Khana kharabi - 3 - last part books and stories free download online pdf in Gujarati

ખાના ખરાબી - 3 - છેલ્લો ભાગ

મોડી રાત થઈ ચૂકી હતી. ભોળાકાકા ખાટલા પર સૂતા હતા અને તેમની પત્ની પ્રભાબેન તેમની બાજુમાં નીચે જમીન પર ગાદલું પાથરી સુતા હતા. ભોળાકાકાના સુખી અને શાંત જીવનમાં અચાનક જ વિઘ્ન આવી ચડ્યું. કાલે સવારે કોર્ટમાં હાજર થવાનું હતું. એ બાબતે તમને ઊંઘ આવવા દીધી ન હતી. ગયા જન્મમાં કશાક પાપ કર્યા હશે તેઓ મનમાં અહેસાસ થવા લાગ્યો. પથારીમાં આમથી આમ પડખા ફેરવી રહ્યા હતા. પ્રભાબેન પણ પતિની મન:સ્થિતિ જાણતા હતા. તેમને પણ ઊંઘ આવતી ન હતી. આખરે તેઓએ ઉભા થઇ પતિના કપાળ પર હાથ મુક્યો.
"તમારું કપાળ તો ધગે છે. તાવ આવ્યો લાગે છે ! લાવો હું તમને માથાપર પોતા મુકી દઉં." પ્રભાબેન જેવા લેવા જવા પગ ઉપાડ્યો કે ભોળાકાકાએ હાથ પકડી લીધો.
"ના, આતો જરા માથું દુખતું હતું એટલે શરીર ગરમ થઈ ગયુ છે." ભોળાકાકા ધીરેથી બોલ્યા.
"તો લાવો, તમને માથું દબાવી આપું. તમે નાહક ચિંતા કરો છો એટલે જ માથું દુખે છે. જે થવાનું હશે તે થશે." પ્રભાબેનને પણ ચિંતા સતાવી રહી હતી. વર્ષોથી જે ઘરમાં રહ્યા હોય અને વર્ષોથી પતિ ધંધો કરતા હોય. જેનાથી ઘરનો ગુજરાત ચાલતું હોય તેના પર કોઈ સંકટ આવી પડે તો સ્ત્રીને સૌથી પહેલા ચિંતા થાય તે સ્વાભાવિક છે. પણ ભોળાકાકા ચિંતા ઓછી કરે તે હેતુથી પોતાના મનની વાત પ્રભાબેન છુપાવી રહ્યા હતા.
"આપણે તે વળી ક્યાં સંતાન છે કે ઘરની, પૈસાની મોહમાયા હોય જેમના માટે આપણે પાછળ આ મૂકી જવાના હતા તે જ નથી. તો પછી ચિંતા કરવાથી શો ફાયદો ? વળી, તમારી તબિયત પણ સારી રહેતી નથી. ચિંતા કરવાથી વધુ તકલીફ થશે." પ્રભાબેનને વર્ષોથી જે વાતનો બળાપો હતો તે આજે પતિની તબિયત સારી રહે તે માટે સહજ રીતે કહી દીધો.
"પણ પ્રભા, મેં આપણી દુકાનને આપણો પુત્ર માન્યો છે અને ઘરને જ આપણી પુત્રીમાંની જતન કર્યું છે. એ જ હવે છીનવાઈ જશે. એ બાબતની ચિંતા જ મનને વ્યાકુળ બનાવી દે છે." ભોળાકાકાએ પ્રભાબેન નો હાથ માથા પરથી લઇ ને પોતાની છાતી પર લાવી દીધો. રાતના અંધારામાં ચંદ્રનો પ્રકાશ ભોળાકાકાની ઓસરી પર પડી રહ્યો હતો. ચંદ્રના તેજને લીધે આંખમાં આવી ગયેલા જળજળીયાને પ્રભાબેન સ્પષ્ટપણે જોઈ શકતા હતા.
