતા અને અંતરનો ખાલીપો જ જોયો છે... પ્રેમની તો વ્યાખ્યા જ નીરજ ભૂલી ગયો હતો...

અથાગ મેહનત અને તનતોડ પરિશ્રમના પરિણામ સ્વરૂપે મળેલી સફળતા તેના આત્મવિશ્વાસમાં ઉમેરો કરે છે...હવે તે સારી જીવનશૈલીમાં ઘડાઈ રહ્યો હતો...અન્ય ડોક્ટરો સાથે પણ ખૂબ સારા સંબંધ કેળવી રહયા હતા...

શેફાલી હોસ્પિટલમાં મન મુકીને સેવાઓ આપી રહી હતી... ડૉ નિરજનો પડ્યો બોલ ઝીલતી..
ઓપીડી શરૂ થાય એ પહેલાં હોસ્પિટલમાં અચૂક હાજર થઇ જતી... હોસ્પિટલ ને ઘરની જેમ સજાવતી.. ખૂબ સારી ગોઠવણ કરતી.. શેફાલીના આવ્યા પછી થોડા જ દિવસોમાં હોસ્પિટલની રોનક બદલાઈ ગઈ હતી...
એની નિર્મલ વાણી અને સૌજન્યતાએ સૌના દિલ જીતી લીધા... તો પછી ડૉ નીરજ કેમ કરી બાકાત રહે... શેફાલી પહેલી એવી છોકરી હતી કે જે ડો નિરજના જીવનમાં આવી... ઓપીડી હોય કે સર્જરી ડો નિરજની તમામ સગવડ સાચવતી... શેફાલી પોતાની ફરજના ભાગરૂપે સમજીને ખૂબ નિષ્ઠાપૂર્વક તમામ જવાબદારી નિભાવતી...

નોકરીને લગભગ વર્ષ પૂરું થવા આવ્યું... એક નર્સ હોવાને નાતે શેફાલી હમેશા ડો નીરજ સાથે એક મર્યાદા જાળવતી... શેફાલી ડો નિરજના સંઘર્ષથી વાકેફ હતી.. તેણીને ખૂબ આદર હતો ડો નીરજ માટે..

ધીમે ધીમે નિરજને શેફાલી માટે કૂણી લાગણી જન્મવા લાગી... શેફાલીની રાહ જોવા લાગ્યા... એની નાની નાની બાબતની કાળજી રાખવા લાગ્યા... શેફાલીને પણ તેમના વર્તનમાં કંઈક ફર્ક લાગ્યો... પરંતુ શેફાલી જાણતી હતી કે પોતે તો એક સામાન્ય નર્સ છે અને નીરજ સર એક મોટા ખ્યાતનામ ડોક્ટર... મારે ભૂલથી પણ એ દિશામાં ન વિચારવું જોઈએ...

આ બાજુ નીરજ ક્યારેય આજસુધી કોઈ છોકરીને મળ્યો જ નથી... કોલેજમાં પણ માત્ર ને માત્ર અભ્યાસમાં જ રચ્યો પચ્યો રહેતો... કોઈ છોકરીને મળવું વગેરે તો તેના માટે અત્યંત કપરું હતું... પરિસ્થિતિ એ એને ખૂબ શરમાળ અને અંતર્મુખી બનાવી દીધો હતો...

સમય આવ્યે દરેકને એક જીવનસાથીની તલાશ હોય છે... દરેક વ્યક્તિની જરૂરિયાત છે કે તે કોઈને પ્રેમ કરે અને કોઈનો પ્રેમ પામે... અન્યોન્ય પ્રેમની અભિવ્યક્તિ અને સ્વીકાર દરેક માનવીની મૂળભૂત જરૂરિયાત છે...
કારકિર્દીમાં ઠરીઠામ થયા બાદ હવે ઘર વસાવવાના ઓરતા દરેક માનવીને થતા જ હોય... નીરજ પણ એ સપનું સેવે છે...

શેફાલી સિવાય બીજી કોઈ છોકરી પ્રત્યે આજસુધી આકર્ષણ કે લાગણી થઈ જ નથી અને એ દિશામાં વિચાર્યું પણ નથી...

એકદિવસ ઓપીડી પુરી થયા બાદ ડો નીરજ શેફાલીને બોલાવે છે....આજે ખૂબ હિંમત ભેગી કરીને મનની વાત શેફાલી ને કેહવા જઇ રહયા હતા....

