SANSKAR books and stories free download online pdf in Gujarati

સંસ્કાર

વાર્તા- સંસ્કાર લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
‌. ' મારા વ્હાલા ભાઇઓ,બહેનો અને વડીલો.આજનું વક્તવ્ય પૂરૂં કરતાં પહેલાં છેલ્લી વાત.હું સ્ત્રી છું એટલે સ્ત્રીના વખાણ કરૂંછું એવું નથી પણ ઇશ્વરે દરેક સ્ત્રીને એક વિશિષ્ટ શક્તિ આપીછે એ કદાચ સ્ત્રીઓને પણ ખબર નહીં હોય.
તમારા ઘરે કોઇવાર ચારથી પાંચ મિત્રો આવ્યા હોય અને એ ચા પાણી કરીને વિદાય થાય પછી તમારી પત્નીને પૂછજો કે આમાંથી નજરનો ખરાબ હોય એવો કોઇ મિત્ર હતો? જવાબ મળશે કે પેલા લાલ શર્ટ વાળાની નજર ખરાબ હતી.આ શક્તિ સ્ત્રી પાસેછે.આ વિશે વધુ વાતો ફરી કોઇવાર કરીશું.આજે પ્રવચન લાંબું ચાલ્યું.સમય થઇ ગયોછે ઘરે જવાનો.કાલે હવે વિષય બદલીશું.'
પંદર દિવસથી સોસાયટીમાં ઋષિકેશથી પધારેલ સાધ્વી પ્રભાદેવીજી ની પ્રવચનમાળા ચાલતી હતી.સાધ્વીજી ઉચ્ચ અભ્યાસ કર્યા પછી સંન્યાસી બન્યા હતા એટલે તેમનું વક્તવ્ય દરેક ઉંમરના અને દરેક વર્ગને ગમે એવું હતું.સાધ્વીજી રાત્રે પ્રવચન કરતા અને દિવસે બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધી કોઇને કંઇ પૂછવું હોયતો તેમના ઉતારે રૂબરૂ જઇને પૂછવાથી સમસ્યાનું સમાધાન કરાવી આપતા.

નીલકંઠનું મન સાધ્વીજી ના આજના પ્રવચન પછી ચકડોળે ચડી ગયું હતું.સાધ્વીજીએ આજના પ્રવચનમાં સ્ત્રીની વિશિષ્ટ શક્તિ વિશે જે વાત કરી હતી એમાં સચ્ચાઈ હતી એ તેને સમજાઇ રહ્યું હતું.
નીલકંઠને ભૂતકાળનો એક પ્રસંગ યાદ આવ્યો.પાંચ વર્ષ પહેલાં તે નવો નવો એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયો હતો.તેની સાથે જ એક યુવતી શ્યામા એકાઉન્ટન્ટ તરીકે જોડાઇ હતી.શ્યામા દેખાવે અતિરૂપાળી,સ્વભાવે મળતાવડી,તેના કામમાં પાવરફુલ અને મહેનતું છોકરી હતી.પ્રથમ દિવસથી જ શ્યામા સ્ટાફમિત્રો સાથે હળીમળી ગઇ.નીલકંઠ પોતે પણ બધા સાથે હળીમળી ગયો.રિશેષના સમયે પંદર જણા સાથે જમતા ત્યારે અને ચાર વાગ્યે ચાપાણી માટે કેન્ટીનમાં ભેગા મળતા ત્યારે ગપાટા મારતા.પણ નીલકંઠ સાથે શ્યામા કદી વાતચીત કરતી નહોતી કે તેની સાથે ભળતી જ નહોતી.નીલકંઠને સમજાતું નહોતું કે શ્યામા તેનાથી દૂર કેમ ભાગેછે? બે મહિના સુધી આવું ચાલ્યું એટલે એકદિવસ નીલકંઠે જ શ્યામા ને એકલી જોઇને પૂછ્યું' મેડમ એક વાત સમજાતી નથી.આપણે સાથે જ નોકરીમાં જોડાયા છીએ.અગાઉ આપણે કદી એકબીજાને જોયા પણ નથી.અને ઑફિસમાં આપણી વચ્ચે કોઇ અણબનાવ બન્યો નથી તો પછી તમારૂં મારા પ્રત્યે વર્તન કેમ રૂક્ષ છે? તમે મારી સામે પણ જોતા નથી.તમારા આવા વર્તનથી મારૂં મન અપરાધભાવ અનુભવેછે.'
