ખાના ખરાબી - 2 Bharat Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

ખાના ખરાબી - 2

"કેમ આજે સર સોફા પર લાંબા થઈને પડ્યાં છે તબિયત સારી નથી ?" ધનંજય મહેતાના સેક્રેટરીએ સવારમાં બંગલાની અંદર પ્રવેશતાની સાથે ઢીલાઢસ થઈને પડેલા મહેતા સરને જોઈને પૂછ્યું.
"ગઈ કાલ અડધી રાતથી જ તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. ઝાડા-ઉલટી એ તો તેમને સુવા જ નથી દીધા." શુભ્રાદેવી ચિંતામાં જણાતા હતા.
"તો પછી ડોક્ટરને બોલાવ્યા કે નહીં ?"
"હા, વહેલી સવારમાં જ તેઓ આવીને ગયા છે. થોડીક તબિયત હવે સારી જણાય છે પણ આજે આખો દિવસનો આરામ ફરમાવીને ડોક્ટર સાહેબ ગયા છે."
"તો, પછી આજની બધી અપોઈન્ટમેન્ટસ અને મીટીંગ કેન્સલ, ઠીક છેને સર?" સેક્રેટરીએ અનુમતિ માંગી.
"હા, હા બરોબર છે. તબિયત ખરાબ છે આરામ તો તમારે કરવો જ પડશે." શુભ્રાદેવીએ ભાર આપતા કહ્યું.
"ઓકે, પણ પેલી બોમ્બેવાળી પાર્ટીની મીટીંગ કેન્સલ ના કરતો. તેમને ઘરે જ બોલાવી લેજે." ધનંજય મહેતાએ પૂરે પૂરો આરામ નહીં જ કરવો એવું વિચાર્યું હોય તે પ્રમાણે ઓફિસની જગ્યાએ ઘરે મીટીંગ બોલાવી.
"ઓકે સર !, તેમને હું ઘરે બોલાવી લઈશ ! પણ મને કશી ખબર ન પડી. કાલે સાંજે તમે મારી જોડે જ હતા. કાલે તો તમારી તબિયત સારી હતી. શું ખવાઈ ગયું કે તમારી તબિયત બગડી ગઈ ?" સેક્રેટરીના મનમાં પ્રશ્ન ઊભો થયો અને તેણે ધનંજય મહેતા સામે રજૂ કર્યો.
"અરે ! નોકરાણી એ પણ એમ જ કહેતી હતી કે સાહેબ ઘરે કશું જમ્યા જ નથી. તેઓ બહાર જમીને આવ્યા હતા એટલે આવી ને ઊંઘી ગયા હતા." શુભ્રાદેવીએ પણ મનની મૂંઝવણ કહી.
"હા ! સર મને યાદ આવી ગયું. આપણે જ્યારે સાંજે ઓફિસેથી બહાર નીકળ્યા ત્યારે આપણે પેલા ખમણવાળાની દુકાને ગાડી ઊભી રાખી હતી. પણ તેમના ખમણ તો હંમેશા સારા આવે છે. તેનો ટેસ્ટ તો પ્રખ્યાત છે. તો પછી..." સેક્રેટરી બોલતો અટકી ગયો અને કશુંક યાદ કરવા લાગ્યો. પણ ધનંજય મહેતાને આખરે રહી રહીને ફક્ત ખમણ ખાધાનું જ યાદ આવતું હતું. તે ખાધા પછી જ તેમની હાલત બગડી હતી. કેમ અચાનક ખમણ ખાવાની ઈચ્છા થઈ ગઈ અને પોતે ખમણ ખાવા દોડ્યા ગયા. ધનંજય મહેતા પોતાની જાત ને જ કોસતા રહ્યાં.
***
ધનંજય મહેતાને એક દિવસની જગ્યાએ બીજે દિવસે પણ આરામ કરવો પડ્યો. ના છૂટકે બે દિવસ સુધી તેમને બંગલામાં બંધાઈ રહેવું પડ્યું. ઝાડા-ઉલટીને લીધે શરીરમાં થોડીક અશક્તિ આવી ગઈ હતી. બે દિવસ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ મિટિંગસ કેન્સલ કરવી પડી. સાથે સાથે એક કોન્ટ્રાક્ટ પણ હાથમાંથી જતો રહ્યો. ત્રીજા દિવસે ધનંજય મહેતા શુભ્રાદેવી તેમજ સેક્રેટરીની રોક-ટોક વચ્ચે પણ ઓફિસે પહોંચી ગયા. ઓફિસે પહોંચી પહેલું કામ તેમણે બે દિવસ દરમિયાન થયેલા નુકસાનનું ટોટલ મારવાનું કર્યું.
"તમે મને બોલાવ્યો ?" સેક્રેટરી અંદર આવતાની સાથે બોલ્યો.
"મયંક જો બે દિવસ દરમિયાન મારી મીટિંગ્સ કેન્સલ થતા ત્રણ લાખનું નુકસાન થયું છે."
"હા સર !, પણ આપણે તેમાં શું કરી શકીએ. બે પાર્ટીઓની મિટિંગ તો બીજી તારીખ પર સેટ કરી દીધી પણ એક પાર્ટીને અર્જન્ટ હતું. વળી તેમને બિઝનેસ ટુર પર જવાનું હોવાથી તેમણે રાહ જોવાની ચોખ્ખી ના પાડી દીધી.
"આ બધું પેલા ખમણવાળાને કારણે જ થયુ છે. જો મને તેના ખમણ ખાવાનું મન થયું ના હોત ! તો ના મારી આવી હાલત થાત અને ના તો નુકસાન."
"પણ સર !, તેમના ખમણ તો બહુ વર્ષોથી પ્રખ્યાત છે. અને બહુ ટેસ્ટી ખમણ બનાવે છે."
"તું નથી જાણતો મયંક, આવા માણસો ટેસ્ટ માટે અમુક પ્રકારના રસાયણો નાખતા હોય છે. અને વર્ષોથી પ્રખ્યાત હોવાથી કાચો માલ પણ હલકી ગુણવત્તાવાળો વાપરતા થઈ ગયા હોય છે."
"હોઈ શકે છે સર, પણ મને આ બાબતે માહિતી નથી."
"તું આજે જ આ ખમણવાળા ને નોટિસ મોકલી દે જે કે ત્રણ લાખનું વળતર ચુકવી આપો. અથવા કોર્ટના ધક્કા ખાવા તૈયાર રહો."
"પણ તેઓ શું આટલા રૂપિયા ચૂકવી શકશે?"
"એ બાબતે તેમણે આવી વસ્તુ બનાવતી વખતે વિચારવી જોઈએ. હલકી ગુણવત્તા કરી તેઓએ લાખો રૂપિયા કમાઈ લીધા હોય છે. તું આજે જ આ નોટિસ વકીલ મારફત મોકલાવી દેજે."
"ઓકે સર !"
***
"શેઠ !, તમને કોઈ મળવા માંગે છે." સવારનો બ્રેકફાસ્ટ પતાવી ધનંજય મહેતા ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થતા હતા. ત્યારે નોકર આવી બોલ્યો.
"કોણ છે? શું કામ છે સવારમાં ?" ધનંજય મહેતા બોલ્યા.
"તેઓ કહે છે કે તેમણે નોટિસ બાબતે કંઈક વાત કરવી છે."
"અચ્છા ! તો પેલો ખમણવાળો છે. જોયું, નોટિસ મળતા કેવી ભીંસ પડી. ઘરે દોડતો આવ્યો શેઠાણી !" ધનંજય મહેતા શુભ્રાદેવીની સામે જોઈને રુઆબમાં બોલ્યા.
"હું કહું છું ! હવે જવા દો બિચારાને તેમને પણ કેવી રીતે પોસાય ત્રણ લાખ આપવા અને કચેરીના ચક્કર કાપવા." શુભ્રાદેવીએ ધનંજય મહેતાને સમજાવ્યા.
"અરે બિચારો જ છે એટલે જ ત્રણ લાખનો દાવો કર્યો છે. કોઈ સારા ધનિક વ્યક્તિએ આવી ગુણવતા બાબતે હલકાઇ કરી હોત ત્રીસ લાખનો દાવો નાખત. હું આવા લોકોને નહીં ક્યારેય ના છોડું જે બીજાની હેલ્થ સાથે ખિલવાડ કરે છે. હું તેને પાઠ ભણાવીને જ છોડીશ. હકુ, મારી બેગ લાવ મારે ઓફીસ જવાનું મોડું થાય છે. હું તેને બહાર જ મળી લઈશ."
