ચક્રવાકી મનોજ જોશી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવાકી

ચક્રવાકી

પૂર્ણિમાનો ચન્દ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. સૃષ્ટિ પર શ્વેત, શુભ્ર શીતળ ઉજાસ વીલસી રહ્યો હતો. હજારેક ખોરડાં ધરાવતું ગામ જંપી ગયું હતું. બારમાસી નદીના કાંઠે શોભતું નાનકડું ગોકુળિયું ગામ સ્વાવલંબી હતું. ગામથી બે કિલોમીટર દૂર રેલવે સ્ટેશન હતું. ગામમાં આવવા- જવાનું એક માત્ર માધ્યમ રેલ્વે હતી. એસટી બસ કે અન્ય વાહનો આવે એવા એકે રસ્તા ન હતા. ખેડૂતો, ખેત મજુરો, માલધારીઓ-પશુપાલકો... બધા જ વહેલા ચાર વાગે ઉઠી જતા હોવાથી પ્રભાત પ્રગટે એ પહેલાં તો ગામ જીવંત થઈ ઉઠતું. દિવસભરની શ્રમયાત્રા પછી ગોધૂલીટાણે તો પશુધનની સાથોસાથ નર-નારીઓ પણ ઘર ભેગા થઇ જતાં. દેવ મંદિરની આરતી પછીના કલાકમાં તો વાળુપાણી પતાવીને થોડી વાર સૌ હળીમળીને વાતો કરતા અને પછી તરત જ થાક્યા પાક્યા પથારી ભેળા થઇ જતા. નવ સાડા નવ થતામાં તો ગામ સુમસામ બની જતું. ગામ પંચાયતના ચોકીદાર જેરામભાઈ વાળંદ, સૂરજ આથમતા જ ગામના ચાર રસ્તા પર અને નિશ્ચિત સ્થળે ઉભા કરેલા લાકડાના થાંભલા પર કાચની પેટીમાં ગોઠવેલ લાલટેન ઉપરના કાચ સાફ કરી, કેરોસીન ભરી, વાટ સરખી કરીને દીવાસળીથી ફાનસ પેટાવી જતા. પૂનમની આગળ પાછળના ચાર ચાર દિવસ આ દિવડાઓ પણ બંધ રહેતા. ગોકુલઅષ્ટમી, નવરાત્રી, શિવરાત્રી અને દિવાળીના દિવસો સિવાય મોટાભાગે ગ્રામજનોનો આમ વહેલા સુઈ જવાનો નિયમ જળવાઇ રહેતો.

ગામની વચ્ચે મનસુખલાલ નગરશેઠની હવેલીની બાજુમાં જ વૈદરાજ કૃષ્ણશંકરની હવેલી હતી. વણિક નગરશેઠ ચુસ્ત જૈન હતા અને ભૂદેવ વૈદરાજ ચુસ્ત વૈષ્ણવ હતા. બંને પરિવાર વચ્ચેનો સારો ઘરોબો વર્ષોથી જળવાઇ રહેલો. શેઠની વચેટ પુત્રી સોનલ અને વૈદરાજનો પુત્ર કિસન સમવયસ્ક હતા. સોનલ પોતાના નામને સાર્થક કરતું અનુપમ સૌંદર્ય લઈને અવતરેલી અપ્સરા હતી. તો કિસન જાણે અખિલ સૃષ્ટિના પુરુષત્વના પ્રતીક સમો સોહામણો યુવક હતો.
હજુ તો બંને પારણામાં ઝૂલતા, એવા શિશુ કાળમાં સોનલના મમ્મી જ્યારે બહાર જતાં, ત્યારે તેને કિસનનાં બા પાસે મૂકી જતા. કિસન પણ એ જ રીતે સોનલના ઘેર ઉછરતો. સોનલ અને કિસનની મૈત્રી બાળોતિયામાંથી જ પાંગરતી રહી હતી. બંને એકબીજાના પારણામાં પોઢીને અને એકબીજા સાથે ધીંગા- મસ્તી કરીને મોટા થયેલા. એકબીજાના આંસુ પણ લુછેલા અને એક બીજાને રડાવેલા પણ ખરા.
છ વર્ષની વયે માંડ કિસનને સ્કૂલે મૂક્યો, ત્યારે સોનલના સથવારે જ તે શાળાએે જતો થયેલો. પછી તો પ્રાથમિક શિક્ષણ સાથે સાથે જ પૂરું થયું. બંને એક જ પરિવારના સભ્યોની જેમ પ્રાથમિક શાળામાં બપોરનો નાસ્તો ય સાથે કરતા. કિશોર વયે પહોંચ્યા પછી સોનલના મા બાપે સભાનતાથી બંને વચ્ચે અંતર ઊભું થવા દીધું. છતાં હાઇસ્કૂલમાં બંનેને ઘણી વાર સાથે વાંચવાનું બનતું.
કિસનને વાંસળીવાદન બહુ ગમતું. કિશોર વયે એકબીજાના ઘરે છૂટથી આવરો-જાવરો રહેતો હતો. તેથી ક્યારેક સંધ્યાટાણે બેમાંથી એક ઘરે અખિલેશની વાંસળી ગુંજી ઉઠતી. સાંભળનારા બધા તેના તાલે ઝુમી ઉઠતાં. પણ યુવાનીમાં કદમ માંડતા જ બંને વચ્ચે એક અદૃશ્ય દિવાલ રચાઈ ગઈ. કિસન પોતાના ઘરે ન આવે એવું વર્તન શેઠ કરતા રહેતા. કોઈ કામસર તે આવી ચડયો હોય તો ચાલાકીથી, કોઈને કોઈ બહાને તેને ઘર બહાર વળાવી દેતા. વૈદ્યજીના ઘરે સોનલની અવરજવર પણ ઓછી થતી ગઈ. અઢાર વર્ષનો કિસન ડૉક્ટરીના અભ્યાસ માટે કર્ણાટકના બેંગ્લોરમાં ગયો ત્યારે પરિવાર કે ગામ છોડવાના દુ:ખ કરતાં ય તેના મનમાં સોનલને છોડી જવાનું દુઃખ વધારે હતું. કિસનની વિદાય વખતે ઘરના દરવાજે ઊભેલી સોનલના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી. ભીંજાયેલી આંખો કોઇ જુએ તે પહેલા કિસનની સામે અર્થસભર દ્રષ્ટિ નાખીને સોનલ પોતાના ઘરના ઓરડામાં દોડી ગયેલી. કિસનનું બીજા વર્ષનું પ્રથમ સત્ર પૂરું થયું હતું. દિવાળીના વેકેશન માટે તે ગામડે આવેલો.
નવરાત્રિ પૂરી થઈ ગયેલી. કવિઓ, કલાકારો અને પ્રેમીઓને પ્રિય એવી ચાંદની રાત હતી. આસમાનમાં શારદિય ચાંદ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. સચરાચર પર ચાંદનીએ શ્વેત ચાદર બિછાવી દીધી હતી. ચોતરફ ઉજ્જવળતાનાં સામ્રાજ્ય વચ્ચે રાતના અગિયારેક વાગ્યે આખું ગામ સુઇ ગયું હતું, ત્યારે કિસન પોતાના માળબંધ મકાનની છત પર ટહેલતો હતો. વાતાવરણની ગુલાબી ઠંડી અને નિરવ શાંતિ વચ્ચે પૂર્ણ ચંદ્રને ખીલેલો જોઇને તેના હૈયામાં સોનલનું સ્મરણ ઘેરૂં બન્યું. અગાસીમાં બીછાવેલી શૈયા પર બેસીને તેણે વાંસળીના સૂર છેડયા. આજ સુધી ક્યારેય શબ્દો દ્વારા વ્યક્ત ન થયેલો સોનલ તરફનો સ્નેહનો સાગર તેની છાતીમાં ઉછાળા મારવા લાગ્યો. પોતાની પ્રિયતમાના વિયોગનો ઝુરાપો સૂર બનીને વહેવા લાગ્યો. કિસનની વાંસળીના મધુર-કોમળ સૂરના સ્પંદનો વાતાવરણની શાંતિને ડહોળવાને બદલે જાણે વધુ ગાઢ બનાવતા રહ્યા. વાતાવરણ મદહોશ બનતું ગયું. બિલકુલ બાજુની જ હવેલીની છત નીચે જાગતી સુતેલી સોનલે પ્રિયતમના સૂરને પારખ્યા. કૃષ્ણની વાંસળીથી ભાન ભૂલીને દોડી પડેલી રાધાની જેમ સોનલ પલંગમાંથી ઉઠીને, કોઈને ખલેલ ન પહોંચે એવી સાવધાનીથી, હળવાં પગલે અગાસી પર પહોંચી. પતંગના પર્વ પર એકબીજાની અગાસીમાં ઠેકવાની પ્રેક્ટિસ અત્યારે કામ આવી. સોનલ કિસનની પાછળ પહોંચી. બંધ પાંપણ નીચે સોનલની છબિ સાથે વાંસળીના સૂર છેડી રહેલા અખિલેશના કંઠ ફરતા બે સુકોમળ, મુલાયમ હાથ વીંટળાઈ વળ્યા ને વાંસળી મૌન બની. ચમકી ઊઠેલા કિસને આંખો ખોલી તો આસમાનનો ચાંદ જાણે એની હથેળીમાં હતો. કિસને મૃદુતાથી સોનલનેને પોતાની તરફ ખેંચી લીધી.
ગગનમાંથી વરસતી શીતળ ચાંદની ઉન્માદક બની ગઈ. હવાની ગુલાબી ઠંડી પ્રેમની ઉષ્મા પાછળ ઢંકાઈ ગઈ. નજર સામે નજર મંડાઇ. કિસનની આંખમાં અમલ અંજાયો ને સોનલની આંખમાં લજ્જા ! બંનેની આંખો બંધ થઈ અને હોઠ ભેગા થયા. શ્વાસના લય એક થયા. હૃદયના ધબકારા તેજ થયા. વાદળ વિનાના આકાશમાં ન જાણે ક્યાંથી, અચાનક શ્યામલ વાદળીએ આવીને ચંદ્રને ઢાંકી દીધો. આકાશની ચાંદની મ્લાન થઈ અને આગાસી પરના નિરાવરણ ચાંદ જેવી સોનલ પર અખિલેશ છવાઈ ગયો. સોનલના અબોટ, અક્ષત સ્ત્રીત્વમાં અખિલેશનું પૂર્ણ પુરુષત્વ એકાકાર થઈ ગયું. સંવનન થી સમાધિ સુધીની યાત્રાએ સ્થળ-કાળનું ભાન ભુલાવ્યું.
ભોર પ્રગટે એ પહેલાં જ ઉઠી જતું ગામ સળવળ્યું. કૂકડાએ બાંગ પોકારી અને ગાયોને દોહવા બેઠેલી માતાઓના બુચકારા સંભળાયા. પ્રેમનો પ્રવાહ અવરોધાયો. રાતભર આકંઠ પીધેલા પ્રેમરસથી તરબતર બે બદન અલગ થયા. સોનલ ચુપચાપ પોતાના ઘેર પહોંચી ગઈ. અનરાધાર પ્રેમામૃત પામીને તૃપ્ત થયેલો કિસન ઉઠ્યો, ત્યારે અગાસીમાં પ્રસરેલા સૂર્ય કિરણો કોમળ મટીને ઉષ્ણ બની રહ્યા હતા. પ્રિયાનો પ્રેમ પામ્યાની પરમ ધન્યતા સાથે કિસને અગાસીમાંથી નીચે જોયું, તો સોનલ ફળિયામાં કપડાં સુકવતી હતી. કિસનની સામે નજર મંડાતા જ ચહેરા પર સ્મિત સાથે લજ્જાથી આંખો ઝુકાવીને તે રૂમમાં દોડી ગઈ.
દિવાળી આવી ત્યાં સુધીમાં બંને વચ્ચે પત્રોની આપ-લે ચાલુ રહી. પ્રેમના એકરારની હવે આવશ્યકતા જ ક્યાં હતી ? વાંસળીના સૂરે ભાન ભુલેલી રાધાએ કૃષ્ણને દેહ સમર્પિત કર્યો, ત્યારે જ ભવભવના સંગાથનો મૌન સ્વીકાર થઈ ચૂક્યો હતો. સોનલ તો પોતાના ઘમંડી અને રૂઢિચુસ્ત પિતાને કંઈ કહી શકે તેમ ન હતી, પણ લગ્ન તો કિસન સાથે જ કરવાનો તેનો સંકલ્પ તેણે પત્ર દ્વારા કિસનને જણાવી દીધો હતો. અખિલેશને લાગ્યું કે પોતે કોઈ એવા પ્રસંગે પોતાના ઘેર વાત કરીને લગ્ન માટે પોતાના પરિવારજનોને અવશ્ય રાજી કરી લેશે. હજી ઘણો સમય હતો. સોનલ પણ હજી તો વીસમા વર્ષમાં પ્રવેશી હતી. એના પિતા હમણાં તો તેના લગ્ન માટે નહીં જ વિચારે. કારણ કે તેની મોટી બહેન ગીતા ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઈન્ટર્નશીપમાં હતી. તેના લગ્ન હજી બાકી હતા. કિસને પત્ર દ્વારા સોનલને આશ્વસ્ત કરી. સમાજની સામે થઈને ય પોતે સોનલ સાથે જ લગ્ન કરશે એવું વચન આપ્યું. વેકેશન પૂરું થતાં કિસન કર્ણાટક ગયો. હવે છ મહિના પછીના વેકેશનમાં આવવાનો હતો. વિદાયની આગલી રાત્રે પોતાની અગાસી ઉપર ઉભા રહીને રડતી આંખે, ઉદાસ ચહેરે અને ભારે હૈયે બંનેએ એકબીજાની વિદાય લીધી. ડિસેમ્બરમાં ક્રીસ્ટમસ વેકેશન હતું.