શ્યામાએ થોડું વિચાર્યા પછી જવાબ આપ્યો' મિ.નીલકંઠ,પ્રથમ બે દિવસોમાં જ મને તમારી વાસનાભરી નજરનો અણસાર આવી ગયો હતો.તમારી નજરમાં નરી કામુકતા છે એ મને દેખાઇ ગયું હતું એટલે જ મેં તમારાથી અંતર જાળવ્યું છે.આ વાત સાચી છે કે ખોટી એ તમે જ તમારા અંતરાત્માને પૂછજો.જવાબ મળી જશે.' આટલું કહીને શ્યામાએ વાત ટૂંકાવી દીધી હતી.નીલકંઠ ને શ્યામાની વાતમાં સચ્ચાઈ જણાઇ.શ્યામાનું રૂપ જોઇને તે અંજાઇ જ ગયો હતો.તેની નજરમાં કામુકતા હતી જ.શ્યામા તેની નજરને પારખી ગઇ હતી.જોકે આ વાતને બે મહિના પછી શ્યામાને સરકારી નોકરી મળી જતાં અહીંથી નોકરી છોડીને જતી રહી હતી.આ પ્રસંગતો તે ભૂલી જ ગયો હતો પણ સાધ્વીજી નું પ્રવચન સાંભળીને યાદ આવી ગયો હતો.વાત એકદમ સાચી હતી.
નીલકંઠને આ પ્રવચન પછી ઉદાસી ઘેરી વળી હતી.તેને નવાઇ એ વાતની લાગતી હતી કે તે જ્યારે ફક્ત છ વર્ષની ઉંમર
નો હતો ત્યારથી તેને કામવાસના અને સ્ત્રીપુરુષ ના સંબંધો વિશેનું જ્ઞાન થઇ ગયું હતું.અને ત્યારથી જ તેની નજર પણ કામુક થઇ ગઇ હતી.આવું કેવી રીતે શક્ય છે હજી તો તેની તોફાન મસ્તી ની ઉંમર હતી.છતાં પણ આ શક્ય બન્યું હતું.તેને અત્યારે એ વિચાર આવતો હતો કે ઘણી બધી સ્ત્રીઓ સામે તે કામુકતા થી જોઇ ચૂક્યો હતો તો શું એ બધી સ્ત્રીઓ તેના વિશે શ્યામાની જેમ વિચારતી હશે?
એકવાર તેની પત્ની રોશનીએ તેને હસતાં હસતાં એવું કહ્યું હતું કે આપણા દીકરા રાજ ની વહુ આવશે તેને પણ તમારાથી સાચવવી પડશે.પોતે પણ હસી નાખી હતી આ વાત એ વખતે.તો શું રોશની પણ મારી નજરને ઓળખી ગઇ હશે?
નીલકંઠે મનોમન નક્કી કર્યું કે આ સમસ્યા નું સમાધાન કરવા માટે સાધ્વીજી ને મળવું પડશે.તેણે એક કાગળમાં વિગતવાર પોતાની સમસ્યા લખીને આ કાગળ કવરમાં મુકીને રાત્રે કવર ઓશીકા નીચે મુકી દીધું. આજે સવારે રોશનીએ પણ પૂછ્યું હતું કે શાના વિચારો કરોછો? કોઇ ચિંતા સતાવેછે?બે દિવસથી તમે ઉદાસ ફરોછો પણ મને કશું કહેતા નથી.નીલકંઠે હસીને વાત ઉડાવી દીધી હતી.
બીજા દિવસે પ્રવચનના સમયે તેણે આ પ્રશ્નની ચિઠ્ઠી સાધ્વીજી પાસે સ્ટેજ ઉપર મોકલી આપી.મોડી રાત્રે પ્રવચન પત્યા પછી સાધ્વીજી એ માઇક ઉપર કહ્યું કે આજે જેમણે મારી રૂબરૂ મુલાકાત માટે માગણી કરીછે તેઓ કાલે બપોરે ત્રણ વાગ્યે મારા ઉતારાના સ્થળે આવી જાય.નીલકંઠને સંતોષ થયો.આ સાધ્વીજી જ તેની સમસ્યા નું સમાધાન કરી આપશે એવી શ્રદ્ધા બેસી.
બીજા દિવસે બપોરે બરાબર ત્રણ વાગ્યે નીલકંઠ સાધ્વીજી ના મુકામે પહોંચી ગયો.સાધ્વીજી તેની રાહ જોઇને બેઠા હતા.નીલકંઠે કવર આપ્યું.સાધ્વીજીએ ધ્યાનથી વાંચ્યું.પછી નીલકંઠ સામે જોઇને કહ્યું' નીલકંઠભાઇ,તમારી ઉંમર કેટલી છે?' ' ત્રીસ વર્ષ' નીલકંઠ થોડા સંકોચ સાથે બોલ્યો.
' નીલકંઠભાઇ,‌હું એમ કહું કે તમારી ઉંમર બસો વર્ષ છે તો તમે માનશો?'
' બસો વર્ષ માતાજી કેવી રીતે માની શકાય?
' નીલકંઠભાઇ, શ્રીમદ્ ભગવદ્ ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહેછે' હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણુંછું'
' માતાજી જરા વિસ્તારથી સમજાવો.'
સાધ્વીજી એ મલકતા ચહેરે કહ્યું' આપણે વર્તમાન જન્મ વિશે જ જાણીએ છીએ.પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા કહેછે જન્મેલા નું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનારનો નવો જન્મ નિશ્ચિત છે.જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેનો આત્મા બધા સંસ્કારો સાથે લઇને જાયછે અને નવો જન્મ થાય ત્યારે અગાઉના જન્મના સંસ્કારો ચાલુ જન્મમાં સાથે લાવેછે.અને એ સંસ્કારો પ્રમાણે ચાલુ જન્મમાં નવાં કર્મો કરેછે.જીવના જેટલા જન્મો થાય એ દરેક જન્મના સંસ્કારો તેની સાથે જ આવતા રહેછે.'
' સંસ્કારો એટલે શું માતાજી?'
' સંસ્કારો એટલે આપણા ચિત્તમાં સેવ થયેલા જન્મોજન્મના અગણિત બનાવો અને ઘટનાઓ.ચિત્ત એટલે આજના વિજ્ઞાન ની ભાષામાં તેને અર્ધજાગ્રતમન કહેછે. આપણે જે કંઇ બોલીએ કે કર્મ કરીએ છીએ તેના ઉપર અર્ધજાગ્રતમન ની અસર‌ હોયછે.
‌. માનવીના જીવનમાં સારાનરસા બનાવો બનતા જ રહેછે .આ દરેક ઘટના કે પ્રસંગ તેના અર્ધજાગ્રતમન ઉપર વિવિધ ચિત્રોની છાયા મુકતા જાયછે.આ ચિત્રોની છાયાઓનો સમૂહ એટલે જ આપણું ચારિત્ર્ય,આપણા સંસ્કાર. વ્યક્તિના જીવનમાં સારા બનાવોની છાયાઓ વધારે હશે તો એ સારા કર્મો કરશે અને ખરાબ છાયાઓ વધારે હશે તો એ ખરાબ કર્મો કરશે.આ સંસ્કારોથી જ પૂર્વગ્રહો બંધાયછે.આપણો આત્મા અનેક જન્મોની અધૂરી ઇચ્છાઓ, અવ્યક્ત લાગણીઓ, પૂર્વગ્રહો બધું સાથે લઇને આવેછે.અને વર્તમાન જન્મનાં કર્મો ઉપર તેની અસર રહેછે.
