બેકલોગ manisha rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેકલોગ

"આજે સાંજે વેલકમ પાર્ટીમાં તું આવીશ ને? મજા આવશે! સિનિયરો આપણને પાર્ટી આપશે. ડીજે હશે, ડિનર હશે. જલસા પડશે." ચિન્મય તેના મિત્ર નિસર્ગને મનાવી રહ્યો હતો.

“હજુ તો હમણાં એડમિશન થયું. પહેલીવાર તો ઘરની બહાર નીકળ્યા. શુ પાર્ટી ને શુ જલસા? બારમા ધોરણની પરીક્ષા આપી. JEE ને ગુજકેટના ચક્કરમાં પાર્ટી શુ કહેવાય એ જ ભૂલી ગયા. ટ્યૂશન અને સ્કૂલની પ્રદક્ષિણા કરતા કરતા ચોવીસ કલાકમાંથી અઢાર કલાક તો સ્કૂલ યુનિફોર્મમાં હતા. એ તો આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ ખુલી છે ગુજરાતમાં એટલે ક્યાંક તો મેળ પડવાનો જ હતો. તે અહીં આવી ગયા.”

"તું આવીશ કે નહીં? એ કે પેહલા." ચિન્મય થોડો અકળાયો.

"હા ભાઈ, આવીશ. પણ જો મને ડાન્સને એ બધું ના ફાવે. તું મને ફોર્સ ના કરતો પ્લીઝ." નિસર્ગ થોડો અચકાતા બોલ્યો.

"અરે! તું તારે એન્જોય કરજે ને. જો તો ખરો કોલેજનો માહોલ. હવે સ્કૂલ પતી યાર. કોલેજમાં તો જલસા જ કરવાના, સમજ્યો." ચિન્મય બોલ્યો.

નિસર્ગ એક રૂઢીચુસ્ત પરિવારમાંથી આવતો હતો. ઘરમાં બે ભાઈ. મોટો ભાઈ મેડીકલમાં હતો. ખૂબ હોશિયાર હતો. અને નાનો નિસર્ગ હમણાં જ એડમિશન લઈને વિદ્યાનગરની એન્જીનયરિંગ કોલેજમાં આવ્યો હતો.

પહેલીવાર આમ હોસ્ટેલમાં એકલા રહેવાનો નવો નવો અનુભવ હતો. હજુ ઘરથી આવ્યાને માંડ બે દિવસ થયા હતા. અહીંના વાતાવરણમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નવા મિત્રો, નવું શહેર, મેસનું જમવાનું, કેન્ટીનમાં નાસ્તો હજુ તો કોલેજની ભૂગોળ શીખી રહ્યો હતો. ત્યાં તો આજે વેલકમ પાર્ટી હતી. આજસુધી ભણવાના કારણે નિસર્ગ કોઈ પાર્ટીમાં ગયો જ નહોતો. આજે તેનો પહેલો અનુભવ હતો કોઈપણ પ્રકારની પાર્ટીનો.

ચિન્મય નિસર્ગનો ક્લાસસમેટ હતો. નવા નવા મિત્રો બન્યા હતા. હજુ બીજા કોઈનો પરિચય નહોતો થયો. આજની પાર્ટીમાં ખબર પડશે કોણ કયાનું છે.

પાર્ટીના ડ્રેસમાં સજ્જ થઈ બંને મિત્રો કોલેજના ગેટમાં પ્રવેશે છે.

"જોરદાર ડેકોરેશન કર્યું છે!! જો તો ખરો! સિનિયરોએ સારું પ્લાનિંગ કર્યું છે નઇ!" ચિન્મય નિસર્ગને ઉક્સાવી રહ્યો હતો.

નિસર્ગ થોડો ગભરાતો, થોડો શરમાંતો આગળ વધ્યો. આવીને છેલ્લી ખુરશી પર બેસી ગયો. જાણે ભીડથી છુપાવાની કોશિશ કરી રહ્યો હોય એમ.