"શેફાલી, મારા સુના ઘરને તમારી જરૂરત છે, શુ તમે મારા ઘરને પોતાનું ઘર બનાવશો???
તમારી સંમતિ હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માગું છું... "
ડો નીરજ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે... આટલું બોલતા તેઓને વર્ષ લાગ્યું...

આ શબ્દો સાંભળીને શેફાલી અવાક રહી ગઈ... બિચારી કંઈ બોલી જ ન શકી...
આશ્ચર્ય અને આનંદની બેવડી મનોદશામાં એ પ્રત્યુત્તર આપે એ પહેલાં જ ડો નીરજે કહ્યું, "તમે શાંતિથી વિચારીને આવતીકાલે જવાબ આપજો.. મને કોઈ ઉતાવળ નથી..."

ઓકે સર...શેફાલી બોલી...

પ્રેમ અને આદર તો શેફાલીને પણ ખૂબ હતા નીરજ સર માટે... મનથી તો એ પણ નિરજસર ને ખૂબ ચાહતી હતી... પણ એકરાર કરવાની એનામાં પણ હિંમત નહોતી અને વળી એક લઘુતાગ્રંથિ પણ હતી કે હું તો એક સામાન્ય નર્સ છું... સર સાથે તો એમના જેવી જ કોઈક ડોક્ટર શોભે.... પણ આ શું??? આજે તો સરે મારી સમક્ષ સીધો લગ્નનો પ્રસ્તાવ મુક્યો.... મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે સર મને પોતાની જીવનસાથી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરશે...

ના પાડવાનું તો કોઈ કારણ જ નહોતું... નીરજ સર જેવા પતિ તો ભાગ્યશાળીને મળે...પોતાના નસીબ પર શેફાલી ને થોડું અભિમાન થયું... આખી રાત વિચારોમાં પડખા ફેરવતી રહી...
કાલે હું શું જવાબ આપીશ એ બધું મનમાં નક્કી કરતી હતી ત્યાંજ કોઈકે બૂમ પાડી....

"શેફાલી... શેફાલી... જલ્દી દરવાજો ખોલ... પપ્પાને છાતીમાં દુઃખે છે... લાગે છે હાર્ટ એટેક આવ્યો છે.... " શેફાલી દોડીને એના પપ્પાના રૂમમાં ગઈ... અને ખરેખર એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો... તરત ઇમરજન્સી અમબ્લુલેન્સ બોલાવી હોસ્પિટલમાં લઈ ગયા... હોસ્પિટલમાં સારવાર માટે ICU માં ખસેડવામાં આવ્યા....
શેફાલી માટે આ ખૂબ મોટો આઘાત હતો... એના પપ્પા એને ખૂબ વ્હાલા હતા... અને આમપણ દીકરી અને બાપને વિશેષ લાગણી હોય છે... ICU ની બહાર પરિવાર બેઠો છે...

હજુ કાલે તો શેફાલીના જીવનમાં એક સુખદ ઘટના ઘટી અને બીજી તરફ એના પ્રિય પપ્પાની આ હાલત...કભી ખુશી કભી ગમ ના ઉતારચઢાવ વચ્ચેનું જીવન ઘણું શીખવતું હોય છે... માનવીના જીવનમાં પરિવારથી મોટું બીજું કોઈ સુખ નથી હોતું...

"શેફાલી.... તમને ડોક્ટર સાહેબ અંદર મળવા બોલાવે છે... "
જી...
"જુઓ શેફાલી તમારા પપ્પા હવે સ્ટેબલ છે... ખતરો ટળી ગયો છે પણ તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે... શારિરીક અને માનસિક બન્ને રીતે એમને કોઈ આઘાત ન પહોંચે એનું ધ્યાન રાખજો... અમે તો ટ્રીટમેન્ટ કરીશું પણ તમારે પણ આટલી કાળજી રાખવી પડશે..." ડોક્ટર સાહેબ બોલ્યા..
"ભલે સર.. અમે પપ્પાને કોઈ જ તકલીફ નહીં પડવા દઈએ...... તમે કહશો એમ જ થશે..”

