જોકર - સ્ટૉરી એક લુઝરની - 15 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

શ્રેણી
શેયર કરો

જોકર - સ્ટૉરી એક લુઝરની - 15

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-15
લેખક – મેર મેહુલ
કોલેજના પહેલાં જ દિવસે હું રેગીંગનો શિકાર થયો હતો. રેગીંગનો શિકાર થયો તેનું મને દુઃખ નહોતું પણ પહેલી નજરમાં જ નિધિ સામે મારી ખરાબ છાપ ઉપસી હતી તેનું મને દુઃખ હતું.હું નિધિથી છુપાઈને રહેવા માંગતો હતો પણ નિધિએ મારી પાસે આવીને ‘કલાસ-બી’ વિશે પૂછ્યું.
મારે કહેવું હતું, ‘બધા ક્લાસની બહાર રૂમના નામ લખ્યા જ છે.’
અહીં મૂંડી ઊંચી કરવામાંય ફાંફાં પડતાં હતા તો એક શબ્દ ક્યાંથી નીકળવાનો હતો? નર્વસ થઈ હું પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.હું તો એ પણ ભૂલી ગયો કે હું પણ ‘કલાસ-બી’નો જ વિદ્યાર્થી છું.
પુરા કલાસ દરમિયાન મેં એકવાર પણ નિધિ સામે ના જોયું.કોલેજનો પહેલો દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં તો હું સેલિબ્રિટી બની ગયો હતો.હું પેલી ચશ્મિશના ગાલ પર કિસ કરતો હતો વિડીયો પુરી કોલેજમાં ફરતો હતો.
વાહ..રેગીંગના બાદશાહો.એક દિવસ આવવા દો.જે દિવસે પિત્તો ગુમાવીશ તે દિવસે રેગીંગ શું એ પણ ના ભુલાવી દઉં તો હું પણ જૈનિત જોષી નહિ.
બીજા દિવસે પણ એવું જ કંઈક થયું. પૂરો દિવસ બેંચ પર માથું ઢાળીને હું તેને જોતો રહ્યો પણ વાત કરવાની હિંમત ન ચાલી.મારી સામે ક્લાસના બીજા છોકરાં-છોકરીઓ હસી હસીને વાતો કરતાં હતાં.માત્ર હું જ ઓશિયાળું મોઢું કારીને બેસી રહેતો.નિધિ સાથે પણ ઘણાં બધા છોકરાઓએ વાતો કરવાની કોશિશ કરી હતી. નિધિ આસાનીથી તેઓની સાથે ભળી ગઈ હતી.મારું પત્તુ દેખીતી રીતે કપાતું હતું પણ મેં સંયમ જાળવી રાખ્યો હતો.શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મહેનત અને ધીરજ જોઈએ.હું બંનેનો તાલમેળ બેસારવાની કોશિશ કરતો હતો.હું સંયમ તો રાખી શક્યો હતો પણ મહેનત કેવી રીતે કરવી એ મને નહોતું સમજાતું.
અઠવાડિયું પલક જપકતાં નીકળી ગયું.હું જવલ્લે જ નિધિની નજર સામે દેખાતો.મારો વધુ સમય તો તેને ચોરીછૂપે જોવામાં જ નીકળી જતો. બીજી બાજુ હું તેની કોલેજમાં આવ્યો તેનાથી લગભગ કોઈ ફર્ક પડ્યો નહિ એવું મને લાગ્યું.
હજી સુરતમાં હું સેટ થવાની કોશિશ કરતો હતો.ખરેખર તો હું દિશા જ ભૂલી ગયો હતો.સૂરજદાદા પશ્ચિમમાં ઉગતાં હોય અને પૂર્વમાં આથમતાં હોય તેવો ભાસ થતો.
રોજ એકવાર નિધિનો ચહેરો જોવો એ તો જાણે મારો નિયમ જ બની ગયો હતો.ક્યારેક એ કૉલેજ ના આવતી તો દિવસ ખરાબ જતો પણ કોઈએ અમસ્તા જ નહીં કહ્યું હોયને કે ‘બધા દા’ડા સરખા નથી હોતાં’
જ્યારે એ કોલેજ ના આવતી અને પૂરો દિવસ હું ઉદાસ રહેતો ત્યારે મને વિચાર આવતો.શું આને જ પ્રેમ કહેવાતો હશે?,જો પ્રિયતમાને માત્ર જોઈને જ ખુશી મળતી હોય અને તેને ખુશ જોઈને આપણી ખુશી બેવડાતી હોય તો પ્રેમ કહી શકાય.
વળી બીજો વિચાર પણ આવેલો, તેની સાથે કોઈ દિવસ વાત નથી કરી.સામે આવે ત્યારે પોબારા ગણે છે તો પ્રેમ ક્યાંથી કહેવાય? આ તો ફટ્ટુદાસ હોવાના લક્ષણ છે.એની સાથે એક ભય પણ રહેતો જો વાત કરીને એ ઊંધું-ચત્તું વિચારશે તો?,જોવા મળે છે તેમાં જ રાજી રહેવાયને.
એક રીતે જોતાં હું હજી તેની લાઈફની ફ્રેમમાં ક્યાંય હતો જ નહીં.એ મને નોટિસ કરે એવું મેં હજી સુધી કંઈ કર્યું જ નહોતું.એક કામ કર્યું હતું.કોલેજના પહેલાં દિવસે તેની નજર સામે એક છોકરીને ગાલે પપ્પી ભરીને મારાં માટે નેગેટીવી ઉભી કરી હતી.
આમને આમ દિવાળીનું વેકેશન પણ પસાર થઈ ગયું.મારા વાત ન કરવાના ડરને કારણે હું ચાર મહિના સુધી આમતેમ વલખાં મારતો રહ્યો પણ વાત બનતી નહોતી.ક્યારેક હિંમત જવાબ આપી દેતી તો ક્યારેક સંજોગો એવા ઉભા થતાં કે ના ચાહવા છતાં પણ તેની પાસે ના જઈ શકતો.
દિવાળીના વેકેશન પછી શિયાળો બરોબરનો જામ્યો હતો સાથે જામ્યો હતો કોલેજમાં યુથ ફેસ્ટીવલનો માહોલ.જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેવા માટે પડાપડી થઈ રહી હતી.મેં નોંધ્યું કે નિધિ પણ એક નાટકમાં ભાગ લઈ રહી હતી.એક પૂરો દિવસ વિચાર કરી મેં પણ ઓડિશન માટે નામ નોંધાવી દીધું.
આમ પણ મારી લાલચ હવે વધી હતી.હવે હું તેને માત્ર જોઈને ખુશ રહેવા નહોતો માંગતો. તેની સાથે વાત થાય એના પણ જુગાડમાં હતો અને વાત કરવાનું જુગાડ થાય એ માટે હિંમત કરીને નાટકમાં ભાગ લેવાનું પણ મેં જુગાડ કરી નાખ્યું.
આખરે એ સોનેરી દિવસ પણ મારી જિંદગીમાં ઊગ્યો.થયું એમ હતું કે ઓડિશનમાંથી સિલેક્ટ થયેલા બાર લોકોને રજીસ્ટરમાં નામ નંબર નોંધવવાના હતા.એ બાર વ્યક્તિઓમાં હું અને નિધિ પણ હતા.હું મારું નામ-નંબર લખીને પાછો ફરતો હતો ત્યાં નિધિ મારી સાથે અથડાઈ.
“સૉરી”કહી હું પોબારા ગણવાના જ ફિરાકમાં હતો ત્યાં તેણે મને રોક્યો.યંત્રવત હું ઉભો પણ રહી ગયો અને ધબકારા પાંચમા ગિયરમાં દોડવા પણ લાગ્યા.
“તું કેમ મારાથી દૂર દૂર ભાગે છે?”નિધિએ પૂછ્યું, “આપણે બંને એક જ ગામના છીએ.આપણે દોસ્ત બનીને રહી શકીએ” તેણે મને દોસ્તીની ઑફર આપી હતી.હું તો પાણી-પાણી થઈ ગયો.
એ મારા જવાબની રાહ જોઇને ઉભી હતી.હું બોલવાની ઘણી કોશિશ કરતો હતો પણ મારી જીભ વર્ષોથી જંગ લાગી ગયેલી તલવાર જેવી થઈ ગઈ હતી.એકદમ બુઠ્ઠી.શું ખબર તેને મારી કફોડી હાલત સમજાય ગઈ કે તેની કોઠા સુઝ હશે.તેણે રજીસ્ટરમાંથી મારો નંબર લઈ મારા નંબર પર મિસ્ડકૉલ કર્યો અને સાથે ભેળવ્યું, “ફેસ ટુ ફેસ ના કહી શકતો હોય તો વોટ્સએપમાં જવાબ આપજે”
મારે તો આજે પશ્ચિમમાં સૂરજ ઊગ્યા જેવું થયું હતું.તરસ છીપાવવા પાણીની આશા રાખી હતીને કોઈએ શરબત જ હાથમાં પકડાવી દીધું.
કૉલેજ બંક કરી ઉછળતો-કૂદતો-ઠેકડા મારતો હું ઘરે આવ્યો.
“હેલ્લો”ધડકતા દિલે મેં મૅસેજ ટાઈપ કર્યો.મારું હૃદય અત્યારે સામાન્ય ગતિ કરતા બમણી ઝડપે ધડકતું હતું.છેલ્લી ત્રીસ મિનિટમાં મેં સો વાર ‘હાય,હેલ્લો’જેવા મૅસેજ ટાઈપ કરીને ડિલેટ કર્યા હતા.ફરીવાર એ જ કર્યું.
‘શું લખું?’હું સ્વગત બબડયો.
‘હેલ્લો નિધિ….’ ‘નામ ના લેવાય’ મૅસેજ ડીલીટ.
‘Hey Dear…’ ‘અંગ્રેજ સમજશે’મૅસેજ ડીલીટ.
‘નમસ્કાર’ ‘પાગલ થઈ ગયો છે?’ મૅસેજ ડીલીટ.
‘એક મૅસેજ કરવાની પણ હિંમત નથી તારામાં જૈનીત જોષી’પોતાની જાતને જ મેં ચેલેન્જ આપી, ‘અમસ્તા ધમકી આપતાં કોઈના બાપથી પણ નથી ડરતો અને નિધિનું નામ આવે એટલે બીકણ સસલાં જેવો થઈ જાય છે. ડૂબી જા ઢાંકણીમાં પાણી લઈને’
“ઑય નિધિ.. શું કરતી હતી?” ધ્રૂજતી આંગળીએ મેં મૅસેજ ટાઈપ કર્યો.ત્રણની ગણતરી બાદ સેન્ડ બટન પર અંગૂઠો રાખવો એવો નીર્ધાર કરી મેં આંખો બંધ કરી.
એક…બે…ત્રણ….
‘નહિ યાર…નહિ થાય મારાથી’એક નિસાસો નાખી મારા ખભા નીચે ઝૂકી ગયા.
‘એ અડધી કલાકથી ઓનલાઈન છે પણ એક મૅસેજ નથી કરી શકતી’ ત
અન્ય વ્યક્તિને મૅસેજ કરવા માટે હું એક સેકેન્ડ પૂરતું પણ ન વિચારતો પણ આજે નિધિને મૅસેજ કરતાં સો વિચાર આવતા હતા.આવે જ ને,આ એ જ નિધિ હતી જેને હું વર્ષોથી ચોરીછૂપે જોતો.પામવા માટે નહિ પણ ખુશી ખાતર.ભૂલથી પણ જો એ સપનાંમાં આવી જતી તો હું પૂરો દિવસ ખુશખુશાલ રહેતો.જેના નામ પર હું મૂર્ખામી ભરી હરકતો કરી લેતો અને સહજતાથી સ્વીકારી પણ લેતો.
મેં ભાગ્યેય નહોતું વિચાર્યું કે મારા સપનાંની મહારાણી સાથે વાત કરવાનો લ્હાવો મળશે.હું તો બસ તેને જોઈને જ ખુશ રહેતો.આજે જ્યારે નિધિએ સામેથી મને નંબર આપ્યો ત્યારે હું પોતાનાં હાવભાવ દબાવી શક્યો નહોતો અને એટલે જ કોલેજ બંક કરી ઘરે આવી ગયો હતો.આ કામ પણ મારું મૂર્ખામી ભર્યું જ હતું કારણ કે ઘરે આવી મારી બેચેની અનેક ગણી વધી ગઈ હતી.સામેથી મૅસેજ કરવો કે નહીં એ જ વિચારવામાં મેં કલાકોનો સમય વેડફી નાખ્યો.જ્યારે મૅસેજ કરવાનો નિર્ધાર કર્યો ત્યારે શું શું વાતો કરવી એ વિચારવામાં બીજી કલાકો.
અંતે રાત્રે નવ વાગ્યે જ્યારે નિધિ ઓનલાઈન થઈ ત્યારે મારી બેચેની જવાબ આપી ગઈ અને ‘નંબર આપ્યો છે તો મૅસેજ કરવો જ જોઈને’ એમ વિચારી છેલ્લી અડધી કલાકથી મૅસેજ કરવા મથી રહ્યો હતો.રખેને જો હિંમત આવી જાય તો એક મૅસેજ મોકલી શકું.પણ આજે તો બધા હથિયારને જંગ લાગી ગયો હોય એમ મારા માટે મૅસેજ કરવો હથિયાર વિના જંગ લડવા જેવી વાત બની ગઈ હતી.
બે મિનિટ પછી આખરે મને સફળતા મળી જ.પોતે નહિ પણ કોઈએ સામેથી જંગ જીતીને મારી જોળીમાં નાખી દીધી હતી.
“કેટલું ટાઈપ કરીશ હવે?,આટલું એક્ઝામમાં લખ્યું હોત તો કે.ટી. ના આવેત” આ હતો નિધિનો પહેલો મૅસેજ.જેને મૅસેજ કરવા માટે હું કેટકેટલી મહેનત કરી ચુક્યો હતો એનો સામેથી મૅસેજ આવ્યો.
મારી સ્માઈલ કાન સુધી ખેંચાઈ આવી.
“ઓહહ..તો હું એક વિષયમાં નાપાસ થયો એ તને ખબર છે”મેં મૅસેજ કર્યો.
“હાસ્તો,પુરા ગામમાં ચર્ચા થાય છે અને તું તો મારી કૉલેજનો જ છે તો મને તો ખબર જ હોવાનીને”
“હા ખબર છે પુરા ગામની,મારી નાનીસુની ભૂલની પણ આ લોકો અયોધ્યાના રામમંદિરના કેસની માફક ચર્ચા કરશે.”મોં બગાડતાં ઇમોજી સાથે મેં મૅસેજ કર્યો.મારે એક વિષયમાં કે.ટી. આવી એ વાત જાણીને ગામમાં ઘણાં લોકો ખુશ થયા હશે.
“એ લોકો ખોટું તો નથી કહેતાને!! તારા કાંડ જ એવા હતાને.કોઈને પણ નહિ છોડ્યા હોય તે હેરાન કરવામાં”હસતાં ઇમોજી સાથે નિધીનો રીપ્લાય આવ્યો.
“તને બાદ કરતાં”મેં ટાઈપ કર્યું.પછી એ ભૂંસીને નવો મૅસેજ ટાઈપ કર્યો, “હું કોઈને હેરાન કરતો નહિ,બધા કરતા મારા વિચાર જુદા છે તો એમાં મારો કોઈ પ્રોબ્લેમ નથી”
“પણ તે મને કોઈ દિવસ હેરાન નથી કરી નહિ”નિધિનો મૅસેજ આવ્યો, “મારી ફ્રેન્ડ્સ પણ મને ભાગ્યશાળી સમજતી.તું મને કેમ હેરાન ના કરતો.”
“તારા પપ્પા આટલા મોટા જાગીરદાર છે,તને હેરાન કરીને મારે મારા પગ પર કુલ્હાડી મારવી?,અને તને કહું છું ને હું કોઈને હેરાન નહોતો કરતો” ચોખવટ પાડતાં મેં મૅસેજ મોકલ્યો.હું શું વાત કરવા ઇચ્છતો હતો એ મને સમજાતું નહોતું પણ મને મજા આવતી હતી.છેલ્લાં ઘણા વર્ષો જૂની વાતો બહાર આવતી જતી હતી.
“એ તો ઠીક છે પણ મને એ વાત નથી સમજાતી કે પેલો બારમાં ધોરણનો તોફાની જૈનીત કૉલેજમાં આવીને ડાહ્યો કેમ થઈ ગયો?,પ્રિન્સિપાલને કારણે કે પછી છોકરીઓને કારણે?”
“મારી બડી કારણે…તેઓએ મને સલાહ આપી છે કે કૉલેજમાં હું કોઈની સાથે ઝઘડો ના કરું.”મેં કહ્યું.
“એટલે જ તે દિવસે રિદ્ધિને ગાલે પપ્પી ભરી અને પાછળથી ‘સૉરી બેન રેગીંગનો શિકાર થયો છું’ એમ કહી ભાગી ગયો હતો,રિદ્ધિ તારી વાત પર હસી હસીને લોથપોથ થઈ ગઈ હતી.કેટલો ફટ્ટુ છે તું” એક સાથે ડઝન જેટલા હસતાં ઇમોજી સાથે નિધિનો મૅસેજ આવ્યો.
“છોડને યાર…કોઈને સીધા માણસોની કદર જ નથી..”મોં બગાડતાં ઇમોજી સાથે મેં મૅસેજ મોકલ્યો.
“આપણે કોલમાં વાત કરીએ,ઇમોજીમાં એક્સપ્રેશન ના સમજાય મને”નિધીનો મૅસેજ આવ્યો.
હું કૉલમાં વાત કરવા માટે તૈયાર જ નહોતો.અરે મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે કૉલમાં વાત થશે.શું વાત કરવી મારે? એકવાર તો ના કહી દેવાનું મન થઈ ગયું પણ હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવ્યા હોય તો મોં ધોવા થોડું જવાય?,જે થશે એ જોયું જશે એમ વિચારી મેં ‘હા’નો મૅસેજ નાખી દીધો.
“હેલ્લો…જૈનીત?”એ બોલી.શું જવાબ આપવો તેની મને કોઈ ગટાગમ ના પડી.તેનો અવાજ મને મધ કરતાં પણ મીઠો લાગતો હતો.
“હેલ્લો…”એ બીજીવાર બોલી.
“કંઈક બોલીશ કે પછી મૌનવ્રત લીધું છે?..હેલ્લોઓઓ..”એ બોલતી રહી પણ અહીં મારું મગજ બ્લેન્ક થઈ ગયું હતું.
“જૈનીત…હું કૉલ ડિસકનેક્ટ કરું છું”આખરે કંટાળીને નિધિએ કહ્યું.
“સાંભળું છું”આખરે હિંમત કરીને મેં મૌનવ્રત તોડ્યું.
“ક્યારનીય હેલ્લો હેલ્લો કરું છું…જવાબ તો આપ”ફરિયાદ કરતાં નિધિએ કહ્યું.
“તારો અવાજ….”મેં મસ્કો માર્યો, “તારો અવાજ કેટલો મીઠો છે.મન કરે બસ સાંભળ્યા જ રાખું”
“હાહાહા”નિધિ હસી પડી, “પહેલીવાર થોડો સાંભળે છે?”
“મારા માટે તો પહેલીવાર જ છે”મેં કહ્યું, “આજ પહેલાં મને ઉદ્દેશીને તું ક્યારેય નથી બોલીને!”
“ઓ હેલ્લો, યાદ ના હોય તો યાદ કરવાની કોશિશ કર, મેં તને કોલેજના પહેલાં દિવસે જ મારો કલાસ પૂછ્યો હતો અને ત્યારે પણ મૂંગાની જેમ ખભા ઉછાળી ભાગી ગયો હતો”
“તને એ પણ યાદ છે?”મને અચરજ થયું.સાથે હું ખુશ પણ થયો.
“મને તો યાદ છે, શાયદ તું ભૂલી ગયો હશે.”નિધિએ કટાક્ષમાં કહ્યું, “બીજી બધીને તો વ્યવસ્થિત જવાબ આપતો હતો.ખબર નહિ મારી સાથે શું પ્રોબ્લેમ હતી તને?”
પ્રોબ્લેમ તો કોઈ નહોતી પણ આપણે બંને રહ્યા એક ગામના અને મને એમ હતું કે તું મને તોફાની છોકરો જ સમજે છે એટલે હું દૂર રહેતો હતો”
“હાહાહા,તું એવું સમજતો હતો અને હું વિચારતી હતી કે ગામનો છોકરો છે તો મને કૉલેજમાં એકલું નહિ લાગે.સારો દોસ્ત મળશે.સાથે કેન્ટીનમાં નાસ્તો કરીશું.લેક્ચર બંક કરી ફરવા જશું.”
“હું શરમાળ છું,સામેથી કોઈની સાથે વાત કરતાં સહેજ પ્રોબ્લેમ થાય મને”મેં ખચકાટ સાથે કહ્યું.
“બકા તું સુરતમાં છે,આપણાં ગામમાં નહિ.અહીં થોડી ગુસ્તાખી કરી લેવાની.અને આમ પણ ફજેતી થાય તો ક્યાં કોઈ ઓળખે છે.છોકરીઓ જોડે હસી મજાક કર,ખુલ્લીને વાતો કર.આ દુનિયામાં શું લઈને આવ્યો અને શું લઈને જવાનો છે?,જિંદગી ઈચ્છા અનુસાર જીવતા શીખ”નિધીએ લાબું ભાષણ આપી દીધું.
“આ બધી વાતો કહેવામાં સહેલી છે.એક છોકરાં માટે આ કેટલું મુશ્કેલ છે એ તું નહિ સમજી શકે અને ખાસ કરીને એક ગામડાનો એવો છોકરો જેણે જિંદગીમાં કોઈ દિવસ એક પણ છોકરી સાથે વાત ના કરી હોય એનાં માટે તો અસંભવ જેવું જ છે”મેં તેને સમજાવતાં કહ્યું.
“તું મારી સાથે તો નોર્મલી વાત કરે છે. તને અત્યારે કોઈ પ્રોબ્લેમ થતી હોય એવું મને નથી લાગતું”નિધિ બહેસ કરવાના મૂડમાં લાગતી હતી.
“એ તો તે સામેથી વાત કરીને મને કમ્ફર્ટઝોનમાં લીધો એટલે”
“વાત જ એ છે બકા, આપણે સામેથી જેટલી ખુલ્લીને વાતો કરીએ,લોકો એટલા જ મોકળાશથી વાતો કરશે”
“પણ..”હું કંઈ બોલું એ પહેલાં નિધીએ મારી વાત કાપી નાંખી, “કાલે કૉલેજે મળવાનું છે અને નોર્મલી વાત કરવાની છે.જો ના મળ્યો તો હું ઘરે આવીને મારીશ.અત્યારે મોડું થાય છે ફોન રાખું.શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ”
સામેથ જવાબની રાહ જોયાં વિના કૉલ કટ થઈ ગયો.મને પોતાની પર જ હસવું પણ આવતું હતું.પહેલી જ વાતમાં મેં આટલું મોટું રહસ્ય કેમ જણાવી દીધું એ મને જ નહોતું સમજાતું.
ખેર,જે થયું એ.પણ એક વાત નક્કી હતી.આજની વાતમાં ભલે નિધિએ કંઈ ના કહ્યું હોય તેમ છતાં નિધિ પણ મને પસંદ કરતી હશે એવું તો પ્રતિત થઈ જ ગયું હતું.
(ક્રમશઃ)
શું થશે આગળ? જૈનીત પ્રેમનો એકરાર કરી શકશે કે નહીં?,શું થશે જ્યારે નિધિ જૈનીતને ફેસ ટુ ફેસ મળશે?
જાણવા વાંચતા રહો.જોકર – સ્ટૉરી એક લુઝરની
-મેર મેહુલ
Contact - 9624755226