"અહીં પાછળ શુ કામ બેઠો? ચાલ આગળ જઇયે. આગળ સારું રહેશે." ચિન્મય થોડો બોલ્ડ હતો. પરંતુ નિસર્ગ તો શરમાળ અને અંતર્મુખી પ્રકૃતિ ધરાવતો એક શાંત છોકરો હતો. બંને મિત્રોની પ્રકૃતિ તદ્દન ભિન્ન હતી.

પાર્ટીમાં દરેક વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની ગેમ રમાડવામાં આવી. ગીતો અને ડાન્સ થયા પણ નિસર્ગ તો એક ખૂણામાં ઉભો ઉભો જોયા કરતો. એને તો આ બધું અજુગતું લાગતું. આજસુધી તો તેણે ક્યારેય છોકરા છોકરીઓને સાથે ડાન્સ કરતા કે ગીતો ગાતા જોયા જ નહોતા. એ તો પેહલા ધોરણથી જ એક બોયઝ સ્કૂલમાં ભણ્યો હતો. ગુજરાતના નાના શહેરમાંથી આવતો નિસર્ગ કોલેજના આધુનિક વાતાવરણ સાથે ભળવાની કોશિશ કરી રહ્યો હતો.

પાર્ટી પુરી થઈ અને બંને દોસ્તો પોતાના રૂમ પર પાછા ફર્યા. અને સુવાની તૈયારી કરતા હતા ત્યાં ચિન્મય બોલ્યો," પેલી શિવાનીને જોઈ? કેવી ક્યૂટ છે. પાર્ટીવેરમાં તો જોરદાર લાગતી હતી."

"કોણ શિવાની? મેં કોઈને નથી જોઈ." નિસર્ગ બોલ્યો.

"અરે પેલી બ્લેક ડ્રેસમાં હતી ને! હાઈ હિલ અને સ્ટાઇલિશ હેર સ્ટાઈલવાળી. ડાન્સ પણ મસ્ત કરતી હતી. મારુ તો ધ્યાન ત્યાં જ હતું." ચિન્મય બોલ્યો.

"જો તું મારી સાથે આવી ફાલતુ વાત ના કર. મારા મમ્મી પપ્પાએ મને અહીં ભણવા મોકલ્યો છે.મારી સાથે આવી બધી આડીઅવળી વાતો કરીશ તો મારુ ધ્યાન ભણવામાંથી ઓછું થશે અને રિઝલ્ટ નબળું આવશે તો મારા મમ્મી પપ્પા દુઃખી થશે.ચાલ સુઈ જા હવે સવારે નવ વાગ્યે કલાસ છે." નિસર્ગ બોલ્યો.

"તું યાર બહુ બોરિંગ છે. સારું ચાલ સુઈ જઇયે." ચિન્મય થોડો બબળવા લાગ્યો.

કલાસમાં ચિન્મય અને નિસર્ગ પાછળની બેન્ચ પર બેસતા. ચાલુ ક્લાસમાં મસ્તી કરવામાં ચિન્મયને ખૂબ મજા આવતી. જ્યારે નિસર્ગ ચુપચાપ ભણવામાં ધ્યાન આપતો. તોફાની હોવા છતાં ચિન્મય ભણવામાં હોશિયાર હતો. ઓછી મહેનતે પણ પરીણામ તો સારું જ લાવતો. મસ્તી મજાક એનો સ્વભાવ હતો. પણ દિલનો ખૂબ નરમ અને ઉદાર હતો. નિસર્ગથી ચાર મહિના મોટો એટલે તેને નાના ભાઈની જેમ સાચવતોય ખરો.

જોતજોતામાં તો પહેલું સેમેસ્ટર પૂરું થવા આવ્યું. વાઈવા સબમિશન અને ફાઇનલ પરીક્ષાની તપસ્યા પુરી કરી હવે બધા વિદ્યાર્થીઓ થોડા દિવસના બ્રેક માટે ઘરે જઈ રહ્યા હતા. પરિક્ષાઓના ઉજાગરા અને આકરી મહેનતથી થાકેલા વિદ્યાર્થીઓ થોડા દિવસ ઘરમાં રહી આરામ અને પોતાની માં ના હાથનું જમવાનું જમી ફ્રેશ થઈ રહ્યા હતા.

