અથર્વ manisha rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અથર્વ

"અથર્વ દીકરા... ચાલ જલ્દી ઉઠ બેટા... જો પછી ખૂબ મોડું થઈ જશે..." શાલીનીબેન પોતાના દીકરાને જગાડી રહ્યા હતા..
"હા મમ્મી, ઉઠું છું... થોડીવાર હજુ સુવા દો ને પ્લીઝ મમ્મી! બહુ ઊંઘ આવે છે..."અથર્વ બોલ્યો..
" અરે ક્યારનો પાંચ મિનીટ પાંચ મિનિટ કર્યા કરે છે... અરે આજે તારું બારમાં ધોરણનું રિઝલ્ટ છે દીકરા.... " શાલીનીબેન બોલ્યા.

"ઓહ હા મમ્મી!! ઉઠી ગયો, ચાલો હવે... "

"જલ્દી જલ્દી નાહીને પરવાર એટલે હું તારો નાસ્તો તૈયાર રાખું..."

"જી મમ્મી!" કહીને અથર્વ બાથરૂમ ભણી ગયો..

અથર્વ શાલિનીબેનનો એકનો એક દીકરો... અનેક માનતાઓ અને બાધાઓ રાખી હતી એના માટે... લગ્નના ઘણા વર્ષો પછી આવેલો...
મમ્મી પપ્પાનો ખુબ લાડકો દીકરો અથર્વ...

આજે તેનું બાર સાયન્સનું પરિણામ હતું... ભણવામાં ખૂબ હોશિયાર હતો... અને તેને વિશ્વાસ હતો કે એનું પરિણામ સારું જ આવશે...

"મમ્મી જો મારા નેવું ટકા ઉપર આવશે તો હું કોટા ભણવા જઈશ... " અથર્વ પોતાની આગળ ભણવાની ઈચ્છા દર્શાવી રહ્યો હતો...

"હા દીકરા, તને જે ગમે એમ જ થશે બેટા... અમારે મન તો તારી ખુશી મહત્વની છે બેટા!!!!" શાલીનીબેન અથર્વને સંમતિ આપી રહ્યા હતા..

નાસ્તો પતાવીને ઝડપથી ફ્લેટના પગથિયાં ઉતરીને સ્કૂલ તરફ જવાની તૈયારી કરતો હતો ત્યાંજ એનો મિત્ર અંકુશ મળ્યો... અને બંને મિત્રો બાઇક પર બેસીને સાથે સ્કૂલ પહોંચી ગયા... નોટીસબોર્ડ પર વિદ્યાર્થીઓના ટોળેટોળા તૂટી પડ્યા હતા... બારમા ધોરણની આકરી મેહનત પછી પરીણામ જાણવાની ઈચ્છા કોને ન હોય? ભીડને ચીરીને અથર્વ સીધો નોટિસ બોર્ડ પર પહોંચી ગયો... અને પરિણામ એની અપેક્ષા મુજબનું જ હતું... અથર્વ બાણું ટકા સાથે સ્કૂલમાં પ્રથમ આવ્યો હતો... એની ખુશીનો આજે પાર નહોતો... એના મિત્રોએ તેને ઉચકી લીધો અને આખી સ્કૂલમાં ફેરવ્યો... એના શિક્ષકો પણ એના પર ખૂબ ખુશ હતા...

ઘરે પહોંચીને મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા...
"વાહ બેટા! તે તો આપણા ખાનદાનનું નામ રોશન કર્યું દીકરા... " પ્રફુલભાઇ બોલ્યા..

પ્રફુલભાઈ અથર્વના પિતા વ્યવસાયે એક વ્યાપારી હતા.. આર્થિક રીતે સધ્ધર હતા... એકના એક દીકરા માટે કયારેય કોઈ બાબતે બાંધછોડ ન કરતા... દીકરો પાણી માંગે તો દૂધ ધરે...એટલી અથર્વની કાળજી રાખતા...

અથર્વને હવે રાજસ્થાનમાં આવેલા કોટા શહેરની પ્રખ્યાત કોલેજમાં ભણવા જવું હતું... એન્જિનિયરિંગમાં સો ટકા એડમિશન મળવાના ચાન્સ હતા... અથર્વ હવે કોટા પહોંચવાની અને એડમિશન પ્રક્રિયાની તૈયારી કરવા લાગ્યો...

બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અથર્વ બચપણથી જ ખૂબ સંસ્કારી હતો... આજ્ઞાકારી અને આદર્શ કહી શકાય તેવો પુત્ર હતો... આજસુધી અથર્વ એના મમ્મી પપ્પાને પૂછ્યા વિના કોઈ કામ ન કરતો... નાની નાની વાતમાં માતાપિતાનો રાજીપો હોય એ જ કામ કરતો...

આવો દીકરો આપવા બદલ શાલીનીબેન અને પ્રફુલભાઇ ઈશ્વરનો ખૂબ આભાર માનતા... મોડે મોડે પણ ભગવાને અમારી લાજ રાખી...
ઘરમાં પરિવારના સભ્યો સાંજે સાથે બેસીને સદગ્રંથનું વાંચન કરતા.... બ્રાહ્મણ કુટુંબને છાજે એવું આધ્યાત્મિક સંસ્કારોથી સુવાસિત હતો અથર્વનો પરિવાર ...

