સંતકથા મનોજ જોશી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતકથા


અતિ સમૃદ્ધ એવું એક રાજ્ય હતું. રાજા, વજીર, પુરોહિત, મંત્રીમંડળ, સેનાપતિ, સામંતો અને અઢારે વરણ પોતપોતાના જીવન વ્યવહાર નિભાવતા. રાજ્યના સદભાગ્યે એક શુદ્ધ સંત ત્યાં વસતા હતા. તનથી, મનથી અને કર્મથી તેમની ફકીરી જગજાહેર હતી. સાધુનું જીવન હોવું જોઈએ એવું, સાદું, સાચું અને સારું જીવન તેઓ જીવતા હતા.
સાધુમાં તેજ હતું, ઓજસ હતું, આભા હતી.પ્રતિપળ નામ-સ્મરણ, હરિ-કથાનું ગાન અને આંતરબાહ્ય શુચિતા માટેની સાવધાની સાથેની સજાગતાને કારણે તેમના પ્રસન્ન મુખદર્શનથી, તેમના સુમધુર વચનના શ્રવણથી અને તેમની નેહ નીતરતી નિર્મળ નજરોમાંથી પરમ શાંતિ વરસતી રહેતી.
કશા યે આડંબર વિના, તદ્દન ધરાતલના માનવી માફક, સૌની સાથે સૌના જેવા જ સામાન્ય બનીને તેઓ વસતા હતા. તેમનામાંથી વહેતું શુદ્ધિનું વ્હેણ તેમને વ્હેંત ઊંચેરા માનવી સિદ્ધ કરતું. અસામાન્ય હોવા છતાં તેઓ સામાન્ય હતા. તેમનામાં વસતું પૂર્ણ મનુષ્યત્વ જ તેમની ભગવત્તાને પ્રગટાવતું.
સાધનાની એક ભૂમિકાએ પહોંચ્યા પછી સાધકને આપોઆપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંત પણ પરમ સિદ્ધ હતા. પણ સિદ્ધિની તેમને કોઇ ખેવના ન હતી, ન જરૂર હતી, ન ઈચ્છા હતી. ભક્તિ અને ભરોસાના સંત કેવળ શુદ્ધિને મહત્વ આપતા, સિદ્ધિને ગૌણ માનતા.
રાજ્યના કેટલાક લોકોએ જોયું કે શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા, ઈશ્વર પૂજા કરતા વ્યક્તિપૂજા અને પરિશ્રમ વિના પૈસા મેળવવાની લાલસા ધરાવતા જનસમૂહને ધર્મના નામે ધતિંગ ચલાવીને આસાનીથી ગેરમાર્ગે દોરી શકાય છે!! આ માટે તેમણે યોજનાપૂર્વકનું ષડયંત્ર રચ્યું. બે-ત્રણ સદી પહેલાં -પ્રજાની અજ્ઞાનતા અને ધર્મભીરુતાને કારણે- સાધુના સ્વાંગમાં રાજ્યમાં આવી, સાંપ્રદાયિક સામ્રાજ્ય ઉભું કરી, જાતે જ બની બેઠેલા એક 'ભગવાન'ના નામે આ સ્વાર્થ સાધુ લોકોએ ચમત્કારો ચડાવ્યા. યુગોથી ઉપાસ્ય એવા સનાતન ધર્મ, રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને દેવી- દેવતાઓને બદલે નવા અને બનાવટી નામ,ધામ, મંત્ર અને કંઠી- તિલકના પ્રચાર- પ્રસારથી વ્યક્તિપૂજા અને અર્થોપાર્જન માટેનું સુનિયોજિત તંત્ર ગોઠવાયું.ધીમે ધીમે જુઠની માયાજાળમાં નગરજનો ફસાવા લાગ્યા. નાગરિકો પૈકીના જ કેટલાકે પદના લોભે તો કોઇકે પૈસા માટે ધર્મ દ્રોહ માં સાથ આપ્યો. લેખકો, કલાકારો અને કેટલાક બનાવટી સાધુવેશધારીઓના માધ્યમથી ધનપતિઓને ફસાવીને તેમના ધનથી અને શ્રદ્ધાળુઓને ભરમાવીને ધર્મની આડમાં વેપાર શરૂ કરીને ચકાચૌંધ કરી મુકે એવા મંદિરો ઉભા કરીને લોકોને આકર્ષવામાં આવ્યા. રાજ્યના લોભી શાસકોને પૈસો, પ્રતિષ્ઠા અને લોક માન્યતા અપાવવાનો લોભ બતાવીને રાજ્યાશ્રય લીધો. મંત્રી, વજીર, પુરોહિત, ધર્મગુરુ…… સહુની નિષ્ઠ ધનના ઢગલા નીચે ઢંકાઈ ગઇ. સનાતન ધર્મ પર કઠોરાઘાત થવા લાગ્યો.
આવા સમયે, જનમંગલ અને જગમંગલ કાજે સદાય પ્રાર્થનારત રહીને સૌનું હિત ચિંતવતા સાધુપુરુષે આવા અધર્મથી સહુને સાવધાન કરવા અને ધર્મમંગલ માટે જાગૃત થવા અલખ પ્રગટાવી.
સમતાવાન સાધુના મનમાં કોઈના તરફ દ્વેષ કે રોષ ન હતો. એમની નિર્મળ દ્રષ્ટિમાં કદી કોઈના ય અવગુણ દેખાતા જ નહીં. કોઈને સુધારવાની વાત તેમને રૂચતી નહીં. 'સર્વનો સ્વીકાર' - એ જ એમનો મંત્ર હતો. તેઓ સંવાદના માણસ હતા. વાદ, વિવાદ,દુર્વાદમાં પડવાનું તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમના શબ્દો તેમના મુખેથી જાણે અસ્તિત્વ ઉચ્ચારતું હતું. કારણકે તેમના વિચાર, ઉચ્ચાર અને આચારમાં નર્યું સત્ય નીતરતું. અને પરમાત્મા સત્યનો જ પર્યાય છે !
તેમનું વ્યક્તિત્વ પ્રેમમય હતું. તેમના હૃદયમાં સમગ્ર સૃષ્ટિ તરફ, જીવજગત તરફ, પ્રત્યેક મનુષ્ય તરફ કશા ય ભેદભાવ વિનાનો નિતાંત પ્રેમ નીતરતો. અને પ્રભુ તો પ્રેમનો પર્યાય છે !
તેમના બાળક જેવા નિર્દોષ, નિર્મળ, વિશાળ નેત્રોમાં કાયમ કરુણા વહેતી. કોઈના ય દુઃખ- દર્દ, વ્યથા જોઇને તેમના કોમળ - ઋજુ હૃદયમાંથી કરુણા વહેતી. અને પરમાત્મા કરુણાનિધાન છે!
આમ, સાધુના વાણી, વ્યવહાર અને વ્યક્તિત્વમાં સત્ય, પ્રેમ અને કરુણારૂપી ત્રિવેણી તીર્થ રચાયું હતું. આવા શુદ્ધ સત્વશીલ સાધુ ધર્મના પરિત્રાણ માટે સંતસમાજ, ધર્મ- ધુરંધરો અને પ્રભુ- પ્રેમીઓ સમક્ષ અધર્મને અટકાવવા માટે નમ્ર પ્રાર્થના કરતા રહ્યા. કશી અપેક્ષા વિના, કશા સ્વાર્થ વિના, કશા દ્વેષ વિના- સૌને સન્માર્ગ બતાવતા રહ્યા.
સંત સહજ હતા, પણ નાસમજ ન હતા. ભલા હતા, પણ ભોટ ન હતા. ઉજાસ પ્રસરાવવા માટે દીપકને સ્વયમ્ જલવું પડે છે. સમાજને માર્ગ ચીંધવા મહાત્માએ કંટક પર ચાલીને લોહીજાણ થવું પડે છે ! સંતત્વની પ્રાપ્તિ સહેલી નથી અને સંતત્વને જાળવવું ય સહેલું નથી. વ્યાસપીઠ એ અગ્નિપીઠ છે!! એટલે સંતની ભલમનસાઈ, ઉદારતા અને સરળતાનો ફાયદો ઉઠાવનારાનું પ્રમાણ વધતું જતું હતું. સંત આ બધું સમજવા છતાં છેતરાતા રહેતા. "સમજવા છતાં છેતરાઈને રાજી થવું, પણ કોઈને કદી છેતરવું નહીં" - એ તેમનો સિદ્ધાંત હતો.
સમાજને સત્ય-દર્શન કરાવતા સંત, સત્ય, પ્રેમ અને કરુણાના એકલમાર્ગનાં પ્રવાસી બનીને વિચરતા રહ્યા. લોકો સંતનો લાભ લેતા રહ્યા, અસત્યના વિરોધને બદલે લાલચવશ તેનો સાથ પણ દેતા રહ્યા!! જળકમળવત્ જીવનારા ફકીરે એ બધાને ક્ષમા કરીને, જે જેવા હોય તેવા તેમને સ્વીકારીને, વિશ્વમંગલની કામના જ કરી. તેઓ સદાય પ્રભુપ્રેમ અને માનવપ્રેમના ગીત ગાતા રહ્યા. સ્વયમ્ પ્રજ્વલિત એવા તપપૂંજ બનીને અન્યને ઉષ્મા, ઉર્જા અને ઉજાસ આપતા રહ્યા.