કૂબો સ્નેહનો - 33 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 33

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 33

વિરાજ ઇન્ડિયા આવે એવાં કોઈ એંધાણ વર્તાઈ નહોતા રહ્યા. ઉલ્ટાનું દિક્ષાએ જાણે કે હવેનું જીવન અમ્મા સાથે જ પસાર કરવું એવું મનોમન નક્કી કરી લીધું હોય એવું લાગી રહ્યું હતું. સઘડી સંઘર્ષની...

❣️કૂબો સ્નેહનો❣️

પ્રગટ્યું પરોઢિયું..
તેજ કિરણ બાણ વિંધ્યુ
ધારો રેડી લીસોટો સરક્યો
વેર્યો તડકો ઝાંખો પાંખો
ચોસલાં વેર્યા ધડાધડ
પુષ્પો ચૂંટ્યા લાલમ લાલ
સ્પર્શ્યુ હૈયું રણઝણાટ
ઓઢણી ઓઢી પાનખરની
અરીસો ઉભો મરક મરક
વસંત પ્રીતડી બાંધી રુંધાય©રુહાના

અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સ્નેહનાં તાંતણે સમજવાં પ્રયત્ન કરતી હતી. એમને એક વાત રોજ ખટકતી કે, 'દિક્ષા કંઈક તો છુપાવે છે મારાથી... વિરુ સાથે જરૂર એની કંઈક બોલાચાલી થઈ છે અથવા એવો કંઈક અણબનાવ થયો છે, જે મને એ જણાવવા નથી માંગતી..'

આમ્મા અડધી રાત્રે ઓચિંતા ઊંઘમાંથી સફાળા બેઠાં થઈ જતાં અને વિચારોના કાળા ડિંબાગ વાદળોના વમળો ઘેરાઈ વળતા હતાં. પછી તો ઘડિયાળની ટકટક પણ મરશિયા ગાતી હોય એવું એમને લાગતું હતું. આંખ બંધ કરેને એજ દેખાય. ક્યાંય ચિત્ત એમનું નહોતું ગોઠતું. ઉત્તર વિનાનો હૃદયવઢ ઘા દેતો આ પ્રશ્ન સાવ સ્થગિત થઈ ગયેલા સમય સાથે હિબકે ચઢયો હતો અને વિરાજના નામનું વલોપાતનું વોકલ વગાડ્યે રાખતો હતો. છાતીમાં ગુંગળામણ થતી હતી છતાંયે ધુમાડા પીધે રાખવાની ટેવ પડી હતી. અસ્તિત્વ વિનાના વિતાવેલા વર્ષોને વેઢે ગણવા મુશ્કેલ થઈ પડતાં હતાં.

અમ્માએ એકવાર પુછી જ લીધું કે, 'દિક્ષા વહુ… તારી મા સમજીને.. તારા દિલમાં જે હોય મને કહી શકે છે.. તું મને તારા દિલની વાત નહીં કહે ત્યાં સુધી તારું મન વધારે ને વધારે ઘૂંટાતું જશે, કહીશ તો હૈયું હળવું થશે!! સુંદર સમય નામનો સૂર્યપ્રકાશ ઉગી નીકળશે અને લીલાછમ સંબંધનો ઉઘાડ નીકળશે.. છાતીમાં સંઘરી રાખીને હૈયું ભારેખમ શું કામ રાખવાનું?"

“ના ના અમ્મા.. એવું કંઈજ નથી.. અને જુઓને કામમાં સતત બીઝી સ્કેડ્યુલમાંથી ટાઇમ કાઢીને પણ વિરુ લેટર લખે છે હવે તો તમને!! ” આવું કહીને વાત ટાળી દીધી હતી. પણ એની જુઠ્ઠી આંખો, અમ્માને મિલાવી શકવાની દિક્ષા હિંમત કરી શકી નહોતી.

"સંબંધો પ્રત્યેનો પ્રેમ જ્યાં સુધી અસ્પષ્ટ રહે! ત્યાં સુધી કષ્ટ વધારે રહે છે.."

'દિક્ષાના મનમાં શું રમી રહ્યું છે..' એ એનો ચહેરો ઓળખીને ગળેથી હૈયામાં ઉતારીને અમ્મા સમજવાની કોશિશ કરી રહ્યાં હતાં. અને એનાં આવાં વર્તનથી અમ્માનું દર્દ વધતું જતું હતું, એ દિક્ષાને ક્યાં ખબર હતી!!

સમય પસાર થતો ગયો એમ એમ દિક્ષા અમ્માની હૂંફમાં સ્વસ્થ થતી ચાલી. અને આમ્માએ આખી જિંદગી દુનિયાદારીનું ઝેર ધોળીને પચાવી જાણ્યું હતું છતાંય એ વધારેને વધારે અસ્વસ્થ થતાં જતાં હતાં.

દિક્ષા પોતાનો સમય પસાર થઈ શકે એ ઈરાદા સાથે એ થોડું થોડું આમ્મા સાથે આશ્રમમાં જવા લાગી હતી. અનાથ બાળકોનો વિભાગ એણે સંભાળી લીધો હતો.

જ્યારે જ્યારે આમ્મા વિરાજને પત્ર લખે ત્યારે દિક્ષા પોસ્ટ કરવાની જીદ કરીને પત્ર લઈ લેતી અને કહેતી,
“અમ્મા મને આપો.. લેટરને રજીસ્ટર્ડ પોસ્ટ કરી દઈશું એટલે જલ્દી પહોંચી જશે.”

દિક્ષાનું આમ આવું ભેદી કામકાજ આમ્મા સમજી શકતાં જ નહોતાં. છતાંય એ હકારાત્મક વિચારતાં,
‘હશે કંઈ વાંધો નહીં. એ મને મદદરૂપ થવા માંગતી હશે.’ એમ કરી આશ્રમમાં એમનું ધ્યાન પરોવેલું રાખતાં.

એકવાર વિરાજના આવેલ પત્ર પ્રત્યે અમ્માને વ્હેમ થયો.
‘આ અક્ષર વિરુના નથી એવું કેમ લાગે છે?!! અને વળી આ અક્ષર પણ જાણે પરિચિત લાગે છે.." ઊભો થયેલો આ એક નવો જ પ્રશ્ન સતત બે દિવસ સુધી સતાવતો રહ્યો હતો. ઊંઘતા જાગતાં બસ એજ વિચાર વાયુ મનોમન ઘેરી વળ્યો હતો.

'બે વર્ષ સુધી વિરુએ પત્ર ન લખ્યો! અને દિક્ષાના લગભગ આવવાનાં થોડાંક સમય પહેલાંથી જ પત્રો કેમ આવતા શરૂ થયાં.? અને હું બરાબર ઓળખું છું ત્યાં સુધી આ વિરુના અક્ષરો તો નથી જ લાગતાં!! કંઈક તો છે જ આ બાબતનું કોઈ રહસ્ય..'

ત્રીજા દિવસે અચાનક અમ્માના મગજમાં એક ઝબકારો થયો. 'આ અક્ષર ચોક્કસ દિક્ષાના છે, ગઈકાલે આશ્રમમાં દિક્ષાને મેં બાળકોની એક રૂપરેખા તૈયાર કરવા આપી હતી, એનાં પણ આવાં જ અક્ષરો હતાં.’

બીજા દિવસે અમ્મા, એ પત્ર આશ્રમમાં સાથે લઈને ગયાં અને કોઈ જોઈ ન જાય એ રીતે દિક્ષાના અક્ષર સાથે મિલાવી જોયા. અમ્માની આંખો પહોળીને પહોળી રહી ગઈ હતી.

'કેમ દિક્ષા જ મને વિરુના નામે પત્ર લખે છે.?? એને એવું કરવાની શી જરૂર પડી? એટલે જ દરેક પત્ર વાંચતી વખતે હું વિચારું !!! જાણે વિરુના અક્ષર હમણાંથી બદલાયેલા લાગે છે.. હે મારા વ્હાલા.. શું કામ દિક્ષા આવું કરતી હશે?!'

'શું વિરાજે દિક્ષાને છોડી દીધી હશે.? કે પછી શું વિરુ કોઈ બીજી છોકરીના પ્રેમમાં ફસાયો હશે?? ના ના.. મારો વિરુ એવું કંઈ જ કરે એવો નથી.' આમ્માના મન મસ્તિષ્કમાં સારા નરસા વિચારોએ વળી પાછો ઉથલો માર્યો હતો.

અનેક પ્રશ્નો સાથે આમ્મા દિક્ષાને જણાવ્યા વગર જ ઘરે જવા નીકળી ગયાં હતાં. રસ્તામાં એમને કેટકેટલાયે વિચારોની આંધીઓ આવી ગઈ હતી. અત્યારે દિક્ષા ઉપરથી એમનો વિશ્વાસ ડગમગી ગયો હતો, ઘર તરફ ઉપડેલા ધ્રુજતાં પગ હરણફાળ ભરતાં હતાં.

ઘરે પહોંચીને આમ્માએ ઉપર દિક્ષાની રૂમ તરફ સીધી દોટ મૂકી. એના રૂમના ડ્રેસિંગ ટેબલ, પલંગની સાઈડના નાનાં બન્ને ટેબલ, કબાટ બધું શોધા શોધ કરીને ઉથલપાથલ કરી નાખ્યું હતું.
'કંઈક હાથ લાગી જાય તો જાણી શકાય કે શું છુપાવે છે મારાથી દિક્ષા વહુ..??'

કબાટ ખોલીને કપડાંના ઢગલે ઢગલા કરીને એમાંથી વેરણછેરણ કરી નાખ્યું હતું. શોધવામાં કોઈ જગ્યા બાકી નહોતી છોડી અમ્માએ. આટલાં બધાં પ્રયત્નો છતાં બધું વ્યર્થ હતું, કંઈજ એમના હાથમાં ન આવ્યું.
‘શું હશે કે, દિક્ષા જ મને વિરાજના નામે પત્ર લખે છે.?’

મુંઝવણ વધતી ગઈ હતી. હવે શું કરવું એ કંઈ પણ સુઝતું નહોતું. ઘણાં વર્ષો પછી આજે આંખો પાછી દુઃખી થઈ તરબતર ભરાઈ આવી હતી.

કપાળે મૂક્યું હાથનું નેજવું
ઘડિયાળ ટકટક મરશિયા
હૈયે ફડફડ
હ્રદય ફાડ રાડારાડ
સત્ય ઉવાચ પડઘો મૌન
શ્વાસ તૂટે તોયે ડગલી ભરે
પડી આખડી દોટ મૂકી દડબડ ©રુહાના

"સ્નેહનું એક ટીપું અને ખોબલો ભરી વમળો સાથે બસ નસીબને હંફાવતી રહી, જીવનના તોફાની વમળો સાથે બાથ ભીડવા ક્યાં સુધી દોડતી રહું? કે પછી ઈશ્વર જોડે શું હવેનો સઘળો બાકી હિસાબ બસ માંડવાળ કરી લઉં..???"

છેવટે અમ્મા પછડાઈ પડ્યાં. પલંગને ટેકે લમણે હાથ દઈ ભૂતકાળમાં ખોવાઈ ગયાં. ખખડધજ એ જૂની ખાંભી મહીં પતિ જગદીશના સ્મરણનું તૃણ ખળભળી ઊઠ્યું હતું.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 34 માં દિક્ષા કેમ વિરાજના નામે એ પોતે પત્ર લખતી હતી? શું છુપાવા માંગે છે દિક્ષા?!!

-આરતીસોની ©