શેફાલી એના પપ્પાની દેખરેખમાં હોસ્પિટલમાં જાણ કરવાનું પણ ભૂલી ગઈ કે તે આજે નોકરી પર નહીં આવી શકે.... બીજી બાજુ ડો નીરજ વિચારતા હતા કે શું થયું???
કેમ શેફાલી આવી નહી... શું તેને ખોટું લાગ્યું હશે???
ત્યાંજ ફોન આવ્યો અને શેફાલી બોલી "સર, મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે... તેઓ ICU માં છે... પરિવારને મારી જરૂર છે...હું બે દિવસ નોકરી પર નહીં આવી શકું.. પ્લીઝ મારી રજા માન્ય રાખજો...." અરે હા શેફાલી... તમે નિશ્ચિન્ત રહો.. હું સમજુ છું... તમે પરિવારનું ધ્યાન રાખો અને કઇ પણ જરૂર હોય તો ચોક્કસ જણાવજો.... તમારા પિતાજીને જલ્દી સારું થઈ જાય એવી મારી શુભેચ્છા..."
થેક્યું સર....

આ બાજુ શેફાલી રાતદિવસ ખડેપગે પોતાના પપ્પાની સેવા કરે છે... નિયમિત દવા આપવી, ભોજન કરાવવું વિગેરેમાં એ પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતી... લગભગ એક અઠવાડિયા પછી હોસ્પિટલમાંથી રજા મળે છે... અને શેફાલી તેના પપ્પાને લઈને ઘરે આવે છે....

નીરજ સરના લગ્નનાં પ્રસ્તાવનો શુ જવાબ આપવો એ તો બિચારી ભૂલી જ ગઇ હતી...

સ્ત્રી એ ભગવાનનું અનોખું સર્જન છે... લાગણી અને પ્રેમની સ્નીગ્ધતાથી પરિવારને જોડી રાખવાની કળા ભગવાને માત્ર અને માત્ર સ્ત્રીને આપી છે...

શેફાલી બીજે દિવસે સવારે હોસ્પિટલ નિયત સમયે નોકરી પર હાજર થાય છે... શેફાલીને જોઈને સ્ટાફ અને દર્દીઓ બધાજ ખૂબ રાજી થાય છે... ફરીથી પોતાની ડ્યૂટી અને અધૂરા કામ પુરા કરવામાં વ્યસ્ત થઈ જાય છે... શેફાલી એ આજસુધી બીજાની સેવા જ કરી છે...પોતાના વિશે તો ક્યારેય વિચાર્યું જ નથી...

થોડા દિવસ પસાર થયા પછી.. એકવાર નીરજ સરની કેબિનમાં કામ કરી હતી... નીરજ સરે પૂછ્યું," શેફાલી, તમારા પપ્પાને હવે સારું છે ને... તમે લગ્ન વિષે કઈ વિચાર્યું પછી???"

સર તમારી સાથે લગ્ન કરવામાં મને કોઈ જ વાંધો નથી પરંતુ મારે મારા પરિવારના સભ્યોને આ વિશે પૂછવું પડશે... અને હાલ ઘરની પરિસ્થિતિ સારી નથી... પપ્પા સંપૂર્ણ સાજા થઈ જશે પછી ચોક્કસ પૂછીને તમને જવાબ આપીશ".
"ભલે શેફાલી... હું રાહ જોઇશ.." નીરજ સર બોલ્યા...

એકવાર શેફાલી ઘરમાં નિરાંતે બેઠી હતી ત્યારે એના પપ્પા એ કહ્યું...
"બેટા શેફાલી!!"


“હા પપ્પા."

“જરા પાસે આવતો મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે...”

હા પપ્પા! કહો ને શુ વાત છે???
“જો બેટા હવે મારા જીવન નો કોઈ ભરોસો નથી... મારા મૃત્યું પેહલા મારી ખૂબ ઈચ્છા છે કે હું તને પરણાવીને તારા સાસરે વળાવી દઉં... દીકરીનો સુખી સંસાર જોઈને મરીશ તો કોઈ વસવસો નહીં રહે...”

અરે પપ્પા!! આવું કેમ બોલો છો.. હજુ તો તમારે ઘણું જીવવાનું છે..."

"જો બેટા!!! મારા ધ્યાનમાં એક ખૂબ સરસ છોકરો છે અને મેં એના પરિવારને વચન આપ્યું છે કે મારી શેફાલી તમારા ઘરની જ પુત્રવધૂ બનશે..."

“પણ પપ્પા....” હજુ શેફાલી કઈ બોલે એ પહેલાં એના પપ્પાએ એને ત્યાંજ અટકાવી દીધી અને કહ્યું "કાલે સાંજે એ લોકો તને જોવા આવવાના છે.. તું તૈયાર રહેજે... "
“જી પપ્પા...” શેફાલી બોલી...

બિચારી શેફાલી પોતાના મનની વાત કરી જ ન શકી...