દીકરાને અનુમતિ આપી તો દીધી કોટા જવા માટે, પરંતુ એના વગર ઘર સુનું સુનું લાગશે... કેવી રીતે દિવસો પસાર થશે? શાલીનીબેન મનમાં થોડા ઉદાસ હતા... આખરે એક માનું હૃદય છે... એટલે આટલી પીડા તો સહજ હતી... છતાંય અથર્વની સામે હસતા રહેતા...દુઃખ દર્દને છુપાવવાની કલા એક માં થી વિશેષ કોણ સમજી શકે...

આખરે એ દિવસ આવી ગયો...દિકરાની વિદાય લેવાની ઘડી આવી... એને ટ્રેનમાં વિદાય કરવા ગયા ત્યારે શાલીનીબેન અને પ્રફુલભાઈ બંને ખૂબ ઢીલા થઈ ગયા હતા... પરાણે આસુંઓને રોકી રાખ્યા હતા... ટ્રેન ચાલી અને દીકરાને આવજો કેહવા ગયા ત્યારે શાલીનીબેન ખૂબ પ્રયત્ન કરવા છતાં આંસુને ન રોકી શક્યા... પ્રફુલભાઈ પણ ચશ્માં કાઢીને આંખોના ખૂણા લુછવા લાગ્યા....

અથર્વની સામે તેના સપના હતા જે એને બળ આપી રહ્યા હતા... કોટા પહોંચીને એક સારી કોલેજમાંથી ડીગ્રી પ્રાપ્ત કરીશ તો આગળનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે... એવા વિચારો અને ઘરના સંસ્કારોની મૂળી લઈને અથર્વ કોટા સ્ટેશન ઉતરે છે... સૌપ્રથમ વાર રાજસ્થાનની ધરતી ઉપર પગ મૂક્યો... કુતુહલ પુર્વક આસપાસના વાતાવરણને નિહાળી રહ્યો હતો...

કેસરિયા જી... બાલમ... આવો સા.. પધારો મારે દેશ....

રાજસ્થાનની ધરતી શૂરવીરોની ગાથા સંભળાવી રહી હતી.. વીર રાણાપ્રતાપની માતૃભૂમિ, મીરાંબાઈ જેવા પરમભક્તની ધરતી...ઇતિહાસના પાના રાજસ્થાનના વીરલાઓની શૌર્યગાથાઓથી ભરપૂર છે...

કોલેજમાં પ્રાથમિક એડમિશન અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી અથર્વ હોસ્ટેલની કાર્યવાહીમાં વ્યસ્ત હતો ત્યાંજ કોઈકે પાછળથી તેના ખભા પર હાથ રાખ્યો... અથર્વને આશ્ચર્ય થયું.. અહીં વળી મને કોણ ઓળખતું હશે...

"કેમ દોસ્ત ઓળખાણ ના પડી!!.... હું શ્યામ, તારી સ્કૂલમાં ભણતો હતો... તારાથી બે વર્ષ સિનીયર... તું કદાચ મને નહી ઓળખે પરંતુ હું તને ખૂબ સારી રીતે ઓળખું છું... તારું ખૂબ નામ સાંભળ્યું છે સ્કૂલમાં... એમપણ હોશિયાર વિદ્યાર્થીઓને બધા ઓળખતા જ હોય...જો તારે કંઈ જરૂર હોય તો હું ડી બ્લોકમાં રહું છું... બાવીસ નમ્બરનાં રૂમમાં ત્રીજે માળ... તું તારે બિન્દાસ્ત આવજે... જે પણ કામ હશે થઈ જશે.." શ્યામેં કહ્યું..

પરદેશી ધરતી પર કોઈ આપણી ભાષામાં વાત કરનાર મળે ત્યારે ખૂબ આનંદ થતો હોય છે..અથર્વ પણ એ જ આનંદ અનુભવી રહ્યો હતો... "હાશ! ચાલો કોઈ આપણું તો છે..." આવા શબ્દો સ્વગત ઉચ્ચારી રહ્યો હતો...

અથર્વને જુનિયર હોસ્ટેલમાં એડમિશન મળી જાય છે.. પોતાનો સામાન ગોઠવીને રૂમમાં બેઠો... એક રૂમમાં બે વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા હતી...

હજુસુધી તો બીજુ કોઇ આવ્યું નહોતું એટલે પોતે એકલો જ હતો.... બીજે દિવસે કોલેજનો પ્રથમ દિવસ હતો.. એની પૂર્વતૈયારી કરી રહ્યો હતો...

સવારે વહેલા ઉઠી ગયો... મમ્મીના હાથનો નાસ્તો ખૂબ યાદ આવી રહ્યો હતો...પણ જેમતેમ કરી કેન્ટીનમાં નાસ્તો પતાવી કોલેજમાં આવ્યો... પોતાનો કલાસ શોધીને ટાઇમટેબલ વિગેરે મેળવી બીજી બેન્ચ પર ગોઠવાઈ ગયો...

કોટામાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા... જુદી ભાષા અને જુદા કલચર ધરાવતા વિદ્યાર્થીઓ સાથે અથર્વને દોસ્તી કરવાની હતી... ધીમે ધીમે કલાસમાં વિદ્યાર્થીઓ આવવા લાગ્યા... બધા એકબીજાથી અપરિચિત હતા..

પ્રથમ કલાસમાં સરે બધા જ વિદ્યાર્થીઓનું નામ અને ક્યાંથી આવ્યા છે વિગેરે પૂછ્યું એટલે બધા એકબીજાથી થોડા થોડા પરિચિત થવા લાગ્યા... કલાસમાં ચાર છોકરીઓ પણ હતી... બે સાઉથ ઇન્ડિયન હતી, એક રાજસ્થાની અને એક મહારાષ્ટ્રના પુના શહેરની....

અથર્વના મળતાવડા સ્વભાવને કારણે ખૂબ જલ્દી દોસ્તી કરી શકતો હતો... ક્લાસના એક બે વિદ્યાર્થી સાથે વાતચીત કરી અને નવા મિત્રો મળ્યા... ધીરે ધીરે દોસ્તી ગાઢ બનતી ગઈ....
સાથે જમવાનું સાથે નાસ્તો કરવાનો જેમ જેમ વધુ સમય વ્યતિત થયો તેમ તેમ અથર્વના ઘણા દોસ્તો બનવા લાગ્યા... એક તદ્દન નવા માહોલમાં ખૂબ ઝડપથી અનુકૂળ થઈ ગયો...

એનું મુખ્ય ધ્યેય સારા ટકાથી ડીગ્રી મેળવવાનું હતું.. અને તે એમા મક્કમપણે આગળ વધી રહ્યો હતો....

એકવાર કોલેજની લાયબ્રેરીમાં પુસ્તકો શોધી રહ્યો હતો... તેની બાજુના રેકમાં પણ કોઈક એ જ કામ કરી રહ્યું હતું... પરંતુ અચાનક કંઈક પડવાનો અવાજ આવ્યો... અને જોયું તો શુભાંગી તેની ક્લાસમેટ ચાર પાંચ ચોપડીઓ નીચે પડી હતી એ ભેગી કરી રહી હતી...
અથર્વ પણ તેને મદદ કરવા લાગ્યો...

"થેન્કયું અથર્વ" કહીને શુભાંગી ત્યાંથી નીકળી ગઈ... પહેલીવાર અથર્વ કોઈ છોકરીની સાથે વાત કરી રહ્યો હતો... આ બાબતમાં તે થોડો શરમાળ હતો...

કલાસમાં શુભાંગી પહેલી બેન્ચ પર બેસતી હતી... ભણવામાં ખૂબ હોંશિયાર હતી... પુના શહેરથી આવી હતી...

અથર્વ અવારનવાર લાયબ્રેરીમાં બેસીને વાંચતો... લાયબ્રેરીમાં શાંતિ હતી.. આરામથી પોતાનું ચિત્ત એકાગ્ર કરી શકતો...

એકવાર વાંચનમાં મશગૂલ હતો ત્યાં શુભાંગી પણ એ જ ટેબલ પર આવી... પોતાની ચોપડીઓ ગોઠવી વાંચવા લાગી...

અથર્વનું ધ્યાન ભંગ થયું... શુભાંગી સહેજ શ્યામવર્ણી વાંકળિયા વાળવાડી, નમણી મરાઠી યુવતી હતી...

"અથર્વ શુ તને આ થિયરી આવડે છે?પ્લીઝ! મને થોડું સમજાવ ને...!!" શુભાંગી બોલી..
" હા,જરૂર કેમ નહીં". એમ કહીને અથર્વ આખી થિયરી ખૂબ સરળતાથી શુભાંગીને સમજાવી રહ્યો હતો...

શુભાંગી તેનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ...

ધીમે ધીમે શુભાંગી અને અથર્વની નિકટતા વધતી ગઈ... કલાસમાં પણ ચર્ચા થવા લાગી..

"શુ વાત છે અથર્વ?? આજકાલતો તું ખૂબ છોકરીઓને મદદ કરતો થઈ ગયો છે ને..!!"અથર્વનો એક મિત્ર તેને ચીડવતો હતો.. ત્યાંજ બીજો આવ્યો અને કહે.
"શુભાંગી તારા ખૂબ વખાણ કરતી હોય છે... શુ વાત છે દોસ્ત? અમને તો તું કયારેય કશું નથી શીખવાડતોને હે! કંઈક તો ગળબળ છે દોસ્ત... તું ભલે ના કહેતો..." બધા મિત્રો ભેગા મળીને અથર્વને ચીડવી રહ્યા હતા... અથર્વ થોડો શરમાઈ ગયો... અત્યાર સુધી તો કાંઈ નહોતું પણ હવે એને કઈક થવા લાગ્યું હતું...

