હું કોણ Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું કોણ

-------------------------------------------------| હું કોણ ……….! |-------------------------------------------------

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

કોઇકે ટપલી મારી હોય એવું લાગ્યું , ભર ઉંઘમાંથી જાગી ગયો હોઉં એવો કદાચ આભાસ થયો ..! કોણ હશે આટલી અડધી રાતે ? અને તે પણ મને ટપલી મારનાર ? કોઇની તાકાત નથી કે હું જાગતો હોઉં ત્યારે પણ ...દિવસે પણ ..મારી નજીક ફરકી શકે , તો પછી આમ અડધી રાતે અને તે પણ મારા બેડરૂમમાં ..! દિવસે પણ કોઇની અહીં અંદર પેસવાની મજાલ નથી ..બહાર કેટલો બધો ચોકી પહેરો છે ! તો પછી અત્યારે કોણ હશે ? બધા બહાર મારી ચોકી કરતા ભક્તો પણ ઉંઘી ગયા કે શું ? “કો...ણ છે લ્યા ?” મેં જોરથી લગભગ ત્રાડ જ પાડી ...અ હો હો ..! એક સામટા બાર-તેર ભક્તો દોડી આવ્યા , “ શું થયું ગુરૂદેવ ..? “ “ અરે , મારા માથામાં ટપલી કોણે મારી ? કોણ આવ્યું હતું અહીં ? તમે બધા ઉંઘતા હતા કે શું ?” મેં લગભગ બૂમ જેવા અવાજે જ પૂછ્યું . “ ના..ના.. ગુરૂદેવ ,અમે જાગતા જ બેઠા હતા , ધીમા અવાજે મોબાઇલ ઉપર આપનાં ભજન જ સાંભળતા હતા ..કોઇની તાકાત નથી કે અહીં સુધી આવી શકે “ કોઇક બોલ્યું .તો બીજા કોઇ ભાઇ બોલ્યા .” અરે ! ચકલું ય ફરકી ના શકે ..અમારી નજરમાંથી કોઇ બચી જ ના શકે ..” તો વળી ત્રીજી વ્યક્તિ બોલી .” અમે નથી જાણતા કે આપનો આરામ કેટલો મહત્વનો છે ..! આપ આખો દિવસ કેટલી બધી દોડાદોડ કરો છો –પ્રવચનો ,ભજનો ,સત્સંગ અને એક તો મુલાકાતીઓ આપને જંપવા દેતા નથી ..” સાંભળીને ઘણું સારૂં લાગ્યું , મારૂં માથું ગર્વથી ઉંચું થયું .ભક્તો ગયા એટલે મેં ચારે બાજુ નજર દોડાવી – ના..ના..મને ભાસ નથી થયો ,નક્કી કોઇકે મારા માથામાં ટપલી તો મારી જ છે ..” કોણ હશે ? “ મેં ફરીથી મારો પ્રશ્ન દોહરાવ્યો ..! તરત જ તેના જવાબમાં એક ખડખડાટ અટ્ટહાસ્ય સંભળાયું... મેં ચારેકોર નજર ઘુમાવી પણ કોઇ જણાતું નહોતું ..આથી મારો ગુસ્સો વધી ગયો –‘કોણ છે સામે આવો ..” એ સાથે જ એક ચહેરો પ્રગટ થયો – પૂરેપૂરો અચકન ,બિકની , માથે પાઘડી .. કોઇ રાજા મહારાજાના દરબારમાંથી આવતો હોય તેવો ... સામે બે હાથ જોડીને ઉભો હતો ‌- “ખૂબ ખૂબ હાર્દિક વંદન ગુરૂદેવ ..સાષ્ટાંગ દંડવત પ્રણામ ..” તે ભાઇ આખાને આખા જમીન ઉપર સૂઇ ગયા અને મને દંડવત પ્રણામ કર્યા ..મેં તેમને ઉભા કર્યા અને કહ્યું , “ એ બધું તો સમજ્યા ..પણ તમે કોણ છો ? શા માટે આવ્યા છો ? અને મને આમ અડધી રાતે ટપલી મારીને ઉઠાડવાનું પ્રયોજન શું છે ? “

“ હું ચિત્રગુપ્તનો અંગત સચિવ છું અને મને ચિત્રગુપ્તે જ મોક્લ્યો છે .. મને ચિત્રગુપ્તે જ મોક્લ્યો છે આપને જાગ્રુત કરવા માટે ,આપને ચેતવવા માટે ..”