બીજે દિવસે સાંજે ઘરે મહેમાન આવે છે....
છોકરાને શેફાલી ખૂબ ગમી જાય છે અને વડીલોની વાતચીત વચ્ચે લગ્ન નક્કી થાય છે...
જેના લગ્ન છે એને તો કોઈ કાઈ બોલવા દેતું જ નથી...


"પપ્પા, મારે તમને કઇ કહેવું છે!!!....

હું સમજી ગયો દીકરા... તને પણ છોકરો ગમે છે ને!!!!... મને ખબર જ હતી મારી દીકરી મારી પસંદગીને હા જ પાડશે... શેફાલીના પપ્પાનો અદમ્ય ઉત્સાહ અને રાજીપો જોઈને એ વધારે કાઈ બોલી ન શકી...

"નિરજસરની વાત કેવી રીતે કરું કાઈ સમજાતું નહોતું.... અને બીજી તરફ વિચાર આવે છે કે જો હું લગ્નની ના પાડીશ તો પપ્પા દુઃખી થશે... હજી હમણાં જ તો ICU માંથી બહાર આવ્યા છે... ફરીથી એમને કાઈ થશે તો..!!! ના ના...હમણાં કઈ જ નથી કહેવું..."

પરિવારમાં આનંદનો માહોલ છવાયેલો હતો... બધાં જ લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા...
બીજાની ખુશીમાં જ પોતાની ખુશી સમજતી શેફાલી... એની ઈચ્છા મનની મનમાં જ રહી ગઈ... એ કઈ વ્યક્ત કરે એ પેહલા જ પરિસ્થિતિએ એને રોકી દીધી... કદાચ ઈશ્વર ને આ જ મંજુર હશે...હવે તેણે પણ પોતાનું મન મનાવી લીધું... લગ્નની તારીખ નક્કી થઈ... કંકોત્રી છપાઈ ગઈ....

શેફાલી કયા મોઢે નીરજ સર ને વાત કરે કે શું થયું??? કંઈપણ ઉત્તર આપવાની એની હિંમત નહોતી...
ઘરમાં શરણાઈ વાગવાની તૈયારી થઈ ગઈ...

"બેટા!!! આ કંકોત્રી તારા સરને આપજે...એમને પણ લગ્નમાં નિમંત્રણ આપજે..." હર્ષઘેલી શેફાલીની મમ્મી કંકોત્રી આપતા બોલી... જી મમ્મી.. આપીશ..

"શેફાલી... ઓ શેફાલી.... તને સર બોલાવે છે... "


શેફાલી પોતાનું કામ છોડીને નિરજસરની કેબીન માં જાય છે.... જી સર.. બોલો શુ કામ હતું???
થોડી મેડિકલ અને પેશન્ટની ઔપચારિક વાતો પતાવીને ડો નીરજ બોલ્યા હવે તમારા પપ્પાની તબિયત કેમ છે???? ઘરનું વાતાવરણ સારું છે ને!!!! શેફાલી વાત ટૂંકાવીને બહાર નીકળવા જતી હતી ત્યાંજ નિરજસર પૂછી બેઠા... શેફાલી હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું.. એ વાત ને આજે એક મહિનો થઈ ગયો... હું તમને ખૂબ પ્રેમ કરું છું શેફાલી....

સાંભળીને શેફાલી મનોમન બોલી "પ્રેમ તો હું પણ આપને ખૂબ કરું છુ સર... પરંતુ નિયતિને આપણો સમ્બન્ધ મંજૂર નથી.. "

પર્સમાંથી કંકોત્રી કાઢીને નિરજસરના હાથમાં આપી... "આ શું છે શેફાલી???..." મારા લગ્નની કંકોત્રી... આપ જરૂર આવજો....

કંકોત્રીથી એટલું પુરવાર થયું કે જે પ્રેમ નિષ્ફળ જાય છે તે એક વહેવાર બની રહે છે... જ્યારે ખુલ્લાં દિલથી એકરાર ન કરી શકાય ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થતો હોય છે....

પોતાનું દર્દ દિલમાં છુપાવીને હોંઠો પર બનાવટી હાસ્ય રાખીને નિરજસર બોલ્યા "અભિનંદન શેફાલી".
મને મારો જવાબ મળી ગયો... તમે ખુશ રહો...
હું ચોક્ક્સ આવીશ... ધન્યવાદ...