જયારે પણ લાયબ્રેરીમાં જતો શુભાંગીની રાહ જોયા કરતો.. આંતરિક ઉચાટ વધવા લાગ્યો... શુભાંગીના જ વિચારો આવવા લાગ્યા...આખરે ઉંમર પણ ઉંમરનું કામ કરતી હોય છે...



લાયબ્રેરીમાં અથર્વ અને શાલિની કલાકો સુધી સાથે બેસતાં... વાતો કરતા..
ધીરે ધીરે બંનેની મૈત્રી ગાઢ થતી ગઈ... હવે તો અથર્વ કેન્ટીનમાં પણ શુભાંગી સાથે દેખાવાં લાગ્યો... શુભાંગી પણ અથર્વની કમ્પની માણી રહી હતી....

મૈત્રી કયારે પ્રેમમાં પરિણમી ખ્યાલ પણ ન આવ્યો... એકદિવસ હાથમાં લાલ ગુલાબ રાખીને ફિલ્મી ઢબે ઘૂંટણીયાભેર બેસીને સૌની સામે અથર્વ શુભાંગીને પ્રપોઝ કરે છે...

"શુભાંગી હું તને પ્રેમ કરું છું.." અથર્વ એક પ્રેમીની અદાથી બોલ્યો...

શુભાંગી પણ ગુલાબ લઈને સંમતીસૂચક હાસ્ય રેલાવીને શરમાઈને ત્યાંથી ભાગી ગઈ... તેની હા હતી... આજે અથર્વની ખુશીનો પાર નહોતો...પેહલા પ્રેમની અભિવ્યક્તિ કરી અને સફળ રહ્યો... જે પ્રેમ ઉભય પક્ષે સમાન હોય એની મજા જ કંઇક જુદી છે...

અતિ હર્ષની ક્ષણોમાં આખી રાત અથર્વને નિંદર પણ નથી આવતી... આખરે પહેલો એહસાસ હતો પ્રેમનો.... થોડા દિવસો ઉન્માદમાં પસાર થાય છે... હવે તો શુભાંગી અને અથર્વ નો સંબંધ જગજાહેર હોય છે...

શુભાંગીની ખૂબ કાળજી રાખવી, તેને ઘરે જવું હોય ત્યારે ટ્રેનમાં મુકવા જવાની, પાછી આવે ત્યારે લેવા જવાની, તેને નાની નાની બાબતમાં સરપ્રાઇઝ આપીને ખુશ કરવાની અથર્વની આદત બની ગઈ...

બંનેનો સંબંધ ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યો હતો... કોલેજના ચાર વર્ષ પુરા થવા આવ્યા... અત્યાર સુધીમાં બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજી ચુક્યા હતા... આ સંબંધ લગ્નમાં પરિણમે એવી સૌને ખાતરી હતી... શુભાંગી અને અથર્વ પણ એકબીજાને લગ્નના વચન આપી ભવિષ્ય એકસાથે વિતાવવાના સપના જોઈ રહ્યા હતા...

કોલેજનું અંતિમ વર્ષ પૂર્ણ થાય છે... હવે થોડા દિવસમાં બધાજ પોતપોતાની આગામી કારકિર્દીની મંઝીલ ભણી પ્રયાણ કરવાના હતા...

શુભાંગી પણ પુના જઈને પોતાના માં બાપને આ સંબંધ માટે મનાવવાની હતી એવી અથર્વને ખાતરી આપી હતી... અથર્વને તો વિશ્વાસ જ હતો કે એના મમ્મી પપ્પા તો હા જ કહેશે...

ઘરે જવાનું હોય છે એના થોડા દિવસ પહેલા કોઈક જુનિયર અથર્વની રૂમના બહાર આવીને અથર્વને બોલાવી રહ્યો હતો," અથર્વ જલ્દી ખોલો શુભાંગીદીદીએ તમારા માટે આ ચિઠ્ઠી મોકલી છે, અને તે આજે જ સવારની ટ્રેનમાં પુના જવા નીકળી ગયા છે..."

"શુ વાત કરે છે?" અથર્વ આશ્ચર્યથી બોલ્યો.

જલ્દી જલ્દી કવરમાંથી ચિઠ્ઠી કાઢીને વાંચવા લાગે છે.

અથર્વ
આ ચિઠ્ઠી તારા હાથમાં આવશે ત્યાં સુધી હું પુના જવા નીકળી ગઈ હોઈશ.. મને શોધવાનો પ્રયત્ન બિલકુલ ના કરીશ... હવે આપણો સંબંધ પૂરો થાય છે... તારી જાણ ખાતર કહી દઉં કે મારી સગાઈ છ મહિના પહેલા જ થઈ ગઈ હતી... અને છ મહિના પછી મારા લગ્ન થવાના છે... અત્યાર સુધી તારી સાથે જે કંઈ થયું તે માત્ર ટાઇમપાસ હતો... મને લાગ્યું કે તું આપણા સંબંધ લઈને વધારે પડતો સીરીયસ થઈ ગયો છે એટલે તને હકીકતથી વાકેફ કરવા આ પત્ર લખી રહી છું.. મને શોધવાનો કે પુના આવવાનો પ્રયત્ન ભૂલથી પણ ના કરતો.. આપણી વચ્ચે જે કંઈ થયું તે ભૂલી જા...

ગુડ બાય ફોરએવર
શુભાંગી

પત્ર વાંચીને અથર્વ પર જાણે વિજળી પડી... શુભાંગીના શબ્દો એને તીરની જેમ આરોપાર વીંધી રહ્યા હતા...
જે થયું તે ભૂલી જાઉં! એમ કેવી રીતે કહી શકે? હે!
આટલા વર્ષોથી તે મારી સાથે ટાઈમપાસ કરી હતી... અને મને અણસાર શુદ્દા ન આવ્યો..
મારી સાથે આટલી મોટી છેતરપિંડી.. અથર્વના મનમાં વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું.. આ આઘાત તેના માટે અસહ્ય હતો..આવું કોઈ કેવી રીતે કરી શકે? એ માની જ નહોતો શકતો... પાછલાં વર્ષોમાં સાથે માણેલી પળો તેની નજર સમક્ષથી પસાર થઈ રહી હતી... આ બધું એ છોકરી માટે ફક્ત ટાઈમ પાસ હતું... મારા સપના તોડીને આમ આટલી સહજતાથી ચાલી નીકળી...
આ ઘેરો વિષાદ તેના અસ્તિત્વને અંદર સુધી હચમચાવી ગયો... કઈ કેટલાય દિવસો સુધી દેવદાસની જેમ ઉદાસ ફર્યા કરતો..

એકવાર કોલેજના કમ્પાઉન્ડમાં બાંકડા પર બેઠો હતો ઉદાસ ત્યાંજ કોઈકે ખભા પર હાથ મુક્યો અને કહ્યુ," અથર્વ દોસ્ત! કેમ છે? કેમ આમ મોઢું ઉતરી ગયું છે... દાઢી નથી કરી કેટલા દિવસથી? સાવ લઘરવઘર કેમ છે ભાઈ?? શુ કોઈ પ્રોબ્લેમ છે? બોલને દોસ્ત મને કહે હું તને કઈક મદદ કરી શકું!" શ્યામ જે તેને કોલેજના પ્રથમ દિવસે મળ્યો હતો.. આજે વર્ષો પછી ફરીથી તેને ત્યાંજ મળ્યો... એ કોઈક કામ માટે કોલેજ આવ્યો હતો અને અથર્વને જોયો તો થયું લાવને એની સાથે વાત કરું...

અથર્વ પાછળ જુએ છે અને નકલી સ્મિત આપે છે... માણસનો ચેહરો એના અંતરનો ચિતાર આપી દેતો હોય છે...બનાવટી હાસ્ય પરખાઈ જતુ હોય છે... "કાઈ નહિ શ્યામભાઈ!" અથર્વ બોલ્યો...
"અરે કંઈક તો ચોક્કસ છે.. ચાલ હવે બોલ શુ થયું?" શ્યામ અથર્વને થોડો આગ્રહ કરી રહ્યો હતો જેથી એના મનનો ભાર હળવો થાય..

અંતે અથર્વ પોતાની આપવીતી સંક્ષિપ્તમાં સંભળાવે છે...

"ઓહ ! એમ વાત છે.. હમમ, ખોટું તો થયું જ છે દોસ્ત. પણ હવે ઉદાસ રહેવાનો કોઈ મતલબ નથી.. જે થયું એ ભૂલી જા.. ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ... હવે આગળ જોબનું વિચાર.. તું અહીં આવ્યો તો તારા ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને..તો હવે ફરીથી એ દિશામાં મન લગાવ.. કોઈ સારી જોબ શોધી લે અને એમાં મન પરોવી દે... જે થયું એ કોઈ ખરાબ સ્વપ્ન હતું એમ માનીને ભૂલી જા.." શ્યામ અથર્વને સમજાવી રહ્યો હતો.. શ્યામની વાત પણ સાઉ સાચી હતી... અત્યારે એના માટે એની કારકિર્દી જ મહત્વપૂર્ણ હતી...

અથર્વ ભણવાનું પૂરું કરીને ઘરે પાછો આવે છે.. મમ્મી પપ્પાની છત્ર છાયા નીચે હવે તેને હવે આઘાતમાંથી બહાર આવવાનું આસાન થતું ગયું...
તેના મનમાં શુભાંગી માટે ભારોભાર નફરત ભરેલી હોય છે... એની સાથે થયેલી છેતરપિંડી અને દગો એ ભૂલી શકે એમ નહોતું...

એક ખૂબ સારી કંપનીમાં તેને ઉચ્ચ સ્થાન પર જોબ મળી જાય છે.. સોફ્ટવેર કંપનીના મહત્વના કામોની જવાબદારી અથર્વ પર હોય છે... અથર્વ પણ પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતો હોય છે... તેની ખંત અને લગન જોઈને થોડા જ વર્ષોમાં તેને ખૂબ મોટી પોસ્ટ પર પ્રમોશન મળે છે..