“ હું તો જાગ્રુત જ છું , ચેતેલો જ છું –એ વાતની તારા ચિત્રગુપ્તને ખબર હોવી જોઇએ ..” મેં માથું ઉંચું કરી થોડા ગર્વથી કહ્યું .

“એવું નથી .. પણ હું આપને એ માટે ચેતવવા આવ્યો છું કે હવે આપનો જીવનકાળ સમાપ્ત થવા આવ્યો છે , ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે , ગમે ત્યારે હવે પછીના થોડા દિવસોમાં જ આપને યમરાજાનું તેડું આવી શકે છે .આમ તો બધાં માટે આ રીતે ચેતવણી આપવામાં આવતી નથી પણ ...આપની વાત જુદી છે ..” સાંભળીને મને કાંઇક સારૂં લાગ્યું , યમરાજાને અને ચિત્રગુપ્તને પણ મારાં કાર્યોની અને મારી સેવાની નોંધ લેવી પડે છે –એ મારા માટે તો ખરેખર ગૌરવની જ વાત ગણાયને ?

“ કેટલા દિવસો બાકી રહ્યા હશે ? “ મેં જાણવા માટે પૂછ્યું , ખરેખર તો મારે જાણવું જ જોઇએને કે હવે મારૂં કેટલું આયુષ્ય બાકી રહ્યું છે ? મારા પ્રસ્થાનનો દિવસ જો નક્કી હોય તો મારા આટલા બધા ભક્તોને તેની જાણ કરી શકાય ને ? એ લોકો મારી વિદાયમાં કોઇક પ્રોગ્રામ ગોઠવવા માગતા હોય તો તે પણ ગોઠવી શકાયને ?ધામધૂમ સાથે , વાજતે ગાજતે મારી વિદાય ગોઠવી શકાય એવી મારી અંતરની ઇચ્છા હતી એટલે મેં પૂછ્યું .

“ આમ તો ચોક્કસ દિવસ જણાવવાની અમને મનાઇ છે , છતાંપણ આપે પૂછ્યું છે એટલે હું આશરે કહું છું , ચોક્કસ દિવસ તો મને પણ ખબર નથી , કદાચ યમરાજને પણ ખબર નથી , આ તો દરરોજ સવારમાં જેનું નામ નીકળે ઓનલાઇન તેને લેવા અમારા દૂતો ઉપડી જાય ... કેટલીક વખત મરનારનો આત્મા જાતે પણ સફર કરીને યમલોક પહોંચી જાય , જેવી જેની સ્થિતિ ... સંજોગો ઉપર આધારિત છે એ બધી જ વ્યવસ્થા.વસ્તી એટલી બધી વધી ગઇ છે કે યમરાજા અને તેમના દૂતો કેટલીક્વાર બધે જ પહોંચી વળી શકે તેમ ના હોય તો મરનારના આત્માએ જાતે પોતાની સફર પૂરી કરવી પડે છે ...” અને પછી કદાચ એ ભાઇ આટલું લાંબુ બોલવા ટેવાયેલા નહીં હોય એટલે શ્વાસ ચઢી ગયો હશે એટલે અટક્યા ..! મને તો એ જાણવામાં રસ હતો કે મારે ક્યારે વિદાય લેવાની છે ? જેથી અહીંનું કામ આટોપવાની સમજ પડે .ગાદીપતિની નિમણુંક કરવાની હતી ..અને આ તો કરોડો રૂપિયાનો વ્યવહાર હતો ,એમને એમ રીઢો મૂકીને થોડું નીકળી જવાય ? એટલે મેં ફરીથી પૂછ્યું ,” મારે ક્યારે અહીંથી નીકળવાનું છે ? મારૂં કેટલું આયુષ્ય બાકી રહ્યું છે ? “

“ ચોક્કસ તારીખ કે વાર તો મને પણ ખબર નથી ,એટલે હું કાંઇ કહી શકું નહીં ... પણ આશરે પંદર દિવસની ગણતરી રાખજો .. તેમાં વધઘટ પણ થઇ શકે છે ..” તે બોલ્યો , અને હું કાંઇ કહું તે પહેલાં તો તે અંતર્ધ્યાન થઇ ગયો –પણ મને વિચારતો કરતો ગયો .હજુ તો મારી ઉંમર જ કેટલી હતી . હજુ તો ગયા વરસે મારા ભક્તોએ મારી 75મી વર્ષગાંઠ ઉજવી હતી ..! માત્ર અહીં ઇંડિયામાં એકલા જ નહીં ,દેશ વિદેશમાં મારો75 મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો , તેના સમાચાર તો મળ્યા હતા પણ સાથે સાથે એ ઉજવણીના સમાચાર લગભગ બધાંજ ન્યુઝ્પેપરોમાં પ્રકાશિત થયા હતા –રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ..! લગભગ બધી જ ન્યુઝચેનલોએ પણ આ સમાચારની નોંધ લીધી હતી .દરેક દેશમાંથી એ ઉજવણીની સીડી ,ડીવીડી અને પેનડ્રાઇવ પણ આવી ગઇ હતી .તેમાંથી કેટલીક મેં જોઇ હતી , કેટલીક જોવાની રહી ગઇ હતી .ટાઇમ જ ક્યાં હતો મારી પાસે ? હું મારૂં અંગત કામ તો કરી શકતો જ નહીં , કાયમ ભક્તોથી ઘેરાયેલો રહેતો . દેશ વિદેશમાં થઇને નહીં નહીં તો પણ પાંચ –સાડા પાંચ કરોડ ભક્તો હતા . મારો કાર્યક્રમ કાયમ ભરચક જ રહેતો .કાયમ મારો એક પગ હિન્દુસ્તાનમાં હોય તો બીજો પરદેશમાં જ હોય ..! મારું પોતાનું પ્રાઇવેટ પ્લેન અને હેલિકોપ્ટર પણ હતું . દેશના વડાપ્રધાન અને રાષ્ટ્ર્પતિથી માંડી બધા જ રાજકારણીઓ મારા અનુયાયી હતા . દેશમાં કોઇપણ નિર્ણય કે ખરડો મારી સંમતિ વગર લેવાતો નહોતો . પણ આ જે ઘટના ઘટી હતી તે મારા ગૌરવમાં ચાર ચાંદ લગાવનારી હતી .યમરાજા અને ચિત્રગુપ્ત પણ મારી સેવાઓ અને મારી લોકપ્રિયતાને પહેચાને છે , તેની નોંધ લે છે અને મને મારા મ્રુત્યુના પંદર દિવસ પહેલાં જાણ કરી દે છે , એ કાંઇ ઓછા ગૌરવની વાત તો નથી જ ..! ચોક્કસ એ લોકો મને વાજતે ગાજતે લેવા આવશે ..! એવું બને તો તો મારું મ્રુત્યુ પણ શાનદાર બની જાય ..અહીં કેટલાક ધર્મગુરૂઓ તો જેલમાં સડે છે જ્યારે મારા જેવાને લેવા યમરાજા વાજતે ગાજતે આવે એ કાંઇ નાનીસૂની આધ્યાત્મિક સફળતા નથી ..! આવે જને ? મેં કામ જ એવાં કર્યાં છે .ભગવાનનો ,ઇશ્વરનો પ્રચાર કાંઇ ઓછો થોડો કર્યો છે ? નાસ્તિક માણસોને પણ મેં ધાર્મિક બનાવી દીધા છે . સેવાનાં તો કેટકેટલાં કામ કર્યાં છે મેં ..? કેટકેટલી ધર્મશાળાઓ , દવાખાનાં , સ્કુલો અને અન્નક્ષેત્રો ઉભાં કર્યાં છે ..! મારા નામથી દરરોજ કેટકેટલા ભૂખ્યાં માણસો જમે છે , કેટલાય ગરીબ દરદીઓ મારા દવાખાનાઓમાં મોંઘામાં મોંઘા ઇલાજો મેળવે છે .

ભલે યમરાજા મને વાજતે ગાજતે લેવા ના આવે કદાચ તો પણ મારી વિદાય તો ધામધૂમથી થવી જ જોઇએ .બધાં દેખતાં રહી જાય અને ઇતિહાસમાં મારું નામ સુવર્ણાક્ષરે લખાય એવી ભવ્ય વિદાય મને મળવી જોઇએ . મને કોઇ હરખ શોક નથી મરવાનો ...પણ મરવું પણ એવી શાનથી કે ના પૂછો વાત .મેં મારા ભક્તોને ભેગા કર્યા અને સાક્ષાત યમરાજા ચિત્રગુપ્ત સાથે પોતાના ચોપડા લઇ મને મળવા આવ્યા હતા ,વિનંતી કરવા આવ્યા હતા કે હવે મારૂં આયુષ્ય પૂરૂં થઇ ગયું છે અને મારે સ્વર્ગલોકમાં પધારવાનું છે તેનું આમંત્રણ આપવા આવ્યા હતા ,મારે સ્વર્ગલોકને મારી ઉપસ્થિતિથી ગૌરવ અપાવવાનું છે ..એવી વાત સાંભળી મોટાભાગના મારા ભક્તો ચોધાર આંસુએ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા –ના...ના..ગુરૂદેવ તમારે નથી જવાનું ,તમારે તો અમારી સાથે જરહેવાનું છે –કહી ઘણા બધા ભક્તો તો આંસુંભરી આંખે ડૂસ્કાં ભરતા ભરતા મને ભેટી પડ્યા .મેં તે બધાંને શાંત પાડ્યા અને –“ હું કાંઇ અમર ફળ ખાઇને નથી આવ્યો કે હું કાંઇ ભગવાન નથી .હું તો સામાન્ય માણસ છું અને બધાંની માફક મારે પણ મરવાનું છે “- કહી બધાંને શાંત પાડ્યા . એ લોકોએ તો મારા કહેતાં પહેલાં જ મને કહી દીધું કે તમારી શ્મશાનયાત્રા તો ધામધૂમથી જ કાઢીશું .તમને ભાવભીની વાજતે ગાજતે વિદાય આપીશું .માત્ર એટલું જ નહીં પણ તેનું લાઇવ ટીવી પ્રસારણ પણ થશે . રાષ્ટ્રમાં એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર થશે . આ કાંઇ ઓછું હતું ? આખરે હું કોણ ? સ્વામી સન્મુખાનંદજી મહારાજ .જેણે ધર્મનો ઉદય કર્યો ,ધર્મને જાગ્રુત કર્યો . જેની કેસેટો ,સીડી ,ડીવીડી અને પેન ડ્રાઇવો ઘેરે ઘેર વાગે છે ,જેનાં ભજનો ઘેરે ઘેર ગવાય છે .જેનો સત્સંગ સાંભળવા પડાપડી થાય છે ..! બબ્બે વરસ આગળથી તો મારાં પ્રવચનોની તારીખો નક્કી થઇ જાય છે .આવા સંજોગોમાં જો યમરાજા જાતે વાજતે ગાજતે મને લેવા આવે તો તો વટ પડી જાય ..! હું યમરાજાની જ રાહ જોવા લાગ્યો .નક્કી મારાં કાર્ય અને કર્મ એવાં હતાં કે યમરાજાએ મને જાતે લેવા વાજતે ગાજતે આવવું જ પડશે ,મને ગળા સુધીની ખાત્રી હતી કારણકે મેં કાયમ સેવા અને પરમાર્થનાં જ કામ કર્યાં હતાં .ક્યારેય સ્વાર્થનું એક નાનું સરખું કામ પણ કર્યું નથી અને ભગવાન શ્રીક્રુષ્ણે ગીતામાં કહ્યું જ છે ને કે કરેલાં કર્મનાં ફળ તો ભોગવવાં જ પડે છે ..! પછી મને મારાં સત્કાર્યોનો બદલો જરૂર જરૂર મળશે , મળવો જ જોઇએ ..એમાં ભગવાન કાંઇ મારા ઉપર ઉપકાર કરવાના નથી જ..! કદાચ ભગવાન વિષ્ણુ પણ મને વાજતે ગાજતે લઇ જવા આવે ...

· * *

આ વાતને પંદર દિવસ પૂરા થયા તો પણ ભગવાન વિષ્ણુ , યમરાજા કે ચિત્રગુપ્ત કોઇ આવ્યા નહીં ,હું તો એ લોકો વાજતે ગાજતે મને લેવા આવશે એવી અપેક્ષા રાખીને બેઠો હતો પણ એ લોકો તો કોઇ ના આવ્યા પણ તેમના સેવકો પણ ના આવ્યા , અરે ! તેમનો કોઇ સંદેશો પણ ના આવ્યો . મેં તો મોટા ઉપાડે જાહેર કરી દીધું હતું કે હું હવે માત્ર પંદર દિવસનો જ મહેમાન છું તેના બદલે ..પંદર દિવસ તો પૂરા થઇ ગયા ,હવે જો મારૂં મ્રુત્યુ નહીં થાય તો હું આટલા બધા ભક્તોની વચ્ચે હાંસીનું પાત્ર બની જઇશ ..! પણ ના.. ચિત્રગુપ્તે મારી સાથે મશ્કરી કરી નહોતી કે હું હાંસીનું પાત્ર બનું ..! પંદરમા દિવસની રાત્રે મારું શરીર શાંત થઇ ગયું .હું મારા મ્રુત શરીરની આજુબાજુ આંટા મારતો હતો , લોકોને રડતા જોતો હતો , તેમને સાંત્વના આપતો હતો પણ મારો અવાજ તેઓ સાંભળી શકતા નહોતા , હું રાહ જોતો હતો યમરાજાની કે ચિત્રગુપ્તની જે મને વાજતે ગાજતે લેવા આવે ..! પણ ના ચકલુંય ના ફરક્યું ..! મારા મ્રુત શરીરને જલાવી દેવામાં આવ્યું તો પણ કોઇ મને લેવા આવ્યું નહીં , મને ચિત્રગુપ્તના સચિવે કરેલી વાત યાદ આવી કે એ લોકો કે યમરાજા નવરા જ નહીં હોય .પણ હું કોણ ? મારા જેવા મહાન આત્માને લેવા તો એમણે આવવું જોઇએને ? અને એમનાથી ના અવાય તો સેવકો મોકલવા જોઇએ . શું મારા કરતાં પણ વધારે મહાન આત્માને લેવા જવું પડ્યું હશે ? પણ મારા કરતાં મહાન આત્મા તો વળી હોતો હશે ..! પણ મને લેવા કોઇ ના આવ્યું એ મારા માટે ખરેખર દુ:ખની વાત હતી .મને અંત:સ્ફુરણા થઇ એટલે હું પણ ઉડવા માંડ્યો . જે બાજુ જવાય તે બાજુ .મારે જાતે જ મારો રસ્તો શોધવાનો હતો .. કેટલીક લાંબી સફર ખેડ્યા પછી મને દુર્ગ દેખાયો .બંધ દુર્ગ હતો .ચારે બાજુથી બંધ .અંદર કોઇ સરળતાથી પ્રવેશી શકે નહીં તેવો . મેં એ દુર્ગની ચારે બાજુ આંટા માર્યા અને છેવટે તેનાં તોતીંગ દરવાજા શોધી કાઢ્યા . ખરેખર તો મારા જેવા મહાન આત્માને લેવા ભલે એ લોકો ના આવી શક્યા પણ અહીં મારું વાજતે ગાજતે સ્વાગત કરવા તો તેમણે દરવાજા ઉપર હાજર રહેવું જોઇએને ..! પણ ના... દરવાજા પણ બંધ હતા .શું કરૂં ? પાછો જતો રહું ?પણ ના..હવે ક્યાં જવાય ? મારો દેહ તો બાળી દીધો હતો . મેં દરવાજો ખટખટાવ્યો .કેટલીય વાર દરવાજો ખટખટાવ્યો ત્યારે દરવાજો તો ના ખૂલ્યો પણ તેમાંની એક ડોકાબારી ખુલી ..અંદરથી એક ડોકું બહાર આવ્યું –“કોણ ?” મેં ગૌરવથી કહ્યું –“ સ્વામી સન્મુખાનંદજી મહારાજ ..” “કોણ સ્વામી સન્મુખાનંદજી મહારાજ ..? ક્યાંથી આવો છો ?” ..લે આ તો મને ઓળખતો પણ નથી , બિચારો વોચમેન ..ક્યાંથી ઓળખે ? “ હું હિન્દુસ્તાનથી આવું છું ..” મેં તેને કહ્યું ,મને તેના ઉપર દયા આવતી હતી . તે અંદર ગયો અને પાછો આવ્યો –“ ક્યા હિન્દુસ્તાનથી ? “ “ પ્રુથ્વી ઉપરથી “ મેં ફોડ પાડ્યો , એટલે તેણે સામું પૂછ્યું ,” કઇ પ્રુથ્વી ઉપરથી ? આ બ્રમાંડમાં તો અસંખ્ય પ્રુથ્વીઓ છે તેનો આધાર નંબર આપો તો ખબર પડે ..” તે બોલ્યો ..મને લગભગ ચક્કર આવવા માંડ્યા.હું કોણ ?સ્વામી સન્મુખાનંદજી મહારાજ..! અને આ લોકો મને ઓળખતા પણ નથી ..! હું ચક્કર ખાઇને ત્યાં જ પડી ગયો .

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

વડોદરા-390020.(મો) 9974064991.

E.Mail: a.k.raulji@gmail.com