અ રેઇનબો ગર્લ - 11
"ખોટી જગ્યા મતલબ? તમે શું કહો છો?" મેં અકળાતા અંકલને પૂછ્યું.
"લાગે છે તને કોઈ વાતની ખબર નથી"
"કઈ વાત અંકલ, તમારે જે પણ કહેવું હોય એ ક્લિયર કહો, વાતને આમ ગોળ ગોળ ના ફેરવો" મને વધુ અકળામણ થતી હતી.
"વાત એમ છે કે આ ઓફિસ છેલ્લા ત્રણ મહિનાથી મારી પાસે છે" અંકલે ખુલાસો આપ્યો.
"વોટ?? પણ શું કામ? ડેડ એમની ઓફિસ તમને શા માટે આપે?" અંકલની વાત સાંભળી મને આંચકો લાગ્યો.
"તારા પિતાને પૈસાની જરૂર હતી એટલે એમણે આ ઓફિસ મને આપી દીધી, મેં પૂછ્યું પણ હતું કે એવી તો એને શુ જરૂર પડી કે ઓફિસ વેચવી પડે? અને જો તારે પૈસાની જરૂર હોય તો હું આપી દઉ, હું તારો મિત્ર છું, હું ક્યારે કામ આવીશ? પણ આમ ઓફિસ ના વેચાય.
એણે તો મારી સાથેની બધી પાર્ટનરશિપ પણ છૂટી કરી નાખી, મેં એને ઘણીવાર પૂછ્યું પણ એણે મને કંઈ જ ના જણાવ્યું, માત્ર એટલું જ કહ્યું કે તું મારો મિત્ર છે એટલે જ તારા ભરોસે આ બધું મુકું છું, જલ્દી જ તને આ બધા પાછળનું કારણ પણ જણાવી દઈશ, પરંતુ એ મને કંઈ જણાવે એ પહેલાં જ એ..." અંકલે તેમની વાત પૂરી કરી જે સાંભળીને મને વધુ આઘાત લાગ્યો.
' આખરે એવું તો શું કારણ હોઈ શકે જેના કારણે ડેડને બધું આમ વેચી દેવું પડે,મને અને મોમને પણ કઈ જણાવ્યું નહિ'
"મને પણ એ જ વિચાર આવે છે કે આખરે એવું તો શું હતું જેના લીધે તારા પિતાને બધું વેચી દેવું પડ્યું, મેં ઘણું વિચાર્યું પણ મારા સમજમાં કઈ જ ના આવ્યું, એના આમ કરવા પાછળનું કારણ તો એ જ જાણે" મને વિચારમાં પડેલી જોઈ અંકલે કહ્યું.
"અંકલ શું મારા મોમને આ વાતની ખબર છે?"
"ના, બેટા મને નથી લાગતું કે એમને પણ આ વાતની કઈ ખબર હોય"
"થેન્ક્સ અંકલ, હું જાઉં હવે"
"એક મિનિટ, જો તારે કામ કરવાની ઈચ્છા હોય તો મારી બીજી એક ઓફિસ છે, હાલ તેને સંભાળવાવાળું કોઈ નથી, તારી ઈચ્છા હોય તો તું એ ઓફિસ સંભાળી લે"
"થેંકસ અંકલ, હું વિચારીને તમને જણાવું" હું અંકલની ઓફિસથી સીધી ઘરે આવી ગઈ.
હું રૂમમાં આમ તેમ આંટા મારવા લાગી, મને એવું લાગતું હતું જાણે કોઈ મારા માથા પર હથોડાનાં ઘા મારી રહ્યું છે, હવે આગળ શું કરવું એ વિચારવાનું હતું, જીવન નિર્વાહ માટે પૈસાની જરૂરિયાત તો દરેકને રહેવાની જ, જો કે હાલ પૂરતું એની મુશ્કેલી નોહતી કારણકે ડેડે મારા અને મોમના નામ પર ઘણા રૂપિયા મુકેલા હતા.
ઘણા બધા વિચાર બાદ મેં નક્કી કર્યું કે હું અંકલની ઓફિસ સંભાળી લઈશ, જેનાથી મનને થોડી રાહત મળી, અને મનને રાહત મળતા જ પેટમાં ઉંદર દોડવા લાગ્યા, સાંજ થવા આવી હતી હું પર્સ અને ગાડીની ચાવી લઈ બહાર નીકળી ગઈ, એવું લાગતું હતું જાણે કે ઘણા દિવસો પછી એક ખુશનુમા સાંજ આવી છે.
હું એક કેફે પર આવી અને લાસ્ટમાં કોર્નરનું એક ટેબલ શોધી બેસી ગઈ, મેં કોફી અને સેન્ડવીચ ઓર્ડર કર્યા, મોટી મોટી ગ્લાસ વિન્ડોમાંથી બહારનો નજારો જોઈ શકાતો હતો.
મારો ઓર્ડર સર્વ થતા મેં ખાવાનું ચાલુ કર્યું, આ વખતે મારુ ધ્યાન એન્ટ્રન્સ પર ગયું જ્યાં એક કપલ પણ કેફેમાં એન્ટર થયું, તેઓ પણ એક ખાલી એકાંત જગ્યા જોઈને બેસી ગયા અને એકબીજા સાથે શરારત કરવા લાગ્યા, આ જોઈને મને ક્રિશની યાદ આવી ગઈ, છેલ્લા ઘણા ટાઇમથી મેં તેની સાથે કોઈ વાત નોહતી કરી.
એ સાથે જ મને યાદ આવ્યું કે એને સામેથી પણ મારી સાથે કઈ કોન્ટેક્ટ નોહતો કર્યો, મેં તેને કોલ કરવાનું વિચાર્યું તેનો નંબર કાઢ્યો પણ કંઈક વિચારીને મેં ફોન પાછો સાઈડમાં મૂકી દીધો અને સ્માઈલ સાથે ખાવાનું પૂરું કર્યું.
ઘરે આવીને મેં બેગ રેડી કર્યું અને એલાર્મ લગાવી સુઈ ગઈ.સવારે એલાર્મ વાગતા જ હું ઉઠી ગઈ અને રેડી થઈને સ્ટેશન જવા નીકળી ગઈ, મેં સાંજે જ ટિકિટ બુક કરાવી લીધી હતી અને સદનસીબે મને ટિકિટ મળી ગઈ હતી.
સ્ટેશન પોહચીને જોયું તો ટ્રેન આવી ગઈ હતી, હું જલ્દીથી મારી સીટ શોધીને બેસી ગઈ, થોડા સમય બાદ ટ્રેન તેની મંજીલ તરફ ચાલવા લાગી અને હું મારી મંજીલ તરફ સુરત.
હા, હું ક્રિશને મળવા,તેને સરપ્રાઈઝ આપવા સુરત જઈ રહી હતી, આ વિચાર મને અચાનક જ આવ્યો હતો આથી જ મેં તેને કોલ નોહતો કર્યો.
આખરે દસ વાગ્યા આસપાસ હું સુરત પોહચી ગઈ, સ્ટેશન બહાર આવી હું રસ્તા પર આવી એ વખતે જ એક કાર મારી નજર સામેથી પસાર થઈ અને મારી આંખોમાં ચમક આવી, કારમાં ક્રિશ હતો, ભલે કાર સ્પીડમાં પસાર થઈ હતી પણ હું ક્રિશને ઓળખી ગઈ હતી, તેની બાજુની સીટ પર પણ કોઈ હતું કદાચ કોઈ યુવતી હતી.
મેં જલ્દીથી એક ઓટો કરી અને તેને ક્રિશની કારનો પીછો કરવા કહ્યું, શુ ખરેખર કોઈ હતું કે એ મારો વહેમ હતો, જે પણ હશે જોયું જશે મેં મનને મનાવ્યું.
થોડે આગળ ક્રિશની કાર એક કોલેજ પાસે ઉભી રહી અને પેલી યુવતી બહાર આવી, ઓહ આ તો ક્રિશની બહેન હતી, ક્રિશની કાર ફરી આગળ જવા લાગી અને આખરે તે એક હોટેલ પાસે ઉભી રહી.
કાર પાર્ક કરી ક્રિશ હાથમાં ચાવી રમાડતો હોટેલમાં દાખલ થઈ ગયો, આ એ જ હોટેલ હતી જ્યાં હું જ્યારે પણ સુરત આવતી ત્યારે રહેતી હતી.
મેં ઓટો વાળાને પૈસા આપ્યા અને લગભગ દોડતા જ અંદર આવી, ક્રિશ રિસેપ્શન પર હતો અને થોડીવાર પછી અંદર જતો રહ્યો, હું ત્યાં પોહચી, હોટલનો મેનેજર મને ઓળખતો હતો, "સોરી મેડમ પણ આ વખતે તમે જે રૂમ બુક કરો છો એ ખાલી નથી, હમણાં જે સર ગયા એમની કોઈ ફ્રેન્ડએ એ રૂમ બુક કરેલી છે"
"ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, હું એને ઓળખું છું એને મળવા જ આવી છું" હું થોડું ખોટું બોલીને ત્યાંથી અંદર આવી ગઈ.
મેનેજર સાથેની વાતચીત દરમિયાન ક્રિશ ગાયબ થઈ ગયો હતો પણ હવે એની ફિકર નોહતી કારણકે મને ખબર હતી એ ક્યાં હતો.
હું ડાયરેક્ટ એ રૂમ પર પોહચી ગઈ, જોયું તો દરવાજો થોડો ખુલ્લો હતો, કદાચ કોઈ વેઈટર આવવાનો હશે એટલે જ ખુલ્લો રાખેલો હતો.
મેં દરવાજાને થોડો ધક્કો દીધો અને અંદરનું દ્રશ્ય જોઈ હું સમસમી ગઈ, ક્રિશ કોઈ યુવતીના બાહુપાશમાં હતો અને બન્ને એકબીજાના ગાઢ ચુંબનમાં ઓતપ્રોત હતા.
અનાયાસે જ મારા પગ અંદરની તરફ જવા લાગ્યા અને ક્રિશ પાસે આવીને ઊભા રહ્યા, મેં ક્રિશને ઝટકાથી એકતરફ ખેંચ્યો, અચાનક ઝટકો લાગતા ક્રિશનું સંતુલન ખોરવાયું અને તે મારી ઉપર પડ્યો, મારી અને ક્રિશની આંખો ચાર થઈ અને મેં ધક્કો મારીને તેને મારાથી દુર કરી દીધો.
"તું અહીં શું કરે છે? અને આ શું બેવકૂફી છે?" ક્રિશ મારા પર ચિલ્લાયો.
"હું અહી શુ કરું છું?, એ તો મારે તને પૂછવું જોઈએ કે તું અહીં શુ કરે છે? અને આ કોણ છે?" મેં પેલી યુવતી તરફ આંગળી કરીને પૂછ્યું, તે યુવતી તો અચાનક થયેલા આ બનાવથી બઘવાઈ ગઈ હતી.
"શી ઇઝ તાન્યા, માય ગર્લફ્રેન્ડ" ક્રિશે ઠંડા કલેજે કહ્યું.
"ગર્લફ્રેન્ડ?? તો હું કોણ છું? અને ક્યારથી આ નાટક ચાલે છે તમારા બન્ને નું?" હું ગુસ્સામાં તાડુકી.
"આ કોઈ નાટક નથી, અમે બન્ને એકબીજાને લવ કરીએ છીએ" તાન્યાએ કહ્યું.
"યુ જસ્ટ શટ અપ, હું તારી સાથે વાત નથી કરતી"
"યુ શટ અપ, તારે એને ચુપ કરવાની જરૂર નથી"
"ઓહ, તો હવે તને આ તારી ન્યૂ ગર્લફ્રેન્ડનું એટલું બધું લાગે છે કે તું મને ચુપ કરાવે છે. જો તારે આવું જ કરવાનું હતું તો મને લવ કર્યો જ શું કામ?"
"લવ?? હાહાહા, એ તો ખાલી નાટક હતું, મારા ફ્રેન્ડ્સ સાથેની શરત હતી જેને હું જીતી ગયો, મારા ફ્રેન્ડસને લાગતું હતું કે તું મારી પ્રેમજાળમાં નહીં ફસાઈ અને મારે વધુ દાણા નાખવા પડશે, પણ તું તો સામે ચાલીને જ ફસાઈ ગઈ, અને શરત જીતવાનું કઈક ઇનામ તો મળવું જ જોઈએને જે મને આસાનીથી મળી પણ ગયું." ક્રિશ વાસના ભરી નજર પુરી બોડી પર ફેરવતા બોલ્યો અને તેના ગાલ પર એક જોરદાર તમાચો પડ્યો.
"છી.. આટલા હલકા વિચારો હશે તારા એવી પહેલાથી ખબર હોત તો હું ક્યારેય તારી સાથે પ્રેમ ના કરેત."
"હવે તને ખબર પડી ગઈને મારા વિચારો, નાઉ ગેટ આઉટ, એક મિનિટ તું અહીં શું કામ આવી છે? બાપ ગયો એટલે હવે મારી પાસે પૈસા માટે આવી છે ને? પૈસાની ભીખ માંગવા? આમ પણ તારા જેવી સુંદર છોકરી પોતાની સુંદરતાનો કઈક તો ફાયદો ઉઠાવે જ ને મારા જેવા અમીર છોકરાને ફસાવીને પૈસા પડાવવામાં" અને આ સાથે જ ક્રિશના ગાલ પર બીજો તમાચો પડ્યો.
"મારે તારા પૈસાની કોઈ જરૂર નથી કે મારી સુંદરતાનો કોઈ ફાયદો ઉઠાવવાની પણ જરૂર નથી, મેં તો તને સાચો પ્રેમ કર્યો હતો પણ અફસોસ તું પ્રેમને પણ પૈસા સાથે તોલે છે, હું તો જાઉં છું પણ યાદ રાખજે જ્યારે કોઈ તારા પ્રેમને પૈસા સાથે સરખાવશે ત્યારે તને તેની સાચી કિંમત સમજાશે" હું ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ, મારુ માથું ગુસ્સાથી ફાટી રહ્યું હતું.
હવે મને અહીં એક ક્ષણ પણ વધુ રહેવાનું મન નોહતું, મેં જે પહેલી ટ્રેન મળી એની ટિકિટ લીધી અને મુંબઇ પાછી આવી ગઈ.
છેલ્લા થોડા દિવસોમાં મને એક પછી એક ઘણા ખરાબ અનુભવો થઈ ગયા હતા, પહેલા ડેડની ડેથ પછી એમનો બિઝનેસ અને છેલ્લે પ્રેમમાં મળેલો દગો, આ બધી વાતોએ મને મનથી કમજોર બનાવી દીધી હતી, પણ ક્રિશે કહેલા શબ્દો મને દિલમાં તીરની જેમ ખૂંચયા હતા, ટ્રેનની સફર દરમિયાન પણ એના જ શબ્દો મારા મનમાં ઘુમરાતાં હતા.
ક્રિશને ભૂલવા માટે મેં કામમાં મારુ મન લગાવી દીધું, અંકલને કહીને એમની ઓફિસ મેં સંભાળી લીધી, સવારથી સાંજ સુધી હુ ઓફિસના કામમાં ગળાડૂબ રહેવા લાગી, મારી મહેનતથી ખુશ થઈને અંકલે એ ઓફિસ મારા નામ પર કરી દીધી, ધીરે ધીરે હું મારી મહેનતથી આગળ આવવા લાગી.
નાની ઓફિસથી લઈને નાની કમ્પની અને પછી આ મોટી મહેરા ઇન્ડસ્ટ્રી મેં મારી મહેનતથી ઉભી કરી છે, આ સફરમાં ઘણી વખત નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો છે પણ હમેંશા એવા વખતે મને ક્રિશે કહેલા કડવા શબ્દો યાદ આવી જતા અને હું વધુ હિંમતથી નિષ્ફળતાનો સામનો કરતી અને હું અહીંયા સુધી પોહચી છું.
"તો તમે તમારી સફળતાનો શ્રેય કોને આપશો મિસ મહેરા?" મેં મિસ મહેરાની પુરી સ્ટોરી સાંભળ્યા પછી સવાલ કર્યો.
"મારી સફળતા પાછળ મારા મોમ અને અંકલનો હાથ છે પણ હા હું માનું છું કે એની પાછળ ક્રિશનો પણ હાથ છે કારણકે જો તેણે મારી સાથે દગો ના કર્યો હોત તો કદાચ હું અહીંયા સુધી ના પોહચી હોત"
"અને હવે છેલ્લો એક સવાલ, તમારી સ્ટોરી કહેવા માટે તમે મને કેમ પસંદ કર્યો?" આ એક સવાલ તો હું જ્યારે અહીંયા આવ્યો ત્યારથી જ મારા મનમાં હતો.
"એ તો તમે સાંભળ્યું જ હશે કે મનમાં રહેલી વાત કોઈને કહી દેવાથી દિલનો ભાર હળવો થઈ જાય છે, જ્યારે હું તમને એ સેમિનારમાં મળી ત્યારે મને લાગ્યું તમેં કોઈ સ્ટોરીની શોધમાં છો અને મારી સ્ટોરીમાંથી કદાચ તમને તમારી સ્ટોરી મળી જાય અને મારા દિલનો ભાર હળવો થઈ જાય."
"વાહ મિસ મહેરા, થેંક્યું કે તમે મને આના માટે લાયક ગણ્યો, અને અહીંયા મારી સારી મહેમાનગતિ કરવા માટે પણ તમારો આભાર, હવે હું કાલે સવારે અહીંથી નીકળી જઈશ, એન્ડ આઈ હોપ કે હવે આપણી મુલાકાત થાય ત્યારે હું એક નવી બુક સાથે તમને મળું"
"શ્યોર, ઓલ ધ બેસ્ટ, એન્ડ મારી સ્ટોરી સાંભળવા માટે અહીં સુધી આવ્યા એ માટે થેંક્યું, હવે તમે આરામ કરો છેલ્લા બે દિવસથી મારા કારણે તમે વ્યવસ્થિત સુઈ પણ નથી શક્યા" મિસ મહેરાએ કહ્યું અને મને હોટેલ સુધી મૂકી ગયા.
હું હવે આ સ્ટોરી વિશે વિચારતો સુઈ ગયો અને સવારે મારી મંજીલ તરફ નીકળી ગયો.
----- 3 મહિના પછી ----
હાર્વિના મોબાઈલમાં એક મેસેજ હતો જેમાં ડીજીટલ ઇન્વીટેશન કાર્ડ હતું બુક લોન્ચનું, અને તેને આવવા માટે ખાસ કહેવામાં આવ્યું હતું.
એક વિક પછી ફંક્શન હતું, હાર્વિએ રિમાઇન્ડર સેટ કરી દીધું, એક વિક પછી રવિવારની સાંજે હાર્વિ બુક લોન્ચના ફંક્શનમાં બેઠી હતી, મિસ્ટર ગૌરવ તેમની ન્યૂ બુક વિશે થોડી માહિતી આપી રહ્યા હતા, અને પછી ચીફ ગેસ્ટના હાથે બુકનું લોન્ચિંગ થયું.
એક પછી એક બધા જ ગૌરવને તેમની ન્યુ બુક માટે અભિનંદન પાઠવવા લાગ્યા, આખરે તે બધાના અભિનંદન લેતા મિસ હાર્વિ પાસે પહોંચ્યા, "કૉંગ્રેચ્યુલેશન મિસ્ટર ગૌરવ ફોર ધ બુક "રેઇનબો ગર્લ", શુ તમારો ઓટોગ્રાફ વાળી બુક મળશે?"
"સ્યોર" ગૌરવે હાર્વિના હાથમાંથી બુક લઈને તેના ફર્સ્ટ પેજ પર ઓટોગ્રાફ કરી આપ્યો.
"હું આ બુક જરૂરથી સમય કાઢીને વાંચીશ"
"અને હા પછી એના રીવ્યુ પણ જરૂરથી આપજો" બન્ને એ એકબીજા સામે રહસ્યમય સ્મિત કર્યું અને છુટા પડ્યા.
(સમાપ્ત)
thank you.
- Gopi kukadiya.