ખાના ખરાબી - 1 Bharat Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાના ખરાબી - 1

"અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની સંસ્કૃતિ "અતિથિ દેવો ભવ !"ની સંસ્કૃતિ. અહીંના લોકો પાસે પોતાને માટે, પરિવાર માટે સમય નથી તો મહેમાનો માટે ક્યાંથી હોય ?. પરંતુ ઝડપી જમાનામાં લોકોને તે બાબતનો જરાય રંજ નથી. કોઈના ઘરે જવાથી જે આગતા-સ્વાગતા નથી મળતી તે હોટલમાં ભવ્ય રીતે મળી રહે છે. તેમની ઈચ્છા મુજબની બધી વાનગીઓ પુરી તકેદારીથી પીરસાઈ છે. તેમની દરકાર એક મોંઘેરા મહેમાન સમાન થાય છે. અને અંતમાં એક મામૂલી છતાં મોંઘી કિંમતનું ફરફરીયું પકડાવાઈ છે. હોટલવાળો લાંબી રકમ મેળવ્યાનો ઓડકાર ખાય છે જ્યારે લાંબુંલચક બિલ ચુકાવનારને ક્યારેક ભૂખ્યા રહી ગયાનો અહેસાસ થાય છે. છતાંય તે ખુશ હોય છે બાહ્ય મનથી ! ખાવા-પીવાનો શોખ હમણાંથી જ ઉત્પન્ન થયો છે તેવું નથી તે વર્ષોથી ચાલ્યો આવે છે.
અંગ્રેજોના જમાનાથી માંડીને અત્યાર સુધી અમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત રહ્યું છે. કાલુપુર વિસ્તારના માણેકચોકનું સ્થાન ખાણી-પીણીના રસિકો માટે મનપસંદ રહ્યું છે. જોકે આજના વૈભવી જમાનામાં મોટી-આકર્ષિત હોટલો તરફ લોકોનું ચલણ વધ્યું છે. તેમ છતાં અહીંના લોકો હજુ સુધી માણેકચોકનો સ્વાદ ભૂલ્યા નથી. આજ વિસ્તારમાં 'ભોલેનાથ ફરસાણ હાઉસ' નામની નાની દુકાન આવેલી. ભોલેનાથ ફરસાણ હાઉસ ના ખમણ માણેકચોકમાં પ્રખ્યાત હતા.
"ભોળાકાકા, વીસ રૂપિયાના ખમણ આપી દો ને !"
"આપી દઉં છું, હોં બેટા !" ભોળાકાકાએ કહ્યું. ભોળાકાકાએ વીસ રૂપિયાના ખમણ ઝોખયા. ખમણના તોલ બાદ બે ટુકડા વધારે નાખ્યા. ભોળાકાકાની પહેલાથી જ આ ટેવ હતી. તોલ થયા બાદ બે ટુકડા વધારે નાખે છે. ભોળાકાકા માનતા જો ગ્રાહકનું પેટ ભરાશે તો આપણું પણ ભરાશે.
"કાકા, મારા માટે ખમણની પ્લેટ બનાવજો " એક યુવાને આવીને કહ્યું.
"હા બેટા ! પાંચ મિનિટમાં કરી આપુ " ભોળાકાકાએ આજુબાજુ ઘરાકી હોવાથી સામે જોયા વગર જ કહ્યું. તેમની ઉંમર વધી ગઈ હતી થાય તેટલી ઉતાવળે ગ્રાહકને સંતોષ આપવા પ્રયત્ન કરતા. "લે બેટા, આ તારી પ્લેટ, અરે નિશાંત ! તુ ક્યારે આવ્યો બેટા, તારું ભણવાનું પતી ગયું ?" ભોળાકાકાને ઓળખી જતા બોલ્યા.
"હા, બસ ગયા મહિને જ પત્યું છે. હવે અમદાવાદમાં જ નોકરી શોધવાની શરૂ કરવાનો છું" નિશાંત નમ્રતાથી બોલ્યો. નિશાંતના પપ્પા જનક મહેતા અને ભોળાકાકા એક જ પોળમાં વર્ષોથી સાથે રહેતા. જનક મહેતાને ધંધામાં ખોટ જવાથી તેમને પોળનું મોટું મકાન વેચી ચાલીમાં નાના મકાનમાં રહેવા જતા રહ્યા. જયારે નિશાંત નાનો હતો ત્યારે ભોળાકાકાને ઘેર બહુ રમવા જતો. તેને પહેલેથી જ ભોળાકાકા સાથે લાગણી બંધાઈ ગઈ હતી. ભોળાકાકા પોળના નાના બાળકોને વાર્તા કહેતા અને ગમ્મત કરાવવા જોકસ અને ઉખાણા પણ કહેતા.
"બેટા ! બેસ, તારા માતા-પિતાની તબિયત-પાણી કેમ છે ? બહુ સમય થયો તેઓ બેસવા આવ્યા નથી." ભોળાકાકા બોલ્યા તેમના શબ્દોમાં થોડો ભાર જણાતો હતો.
"તેઓ મજામાં છે. હા ! પણ પપ્પાને હમણાંથી સમય ન મળતો હોવાથી તેઓ ક્યાંય બહાર નીકળ્યા જ નથી."
"હા ! એ તો બરોબર છે. તારા માતા-પિતાને મારા વતી નમસ્કાર કહેજે હોં, બેટા !" ભોળાકાકા પાંચ મિનિટ નિશાંત સાથે બેઠા બાદ ગ્રાહક આવતા તે પાછા ઉભા થયા.
"હું , હવે જાઉં છું કાકા મારે થોડું મોડું થાય છે. લો કાકા આ પ્લેટના પૈસા." નિશાંતે પાકીટમાંથી પૈસા કાઢીને ભોળાકાકા સામે ધર્યા.
"નહિ બેટા પૈસા પાછાં ખિસ્સામા મૂકી દે, તેની જરૂર નથી."
"અરે ! નહીં કાકા, મારે એમને એમ જ કઈ નીકળી જવાય ? તમારે પણ થોડું મફત આવે છે." નિશાંતે વ્યવહારિક વાત કરી.
"અરે બેટા !, તું જ્યારે નાનો હતો ત્યારે અમેને એમ જ બબ્બે પ્લેટ ખમણ ખાઈ જતો. ત્યારે તે ક્યારેય પૈસા આપ્યા ન હતા. હવે મોટો થઈ ગયો એટલે મારે તારી પાસે પૈસા લેવા પડે ! ના ના, તારે પૈસા ના આપવાના હોય, એના બદલે મારા ઘરે આટો મારવા આવજે એટલે વળી જશે." ભોળાકાકાએ લાગણી વ્યક્ત કરી, નિશાંતની નજર ઢળી ગઈ.
"ચોક્કસ આવીશ, કાકા " તેને પૈસા ખિસ્સામાં મુકી, નમસ્કાર કરી ચાલતો થયો.
***
રાત્રે નવ વાગ્યાનો સમય ભોળાકાકા દુકાનની વસ્તી કરવાની તૈયારીમાં હતા. ભોળાકાકાનો આ નિત્યક્રમ હતો તે માત્ર પૈસા માટેની દોડધામમાં માનતા નહીં. તેઓ સુખી તેમજ સંતોષી જીવન જીવવામાં માનતા. તેઓ સવારે સાડા સાત વાગે દુકાન ખોલવી અને રાત્રે નવ વાગે વસ્તી કરવી. આ તેમનો નિત્ય નિયમ હતો. ભોળાકાકા સાફ-સફાઈ કરી રહ્યા હતા. ત્યારે તેમની નાનકડી દુકાન સામે એક વૈભવી ગાડી આવીને ઉભી રહી. અમદાવાદના પ્રતિષ્ઠિત ધનવાનોમાં જેની ગણના થતી એવા મિ. ધનંજય મહેતાની મર્સડિઝ આવીને ઉભી રહી. આવી ત્રણ-ત્રણ ગાડીના તે માલિક હતા. આગળથી ડ્રાઈવરે ઉતરી પાછળ ગાડીનો દરવાજો ખોલ્યો. ધનંજય મહેતાએ બહાર પગ મૂક્યો અને આગળથી સેક્રેટરી ઉતરી તેમની પાછળ ચાલતો થયો. ભોળાકાકાની દુકાન આગળ આવીને ઊભા રહ્યા. ડ્રાઈવરે આગળ જઈ ભોળાકાકાને ધનંજય મહેતાનો પરિચય આપ્યો. ધનંજય મહેતાની હજી તેમના સેક્રેટરી સાથે કશીક બિઝનેસની વાતો ચાલુ જ હતી.
"સાહેબ માટે ખમણ પેક કરી આપું ?" ભોળાકાકાએ કહ્યું. ઘણા ધનવાનો ભોળાકાકાના ખમણનો સ્વાદ માણવા આવતા પણ ભોળાકાકાની નાનકડી દુકાનમાં બેસે કોણ ! ડ્રાઈવર જોડે જ ખમણ પેક કરાવી ઘરે લઇ જાય.
"ના, સાહેબ આજે અહી બેસવાના છે. તેમની બિઝનેસની વાતો હજી પુરી નથી થઇ. તેમના સેક્રેટરી જોડે વાત પતાવીને જશે. તમે આ ટેબલ સાફ કરો તો સાહેબ બેસીને વાત કરે." ડ્રાઇવરે ચોખવટ કરી.
"હા, હા ! કરી આપું." ભોળાકાકા ઉતાવળે ટેબલ સાફ કરી નાખ્યું. તે દુકાનનું દરેક કામ જાતે જ કરતા હતા. થોડા રૂપિયા આપી નાના બાળક પાસે મજૂરી કરાવીને તેમની જિંદગી બગાડવા માંગતા ન હતા. ડ્રાઈવરે રૂમાલ કાઢી બેઠક પર પાથર્યો. ધનંજય મહેતા ત્યાં બેઠા પણ તેમની વાતચીતનો દોર ચાલુ જ હતો. ભોળાકાકાએ ખમણની ડીશ બનાવીને આપી. ધનંજય મહેતા વાતચીત પૂરી થઈ તેવા જ ઊભા થયા. ડીશમાં હજી થોડા ખમણ બાકી હતા. ડ્રાઈવર ગાડીમાંથી મિનરલ વોટરની બોટલ અને નેપકીન લઇ આવ્યો. ધનંજય મેહતાએ પાણી પીધું ને રૂમાલથી હાથ મોં સાફ કરી. ૫૦૦ રૂપિયાની નોટ કાઢી ડ્રાઈવરને પકડાવી. ડ્રાઇવર ભોળાકાકાને આપી અને ચાલતો થયો.
"અરે ! મારે ફક્ત ત્રીસ રૂપિયા લેવાના હતા. લો આ બાકીના પૈસા !" ભોળાકાકાએ ડ્રાઈવરને અટકાવ્યો. ડ્રાઇવર નજીક આવ્યો.
"એ તમારી ટીપ્સ છે. શેઠને જે વસ્તુ પસંદ પડે છે. તેની હંમેશા વધુ કિંમત આપે છે."
"પણ હું મારી વસ્તુના વ્યાજબી પૈસા થાય તે લઉં છું. મારે આ વધારાના શું કામના ?" ભોળાકાકાએ આખા દિવસના કાઉન્ટરના તેમજ થોડા ખિસ્સામાંથી કાઢીને ડ્રાઈવરને પાછા ૪૭૦ રૂપિયા પાછા આપ્યા.
"અરે ! રાખી લો કાકા તમને કામ આવશે. " ડ્રાઇવરે ભોળાકાકાની ઉંમર જોઈને કહ્યું.
"ના, ભઈલા ભગવાન જે આપે છે તેમાંથી શાંતિથી પૂરું પડે છે. બસ ! એટલું બહુ છે, લે તારા શેઠને પાછા આપી દેજે ." ભોળાકાકાએ ડ્રાઇવરના હાથમાં પૈસા પકડાવ્યા.
ડ્રાઈવરે થોડો આગળ ચાલીને પૈસા ખિસ્સામાં નાખી દીધા. 'આ બુઢ્ઢાને અક્કલ નથી. મારા શેઠને કયા પૈસાની તાણ છે !' ડ્રાઇવર મનમાં બબડ્યો.
***
"આ કામ કાલે પહેલું કરજે !" ધનંજય મહેતા વિશાળ બંગલાના પગથિયાં પાસે ગાડી આવીને ઊભી રહીને બહાર ઉતર્યા. સેક્રેટરી તેમને વળાવીને જતો રહ્યો. પગથિયાં સડસડાટ ચડીને તેમને ડોરબેલ વગાડ્યો. નોકરાણીએ આવીને દરવાજો ખોલ્યો.
"શુભ્રા ક્યાં છે ?" ધનંજય મહેતાએ અંદર આવતા જ તેમની વાઈફને યાદ કરી.
"શેઠાણી, તો તેમની બહેનપણીને ત્યાં પાર્ટીમાં ગયા છે." નોકરાણી કહ્યું.
"અચ્છા ! ઠીક છે, મારે જમવાનું નથી."
"સાહેબ, જ્યુસ બનાવી આપું?" નોકરાણી પૂછ્યું.
"હા, તે મારા બેડરૂમમાં મૂકી જજે. આજે હું થાકી ગયો છું મારે જલ્દી સૂઈ જવું છે. શેઠાણી આવે તો તેમને કહી દેજે કે શેઠ બહાર જમીને આવ્યા હતા." ધનંજય મહેતા સીધા પહેલા માળે તેના બેડરૂમમાં જતા રહ્યા.
"એય ! મેઘલી, આ બાજુ આવ." રસોડામાં કામ કરતો નોકર હકુએ નોકરાણીને ઈશારો કર્યો. હકુ અને મેઘલી બંને પતિ-પત્ની હતા. બંને એકસાથે ગામડેથી શહેરમાં મજૂરી કરવા આવ્યા હતા. અનાયાસે તેમને મહેલ જેવા ઘરમાં કામ કરવાની તક મળી ગઈ.
"શું છે ?" મેઘલીએ નજીક આવતા પૂછ્યું.
"આ જો, હું શું લાવ્યો છું?" હકુએ એક હાથમાં રાખેલી કાગળની પડીકી ખોલી.
"આ શેની દવા છે ?" મેઘલીએ પૂછ્યું.
"આ, પેલી હું તને વાત કરતો હતો ને તે છે. લે આ જ્યુશ બનાવે તેમાં ભૂકો કરીને નાખી દેજે."
"પણ આપણે પકડાઈ જઈશું તો ?" મેઘલીએ ચિંતા વ્યક્ત કરી.
"અરે ! તું નાહકની ચિંતા કરે છે. કોઈને કશી ખબર નહીં પડે. હવે તું જલ્દી કર નહિતર શેઠ સૂઈ જશે." હકુ આજે ખરા રંગમાં હતો. મેઘલીએ જયુસ બનાવીને પડીકી તેમાં નાખી દીધી.
"લો ! શેઠ આ જ્યુશ ." મેઘલી અંદર થરથરી રહી હતી. ધનંજય મહેતા પથારીમાં પડ્યા-પડ્યા બિઝનેસ મેગેઝિન વાંચી રહ્યાં હતાં. એમની નજર મેગેઝિનમાં ચોટી રહી અને બીજા હાથે જ્યુસનો ગ્લાસ ઉઠાવીને શાંતિથી પી ગયા. અને મેઘલીનો શ્વાસ હેઠો બેઠો એ ગ્લાસ લઈ ફટાફટ સીડી નીચે ઊતરી ગઈ.
(ક્રમશઃ...)
***
વાચક મિત્રો, આ કહાની પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર. જો કહાનીમાં કોઈ ભૂલ-ચૂક રહી ગઈ હોય અથવા આપનો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટ આપવા વિનંતી છે, આભાર !
bharatpansuriya17@gmail.com