લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૬ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૬


લોકડાઉનનો સોળમો દિવસ:

મીરાં પોતાના સંબંધને લઈને ખુબ જ ચિંતિત હતી, સુભાષની નજીક પહોંચવાના તેના પ્રયાસો પણ કાચા પડી રહ્યા હતા, તે હવે કોઈ એવો જાદુ કરવા માંગતી હતી કે તે સુભાષની એકદમ નજીક થઇ જાય, સુભાષ પણ મીરાંના નજીક આવવા માંગતો હતો, પરંતુ પોતે કરેલી ભૂલોના કારણે તેને મીરાંની નજીક આવવામાં ખચવાટ અનુભવાઈ રહ્યો હતો.

સવારે મીરાં રસોડામાં પોતાના ભૂતકાળને યાદ કરી રહી હતી..."જ્યારે હું પ્રેગ્નેટ હતી ત્યારે સુભાષે મારી ખુબ જ કાળજી રાખી હતી, મારા સીમંત પહેલા હું અમદાવાદ જ રહી, અને સીમંત પછી પણ થોડા સમયમાં જ મારી દવા ચાલુ હોવાના કારણે સુભાષ મને અમદાવાદ લઇ આવ્યા હતા. એ સમય દરમિયાન મારે કામ ના કરવું પડે એના માટે તે સવારે વહેલો ઉઠી જતો, ટિફિન પણ જાતે જ બનાવી દેતો અને મારુ જમવાનું પણ. વાસણ, કચરા પોતા બધા જ કામ સુભાષ જાતે જ કરી લેતો, મને સહેજ પણ કામ કરવાનો મોકો નહોતો આપતો, જો મને સહેજ કામ કરતા જોઈ જાય તો પણ મીઠો ગુસ્સો મારી ઉપર કરતો, ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જવાનું હોય કે મને કઈ ખાવાનું મન થયું હોય, એ ઓફિસમાંથી પણ દોડીને ઘરે આવી જતો. ત્યારે મને સુભાષ માટે પ્રેમ સાથે તેના પ્રત્યે સન્માન પણ વધી ગયું હતું. મારી કાળજીએ નાના બાળકની જેમ રાખતો, મને અને મારા પેટમાં રહેલી શૈલીને એ ખુબ જ સાચવતો છતાં પણ એને એના કામનો જશ નહોતો મળ્યો."

"મને 7મો મહિનો પૂરો થવા આવ્યો હતો. સુભાષ મને દર મહિને સારા ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે તો લઇ જતો હતો પરંતુ સાતમા મહિનાના અંતમાં મને પેટમાં અચાનક દુઃખાવો થવા લાગ્યો હતો અને સુભાષ મને હોસ્પિટલ લઈને ગયો ત્યાં ડોક્ટરે મને દવા આપી પરંતુ આરામ ના થયો, અમે બીજા દવાખાનામાં બતાવવા માટે ગયા, ત્યાં ડોક્ટરે મારી સોનોગ્રાફી કરી અને પછી કહ્યું કે મારા પેટમાં બાળકની આસપાસ પાણી ઓછું થઇ ગયું છે, મારા મમ્મીને પણ આ વાતની જાણ કરી ત્યારે મમ્મીએ અહીંયા આવીને સુભાષને ઘણું સંભળાવ્યું હતું, સુભાષને કહ્યું હતું કે તમે મારી છોકરીની દવા બરાબર નથી કરાવી, તેને સારા ડોક્ટર પાસે નથી બતાવ્યું, વગેરે વગેરે.. પરંતુ સુભાષ મારી મમ્મી સામે એકપણ શબ્દ બોલી શક્યા નહોતા. તેમને મૂંગા મોઢે બધું જ સાંભળી લીધું હતું, મારી હાલત પણ એવી હતી કે હું મમ્મીને કઈ જવાબ આપી શકું એમ નહોતી, એ દિવસે મને હોસ્પિટલમાં જ રાખવામાં આવી ડોકટર પાણી વધે એ માટેની દવા કરી અને રાત સુધીનો સમય આપ્યો, ડોકટરે પહેલા જ કહ્યું હતું કે જો પાણી વધશે તો વાંધો નહિ આવે પરંતુ જો ના વધ્યું તો તાત્કાલિક ડીલેવરી કરાવવી પડશે."

"રાત સુધી અમે હોસ્પિટલમાં જ રહ્યા, મારી મમ્મી અને સુભાષના મમ્મી પણ ત્યાં આવી ગયા હતા, સુભાષ મારી પાસે બેસીને જ મને હિમ્મત અપાવી રહ્યો હતો, ડોકટરે રાત્રે આવીને જોયું પરંતુ કોઈ ફર્ક પડ્યો નહોતો જેના કારણે તેમને તાત્કાલિક ડીલેવરી કરવા માટે કહ્યું, પહેલા તો નોર્મલ ડીલેવરી થાય એ માટે મને ગોળી મુકવામાં આવી, જેના કારણે મને દુઃખાવો થાય અને નોર્મલ ડીલેવરી કરાવી શકાય પરંતુ એમ ના થઇ શક્યું અને છેલ્લે ડોકટરે સિઝેરિયન ડીલેવરી કરીને બાળકનો જન્મ કરાવવાનો નિર્ણય કર્યો."

"મને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી, સુભાષના મમ્મી, મારા મમ્મી અને સુભાષ ઓપરેશન થિયેટરની બહાર જ ઊભા રહી ગયા, થોડીવારમાં જ એક નર્સ, એક નાનું બાળક હાથમાં લઈને બહાર નીકળી, ખુશીના સમાચાર આપતા તેને કહ્યું કે 'લક્ષ્મી આવી છે તમારા ઘરમાં", સુભાષ ખુશ હતો પરંતુ પોતાની ખુશી વ્યક્ત કરતા પહેલા જ તેને નર્સને પૂછ્યું હતું: "મીરાંની તબિયત કેવી છે?' જયારે નર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તે એકદમ બરાબર છે ત્યારે તેને થોડી રાહત થઇ હતી."

"મેં હજુ શૈલીનું મોઢું પણ નહોતું જોયું, હું ભાનમાં આવી એ પહેલા જ ડોકટરે સુભાષને કહ્યું હતું કે: "બાળકીનો જન્મ અધૂરા મહિને થયો હોવાના કારણે તેનું વજન ખુબ જ ઓછું છે જેના કારણે તેને આઈસીયુમાં રાખવાની હતી, મારી ડીલેવરી જે હોસ્પિટલમાં કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં બાળકો માટેના આઈસીયુની સુવિધા નહોતી જેના કારણે શહેરની બીજી હોસ્પિટલમાં શૈલીને લઇ જવામાં આવી હતી. મારી મમ્મી અને સુભાષના મમ્મી બંને શૈલી સાથે જ હતા. સુભાષ મારી પાસે જ રોકાયો, મને ઓપરેશન થિયેટરની બહાર લાવવામાં આવી, પ્રાઇવેટ રૂમ નહોતો જેના કારણે જનરલ વૉર્ડમાં જ મને રાખવામાં આવી હતી. "

"જ્યાં સુધી મને ભાન ના આવ્યું ત્યાં સુધી સુભાષ મારી પાસે જ બેસી રહ્યો, મને ભાન આવ્યું ત્યારે મેં સુભાષનો હાથ પકડી અને પૂછ્યું કે: 'આપણું બાળક ક્યાં છે ?' ત્યારે એમને મને ચહેરા ઉપર સ્મિત સાથે કપાળમાં ચુંબન આપીને કહ્યું હતું કે 'આપણા ઘરે લક્ષ્મી આવી છે, પરંતુ અધૂરા મહિને તેનો જન્મ થયો હોવાના કારણે આઈસીયુમાં રાખવામાં આવી છે, મમ્મી એની સાથે જ છે.' મને ભાન આવ્યું ત્યારે રાત્રીના 2 વાગ્યા હતા, હોસ્પિટલમાં બધા જ સુઈ ગયા હતા, પરંતુ સુભાષ હું ભાનમાં આવું એની રાહ જોઈને મારા પલંગ પાસે જ બેસી રહ્યો હતો. તેને તો કઈ ખાધું પણ નહોતું, એને મારી ખુબ જ ચિંતા થતી હતી. મારી તબિયત કેવી છે એ પણ તેને પૂછી લીધું."

સુભાષ ઉઠી ગયો હતો, મીરાં ભૂતકાળને ભૂલી વર્તમાનમાં આવી અને સુભાષ માટે ચા બનાવવા માટે ગઈ, સુભાષનો એ પ્રેમની આજે મીરાંને ખોટ લાગી રહી હતી. સુભાષથી દૂર જવા પાછળ તે પોતાની જાતને જ જવાબદાર માનતી રહી, પરંતુ સુભાષે તેની સાથે દગો કર્યો હતો એ વાતનો એને જરા પણ અણસાર નહોતો.

