બાવાજી Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાવાજી

-----------------------------------| બાવાજી |----------------------------------------------------

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

આખા ગામમાં હાહાકાર મચી ગયો , જેણે સાંભળ્યું તેનું મોંઢું આશ્ચર્યથી પહોળું થઇ ગયું --- ના હોય...! બાવાજી ? બાવાજી આવું કરે ? માન્યામાં આવે એવી વાત જ નહોતી ..! કેટલાં બધાં વરસથી બાવાજી આ ગામમાં રહેતા હતા અને મહાદેવના મંદિરના પૂજારી હતા ..! તે ઉઠીને આવું કરે ? અને તે પણ કોની સાથે ? સુરેખા સાથે ? જે બે બાળકોની મા હતી ...! નહીં ...નહીં ... તો પણ પાંત્રીસ વરસની ઉંમર તો હશે જ તેની ...! બાવાજી જેવો પવિત્ર અને ભગવાનનો માણસ – જેને આખું ગામ પૂજતું હતું ,કટોકટીના પ્રસંગે જેની સલાહ લેતું હતું તે જ ઉઠીને નાસી જાય – આ બાઇને લઇને ...! શો જમાનો આવ્યો છે ! જુવાનિયા આવું કરે તો કોઇ માને પણ ખરૂં – હશે , જવાનીના જોશમાં આડું અવળું પગલું ભરી બેઠા હશે ...! પણ બાવાજી ...? બાવાજી આવું પગલું ભરે – જુવાનજોધ સુરેખાને તેનાં બંને બાળકોને સાથે લઇને નાસી જાય ... કોણ સાચી માને આ વાત..? પણ એ હકીકત હતી . જોનારાએ જોયું હતું કે મળસ્કે ચાર વાગ્યાની પહેલી ગાડીમાં જ બાવાજી, સુરેખા અને તેનાં બંને બાળકોને લઇને ગામ છોડી ગયા હતા . મંદિરની જે ઓરડીમાં બાવાજી રહેતા હતા તેને તાળું હતું – મંદિરની બરાબર સામે જ સુરેખાની ઝુંપડી હતી .કેટલાંય વરસોથી સુરેખા ત્યાં રહેતી હતી ,ગામમાં આઠ-દસ ઘરનાં કચરાં-પોતાં અને વાસણ કરતી હતી , બપોરે મજૂરીએ પણ જતી હતી , તેની ઝુંપડીએ પણ તાળું હતું . તેની આજુબાજુવાળાં રાધાબા અને ગંગાબા કહેતાં હતાં કે રાતે બે-ત્રણ વાગ્યે સુરેખાની ઝુંપડીમાં બત્તી બળતી હતી , અવાજો થતા હતા , આમેય સુરેખા કાયમ ઘાંટા પાડતી જ હોય , તે દિવસે પણ રાત્રે બે-ત્રણ વાગે તેના ઘાંટા સંભળાતા હતા . એટલે એ વાત તો નક્કી જ હતી કે સુરેખા અને બાવાજી બંને સાથે સવારની પહેલી ટ્રેનમાં જ ભાગી ગયાં હતાં . સુરેખા બાવાજીને ભગાડી ગઇ કે બાવાજી સુરેખાને – એ સંશોધનનો વિષય હતો , બાકી એ લોકો ભાગી ગયાં એવાત નક્કી હતી ...!

