નસીબ ના ખેલ... - 29 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 29

ધરા આશ લગાવીને તો બેઠી હતી કે કેવલ એબાજુ તરફ ઢળી જશે પણ ધરા નું નસીબ એટલું સારું ક્યાં હતું??? ધરા દિલ થી જોડાવવા માંગતી હતી પણ કેવલ ફકત દુનિયાદારી નિભાવી રહ્યો હતો, લોકો વસ્તુ વાપરતા હોય છે અને સંબંધ નિભાવતા હોય છે પણ કેવલ અહીં લગ્ન નો આ સંબંધ નિભાવવાને બદલે ધરાને વાપરી રહ્યો હતો, ધરા ના સારા દિવસો એ કેવલ ધરા વચ્ચેના પ્રેમ ને કારણે નહીં પણ લગ્ન બાદ થયેલા પતિપત્ની ના કહેવાતા સંબંધ ના કારણે હતા એ વાત અત્યારે ધરા નોહતી સમજી શકી, કેવલ ના મન માં કેટલું કપટ છે એ વાત થી ધરા અજાણ હતી.
આ તરફ ધરા અને તેના મમ્મી પપ્પા ખુશ હતા કે હવે ધરા મા બનવાની છે, તો બીજી બાજુ નિશાના મન માં કાંઈ કેટલીય મેલી રમત રમાઈ રહી હતી, પહેલા ગર્ભપાત ના ઈન્જેકશન ના કારણે ધરા લગભગ દર મહિને બીમાર રહેવા લાગી અને નિશા આ જ વાત ને પકડીને ધરા સાથે લડવા લાગી, અને ઝગડો થાય ત્યારે નિશા બોલવામાં કાંઈ બાકી ન રાખતી, "તને તો દીકરી જ આવશે, દીકરો તો સાસુ ના આશીર્વાદ હોય એને જ મળે, તારા બાળક ને કાચની પેટીમાં રાખવું પડશે, પોતે આટલી માંદી રહે છે તો છોકરૂ શું સારું જણીશ ?? , શ્રીમંત બાદ તું પિયર જઈશ સુવાવડ કરવા તો પાછળ થી તારો વાર બીજી સ્ત્રી પાસે જશે.... " વગેરે વગેરે જેવા તીખા અને કટુ શબ્દો નો મારો ચાલતો ધરા પર
જો કે ધરા બધું સાંભળી લેતી, રાતે કેવલ પાસે રડતી અને કેહતી કે ભાભી આમ કેમ કરે છે?? આજે ભાભી એ આ શબ્દો કીધા, આજે ભાભી આમ બોલ્યા અને કેવલ દર વખતની જેમ કાંઈક ને કાંઈક ઉડાઉ જવાબ આપી દેતો પણ ક્યારેય પોતાની ભાભી ને એક શબ્દ ન કહેતો....
ધરા આ બધી વાત પોતાના પિયરમાં નોહતી કેહતી, એને બીક એ હતી કે કદાચ બધા એનો જ વાંક કાઢશે કે મોટી બહેન તો ત્યાં વર્ષો થી છે સાસરે, તને વાળી એવુ શું દુઃખ છે?? !! અને પાછું એમ પણ થતું કે જો એ આ બઘી વાત કરશે તો પપ્પા ને દુઃખ થશે, અને ધરા એના પપ્પા ને જરાય દુઃખી કરવા નોહતી માંગતી....
પણ ધરા ની બીમારી ને કારણે ઘણીવાર ધીરજલાલ અને હંસાબેન ભાવનગર આવતા પણ જુનવાણી સ્વભાવના હોવાના કારણે ધરા ના ઘરનું પાણી પણ ન પીતા, ચા પાણી તો ધરા ના પાડોશી આપી જતા હતા અને જમવાનું એ લોકો બહાર પતાવતા હતા, આવી જ રીતે એકવાર તેઓ ધરાની ખબર કાઢવા આવ્યા હતા ત્યારે હંસાબેન પાડોશમાં ચા ના કપરકાબી પાછા આપવા ગયા અને પાડોશી તેમની પાસે બધી વાત કરવા લાગ્યા કે તમે ધરા ને અહીં કેમ પરણાવી? પાડોશમાં કોઈક ને તો પૂછ્યું હોત, બધા ના જ પાડત કે અહીં દીકરી ન જ અપાય.... નિશા તો ધરા સાથે આવો વ્યવહાર કરે છે, આમ ઝગડા થતા હોય છે... વગેરે જેવી ઘણી વાતો કરી.
આ બધી વાતો સાંભળી ને હંસાબેન ખુબ જ ચોંકી ઉઠ્યા હતા, સાથે સાથે એમને ધરા પ્રત્યે માન પણ થયું કે દીકરી હવે મોટી થાય ગઈ, પોતે ઘણું સહન કરી રહી છે પણ અમને કાંઈ અણસાર પણ આવવા નથી દેતી.
નિશા આ બાજુ કપટ પર કપટ કરી રહી હતી... પ્રેગ્નનસી દરમિયાન પિયર ન જવાય શ્રીમંત કર્યા પહેલા એમ કહી ને ધરા નું પિયર જવાનુ બંધ કર્યું હતું એણે. પણ હવે હંસાબેન બધું જાણી ચુક્યા હતા એટલે એ પોતે જ લગભગ દર મહિને ખબર કાઢવા ના બહાને આવવા લાગ્યા અને ધરા નું આ અવસ્થામાં ધ્યાન રાખવા લાગ્યા,
દિવસો ને જતા વાર ક્યાં લાગે છે? ધરા ના શ્રીમંતનો દિવસ પણ નજીક આવી ગયો, પણ ધરા નું શ્રીમંત નિશા એ જાણીજોઈને સાસરીના મૂળ ગામડામાં રાખ્યું, જ્યાં કોઈ ખાસ સગવડ હતી જ નહિ, અને નિશા એ પણ કોઈ જાતની તૈયારી કરી જ નહિ, ન ફૂલહાર ની વ્યવસ્થા કરી ના તો ફોટોગ્રાફરની , એને તો બસ આ એક રિવાજ હતો જે પૂરો કરવો હતો અને ધરા ને એના પિયર મોકલવી હતી.
પણ નિશા ક્યાં જાણતી હતી કે આ રિવાજ માટે કુટુંબના બધા ને આમંત્રણ આપ્યું હતું એમાં જ એનો ભાંડો ધરા સમક્ષ ફૂટવાનો હતો, એના અને કેવલ ના અનૈતિક સંબંધો ધરા સમક્ષ આવવાના હતા, એ બધા પ્રપંચ ખુલવાના હતા જે આજ સુધી એ રમતી આવી હતી,
જોવાનું એ છે કે શું ધરા આ બધું જાણીને જીવી શકશે? શું ધરા નસીબ ની આ થપાટ સહન કરી શકશે???