લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૩ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૩

લોકડાઉનનો ત્રીજો દિવસ:

મીરાં આખી રાત મનમાં ચાલતા વિચારોના કારણે સુઈ નહોતી શકી, સવારે વહેલા ઉઠીને રસોડામાં ચાલી ગઈ, સુભાષ અને શૈલી સુઈ રહ્યા હતા. રસોડામાં જઈને તે વિચારવા લાગી કે કેવી રીતે સુભાષ સાથે વાત કરવી, તેને પણ છેલ્લા ત્રણ વર્ષમાં ઘણું બધું સહન કર્યું હતું, પોતાની કેટલીય જરૂરિયાતોને દિલમાં જ દબાવી રાખી હતી. લગ્ન પહેલા તેને કેવા કેવા સપના જોયા હતા ? અમદાવાદમાં પોતાનું ઘર હશે, એક વૈભવી જીવન હશે, પુષ્કળ પ્રેમ કરનારો પતિ હશે, પરંતુ લગ્નબાદ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. બધા જ સપના, બધી જ ઈચ્છાઓ રસોડામાં જ સમેટાઈ ગયા.

લગ્ન પહેલાના એ દિવસો મીરાં યાદ કરવા લાગી, જ્યારે સુભાષ તેને જોવા માટે તેના ઘરે આવ્યો હતો, તેને દૂરના એક સંબંધીએ સુભાષની વાત તેના ઘરમાં કરી હતી, સુભાષના આવતા પહેલા જ સુભાષ વિશેની પ્રસંશાઓ કરી દેવામાં આવી હતી. "ત્રણ વર્ષથી અમદાવાદમાં નોકરી કરે છે, માતા-પિતા ગામડે રહે છે અને એ શહેરમાં રહેવા આવવાની ના કહે છે, ગામડે 10 વીઘા જમીન છે, અદમવાદમાં સારી નોકરી છે, અને થોડા જ સમયમાં પોતાનું ઘર પણ આમદાવાદમાં લેવાનો છે" અને એવી તો ઘણીય વાતોથી સુભાષના વખાણ કરવામાં આવ્યા હતા.

સુભાષ જ્યારે મને જોવા માટે આવ્યો ત્યારે પહેલી જ નજરમાં મને ગમી ગયો હતો, દેખાવમાં આકર્ષક, સ્વભાવે શાંત, વાત કરવામાં પણ થોડો શરમાળ હતો, ત્યારે મેં એમ જ વિચાર્યું હતું કે આ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં કઈ ખોટું નથી અને મેં તરત હા કહી હતી, એકબીજાની ઓળખાણ વધે એ માટે અમે પહેલી મુલાકાતમાં જ અમે એક બીજાનો ફોન નંબર શેર કરી દીધો હતો.

જે દિવસે સુભાષ મને જોઈને ગયો હતો એ જ દિવસે તેનો રાત્રે મેસેજ આવ્યો હતો. "તું તારી મરજીથી જ તો હા કહી રહી છું ને?, હું તને પસંદ તો છું ને?" અને મેં પણ હા માંજ જવાબ આપ્યો હતો, અમારા બંનેની હા બાદ થોડા જ સમયમાં અમારી સગાઈ નક્કી થઇ, સગાઈના 8 મહિના પછી લગ્ન થયા પરંતુ એ 8 મહિના અમારા માટે ખુબ જ ખુશીના હતા.

સુભાષ નાની નાની વાતોમાં મારી ચિંતા કરતો, જયારે એ મને જોવા આવ્યો ત્યારે એ મને આંખોથી માત્ર પસંદ આવ્યો હતો, પરંતુ સગાઈ અને લગ્નના સમયની વચ્ચે મને તેના માટે પ્રેમ જાગ્યો હતો. એના જીવનમાં પણ હું પહેલી છોકરી હતી અને મારા જીવનમાં પણ એ પહેલો પુરુષ. સગાઈ બાદ એ નાની નાની વાતોમાં મારી ચિંતા કરતો, દિવસમાં 50 વાર એ મારા હાલ પૂછતો, હંમેશા મને ખુશ રાખવાના પ્રયત્નો કરતો હતો. પણ આજે અમારી વચ્ચે એવું કંઈજ નથી. હવે તો દિવસમાં એકે વખત પણ મારા વિશે કઈ પૂછતો નથી.

ટીવી ચાલુ થવાનો અવાજ સંભળાયો અને મીરાંનું ધ્યાન ભૂતકાળના વિચારોમાંથી તૂટી વર્તમાનમાં પહોંચ્યું, સુભાષ જાગી ગયો હતો. મીરાંએ તેના માટે ચા બનાવી, અને તેને આપવા માટે બેઠક રમ તરફ આવી. ચાનો કપ ટિપોઈ ઉપર મૂકીને જેવી રસોડામાં પાછી જવા જતી હતી ત્યાંજ સુભાષે તેને અવાજ આપી રોકી.

"મીરાં. બેસ સામે મારે થોડી વાત તારી સાથે કરવી છે."

મીરાં અચાનક વિચારવા લાગી કે સુભાષને મારી સાથે શું વાત કરવી હશે? કદાચ કાલે તેની મમ્મી સાથે જ્યારે તે વાત કરતી હતી ત્યારે સુભાષ સાંભળી તો નહિ ગયો હોય ને? આવા બધા વિચારો મીરાંના મનમાં ફરી વળ્યાં, મીરાં કઈ બોલ્યા વગર જ સુભાષની સામે બેસી ગઈ.

સુભાષે પણ ટીવીબંધ કર્યું અને મીરાંની સામે બેસી ગયો અને કહેવા લાગ્યો..

"જો મીરાં, છેલ્લા ઘણા સમયથી આપણી વચ્ચે કઈ સારું નથી ચાલી રહ્યું, ઘણી બાબતોને લઈને આપણી વચ્ચે હવે ઝગડા થવા લાગ્યા છે, અને આ ઝગડાની અસર શૈલી ઉપર પણ ધીમે ધીમે પડવા લાગશે, હું એમ નથી કહેતો કે વાંક બધો તારો જ છે, આ ઝઘડાઓ માટે હું પણ જવાબદાર એટલો જ છું, પણ ક્યાં સુધી આપણે આ નાની નાની બાબતોને લઈને ઝગડો કરતા રહીશું? આ બાબતે આપણે બંનેએ વિચાર કરવો પડશે, બંનેએ સમજવું પડશે."

મીરાં આજ તકની રાહ જોઈને બેઠી હતી, મીરાંએ પણ કહ્યું:
"તમે પણ ક્યાં મારી વાત માનો છો? હું કહું છું તેમ તમે પણ કરવા માટે તૈયાર નથી થતા, દિવસે-દિવસે મોંઘવારી વધી રહી છે, આપણી પાસે ના તો પોતાનું ઘર છે, ના ભવિષ્યમાં પણ ઘર લેવાનું કોઈ આયોજન, અને ઘરના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે, ભાડાં પણ વધી રહ્યા છે. હમણાં આપણે નથી ખરીદી શકતા તો ભવિષ્યની તો વાત જ નહી કરવાની ને? ગામડામાં તમારી જમીન છે, એની કિંમત 5 વર્ષ પહેલા પણ એજ હતી અને આજે પણ એજ છે, પણ જો એ સમયે તમે ગામડાની જમીન વેચી અને અહીંયા ઘર ખરીદી લીધું હોત તો આજે એ ઘરની કિંમત પણ ત્રણ ઘણી વધી ગઈ હોતી, આપણા પાડોશમાં રહેતી દેવકી અને તેના પતિએ આપણા લગ્નના બીજા વર્ષે જ ઘર ખરીદ્યુ હતું, અને આજે જુઓ એ જગ્યાએ ઘરની કિંમત અત્યારે ત્રણ ઘણી વધી ગઈ છે. ક્યાં સુધી આપણે આ ભાડાના ઘરમાં રહીશું ? કાલે શૈલી મોટી થશે, એના પણ ખર્ચ વધશે, આપણી પણ જરૂરિયાતો વધશે, કેવી રીતે પહોંચી વળીશું એ બધામાં? ના તમે નોકરી બદલો છો ના તમારો પગાર આ 5 વર્ષમાં 5 હજારથી વધારે થયો છે. દર વર્ષે પગાર વધારાના નામ ઉપર માત્ર 1 હજાર વધારે આપે છે. આપણા લગ્ન થયા ત્યારે 20 હતો અત્યારે 25 છે. 25 હાજરમાં કેમ કરી ઘર ચલાવવું એજ નથી સમજાતું, મારા તો કોઈ શોખ હું પુરા નથી કરી શકતી એનો અફસોસ નથી મને, પણ કાલે શૈલી મોટી થશે, એ કોઈ વસ્તુની માંગણી કરશે ત્યારે? ત્યારે આપણે શું કરીશું?"

"જો મીરાં, આ બાબતે મેં પણ ઘણું વિચાર્યું છે, હું પણ સમજુ છું કે મારા પગારમાં આપણા ઘરનો ખર્ચ જ માત્ર નીકળી શકે છે, ના આપણા મોજશોખ પુરા થાય છે, ના આપણા સંતાનોના..."

સુભાષ બોલતો હતો ત્યાંજ શૈલી પણ ઉઠીને આવી ગઈ, એટલે સુભાષે વાત બંધ કરી અને મીરાંને કહ્યું કે આપણે પછી વાત કરીશું, મીરાંને થોડો અફસોસ થયો કે સરસ વાત કરવાનો તાલ મળ્યો હતો ત્યાં જ શૈલીના કારણે વાત અટકી પડી, પરંતુ પછી વાત કરીશું એમ નક્કી કરી અને તે ઉભી થઇ શૈલી માટે દૂધ લેવા માટે ગઈ.

સુભાષ પણ શૈલીને રમાડવામાં વ્યસ્ત થઇ ગયો.બપોરે પણ વાત કરવાનો કોઈ અવસર ના મળ્યો, રાત્રે જમી અને બેડરૂમમાં સુવા માટે મીરાં ગઈ, શૈલીને સુવડાવી મીરાંએ વાત કરવાનું નક્કી કર્યું પરંતુ સુભાષને એ દરમિયાન જ થોડું કામ આવી ગયું જેના કારણે તે લેપટોપ લઈને મોડા સુધી કામ કરતો રહ્યો.

મીરાંએ પણ શૈલીને સુવડાવ્યા બાદ, બેઠક રૂમમાં જઈને સુભાષને કહ્યું: "કે અત્યારે વાત કરી શકીએ આપણે?" પણ સુભાષે જવાબ આપ્યો કે: "ઓફિસમાંથી અરજન્ટ કામ આવ્યું છે અને અત્યારે ઘરેથી કામ કરનારા કોઈ એડિટર અવેલીબલ નથી, માટે મારે કરીને આપવું પડે એમ છે, તો આજે રહેવા દઈએ, કાલે આપણે વાત કરીશું."

સુભાષની વાત સાંભળીને મીરાં પાછી બેડરૂમમાં આવીને બેડ ઉપર આડી પડી, આજે તેને ઊંઘ નહોતી આવી રહી, તેના મનમાં પણ વિચારો ચાલતા હતા કે કેવી રીતે હવે સમસ્યાનું સમાધાન લાવીશું, કેવી રીતે મુશ્કેલીઓનો અંત આવશે.

આ તરફ સુભાષ કોરોના વાયરસના તાજા આંકડા ઉપર એક સમાચાર લખી રહ્યો હતો. જેમાં 27 માર્ચ,2020 સુધીમાં દેશભરમાં કુલ 887 કેસ નોંધાઈ ચુક્યા હતા અને કુલ મૃત્યુઆંક 19 સુધી પહોંચી ગયો હતો. સુભાષને પણ હવે આવનાર સમયની ચિંતા થવા લાગી હતી, જો આ વાયરસ વધી ગયો તો 21 દિવસનું લોકડાઉન પણ વધી શકે તેમ છે, અને ઘરમાંથી પણ નીકળવું મુશ્કેલ થઇ શકે તેવી ચિંતા પણ તેને સતાવી રહી હતી.

(શું મીરાં બીજા દિવસે સુભાષ સાથે વાત કરી શકશે? શું બંને વચ્ચેની પરિસ્થિતિ બદલાશે કે પછી આ વાર્તા કોઈ નવા જ વળાંક તરફ વળવાની છે? જાણવા માટે વાંચો "લોકડાઉન-21 દિવસ" ભાગ-૪)

લે. નીરવ પટેલ "શ્યામ"