નિસર્ગનો મોટો ભાઈ ઘરે જ હતો. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આજે એનું પરિણામ હતું. સમગ્ર ગુજરાતમાં બીજો નંબર લાવ્યો હતો. નિસર્ગના પપ્પા ખૂબ રાજી થયા. આખી સોસાયટીમાં પેંડા વહેચ્યાં. ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. નિસર્ગ પણ ખૂબ ખુશ હતો એના મોટા ભાઈની સફળતા પર.

"તારા મોટાભાઈની જેમ તું પણ સારું ભણજે. જેથી અમને પણ ગર્વ થાય. એક દીકરો તો બાપનું નામ રોશન કરે છે, જોઈએ હવે બીજો શુ કરે છે?" નિસર્ગના પપ્પા બોલ્યા.

ઘરમાં સતત બંને ભાઈઓની સરખામણી થયા કરતી. નિસર્ગ ભણવામાં મેહનત તો કરતો હતો પણ તેની ક્ષમતા તેના ભાઈ જેટલી નહોતી. તેની આવડત પેઇન્ટિંગમાં હતી. સ્કૂલમાં ઘણી સ્પર્ધામાં ઇનામો જીત્યો હતો. પેઈન્ટીંગ કરતી વખતે તેમાં ખોવાઈ જતો. એનું પૅશન હતું પેઇન્ટિંગ. પણ તેના પપ્પાએ તેને માત્ર ભણવામાં ધ્યાન આપવાનું કહ્યું. દસમા ધોરણ પછી ક્યાયેય હાથમાં કલર કે પીંછી નહોતા પકડ્યા.

વેકેશન પૂરું થયું. બંને મિત્રો પાછા હોસ્ટેલમાં ભેગા થયા. ઘરની વાતો કરતા કરતા રાત પડી અને સવારે પાછા નવું સેમેસ્ટર, નવો સિલેબસ નવા ટીચર અને નવી ચેલેન્જ.

ચિન્મય આજે સવારનો ખૂબ ખુશ હતો. શનિવારે બપોર પછી કલાસ ન હતા. એટલે રૂમ પર આવી. ફરીથી તૈયાર થઈ. પરફ્યુમ છાંટી વારંવાર ચેહરો દર્પણમાં જોઈ રહ્યો હતો. અને ક્યાંક જવાની તૈયારી કરી રહ્યો હતો.

'અત્યારે આટલો તૈયાર થઈને ક્યાં જાય છે? આટલું બધું પરફ્યુમ છાંટીને.. શુ વાત છે ?પેહલા તો કયારેય આટલો ખુશ નહોતો દેખાતો ને?" નિસર્ગ બોલ્યો.

"શિવાનીને મળવા." ચિન્મય થોડો શરમાઈને બોલ્યો.

"શુ વાત કરે છે? પેલી શિવાની ? આપણા ક્લાસ વાળી?" નિસર્ગ આશ્ચર્યથી પૂછી રહ્યો હતો.

"હા, એ જ! શિવાની. છ મહિનાથી ફિલ્ડીંગ ભરતો હતો ત્યારે આજે માની છે. આજે તેણે પહેલીવાર કોફી માટે હા પાડી. હવે મોકો જોઈ એને મનની વાત કહી દઈશ." ચિન્મય બોલ્યો.

"પણ તું અહીં ભણવા આવ્યો છે કે આ બધું કરવા?" નિસર્ગ સલાહ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"જો દોસ્ત! તું મને અત્યારે કોઈ ઉપદેશ ના આપીશ. પ્લીઝ.. શિવાની મારી રાહ જોતી હશે. ચાલ હું જાઉં." કહી ચિન્મય ત્યાથી નીકળી ગયો.