ગામમાં બાવાજી વિશે લોકોને ઘણી ઓછી માહિતી હતી . વરસો પહેલાં કિશોરાવસ્થામાં જ બાવાજી ગામમાં આવ્યા હતા અને તે વખતના શીવમંદિરના પૂજારી ગોસાઇજીએ એ કિશોરને મંદિરમાં રાખ્યો હતો – જે બાવાજી તરીકે પાછળથી ઓળખાયો ...! નહીં નહીં તો ય બાવાજીની ઉંમર સીતેરેક વર્ષની તો હશે જ. ક્યાં સીત્તેર વર્ષના બાવાજી અને ક્યાં પાંત્રીસ વર્ષની સુરેખા ...! કેમનો મેળ બેસે ? એક બાળબ્રહ્મચારી અને એક એવી ઓરત કે જે હજુ જુવાન હતી . આ લોકો વચ્ચે કોણ જાણે ક્યારનુંય ઇલુ ઇલુ ચાલતું હશે ...! બાવાજી , આટલી મોટી ઉંમર .... યુવાનીમાં કોઇ ઓરત તરફ નજર પણ નાખી નહોતી , જેમના સત્ચરિત્રનાં ગામમાં એકલા જ નહીં પણ આજુબાજુના પંથકમાં પણ વખાણ થતાં હતાં તે વળી આવી બે છોકરાંની માની મોહજાળમાં ક્યાંથી ફસાયો હશે ...! એ પણ એક આશ્ચર્યજનક ઘટના હતી . બાકી સુરેખામાં હતું શું ? અને સુરેખાના ભૂતકાળ વિશે પણ ગામમાં ઘણાં ઓછાંને ખબર હશે . સુરેખાનો પતિ ક્યાં ગયો ? તેને છોડીને જતો રહ્યો કે તેણે કાઢી મૂક્યો ? જીવતો’તો હશે જ ... બાકી સુરેખા સેંથીમાં સિંદુર ના પૂરે ... કાચની બંગડીઓ ના પહેરે . કોણ હતો તેનો પતિ ? ક્યાં ગયો ? કેમ ગયો ? સાધુ થઇ ગયો કે પછી ગુંડો ? પોતાની બૈરીની ખબર લેવા કેમ આવતો નથી ? ક્યાં રહે છે ? સુરેખા સાથે છૂટછેડા તો નથી લીધાને ? કશી ખબર નહોતી , પણ આ લોકો નાસી ગયાં એ વાત તો નક્કી હતી .સુરેખા પણ બબ્બે છોકરાંની મા થઇને કોણ જાણે ક્યાંથી આવી કમત સૂઝી ? અને તે પણ બાવાજી જેવા પવિત્ર માણસને અભડાવ્યા ...! પાપમાં નાખ્યા ...! બાકી બાવાજી તો ઓરતોથી જોજનો દૂર રહેનારો સાધુ જ કહોને ? સ્ત્રીઓ મંદિરમાં મહાદેવજીનાં દર્શન કરવા ગઇ હોય અને બાવાજીને પગે લાગે તો બાવાજી તેમને પોતાની ચરણરજ પણ ના લેવા દે માત્ર ધરતીને જ સ્પર્શે તેમના હાથ ...! ક્યારેય બાવાજી માથું ઉંચું કરી ઓરતો તરફ નજર પણ ના નાખે ..! એવા બાવાજી જેવા સાધુ પૂરૂષને આ ઓરતે કેવી રીતે પીગળાવ્યા હશે એ પણ વિચારવા જેવો પ્રશ્ન હતો .

કાયમ ગામની સ્ત્રીઓના ઝગડાઓ અને વિવાદોનો નિકાલ કરનારો આ સાધુ કેવી રીતે એક ઓરતના ખોળામાં બેસી ગયો હશે ...! ગામની યુવાન છોકરી નાસી ગઇ હોય કે પછી પરજ્ઞાતિના યુવાન સાથે તેનું લફરૂં હોય તો તેને સમજાવવાનું કાર્ય કરતા બાવાજી , વિવાદનો નિકાલ કરવાનું કાર્ય કરતા બાવાજી પોતે જ વિવાદાસ્પદ બની ગયા હતા .

