કૂબો સ્નેહનો - 31 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 31

🌺આરતીસોની🌺
પ્રકરણ : 31

અમેરિકાથી પૌત્રો સાથે આવેલી દિક્ષાના ચહેરા પરની અસ્પષ્ટતા અમ્માથી અજાણ રહી નહોતી શકી.. સઘડી સંધર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

દિક્ષાની ભીતરે ચાલતું તૂમુલ યુદ્ધ અમ્મા સ્પષ્ટ વાંચી શકતાં હતાં. પૌત્રો સાથે અમ્માનું હૈયું રાજીપાવાળું તો હતું, પરંતુ હૈયું એમની સાથે એક ભવમાં સાત ભવ જીવવા માટે રાજી નહોતું થતું. જે સમયને અમ્મા ભૂલવા માંગતા હતા, એ અત્યારે વિરાજ વિનાની ક્ષણે ક્ષણ વક્ર ગતિમાં વધી રહી હતી.

ધ્વજવંદન કાર્યક્રમ પ્રારંભ થવાને થોડો હજુ સમય હતો. અમ્માએ તૈયારીઓ વિશે જાણકારી અર્થે વિનુકાકાને આગળ પુછ્યું,
"ભાડેથી ખુરશીઓ મંગાવી હતી એતો આવી ગઈ છે ને.? મેદાનમાં ખુરશીઓ હજુ સુધી ગોઢવાઈ નથી વિનુકાકા!?"

“ખુરશીઓ રાતથી જ આવી ગઈ હતી અમ્મા, પરંતુ મેદાનમાં પાણીનો છંટકાવ કર્યો હતો. થોડી માટી બેસી જાય પછી લાઇનમાં ગોઠવવા સમજાવી દીધું છે.” પાછળ હાથ પરોવીને ઉભેલા વિનુકાકા, ફાઇલમાંના પેપર આઘાપાછા કરતાં અમ્મા સામે જોઈ રહ્યાં અને સહેજ વાર રહીને ફરીથી બોલ્યા,


“અમથો ખુરશીઓ ગોઠવશે, ગલગોટાનાં ફૂલોના હાર તૈયાર થઈ ગયા છો અને આ વધેલા છુટાં ફૂલની ટોપલી અહીં ઑફિસમાં રાખી છે, નાનકો આ વધેલા ફૂલોની રંગોળી બનાવવાનું કહે છે અમ્મા, તમારી મંજુરી હોય તો બનાવે!! એ ફૂલોની રંગોળી સુંદર બનાવે છે..”

“હા ચોક્કસ બનાવડાવો. પણ હા.. એવી જગ્યાએ બનાવાની કહો, કોઈના પગમાં ફૂલ આવી ચગદાય નહીં.. હવે મહેમાનો પણ આવવાની તૈયારી છે..”

આમ્માએ વિનુકાકાને કાર્યક્રમની રૂપરેખાની ફાઇલ આપતા કહ્યું,

“ધ્વજ વંદનનો કાર્યક્રમ બરાબર નવ વાગે શરૂ થશે, આ રૂપરેખા પ્રમાણે આખો કાર્યક્રમ સમજી લીધો છે ને.? આપણાં ગામના સરપંચ આવે એટલે સૌથી પહેલાં, હું એમને જીર્ણોદ્ધાર કરેલો આપણો આશ્રમ બતાવીશ. ત્યાં સુધી તમે કાર્યક્રમની રૂપરેખા મુજબ પ્રોગ્રામ શરૂ કરી દેજો અને સ્ટેજ પર સરપંચ આવ્યા બાદ, આ લીસ્ટ મુજબ એમનું અને આવેલ બીજા અતિથિનું સ્વાગત કરવું અને બીજો પ્રોગ્રામ આગળ વધારવો..”
વિનુકાકા બોલ્યા,
“જી અમ્મા..”

“અને હા.. વિનુકાકા, મેદાનમાં ખુરશીઓ ગોઠવવામાં ચાર વિભાગ કરાવજો.. એક વિભાગ વૃધ્ધ મહિલાઓનો, એક વિભાગ વૃધ્ધ પુરુષો માટે અને આપણા બાળકો માટે છોકરાં છોકરીઓનાં અલગ-અલગ નીચે પાથરણાં પાથરી આગળ થોડી ખુલ્લી જગ્યા રખાવજો, જ્યાં બાળકોને પ્રોગ્રામ કરવામાં સરળતા રહે અને દરેક જણ સરળતાથી નિહાળી શકે.”

“જી અમ્મા..”

દિક્ષા આ બધું સાંભળીને દંગ રહી ગઈ હતી. અને વિચારોમાં ગરકાવ થઈ ગઈ કે, ‘અમ્મા આટલો મોટો આશ્રમ હેન્ડલિંગ કરે છે!!?'


અને ત્યારબાદ આમ્માએ દિક્ષાને ઊભા થતાં થતાં કહ્યું,
“ચાલો.. દિક્ષા વહુ.. તમને આશ્રમની મુલાકાત કરાવી દઉં.. આયુષ-યેશા ચાલો દિકા તારા જેવડાં નવા દોસ્તારો સાથે રમવા.. ચાલો ચાલો.. ”
વિનુકાકાની ઓળખાણ કરાવતાં કહ્યું,

“આ વિનુકાકા.. એમની તો ઓળખાણ થઈ જ ગઈ હશે! આમ તો ઉંમર બહુ નથી એમની.. પણ અહીંના દરેક બાળકોના કાકા.. એમના માથામાં ધોળા વાળ જલ્દી આવી ગયા હોવાથી નાના મોટા સૌ કોઈ કાકા કહીને જ સંબોધે.. આખાં આશ્રમને સંભાળ રાખવાનું કામ એમના હાથમાં છે, મેનેજર કરતાં ઊંચો હોદ્દો છે એમનો.. કેમકે સૌના દિલને સ્પર્શીને સંભાળ રાખે છે સૌનું, નાનાં મોટાં સૌના દિલ પર રાજ કરે છે વિનુકાકા..”

વિનુકાકાએ હાથ જોડતાં કહ્યું,
"નમસ્તે ભાભીજી.."
અને ઘડીક થોભી જઈને બોલ્યા,
“શું અમ્મા તમે પણ..!!! આપના જેવું તો ગજુ નહીં જ મારું.. કે, દરેકના હૈયે હૈયાં સ્પર્શી જાણું! આપની વાત જ નોખી છે.. અદ્ભુત આત્મવિશ્વાસ.. તમે તો અમારાં માટે મા કરતાં પણ વિશેષ છો.. નાનાઓને મોટાં કર્યા છે અને મોટાંઓને નાના બાળક પેઠે સાચવ્યાં છે, એટલેજ નાના મોટા સૌનાં તમે અમ્મા છો..”

“વિનુકાકા, મારાં આટલા બધાં મીઠા મીઠા વખાણ ન કરો, નહિંતર.. મારા મગજમાં મીઠાસની રાઈ ભરાઈ જશે અને તમારી જીભ ઉપર મીઠાસની રાણી બેસી જશે. આપણે બંને મધુપ્રમેહના દર્દીઓ બનીને રહી જઈશુ..” હસતાં હસતાં આમ્માએ વિનુકાકાની વાતમાં ટાપસી પૂરતાં કહ્યું અને બધાં ખડખડાટ હસી પડ્યાં. દિક્ષાને તો જાણે કેટલાય વર્ષ પછી હસી હોય એવું લાગ્યું અને કંઈક યાદ આવતાં આંખોમાં ખુશીઓનો સેતુ તૂટી ગયો હતો.

અને આગળ વધતા અમ્મા બોલ્યાં,
“દિક્ષા વહુ ડાબી બાજુનો એક વિભાગ વૃદ્ધો માટે છે અને જમણી બાજુનો એક વિભાગ નાના અનાથ બાળકો માટે છે. અને ઉપર ફક્ત નાની ઉંમરના હોય એમના માટે છે, કે જે લોકો દાદરા ચઢ ઊતર કરી શકતા હોય..”

એટલામાં ત્યાંથી દોડતો પસાર થતાં એક છોકરાને ઊભો રાખી ઓળખાણ કરાવતાં કહ્યું, “આ નાનકો.. સૌનો લાડકો. એની સાથે વાતચીત કર્યા વગર કોઈને ન ચાલે! અરે..!! કોઈના દિવસની શરૂઆત જ ન થાય.”

“મને પણ મજા ન આવે હો.. જો એક દિવસ પણ હું અમ્માને ન મળું તો.” એની કાલી કાલી ઘેલી ભાષામાં કહીને એ દોડતો જતો રહ્યો.

આમ્માએ વાત આગળ વધારતા દિક્ષાને કહ્યું, “એ બે દિવસનો હતો, ને એની મા દવાખાનામાં કોઈ કારણસર મૃત્યુ પામી હતી. ત્યારથી નાનકો અહીં છે. એના પિતા જ એને મારા હાથમાં સોંપી ગયા હતા, કોઈ કોઈ વખત મળવા આવે અને એમની સાથે રહેવા પણ લઈ જાય.. પણ આ નાનકો, એક દિવસેય ત્યાં રહે નહીં. એ ભૂખ્યો તરસ્યો અન્નનો એક દાણો ન ખાય અને અહીં બધાં જે આ બા-દાદા છે, એ બધાં સવારની ચા-પાણી કર્યા વિના એની વાટ જોઈને બસ બેસી રહે. નાનકા માટે તો આ જ એનો પરિવાર.

અને આગળ જતાં સોળ નંબરની રૂમ બાજુથી પસાર થતાં થતાં અમ્માના મોંઢે ખુશીઓ તરવરી ઊઠી. રૂમ ખુલ્લી જોઈને આમ્માએ બારણે બહારથી ટકોરા મારતાં અંદર પલંગ પર આડા પડેલા ઉસ્માનભાઈ ભગત બેઠાં થતાં થતાં કહ્યું, અવાજ આવ્યો, “અરે!! અમ્મા આપ? આવો આવો.. તમારે બહારથી બારણે ટકોરા માર કે પરમિશન નહી લેની હોતી હૈ!!”

અમ્માએ પુછ્યું, “ઉસ્માન ભાઈ હવે કેમ છે તબિયત? ધ્વજ વંદન કાર્યક્રમમાં અવાશે ને? તમારે ભક્તિ ગીત ગાવાનું છે, અને એ પણ તમારું જ લખેલું..”

“આમ્મા.. હા હા તૈયાર હૈ યે ભગત.. ભજન ગયા અઠવાડિયે જ એક લખ્યું હતું, જે ગઈકાલે રાત્રે વાળુપાણી કરી ગાયું હતું.”

“અરે મને જણાવવું જોઈએ ને!! હું પણ ભજનમાં આવત..” અને ઓળખાણ કરાવતાં કહ્યું, “આ મારી લાડકી વહુ દિક્ષા છે, અમેરિકાથી ખાસ તમને બધાંને મળવા આવી છે..”

“અને દિક્ષા વહુ.. જુઓ.. આ ઉસ્માન ભાઈ ભગત. આખા આશ્રમના ‌સંગીત સાધનાના ગુરુ છે.. ભગત.!! એમના જેવા સુંદર ભજન લખતાં અને ગાતાં તો કોઈને ન આવડે..”

અને આગળ વધતાં વધતાં બોલ્યા,
“ઉસ્માન ભાઈ ભગતે મા અને બાપ બેઉંનો પ્રેમ આપીને એકના એક પુત્ર વસીમને મોટો કર્યો અને મોટાં થઈ એણે આશ્રમ દેખાડ્યો. પિતાએ ડૉક્ટર બનાવ્યો છે, પણ પિતાની દવા કરવાનું ન ભણી શક્યો.” અને અમ્માની આંખો ભીંજાઈ ગઈ.

દિક્ષા થોડાંક ઢીલા સ્વરે પણ કંઈક યાદ કરી અમ્મા સામે આંખો પટપટાવતાં બોલી, “એક દિવસ જરૂર પીગળશે એમના દીકરા વસીમનું દિલ.. સમય જતાં આ જિંદગી, એમને પણ સ્વીચ માફક ઑન-ઑફ થતાં શીખવાડી દેશે.." અને અમેરાકાથી ફોનમાં થયેલી કંઈક ખાસ એક વાત યાદ આવતાં બેઉં જણ ખડખડાટ હસી પડ્યાં.


દિક્ષા તરફી, અમ્માની જેટલી વખત નજરો ફરતી પ્રશ્નાર્થભર્યો એમનો ચહેરો જોઈને, અમ્માની આંખોમાં આંખ પરોવી વાત કરવું દિક્ષા માટે મુશ્કેલ થઈ પડ્યું હતું.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 32 માં દિક્ષા પાસેથી વિરાજના સમાચાર જાણવા આમ્મા વ્યર્થ પ્રયત્નો કરતા રહ્યાં, શું દિક્ષા જણાવશે અમ્માને વિરાજ કેમ નથી આવ્યો?

-આરતીસોની ©