કોલેજથી રૂમ અને રૂમથી કોલેજ એ જ નિસર્ગની દુનિયા. બીજી કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહોતો લેતો. ભણવું અને સારા ગ્રેડથી પાસ થવું એ જ એનું ધ્યેય હતું. અને પેહલા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું. નિસર્ગ સારી રીતે પાસ થઈ ગયો અને ફર્સ્ટ ક્લાસ આવ્યો. ચિન્મયનો પણ ફર્સ્ટ કલાસ આવ્યો. બંને મિત્રો ખૂબ ખુશ હતા.

ફરીથી બંને બ્રેકમાં ઘરે જાય છે.

નિસર્ગના મનમાં વિચારો ચાલતા હતા કે ઘરનું વાતાવરણ મનને શાંત કરશે. સારું સારું જમીશ અને ભાઈ સાથે ખૂબ વાતો કરીશ. મમ્મીનું વહાલ અને મોટાભાઇના પ્રેમને તરસતો નિસર્ગ ઘરે પહોચે છે.

"જો નિસર્ગ ફર્સ્ટ ક્લાસ તો ઠીક છે, પણ હવે તારે ડીસ્ટિંક્શન લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજકલ ફર્સ્ટક્લાસની કોઈ વેલ્યૂ નથી. કોમ્પિટિશનનો જમાનો છે. તારા ભાઈને જો આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે. તું પણ એવું કંઈક કર. સમજ્યો." જમતા જમતા નિસર્ગના પપ્પા બોલ્યા.

નિસર્ગના પપ્પાના આવા આગ્રહને લીધે નિસર્ગનો આત્મવિશ્વાસ ડગી જતો. ખૂબ પ્રયત્ન કરવા છતાં તે તેના ભાઈની જેમ યુનિવર્સિટી ટોપ નહોતો કરી શકતો. બિચારો પ્રોત્સાહનના બે શબ્દોને તરસી રહ્યો હતો. કોઈક આવીને પીઠ થપથપાવે અને કહે કે શાબાશ નિસર્ગ! તું ખૂબ સારું કરી રહ્યો છે. તો આગળ વધવાનું પીઠબળ મળી રહે.

કોલેજનું પહેલું વર્ષ પૂરું થયું. બીજું વર્ષ ,ત્રીજું સેમેસ્ટર આવ્યું. નિસર્ગ ખૂબ મન લગાવીને ભણતો હતો.

બીજી બાજુ ચિન્મય કોલેજની દરેક એક્ટીવીટીમાં ભાગ લેતો. હવે તો શિવાની પણ તેની સાથે હતી. યુથ ફેસ્ટિવલના ઘણા પ્રોગ્રામમાં ભાગ લેતો. આત્મવિશ્વાસથી ભરપૂર પોતાની કોલેજ લાઈફ માણી રહ્યો હતો. નાની નાની સ્પર્ધામાં જીતે ત્યારે તેનો આત્મવિશ્વાસ ઓર નિખરતો. ભણવામાં પણ ખૂબ જલ્દી શીખી લેતો અને એવરેજથી હંમેશા ઉપર રહેતો.

જોતજોતામાં ત્રીજું વર્ષ આવ્યું, છઠ્ઠું સેમેસ્ટર.

વિષયો અઘરા થતા ગયા. હવે ખૂબ મહેનત કરવાની જરૂર હતી. નિસર્ગ મેહનત કરતો પણ હતો. દિવસનો મોટા ભાગનો સમય લાયબ્રેરીમાં રહેતો. ઘણીવાર જમવાનું પણ ચુકી જતો. રાતદિવસ ફક્ત એના પપ્પાના શબ્દો જ કાનમાં ઘુમરાયા કરતા. તારે તારા ભાઈની જેમ આગળ વધવાનું છે.

"ચાલ નિસર્ગ. પીઝા જમવા જઇયે. એક પર એક ફ્રી છે જો. મજા આવશે. આ રોજ મેસનું બકવાસ જમવાનું જમીને ત્રાસી ગયા. થોડો ચેન્જ મળશે. ચાલ જલ્દી કર. હમણાં કલાકમાં તો પાછા આવી જઈશું. પછી તું ભણ્યા કરજે." ચિન્મય બોલ્યો.