આંસુ છુપાવીને દિલ પર પથ્થર રાખીને શેફાલી ત્યાંથી નીકળી ગઈ... એકાંતમાં બેસીને પોતાના અધૂરા પ્રેમની મૈયત પર ખૂબ રડી... અફસોસ અને વસવસાઓને ગળે લગાવી પરિસ્થિતિ સાથે દોસ્તી કરી લીધી...

પરિવારના સુખ માટે પોતાની અંગત ઈચ્છાઓને કોરાણે મૂકી પોતાના હાથમાં મહેંદી લગાવવા રાજી થઈ ગઈ... મનથી તો નિરજસરને જ ચાહે છે... પણ હવે એ પ્રેમ અને ચાહતને ત્યાંજ દફન કરીને વાસ્તવિક જીવનમાં જીવતા શીખવું પડશે..

શેફાલી પોતાના ભાવિ પતિનો હાથ ઝાલીને અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરતી હતી ત્યાંજ તેની નજર નિરજસર પર પડી... પોતે કરેલા વાયદા મુજબ શેફાલીને શુભકામના આપવા માટે લગ્નમાં આવ્યા હતા...

કોઈના દિલને મેં આટલું દુભવ્યું છતાંય આટલી ઉદારતા... કઈ માટી માંથી બનેલા છે આ માણસ...!!!!! શેફાલીના મનમાં વિચાર આવ્યો... સર માટેનો આદર ઓર વધી ગયો...
આ છેલ્લી મુલાકાત હતી... શેફાલી અને નિરજસરની... આજ પછી હવે બંનેના રસ્તા જુદા હતા...

શેફાલી પોતાના પતિ સાથે નવુંજીવન શરૂ કરે છે... વર્ષો વીતતાં જાય છે... અને બે સંતાનની માતા બને છે... ઘર પરિવાર બાળકો અને પતિની તનમનધન થી સેવા કરે છે... પોતાની જાતને ભુલાવીને માત્ર જવાબદારી અને પરિવાર ની ખુશહાલીમાં પોતાનું સુખ સમજે...

આ તરફ નિરજસર હવે લગ્નનો વિચાર માંડી વાડે છે..... પોતે એક અનાથાશ્રમમાં મોટા થયા હોય છે... અને હવે પછી પોતાનું જીવન અનાથ બાળકોની સેવામાં સમર્પિત કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે.... એક સફળ ડોક્ટરને પરણવા કોણ રાજી ન થાય??? અનેક યુવતિઓના માંગા આવતા હોય છે... પરંતુ તેઓ હવે એ દિશામાં વિચારતાં જ નથી... મનથી શેફાલી ને ખૂબ ચાહતા હતા પરંતુ જેવી ભગવાનની ઈચ્છા....એ સુખી રહે એમા જ હું રાજી....

નિરજસર હવે ચાલીસી વટાવી ચુક્યા હતા... વાળ સફેદ થવા આવ્યા.... બાહ્ય દેખાવની તો તેઓએ કયારેય પરવા કરી જ નહોતી... બચપણમાં માબાપને ગુમાવવાનું દુઃખ, યુવાન વયે પ્રથમ પ્રેમને ગુમાવવાનું દુઃખ, ના એક પતિ બની શક્યા ના પોતાના સંતાનોના પિતા બની શક્યા... હા, એ ગર્વ ચોક્કસ હતો કે પોતાનું જીવન કોઈના કામમાં આવે છે.... અત્યાર સુધીમાં અનેક અનાથ બાળકોના અભ્યાસની જવાબદારી પુરી કરી... અનેક સંસ્થાઓમાં નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા હતા....

એકવાર એક સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં તેઓને ચીફ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળે છે... તેઓ હાજરી આપવા સંમત થાય છે... કાર્યક્રમમાં ખૂબ સુંદર વકતવ્ય આપે છે..... સામે ઔડિયન્સમાં માતાપિતા અને અન્ય મહાનુભાવો બેઠા હતા.... શેફાલીના બાળકો પણ એ જ સ્કૂલમાં ભણતા હતા... શેફાલીની નજર નિરજસર પર પડી.... ઘડીભર ઓળખી ન શકી.... ઘણા વર્ષો પછી જોયા... ઉંમરની અસર એમના ચેહરા પર વર્તાતી હતી... શેફાલી ને એમ હતું કે તેઓ પણ બીજે લગ્ન કરીને પોતાના સંસારમાં વ્યસ્ત હશે.... એટલે આજસુધી તેમના વિશે કાઈ જાણવાની કોશિશ પણ ન કરી હતી....

કાર્યક્રમના અંતે નિરજસર વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેઓની નજર શેફાલી પર પડી.... શેફાલી પોતાના બે બાળકો સાથે ઉભી હતી...
થોડી ઔપચારીક વાતો પછી નિરજસર એ સહજ પૂછ્યું, કેમ તમે એકલા આવ્યા છો??? તમારાં પતિ ન આવ્યા સાથે....

શેફાલી કોઈ જવાબ ન આપી શકી...આ સવાલનો જવાબ શેફાલીના મોટા દીકરા એ આપ્યો.... અમારા પપ્પા નથી... તેઓ બે વર્ષ પહેલાં જ મૃત્યું પામ્યા...
ઓહ!! સાંભળીને નિરજસરને ખૂબ દુઃખ થયું...
માફ કરજો શેફાલી.... મારે આવું નહોંતુ પૂછવું જોઈતું.... અરે ના ના સર... આ પ્રશ્ન તો કોઈને પણ થાય....

તમને વાંધો ના હોય થોડીવાર બેસીને વાત કરીએ...

પાસે આવેલા એક બાંકડા પર શેફાલી, તેના બાળકો અને નિરજસર બેઠા.... વર્ષોની વાતોનો સંગ્રહ ખાલી થયો...

શેફાલી પરીવારના ભરણપોષણ માટે હવે એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી...
પોતાની નજીવી આવકમાં બાળકોનું ભણતર અને ઘરની જવાબદારી પુરી કરી રહી હતી...
નિરજસર એ કહ્યું તમારે નોકરી કરવી હોય તો મારી હોસ્પિટલના દરવાજા તારા માટે સદાય તમારી માટે ખુલ્લા છે...

થેન્કયું સર... શેફાલી એ કહ્યું...

અને એકવાર ફરીથી શેફાલી એ જ હોસ્પિટલમાં નોકરી શરૂ કરે છે.... એકાદ વર્ષ એમજ વીતી જાય છે...
"શેફાલી તમને સર બોલાવે છે...." હોસ્પિટલના એક કર્મચારીએ શેફાલીને કહ્યું...."હા જાઉં છું".. શેફાલી બોલી...

ઓપીડી પતાવીને નિરજસર કેબીનમાં બેઠા હતા.... "શેફાલી મારે તમને કાંઈક કહેવું છે!!!"
જી સર, કહોને...
શેફાલી આજે હું તમારી સમક્ષ ફરીથી લગ્ન માટેનો પ્રસ્તાવ મુકું છું... શુ તમે મારી સાથે લગ્ન કરશો???

સાંભળીને શેફાલીની આંખમાં આંસુ આવી ગયા... સર હજુ પણ તમને મારી માટે લાગણી છે??... હું તો બે બાળકોની માતા છું... શેફાલી બોલી..

હા, શેફાલી હું હજુ પણ તમને જ પ્રેમ કરું છું... એટલે જ તો મેં લગ્ન પણ નથી કર્યા... મને હજુ પણ એ જ લાગણી છે તમારા માટે...

શેફાલી સાંભળીને ખૂબ રડે છે... સર મેં તમને માત્ર દુઃખ જ આપ્યું... છતાંય તમે કેવી રીતે આટલા ઉદાર રહી શકો??? તમે કઈ સદીના માનવી છો સર??? મારા માટે તો તમે જ ભગવાન છો... હા સર! હું લગ્ન માટે રાજી છું... વર્ષો પહેલા મારી મજબૂરી હતી... પરંતુ હવે હું કોઈ સમાજને પૂછવા નહિ જાઉં....
હા હું તમારી જીવનસંગીની બનવા તૈયાર છું....

શેફાલી નો જવાબ સાંભળીને નિરજસરની આંખમાંથી પણ હર્ષનાં આસું વહી ગયાં... શેફાલી તમારા બન્ને બાળકો સાથે મારા ઘરમાં તમારું સ્વાગત છે....

અને બન્ને જણા પ્રથમ વખત એકબીજાને ભેંટીને ખૂબ રડે છે... એક અધૂરી પ્રેમકહાની વર્ષો પછી પુરી થઈ...નિયતિએ ફરીથી એ વિખુટા પડેલા હૈયાં ને એક કર્યા...

આજે શેફાલી અને નિરજસર ખૂબ સુખી લગ્નજીવન જીવી રહ્યા છે... બંને એકબીજાના પુરક બનીને જીવનના પાછલા વર્ષોને માણી રહ્યા છે....

મનીષા રાઠોડ

rathodmanisha16@yahoo.com

બીજા રસપ્રદ વિકલ્પો