જૉકર - સ્ટૉરી એક લુઝરની - 19 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 19

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 19
લેખક – મેર મેહુલ
ક્રિશા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં પહોંચી ગઈ.તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખુલ્લા વાળ તેનાં ચહેરાને અલગ જ લૂક આપતાં હતા.સાતને પંદરે જૈનીત આવ્યો.
“ઓહ માય ગોડ”ક્રિશાને જોતાં જૈનીતથી બોલાય ગયું.
“કેમ શું થયું?”ક્રિશાએ પૂછ્યું.
“તે આબેહૂબ નિધી જેવો જ ડ્રેસ પહેર્યો છે.પહેલીવાર અમારી અહીં મુલાકાત થઈ ત્યારે એ આવી જ રીતે તૈયાર થઈને આવી હતી.”જૈનીતે કહ્યું.ક્રિશા હસી પડી.
“ચાલ તો અંદર જઈને એ જ ટેબલ પર બેસીએ જ્યાં તમે બંને બેઠાં હતાં”ક્રિશાએ હસતાં હસતાં કહ્યું.બંને અંદર જઈ કોર્નરવાળા ટેબલ પર જઈ બેસી ગયા.જૈનીતે કૉફી માટે ઓર્ડર આપ્યો.
“આગળ શું થયું હતું?”ક્રિશાએ ટેબલ પર કોણી રાખી,હથેળી પર હડપચીને ટેકાવીને પૂછ્યું.જૈનીતે વાત આગળ ધપાવી.
***
નિધિને મેં ડેરી-ડોનમાં કૉફી માટે બોલાવી હતી.એ જેટલી મારી સાથે વાત કરવા ઉત્સુક હતી કદાચ તેનાં કરતાં હું બે ગણો ઉત્સાહિત હતો.
સાતને દસ થઈ હતી.હું ડેરી-ડોનની બહાર નિધિની રાહ જોતો ઉભો હતો.બરોબર સાતને પંદરે એક્ટિવા પર સવાર થઈને એ આવી.હું તો તેને જોતો જ રહી ગયો.દિવાસ્વપ્નમાં મેં જે દ્રશ્ય જોયેલું એ અહીં હકીકત બન્યું હતું.સફેદ ડ્રેસ,ચુનરી,લહેરાતાં વાળ.
એ મારી પાસે આવીને ઊભી રહી.હું તો તેને આંખો ફાડી ફાડીને તાંકતો હતો.મને કોણી મારીને તેણે જગાડ્યો.
“શું જુએ છે?છોકરી નથી જોઈ કોઈ દિવસ?”
“જોઈ છે ને,પણ તારા જેવી નહિ”તેનાં ખૂબ સુરત ચહેરાને નિહાળતાં મેં કહ્યું.આમ પણ મસ્કાનો સ્ટોક તો છોકરાઓ પાસે પણ હોય જ છે.
“થોડું માખણ બચાવીને પણ રાખ,ભવિષ્યમાં કામ લાગશે”કહેતાં નિધિ હસવા લાગી.અમે બંને અંદર પ્રવેશ્યા.નોકરીએથી છૂટીને ઘણીવાર હું અહીંયા આવતો.જ્યારે એકલું એકલું લાગે અથવા સુરતમાં મારી સુરત રડવા જેવી હોય ત્યારે હું લગભગ અહીંયા જ મળું. પણ આજે કોઈ એવી વાત નહોતી.આજે હું પહેલીવાર એક મોટી સ્માઈલ સાથે કેફેમાં પ્રવેશ્યો હતો.
રિઝર્વડ ટેબલ તો ના કહેવાય પણ હું હંમેશા જે કોર્નર ટેબલ પર બેસતો આજે એ ટેબલ ખાલી જ હતું.અમે બંને ત્યાં જઈને બેસી ગયા અને કૉફી માટે ઓર્ડર આપ્યો.
“તો કેવો ગયો આજનો દિવસ?”નિધિએ પુછ્યું.
“બપોર સુધી હું સ્વર્ગમાં હતો અને બપોર પછી નર્કમાં, તો એ હિસાબથી દિવસ સારો પણ ગયો છે અને ખરાબ પણ”મેં કહ્યું.
“કેમ,શું થયું બપોર પછી?”નિધિએ લહેકાથી પુછ્યું.
“અરે વાત જ ના પૂછ”મેં કહ્યું, “આજે કામમાં મન લાગતું જ નહોતું.ક્યારે સાત વાગે અને ક્યારે હું છટકી જાઉં એ જ વિચારમાં કંટાળી ગયો”
“લો એમાં શું નર્કમાં જવા જેવું લાગ્યું?”નિધિએ હસીને કહ્યું, “મારી પણ એવી જ હાલત હતી પણ હું કંટાળી નહિ,જો મેં એક લિસ્ટ બનાવ્યું છે”સાઈડમાં પડેલા બૅગમાંથી તેણે એક સ્ટીકી નોટ કાઢી, “તને એક પણ પ્રશ્ન પૂછવાનું ભુલાય ન જાય એ માટે મેં બધું યાદ કરીને લખ્યું છે.”
નિધિની પણ હાલત મારાં જેવી જ હશે.મેં પણ એક દિવસ પહેલાં જ સ્ટીકી નોટવાળો પ્લાન અમલમાં મુક્યો હતો.
“નિધિ”ધીમેથી બોલતાં મેં કહ્યું, “હું કોર્ટમાં તો નથીને?”
નિધિ હસવા લાગી.ટેબલ પર રહેલા મારા હાથ પર તેણે ટપલી મારી, “હોય તો પણ શું છે?,હવે તો વકીલ પણ હું જ છું અને જજ પણ” એ ફરી હસવા લાગી.
તેને હસતી જોઈને મારું દિલ તો જાણે છલકાઈ આવ્યું.ઓથેન્ટિક માહિતી અનુસાર પુખ્ય વ્યક્તિના હૃદયમાં એક મિનિટમાં 4 થી 6 લીટર રુધિરનું સર્ક્યુલેશન થતું હોય છે.આજે એ માહિતી ખોટી પડી.મારું હૃદય એટલી જોરથી ધડકતું હતું કે તેનો અવાજ મારાં કાને પણ પડતો હતો.
“કૉફી આવી ગઈ છે”તેણે મારું ધ્યાન દોર્યું, “મને આમ જ જોયે રાખીશ તો ઠંડી થઈ જશે”
“તું ક્યાં લિસ્ટની વાત કરે છે?”મેં કૉફીનો કપ હાથમાં લઈ પુછ્યું, “જરા મને તો બતાવ”
“ના હો!”તેણે એ સ્ટીકી નોટ ટેબલ નીચે ખોળામાં લઈ લીધી, “તું વાંચી લે તો તને બધી ખબર પડી જાય અને પછી તને વિચારવાનો ટાઈમ મળી જાય એટલે હું જે વાત પૂછું તેના જ જવાબ આપવાના”
“તો રાહ કોની જુઓ છો?,વકીલ-જજ પણ હાજર છે અને ગુનેગાર પણ,મુકદમો ચલાવો તો પછી”
તેણે સ્ટીકી નોટમાં ડોકિયું કર્યું,બે-ત્રણવાર નજર ઉપર નીચે કરી અને પુછ્યું, “પહેલો સવાલ,તમે આટલા વર્ષથી એક છોકરીને જોતા,પસંદ કરતાં,તો કેમ તમે તેને જણાવી ના શક્યા?”
“જજ સાહેબા”મેં અદબવાળી, “એમાં એવું હતું કે….”હું અટકી ગયો.
“હા બોલો આગળ કેવું હતું?”નિધિએ અધિરાઈથી પુછ્યું.
“એમાં એવું હતુંને કે…”મેં ફરી લાંબો લહેકો લીધો, “હું પસંદ તો કરતો જ હતો પણ હું તેને જોઈને ખુશ રહેતો.મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે તેને આ બધી વાતો કહું.તેને ખુશ જોઈને હું પણ ખુશ થતો અને દુઃખી જોઈને હું પણ….બોલો આમાં મેં શું ગુન્હો કર્યો?”
તેણે ખોંખારો ખાધો, “તમને ખબર ના હોય તો જાણવી દઉં મી.જૈનીત,આપણાં બંધારણમાં વાણીની સ્વતંત્રતા આપવામાં આવી છે, જો તમે તેને દિલની વાત કરી હોત તો એ કંઈ તમારું મર્ડર ના કરી નાખેત”એ મૂછોમાં હસતી હતી, “ખેર તમે કોઈ ગુન્હો નથી કર્યો એ વાત તમારા માટે સારી છે”
“મારો એક સવાલ વકીલ સાહેબાને”મેં એક હાથ ઊંચો કર્યો, “તમારા અસીલને પણ પૂછો,તેઓ પણ ચોરીછૂપે અમારા પર નજર રાખતાં. તેઓએ પણ અમારી બધી વાતોની જાણકારી સાચવી રાખી છે, શું તેઓ અમને આ વાત જણાવી નહોતા શકતા?”
“એમાં એવું છે કે…”તેણે પણ મારી જેમ અધૂરું વાક્ય છોડી દીધું.મેં માત્ર ભમરો જ ચડાવી.
“અંત ભલા તો સબ ભલા,હવે જે થઈ ગયું એ થઈ ગયું.હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપોને”કહેતાં એ ફરી હસવા લાગી.
વાહ! આ સારી વાત કહેવાય.આપણી પાસેથી વાત જાણવા માટે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે.જ્યારે આપણે એ જ સવાલ પૂછીએ ત્યારે આવો જવાબ?,હું શું કરી શકું? મેં સ્મિત સાથે હકારમાં માથું ધુણાવ્યું.
“બીજો સવાલ,હવે જયારે આ ખુબસુરત ઘટના ઘટી જ ચુકી છે તો તમે આગળ શું કરશો?, શું તમે તેને કોઈ ભવિષ્યનું સ્વરૂપ આપવા વિચારશો કે આગળ જઇ ‘તમે તમારા રસ્તે,હું મારા રસ્તે’ એવું કહી છટકી જશો?”
“હું ન્યૂઝ ચેનલમાં છું કે કોર્ટમાં મને તો એ જ નથી સમજાતું”ગૂંચવાઈને મેં પુછ્યું.
“તું વાત ના બદલને. સવાલનો જવાબ આપ”નિધિએ ખિજાઈને કહ્યું.
“હું શું વિચારી શકું?,આ જે ખુબસુરત ઘટના ઘટી તેના વિશે પણ કંઈ નહોતું વિચાર્યું.હા પણ હું એટલું જરૂર કહીશ કે અત્યારથી તેને ભવિષ્યના બંધનમાં બાંધી હું તેની સ્વતંત્રતા નહિ છીનવું.એ પોતાની જગ્યાએ સ્વતંત્ર છે હું મારી જગ્યાએ”
“ખૂબ સરસ જવાબ!”નિધિએ સરાહના કરતાં બે તાળી પણ પાડી દીધી.
“KBCમાં પહોંચી ગયા આપણે તો”હું મોટેથી હસવા લાગ્યો.
“હાહા!, બધી જગ્યાએ ફેરવીશ તને.તું બસ સીટબેલ્ટ બાંધીને બેઠો રહે.”
મેં ખુરશી પાછળથી બેલ્ટ કાઢી સીટબેલ્ટ બાંધવાનું નાટક કર્યું.એ જોઈને નિધિ હસી પડી.
“હવેના સવાલ થોડા પેચીદા છે પણ પ્રમાણિકતાથી જવાબ આપવાની કોશિશ કરજે”તેણે કહ્યું, “નહિ આપે તો મર્ડર કરી નાખીશ” મારી સામે આંખ મારી એ હસી.
“પહેલાં કોઈ ગર્લફ્રેન્ડ હતી?”
“ના”
“કોઈ વ્યસન?”
“તારા નામનું”
“હાહા,વેરી ફની,કોઈ નેગેટિવ વાત?”
“ગુસ્સા પર કંટ્રોલ નથી રહેતો”
“પોઝિટિવ વાત?”
“તું શોધી લઈશ એ બધી જ”મેં સ્માઈલ સાથે કહ્યું.તેણે પણ થોડી ગંભીર હલકીફુલકી સ્માઈલ આપી.
“મારી પાસે કોઈ અપેક્ષાઓ?”
“એક બેબી બોય અને એક બેબી ગર્લની” મેં દરવાજા તરફ નજર કરીને કહ્યું.મને ખબર હતી મારો જવાબ સાંભળીને એ મારી સામે ઘુરી ઘુરીને જોશે.
“અરે વાહ!”તેણે તો ઊલટું જ કહ્યું, “મારી પણ એ જ ઈચ્છા છે”
“એ…”મેં તેની તરફ જોઈને કહ્યું, “શું મારી પણ એ જ ઈચ્છા છે,મજાક કરતો હતો હું”
“પણ હું મજાક નહોતી કરતીને”તેણે ગંભીર થઈ કહ્યું, “મેં તારું જ સપનું જોયું હતું અને હવે જ્યારે તું મળી ગયો છે તો પોતાના મનની વાત કહેવામાં શું પ્રોબ્લેમ છે?”
“વાત ડબલ મિનિંગમાં જતી હોય એવું કેમ લાગી રહ્યું છે?”મેં ત્રાસી નજર નિધિ તરફ કરી.
“તારી હમણાં કહું”નિધિ ખુરશી પરથી ઉભી થઇ ગઇ, “હું તને સમજાવું ડબલ મિનિંગ કોને કહેવાય”
હું પણ ઉભો થઇ ગયો.
“સૉરી..સૉરી હું તો મજાક કરતો હતો”મને મારવા માટે તેણે ઉગારેલા બંને હાથમાં પકડી લીધા, “સૌની સામે મને મારીશ તો ખરાબ લાગશે,ક્યારેક એકાંતમાં કોઈ ના હોય ત્યાં ધરાઈને મારી લેજે”
“એકાંતમાં લઇ જઇને…?”નિધિએ ‘જઈને’ પર વધુ પડતો જ ભાર મુક્યો.
“હવસખોર નથી હું”મજાકમાં ખિજાઈને મેં કહ્યું, “આગળનો સવાલ?”
“મને જ પસંદ કરવાનું કારણ..સુરતમાં આવીને પણ બીજી છોકરી કેમ પસંદ ના કરી?
હું વિચારમાં પડી ગયો.જેનાં માટે બા-બાપુને છોડી સુરત આવી ગયો એને મારે કેમ કહેવું કે મેં બીજી છોકરી શા માટે પસંદ ના કરી.મેં હળવું સ્મિત વેર્યું અને કહ્યું, “તું મારાં માટે પરફેક્ટ છે યાર.આઈ મીન આપણે સાથે ભણતાં ત્યારથી તું મને ઓળખે છે,પ્લસ તું મને પહેલેથી પસંદ છે.તારો ચહેરો દરરોજ જોવા મળે એ માટે મેં આ કોલેજ જોઈન કરી અને હવે તું મારી સાથે છે તો બીજી છોકરી વિશે વિચારનો મતલબ નથી રહેતો ને!”
એ હસવા લાગી.તેણે મારાં ગાલ ખેંચ્યા.હું તો ધરતી પરથી જ સ્વર્ગનો અનુભવ કરવાં લાગ્યો.
“પાગલ છે તું બિલકુલ”તેણે કહ્યું, “મને ખબર હોત કે તું મને આવી રિતે ટ્રીટ કરવાનો છે તો હું બે વર્ષ પહેલાં સામેથી તને પ્રપોઝ કરીને બોયફ્રેન્ડ બનાવી લેત”
“તું હજી ફાયદામાં જ છે કારણ કે હું તને આવી રીતે જ ટ્રીટ કરવાનો છું”મેં કહ્યું.
“એ વાત પણ બરોબર છે”તેણે કહ્યું.
“આગળનો સવાલ?”મેં પૂછ્યું.મને નિધિના સવાલના જવાબ આપવાની મજા આવતી હતી.
“હવેના સવાલ બીજી મુલાકાતમાં.હું એક સાથે તારું આટલું વ્હાલ સહન નહિ કરી શકું.તું પૂછ જે પૂછવું હોય એ”નિધિએ કહ્યું.
“મારે તો કંઈ જ નથી પૂછવું.હું તો પહેલાની જેમ તને જોઈને રાજી રાજી થઈ જાઉં છું”
“થોડુંક આગળ વધતાં શીખી જા નહીંતર સુહાગરાતના દિવસે પણ સલાહ લેતો ફરીશ”તેણે મૂછમાં હસતાં કહ્યું.
“એક્ચ્યુઅલી એમાં એવું છે કે કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે લાગણીઓને વહેતી નદી જેમ વહેવા દેવી જોઈએ. જો તેનાં પર બંધ બાંધી દેશો તો લીલ જામી જશે અને એક સાથે છોડી દેશો તો સુકાઈ જશે એટલે હું સમય સાથે બધું શીખી જઈશ”મેં કોઈક પુસ્તકમાં વાંચેલી વાત તેને કહી.મારી વાત સાંભળી તેનાં હાવભાવ બદલાઈ ગયા.
મેં જ ભૂલ કરી હતી.એ મજકના મૂડમાં હતી અને હું અત્યારે ફિલોસોફી લઈને બેઠો હતો. ક્યાં સમયે કંઈ વાત કહેવી એ મને સમજાતું જ નથી.
“સૉરી”મેં મારાં જ માથે ટપલી મારતાં જીભ કચરી.
“આઈ લવ યુ જૈનીત”તેને મીઠી પણ રહસ્યમય મુસ્કાન સાથે કહ્યું.
“ઓહ…તે તો ડરાવી જ દીધો મને.”મારી જીભ લથડાઈ.આવા સમયે મારી માનસિક સ્થિતિ બદલાય જાય છે.મેં પણ અચકાતાં અચકાતાં આખરે પ્રેમનો એકરાર કરતાં કહ્યું, “લવ યુ ટુ નિધિ”
અમે બંને કૉફી પુરી કરી,બિલ ચૂકવી બહાર આવ્યા.સાંજનો સમય હતો એટલે લોકો ઘર તરફ પાછા ફરતાં હતા જેના કારણે રસ્તો વાહનોથી ઉભરાઇ ગયો હતો.
“ચાલ હું તને ઘરે છોડી જાઉં”બાઇક સ્ટેન્ડ પરથી ઉતારતા મેં કહ્યું.એ અદબવાળી હજી ઉભી હતી.
“શું?”મેં પૂછ્યું.
“મેં ઘરે સાડા આઠ વાગ્યે આવીશ એમ કહ્યું હતું”તેણે નીચેનો હોઠ બહાર કાઢી ગાલ ફુલાવ્યા.તેનો એ ઇનોસન્ટ અને ક્યૂટ ચહેરો જોઈ હું હસી પડ્યો.
“ચાલને બ્રિજ પર જઈએ.મજા આવશે”તેણે એક્સાઇટેડ થઈને કહ્યું.મેં હકારમાં માથું ધુણાવી બાઇક શરૂ કરી.મારે તો એ જ જોઈતું હતું.એ સાથે હોય ત્યારે હું અલગ હજ દુનિયામાં પહોંચી જાઉં છું.
“બાઇક હું ચાલવીશ”હેન્ડલ પકડી તેણે મને નીચે ઉતરવા ઈશારો કર્યો.પહેલી જ ડેટમાં છોકરીના નખરાં વધતાં જતાં હતાં પણ મને મજા આવતી હતી.હું પાછળ ખસી ગયો.
અમે બ્રિજ પર લગભગ પંદરેક મિનિટ જેટલું ઉભા રહ્યા.એકદમ મૌન.એ સમય દરમિયાન અમને જે દ્રશ્ય દેખાઈ રહ્યું હતું એ માણી રહ્યા હતા.શહેરની દોડતી જિંદગીને અનુરૂપ હું પણ હવે ઢળી ગયો હતો.
અમે બંને ઘર તરફ વળ્યા.કલાકની એ મુલાકાત યાદગાર હતી.
(ક્રમશઃ)
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 2 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા

Hina

Hina 2 વર્ષ પહેલા