"સારું છે, આપણને સંતાન નથી. મહિના પહેલાં જ ની વાત યાદ કરોને ! શાંતાબેન અને વિઠ્ઠલદાસના પુત્રએ એમની પોળનું મકાન વેચી નાખ્યું અને સેટેલાઈટ વિસ્તારમાં બંગલામાં રહેવા જતા રહ્યા. માતા-પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા. આજના જમાનામાં આવા કિસ્સાઓ વધવા માંડ્યા છે. ત્યારે આપણને કોઈ સંતાન નથી એ વાતનું દુઃખ નથી થતું. અઠવાડિયા પહેલા આપણે જ્યારે શાંતાબેનને આપણા ઘેર રહેવા માટે લેવા ગયા હતા. ત્યારે તેમણે આપણને ચોખ્ખી ના પાડી દઈ કહ્યું હતું કે હવે તેમને ત્યાં ફાવી ગયું છે. માટે જ તમને કહું છું કે બધું ભગવાન પર છોડી દો. જો કદાચ આપણે કેસ હારી જઈએ તો આપણને પણ ત્યાં ફાવી જશે." પ્રભાબેનની વાતોમાં ઉદાસી હતી પણ આજના જમાનાની કટુ વાસ્તવિકતા તેમના નજરે જોયેલી. તેથી તેમણે મન મક્કમ બનાવી લીધું હતું.
"તું સાચું કહે છે પ્રભા, ભગવાન પર ભલે બધું છીનવી લે પણ તને મારાથી નહીં છીનવી શકે. તુજ મારો સહારો છે. ચાલ સુઇ જા, કાલે કોર્ટમાં જવાનું છે." ભોળાકાકાએ પ્રભાબેનના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. પછી પડખું ફેરવી ભગવાનનું નામ લઈને આંખ બંધ કરી.
***
કોર્ટની કાર્યવાહી શરૂ થવાની હજી વાર હતી. ભોળાકાકા, પ્રભાબેન અને નિશાંત તો ક્યારના આવી ને ઉભા હતા. ભોળાકાકાની આંખો વકીલને શોધી રહી હતી. આખરે આરામથી ટહેલતા-ટહેલતા દિનેશ વિલાસી ભોળાકાકા પાસે આવ્યા. અને બધા તેમની પાછળ પાછળ કોર્ટની અંદર ગયા ભોળાકાકાનું મન ક્યાંય સ્થિર ના હતું. પહેલા કોઈ દિવસ આવી પરિસ્થિતિનો સામનો કરવો જ નહોતો પડ્યો. વળી કોઈ દિવસ તેમને કોઈ સાથે બોલાચાલી પણ થઈ ન હતી. ધનંજય મેહતાનો વકીલ આવી પહોંચ્યો. વકીલ સુધીર કૌશલનું ક્રીમીનલ કેસની વકીલાતમાં નામ ગુંજતું હતું. આ તો એમના માટે મામૂલી કેસ હતો. તેમણે ફોન પર ધનંજય મહેતાને જણાવી દીધું હતું કે 'ચિંતા ન કરશો. તમારો જાજો સમય નહીં બગડે. કોર્ટની કાર્યવાહી શું થયાના દસ મિનિટ પછી આવજો અને બીજી 10 મિનિટમાં કેસ પૂરો થઈ જશે.' ફક્ત થોડા સમયમાં જ કેસનું સોલ્યુશન આવી જશે એવું એમનો ભરપૂર આત્મવિશ્વાસ તેમજ અનુભવ બોલતો હતો. જજ સાહેબ આવ્યા અને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.
"જજ સાહેબ, મારા ક્લાયન્ટ ભોળાકાકા પક્ષે હું કંઈક કહેવા માંગું છું. મને ઇજાજત આપો ." દિનેશ વિલાસી બોલ્યા.
"ઈજાજત છે."
"ભોળાકાકા વર્ષોથી તેમની ફરસાણની દુકાન ચલાવે છે. અત્યાર સુધીના અસંખ્ય ગ્રાહકો તેમની દુકાન ખમણનો સ્વાદ લઈ ચૂક્યા છે અને લેતા આવે છે. ક્યારેય કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ થઇ હોય તેવું ના તો ભોળાકાકાને, ના તો તેમની આજુ બાજુની દુકાનવાળાને કે ના તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. તેથી આ બાબત જ મોટી સાબિતી છે કે વર્ષોથી ચાલતા આવતા તેમના ફરસાણના આ ધંધામાં કોઈ ભેળસેળ કરતા નથી. તેમ છતા અહીં હું તેમનો એક નિયમિત ગ્રાહકને સાક્ષી તરીકે રજૂ કરવા માંગું છું.
"ઈજાજત છે."
"થેન્ક યુ, માય લોર્ડ"
નિશાંત ઉભો થઈને ગવાહીનાં કઠેડામાં આવીને ઉભો રહ્યો અને ગીતાની સાક્ષીના સોગંદ લીધા.
"હા, તો મિ. નિશાંત તમે કયારથી ભોળાકાકાનો ગ્રાહક છો?"
"હું નાનપણથી જ તેમનો ખમણ ખાતો આવ્યો છું." નિશાંત બેફિકર બોલ્યો.
"હા, તો આટલા વર્ષોથી તેમના તમે ખમણ ખાતા આવ્યો છો તો ક્યારેય ઝાડા-ઉલટી અથવા કોઈ બીમાંરી તેમના ખમણ ખાધા પછી તો થઈ હશે ને ?"
"ના, ક્યારેય નહીં મને તાવ ઘણી વખત આવ્યો છે પણ તેમના ખમણ ખાવાથી ક્યારેય કશું થયું નથી."
"ધેટ્સ ઓલ માય લોર્ડ, બીમારી તો ઘણા લોકોને ઘણા કારણોથી થતી હોય છે તેવી જ રીતે મિ. નિશાંતને તાવ ઘણી વખત આવ્યો છે. પરંતુ ભોળાકાકાના ખમણ ખાવાથી તે ક્યારેય બીમાર થયા નથી." દિનેશ વિલાસીએ રૂઆબથી પોતાનું વાક્ય પૂરું કર્યું.
"જજ સાહેબ, હવે હું એમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું." સુધીર કૌશલ ઉભા થઈને બોલ્યા. તે જ સમયે ધનંજય મેહતા પણ કોર્ટમાં આવી પહોંચ્યા અને તેમના સેક્રેટરીની બાજુમાં ચેર પર બેસી ગયા.
"ઈજાજત છે." જજ સાહેબ ફરીથી એ જ વાક્ય બોલ્યા.
"થેન્ક યુ માય લોડ, તમે ક્યાં રહો છો તે જણાવશો ?"
"ઓબ્જેકશન માય લોર્ડ, ક્યાં રહેવાનું છે એ બાબતને આ કેસથી શું લાગે-વળગે? મિ. સુધીર કૌશલ ખોટો સવાલ પૂછી રહ્યા છે." દિનેશ વિલાસી ઉભા થઇ ગયા.
"આ પ્રશ્નનું કનેક્શન કેસ સાથે જ છે. એ હું તમને સાબિત કરી બતાવીશ. મને ઇજાજત આપો."
"ઓકે, તમે પૂછી શકો છો."
"હા, તો તમે તમારૂ એડ્રેસ જણાવશો મિ.નિશાંત ?"
"હું ગોમતીપુરમાં, ગોકળદાસ ની ચાલીમાં ત્રણ નંબરના મકાનમાં રહું છું." નિશાંત અદબપૂર્વક બોલ્યો.
