લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૫ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૫


લોકડાઉનનો પંદરમો દિવસ:

લોકડાઉનના કારણે રોડ રસ્તા, શહેર, ગામ, ગલી બધું જ સુમસાન પડ્યું હતું, ચૌદ દિવસો વીતી ગયા હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો, હાલત તો પહેલા કરતાં પણ વધારે ખરાબ બનતી જઈ રહી હતી, સુભાષ અને મીરાંના સંબંધોમાં પણ લોકડાઉન જ ચાલી રહ્યું હતું, મીરાં સુભાષ સાથે હવે આગળ વધવા માંગતી હતી પરંતુ સુભાષને પોતાનો ભૂતકાળ મીરાં સાથે આગળ વધવા દેવામાં સંકોચનો અનુભવ કરાવતો હતો, તેને કરેલી ભૂલની માફી તે મીરાં પાસે માંગી શકે તેમ પણ નહોતો, મીરાંએ તો પોતાના ભૂલોની કબૂલાત કરીને એક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો, પરંતુ સુભાષ આગળ વધી શકે તેમ નહોતો, તેના મનમાં પોતે કરેલી ભૂલ માટે ઘણો જ પછતાવો હતો.

સવારે બેઠક રૂમમાં ટીવી જોતા જોતા તેના મનમાં આજ બધા વિચારો ચાલી રહ્યા હતા, સુરભી સાથે એ દિવસે જે થયું તે નહોતું થવું જોઈતું, અને એ તો ફક્ત હજુ શરૂઆત હતી, પહેલીવાર તે સુરભીની આટલો નજીક જઈ રહ્યો હતો, જો તેને સુરભીની નજીક ના મનથી જવાનું નક્કી કર્યું હોત તો કદાચ આજે આ ક્ષણે તે મીરાંની નજીક આવવામાં સહેજ પણ કચવાટ ના અનુભવતો, પરંતુ તેને જે કર્યું હતું તેના કારણે મીરાંની નજીક જવામાં પણ તેને દુઃખ થઇ રહ્યું હતું.

હાઇવે ઉપર એક બે હોટેલમાં સુભાષે ઉતરી અને તપાસ કરી પરંતુ રહેવા લાયક કોઈ હોટેલ મળી રહી નહોતી, વડોદરા આવવામાં હવે થોડા કિલોમીટર જ બાકી હતા, સુભાષે સુરભીને કહ્યું હતું કે આપણે વડોદરામાં નહિ રોકાઈએ તેથી ગાડી આગળ જ હંકારી મૂકી, વડોદરાની આગળ આણંદ આવ્યું ત્યાં રહેવા માટે એક સારી હોટેલ મળી ગઈ, સાંજના 7 વાગવા આવ્યા હતા, અને સુભાષ સવારથી જમ્યા વગર જ હતો જેના કારણે હોટેલમાં રૂમ લઇ અને પહેલા જમવા માટે જવાનું નક્કી કરવામાં આવ્યું.

જમીને હોટેલના રૂમનો દરવાજો બંધ કરવાની સાથે જ સુરભી સુભાષને વળગી પડી, સુભાષ પણ આવા કોઈ સ્પર્શને પામવા માટે ઘણા સમયથી તડપી રહ્યો હોય તેમ સુરભીને વળગી રહ્યો, સુરભી ચુંબનથી શરૂઆત કરીને સુભાષના બધા જ અંગો ઉપર પોતાનું આધિપત્ય જમાવી બેઠી, ઘણા વર્ષોથી તેની અંદર જાગેલી શરીરની ભૂખ તે આજે સુભાષના શરીર દ્વારા મિટાવવા માંગતી હતી, આવી જ કોઈ તકની તે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેસી રહી હતી અને આજે તેને આ સમય મળ્યો છે તો એ સમયનો ભરપૂર આનંદ ઉઠાવવા માંગતી હતી.

સુભાષના મનમાં પણ કોઈ ડર હવે દેખાઈ રહ્યો નહોતો, તે પણ સુરભીને પોતાનું શરીર સમર્પિત કરી રહ્યો હતો, મીરાં સાથે છેલ્લા ઘણા સમયથી આ સુખ તેને મળ્યું નહોતું અને આજે સુરભી તેને આ બધા જ સુખોથી નવડાવી રહી હતી, સુરભી પણ જાણતી હતી કે બીજીવાર આવો અવસર જલ્દી નહિ મળે માટે તેને પણ નક્કી કર્યું હતું કે આજે રાત્રે સૂવું નથી અને સવારે પણ રૂમ ખાલી કરવાના સમયે જ રૂમમાંથી બહાર નીકળવાનું છે.

સુભાષ પણ બધું જ ભાન ભૂલીને સુરભીને સર્વસ્વ સોંપી બેઠો, એ રાત્રે મોડા સુધી સુરભી અને સુભાષ શરીર સુખનો આનંદ માણતા રહ્યા, સુભાષને પણ સુરભી સાથે વિતાવેલી આ ક્ષણો ગમવા લાગી હતી, મીરાં કરતા પણ વધારે ઉત્તેજના સુરભીમાં તેને અનુભવી હતી જેના કારણે તે વધુ આનંદ મેળવી શક્યો.

સુરભીએ સુભાષને બીજીવાર આ રીતે મળવાનું પણ પૂછ્યું, સુભાષને પણ તેની સાથે મઝા આવી હતી તેના કારણે જયારે સમય મળે ત્યારે આપણે અમદાવાની બહાર અથવા અમદાવાદમાં જ કોઈ એવી જગ્યાએ જઈશું તેમ જણાવ્યું. આ ઉપરાંત પણ સુરભીએ સુભાષ પાસે જીવનભર સાથ નહિ છોડવાનું અને એક બીજાને આ રીતે ખુશી આપવાનું પણ વચન માંગી લીધું હતું.

સુરભીને આપેલા આ વચનના કારણે જ સુભાષનું મન વધારે ચિંતિત બન્યું હતું. છતાં પણ આજે તેને નક્કી કરી લીધું હતું કે સુરભી સાથેના સંબંધનો અંત તે લાવી દેશે, અને મીરાં સાથે નવા જીવનની શરૂઆત કરી દેશે, તે મીરાં પાસે પોતે કરેલા વર્તનની માફી પણ માંગવા ઈચ્છતો હતો, પરંતુ તેને એક ડર પણ સતાવતો હતો કે "મીરાં કદાચ મને ખોટો માની અને છોડીને ચાલી જશે તો?" જેના કારણે તેનું મન માંફી માંગતા અચકાઈ રહ્યું હતું.

જમવાનું બનાવીને મીરાં સુભાષ સામે આવીને બેસી ગઈ, સુભાષના ચહેરા ઉપર રહેલી ચિંતાઓ તેને સ્પષ્ટ વાંચી લીધી અને પૂછ્યું: "કેમ આમ ચિંતામાં હોય એમ લાગો છો? કઈ થયું છે?"

સુભાષને એક સમયે તો એમ પણ થઇ ગયું કે મીરાંને જાણવી દે પોતાની ભૂલ વિષે પરંતુ મનમાં રહેલા ડર દ્વારા તે રોકાઈ ગયો અને મીરાંને કહ્યું: "ના કોઈ ચિંતા નથી, બસ એમ જ વિચારતો હતો આ લોકડાઉન વિશે."

"મને પણ આ લોકડાઉનની ચિંતા થાય છે, ક્યાં સુધી આમ હજુ ઘરમાં જ રહેવાનું છે ? જો કે એક રીતે ઘરમાં રહેવું આપણા માટે જ સારું છે, આપણે તો સમજી શકીએ પણ આ બાળકોનું શું ? શૈલી મને છેલ્લા કેટલાય દિવસથી બહાર રમવા જવા માટે પૂછે છે, પણ હું એને ગમે તેમ કરીને સમજાવી દઉં છું." મીરાંએ જવાબ આપતા કહ્યું.

"હા હું સમજુ છું કે બાળકો માટે ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ છે, આપણને જ નથી ગમતું તો બાળકોને કેવી રીતે ગમવાનું છે, અને હજુ તો કઈ નક્કી નથી કે આગળ કેટલા દિવસ સુધી ઘરમાં જ રહેવું પડે, બે ત્રણ દિવસમાં સરકાર તેના વિશે પાક્કી જાહેરાત કરશે. કે લોકડાઉનને આગળ વધારવું કે નહિ?" સુભાષ મીરાંને પરિસ્થિતિ વિશે અવગત કરાવી કહ્યું.

મીરાંએ પણ બીજો પ્રશ્ન તરત પૂછ્યો: "તમને શું લાગે છે? લોકડાઉન વધશે ?"

સુભાષે જવાબ આપતા કહ્યું: "હાલની પરિસ્થિતિ જોતા તો મને એમ જ લાગે છે કે લોકડાઉન વધવાનું છે, પછી જોઈએ શું થાય છે, જો પહેલા ખબર હોત તો આપણે ગામડે જ ચાલ્યા જતાં."

"હા, ગામડે થોડી છૂટ તો મળતી, શૈલી પણ શાંતિથી રમી શકતી, આપણે પણ ખેતરમાં ફરવા જઈ શકતા, અને દિવસો કેમ કરી પસાર થઇ જતા એ પણ ખબર ના પડતી." મીરાંએ ઉત્સાહ સાથે કહ્યું.

"હા પણ હવે તો આપણે અહીંયા જ રહેવાનું છે અને એ પણ આ ઘરની અંદર જ, જો બીજા લોકડાઉન વખતે થોડી છૂટ આપશે તો આપણે ગામડે ચાલ્યા જઈશું." સુભાષે મીરાંને સમજાવતા કહ્યું.

મીરાં પણ હવે ગામડે જવા માટે ઉત્સુક થઇ રહી હતી, તે પણ હવે ઘરની ચાર દીવાલોમાં અકળાઈ રહી હતી, તે તો કોઈપણ રીતે સુભાષની નજીક જ આવવા માંગતી હતી પરંતુ શૈલી પણ ઘરની બહાર નહોતી જઈ શકતી એ પણ તેના માટે ચિંતાનો વિષય હતો.

બપોરે જમ્યા બાદ મીરાં શૈલી સાથે બેડરૂમમાં અને સુભાષ બેઠક રૂમમાં જ સુઈ ગયો. રાત્રે સુતા સુતા મીરાં સુભાષની વધારે નજીક આવવા માટેનું વિચારી રહી હતી, પરંતુ કેવી રીતે આવવું તેને સમજાઈ રહ્યું નહોતું, આ તરફ સુભાષ પણ ઈચ્છી રહ્યો હતો કે તે હવે મીરાંની નજીક જાય અને સુરભીથી દૂર થાય, પરંતુ તેના મનમાં પણ સવાલોના ઘોડાપુર ઉમટ્યા હતા, સુરભી સાથે તે દિવસે રાત્રી વિતાવ્યા પછી બંને અમદાવાદ આવવા નીકળ્યા, મીરાંને લેવા જવાના હજુ ત્રણેક દિવસ બાકી હતા, રસ્તામા પણ ઘણી જગ્યાએ કાર ઉભી રાખી અને બંને રોમાન્સ કરતા રહ્યા, ઘરે આવ્યા બાદ પણ સુભાષનું મન ઘરમાં લાગતું નહોતું, તેને એક જ રાતમાં સુરભીના શરીર સાથે લગાવ થઇ ગયો હતો. સુરભીને પણ સુભાષ સાથે વિતાવેલી એ રાત ગમી હતી અને એટલે જ બીજા દિવસે ઓફિસમાંથી નીકળીને સુરભી પણ સુભાષ સાથે સુભાષના ઘરે આવી અને બંનેએ સુભાષના ઘરમાં જ થોડો સમય સાથે વિતાવી પોતાની વાસનાની આગને શાંત કરી હતી, સતત ત્રણ દિવસ સુધી સુરભી સુભાષના ઘરે આવતી રહી, પરંતુ પછી સુભાષને રવિવારે મીરાંને લેવા જવાનું થયું, સુભાષ તો ઈચ્છતો હતો કે મીરાં હજુ થોડા વધારે દિવસ તેના પિયર રોકાય તો સારું, પરંતુ મીરાંએ જ સામેથી આગળના દિવસે મેસેજ કરીને જણાવી દીધું હતું કે બપોરે લેવા માટે આવી જજો.

વિચારોમાં જ સુભાષની આંખ ક્યારે મીચાઈ ગઈ ખબર ના રહી, આ તરફ મીરાં પણ બેડમાં સુતા સુતા સુભાષની નજીક કેવી રીતે જઈ શકાય તેના વિચારો કરતી રહી.

(શું લાગે છે તમને? આ નવલકથા કેવા વળાંક તરફ વળવા જઈ રહી છે? એક વાચક તરીકે તમે આ નવલકથાને કઈ દિશામાં જોવા માંગો છો? સુભાષ અને મીરાંના સંબંધોમાં આવેલી કડવાશ પાછળ તમે કોને જવાબદાર માનો છો? સુભાષે જે પગલું સુરભી સાથે ભર્યું તે યોગ્ય છે? કોમેન્ટમાં જણાવજો, અને આવી જ રોમાંચકતા જાળવી રાખવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ 16)

લે. નીરવ પટેલ "શ્યામ"