કહેવાય છે કે સુરેખાનો પતિ તો રાજકુમાર જેવો હતો , સુરેખાને હાથમાંને હાથમાં જ રાખતો હતો , પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દેતો હતો . તે કોઇક મિલમાં નોકરી કરતો હતો , ભલે મોટો ઓફિસર નહોતો પણ સુરેખાને તો રાજરાણીની માફક જ રાખતો હતો . તે વખતે સુરેખાને લોકોના ઘેર કામ કરવાની જરૂર પડતી નહોતી પણ તે પોતે કામવાળી રાખતી હતી . પણ પછી શું થયું તેની સાચી વાત તો કદાચ સુરેખા એકલી જ જાણતી હતી . બાકી ગામ લોકો તો પોતપોતાની રીતે વાતો જોડી કાઢતા હતા . કોઇક કહેતું હતું કે ગામમાં સાધુઓની મંડળી આવી હતી , ભજનો ગાતા હતા , સુરેખાનો પતિ કાળુ પણ ભજનો ગાતો હતો એટલે મંડળી જોડે જોડાઇ ગયો અને ચાલ્યો ગયો . કેટલાક કહેતા હતા કે તે ઘણો ક્રોધી –ગુસ્સાવાળો યુવાન હતો , કાશ્મીરમાં પાકિસ્તાને સૈન્યના જવાનો ઉપર ગોળીબાર કર્યો એ સમાચાર સાંભળીને તેનું લોહી ઉકળી ઉઠ્યું – સુરેખા ના કહેતી હતી એટલી તે સુરેખાને છોડીને સૈન્યમાં ભરતી થઇ ગયો હતો , તો કોઇ વળી કહેતું હતું કે કાળુ શરાબ અને સુંદરીનો શોખીન યુવાન હતો ,કોઇક આતંકવાદી સંગઠને તેને શરાબ અને સુંદરીની લાલચ આપી એટલે તે આતંકવાદી બની ગયો હતો . સાચી વાતની તો કોઇનેય ખબર નહોતી પણ કાળુ સુરેખાને છોડીને ચાલ્યો ગયો એ વાત નક્કી . અને કાળુ ગયો તેની સાથે જ સુરેખાના દુ:ખના દિવસો શરૂ થયા . કાળુની એવી કોઇ મિલ્કત નહોતી કે સુરેખા અને તેનાં બાળકો બેઠાં બેઠાં ખાય ...! આવક તો ઉભી કરવી પડે એવું હતું , બચત પણ કાંઇ મોટી નહોતી , આથી સુરેખાએ લોકોના ઘરનાં કચરાં-પોતાં-વાસણ કરવાનું શરૂ કરવુંપડ્યું . મજૂરીએ જવાનું શરૂ કર્યું .

સુરેખાનો સંસાર આમ તો સુખેથી જ ચાલતો હતો પણ તેને વળી કઇ કમત સૂજી કે બાવાજી સાથે નાસી ગઇ . બાવાજી શું એને કમાઇને ખવડાવશે ? કે પછી તેણે જ બાવાજીનું પૂરું કરવું પડશે ...? કોણ જાણે ? એમાંય હવે તો સાચી હકીકત બહાર આવશે કે નહીં એ પણ શંકાનો વિષય હતો ...!

કાળુ સુરેખાને છોડીને જતો રહ્યો પણ તેની પાછળ શું કારણ હતું – એ વાતની તો કોઇનેય ખબર નહોતી . ક્યારેક ક્યારેક ગામના કો’ક વડીલ સુરેખાને સલાહ આપતા કે જો તને ખબર હોય કે કાળુ ક્યાં ગયો છે તો અમને કહે ,અમે તેના કાન પકડીને લઇ આવીશું તારી પાસે ...! ચોરીના ચાર ફેરા ફર્યો છે તારી સાથે , આમ ગાળિયું કાઢી નાખે એવું થોડું ચાલે ? પણ સુરેખા કાંઇ બોલતી નહીં , કાંતો તેને ખબર નહોતી અથવા ખબર હતી તો પણ તે જણાવવા માગતી નહોતી – કે પછી તે જ કાળુથી ઉબાઇ ગઇ હતી અને તેની સાથે કોઇ સબંધ રાખવા માગતી નહોતી .હશે ...કાંઇક .. કોઇને કહેવાય એવું નહીં હોય ...! પણ જે હોય તે , આ બાઇએ જે કાળુ કામ કર્યું હતું તે તો કોઇનેય માન્ય નહોતું ...! પણ થાય શું ? સુરેખા કે બાવાજીના કોઇક સમાચાર આવે તો ખબર પડે , કે પછી સમય જતાં બધું ભૂલાઇ પણ જાય ...! જે રીતે કાળુ ભૂલાઇ ગયો , અરે ..! બીજાં બધાં તો ઠીક પણ તેની ઘરવાળી પણ ભૂલી ગઇને ? નહીંતર તે આમ અડધી રાતે બાવાજી સાથે તો મોં કાળું ના કરતને ?