"જી, શેઠજી !" હકુએ બેગ લાવીને શેઠજીના હાથમાં આપી. ધનંજય મહેતા બેગ લઇને ઘરની બહાર નીકળ્યા. બહાર ભોળાકાકા બે હાથ જોડીને ઉભા હતા.
"શેઠજી, નમસ્તે ! શેઠ તમારી ભૂલ થતી લાગે છે. મારા ખમણમાં કોઈ પ્રકારના રસાયણો નથી મિલાવતો. શેઠજી, હું ગરીબ માણસ છું, આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢું?" ભોળાકાકા ગળગળા થઈ ગયા.
"એ રાતે મેં કશું બીજું ભોજન લીધું જ નથી. મને બરાબર યાદ છે. હું તમારા જેવા લોકોને બરોબર જાણું છું. વધુ ટેસ્ટ માટે ક્વોલિટી સાથે ચેડા કરતા હો છો." ધનંજય મહેતાને ભોળાકાકાની સ્થિતિ અસર ન કરી.
"પણ શેઠ આજ સુધી મેં બહુ પ્રમાણિકતાથી ધંધો કર્યો છે. આવી કોઈ વ્યક્તિએ મારી ફરિયાદ નથી કરી. જો બેઈમાની કરવી હોય તો ઘણું કમાઈ શક્યો હોત. હું સાચું કહું છું શેઠ. હું આપને રૂપિયા નહીં ચૂકવી શકું. મને માફ કરો." ભોળાકાકાની આંખોમાં જળજળીયા આવી ગયા.
"કોઈ ફરિયાદ ક્યાંથી કરે, તેને મારી જેવો કોઈ વ્યક્તિ મળ્યો નહીં હોય. જો પ્રમાણિકતાથી જ ધંધો કર્યો હોત તો આવો વારો ન આવત. અને પૈસા ચૂકવવાની ત્રેવડ ના હોય તો કોર્ટના ધક્કા ખાવાની હિંમત રાખજે. ચલો ડ્રાઇવર !" ધનંજય મહેતા ગાડીમાં બેસી ગયા. ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી. ભોળાકાકા બિચારા માથે હાથ મૂકી ચાલતા થયા.
***
"અંદર આવું સાહેબ?" દરવાજા પાસે આવી ભોળાકાકા નમ્રતાપૂર્વક બોલ્યા.
"આવો, ભોળા કાકા !" વેર-વિખેર પડેલ ફાઈલના થોથાં ગોઠવતા વકીલ દિનેશ વિલાસી બોલ્યા. નામની પાછળ રહેલી સરનેમ જેવું તેમનું કામકાજ હતું. વર્ષોથી વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા પણ તેમના 'વિલાસી' સ્વભાવને કારણે જ વકીલાતના ધંધામાં કશું ઉકાળી શક્યા ન હતા. મન પડે ત્યારે ઓફિસ ખોલવાંની અને ઈચ્છા થાય તો ફાઈલો વ્યવસ્થિત મુકવાની. બાકી તેમની ઓફિસ એટલે ફાઇલો અને ચોપડાનું ઘર. ભલે ને ફાઈલો જ્યાં-ત્યાં ફરતી એમને કશું વાંધો ન આવે. વાંધો તો ત્યારે જ આવે જ્યારે કોઈ કસ્ટમર ઓફિસમાં આવી પહોંચે અને કસ્ટમરને બેસવા માટે જગ્યા જોઈએ. બસ, અત્યારે તેની જ વ્યવસ્થામાં પડ્યા હતા દિનેશ વિલાસી.
"બેસો કાકા !, હા તો મેં કહ્યું એ પ્રમાણે તમેં સાક્ષી લાવ્યા છો ?" દિનેશ વિલાસી અદલ વકીલની છટ્ટાથી બોલ્યા. તેમને એવી રીતભાત તો શીખી લીધી હતી કે નવા કસ્ટમર આવે ત્યારે એવી એક્ટિંગ કરવી કે તેમને લાગવું જોઈએ કે તેઓ એક મોટા વકીલ જોડે વાત કરી રહ્યા છે.
"આ છે આપણો સાક્ષી નિશાંત, મારે ત્યાં ઘણા પ્રતિષ્ઠિત લોકો પણ રેગ્યુલર આવે છે. પણ ધનંજય મહેતા સામે બોલવામાં તેઓને પ્રતિષ્ઠા ગુમાવાની બીક હતી. છેવટે આ વ્યક્તિએ હિંમત બતાવી છે." ભોળાકાકાના ચહેરા પર થોડી નિરાશા જણાતી હતી.
"હા, તો તમે છો સાક્ષી અને ભોળાકાકાના નિયમિત કસ્ટમર. તમે ભોળાકાકાની તરફેણમાં જબાની આપવાના છો. અદાલતમાં ડરી તો નહીં જાઓ ને ? " દિનેશ વિલાસીએ ચકાસણી કરતા પૂછ્યું.
"અરે ના, વકીલ સાહેબ એમ કંઈ થોડો ડરી જાવ. ધનંજય મહેતા ભલે ગમે તેટલો મોટો માણસ હોય તો શું છે. હું પણ ભોળાકાકાના ખમણ નાનપણથી ખાતો આવ્યો છું. તેમના જેવા સારા ખમણ કોઈ નથી બનાવતું. આજે ઋણ ચૂકવવાનું મોકો મળ્યો છે." નિશાંતની વાતમાં ભરપૂર આત્મવિશ્વાસ છલકાતો હતો.
"પણ એક સાક્ષીથી કંઇક ખાસ કામ નહીં બને. જો બે ત્રણ રૂઆબદાર વ્યક્તિ આવી સાક્ષી પુરે તો કેસ સો ટકા આપણી તરફેણમાં થઈ જાય. છતાં કઈ વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં. આપણે બનતા પ્રયત્નો કરીશું. દસ હજાર રૂપિયા કાકા અત્યારે આપો અને બાકી દસ કેસ જીત્યા પછી. આ તો હું તમારી પરિસ્થિતિ જાણું છું કાકા એટલે તમારી પાસેથી ઓછી ફી લઈ રહ્યો છું." દિનેશ વિલાસી બોલ્યો. તે જાણતો હતો કે કેસનું જે થવું હોય તે થાય પણ મહા મુશ્કેલીથી મળેલા કસ્ટમર પાસેથી અડધા એડવાન્સ મળે તો પણ ક્યાં ખોટ હતી.
"આપણે કેસ જીતી તો જઈશું ને?" ભોળાકાકા દસ હજાર થેલીમાંથી કાઢતા બોલ્યા. તેમના હાથ અચકાતા હતા.
"તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘેર જઈને આરામ કરો. અમારી રીતે પૂરી તૈયારી કરી લઈશ. તમે પરમદિવસે કોર્ટમાં સમયસર હાજર થઈ જજો." દિનેશ વિલાસીએ કાકાએ જેવા પૈસા ટેબલ પર મુક્યા કે લઇને ટેબલના ખાનામાં મુકી દીધા.
"બધુ તમારા ભરોસા પર છે. પુરા પ્રયત્ન કરજો નહિતર અમે વેરવિખેર થઈ જઈશું !" ભોળાકાકાએ ઉભા થતા ભલામણ કરી.
"હા કાકા, મારા પૂરા પ્રયત્નો રહેશે. તમે બેફિકર રહો." દિનેશ વિલાસીએ કાકાને પ્રણામ કર્યા. દિનેશ વિલાસીએ ચહેરા પર ભોળાકાકા પ્રત્યે સહાનુભૂતિનો ભાવ ઉપસાવ્યો પણ મનમાં એક કસ્ટમરના પૈસા મળવાથી ખુશ થતો હતો.
(ક્રમશઃ...)

***
વાચક મિત્રો, આ કહાની પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર. જો કહાની સારી લાગે તો like & share કરશો...ધન્યવાદ !
Join me on FB :Bharatkumar Pansuriya
bharatpansuriya17@gmail.com