નીલકંઠભાઇ,તમારા કેસમાં એવું કહી શકાય કે તમારી કામવાસનાઓ અતૃપ્ત રહી હશે જે તમારા વર્તનમાં દેખા દેછે.તમે ભલે છ વર્ષની ઉંમરે આવું વર્તન કરતા હતા પણ તમારી બધા જન્મોની ઉંમર નો સરવાળો કરીએતો? એ સરવાળો એ જ આપણી સાચી ઉંમર છે.આપણે ઘણીવારં સાંભળતા કે એક પાંચ વર્ષના બાળકને બધા શાસ્ત્રો નું જ્ઞાન છે.આ શું બતાવે છે? અર્ધજાગ્રતમન માં સેવ થયેલું જ્ઞાન વ્યક્ત થઈ રહ્યું છે.'
' પણ માતાજી હવે એ બતાવો કે જો અર્ધજાગ્રતમન જ મારી પાસે ખરાબ કર્મો કરાવેછે તો એમાંથી બચવાનો ઉપાય શું?
' નીલકંઠભાઇ, હવે તમે મુદ્દાનો સવાલ કર્યો.માનવી પાસે બે મન છે.એક અર્ધજાગ્રતમન જે ચિત્રગુપ્ત નો ચોપડો છે જેમાં આપણા બધા કર્મો નો હિસાબ અને ગમે એવી સમસ્યાનો ઉકેલ લાવનાર આપણો શક્તિમાનછે.અને જ્ઞાન નો ભંડાર છે.પણ તે અનિયંત્રિત છે.તેને નિયંત્રણમાં રાખી શકે એવું એક બીજું મન પણ આપણી પાસે છે તેને જાગ્રતમન કહેછે જેને વિવેકી મન પણ કહેછે.અર્ધજાગ્રતમન ઉપર અંકુશ રાખવાનું કામ જાગ્રત મન કરેછે.તમે કોઇ ખરાબ કર્મ કરી રહ્યા હો ત્યારે આપણને ચેતવણી આપવાનું કામ આપણું જાગ્રત મન કરેછે.કોઇપણ કર્મ કરતાં પહેલાં વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઇએ.તો ભૂલ થતી અટકી જશે.આ વિવેકબુદ્ધિ એટલે જ જાગ્રત મન.અર્ધજાગ્રતમન તમારી વાસના ભડકાવવા નું કામ કરે પણ જો તમે જરા અટકીને વિચાર કરશોતો ભૂલ નહીં થાય.આ અટકાવવાનું અને સાચી સલાહ આપવાનું કામ જાગ્રત મન કરેછે.સંસારમાં તમામ સારાનરસા કામ આ બંને મન જ કરાવેછે.કોઇપણ સારૂં કે ખરાબ કર્મ કરતા પહેલા થોડું અટકીને મન ને પૂછવું કે આ કરૂં કે નહીં? તમને ચોક્કસ યોગ્ય જવાબ મળશે.આ જવાબ આપવાનું કામ જાગ્રત મન કરેછે.આ બંને મનનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવો એ આવડી જાય એ પરમજ્ઞાની બની જાય.કુશળતા થી કર્મ કરવું તેને જ યોગ કહેછે.યોગ: કર્મશુ કૌશલમ.'
નીલકંઠને સંતોષ થઇ ગયો હતો તેણે ઊભા થઇને સાધ્વીજીને નતમસ્તકે પ્રણામ કર્યા.સાધ્વીજીએ તેને આશીર્વાદ આપ્યા.તેના મનની બધી ગુંચો ઉકલી ગઇ હતી. અને જ્ઞાનનો દીપક પ્રગટ્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED