ચરણ તણી રજ થાવું મનોજ જોશી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચરણ તણી રજ થાવું

ચરણ તણી રજ થાઉં

મધ્ય રાત્રે સૌ નીંદર માણી રહ્યા હતા, ત્યારે હું જાગતો હતો. હૈયું વલોવાતું હતું. આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતા.ના, ..... મારે કોઈનું દેવું ચૂકવવાનું નથી. મારો જીવન વ્યવહાર સુખરૂપ ચાલે એટલો આર્થિક સંપન્ન હું છું. હું એક સીધો-સાદો, મધ્યમવર્ગનો, સરેરાશ આદમી છું. મારી પાસે મારે લાયક પદ છે, પદવી છે અને એક સામાન્ય વ્યક્તિ માટે જરૂરી એવાં સામાજિક આદર - સન્માન છે. મારે કોઈની સાથે વેર નથી. મારી કોઈ અસામાજિક, અનૈતિક, અયોગ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ નથી. છતાંય મને ઊંઘ નથી આવતી.
હું પરમ પિતા પરમેશ્વરની સામે બેસીને રડી રહ્યો છું. મારાં ગૃહ-મંદિરમાં મારા સદ્ગુરુદેવની છબી બિરાજમાન છે. એમના શ્રી ચરણની છબીને મારી બન્ને હથેળીઓથી મેં છાતી સરસી દબાવી છે. એ છબી મારા અંતરમાંથી ઉઠતા આર્તનાદને સાંભળે છે. એ સમયે મારી આંખમાંથી નીકળતા અશ્રુનો અભિષેક છબીમાંના શ્રી ચરણો પર થઈ રહ્યો છે.....

સમય વીતતો જાય છે. મારો પોકાર તીવ્ર બનતો જાય છે. આંખમાં અશ્રુનાં પૂર ઉમટ્યાં છે........ અને અચાનક જ મારી ભીની, બંધ આંખો સમક્ષ ઉગતાં પરોઢનો સોનેરી ઉજાસ અનુભવાય છે. જાણે તપતાં રણમાં શીળી છાંયડી મળે, એવી શાતા પ્રગટે છે. શિશુ વયમાં અનુભવેલી મારી માની વત્સલ હથેળીઓનો સ્પર્શ જાણે આંસુ લૂછે છે. અને આકાશવાણી-અંતરવાણી સંભળાય છે. મમતા ભર્યા, મૃદુ સ્વરે કોઈ જાણે મને પૂછે છે - "કેમ દુઃખી થાય છે, વત્સ ! શું જોઈએ છે તારે?" મૃદુતા, કોમળતા અને સહાનુભૂતિ ભર્યા શબ્દો સાંભળીને ફરી મારી આંખો છલકી ઉઠે છે. અને હું ધીમા સાદે પ્રત્યુત્તર આપું છું- "અંતર્યામી! તમે તો મારી પાત્રતાથી ય વિશેષ એવું સઘળું મને આપ્યું છે."
"તો પછી શાને રડે છે, બાળક? તારો વલોપાત જોઈને મને થાય છે કે હું સ્વયમ્ તારી સાથે જ રહી જાઉં." રમતિયાળ સ્નેહ ભર્યા સ્વરે મને કહ્યું.
મેં કહ્યું-" પ્રભુ ! તમે તો સર્વેશ્વર છો, સચરાચરના સ્વામી છો. તમે હર ઘડી, હર પળ, હર એકની સાથે જ છો! સમગ્ર સૃષ્ટિના પાલક-પોષક- તારક- ઉદ્ધારકને હું મારી સમીપ બાંધી રાખી ન શકું!"
મને અનુભવાયું કે એક અદ્રશ્ય, તેજોમય, સ્મિત-મઢ્યો ચહેરો અને બે પ્રેમપૂર્ણ નેત્રો, જાણે સઘળું જાણવાં છતાં, હું જ મારા શબ્દોમાં, મારી માગણી મુકું એવું ઈચ્છતા હતા. મેં વિનમ્રતાથી,બે હાથ જોડી, શીશ ઝુકાવીને રૂંધાતા સ્વરે કહ્યું- "પ્રભુ મને મારા સદ્ગુરુનું સતત સામિપ્ય આપો !" એટલું કહેતા તો માતાથી વિખૂટા પડેલા બાળક જેવું કલ્પાંત મારાં વિરહી અંતરમાંથી પ્રગટ થયું.
થોડીવાર મારો વલવલાટ શાંત થવા દઈ, એ અદ્રશ્ય અવાજ બોલ્યો- "તારી ઝંખના જાણીને હું તને તારા સદ્ગુરુના ભાલ પરનું ચંદન બનાવી દઉં છું."
- ને એકદમ મેં કહ્યું, "ના.. ના... પ્રભુ ! સદ્ગુરૂના મસ્તક પર મારાથી શેં બેસી શકાય? એ તો અવિવેક ગણાય. ત્યાં તો શીતલ ચંદન જ શોભે, જે સૂર્ય જેવા ઉજાસિત ભાલપ્રદેશને ઉજાળીને ધન્યતા અનુભવે."
પ્રભુએ કહ્યું- "તો તને એમના ભાલ પરના ચંદનલેપ પરની, નાનકડી શ્યામલ બિન્દી બનાવું?"
મેં ફરી જોરથી માથું ધુણાવ્યું-" ના પ્રભુ, ના... એ ભ્રકુટીમધ્યમાં તો ગાય માતાનાં શુદ્ધ ઘીથી પ્રગટેલા દીવડાએ સ્વયં પ્રજળીને ઉજાસ પ્રગટાવ્યો હોય, એવા સુરભિત બલિદાન રૂપી ધુમ્રસેરથી બનેલ પવિત્ર કાજલ જ એ સ્થાનને શોભાવી શકે. મારું એ ગજું નહીં."
"તો પછી એ બુદ્ધ પુરુષની આંખમાં જ તને મૂકી દઉં."
"અરે, નહીં વિભુ ! સર્વભૂતો માટે જે નેત્રોમાં અપાર કરુણાનું ઝરણું નિરંતર વહ્યા કરે છે, એ વિશાળ નેત્રોમાં હું પથ્થર સમો, નાહક કરુણા પ્રવાહને અવરોધવા કેમ રહી શકું? એ મારા ગજા બહારનું છે."
" તો પછી તને એમનાં મુખમાં મૂકી દઉં?' - ફરી મને એક વિકલ્પ મળ્યો.
"ના... ના.. સર્વેશ્વર ! જે મુખમાંથી જગપાવની ગંગા સમી પાવન રામકથાનું ગાન સમગ્ર સૃષ્ટિના દુઃખ-દર્દને હરે છે, જે મુખમાં સત્યનું જ માત્ર નિવાસસ્થાન છે, એ મુખમાં મુજ જેવા -શબ્દથી છલના કરનાર - નું રહેવા માટેનું ગજું નથી."
પરમેશ્વર ફરી માયાળુ સ્મિત કરીને બોલ્યા, "હે શ્રાવક ! તારું સ્થાન તારા સદ્ગુરૂના હૈયામાં જ રાખી દઉં?"
"મારા પ્રભુ! એમના હૈયામાંથી તો સચરાચર તરફનું અહેતુ હેત વરસે છે. પરમ પ્રેમથી છલોછલ એ પાવન હૈયામાં હું કેમ ઊભો રહી શકીશ?"
હવે તો ભગવાન પણ વિચારે ચડ્યા. તેમણે કહ્યું-" બુદ્ધપુરુષના કર-કમળમાં તને વસાવું?"
મેં કહ્યું, "હે મારા ભોળા ભગવાન! જે કરકમળ પતિત, દલિત, અછૂત અને અનાથને સહારો આપીને તેને ઉપર ઉઠાવવા સદા-સર્વદા તત્પર રહે છે, એને હું મારા એકલાના ઉદ્ધાર માટે કેમ રોકી શકું?"
ભગવાને જાણે છેલ્લો વિકલ્પ આપતા કહ્યું,-"તો પછી તારા સદ્ગુરુના ચરણમાં વસવું તો તને ગમશે જ!"