કિસને અચાનક જ વતનમાં જઇને બધાને- ખાસ કરીને સોનલને - સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો. અને તે ગામડે આવ્યો. સાંજના પાંચેક વાગ્યે ટ્રેન ગામના સ્ટેશને પહોંચી. તે અચાનક જ આવી ચઢયો હોવાથી કોઈ તેને લેવા સ્ટેશન આવેલું નહીં. પોતાની પાસે માત્ર એક થેલો જ હોવાથી તે ચાલતો જ ઘેર પહોંચ્યો. એને નવાઈ એ વાતની લાગી, કે ગામમાંથી પસાર થયો ત્યારે ગામમાં સોપો પડી ગયો હતો. ગામની બજારો બંધ હતી. આશ્ચર્ય પામતો તે ઘર પાસે પહોંચ્યો, તો સોનલનાં ઘરમાંથી રોકકળના અવાજ આવતા હતા. સફેદ વસ્ત્રો ધારણ કરેલા શોકાતુર ચહેરાઓ ધીમા ડગલે આવ-જા કરતા હતા. પોતાના ઘેર પહોંચતા ઓંસરીમાં થાંભલીના સહારે બેઠેલી મા એ તેને જોયો. મા તેને અચાનક આવોલો જોઇને નવાઇ પામી. રડીને સુઝેલી તેની આંખનું કારણ પૂછતા જવાબ મળ્યો કે -
"ઘરમાં પ્રાયમસ ફાટતા સોનલ આગની લપેટમાં આવીને મૃત્યુ પામી હતી...!! ગઇ રાત્રે જ આ દુર્ઘટના બની. હમણાં જ અગ્નિદાહ આપી અને સ્વજનો પરત ફર્યા હતા."
કિસન હતપ્રભ થઈ ગયો. તેણે પોતે જે સાંભળ્યું, તેના પર વિશ્વાસ ન બેસતો હોય, એમ બાઘાની જેમ તે આંખો ફાડીને મા ને જોઈ રહ્યો. થોડી ક્ષણો એમ જ વીતી, ત્યાં તે ચક્કર ખાઈને નીચે પછડાયો. મા એ તેને પડતા જોયો ને માની રાડ ફાટી ગઈ. મનસુખલાલ શેઠના ઘરે બેઠેલા પિતા કૃષ્ણશંકર સાથે અન્ય પરિચિતો પણ દોડી આવ્યા. કિસન બેહોશ પડયો હતો. કર્ણાટકમાં ભણતા યુવાન પુત્રને આમ અચાનક અહીં ઘરના આંગણામાં બેહોશ પડેલો જોતા જ વૈદ્યજી બેસી પડ્યા. પોતે ઔષધના જાણકાર હતા, પણ યુવાન દીકરાની સારવારની સુધ ન રહી. નાનો ભાઈ દોડાદોડ શેઠના ઘરે જઈને સોનલની મોટી બેન ડોક્ટર ગીતાને બોલાવી લાવ્યો. તેણે આવતાં જ અખિલેશને પથારી પર લેવડાવી ને સારવાર શરૂ કરી. કિસનનું હ્રદય આઘાતથી બંધ પડી ગયું હતું. તેણે ઝડપથી કિસનના કૃત્રિમ શ્વાસોશ્વાસ શરૂ કર્યા. તેના હૃદય પર હાથથી પમ્પિંગ કર્યું. પાંચેક મિનિટની જહેમત પછી કિસનનું દિલ ધડકતું થયું. ગીતાએ તેની જીભ નીચે ટેબલેટ મૂકી અને તેને જરૂરી ઇન્જેક્શનો આપ્યા. થોડી ક્ષણો પછી અખિલેશનું હૃદય ધબકતું થયું.
ગીતાએ રાહતનો શ્વાસ લીધો. હવે જોખમ નહોતું.
મનસુખલાલ શેઠના ઘેર શોકના માર્યા કોઈ સુતા ન હતા.અને કૃષ્ણશંકર વૈદના ઘેર અખિલેશ બેહોશ હતો તેથી સૌ જાગતા હતા. ગીતા દર કલાકે આવીને દર્દીને તપાસી જતી હતી. બેહોશીમાં રડતો કિસન અસ્પષ્ટ બબડાટમાં સોનલનું નામ રટતો હતો તે ગીતા સમજી શકતી હતી. સવારે તે ભાનમાં આવ્યો. માતા-પિતા અને પરિવારજનોને પોતાની આસપાસ વીંટળાયેલા જોઈને એણે રુદનને ખાળ્યું. પણ ગીતાને જોતાં જ ફરી રડી પડયો. ગીતાએ તેના મસ્તક પર હાથ મૂકીને પોતાના આંસુઓને રોક્યા. તેને આશ્વાસન આપ્યું.
ચાર-પાંચ દિવસે પુન: બંને ઘરનો વ્યવહાર ગોઠવાવા લાગ્યો. કિસન સ્વસ્થ દેખાતો હતો પણ તે શૂન્ય થઇ ગયો હતો. કશું બોલી શકતો નહીં. કોઇને કશું કહી શકતો નહીં. ચકળવકળ નજરે ચારેબાજુ જોયા કરતો અને ગુમસુમ થઈને બેસી રહેતો. મનસુખલાલ શેઠના ઘરે સોનલના મૃત્યુ નિમિત્તે બેસણું હતું. તેના માતા પિતા મનસુખલાલના ઘરે હતા. કિસન ઘરે એકલો જ હતો ત્યારે ગીતા તેની પાસે આવી.
કિસનનો હાથ પોતાના હાથમાં લઇ, ભારે અવાજે તેણે કહ્યું- " તારી ને સોનલ વચ્ચેના પ્રેમની મને ખબર હતી. તું ડોક્ટર થઈને આવે, પછી હું મારા બાપાને વાત કરવાની હતી. જન્મથી- બાલ્યકાળથી- તમારો સંગાથ હતો. કિશોરાવસ્થામાં થોડા અલગ થયા. પણ તમારા અંતરમનને એક બીજાની ઝંખના હતી. યુવાવસ્થામાં પ્રવેશતા જ તમારી વચ્ચે જે કંઈ બની ગયું તે કોઈના હાથની વાત ન હતી. હું જાણું છું કે તમારી વચ્ચે અશબ્દ પ્રેમ પાંગર્યો હતો. તમે ક્યારેય એકરાર નહોતો કર્યો છતાં પ્રેમ વધુ ને વધુ પ્રગાઢ બનતો ગયો હતો. પૂનમની રાત્રે સોનલ તારી વાંસળી સાંભળીને દોડી આવી, ત્યારે હું જાગી ગઈ હતી. મારા બાપા બહારગામ ગયા હતા. તેથી હું મા ની સાથે સુતી હતી. પણ હું સોનલને રોકવા ઉપર આવું, તો મારી બાજુમાં સુતેલી મા જાગી જાય અને એને તારી અને સોનલની ખબર પડે, તો પછી તમે હંમેશ માટે અલગ થઇ જાઓ ! હું સાચા પ્રેમીઓને જુદા પડવાનું પાપ ન કરી શકી. સવાર પહેલા સોનલને લજ્જા ભરેલી પ્રસન્નતાથી નીચે ઉતરતી જોઈને જ હું તમારા ઐક્યને પ્રમાણી ચૂકી હતી. પણ પછી કશું કહેવાનો અર્થ ન હતો. હું મૌન રહી. તમારો પ્રેમ સફળ થાય એ માટે પ્રાર્થના કરતી રહી. તમને બન્નેને એક કરવાનો પુરુષાર્થ કરવાનો સંકલ્પ મેં કર્યો હતો.
તારા બેંગ્લોર ગયા પછી હું અમદાવાદ હતી. સોનલ માસિકમાં ન આવી. એ માસુમને એક મહિના સુધી તો ખબર જ ન પડી. પણ બીજા મહિને તેને માસિક ના આવ્યું. હું મારી જોબમાં વ્યસ્ત હતી, તેથી અમારી વચ્ચે આ બાબતે કોઈ વાતચીત થઇ નહીં. તેના મૃત્યુના બે દિવસ પહેલાં તેને ચક્કર આવતાં તે પડી ગઈ. ઊલટીઓ પણ શરૂ થઈ. તેની પ્રેગ્નન્સીની ખબર પડી ત્યારે બાપાને સ્વાભાવિક જ અતિશય ગુસ્સો આવ્યો. ઘેર આવીને તેણે સોનલને પૂછ્યું. પણ સોનલ રડતી જ રહી. જો તારું નામ આપે તારું અને તારા પરિવારનું જીવવાનું હરામ થઇ જાય. કોઈને ખબરે ન પડે એમ બાપા તારું કાસળ કાઢી નાખે.
સોનલને ખૂબ માર પડ્યો. સોનલ કશું બોલ્યા વગર માર ખાતી રહી. છેવટે બાપાએ બાળકનો નિકાલ કરાવી નાખવાનો નિર્ણય કર્યો. એ માટે એને અમદાવાદ મારી પાસે લઈ આવવાના હતા. મને આ વાતની જરાય જાણ ન હતી. સોનલને લાગ્યું કે પોતે તમારા પ્રેમની નિશાની રૂપ બાળકને ગુમાવશે. માએ એને ધમકી આપેલી કે એની આ દશા માટે કોણ જવાબદાર છે એનું નામ નહીં આપે, તો પોતે વિષપાન કરીને મરી જશે.
સોનલ મૂંઝાઈ ગઈ. એક તરફ તારું નામ દઈ શકે તેમ ન હતી. બીજી તરફ મા ની ધમકી, બાપનો ગુસ્સો અને જો કોઈપણ રીતે તારું નામ બહાર આવે તો ઊભી થઇ શકનાર કરૂણ પરિસ્થિતિ ...સોનલને બીજું કંઈ ન સુઝતા આખરે તેણે અમદાવાદ આવવા નીકળતા પહેલા જ વહેલી સવારે આત્મદાહનો રસ્તો અપનાવ્યો."
થોડી વાર રોકાઈને ગીતાએ ઊંડો શ્વાસ લીધો. અખિલેશ સામે જોઈને ફરી બોલી-
" એના મૃત્યુ પહેલા એણે મને પત્ર લખીને અમારી ખાનગી જગ્યાએ સંતાડેલો. મારી ઉપરના પત્રમાં આ બધું એણે મને જણાવ્યું છે. એક પત્ર તારા નામે પણ લખતી ગઈ છે. કિસન, સોનલના બલિદાનને એળે જવા દઇશ નહીં.તારા જીવનને જાળવી લેવાની અને સંભાળી લેવાની જવાબદારી એ મને સોંપીને ગઈ છે."
ગીતાની વાત સાંભળતો કિસન રડી રહ્યો હતો. વાત કહેતા ગીતા પણ રડતી હતી.
માવતરની આબરૂને બટ્ટો લગાડીને મનગમતા પાત્ર સાથે ભાગી છૂટવાનો એ યુગ ન હતો. મા આઘાત નહીં જીરવી શકે એ બીકે સોનલે પોતે મોતની સોડ તાણી લીધી. પોતાના પ્રિય પાત્ર કે તેના પરિવારને નુકસાન ન પહોંચે એ માટે એણે પોતાની જાતનું બલિદાન આપી દીધું.
ડોક્ટર ગીતાએ મોટી બહેનની માફક પોતાનો વાત્સલ્ય ભર્યો હાથ કિસનના માથા પર મૂક્યો અને કહ્યું - "હું જાણું છું કે આ વાત તું જીરવી નહીં શકે. ને પછી જીવી પણ નહીં શકે. તારી સોનલના પત્રમાં તેણે આ બધું તને જણાવ્યું છે. અને તને સંભાળી લેવાની જવાબદારી મને સોંપી છે. આપણે સોનલનાં બલિદાનને વ્યર્થ નથી જવા દેવાનું. તારે જીવવાનું છે. સોનલનો દેહ ભલે નથી પણ તે સુક્ષ્મ ચેતના રૂપે તારામાં જ જીવતી રહેશે."
સોનલનો પત્ર છાતીએ ચાંપી, ગીતાને ખભે માથું ઢાળીને લાચાર પ્રેમી હીબકા ભરતો રહ્યો. ચક્રવાકે હવે જીવનભરનો ઝૂરાપો વેઠવાનો હતો.......

મનોજ જોશી
૯૮૨૪૫૪૩૪૯૭
manojhjoshi53@gmail.com