* * *

આશરે લગભગ એકાદ મહિનાનો સમય વીતી ગયો હશે . લોકો સુરેખા અને બાવાજીને લગભગ ભૂલી ચૂક્યા હતા , જેણે મોં કાળું કર્યું તે ભોગવશે ... હવે ગામમાં કોઇને બાવાજી કે સુરેખાની વાતોમાં રસ નહોતો અને એક દિવસ બપોરે મીલેટ્ર્રીની જીપ ધૂળ ઉડાડતી ગામમાં પ્રવેશી ...! જે બહાર હતા તે તો જોતા જ રહ્યા , પણ જે ઘરમાં હતા અને બપોરની ઉંઘ લેતા હતા તે પણ સફાળા બેઠા થઇને ઘરની બહાર આવી ગયા . જીપ સુરેખાની ઝુંપડી આગળ આવીને ઉભી રહી . તેમાંથી સૌથી પહેલાં બાવાજી ઉતર્યા , તેમની પાછળ સુરેખાનાં બે છોકરાં , સુરેખા અને છેલ્લે જે માણસ ઉતર્યો તેને તો ગામના કેટલાક લોકોએ પહેલીવાર જોયો – જે ઘરડેરા હતા તે ઓળખી ગયા , તેમના બોખા મોંમાંથી ઉદગાર સરી પડ્યા- અરે ...! આ તો કાળુ ... જે મીલેટ્રીના ડ્રેસમાં હતો . બધાંને નવાઇ લાગી , સુરેખા બાવાજીને લઇને નાસી ગઇ હતી અને સાથે પોતાના ઘરવાળા કાળુને લઇને પાછી આવી .આશ્ચર્યજનક ઘટના હતી ...! લોકોને જાણવાની જિજ્ઞાસા હતી પણ કોઇની તાકાત નહોતી કે સામા મોંઢે પૂછે ...! અને તેમાંય આ મીલેટ્રીવાળા કાળુને ...! તેનું શું ઠેકાણું ? મીલેટ્રીવાળા તો ગુસ્સાવાળા હોય ... ગુસ્સે થઇને કોઇકને ભડાકે દઇ દે તો ...!

છેવટે ગામના સરપંચ જ આગળ આવ્યા . તેમણે કાળુના બદલે સીધું બાવાજીને જ પૂછ્યું – બાવાજી ,શું થયું હતું ? આમ અચાનક તમે સુરેખાને લઇને અદશ્ય થઇ ગયા હતા અને કાળુને સાથે લઇ પાછા પ્રગટ થયા ...! ભગવાનના જેવી જ લીલાઓ તમે પણ કરવા માંડીને ..!

બાવાજી ખડખડાટ હસી પડ્યા – સરપંચ , તમે તો માની લીધું હશે કે બાવાજી સુરેખાને લઇને ભાગી ગયા ... અને જો તમે આવું વિચાર્યું હોય તો ભોળાનાથ ક્યારેય તમને માફ નહીં કરે . સુરેખા મારી પુત્રી છે , તેના વિશે આવું વિચારતાં તમને શરમ પણ ના આવી ? હકીકતમાં અડધી રાતે તે દિવસે મીલેટ્રીમાંથી મંદિરના ફોન ઉપર ફોન આવ્યો કે તમારા ગામનો કાળુ , જે વરસો પહેલાં ભરતી થયો હતો તેને એક આતંકવાદી હુમલામાં ઇજા થઇ છે , લોહી ઘણું વહી ગયું છે અને તેના ગ્રુપનું લોહી મળવું મુશ્કેલ છે જો તમારા ગામમાં કોઇ તેના ગ્રુપના લોહીવાળું હોય અથવા યુનિવર્સલ ડોનરગ્રુપ ઓ પોઝીટીવ ધરાવતું હોય તો તાત્કાલિક મોકલી આપો , હવે મારું પોતાનું જ ગ્રુપ ઓ પોઝીટીવ છે એટલે અમે સુરેખાને લઇને ઉપડી ગયા આપણા ગામની નજીકના મીલેટ્રીના કેમ્પમાં ..! મેં લોહી આપ્યું , ભગવાનની મરજી હશે તે કાળુની તબીયત સુધરવા માંડી , ભલે દેર લગી પણ લડકા બચ ગયા ... મારી સુરેખાનો સુહાગ બચી ગયો તેનાથી વધારે રૂડું શું ?

ત્યારે સુરેખા બેઠી બેઠી રડતી હતી અને કાળુ તેના માથે હાથ ફેરવતો હતો . વાહ રે બાવાજી ..!

----- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

વડોદરા-390020 (મો) 9974064991

E.mail: a.k.raulji@gmail.com