વર્ષો વીતતાં જાય છે... ઘરમાં પણ હવે મમ્મી પપ્પા તરફથી લગ્નનો આગ્રહ વધતો ચાલ્યો.. પરંતુ હજુ પણ અથર્વ લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતો... ખરું તો હવે એને આ લગ્ન સંબંધથી જ નફરત થઈ ગઈ હતી...

આખો દિવસ રાત કમ્પનીના કામમાં રચ્યોપચ્યો રહેતો.. જોબમાં ઘણીવાર તેને દેશ વિદેશમાં પ્રવાસ કરવાની પણ તક મળતી... ભારતના મોટા ભાગના રાજ્યોમાં તે ફરી વળ્યો હતો.. નોકરીનો બહોળો અનુભવ અને આવડત તેને એક જનરલ મૅનેજર સુધીના ઊચ્ચ પદ સુધી લઈ ગઈ..

એકવાર એક બીઝનેસ સમીટમાં તેને મુંબઇ જવાનું થયું... મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં સમીટનું આયોજન કરેલું હતું.. ત્યાં અથર્વને એક બહુ મોટી આઇટી કંપનીના મેનેજર સાથે સારી દોસ્તી થઈ જાય છે...બીજા દિવસે રાતની ફ્લાઈટમાં અથર્વને પાછું જવાનું હોય છે. તેને દિવસ દરમિયાન સારો એવો સમય મળી રહ્યો... નવા બનેલા મેનેજર દોસ્તના આગ્રહથી તે તેની આઇટી ફર્મ પર જાય છે...
મેનેજરની કેબિનમાં બેસી ચા નાસ્તો કર્યા બાદ.. મેનેજર પોતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા હતા.. બિઝનેસ પ્લાન રેડી હતો...

"જરા શુભાંગી મેડમને અંદર બોલાવો તો!" મેનેજર સાહેબ પ્યુનને ઓર્ડર આપી રહ્યા હતા.
"જી સર". પ્યુન બોલ્યો

શુભાંગી નામ સાંભળતા જ અથર્વના દિલનો રૂઝાયેલો ઘા ફરીથી તાજા થઈ ગયો... ભૂતકાળની દુઃખદ યાદોના વાદળો ઘેરાવા લાગ્યા... ત્યાંજ શુભાંગી ફાઇલ લઈને અંદર આવે છે...

અને અથર્વ જુએ છે તો આ એ જ શુભાંગી હતી... એનો ચહેરો થોડો બદલાયેલો હતો.. શરીર એકદમ પાતળું કૃશ થઈ ગયું હોય એવું લાગતું હતું.. અથર્વ અને શુભાંગીની નજર મળી.. અથર્વ તેને ઘૃણા અને નફરતના ભાવથી જોઈ રહ્યો હતો...

"અથર્વ, આ છે મિસ શુભાંગી, અમારે ત્યાં સિનીયર એન્જિનિયર તરીકે ખૂબ સારી સેવા આપી રહ્યા છે... આ નવા પ્રોજેક્ટની બધી ડિટેલ્સ તેઓ જાણે છે અને બિઝનેસ પ્લાન પણ તેઓએ જ બનાવ્યો છે.." મેનેજર બોલ્યા

"શુભાંગી મેડમ, આ મિસ્ટર અથર્વ છે." અથર્વ વિશે થોડી માહિતી આપી બિઝનેસ પ્લાન સમજાવવા માટે શુભાંગીને કહ્યું...

શુભાંગી સમજાવતી ગઈ... અને અથર્વનું મન અતીતની યાદોમાં ખોવાતું ગયું... લાયબ્રેરીમાં થયેલી પહેલી મુલાકાત, કેન્ટીનમાં કરેલી મસ્તી વિગેરે યાદોની વણઝાર એની નજર સામે પસાર થઈ રહી હતી.... અથર્વનું ધ્યાન બિઝનેસ પ્લાન સમજવામાં બિલકુલ નહોતું... એનો નવો બનેલો મિત્ર એનો હાવભાવ સમજી રહ્યો હતો... એને ખ્યાલ આવી ગયો કે અથર્વના મનમાં કઈક બીજું ચાલી રહ્યું છે...

"ઓકે શુભાંગી મેડમ! થેક્યું વેરી મચ, હવે તમે જઈ શકો છો.." મેનજર બોલ્યા..

શુભાંગી ત્યાંથી નીકળીને પોતાની કેબિનમાં ગઇ..

"શુભાંગી મેડમ અહીં ક્યારથી જોબ કરે છે? એમના પતિ શુ કરે છે?" અથર્વ પોતાના મિત્રને પૂછી રહ્યો હતો...

"વેલ, અહીં છેલ્લા ચાર વર્ષથી જોબ કરે છે અને મને ખ્યાલ છે ત્યાંસુધી તેઓ અનમેરીડ છે.." મેનેજર બોલ્યા.
સાંભળીને અથર્વને ઓર આશ્ચર્ય થયું... પરંતુ વધુ કંઈક પૂછે ને મિત્રને કાઈ શંકા થાય એ પહેલાં વાત વાળી લીધી...

એટલીવારમાં ફોનની રિંગ વાગી અને મેનેજર સાહેબને એમેર્જનસી એક મિટિંગ એટેન્ડ કરવા બહાર જવાનું થયું.. "અથર્વ હું થોડીવારમાં આવું છું.. પ્લીઝ માફ કરજો... આ મિટિંગ ખૂબ જરૂરી છે..તમે અહીં બેસીને આરામ કરો વીસ મિનિટમાં તો હું આવી જઈશ.."

"અરે, નો પ્રોબ્લેમ..તમે નિરાંતે મિટિંગ પતાવો.. ડોન્ટ વરી.." અથર્વ બોલ્યો...

"અથર્વ વિચારી રહ્યો હતો કે શુભાંગીએ લગ્ન નથી કર્યા તો પછી ચિઠ્ઠીમાં કેમ એવું લખ્યું હતું કે એના લગ્ન છે.. નક્કી કઈક તો ગડબડ છે.. મારે જાણવું તો જોઈએ આખરે કેમ એ મને છોડીને જતી રહી..." અથર્વ મનોમન વિચારી રહ્યો હતો.. મેનેજરની કેબીનની બહાર નીકળી આમતેમ આંટા મારતો હતો ત્યાં એને શુભાંગી દેખાઈ...

શુભાંગી નજર બચાવીને આમતેમ જોઈ રહી હતી... એ અથર્વની સામે આવવા નહોતી માંગતી.. પરંતુ અથર્વને ઇંતેજારી હતી જાણવાની કે શુભાંગીએ લગ્ન નથી કર્યા તો શું કારણ હતું આમ મારુ દિલ તોડવાનું??

અથર્વ શુભાંગીની સામે આવીને ઉભો રહ્યો... શુભાંગી કોમ્પ્યુટરમાં મશગૂલ હોવાનો ડોળ કરી હતી... "શુભાંગી, મારે તમારી સાથે વાત કરવી છે... તમારી જોબ છૂટ્યા પછી પાસે આવેલા કોફી શોપમાં પાંચ વાગે હું તમારી રાહ જોઇશ." અથર્વ બોલ્યો..

શુભાંગીએ પણ અનિચ્છાએ સંમતિ આપી..
"ઓકે,હું આવીશ જઈશ."

અથર્વ પોણા પાંચ વાગે કોફી શોપમાં પહોંચી ગયો.. વર્ષો પહેલા આજ રીતે શુભાંગી સાથે કોલેજની કેન્ટીનમાં બેસીને કોફીનો આનંદ માણ્યો હતો.. ત્યારે માહોલ જુદો હતો.. આવા વિચારોમાં મશગૂલ હતો ત્યાંજ સામેથી શુભાંગી આવતી દેખાઈ...

અથર્વ વર્તમાનમાં પાછો ફર્યો... શુભાંગી તેની સામેની ખુરશી પર આવીને બેસી ગઈ... “બોલો શુ પૂછવુ હતું તમારે? કેમ મને મળવા બોલાવી?” શુભાંગી બોલી.

“મારા પશ્ર્નો તમે સારી રીતે જાણો છો ?”


શુભાંગી કોઈ જવાબ આપવા નહોતી માંગતી..


"તમારા પતિ કેમ છે? તમારું લગ્ન જીવન સુખી છે ને શુભાંગી! " અથર્વ પૂછી રહ્યો હતો...

"મેં લગ્ન નથી કર્યા.. " શુભાંગી બોલી..

તો પછી કેમ મારી સાથે સંબંધ તોડ્યો? એવું તો શું હતું કે અચાનક મને છોડીને ચાલી ગઈ? . મેં એવી તો શું ભૂલ કરી હતી? મારા પ્રેમમાં ક્યાં ખામી હતી? મારી શુ હાલત થઈ હશે એનો તે કયારેય વિચાર કર્યો ખરો? તું આટલી નિષ્ઠુર કેવી રીતે બની શકે??
બોલ શુભાંગી! તે કેમ એવું કર્યું??"
અથર્વના મનમાં ભારોભાર રોષ ભરેલો હતો... એ દર્દભર્યા દિવસો હજુપણ ભુલ્યો નહોતો. વર્ષોથી આ સવાલો એના મનમાં ઘુમરાયા કરતા હતા...

મૌન તોડતા શુભાંગી બોલી," તો સાંભળ અથર્વ. તને યાદ હોય તો કૉલેજના છેલ્લા વર્ષ દરમિયાન હું દસ દિવસ માટે ઘરે ગઇ હતી..દિવાળીના દિવસો હતા... એકવાર અચાનક હું સોફા પર બેઠા બેઠા બેહોશ થઈ ગઈ... મારા મમ્મી પપ્પા મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા... ઘણા રિપોર્ટ્સ અને ઇન્વેસ્ટિગેશન પછી ડોક્ટર એ કહ્યું કે મને ઓવેરીયન કેન્સર છે...
અને મારી પાસે વઘુમાં વધુ પાંચ વર્ષ છે..
આ સાંભળ્યુ ત્યારે મને સૌથી પહેલો વિચાર તારો આવ્યો.. તું મારાં પ્રેમમાં એટલી હદે પાગલ હતો કે આ હકીકત તું સહન જ ન કરી શકતો.. અને હું જાણતી હતી કે તું તારા મમ્મી પપ્પાનું એક નું એક સંતાન છે... હું તારુ જીવન બરબાદ નહોતી કરવા માંગતી... જે દિવસે મને મારી બીમારીની ખબર પડી એ જ દિવસે મેં નક્કી કર્યું હતું કે હું તારા જીવનમાંથી દૂર થઈ જઈશ... જો હું તને જતા જતા જોઈ લેતી તો કદાચ મારા નિર્ણયમાં અડગ ના રહી શકતી કારણ હું પણ તને એટલો જ ચાહતી હતી...એટલે જ મેં ચિઠ્ઠી મોકલાવી અને દિલ પર પથ્થર રાખી ત્યાંથી નીકળી ગઈ... પુના આવ્યા પછી એક વર્ષ સુધી મારી ટ્રિટમેન્ટ મુંબઈના એક હોસ્પિટલમાં ચાલી... અવારનવાર પુનાથી મુંબઈ આવવું પડતું હતું... એટલે મુંબઈમાં જ જોબ શોધીને અહીં જ રહેવાનું નક્કી કર્યું...
જોબ હું એટલા માટે કરું છું કે મારી દવાનો ખર્ચ હું જાતે ઉઠાવી શકું અને અડધી સેલરી હું અહીં આવેલા અનાથ કેન્સરથી પીડાતા બાળકોને દાન કરું છું...

મારી ખૂબ ઈચ્છા છે કે હું મારી પોતાની સંસ્થા દ્વારા આ બાળકોની સેવા કરું પરંતુ હવે મારી પાસે એટલો સમય પણ નથી અને સંપત્તિ પણ નથી... મારા જીવન નો કોઈ ભરોસો નથી અથર્વ, કઈ ક્ષણ આખરી ક્ષણ હશે હું નથી જાણતી એટલે જ મારી નાનકડી જિંદગીને જતા જતા સાર્થક કરવાનો પ્રયત્ન કરી રહી છું..
મેં તારી સાથે બેવફાઈ નથી કરી અથર્વ! હું હજુ પણ તને ચાહું છું. પણ હું તને કોઈ ખુશી નથી આપી શક્તી...ડોક્ટરે આપેલા વર્ષો હવે પુરા થવા આવ્યા છે. દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જાય છે.. એટલે જ પાસે છે એટલી ક્ષણો ને મન ભરીને જીવી રહી છું અથર્વ..."

આટલું બોલતા બોલતા શુભાંગીનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો... કદાચ મનમાં ભરેલો વસવસો આજે ખાલી થઈ ગયો હતો, અથર્વને સચ્ચાઈ જણાવી એક હાશ થઈ હતી, એક ભાર હળવો થઈ રહ્યો હતો....

અને અચાનક શુભાંગી ટેબલ પર ઢળી પળી... અથર્વ દોડીને તેને પકડી લીધી.. તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી... ડોક્ટરની ટિમ સારવારમાં લાગી ગઈ પરંતુ હવે કદાચ તેની અંતિમ ઘડી આવી ચૂકી હતી.. થોડો હોશ આવતા શુભાંગી એ ડોક્ટરને રીક્વેસ્ટ કરી કે પ્લીઝ અથર્વને મારી પાસે મોકલો... અથર્વ શુભાંગી પાસે બેઠો .. એની આંખમાં આંસુ હતા.. એની બધી ગેરસમજ દૂર થઈ ગઈ હતી.. શુભાંગીની આ હાલત તે જોઈ નહોતો શકતો...

શુભાંગી બોલી શકવાની હાલતમાં નહોતી એટલે બે હાથ જોડીને અથર્વની માફી માંગી રહી હતી... કેહવા માંગતી હતી કે તારું દિલ દુભવ્યું એ બદલ માફ કરજે.. હું હવે હમેશા માટે જઈ રહી છું....

અને ત્યાંજ અથર્વની સામે શુભાંગીનું જીવન પૂરું થયું...

અથર્વ હવે બાકીનું જીવન શુભાંગીની અધૂરી ઈચ્છા પૂરી કરવામાં વિતાવવાનો સંકલ્પ કરે છે..
પોતાની તમામ સંપત્તિ વેચી ને મુંબઈમાં સ્થાઈ થાય છે... અને શુભાંગી ને મનોમન કહી રહ્યો હતો, "શુભાંગી, તે તારી ફરજ નિભાવી હવે મારો વારો છે... તારું અધૂરું સપનું પૂરું કરવું એ જ મારું જીવન..."

અને અથર્વ આજે શુભાંગીના નામની અનાથ બાળકોની સંસ્થા ચલાવી રહ્યો છે...

મનીષા રાઠોડ