"જજ સાહેબ, હવે હું તમને એડ્રેસ પુછવાનું કારણ જણાવું છું. મોટાભાગના લોકો જે ચાલીમાં કે પછી ઝુપડપટ્ટીમાં રહે છે. તેઓ લોકો ચટાકેદાર અને મસાલેદાર આચર-કૂચર જંક ફૂડના વધુ શોખીન હોય છે. આવા લોકોનું ગ્રાહકવર્ગ મોટો હોવાથી ફરસાણવાળા તેમજ નાસ્તાની લારીઓવાળા કસ્ટમરને ટકાવી રાખવા તેઓ અમુક પ્રકારના પદાર્થોનો ઉપયોગ તેમની બનાવટમાં કરતા હોય છે. આ પદાર્થોને લીધે જ તેમનો નાસ્તો લોકોને વધુ સ્વાદિષ્ટ લાગે છે. રોજ જંક ફૂડ ખાવાવાળા લોકોને આ પ્રકારનો ખોરાક કોઠે પડી ગયો હોય છે. પણ તેઓ જાણતા નથી કે આ ધીરે ધીરે અપાતું ઝેર છે. લાંબા સમયે ભયંકર રોગ થવાની સંભાવના રહે છે. અને તેમના પ્રુફ પણ મારી પાસે છે. આ જ પ્રકારે ધંધા કરનારને લીધે ખાવા પીવાથી થતા રોગોના કેસ છાપામાં અઢળક વખત છપાય છે. તેમાંના અમુક નકલો આ રહી તેમજ તેમની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં થયેલ છે તેની નકલ પણ જોડે એટેચ કરેલી છે. ધનંજય મેહતાનો મેડિકલ રિપોર્ટ તેમાં સામેલ કરેલ છે." સુધીર કૌશલ પુરા કુનેહપૂર્વક બધું એક સામટું બોલી ગયા અને કેસને પોતાની તરફેણ કરી લીધો. જજ સાહેબે બધી નકલો જોઈ અને તપાસીને પોતાના ચોપડામાં કંઈક તાક્યું. ધનંજય મહેતા કોઈ ચાલાક શિકારીએ તિર છોડ્યું હોય અને બરાબર નિશાન પર લાગ્યું હોય તેવી અદાથી ખુશ થઇ રહ્યા હતા. જ્યારે ભોળાકાકાને શું થઈ રહ્યું હતું તે કશી ખબર પડી રહી ન હતી. તેનું મન પહેલાથી જ કોટની કાર્યવાહી જોઈને બેબાકળું થઈ ગયું હતું.
"હવે, મિ. ધનંજય મહેતાને બોલવવા માંગુ છું."
"ઈજાજત છે." ધનંજય મહેતા ગવાહીનાં કઠેડામાં આવ્યા.
"હા, તો મિ. ધનંજય મહેતા જે દિવસે તમારી તબિયત ખરાબ થઈ તેની આગલી રાતે તમે ભોજનમાં શું લીધું હતું ?"
"આગલી રાતે હું અને મારા સેક્રેટરી સાથે મિટિંગ પતાવી ઘર તરફ આવી રહ્યો હતો. મને ભૂખ લાગી હતી. તેથી રસ્તામાં જ નાસ્તો કરવા માટે સેક્રેટરી મને ફરસાણની દુકાને લઇ ગયો. મેં તેમના ખમણ ખાધા પછી ઘરે જઈ કશું બીજું ભોજન લીધું ન હતું. મને બરાબર યાદ છે."
"પણ તમે તો મોટા બિઝનેસમેન છો તો પછી આવી નાની અમથી દુકાનમાં કેમ ખમણ ખાવા ગયા? "
" એકચ્યુલી, મારો સેક્રેટરી ઘણી વખત તેમને ત્યાંથી ઓફિસ પર ખમણ મંગાવતો અને હું ફક્ત ક્યારેક ટેસ્ટ કરતો તે દિવસે મને બરોબર ભૂખ લાગી હતી અને ત્યાંથી નીકળવાનું થયું. અમે અચાનક જ ત્યાં જઈ ચઢ્યા પણ બીજા દિવસની હાલત પરથી મને ખ્યાલ આવ્યો કે ત્યાં જવા કરતાં કોઈ બીજી સારી હોટલમાં ગયા હોત તો મારે બીમાર થઈ બે દિવસ ઘરે બેસવાનો વારો ન આવત." ધનંજય મહેતા કોઈ વ્યક્તિ સાથે ડીલ કરી રહ્યા હોય એવા અંદાજમાં બોલી રહ્યા હતા.
"માય લોર્ડ, કહેવાય છે કે માણસ લાલચમાં આંધળો થઈ જાય છે. કંઇક એવું જ થયું છે ભોળાકાકા સાથે. આમ તો આ પ્રકારના ફરસાણવાળાનું ભેળસેળ કરવાનું પ્રમાણ ઓછું હોય છે. કારણ કે વધુ ભેળસેળ કરે તો લોકોને ખબર પડી જાય અને તે દિવસે મિ. ધનંજય મહેતા જ્યારે તેમની દુકાને ગયા ત્યારે તેમનાથી વધુ ભેળસેળ થઈ ગઈ હતી. અને તેની અસર મારા ક્લાયન્ટને ભોગવવી પડી. તેમના ખમણ ખાવાથી તેમને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને સતત બે દિવસ મજબૂર થઈને ઘરે આરામ કરવો પડ્યો. વળી તેમના આ બે દિવસ ને કારણે એક કોન્ટ્રાક્ટ પણ હાથમાંથી જતો રહ્યો અને તેમને ધંધામાં ત્રણ લાખનું નુકશાન થયુ. તો મારા ક્લાયન્ટને તેનું વળતર મળવું જોઇએ. તે સાથે સમાજના આરોગ્ય સાથે થતાં આ પ્રકારના ખિલવાડને પણ સરકારે બંધ કરાવવા જોઈએ. ધેટ્સ ઓલ માય લોર્ડ !" સુધીર કૌશલે તેમનું અંતિમ વાક્ય પૂરું કર્યું. અને બધા જજ સાહેબના ચુકાદાની રાહ જોવા લાગ્યા.

***

"કોર્ટ, મિ. ભોળાભાઈને તેમને ભેળસેળના ગુના બદલ મિ. ધનંજય મહેતાને તેમના નુકસાનના વળતર પેટે 3 લાખ ૧૫ દિવસમાં ચૂકવવા આદેશ આપે છે. અને જો તે ના ચૂકવી શકે તો તેમની મિલકતને લીલામ કરવા મંજૂરી આપે છે. વળી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સરકાર સજાગતા દર્શાવતા તેમની ફરસાણની દુકાન સીલ કરવા આદેશ આપવામાં આવે છે." જજ સાહેબએ ચુકાદો આપી સાઈન કરી. સાહેબ કાયદાના રક્ષક બની એક નિર્દોષ વ્યક્તિના જીવનના ભક્ષક બની ગયા.
જજ સાહેબ ઉભા થતા બધા તેમની સાથે ઉભા થયા. જજ સાહેબ ચાલ્યા ગયા સાથો સાથ તેમની સાથે કોર્ટમાં હાજર બધા લોકો પણ જતાં રહ્યા. ભોળાકાકા ચાાલવા ગયા પણ ફસડાઈને પાછા બાકડા પર બેસી ગયા. વર્ષોથી અડીખમ ઉભેલા બિલ્ડીંગનો પાયો તુંટતા કક્કડભુસ પડી ભાંગે તેમ ભોળાકાકા તૂટી ગયા હતા. પ્રભાબેનની આંખોમાં પણ આંસુ વહી રહ્યા હતા. તેમની સંપત્તિ લૂંટાઈ ગઈ હતી પણ તેમને સૃષ્ટિ બાજુમાં જ હતા. તેમને સંભાળવા માટે કોશિશ કરી રહ્યા હતા. નિશાંતે પણ તેમની બાજુમાં જઈ તેમનો હાથ પકડી લીધો. તેમનો વકીલ તો કોર્ટનો ઓર્ડર સાંભળતા જ રફુચક્કર થઈ ગયો હતો. ભોળાકાકાને પ્રભાબેન અને નિશાંત ધીમે ધીમે પગથિયાં ઉતારી રહ્યા હતા. તેઓને નીચે લાવી પ્રભાબેન ભોળાકાકાને બાજુના ઓટલા પર થોડો આરામ કરવા બેસાડ્યા. નિશાંત પણ મનમાં સમસમી રહ્યો હતો. ભોળાકાકાની હાલત પર તેને દુઃખ પણ થઇ રહ્યું હતું પણ તે ચાહવા છતાં કાંઈ ન કરી શક્યો.
ધનંજય મહેતાના નોકર હકુ અને મેઘલી ફરવા જવા ઈચ્છતા હતા. તેથી હકુએ ગામડે તેના સબંધી બહુ બીમાર થઈ ગયા છે તે બહાના હેઠળ 5000 રૂપિયા અને દસ દિવસની રજા માંગી હતી. ધનંજય મહેતા નવા જ રાખેલા નોકર પર પૂરો વિશ્વાસ ન મૂકતાં. ફક્ત ૧૦૦૦ રૂપિયા અને ત્રણ દિવસની જ રજા મંજૂર કરી હતી. ત્યારથી હકુએ મનમાં બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને ધનંજય મહેતાને હેરાન કરી નાખવાનો પ્લાન ઘડી કાઢયો હતો. તે દિવસે મોક્કો જોઈ તેણે મેઘલી દ્વારા જ્યુસમાં દવા ભેળવી દીધી અને તેની સજા બિચારા ભોળાકાકાને ભગવાનો વારો આવ્યો. ધનંજય મહેતા તેમના વકીલને ધન્યવાદ કહી આવી રહ્યા હતા. તેઓ તેમની ગાડી નજીક જઈ રહ્યા હતા. ત્યાં જ ભોળાકાકાને નજર બાજુમાં પડેલા ઈટના નાના ટુકડા પર પડી. તેમના મનમાં તરત જ ક્રોધ આવ્યો. તેણે ધનંજય મહેતા સામે જોયું અને ફરી ઈટના ટુકડા સામે જોયું. તેમને ખુન્નસ ચડી ગયું. તેમણે તરત જ ટુકડા હાથમાં ઉપાડ્યો અને ધનંજય મહેતાના માથા પર છુટ્ટો માર્યો. ઈટનો ટુકડો સીધો જ તેમનામાં સાથે ભટકાયો. ધનંજય મહેતાના માથે લોહીની ટશળી ફૂટી ને લોહી વહેવા લાગ્યું. ધનંજય મહેતા ભોળાકાકાને જોઈ ગયા. તેમને જેવો તેના તરફ જવા પગ ઉપાડ્યો કે તેને ચક્કર આવવા લાગ્યા. સેક્રેટરીએ તરત જ તેમને ઝાલી લઇ માથા પર પટ્ટી બાંધી ગાડીમાં બેસાડી દીધા. અને ગાડીને સીધી હોસ્પિટલ તરફ દોડાવી. અને ભોળાકાકા પાછા ઓટલા પર ઢસલી પડ્યા. કોઈનું ક્યારેય ખરાબ ન ઇચ્છનારા ભોળાકાકાને સમાજે અને પરિસ્થિતિએ થોડુંક ખરાબ કરવા તો મજબુર કર્યા જ પણ તે સાથે સમાજે અને કહેવાતા ઉંચા વ્યક્તિઓએ તેમનું જીવન હંમેશા માટે ખરાબ કરી નાખ્યું.!
(સમાપ્ત !)
***
વાચક મિત્રો, આ કહાની સમાજમાં રહેલા દુષણ પ્રત્યે ધ્યાન દોરવા માટે એક નાનો પ્રયાસ છે. પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર. જો કહાની સારી લાગે તો like & share કરશો...ધન્યવાદ !
Join me on FB :Bharatkumar Pansuriya
bharatpansuriya17@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો