મૃત્યુ પછીનું જીવન - ૨૬ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૨૬

મૃત્યુ પછીનું જીવન—૨૬

આપણે જોયું કે ઘરનાં દસ્તાવેજની જગ્યાએ મોર્ગેજ લોનનાં ડોક્યુમેંટસ જોતાં ઘરમાં બધાંયની ઊંઘ હરામ થઇ જાય છે. પણ સમીર સંજોગોથી ડર્યા વિના, ગુસ્સે થયા વિના સ્થિતપ્રજ્ઞ રહીને આ સમસ્યાનો હલ લાવવાનો કોશિષ કરે છે, પણ કોઈ સમાધાન મળતું નથી. આખરે રાઘવ નકલી સિગ્નેચર એનું તરફ ધ્યાન દોરે છે અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે છે. હવે આગળ વાંચો...

સવારના આઠ વાગ્યાનાં કુમળા સૂર્ય કિરણો જમીન પર એકસરખા ઉગેલી લોન પર અને , હમણાં જ છાંટેલા પાણીની બુંદો પર એકસરખી રીધમમાં એવી રીતે પડી રહ્યાં છે , જાણે કોઈ વાદકનાં હાથ વારા ફરતી હાર્મોનિયમની કાળી અને સફેદ સ્વીચો પર પડતાં હોય...! સાથે જ આજે મુંબઈના દીનદયાળ કોમ્યુનિટી હોલની બહારના ગાર્ડનમાં ચહેકતા પક્ષીઓનો મધુર કલરવ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. જાણે આજે એ બધાંય સૂર અને સાજની જુગલબંધી કરી રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં કોઈ કોઇથી ચઢિયાતું હોવાની હોડમાં નથી , પણ પરસ્પર સંવાદિતાનાં સુરમાં છે.

આજે દીનદયાળ કોમ્યુનિટી હોલ માં સવારના આઠ વાગ્યાથી જ માણસોની ચહેલ પહેલ દેખાઈ રહી છે. શ્વેત ,સ્વચ્છ અને ગરિમાપૂર્ણ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓ અને પુરૂષો હોલમાં પ્રવેશી રહ્યાં હતાં , એમાંથી કેટલાક હોલની બહારનાં ગાર્ડનનાં એક સાઈડ પર ઊભા કરેલા ટી સ્ટોલ પર જઈને ચાય-કોફીની ચૂસકી લઇ રહ્યાં હતાં, તો દૂરથી આવનારાં કેટલાંક હળવો નાસ્તો લઇ રહ્યાં હતાં.

હોલમાં પ્રવેશતાં જ સામે મોટો સ્ટેજ દેખાતો હતો, જેમાં બરાબર વચ્ચે વિશાળ ગાદી પર રાઘવનો ફોટો મુકયો હતો, રાઘવની જીંદગી જેટલી શાનદાર રહી હતી, એટલો જ શાનદાર એનાં સ્મૃતિદિનને બનાવવાની ,સમીર અને અંશે પુરી કોશિશ કરી હતી. તળપદી ભાષામાં આજે આ હોલમાં એનું બેસણું રાખ્યું હતું. વિશાળ ગાદી પર બિરાજમાન રાઘવના ફોટા પર સુખડનો હાર હતો અને સામે રાખેલાં ટેબલ પર સરસ ફૂલોનો રંગોળી કરી હતી, બાજુમાં ફૂલ-હાર ભરેલ એક થાળી હતી અને અને પાસે ધૂપ-દીપ રાખવામાં આવ્યાં હતાં. વચ્ચેનાં જે સ્ટેજ પર ગાદી હતી, એની જમણી તરફ ૫-૬ ગાયકોની સંગીત મંડળીની વ્યવસ્થા હતી, જેમાંથી એક વાદક હાર્મોનિયમ પર હતો અને બીજા એક બે કલાકાર વાસળીનાં ધીમા સુરો રેલાવી રહ્યાં હતાં...

વચ્ચે મુકેલ રાઘવની ગાદીની ડાબી તરફ ઘરનાં વડીલો, કેશુભા,સમીર, અંશ અને ગોમતી શુભ્ર વસ્ત્રોમાં સજ્જ થઇ બેઠા તા .એ સૌનાં ચહેરા પર એક અકથ્ય ઉદાસી ની ઝાંય હતી…

હોલમાં પ્રવેશતાંની સાથે સજ્જનો અને સન્નારીઓ પહેલાં રાઘવના ફોટાને હાર ચઢાવતાં અને પછી ગોમતી, સમીર –અંશને સહાનુભુતિપૂર્ણ અભિવાદન કરતાં, અને પછી નીચે સભામાં જઈ બેઠક ગ્રહણ કરતાં. નીચે સભામાં મોટાં બિઝનેસમેનો, કસ્ટમ ઓફિસરો, પોલીટીશ્યનો સહિત ઘણી મોટી હસ્તીઓ નજરે ચઢી રહી હતી. અહીં આમ એક ડોનની શોકસભામાં આવવું, એ સાધારણ તો નહોતું જ . છતાય રાઘવને આ બધાય સાથે એવાં સંબંધો હતા કે કોઈ એમનું અહી આવવું એવોઈડ ન જ કરી શકે. કારણ એમાનાં ઘણાં રાઘવની સાથે આજે પણ બિઝનેસ સંબંધે કે કોઈ અન્ય કારણસર જોડાયેલાં હતાં; મતલબ કે સવારના આઠ વાગે સમય કાઢીને અહી એક ડોનની શોકસભામાં હાજર રહેવાં પાછળ બધાંય પાસે કોઈ ને કોઈ કારણ જરૂર હતું જ !

સંગીત મંડળીએ નવું ગીત આલાપ્યું ,

“ઇતના તો કરના સ્વામી , જબ પ્રાણ તનસે નીકલે ......”

ધૂપસળીની અને એર ફ્રેશનરની સુગંધ સાથે માઈકમાં ગવાતાં ગીતનાં સ્વરો એ.સી હોલમાં ગુંજી રહ્યાં. શ્વેત વસ્ત્રોમાં સજ્જ સજ્જનો અને સન્નારીઓ બહારથી તો આ ગીતનાં લયમાં વહી જતાં હોય એવું લાગતું હતું, પણ આ માનવ મન એટલું છ્લનામય છે કે ઘણી વાર માણસને પોતાને ય ખબર નથી હોતી કે એની સીમાનાં વાડા તોડીને એનું મન ક્યાં ભમી રહ્યું છે...મનથી તો બધાય પોતપોતાનાં અલગ અલગ મનોજગતમાં વિચરી રહ્યાં હતાં.

પહેલી જ હરોળમાં બેઠેલો એમનો એક સંબંધી, જે ખટપટ કરવામાં પણ હંમેશા આગળ રહેતો, મનમાં વિચારતો’તો, ‘એમ નેમ થોડું મર્ડર થયું હશે આમ ઘરનાં આંગણે? નક્કી એનાં ધંધા જ એવાં હશે..’ એની એકદમ બાજુમાં બેઠેલો એમનો પડોશી પણ આ જ દિશામાં હતો, ‘નક્કી એ બિઝનેસમેન નહીં ગુંડો જ હતો ,એટલે જ કાલે ઘર ખાલી કરાવવા આવ્યાં’ તા બધાં...નોર્મલ લોકોને ત્યાં આવું થોડું થાય?’ વળી એની જ હરોળવાળો સંબંધી; જેઓ પૈસા આવતાં દૂર દૂરનો સંબંધ તાજો કરતા હોય ને એવાં સંબંધવાળો એ સંબંધી, જે થોડી વાર પહેલાં અંશની આજુબાજુ ફરતો તો , એ પણ આવું કઈ વિચારતો તો, ‘બહારથી વ્હાઈટ કોલર બિઝનેસમેન લાગતાં આ રાઘવના કારનામાંઓ અંદરથી પુરેપુરા કાળા જ હતાં.’

એની બાજુની હરોળમાં ડાર્ક ગ્લાસ પહેરીને છેલ્લે બેઠેલાં, છટાદાર વ્યક્તિત્વ ધરાવતાં અને સફેદ ઝભ્ભા પર કાળી બંડી પહેરીને આવેલ સજ્જન વગદાર પોલીટીશ્યન લાગતાં હતાં, જેનાં મનમાં વળી કાવાદાવાઓ અને રમતો ચાલી રહી હતી, ‘ આ રાઘવ જીવતો’તો, ત્યારે પેટ્રોલ પંપમાં પાર્ટનરશીપ માટે ન જ માન્યો ,હવે અંશને દાબમાં લેવો પડશે કોઈ ભેદ ઊભો કરીને ..... ગમે તે કહો, પણ આ ગુંડાનું પેટ્રોલ પંપ મસ્ત રોકડી લાવે છે !’

સ્ટેજ પર બેઠેલો કેશુભા સમીરનાં પ્લાનથી અજાણ હોઈ , એ પણ આવું જ કંઈ વિચારી રહ્યો હતો, ‘જાળ તો પથરાઈ ગઈ છે, બસ હવે અઠવાડિયું જવા દ્યો, એટલે આ રાઘવનું ઘર મારું....! ’

કસ્ટમ ઓફિસર વિચારતો તો, ‘આ હેરાફેરી કરતો ગુંડો, મવાલી, માફિયો ક્યાં કરોડપતિ બિઝનેસમેન બની ગયો? અગર અમે સપોર્ટ ન કર્યો હોત , તો હજુ ડોક પર કાળી મજુરી જ કરતો હોત ...! અને આજે કહેવાય છે ,રાઘવ ધ ગ્રેટ બિઝનેસમેન...હા હા કમાલ છે ને...!’

તો વળી છેલ્લી હરોળમાં ખુણામાં બાપ-દીકરા બેઠેલાં હતાં, બાપ વિચારતો ’તો, ‘આ માણસ દુનિયા માટે જેવો હશે તેવો, પણ મારે માટે તો ઈશ્વરનો દૂત બનીને આવ્યો તો. આજે મારો છોકરો આટલો મોટો ડોક્ટર બન્યો, એની બધી જ ફીઝ રાઘવ શેઠ ભરતાં , નહીતર મારો છોકરો આજે સાધારણ જોબ જ કરતો હોત...એનો અહેસાન તો જીંદગીભર ન ભુલાય..આજે દુનિયામાં કઈ કેટલાય કરોડપતિ હશે, પણ આમ પારકાના છોકરાને ભણાવનારા કેટલાં ? ’

તો વળી, એની બરાબર પાછળ બેઠેલો ઝભ્ભો લેંઘો પહેરેલ, વારે વારે નાકની દંડી પર ચશ્માં સીધા કરતો મેનેજર જેવો લાગતો સાધારણ માણસ વિચારી રહ્યો, ‘ધન્ય છે આ માણસને... મહિને ચુપચાપ મને ૨ લાખ રૂપિયા હાથમાં પકડાવી જાય, દર અઠવાડિયે આવીને જરૂરિયાતો ચેક કરી જાય; એમની બાનાં નામથી આખું વિધવાશ્રમ ચલાવે, પણ જો કોઈ દિવસ મીડિયામાં કે કોઈને પણ ખબર પડવા દીધી હોય; બીજું કોઈ હોય તો આવું કામ કરી ગામ આખા માં ઢંઢેરાં પીટતા ફરે...’

રાઘવ પણ ત્યાં જ હયાત હતો, એનાં મનોમય શરીર સાથે...બધાયને જોતો રહ્યો, બધાયના મનમાં ચાલતાં વિચારોને ઝીલી રહ્યો, સાંભળી રહ્યો ...એને લાગ્યું કે મારી આખી જિંદગીનું સરવૈયું તો અહીં જ મંડાઈ રહ્યું છે. કેવો માણસ રહ્યો હું ....? કોઈને માટે હું ડોન છું, કોઈને માટે શેતાન છું; કોઈને માટે ઈશ્વરનો દૂત છું તો કોઈને માટે એનું સર્વસ્વ... કોઈને માટે થોડો ખરાબ, કોઈને માટે થોડો સારો....હવે એવું સમજાય છે, કોઈ પુરેપુરો વ્હાઈટ નથી હોતું ,એમ કોઈ પુરેપુરો બ્લેક પણ નથી હોતું...બધાંજ માણસો બ્લેક અને વ્હાઈટનું કોમ્બીનેશન જ હોય છે...! કોઈનામાં વ્હાઈટ થોડો વધારે અને કોઈનામાં બ્લેક થોડો વધારે...પણ આખરે તો અમે સૌ માણસો ગ્રે શેડના જ ચટ્ટા-બટ્ટા ને ....

રાઘવ વિચારતો રહ્યો, જિંદગીનું કેટલું બધું જ્ઞાન તો મર્યા પછી મળ્યું? આ બધું જીવતે જીવ શીખવા મળ્યું હોત તો ? પણ એક વાર સમય હાથમાંથી નીકળી જાય પછી ‘જો’ અને ‘તો’ કરવાનો કોઈ જ મતલબ રહેતો નથી...!

-અમીષા રાવલ


ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.