કવિ કાગ - જીવન અને કવન મનોજ જોશી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિ કાગ - જીવન અને કવન

કંઠ, કહેણી અને કવિતાના કલાધર કવિ શ્રી દુલા ભાયા કાગ
જીવન અને કવન


"ગિરા ધોધ ગંગા ગવન જન પંખીકે પ્રાગ,
ભારતના કવિઓમાં ભૂષણ,(તને)વંદન કરૂ કવિ કાગ."

સૌરાષ્ટ્રના કોઈ લોક કવિનો આ દુહો કાગબાપુનાં જીવન-કાર્ય પર સુંદર પ્રકાશ પાડે છે. લોકબોલીના વાલ્મિકી અને લોકસરવાણીના ભગીરથ એવા કવિ શ્રી દુલાભાયા કાગનાં જીવન વિષે તો ગ્રંથોના ગ્રંથ લખાય, પણ અહીં સંક્ષેપમાં એમની જીવન-ગંગાનું પાવન આચમન કરીએ.

"દાઢીવાળા દેખિયા નર એક રવીન્દ્રનાથ,
(દુજો) સરપટ્ટણી સમરથ, દેવ ત્રીજો તું દુલિયા.."

આંગણકા ગામના ગઢવી શ્રી ગીગાભાઈ કુંચાળાએ ઉપરનો દુહો લખ્યો છે. ત્રણ દાઢીવાળા દેવ-પુરુષોના નામનો અહીં ઉલ્લેખ છે. એમાંના ત્રીજા શ્રી દુલા ભાયા કાગ છે, જેમને આપણે ભાવ, પ્રેમ અને આદરથી 'ભગતબાપુ' અથવા 'કાગબાપુ' તરીકે ઓળખીયે છીએ.૨૫-૧૧-૧૯૦૩માં તેમનો જન્મ. અને ૨૨-૨-૧૯૭૭ના રોજ મૃત્યુ. ૭૪ વર્ષની તેમની જીવનયાત્રા.
ચારણકુળમાં પાકેલું આ રતન લોકબોલીના વાલ્મિકી છે. લોકકવિ તરીકે લોકહૈયામાં તેઓ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. તેમની લોકબોલીમાં સર્જાયેલી તળપદી શૈલીની કાવ્ય રચનાઓ, લોકગીતો, ભજનો, દુહા- છંદો- બધામાં ક્યાંય કેવળ વાણી- વિલાસ જોવા મળતો નથી, તેમાં ગહનતા જણાય છે. શબ્દની સરળતા હોવા છતાં, ભાવનું ઊંડાણ છે. જે ભાવકને વિચારવા પ્રેરે છે. તેમની રચનાઓમાં ચિંતન છે, બોધ છે. સાદું, સારું અને સાચું જીવન જીવવાની ચાવી તેમનાં કવનમાં છે.
આવા આ સમર્થ લોકકવિનું જન્મસ્થાન સોડવદરી. રાજુલા તાલુકાના મજાદર ગામે એ કાળમાં કર્મયોગી, માલધારી-ખેડુ પિતા ભાયાભાઈ કાગની રાજુલા-મહુવા પંથકમાં હાક વાગે. 'ભરાડી' તરીકેની ભાયા કાગની છાપ, પણ રોટલે પહોળો જણ. ઘરે રોજ પોણો પોણો મણનાં દળણાં દળાય. કાગના ખોરડે આવેલો અતિથી ઉજળો આવકારો પામે અને અન્નપૂર્ણા સમા માતા ધાનબાઈના વત્સલ હાથે પીરસાયેલું ધાન પામીને અભયાગત ધન્યતા અનુભવે....!
વિકટર ગામે ધૂળી નિશાળમાં પાંચ ચોપડી સુધીનું ભણતર ભણેલ બાળક દુલાએ, દસ વર્ષની ઉમરે ઉઘાડા પગે અને ઉઘાડા માથે ગાયો ચરાવવાનું વ્રત લીધું. એક ખભે ગોળી-લાઠી, બીજા ખભે ઝોળી. ઝોળીમાં દુંદાળા દેવ ગજાનનની મૂર્તિ અને હાથમાં રામાયણ લઈને વન-વગડે વૃક્ષોના છાંયડે ગાય માતાઓને ચરાવતા ; હલક ભર્યા કંઠમાંથી દેવીપુત્રોની સ્વાભાવિક લયબદ્ધતાથી ભજનો લલકારે, ને કાં તો પછી માળા પર નામ- સ્મરણ જપે. ભક્તના હૈયાની ભાવનાની ભગવાને ભાળ લીધી, ને સદ્દગુરુ મુક્તાનંદ સ્વામી મળ્યા. સંત મુક્તાનંદજી એક વાર પીપાવાવ ગામમાં ગીગા રામજીને ત્યાં પધારેલા. દુલા કાગે સંતને કહ્યું કે -
“મારે તો કચ્છ જઈને પિંગળની પાઠશાળામાં અભ્યાસ કરવો છે.”
સંતે કિશોરની આંખમાં જોયું. સદ્દગુરુની દ્રષ્ટિમાં આશ્રિતના હૈયાની અધ્યાત્મને આંબવાની તાલાવેલી ઝીલાણી. સ્વામીજીએ કિશોર કાગની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી, એની ભોળી-સરળ-જિજ્ઞાસુ આંખમાં કરુણાભરી આંખ પરોવીને સંતે કહ્યું કે - “ક્યાંય જવાની જરૂર નથી. બેટા, બધું અહીં જ છે. જા, જઈને સવૈયો લખી લાવ.”
ગુરુની આજ્ઞાથી દુલા કાગે માત્ર સત્તર વર્ષની વયે સવૈયા લખ્યા, જેણે પછી એને સવાયો ચારણ જ નહીં, મુઠ્ઠી ઊંચેરો માનવી પણ બનાવી દીધો ! એ વખતે કિશોર દુલાએ પોતાની આંતરિક અનુભૂતિને શબ્દ દેહે આ રીતે કંડારી હતી -
"दोड़त है मृग ढूंढत जंगल ,बंद सुगंध कहाँ बन बासे ;
जानत ना मम नाभि में बंद , त्युही बिचारि मन मृग त्रासे ;
क्यूँ तहाँ नर शठ रहे हरी खोजत ,
भ्रमत थकी चित ज्ञान न भासे;
काग कहे हे गुरु मुक्तानंद, आप ही आतम ज्ञान प्रकाशे।"
અહીં એક વિશેષ વાત ઉલ્લેખવી રહી કે રાજુલા પંથકમાં એ વખતે પ્રખ્યાત એવી ત્રણ જણાની ત્રિપુટી હતી, જેને લોકો આજે પણ અનન્ય પ્રેમાદર સાથે યાદ કરે છે. એ ત્રણ માટેની એક ઉક્તિ પ્રસિદ્ધ થઇ છે -
”કનુ, કલ્યાણજીને કાગ, એના જીવતરમાં નઈં ડાઘ.”
કનુ એટલે કનુભાઈ લ્હેરી - આરઝી હકુમતના સેનાની અને સમર્પિત લોક સેવક. કલ્યાણજી એટલે ડુંગર ગામનાં નાના વેપારી પણ ઉજળા આચાર અને ઉમદા આતિથ્યના ધણી. અને ત્રીજા કાગ એટલે આપણા ભગતબાપુ- કવિ કાગ. જેણે રામાયણના કાગભુસુંડીજીની માફક જગ ઉપકારક ઋષિ-કાર્ય કર્યું છે. તેમના હોઠેથી જ નહીં, પણ હૈયેથી પ્રકટેલી વાગ્ધારા “કાગવાણી” બનીને લોકજીભે રમતી થઇ. લોકસાહિત્યનો એક નવો અધ્યાય જાણે કે શરૂ થયો. મજાદરના પાદર રૂપી ગોમુખથી પ્રકટેલી કાગની કાવ્ય ધારા પછી તો અસ્ખલિત ધોધ બનીને લોકગંગા બની ગઈ. શ્રી પ્રવીણભાઈ લ્હેરી લખે છે કે -
“ગાયો ચરાવતા ચરાવતા પીપાવાવ મંદિરમાં સંત સમાગમે કવિતાની સરવાણી ફૂટી નીકળી.... કવિ કાગના સથવારે જ મેઘાણીભાઈ લોકસંસ્કૃતિને સુપેરે ઉજાગર કરી શક્યા.”
ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર તેમ જ લોક સરવાણી દ્વારા લોકસંસ્કૃતિ અને લોક સાહિત્યને નવજીવન આપનાર કવિ કાગને ૧૯૬૨માં ગુજરાત સરકારે “પદ્મશ્રી” થી વિભૂષિત કર્યા. સમસ્ત ચારણ સમાજમાં આજ સુધીમા કુલ ચાર મહાનુભાવો ‘પદ્મશ્રી’ થી વિભૂષિત થયા છે. કવિ કાગને સામાજિક સેવાઓ અને ગ્રામોદ્ધારની પ્રવૃતિઓ માટે, %રાજસ્થાનના શ્રી સીતારામજી લાળસને સાહિત્યિક સેવાઓ માટે, રાજસ્થાનના શ્રી ચંડીદાનજી દેથાને ખેતીવાડી તથા સહકારી પ્રવૃત્તિ માટે અને તાજેતરમાં જ શ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોકસાહિત્યના કલાધર તરીકે આ સન્માન પ્રાપ્ત થયું છે.
મેઘાણીભાઈએ કાગબાપુ સાથેની પ્રથમ મુલાકાતની વાત આ રીતે આલેખી છે -
“પાણકોરનું ધોતિયું, પાણકોરનો ડગલો, પાણકોરનો ફેંટો, ગળે એક પછેડી, કાળી લાંબી દાઢી અને માથા પર કાળા કેશનો ચોટલો. પાણીદાર છતાં પ્રશાંત આખો; આજે યાદ કરું છું, ત્યારે લાગે છે કે દીદારમાં અભિમાન, કડકાઈ અને વધુ પડતી ટાઢાશ. પણ કવિ કરતાં ય કંઇક તો બાવા-સાધુ જેવા ભાસેલા.
રાત્રે એમણે સ્તુતિના ઝડ-ઝમકિયા છંદો ગાયા, ત્યારે એમના ઘેરા ગંભીરા, મંદિર ઘુમ્મટના ઘંટ રણકાર શા કંઠનો પરિચય થયો. છંદોની જડબાતોડ શબ્દગૂંથણીને આસાનીથી રમાડતી એમની જીભની શક્તિ દેખી.....એમની કવિતા નવા યુગના રંગોમાં ઝબોળાતી હોવા છતાંય પોતાનું ઘટ્ટ, કઢાયેલુ કાવ્યત્વ પાતળું પડવા દેતી નથી. એના ગીતોનો શબ્દ મરોડ વધુને વધુ ચોટદાર, સંગીતમય અને દ્રવતો બન્યો છે......ભગતજી જયારે ગાતા હોય, ત્યારે એમના કંઠમાં એકતારો મંડાઈ જાય છે. એ ગાન ઉર્મિઓના કપાટો ખોલાવે છે. આત્માને જો કોઈ વાચા હોય તો તે આવી દુહા-ગીતોની ટપકતી વાચા હજો.”
૧૨-૦૨-૧૯૭૭ના રોજ કવિ સ્થૂળ દેહથી વિદાય થયા, પણ શબ્દ દેહે તેમને અજરામર બનાવ્યા છે.
- આવા ભગતબાપુના કાગ પરિવારનું ગુરુદ્વારા અખેગઢ છે. કાગ પરિવારના સૌ ને અખેગઢના રામજી મંદિરની ગાદીએથી મંત્ર દિક્ષા મળે છે. અખેગઢના વર્તમાન ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી વસંતબાપુએ પોતાના સાડા છ દાયકા પૂર્વેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે - “મારી પાંચ વર્ષની ઉમરે મારા ગુરુએ મને દિક્ષા આપી. અને તેમના પછીના ગાદીવારસ તરીકે ઘોષિત કર્યો, એ પ્રસંગના સાક્ષી તરીકે શ્રી કાગબાપુ ત્યાં ઉપસ્થિત હતા. ”
૧૯૯૮માં પૂજ્ય મોરારિબાપુના વરદ્ હસ્તે કવિના ગામ મજાદરનું “કાગધામ” નામાભિધાન થયું. શ્રી બળવંત જાની લખે છે કે –
‘કવિના નામથી કોઈ ગામનું નામ સ્થપાયું હોય અને કોઈ યોગી, સંસ્કાર-પુરુષના હસ્તે તે થાય, એ ઘટના દુનિયામાં કદાચ વિરલ હશે.’
આવા પદ્મશ્રી કવિ, પદ્યશ્રીની સાથોસાથ ગદ્યશ્રી પણ હતા. ડાયરાઓમાં અગણિત શ્રોતાઓ સમક્ષ વહેતી એમની અનન્ય ઉપમાઓ ભરી, મસાણમાંથી મડદાંને પણ બેઠાં કરી દે તેવી બળુકી અને પાણીદાર વાણી હતી. કાગબાપુએ કોઈ ગદ્ય નું લેખન કર્યું નથી, પણ કાગવાણી પછી એમણે ‘બાવન ફૂલડાંનો બાગ’ આપ્યો છે. એમાં કાવ્યો નથી, લેખો નથી, પણ ૨૬૦૦ જેટલા સૂત્રાત્મક સુવાક્યો છે. એની પાછળની વાત એવી છે કે કાગબાપુ પોતાના સ્વજનોને પત્રો લખતા, એમાં સુવાક્યો ટાંકવાની એમને ટેવ હતી. ‘સૌરાષ્ટ્રના શ્રેષ્ઠી' શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાને કાગબાપુએ પત્રો લખેલા. પત્રોમાં ટાંકેલા આવા બધા સુવાક્યો શ્રી નાનજીભાઈને બહુ સ્પર્શી ગયા. તેમણે કાગબાપુને આવાં સુવાક્યોનો સંગ્રહ પ્રકટ કરવાનું સુચન કર્યું. એના સુફળ રૂપે ‘બાવન ફૂલડાંનો બાગ’ પ્રકટ થયો. એની પ્રસ્તાવનામાં શ્રી પિંગળશી ભાઈએ લખ્યું છે કે - “એમાં સનાતન સત્યથી ભરપુર મહાવાક્યો છે,વ્યવહાર નીતિની અનેક શિખામણો છે, રાજનીતિના બોધપાઠો છે, માનવ સ્વભાવના વિવિધ પાસાંઓનું વિષ્લેષણ છે.......બધું તેમણે પ્રાસાદિક રીતે- મુલાયમ સ્પર્શથી- કર્યું છે.”

મજાદરનો માડુ - દુલા કાગ
- - - - - - --------------- - -
મજાદર જેવાં ખોબાં જેવડાં ગામનાં ચારણનો ગો-સેવાનો વ્રતધારી, માત્ર પાંચ ગુજરાતી ભણેલો દીકરો દુલા કાગ 'ભક્તકવિ' , 'ભગત બાપુ' , 'કાગબાપુ' અને મોરારિબાપુની દ્રષ્ટીએ ‘કાગઋષિ’નું બિરુદ પામી શક્યો, એની પાછળ કેટલીક વ્યક્તિઓએ ભજવેલી ભૂમિકા સ્મરણીય છે.
'દુલા' થી 'દિલેર કવિ કાગ' સુધીની યાત્રાનાં સોપાનમાં સૌ પ્રથમ પરિબળ તો કાગબાપુનો ચારણકુળમાં જન્મ ગણાય! જે હરિના હાથની વાત છે. અસ્તિત્વની યોજનાથી જ આ વૈશ્વિક ચેતના પોતાનાં નિયત જીવનકાર્ય માટે ચારણકુળમાં પ્રકટી. એમનામાં સંવેદનશીલતા, સંસ્કારિતા અને ઉદાત્ત આતિથ્ય ભાવના પ્રકટી - મા ધાનબાઈના વાત્સલ્ય થી - એ બીજું પરિબળ. મહુવા તાલુકાના સોડવદરી ગામે મા ધાનબાઈની કુખે એમનો જન્મ થયો. દીકરો એકાદ વરસનો થયો, ત્યારે મા પિયરના ગામ અમૂલી ગયા. અમુલીના પડખામાં જ બાબરિયાધારનાં ડુંગરમાં દીપડા રહેતા હતા. આઈ ધાનબાઈના પિયરના ઘરે ફળિયામાં કુતરી વિયાંયેલી. ચાર ગલુડિયાની મા ને રાત્રે દીપડો લઇ ગયો. ચારે ગલુડા નમાયા થયા. હજી તો આંખ ઉઘડી નહોતી, એવા મા વિનાના ગલુડિયાનું રૂદન આઈમાથી સહેવાયું નહીં, અને કહે છે કે એકના એક દિકરા દુલાની સાથે જ પંદર દિવસ સુધી બે ગલુડિયાને પોતાની છાતીએ વળગાડીને મા એ પોતાનું દૂધ પાયેલું ! આવી મા ની કુખે પ્રકટેલો આ ઓજસ્વી દીવડો જ મોટપણે લખી શકે કે -
“પોટા સૌ પોતા તણાં,પાળે પંખીડા, બચડા બીજાનાં,કોક જ સેવે કાગડા.”
ત્રીજું પરિબળ - રામાયણ. કાગબાપુનાં જીવન અને કવન ઉપર રામાયણની તીવ્ર અસર જોવા મળે છે. કાગબાપુ લખે છે કે -
“રામાયણ તો મારા હાડ સુધી રમી રહેલ ગ્રંથ છે. એને વાંચતા-વિચારતા હું કદી થાક્યો જ નથી.”
કાગબાપુના અનેક ભજનો રામાયણના પ્રસંગ પર આધારિત છે, અને કેટલાંક પદો રામાયણના પ્રસંગોના આધારે કવિની કલ્પના- થી રચાયેલ છે. પણ લગભગ બધી જ રચનાઓ અપાર લોકચાહના પામી, લોક હૈયે રમતી થઇ છે.
કાગબાપુનાં જીવનનાં આ સિવાય બીજાં ૧૧ મહત્ત્વનાં પાત્રો છે. કાગબાપુના જીવનનાં ટર્નીંગ પોઈન્ટ જેવું પાત્ર છે - બાળમિત્ર હિપો આહીર. પિતા ભાયાભાઈ કાગ જેમની વાત કાયમ માનતા હોય, એવા શ્રી હિપા મોભ. ભાયાભાઈ પોતાના એકના એક દીકરાને સાધુડો બનાવવા માગતા નહોતા, દીકરો પોતાની જેમ ભડવીર બનીને ચારણપણું દીપાવે, એવી એમની ઈચ્છા. એમણે દીકરાને દારૂ પાવાનો હઠાગ્રહ કરી, દીકરો વાત ન માને તો મરી જવા સુધીની તૈયારી કરી, ત્યારે હિપા આહિરે તેમનો હાથ ઝાલીને કહ્યું કે -
“ભાયાકાકા, દુલાનું ચામડું રંગાઈ ગયું છે, એને બીજો રંગ લગાડવો રે'વા દ્યો.”
પિતાની જીદ વચ્ચે હિપા મોભે મધ્યસ્થી ન કરી હોત, તો ભગતબાપુ, ભગતબાપુ ન બની શક્યા હોત ! કાગબાપુએ મોટપણે દુહામાં ગાયું પણ ખરૂં કે-
“પિતા ઉતારે પાઘડી, (તે દિ) વસમી વેળા વીર,
(ત્યારે)ઓડો પડે આહીર, ઠાડણ તું હિપો થીયો.”
મિત્ર હિપા આહીરે બે વખત દુલાકાગ માટે સાચો ધર્મ નિભાવ્યો છે. જો એવું ન થયું હોત, તો પોતાને અજાચી- (અયાચક)- ગણાવનારા કવિ કાગની કલમ રજવાડાના ગુણગાન ગાવામાં એંઠી થઇ ગઈ હોત ! ‘કાગવાણી’ નાં પ્રકાશનમાં ભાવનગરના રાજવીએ આર્થિક મદદ કરેલી અને લીંબડીના રામાયણ -પ્રેમી રાજવી પાસે કવિની વધેલી આવન-જાવન થી જયારે દુલા કાગ રજવાડાના આશ્રિત બનશે, એવા એંધાણ દેખાવા માંડ્યા, ત્યારે હિપા આહિરે ફરી મિત્રધર્મ નિભાવ્યો અને કાગને કહ્યું કે -
‘તારે કદી કોઈની પાસે હાથ લાંબો ન કરવો. જયારે જરૂર પડે ત્યારે સાંગણિયા હાલ્યા આવવું....'
કવિ કાગ કહે છે કે “મારી અયાચકતા જળવાઈ રહી, એનું કારણ હિપો મોભ છે.” કવિ દુહો લખે છે -
“હિપા તમારે હાથ , અજાચી જ થિયા અમે,
(ઈ) ગણની મોટી ગાથ (કેમ) ચૂકવું સાંગણીયા ધણી.”
બીજા - સદ્દગુરુ મુક્તાનંદજી મહારાજ. જેમણે કિશોર કાગની ઝંખના જાણી, તેમને મા સરસ્વતીની ઉપાસનાનું અમૃત આપ્યું.
ત્રીજા, શ્રી કનુભાઈ લ્હેરી. જેમણે કવિ કાગનો પરિચય તત્કાલીન રાજ્યપાલ શ્રીમન્નારાયણજી સાથે કરાવ્યો અને એ પછી કાગબાપુના પ્રભાવશાળી વ્યક્તિત્વ, વક્તવ્ય અને દારૂબંધી તેમજ ભૂદાનયજ્ઞ જેવા સમાજ સેવાલક્ષી કાર્યો બદલ કાગબાપુ- ને પદ્મશ્રીનો ઈલ્કાબ મળ્યો.
ચોથા, રાષ્ટ્રીય શાયર કવિવર ઝવેરચંદ મેઘાણી. લોકસાહિત્યના બન્ને મર્મીઓ પરસ્પર પુરક બન્યા. મેઘાણી પાસે કાગબાપુના સથવારે સૌરાષ્ટ્રની રસધારા ઉભરાણી અને કાગબાપુને મેઘાણીના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષા સુધી માન્યતા મળી.
પાંચમા, મેરુભા ગઢવી. શ્રી જયમલ્લ પરમાર લખે છે કે -
“મેઘાણી અને રાયચુરાના અવસાન પછી કવિ કાગ અને મેરુભાનું મિલન સધાયું. કંઠ અને કવિતા,ભાવ અને ભક્તિ,સૌજન્ય અને સેવાની જુગલબંધી સર્જાઈ. લોકજીવનના વન ઉપવનની કુંજો એમણે મહેકતી રાખી છે.”
કાગબાપુ “મારા ગીત પંખીની પાંખ સમા મેરુભા ગઢવી” તરીકે એમની ઓળખ આપે છે. કારણ કે કાગ બાપુનાં ગીતો-ભજનો, દુહા-છંદને પોતાનો કંઠ આપીને, મેરુભાએ તેમને લોક-પ્રિયતાનાં શિખરે પહોંચાડ્યા છે.
છઠ્ઠા, શ્રી જયમલ્લભાઈ પરમાર. ૧૯૫૮ના ફેબ્રુઆરી મહિનામાં, જુનાગઢમાં ભવનાથના મેળામાં જયમલ્લભાઈએ કાગબાપુને નશાબંધીનું કામ કરવા મનાવી લીધા.૧૯૫૮ના ચૈત્ર માસની રામનવમીથી કાગબાપુએ મજાદરમાં ભાગવત કથા બેસાડી અને ૨૧ ગામોના ૭૦૦ લોકોને દારૂ છોડાવ્યો.
સાતમા, ડુંગરના શ્રી કલ્યાણજી મહેતા. ડો.કુમારપાળ દેસાઈના મતે - "કાગ અને કલ્યાણજીનો સંબંધ દેહ અને દિલનો સંબંધ હતો."
આઠમા છે ગાંધીબાપુ. યુગ પ્રવર્તક મહાત્મા ગાંધીની અસર કવિ કાગની આંતર્-ચેતના પર એટલી બધી પ્રબળ રીતે પડેલી કે તેમણે લખવું પડ્યું -
“ગાંધી સર્વોદય દધિ,ભાસે સૂર્ય સ્વરૂપ,
પ્રભુ કૃપા, અનુકુળ પવન,રવિશંકર ધન રૂપ.”
નવમા, શામળ ગાંધી. આરઝી હકુમતના નેતા એવા શ્રી શામળદાસ ગાંધીએ પોતાની વીરતા,ધીરતા અને સાહસથી આ પ્રજા યુદ્ધને સફળ બનાવ્યું અને સોરઠ પ્રદેશની અખંડતા જળવાઈ રહી. એનાથી પ્રભાવિત થઇ, કાગબાપુએ ‘સોરઠ-બાવની’ ની રચના કરીને શામળદાસની વીરપૂજા કરી છે. દસમા, શ્રી રવિશંકર મહારાજ.
અને અગિયારમા, શ્રી વિનોબા ભાવે. ૧૯૫૧માં બારખબી નાબુદીના કારણથી અનેક જમીન- દારોની જમીન જતી રહી. એનાથી ઘણા જમીનદારો-મોટા ખાતેદારો-નાં મન દુભાયા. કવિ કાગનું માનસ પણ એનાથી સરકાર વિરોધી થયું. એવામાં શ્રી વિનોબાજી પ્રેરિત રવિશંકર મહારાજની ભૂદાન પ્રવૃત્તિની વાત સાંભળી, દુલા કાગ ભૂદાન વિરોધી પ્રચાર કરવા લાગ્યા. એ અરસામાં રવિશંકર મહારાજ ડુંગર આવ્યા. ત્યાં કાગબાપુએ તેમને રૂબરૂ મળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. પણ પછી મહારાજે એમને ભૂદાનની ભાવના સમજાવી. એ પછી કાગબાપુએ પોતાની ૧૦૦ વિઘા જમીન, ૧૦ કુવા, ૨૦ બળદ , ૪૦૦ મણ ઘાસ,૨૦૦ મણ અનાજ અને બે મકાન ભૂદાન યજ્ઞમાં આપ્યા, અને ભૂદાન અંગે ગીતો રચ્યા. પછી રવિશંકર મહારાજ મજાદર આવ્યા, ત્યારે ૧૧૦૦ વિઘા જમીન દાનમાં મેળવી, એ જ વખતે એની વહેંચણી પણ કરાવી દીધી. એ પછી વિનોબાજી ને કેન્દ્રમાં રાખીને ૧૦૮ ગીતોની “ભૂદાનમાળા” પ્રકાશિત કરી. ત્યારબાદ વિનોબાજી ગુજરાતમાં આવ્યા, ત્યારે પોતે સોનગઢ ગયા એ વખતે વિનોબાજીના ૬૪ વર્ષ થયા હતા. તેના જન્મદિન- ની વધાઈમાં ૬૪ વીઘા જમીન દાનમાં આપી. પછી તો તેમની અવાર-નવાર મુલાકાત થતી રહી. તેમનાં રચેલાં ગીતોથી વિનોબાજી ભાવવિભોર બની જતા !
આમ, મારા સ્વાધ્યાય મુજબ, મારી મતિ અનુસાર, મને કાગબાપુનાં જીવન અને કવનમાં પ્રકાશ પાથરનાર એક ગ્રંથ રામાયણ, માતા ધાનબાઇ અને ૧૧ વ્યક્તિ - ચરિત્રો જણાયા છે. જેને ‘વાણી તો અમરતવદા’ ના આધારે આપ સહુ સમક્ષ મૂકીને ધન્યતા અનુભવું છું.

મનોજ જોશી, મહુવા

૯૮૨૪૫૪૩૪૯૭


.