બપોરે જમીને જયારે સુભાષ અને મીરાં બેઠક રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે જ મીરાંએ સુભાષને પૂછ્યું:
"સુભાષ, શું આપણા વચ્ચે હવે પહેલા જેવા સંબંધો પાછા નહિ બંધાય? શું આપણે બંને હવે પહેલાની જેમ નજીક નહિ આવી શકીએ?"

સુભાષ પણ ઈચ્છતો હતો કે તે મીરાં સાથે પહેલા જેવા સંબંધો શરુ કરી દે પરંતુ સુરભી તેના વિચારોની વચ્ચે આવી રહી હતી, તે પહેલા સુરભી સાથેના સંબંધોનો અંત આણવા માંગતો હતો, તે મીરાં સાથે પાછો મનથી જોડાવવા માંગતો હતો, પરંતુ મીરાંએ પૂછેલા આ સવાલનો જવાબ પણ આપવો અનિવાર્ય હતો જેના કારણે તેને એક ઉપાય શોધીને કહ્યું: "મીરાં, હું પણ ઈચ્છું છું કે આપણા બંનેના સંબંધો આગળ વધે, આપણા સંબંધોમાં પણ એક જીવંતતા આવે, પણ આ બધા વચ્ચે એટલો બધો સમય એવો આવી ગયો છે કે આપણે ચાહવા છતાં પણ નજીક નથી આવી શકતા, એમાં ભૂલ તારી એકલીની નથી મારી પણ છે, તે તો તારી ભૂલોની કબૂલાત સહજતાથી કરી લીધી, પરંતુ મારી ભૂલોની કબૂલાત હું તારી આગળ નથી કરી શકતો."

"તમે ક્યાં કોઈ ભૂલ કરી છે? ભૂલ તો મેં જ કરી હતી તમારાથી દૂર જવાની, ખોટી માંગણીઓ કરવાની, મારી જીદ પુરી કરવાની? અને આ ભૂલો મને સમજાઈ રહી છે, તમે તો હરદમ મને પ્રેમ જ આપવાનો પ્રયત્ન કર્યો છે, આટલા વર્ષો સુધી તમે તો મારી ચિંતા જ કરી છે, ભલે હું ગુસ્સામાં ગમે તેમ બોલી ગઈ હોય પણ તમે તો આટલા વર્ષોમાં ના ક્યારેય મારા ઉપર હાથ ઉઠાવ્યો છે ના મારી સાથે ઊંચા આવજે ક્યારેય વાત કરી છે, દરેક વાત તમે પ્રેમથી જ સમજાવતા આવ્યા છો. તો ભૂલ તમારી નહિ મારી એકલીની જ છે." મીરાંએ પોતાની ભૂલો કબુલતા સુભાષને કહ્યું.

સુભાષ જાણતો હતો કે મીરાં હજુ ઘણી વાતોથી અજાણ છે અને તેના કારણે જ તે પોતાનો દોષ સમજી રહી છે. પરંતુ જયારે તે મારી ભૂલો જાણશે ત્યારે શું એ મને માફ કરી શકશે? આ વિચારે સુભાષ કઈ બોલી શક્યો નહિ પરંતુ તેને મનોમન નક્કી કરી લીધું કે હવે તે મીરાં સમક્ષ પોતાની ભૂલો કબૂલી લેશે અને મીરાંને કહ્યું: "મીરાં કાલે રાત્રે શૈલીના સુઈ ગયા બાદ આપણે બંને અહીંયા જ બેસીને વાત કરીશું, ભૂલ તે એકલીએ નથી કરી, મારી પણ છે અને મારી ભૂલ હું તને કાલે રાત્રે જણાવીશ, પછી તું નિર્ણય કરજે."

સુભાષની વાત સાંભળીને મીરાંનું મન પણ ચકરાવે ચઢી ગયું, તે મનોમન વિચારવા લાગી કે એવી કઈ ભૂલ હશે જે સુભાષે તેનાથી છુપાવી હશે? દિવસ આખો એજ વિચારોમાં પસાર થઇ ગયો રાત્રે જમીને પણ બંનેએ એકબીજા સાથે વાત ના કરી, મીરાં હવે બીજા દિવસની રાતની રાહ જોવા લાગી."

(શું સુભાષ પોતાની ભૂલો મીરાં આગળ સ્વીકારી શકશે? શું સુભાષના ભૂલો સ્વીકાર્ય બાદ મીરાં તેને માફ કરી શકશે? શું લાગે છે તમને? શું આવશે આ વાર્તાનું નવું રહસ્ય? જિજ્ઞાસા વધારવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-17)

લે. નીરવ પટેલ "શ્યામ"