"પણ એમાં તો મારો ખૂબ સમય બગડે. મારે તો હજુ બે ચેપ્ટર વાંચવાના બાકી છે. તું જા, હું નથી આવતો." નિસર્ગ બોલ્યો.

"અરે યાર, ક્યારેક તો આવ મારી સાથે. તું કોલેજમાં છે કે સ્કૂલમાં? શુ આમ ચોવીસ કલાક થોથામાં પડ્યો રહે છે. ચાલ થોડું એન્જોય કર દોસ્ત. આ સમય ફરી થોડો આવવાનો છે. થોડું બેલેન્સ કર ડીયર. ચાલ મારી સાથે." ચિન્મય ખૂબ મનાવી રહ્યો હતો પરંતુ નિસર્ગ માનતો જ નથી. છેવટે એકલો જ પીઝા જમવા જાય છે. અને વળતા પોતાના મિત્ર માટે પણ લેતો આવે છે અને પરાણે એને જમાડે છે.

આજે છઠ્ઠા ધોરણનું પરિણામ આવ્યું. અને આ શું? નિસર્ગ એક વિષયમાં નાપાસ થયો હતો. એન્જીનયરિંગની ભાષામાં તેને બેકલોગ કહે.

નિસર્ગના હાથમાં રિઝલ્ટ આવ્યું. સૌપ્રથમ વાર આવું પરિણામ આવ્યું હતું. પોતાના નાપાસ થવાના ડર કરતા વધુ તેને તેના પપ્પાની ચિંતા હતી. એના પપ્પા શુ કહેશે? એમને ખબર પડશે કે હું એક વિષયમાં નાપાસ થયો છું તો કેટલા દુઃખી થશે. મને ખુબ વઢશે. હું કેવી રીતે સામનો કરીશ? વિગેરે વિગેરે વિચારો તેના મનને ઘેરી લે છે.

ફરીથી કોલેજમાં બ્રેક પડ્યો.

"નિસર્ગ, તું તારો સામાન રેડી રાખજે હું રીક્ષા બોલાવીને આવું છું." ચિન્મય બોલ્યો.

"હું ઘરે નથી જવાનો."

"શુ વાત કરે છે? ઘરે કેમ નથી જવાનો? અહીં શુ કરીશ એકલો? બ્રેકમાં તો બધાં ઘરે જાય. ચાલ હવે. આમ એકલા થોડા રહેવાય. ચાલ ચાલ સમાન પેક કર. હું તને મદદ કરું છું." ચિન્મય બોલ્યો.

"ના કહ્યું ને! હું આ વખતે ઘરે નથી જવાનો. તું તારે જા. હું મારું જોઈ લઈશ. તું મારી ચિંતા ના કર." નિસર્ગ થોડો અકળાઈ રહ્યો હતો.

નિસર્ગને વધુ ફોર્સ કરવું યોગ્ય ન લાગતા. ચિન્મય એકલો જ ઘરે જવા નીકળે છે. રસ્તામાં વિચાર આવે છે કે નિસર્ગ કેમ આ વખતે ઘરે ન ગયો. એના વર્તનમાં મને બદલાવ લાગે છે. કઈક તો ચોક્કસ છે.

નિસર્ગ આખી હોસ્ટેલમાં એકલો હતો. એના મનમાં શુ ચાલી રહ્યું હતું કોઈ ને ખબર નહોતી. ઘરેથી ફોન આવે તો પણ કઈ બહાનું કાઢીને ઘરે જવાની ના પાડતો.

દરરોજ સાંજે હોસ્ટેલથી નીકળી દૂર આવેલા એક ગામના તળાવની પાળે જઈને બેસતો. નિસર્ગ પોતાના એકાંત સાથે કઈક વાતો કરતો. લગભગ એક કલાક આમ જ નીકળી જાય અને પછી પાછો હોસ્ટેલ જતો.

ના તો એના ચહેરા પર હાસ્ય હતું, ના તો મનમાં કોઈ ઉત્સાહ. એક યુવાનને છાજે એવી ચંચળતા પણ ગુમાવી બેઠો હતો. એના જીવનનો હેતુ જાણે ફક્ત પરીક્ષામાં પાસ થવું હતું. પહેલીવાર આવેલી બેકલોગ, તેની નિષ્ફળતા એ જીરવી નહોતો શકતો. મારી સાથે જ કેમ આવું? હું આટલી મેહનત કરું તો પણ.. એકલતા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલો નિસર્ગ રૂમમાં પથારીમાં પડ્યા પડ્યા સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો .

"નિસર્ગ, દરવાજો ખોલ! નિસર્ગ..." બારણે ટકોરા સંભળાતા નિસર્ગની આંખ ખુલી. ઉભો થઈને દરવાજો ખોલ્યો તો સામે ચિન્મય હતો.

"તું જલ્દી આવી ગયો? હજુ તો થોડા દિવસની વાર છે ને?" નિસર્ગ બોલ્યો.

"હા પણ તું અહીં એકલો હતો એટલે થયું કે તને કમ્પની આપું. ઘરે ગમતું નહોતું. એ બધું છોડ..

જો હું તારા માટે શું લાવ્યો??" પોતાની બેગમાંથી ડબ્બો કાઢતા ચિન્મય બોલ્યો.

"જો આ સુરતની ઘારી. આખી દુનિયામાં વખણાય. અને આ ચેવડો ખાસ તારા માટે લાવ્યો છું. અને આ ગાંઠિયા... "

"મારે કાઈ નથી ખાવું." નિસર્ગ બોલ્યો.

નિસર્ગનો વ્યવહાર સાવ બદલાઈ ગયો હતો.તેને હવે જમવામાં પણ રસ નહોતો રહ્યો. ચિન્મય, એનો મિત્ર ખૂબ પ્રયત્ન કરતો એને રાજી કરવાનો પણ બધું વ્યર્થ.

"શુ કરું કે નિસર્ગનો મૂડ બદલાય? એને આમ આવી હાલતમાં જોઉં છું તો ખૂબ દુઃખ થાય છે.મારે કઈક તો કરવું જ પડશે." ચિન્મય મનમાં કોઈક પ્લાન ઘડી રહ્યો હતો.

બીજા દિવસે વહેલી સવારથી જ નિસર્ગ ક્યાંક બહાર ચાલ્યો ગયો. ચિન્મય ઉઠ્યો ત્યારે નિસર્ગ ન દેખાતા આસપાસ ઘણી તપાસ કરી પણ નિસર્ગ ક્યાંય ન દેખાયો.

"ક્યાં ગયો હશે? આટલી વહેલી સવારે? કોઈ ગડબડ તો નથી ને?" ચિન્મયના મનમાં શંકા પડી.

લગબગ બાર વાગ્યાની આસપાસ નિસર્ગ પાછો આવ્યો. ચિન્મયના ખૂબ પ્રયત્ન કરવા છતાં તે કોઈ જવાબ નહોતો આપતો કે તે ક્યાં ગયો હતો. બીજદિવસે પણ સવારે ઉઠી જતો હતો ત્યારે ચિન્મય જાગી ગયો. અને નિસર્ગ ને ખબર ન પડે એમ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને જોયું તો નિસર્ગ દૂરના એક ગામના તળાવની પાળી પર બેસીને કઈક વિચારી રહ્યો હતો.

"શુ વિચારતો હશે? આના મનમાં શુ ચાલી રહ્યું છે? કેમ અહીં આવીને બેઠો હશે?" ચિન્મયને મનમાં શંકાઓ થઈ રહી હતી.

પાછા આવીને જાણે કાઈ જોયું જ નથી એમ ચિન્મય વર્તવા લાગ્યો. આ સિલસિલો ઘણા દિવસ ચાલ્યો. પણ પોતાના મિત્રને પૂછવાની હિમ્મત નહોતી થતી. છતાય એકદિવસ ચિન્મય પૂછવાનો પ્રયત્ન કરે છે પણ નિસર્ગ વાત ટાળી દે છે. એના સ્વભાવમાં આવેલી વિચિત્રતા ચિન્મય કળી નહોતો શકતો. જ્યારથી રિઝલ્ટ આવ્યું છે એનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. દિવસે દિવસે નિરાશાની ગર્તામાં ઓર ધકેલાઇ રહ્યો હતો.

આમ ને આમ એક દિવસ સવારે ચિન્મય ઉઠ્યો ત્યારે નિસર્ગ હજુ પથારીમાં જ હતો.

આમ તો દરરોજ વહેલો ઉઠતો હોય છે,આજે કેમ આવી રીતે પડી રહ્યો છે! થોડીવાર સુવા દઉં પછી જગાડીશ એમ વિચારી ચિન્મય બહાર ગયો. બે કલાક પછી આવીને જોયું તો નિસર્ગ હજુય પથારીમાં હતો. ચિન્મયના મનમાં ફાળ પડી. ચિન્મયે તેને હલાવીને જગાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કોઈ પરિણામ નહિ. હાંફળોફાફળો દોડતો રેક્ટરને બોલાવી લાવ્યો. અને જુએ છે તો નિસર્ગનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું.

એમ્બ્યુલન્સ બોલાવી ઇમરજન્સીમાં નિસર્ગને હોસ્પિટલમાં લઈ ગયા. ચિન્મય નિસર્ગના ઘરે જાણ કરી તેની સાથે હોસ્પિટલમાં ગયો.

જોતજોતામાં હોસ્પિટલની બહાર વિદ્યાર્થીઓના ટોળેટોળા ઉભરાવા લાગ્યા. વાત વાયુવેગે આખા કેમ્પસમાં ફેલાઈ ગઈ. ચારેબાજુ ગમગીનીનો માહોલ.

આઇસીયુંની બહાર ચિન્મય બિચારો રડી રહ્યો હતો. પોતાનો જીગરી દોસ્ત આવી હાલતમાં. આવી અકલ્પનિય ઘટના એને અંદરથી હચમચાવી ગઈ. અનેક વિદ્યાર્થીઓ તેને આશ્વાસન આપી રહ્યા છે. ચિન્મયે સાચા અર્થમાં દોસ્તી નિભાવી હતી. એક મિત્ર અને મોટાભાઈની જેમ નિસર્ગની કાળજી રાખી હતી.

"પેશન્ટના સગા આવી ગયા? આ એક ફોર્મ ભરવાનું છે?" આઇસીયુંની બહાર એક નર્સ ચિન્મયને પૂછી રહી હતી.

"જી, હજુ રસ્તામાં છે. બસ થોડીવારમાં આવી જશે." ચિન્મય બોલ્યો.

નિસર્ગની હાલત ખૂબ ગંભીર હતી. બચવાની આશા નહિવત હતી. જીવન મૃત્યુ સાથે ઝોલા ખાતું એનું અસ્તિત્વ ક્યારે પૂરું થશે કોઈ કહી ના શકે. એટલીવારમાં રડતા રડતા નિસર્ગના મમ્મી હોસ્પિટલમાં આવ્યા. નિસર્ગના પપ્પા અને મોટાભાઈ તેમને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા. અને ત્યાંજ આઇસીયુંમાંથી ડોક્ટર બહાર આવ્યા. તેમનું મૌન જોઈ ત્યાં ઉપસ્થિત નિસર્ગના માતાપિતા અને મિત્રોના ધબકારા વધી ગયા. શુ થયું હશે? કેમ ડોક્ટર સાહેબ કાઈ બોલતા નથી?

એવામાં ચિન્મયને કઈક સૂઝયું અને એ દોડતો હોસ્ટેલ પર પાછો ગયો. અને નિસર્ગની પથારીમાં આમતેમ જુએ છે તો એક કાગળ નિસર્ગે ઓશિકા નીચે છુપાવીને રાખ્યો હતો. સાથે એક દવાની બૉટલ પણ હતી. અને કાગળમાં લખ્યું હતું.

પપ્પા,

મને માફ કરજો. હું તમારી અપેક્ષાઓ પર ખરો ન ઉતરી શક્યો. આ પગલું હું પુરી સભાનતાથી મારી મરજીથી લઈ રહ્યો છું. એના માટે બીજો કોઈ જવાબદાર નથી. ચિન્મય, દોસ્ત મને માફ કરજે.

નિસર્ગ.

કાગળ લઈને ભારે હૈયે ચિન્મય પાછો હોસ્પિટલમાં આવ્યો અને ચિન્મયના પિતાના હાથમાં કાગળ આપ્યો. કાગળ વાંચીને તેનો પરિવાર હૈયાફાટ રુદન અને આક્રંદ કરી રહ્યો હતો.

“નિસર્ગના મમ્મી પપ્પા કોણ છે?” ડોક્ટર સાહેબ બોલ્યા.

“જી સાહેબ, અમારા દીકરાને કેવું છે હવે? એ બચી તો જશેને? સાહેબ ગમે તે કરો પણ અમારા દીકરાને બચાવી લો.” રડતાં રડતાં નિસર્ગના પપ્પા ડોક્ટર સાહેબને વિનંતી કરી રહ્યા હતા.

“નિસર્ગે ઊંઘની ગોળીઓ વધારે લઈ લીધી હતી. પણ હવે ખતરો ટળી ગયો છે. જો તેને યોગ્ય સમયે હોસ્પિટલ ના લાવ્યા હોત તો કદાચ તેનું બચવું મુશ્કેલ હતું.”

ચિન્મય ખાલી દવાની બૉટલ લઈને ડોક્ટર સાહેબને બતાવે છે અને ડોક્ટર સાહેબનું નિદાન સાચું નિકળ્યું. નિસર્ગ વધારે પડતી સ્લીપિંગ પીલ્સ એકસાથે લઈને આત્મહત્યાની તૈયારી સાથે જ સૂઈ ગયો હતો. પણ પોતાના મિત્રની સમયસૂચકતા અને કાળજીને કારણે તેને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો.

ડોક્ટરની અનુમતિ લઈને નિસર્ગના પપ્પા આઇસીયુમાં સૂતેલા નિસર્ગના બેડ પાસે ગયા. નિસર્ગ આંખો ખોલીને તેઓને જોઈ રહ્યો હતો. તેઓની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. પોતાના દીકરાનો હાથ પકડીને બોલ્યા,” બેટા મને માફ કરજે, હું તને જરાય સમજી ના શક્યો. મારી મહત્વાકાંક્ષાઓનો બોજ હું સતત તારા પર ઢોળતો રહ્યો. સતત તારી સરખામણી તારા ભાઈ સાથે કરતો રહ્યો. પણ બેટા, આજે મને સમજાય છે કે હું કેટલું ખોટું કરી રહ્યો હતો. મને માફ કરી દે બેટા. ઈશ્વરે દરેક બાળકને વિશેષ બનાવ્યો છે. તારી કળા અને આવડતની કદર આજે મને થાય છે. તને જે ગમે તે કરજે બેટા, પણ આવું પગલું ફરી ક્યારેય ન ભરતો.”

પપ્પાને રડતાં જોઈને નિસર્ગની આંખમાં પણ આંસુ આવ્યા.

“ પપ્પા તમે પણ મને માફ કરી દો. હું વચન આપું છુ કે હવે આવું ક્યારેય નહીં કરું.” નિસર્ગ વધુ કઈ બોલે તે પેહલા નિસર્ગના પપ્પા પોતાના દીકરાને ભેંટીને ખૂબ રડયા. બહાર ઉભેલા તમામ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા.

© મનીષા રાઠોડ

Contact: rathodmanisha16@yahoo.com

આણંદ, ગુજરાત