મને પ્રભુનો સુઝાવ ગમ્યો. પણ મેં ધીમા સાદે કહ્યું-" હે પરમ પિતા! આપે સુચવેલ સ્થાન તો પરમ સૌભાગ્ય લઇને જન્મેલાને- જન્મોજન્મ સાધના કરીને સદ્ગુરુને સેવ્યા હોય એને જ- મળે. પણ મને એમ થાય છે કે એમના શ્રી ચરણ તો વિશ્વભરના તેમના શ્રાવકોના તીર્થસ્થાન છે. એને હું એકલો કેમ પામી લઇ શકું?"
પરમ કૃપાળુ એ મારી સામે મર્માળુ સ્મિત કરી અને કહ્યું- "હવે તું જ કહે. તારા પૂજ્ય અને પ્રિય બુદ્ધપુરુષના સાનિધ્ય માટે તને હું ક્યાં વસાવું?" દૈવી ચૈતન્ય સાથે વાત કરીને અત્યાર સુધીમાં હું ઘણો સ્વસ્થ થઈ ચૂક્યો હતો. મેં પ્રભુના મધુર મુખારવિંદ સામે મસ્તક નમાવ્યું અને વિનમ્રતાથી કહ્યું- "પ્રભુ! મને મારા ગુરુ-હરિના ચરણની રજ બનાવી દો."
એટલું બોલતા જ હું ફરી ભાવાવેશમાં રડી પડ્યો. પરમાત્માનું મોહક સ્મિત વધુ વિસ્તર્યું. પ્રેમાળ નજરોથી મને નિહાળી, સુમધુર સ્વરે તેમણે કહ્યું- વત્સ, તારો મનોરથ જ તારી મંઝિલ છે. તારી ઈચ્છા જ તારી પ્રાપ્તિ છે. તું શરણાગત છો. અને સાચો શરણાગત સદા સદ્ગુરુના સાનિધ્યમાં જ હોય છે. તારા ચિત્તમાં ઉઠતો ગુરુ ચરણસેવાનો ભાવ ઉઠવો એ તારું કરમ નથી, એમની કૃપા છે. પ્રત્યક્ષ દર્શન, પ્રત્યક્ષ શ્રવણ કે પ્રત્યક્ષ સત્સંગ અથવા તેમના ચરણસ્પર્શનો લાભ મળે કે ન મળે, છતાં દ્રષ્ટિમાં નિરંતર એમનું જ દર્શન હોય, કાનમાં નિરંતર એમની જ વાણીની વાંસળી ગુંજતી હોય, હૈયામાં એમનું જ નામ ધડકતું હોય,નાસિકામાં એમની જ દિવ્ય સુગંધ મ્હોરતી હોય, બંધ આંખે પણ મસ્તક પર એમનો જ શીળો સ્પર્શ અનુભવાતો હોય, એવી સદ્ગુરુની સતત અનુભૂતિ જ એમની સાચી સંનિધિ છે! સદ્ગુરૂનાં સ્મરણ સાથે આશ્રિતની આંખ ભીંજાય, તો એ સદ્ગુરુની સંનિધિ જ છે.
ક્ષણભર અટકીને એ દિવ્ય સ્વરે કહ્યું, "સદ્ગુરુ કદી કોઇ આશ્રિતથી દૂર નથી હોતા, કે કોઇ આશ્રિત વિશેષ રીતે એમની સમીપ નથી હોતા.તેથી બેટા, એમ સમજ કે તું જે ઇચ્છે છે, તે જ તું છે."
ક્ષણભર નિરવ શાંતિ છવાઈ ગઈ. દિવ્ય તેજ અદ્રશ્ય થયું. મારી આસપાસ એક તેજોમય વર્તુળ રચાયું. એ વર્તુળમાં મારા બુદ્ધપુરુષનું સૌમ્ય-શાંત-શાતાપ્રદ મુખ-દર્શન, એમના વચનોનું સ્મરણ અને એમની આસપાસ સતત મ્હેકતી દૈવી સુગંધ હું મારા શ્વાસમાં અનુભવી રહ્યો. મારી બધી જ ભ્રમણા ભાંગી ગઈ. એમની કૃપાનું નિરન્તર પાન કરતો હું હર્ષાશ્રુ વહાવી રહ્યો.
મનોજ જોશી, મહુવા.
manojhjoshi53@gmail.com